dushman - 2 in Gujarati Fiction Stories by solly fitter books and stories PDF | દુશ્મન - 2

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

Categories
Share

દુશ્મન - 2

દુશ્મન

પ્રકરણ - 2

હેલો, ઓળખો છો ને મને? કે ભૂલી ગયાં? અરે યાર, હું તમારો આશુ! આજકાલ મારી મૂંઝવણ વધી ગઈ છે, એ માટે ફરીથી તમને યાદ કરવાં પડ્યા! મને એમ હતું કે પપ્પા મારા પાક્કા દોસ્ત બની ગયાં, અને મારો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પણ ના યાર, મારા પ્રોબ્લેમ તો વધતાં જ જાય છે! હવે શું કહું તમને? મને પણ કંઈ સમજ નથી પડતી! થોભો, માંડીને વાત કરૂં..!

એક રાત્રે અચાનક મારી આંખ ખૂલી ગઈ, જોયું તો બાજુમાં પપ્પાની જગ્યાએ બે ગોળ તકીયા બ્લેન્કેટ ઓઢી સૂતા હતાં. ઓહ માય ગોડ, આ તકીયાઓને પણ ઠંડી લાગી ગઈ કે શું? એનામાં બ્લેન્કેટ ઓઢવાં જેટલી બુદ્ધિ પણ આવી ગઈ? વેલ, થોડો ફ્રેશ થયો એટલે અંધારામાં પણ મારી લાઈટ ઝબકી કે, પપ્પા પોતાની હાજરીનો ભ્રમ ટકાવી રાખવા માટે તકીયાને બ્લેન્કેટ ઓઢાવીને ગયાં છે! ક્યાં ગયાં, એ કહેવાની જરૂર ખરી? કદાચ તમને સમજ ન પડે, ખોટી માથાઝીંક કર્યા કરો, એ કરતાં કહી જ દઉં..! પેલી છે ને મારી નવી દુશ્મન, જેને એ લોકો મારી બહેન કહે છે… એની સાથે રમવા ગયા હશે! હું ફરી એકલો પડી ગયો, આ તો આજે મારી આંખ ખૂલી તો ખબર પડી, પણ મને લાગે છે કે, પપ્પા દરરોજ આ રીતે જ રમવા જતા હશે, અને કદાચ મારા ઊઠવા પહેલાં અહીં આવીને સૂઈ જતા હશે! જોર જોરથી નસકોરાં બોલાવે, એટલે એમ કે મને કંઈ ખબર નહી પડે! પરંતુ હું પણ એમનો જ દીકરો છું, હવે જુઓ હું શું કરૂં છું તે?
બીજે દિવસે સ્કૂલેથી આવતાં જ મેં મારી આશુગીરી ચાલું કરી! દુશ્મન સૂતી હતી, રમાડવાને બહાને પાસે ગયો અને એનાં પગમાં ઝીણી ચીમટી ભરી, બસ, પછી તો પૂછવું જ શું? દુશ્મને ઘર ગજવી નાખ્યું, મમ્મીને એની પાછળ ગાંડી બનેલી જોઈ પહેલાં તો હું મનમાં ખૂબ જ હસ્યો. પણ થોડીક જ વારમાં દુશ્મનના ભેંકડાના અવાજથી મારા પણ કાન પાકી ગયાં! મેં શું કર્યું હતું, એ મમ્મીને ખબર ન પડી, નહી તો મારૂં આવી જ બન્યું હોત! તો પણ મેં નક્કી કર્યું કે બીજીવાર આવું નહી કરૂં, એણે તો માથું પકવી નાખ્યું યાર!

થોડી થોડી વારે મમ્મીનાં ખોળામાં એને ભરાયેલી જોઈ હું સળગી ઊઠતો, મને યાદ છે, પહેલાં ત્યાં હું સૂતો હતો, પપ્પાએ મારી એ આદત છોડાવી. હવે એ જગ્યાએ મારી દુશ્મન સૂતી હતી, તો પણ પપ્પા કંઈ બોલતાં નહોતા. અરે, સૂવા ન માગતી હોય, ભેં-ભેં કરીને ભેંકડા તાણે તો પણ જબરદસ્તી એને મમ્મીનાં ખોળામાં સૂવડાવવાની ટ્રાય કરે, બોલો? હું શાંતિથી સૂતો હતો, તે એ લોકોને નડતું હતું, પણ હવે પેલી રડતી હતી, એટલે મારે એક ચાન્સ લેવા જેવો હતો ખરો!

પેલીએ જેવો ભેંકડો તાણ્યો, હું ફટાક દઈને રૂમમાંથી ભાગીને હોલમાં આવ્યો. જોયું તો મમ્મી પણ કીચન માંથી હાથ સાફ કરતી હોલમાં આવી, પલાંઠી વાળીને બેઠી, પેલીને ઊઠાવી હાથમાં લીધી, એનો ભેંકડો ઘટવાને બદલે વધવા લાગ્યો, હવે મારાથી ન રહેવાયું, “ મમ્મી, એ ન માનતી હોય તો પડતી મૂક ને એને, હું તારા ખોળામાં સૂવા માટે તૈયાર છું!” મમ્મી હસીને બોલી, “ના બેટા, એ તો રડે! પણ ભૂખી રહેશે તો વધારે રડશે! તું પણ આ જ રીતે રડતો હતો!” મને નવાઈ લાગી, હું પણ રડતો હતો, મને યાદ જ નથી, જબરૂં કહેવાય. મમ્મી પાક્કું જુઠ્ઠુ બોલે છે, જ્યારે કે મને બીજું બધું યાદ હોય તો આ વાત કઈ રીતે ભૂલી ગયો હું? પેલી રડતી રડતી મમ્મીનાં કપડાંની અંદર ઘૂસી ગઈ, એનાં રડવાનો અવાજ ધીમો થઈ ગયો, મને આશ્ચર્ય થયું કે અંદર એવું તો કયું રમકડું છે કે જે જોઈને એ ચૂપ થઈ ગઈ? અત્યારે તો મમ્મીએ પેટ પર કંઈ બાંધ્યું હોય, એવું પણ નથી દેખાતું! બસ, એ જોવા માટે મમ્મીનો ડ્રેસ ઊઠાવી અંદર મોઢું નાખ્યું, પેલીનું માથું પસવારતી મમ્મીએ અચાનક જ ફરીને મને એક તમાચો મારી દીધો.

આ બે મહિનામાં મને આ બીજો તમાચો પડ્યો, અને આ તો બહુ જોરથી પડ્યો હતો, પરંતુ આ વખતે હું રડીને ઢીલો પડવા માંગતો નહોતો, મેં પણ લડવાનું નક્કી કર્યું, જો કે મારો અવાજ તો રડવા જેવો થઈ જ ગયો હતો!

“મને શું કામ માર્યું?” મમ્મી ગુસ્સામાં પણ હસી પડી, મારી હિંમત વધી! “ એ તને હેરાન કરે છે અને તું એને પસવારે છે! મેં કંઈ નથી કર્યું તો પણ તેં મને માર્યું!

“બેટું, તું મોટો થઈ ગયો હવે! આવા બધાં લાલિયાવેડાં નહીં કરવાનાં, નહિ તો વધારે માર ખાઈશ!” મમ્મીની ખુલ્લી ધમકી! કેવી ડબલ ડબલ વાતો છે મમ્મીની? અત્યાર સુધી હું નાનો હતો! હજી ગઈ કાલે જ મેં સાઈકલ માંગી, તો કહ્યું, ‘તું હજી નાનો છે! પરમ દિવસે પપ્પાનો દાઢી કરવાનો અસ્તરો હાથમાં લઈ હું દાઢી પર ફેરવતો હતો, ત્યારે પણ એણે આ જ વાત કહી હતી! અજીબ વાત છે નહિ? કેટલીક વાર હું નાનો થઈ જાઉં છું, તો કોઈક વાર મોટો! હું ખરેખર કંટાળી ગયો છું આ લોકોથી યાર! એ બંને મારી દુશ્મનનાં પ્યારમાં આંધળા બની ગયાં છે! હા, માન્યું કે એ નાનકી પરાણે વહાલી લાગે તેવી છે, પણ એનો મતલબ એ થોડો છે કે મને વહાલ જ નહીં કરવાનું?

~~~~

આજથી મારૂં વેકેશન શરૂં થાય છે, એ ખુશી સાથે એક બીજી વાત પણ જણાવું, આજે સાંજે મારી દુશ્મનને નામ મળવાનું છે! એવું સાંભળ્યું છે કે ‘આસ્થા’ નામ રાખવાનાં છે, પણ હું તો એને દુશ્મન જ કહીશ, મનમાં જ તો! “એ” પરથી નામ રાખવાનું પપ્પાને ઘણું ગમે છે, પપ્પાનું નામ અરવિંદભાઈ, મમ્મીનું નામ આશાબેન, હું આશુ, આશિષ અને હવે આસ્થા, મને થયું કે પપ્પાને કહું કે એનું નામ “એ” પરથી જ રાખવું હોય તો “એનીમી” રાખી દો! ઇંગ્લીશમાં ભલે “ઈ” થી સ્ટાર્ટ થાય, પણ ગુજરાતીમાં તો “એનીમી” જ બોલાય ને! પણ ના, આજે જ વેકેશન પડ્યું છે, મારે અત્યારે માર નથી ખાવો, નહીંતર આખું વેકેશન ખરાબ જશે. નામ તો પછી પણ બદલાઈ જશે!

સાંજ થવાને થોડી વાર હતી, મમ્મી કપડાં આપીને તૈયાર થવાનું કહીને ગઈ. પહેલાં કોઈ પણ જગ્યાએ જવાનું હોય, મમ્મી પોતે મને તૈયાર કરતી હતી, હવે મારે પોતે તૈયાર થવાનું હતું! આમ તો કોઈ વાંધો નથી પણ, આ પેન્ટની ચેન મારવામાં હાલત ખરાબ થઈ જાય યાર! એકવાર ચીમટી આવી ગયેલી, ઓ બાપ રે, રડી રડીને મેં આખું ઘર ગજવી નાખ્યું હતું, પેલીની જેમ જ તો! ના, એનાં જેટલો મોટો મારો ભેંકડો નથી.

નેહામાસી આવ્યાં, એમણે મારી મૂંઝવણ દૂર કરી, આવીને પહેલાં મને વ્હાલ કર્યું, પછી બરાબર તૈયાર કર્યો હીરોની જેમ! નાના-નાની અને બધાં મેહમાનો પણ આવવા માંડ્યાં. બધી વિધીઓ ચાલું થઈ, ડીનર શરૂં થયું, આજે બધાનાં મગજ પર પેલી આસ્થા છવાયેલી રહી, એનું નામ રાખતી વખતે પપ્પાએ મને ઊંચક્યો હતો, પણ કહેવા ખાતર! એમનું ધ્યાન પણ આસ્થા પર જ હતું! મારૂં મોં ફૂલી જવા તૈયાર જ હતું પણ મેહમાનોની સામે મોં ફૂલેલું હોય તો સારૂં ન લાગે ને? એ માટે ક-મને પણ હું હસતો રહ્યો. બાકી મગજમાં તો પેલી દુશ્મન આસ્થાડી માટે દુનિયાભરનો ગુસ્સો ભરેલો હતો, તેને પાઠ ભણાવવાં માટે હું એવા નાટક કરીશ કે, તમે પણ જોતાં જ રહી જશો! તમને ગમે તો શાબાશી આપજો, ભૂલતા નહીં!

~ ક્રમશઃ...