( લક્ષ્ય અને એના સાથીદારો બર્મુડા ટ્રાયંગલની સફર પર નીકળી પડે છે.આગળ કેવી કેવી મુસીબતો અને રહસ્યોનો તેઓ સામનો કરશે એ હવે આગળ જોઈએ ..)
અમે લગભગ ઉચાટ જીવે મુસાફરી કરી રહ્યા હતા. હું સ્ટેફન સાથે આગળ કોકપિટમાં બેસી આગળના જહાજ પર બરાબર નજર રાખી રહ્યો હતો.એલ અને દેવ કદાચ નકશો તપાસી રહ્યા હતા. અબાના પાછળ ડેક પર ઉભો હતો. એટલામાં અચાનક આગળનુ જહાજ ઉભુ રહી ગયુ. સ્ટેફને એમનાથી સલામત અંતરે અમારુ જહાજ રોક્યુ.
એટલામાં અબાના દોડતો દોડતો અંદર આવ્યો. એ ગભરાયેલો જણાતો હતો. એની ભાષામાં કંઇક બબડી રહ્યો હતો. અમારામાંથી કોઈને એ શું કહી રહ્યો હતો એ સમજાતુ નહોતુ. એની જાણ એને પણ કદાચ થઈ ગઈ એટલે એણે ઇશારાથી એની પાછળ જવાનો નિર્દેશ કર્યો.અમે ભાગતા ડેક પર પહોંચ્યા.એને પાણી તરફ નિર્દેશ કર્યો અને અમે ચોંકી ગયા. એ વાત પર અમારુ ધ્યાન ગયુ જ નહોતુ પણ આસપાસના પાણી કરતા આ ભાગનુ પાણી ખાસુ ઘાટા રંગનુ હતુ. અમને ખરેખર આશ્ચર્ય થયુ.
અચાનક જહાજ થોડુ હલવા લાગ્યુ.હવે અમને ફફડાટ થવા લાગી કારણ કે જહાજ એક જગ્યાએ ઉભુ હતુ ને દરિયામાં કોઈપણ પ્રકારે કોઈ તોફાન દેખાતુ નહોતુ. સ્ટેફન હવે ગભરાઈ ગયો હતો. એ ઘડીવારમાં ડેક પર જતો અને થોડીવરમાં કોકપિટ તરફ ભાગતો. થોડીવારમાં એ રડવા લાગ્યો. એને આ રીતે જોઈ અમે ફફડી ગયા , કારણ કે જે વ્યક્તિ રોજ દરિયાની મુસાફરી કરતો હોય અને એ આ રીતે ગભરાઈ ઉઠે તો અમે તો સાવ નવાસવા હતા. અમારુ ડરવુ તો સ્વાભાવિક હતુ.
થોડીવારે એ સ્વસ્થ થઈને બોલ્યો , " આપણે આજે કોઈ નહિ બચીએ. આ 'બ્લૂ હોલ' છે.અહીં આસપાસના પાણી કરતા ઘટ્ટ પાણી હોય છે. આજસુધી મેં માત્ર આના વિશે સાંભળ્યુ હતુ પણ જોયુ આજે પહેલી વાર છે." એ થોડુ અટક્યો જાણે શબ્દો બહાર જ ન આવતા હોય. " અહીં લુસ્કા નામનો રાક્ષસ રહે છે , જે જોરજોરથી શ્વાસ લે છે અને પાણીને અંદરની તરફ ખેંચે છે , એટલે સાથે જહાજ પણ ડૂબી જાય છે ." આટલુ કહી એ તો ફરી રડવા લાગ્યો.
અમે તો આ સાંભળી ગભરાઈ ઉઠ્યા. જોકે મને આવી વાતો પર ભરોસો નહોતો. કંઇક તો એવુ હતુ કે જે આંખની સામે જ હતુ છતા અમે જોઈ નહોતા શકતા. એલ ડેક પર ઉભા રહી ધ્યાનથી પાણીનુ નિરીક્ષણ કરી રહી હતી.પાણીમાં હવે પરપોટા પણ થવા લાગ્યા હતા.હવે અમે બરાબર ગભરાયા હતા કારણકે ઘટનાઓ વિચિત્ર હતી.અમને પણ ફાડ પડી કે આ જહાજ ખરેખર તો ડૂબી નહિ જાય ને.એલ બહુ ધ્યાનપૂર્વક ઘટનાઓને જોઈ રહી હતી.એના મોં પર ડર કરતા કુતુહલતા વધારે હતી એ સ્પષ્ટ જોઈ શકાતુ હતુ.
થોડીવારમાં એ ઉત્સાહ સાથે બોલી " લક્ષ્ય , ડરવાની કઇ જરૂર નથી , આ જહાજ નહિ ડૂબે." એવુ તે એને શું જોયુ હશે કે એ આટલા આત્મવિશ્વાસસપૂર્વક કહી રહી હતી કે જહાજ નહિ ડૂબે. એ આગળ બોલી ," જો લક્ષ્ય તુ સમજી શકે તો આ મિથેન હાયડ્રેટના પરપોટા છે. મેં કોલેજ સમયમાં આવા ઘણા પ્રયોગો કર્યા છે અને હું દ્રઢપણે કહી શકુ છુ કે આ મિથેન હાયડ્રેટ છે. દરિયામાં ઘણીવાર પેટાળમાં થતી પ્રક્રિયાના લીધે આવા વાયુઓ છુટતા રહે છે ,જે સપાટી પર આવી પાણીના રંગમાં બદલાવ અથવા પરપોટા જેવી ઘટના કરી શકે છે. આ કોઈ લુસ્કા રાક્ષશ નથી માત્ર ખોટી માન્યતાઓ છે ."
હવે અમને પણ એલની વાત સાચી લાગી. સ્ટેફન પણ હવે સ્વસ્થ જણાતો હતો. તે કોકપિટ તરફ ગયો.પરપોટા પણ હવે બંધ થઈ ગયા હતા. આગળનું જહાજ પણ ધીમે ધીમે આગળ વધી રહ્યુ હતુ.અમે પણ એમની પાછળ ધીમે ધીમે મુસાફરી શરૂ કરી.સૌ શાંતિથી કોકપીટમાં બેઠા હતા. બર્મુડા ટ્રાયંગલની અનેકમાંથી આ એક માન્યતા ખોટી પડી. દેવે વાતાવરણને હળવુ કરતા સ્ટેફનને કહ્યુ, " આજે તો સ્ટેફન તારો લુસ્કા રાક્ષસ મને ડૂબતા પહેલા જ મારી નાખતો ." અને સૌ ખડખડાટ હસી પડ્યા.
( બર્મુડા ટ્રાયંગલના આ પહેલા રહસ્ય પરથી પડદો ઉઠયા બાદ કેવી રહેશે લક્ષ્ય અને એના સાથીદારોની આગળની સફર.વધુ આવતા અંકે ....)