મારી ચાર વર્ષની દીકરીએ મને બે દિવસ પહેલા નિર્દોષ સવાલ કરેલો, 'પપ્પા પગમાં શું નાખી શકાય ? ' ત્યારથી હું 'પગમાં શું નાખી શકાય' તે વિષે વિચારું છું. જો કે મારી પુત્રીનો ઈશારો મહેંદી તરફ હતો, પણ માનવીનો સ્વભાવ ખણખોદીયો ખરો !, તેથી હું આ વિષયમાં બીજી શક્યતાઓ વિચારવા માંડ્યો પણ આટલા મનોમંથન પછી પણ પરિણામ તો એસ.એસ.સી માં આવ્યું હતું એવું સાવ નબળું જ આવ્યું. ઘણીવાર તમારા નસીબે અથવા લખણે પગમાં તમે (ડોક્ટરની મદદથી) સળિયા કે પ્લેટ નાખી શકો. અહી વ્યાકરણને થોડો મૂઢ માર મારી 'નાખી શકાય' શબ્દ સાથે બાંધી શકાય, ચોપડી શકાય, ઘસી શકાય કે પહેરી શકાય વગેરે જેવા શબ્દો ચલાવી લઈએ તો વધુમાં વધુ આપણી સમક્ષ સ્ત્રીઓના કિસ્સામાં ઝાંઝર, નખ પોલીશ, વેસેલીન, બ્યુટી ક્રીમ, વાળ દૂર કરવાની ક્રીમ, ફટી એડીયાવાળી ક્રીમ (અહી આઈસ્ક્રીમ સિવાયની મોટાભાગની ક્રીમ સમજી લેવી), પુરૂષોના કિસ્સામાં ગૂમડા-ઘા મટાડવાની ક્રીમ, ખંજવાળ દૂર કરવાની ક્રીમ, ખાસ કિસ્સાઓમાં હળદર, મલમ, દુખાવો મટાડવાની ક્રીમ અને પ્લાસ્ટર જેવી વસ્તુઓ યાદ આવે. (પ્લાસ્ટરના કિસ્સામાં સ્ત્રી પુરુષના ભેદભાવ નથી ) અમુક જુજ અથવા ક્યારેક જ બનતા કિસ્સામાં પગમાં પગબેડી પણ પહેરાવવામાં આવે છે, પગના વિષયમાં આથી આગળ મને કશું યાદ આવતું નથી અથવા તો આથી વધારે વિચારવું કે યાદ કરવું મતલબ જૂનાગઢમાં સારા અને ખાડાવિહીન રસ્તાઓ શોધવા જે તમને નહીં મળે.
હવે ઉપરના પ્રશ્ન ને જરા ઉલટાવી જોઈએ,મતલબ કે 'પગમાં શું નાખી શકાય' ની જગ્યાએ 'પગ ક્યાં નાખી શકાય?' આ પ્રશ્નના જવાબ બાબત આપણે થોડા સાધનસંપન ખરા, સૌથી પહેલા ચંપલ, બૂટ-મોઝા દોડીને આપણી પાસે આવે. વિશ્વનો લગભગ દરેક વ્યક્તિ પોતપોતાના બૂટ-ચંપલમાં પગ નાખતો હોય છે. (ઘણા લોકો બીજાના બૂટ ચંપલ પણ ટ્રાઇ કરી લે છે.) વનનિવાસીઓ પણ આ મામલે પ્રગતિ કરી રહ્યા છે. બીજા નંબરે કપડા આવે, ઘણા વળી 'કુંડાળામાં' પગ નાખી સમાજ કલ્યાણમાં પોતાનો યથાશક્તિ ફાળો આપે છે. કવિઓ, લેખકો વગેરે જેવા માણસો એકબીજાના 'પેંગડામાં' પગ નાખતા હોય છે. ટૂંકમાં કહીએ તો ગ્રીનલાઈટ એરિયા થી લઈને રેડલાઈટ એરિયા સુધી જવા-આવવા માણસો પોતાના પગનો ઉપયોગ કરે છે.
---------------------------------------------------
પેલા જમૈકાના દોડવીર જેને વિશ્વના સૌથી ઝડપી પુરુષનું બિરુદ મળ્યું છે તેવા 'યુસાન બોલ્ટે' જ્યારે દોડની સ્પર્ધામાં નવો કીર્તિમાન સ્થાપ્યો ત્યારે તેણે પોતાના 'ગોલ્ડન બૂટ' હાથમાં ઉચકીને બૂટ તરફ આંગણી ચીંધીને લોકો સમક્ષ અભિવાદન ઝીલ્યું હતું, હું અંગતરીતે આ ક્ષણે ખૂબ નિરાશ થયો હતો, એ નાદાનભાઈને ખબર નથી કે તેણે જે કીર્તિમાન સ્થાપ્યો છે તે આ બૂટને કારણે નહિ પણ પોતાના પગને કારણે છે, તેની સફળતામાં પગનો સિંહફાળો નહિ પણ પૂરેપૂરો ફાળો છે. હકીકતે તો યુસાન બોલ્ટે પોતાના હાથે તેના બંને પગને ઉચકીને, લોકોને તે બતાવી સફળતાનો યશ પગને આપવો ઘટે, આમ કરવું અનુકૂળ ન આવે તો પોતાના બંને પગ તરફ આંગળી ચીંધીને પોતાના પગને યોગ્ય મહત્વ આપવું જોઇતું હતું, પણ એ અણસમજુ માણસે બધો યશ પેલા નિર્જીવ બૂટને આપી દીધો. મને બરાબર યાદ નથી પણ વર્ષો પહેલા કોઈ બોલરે પોતાના હાથની આંગળીઓ માટે કરોડોનો વિમો કરાવેલો, આ ભાઈને કોણ કહે કે 'ભાઈ તારા પગ સાબૂત છે તેથી તું બોલિંગ કરી શકે છો, પગ વગર બોલિંગ કરી બતાવ જો’.
હું સ્પષ્ટપણે માનું છું કે જે સ્થાન પ્રાણીઓમાં ગધેડાનું છે તે જ સ્થાન માનવશરીરમાં પગનું છે. પગનું હમેશા શોષણ જ થતું આવ્યું છે, પગની વાત જયારે આવે છે ત્યારે મને પેલી હરણની વાર્તા યાદ આવે છે, હરણને પોતાના શીંગડા ખૂબ ગમતા, પાણીમાં પોતાના શીંગડા જોઈને તે ખૂબ હરખાતું, પણ તેને પોતાના પગ લગીરે ગમતા નહિ, તે પોતાના પગ જોઈને દુઃખી થઇ જતું. એક વખત શિકારી વરુથી બચવા જંગલમાં તે દોટ મુકે છે. એક કાંટાળા વૃક્ષમાં હરણના સુંદર શીંગડા ફસાઈ જાય છે. ત્યારે હરણને જ્ઞાન થાઇ છે કે જે શીંગડા તેને ખૂબજ ગમતા હતા તેજ તેના મોતનું કારણ બન્યા, અને તેને ન ગમતા પગે તેનો જીવ બચાવવા અનહદ મહેનત કરી. બિચારા પગ આખા શરીરનો ભાર ઉપાડે છે તથા દરેક જીવને પોતાની મંઝીલે પહોચાડે છે છતાં પગની ક્યારેય કદર થતી નથી, પગમાં પણ વિવિધ પ્રકારો જેવા કે હાથી પગ, પાતળા પગ, લાંબા પગ, ટૂંકા પગ વગેરે જોવા મળે છે છતાંય કોણ જાણે કેમ લોકોને પગ ગમતા નથી. સરીસૃપોને પગ નથી હોતા યાદ કરી જુઓ તેની હાલત કેવી છે.
મનુષ્ય પોતાના ચહેરાની કેટલી સારસંભાળ રાખે છે ! સ્ત્રીઓ ફેસ ક્રીમ, લાલી, પાઉડર, આઈબ્રો, બિંદી, ચંદનટીલા વગેરેથી લઈને જરૂર પડે તો ચહેરા પર કાપકૂપ (પ્લાસ્ટિક સર્જરી ) પણ કરતા હોય છે. (સ્ત્રીઓ પોતાની સુંદરતા માટે ઉપર લખેલી વસ્તુઓ ઉપરાંત બીજી ઘણીબધી વસ્તુઓનો ઊપયોગ કરે છે પણ તેના નામ મને આવડતા નથી એટ્લે લખ્યા નથી) અને માથાના સાવ નિર્જીવ જેવા વાળ માટે પણ કેટલું બધું !, તેલ, શેમ્પુ, કંડીશનર, જેલ, વિવિધ કલરો વગેરે ઢગલાબંધ વસ્તુઓ બજારમાં મળે છે, હવે તો બજારમાં પુરૂષો માટે પણ સાબુથી માંડીને વિવિધ પ્રકારની ક્રીમનો રાફડો ફાટ્યો છે, ચહેરા માટે વિવિધ પ્રકારના 'ગોગલ્સ ' હાજર છે !, હવે પુરૂષો દાઢી-મૂછ માટે પણ કેટલા સજાગ બન્યા છે !. આ બધું ચહેરાની સુંદરતા માટે કરવામાં આવે છે, ગળાની સુંદરતા માટે પણ વિવિધ પ્રકારના હાર, ચેઈન, પેન્ડલ વગેરે ઉપલબ્ધ છે. હાથો માટે પણ વીંટીઓ, લકી, બ્રેસલેટ, ઘડિયાળ કેટલું બધું ! ટૂંકમાં શરીરના ધડ ઉપરના દરેક અંગોની સુંદરતા માટે મનુષ્ય સજાગ રહે છે.
સામા પક્ષે મનુષ્ય પગ માટે શું કરે છે ? બહુ બહુ તો બૂટ કે ચંપલ ખરીદે લે, પણ બૂટ-ચંપલની સામાજિક કીમત કેટલી ? બૂટ-ચંપલ ગમે તેટલા મોંધા હોય તો પણ તેને માથા પર રાખી શકાતા નથી, વળી તે ચોરાઈ જાય તો પણ આપણે પોલીસ ફરિયાદ કરતા નથી, અરે ! બૂટ-ચંપલને ઘરમાં સુદ્ધા દાખલ થવા દેવામાં આવતા નથી. આપણાંમાથી કેટલા જણા બૂટ-ચંપલની ખરીદી પછી બિલ માંગીએ છીએ ? બહુ ઓછા. પગની કાળજી લેવા બાબત સ્ત્રીઓ થોડી સક્રિય ખરી, "આપકે પૈર બહોત ખૂબસૂરત હૈ, ઉસે જમી પે મત રખિયેગા, મૈલે હો જાયેંગે” આવું કઈક રાજકુમાર સાહેબે કહેલું, પણ એક પુરૂષ બીજા પુરૂષના પગ માટે આવું બોલતો નથી. સ્ત્રીઓ પણ બીજી સ્ત્રીઓના પગ માટે (સુંદર હોય તો પણ ) આવું બોલતી નથી. જો કે હાલ પરિવર્તનનો પવન ફૂકાતો હોવાથી અને વળી 'ગે' સમુદાય પણ પોતાના હક હિસ્સા માટે જાગૃત થયો હોવાથી, આગળના વાક્યમાં તમને કઈ સુધારા વધારાની જરૂર લાગે તો કરી લેવાની છૂટ.
પગ ઉપર સતત અન્યાય થતો આવ્યો છે તેમાં બેમત નથી. મનુષ્ય ગમે તે સ્પર્ધામાં સફળ થાય તેમાં તેના પગનો પૂરેપૂરો ફાળો નહિ તો છેવટે સિહ ફાળો તો હોય જ છે, છતાય ઇનામ તો ગળાને અને હાથોને જ મળે છે. સવારે ઉઠીને દોડતો દોડતો ઓફિસે પહોચતો કારકુન હોય કે આખો દિવસ મજૂરી કરતો મજૂર હોય, પગાર કે મજૂરી તો હાથોને જ આપવામાં આવે છે. પગની સતત ઉપેક્ષા કરવામાં આવે છે. માણસોની ઓળખ માટે ચહેરાનો ફોટો, હાથોની ફિંગર પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવે છે, તો શું પગ આપણા શરીરનો હિસ્સો નથી ? પગનો ઓળખ તરીકે શા માટે ઉપયોગ થતો નથી ? ગાંધીએ પોતાના અનુયાયીઓ સાથે પગપાળા દાંડી યાત્રા કરી, દાંડીને ઇતિહાસમાં અમર કરી દીધી, આ યાત્રામાં બધાને સમ્માન મળ્યું, દાંડીને, અનુયાયીઓને, અરે નમક સુધ્ધાને સમ્માન મળ્યું, ઉલ્લેખ ન થયો તો એક માત્ર પગનો, જેના પર, જેના આધારે આ યાત્રા સફળ થઇ હતી. ઇતિહાસમાં એ પગોની ક્યાય નોંધ નથી.
આપણે ત્યાં કહેવત છે 'પાડાના વાંકે પખાલીને ડામ' આ કહેવત પગને અનુલક્ષીને જ પાડવામાં આવી હોય એમ મને લાગે છે. વ્યક્તિ આંખોથી અને હાથોથી ન કરવાના કામો કરે છે અને તેની સજા રૂપે માર તો ટાંટીયાને જ ખાવો પડે છે, માણસો જયારે મારામારી કરે છે ત્યારે તેઓનું પહેલું નિશાન તો પગ જ હોય છે, વળી ઝગડામાં કોઈ વ્યક્તિએ મારથી બચવા માટે ભાગવું પડે છે અને સામા પક્ષે પેલાને મારવા માટે તેની પાછળ દોડવું પડે છે, આ બંને ક્રિયામાં પગનો 'ખો' નીકળી જાય છે. બોલવામાં પણ 'તારા ટાંટિયા ભાંગી નાખીશ' જેવા શબ્દપ્રયોગ કરી પગનું અપમાન કરવામાં આવે છે, તમે જોયું ? મુખ અને હાથ માટે કેવા સરસ હુલામણા નામ છે જયારે પગ માટે 'ટાંટિયા' જેવું નામ છે. જીભ સ્વાદની શોખીન હોય તો’ય પગને મુશ્કેલી અને જીભ ન બોલવાનું બોલે તો પણ પગને મુશ્કેલી. આખા શરીરનો વજન ઊંચકવો, ચાલવું, દોડવું ઉપરાંત મનુષ્ય 'લાત’ મારવાનું વધારાનું કામ પણ પગ પાસેથી લે છે જેનું પરિણામ પગ માટે સારું આવતું નથી. પ્રેમની પળોજણમાં પણ લેવાદેવા વગરના પગ કુટાઈ જાય છે. ઘણીવાર હાથોની આળસને કારણે બિચારા પગને ચંપલ પણ નશીબ થતા નથી. કોઈ વ્યક્તિ પોતાની મહેનતથી સફળતા પ્રાપ્ત કરે તો તેના ઈર્ષાળું તેને પાછો પાડવા તેના હાથ, મુખ કે કાન-નાક નહિ પણ ટાંટિયા જ ખેંચશે ! આમાં પગનો શું વાંક ?.
ઘણા વ્યક્તિઓ ધાર્મિક વૃતિના હોય છે તેવો વારેવારે ભગવાનને જણાવી દેતા હોય છે કે 'હે પ્રભુ મારું પેલું કામ સફળ થશે તો હું ચાલીને તારે ધામ આવીશ’ હવે આમાં પગને નાવાનિચોવાનો’ય સંબંધ ન હોય તોય પગનું તેલ નીકળી જાય. પેલા ચંદ્ર-પ્રવાસી નીલ આમ્રસ્ટ્રોંગ, જેણે ચંદ્રની ધરતી પર પ્રથમ પોતાનો પગ મુક્યો હતો, છતાય તેના પગનો ક્યાય ફોટો નથી. બાળક જયારે સૌપ્રથમ પોતાના પગથી ડગમગ ચાલે ત્યારે માતાપિતા ખુશીથી બાળકનો ચહેરો જ ચૂમે છે પગને નહિ. અપરાધીઓ મોટાભાગના ગુનાઓ પોતાના હાથોથી અને આંખોથી કરે છે છતાંય લેવાદેવા વગરની તકલીફ પગને પડે છે. પોલીસવાળા પણ પગને વધારે પસંદ કરે છે એવું સાંભળ્યું છે.
પગને થતા આવા તો કેટલાય અન્યાયો છે એ બધા અહી લખી શકાય એમ નથી. તમે મંદિરમાં જોજો, ભગવાનના ચરણ પાસે માત્ર થોડા ફૂલો અને થોડું ચિલ્લર હશે બાકી બધી સારી વસ્તુઓ ભગવાને શીશ પર, ગળામાં, હાથોમાં ધારણ કરી હશે......
સમાપ્ત.
યાયાવર કલાર
94274 11600.