ડેવિલ રિટર્ન-1.0
(22)
ક્રિસ દ્વારા ફોરેન્સિક લેબ પર હુમલો કરી પોતાની બહેન ટ્રીસા ને બચાવી લીધાં બાદ અર્જુન રક્તપિશાચ જોડે સંલગ્ન અમુક સવાલોનાં જવાબ શોધવા ફાધર વિલિયમ જોડે જાય છે..અર્જુનની વાત સાંભળી ફાધર એને ધ વેમ્પાયર ફેમિલી વિશેની દંતકથા સંભળાવે છે..મિયારા રાજ્યમાં રાજા નિકોલસ અને એનાં દીકરા જિયાન નું ક્રૂર શાસન હોય છે..જિયાન નાં અત્યાચારો ને નાથન નામનો એક વ્યક્તિ પડકારે છે..જિયાનને નાથનની બહેન રેહાના પસંદ આવે છે..પોતાનાં દીકરા માટે રેહાના નો હાથ માંગવા ગયેલાં નિકોલસ ને નાથન અપમાનિત કરે છે..જિયાન પોતાનાં પિતાજીનાં અપમાનનો બદલો લેવાનું નક્કી કરે છે.
નાથનનાં પરિવાર સાથે રાજકુમાર જિયાને કઈ રીતે બદલો લીધો એની વિગતે વાત કહેવાનું ફાધરે શરૂ કર્યું..અર્જુન બેતાબી સાથે ઉત્સુકતાથી એમની વાત સાંભળવા લાગ્યો.
"નાથન દ્વારા જિયાન ની જાહેરમાં ફજેતી કર્યાં બાદ એનું ગરીબ અને અસહાય વેપારીઓ અને ખેડૂતો વચ્ચે કદ વધી ગયું હતું..પહેલાં કરતાં નાથનને એ લોકો દ્વારા વધારે માન અને સમ્માન મળવાં લાગ્યું એટલે આવાં સંજોગોમાં નાથન ને શારીરિક રીતે કે કોઈ અન્ય રીતે સીધી રીતે પજવવો યોગ્ય નથી એ સમજતાં જિયાને નાથન દ્વારા પોતાનાં પિતાજીનાં અપમાન નો બદલો કઈ રીતે લેવાનો છે એની રૂપરેખા મગજમાં તૈયાર કરી રાખી હતી."
"નિકોલસ નાં નાથનનાં ઘરેથી અપમાનિત થઈને આવવાની ઘટનાને ત્રણેક મહિના વીતી ગયાં..આ ત્રણ મહિના દરમિયાન જિયાન બદલાની આગમાં અંદરોઅંદર સળગતો રહ્યો..ત્રણ મહિના વીતી ગયાં અને વાવણી ની મૌસમ પણ પૂર્ણ થઈ ગઈ..મિયારા રાજ્યમાં રાજા નિકોલસનાં શાસન માં આવ્યાં બાદ જે અરાજકતા નો માહોલ હતો એનાં લીધે ત્યાં પાક નો ભાવ ઓછો મળતો હતો અને એથી જ પોતાનાં ખેતરમાં ઉગેલો પાકને સારાં ભાવે વેંચવા નાથન સમેત નાં અન્ય ખેડૂતોને પડોશી રાજ્ય બેનાલીસમાં જવું પડે એમ હતું.."
"એ સમયે બેનાલીસ ની રાજધાની કુમાગ માં મોટો મેળો ભરાતો.. જ્યાં અવનવાં કરતબો કરનારાં કલાકારો થી લઈને જાદુગરો આવતાં..નાથનનો સૌથી મોટો દીકરો ક્રિસ હવે સમજણો થઈ ગયો હોવાથી નાથન એને તો પોતાની સાથે કુમાગ લઈ જવાનો જ હતો..પણ નાથનનાં અન્ય સંતાનોએ પણ કુમાગમાં યોજાતો મેળો જોવાની જીદ કરી એટલે નાછૂટકે નાથનને એ લોકોને પણ જોડે લઈ જવાં માની જવું પડ્યું."
"ટ્રીસા એ વખતે ફક્ત ચાર વર્ષની હતી એટલે એને પોતાની જોડે લઈ જવાનું યોગ્ય ના લાગતાં ટ્રીસા ને પોતાની પત્ની નતાલી જોડે રાખી પોતાની અન્ય સંતાનો બ્રાન્ડન, ડેઈઝી, જ્હોન, ઈવ, ડેવિડ અને ક્રિસ સાથે નાથન એક ઘોડાગાડીમાં બેસાડી જોડે જોડે ખેતીનો પાક ભરેલી બીજી ઘોડાગાડી જોતરીને કુમાગ જવાં નીકળી પડ્યો."
"નાથનની સાથે શહેરનાં મોટાંભાગનાં વેપારીઓ પણ પોતપોતાનો ખેતરમાં તૈયાર થયેલો પાક લઈને કુમાગ જવાં નીકળી પડ્યાં.નાથન નાં ત્યાંથી નીકળતાં જ એનાં ઘરે ફક્ત ત્રણ વ્યક્તિ વધ્યાં હતાં..નતાલી, રેહાના અને નાનકડી ટ્રીસા અને મિયારા માં પણ હવે ખેડૂતોનાં પરિવારમાં હતી ફક્ત સ્ત્રીઓ અને બાળકો."
"નાથનનાં કુમાગ જવાની જાણ જિયાનને થઈ ચૂકી હતી..સાથે-સાથે જિયાનને એ પણ જાણવા મળ્યું હતું કે નાથનનાં અન્ય સાથી મિત્રો પણ કુમાગ ગયાં છે..આ જાણતાં જ જિયાને પોતાનાં પિતાનો અને પોતાનાં અપમાનનો બદલો નાથન જોડે લેવાનું મન બનાવી લીધું..અને આ સાથે જ એ પોતાનાં બે વફાદાર સાથીઓ સાથે રાત્રીનાં અંધકારમાં નાથનનાં ઘરે પહોંચી ગયો."
"નાથનનાં બારણે ટકોર કરી જિયાનની જોડે આવેલાં એનાં સાથીદારો એ અંદર સુતેલી નતાલી અને રેહાના ને નાથન જોડે કુમાગ માં કંઈક અજુગતું બન્યાંનાં જિયાન દ્વારા ઉપજાવી કાઢેલા સમાચાર સંભળાવ્યાં.. નાથને જતાં પહેલાં નતાલી અને રેહાના ને સલાહ આપી હતી કે કોઈપણ આવે તમારે ઘરનો દરવાજો ખોલવો નહીં..પણ નાથન જોડે શું બન્યું છે એ જાણવાની તાલાવેલીમાં સારાં-નરસા નો વિચારો કર્યાં વિના નતાલીએ ઘરનો દરવાજો ખોલી દીધો."
"ઘરનો દરવાજો ખુલતાં જ જિયાન પોતાનાં બંને સાથીદારો સાથે ઘરની અંદર આવી ગયો..નતાલી કે રેહાના જિયાન ને ઓળખતી નહોતી..હા રેહાના એ જિયાનને જોયો હતો ખરો પણ એ જ રાજકુમાર જિયાન છે જેનાં માટે લગ્નનું માંગુ લઈને નિકોલસ આવ્યો હતો એની ખબર એને પણ નહોતી."
"શું થયું છે મારાં પતિને..? "જિયાનનાં અંદર આવતાં જ નતાલી એ બેબાકળા સ્વરે પૂછ્યું.
"પહેલાં થોડું પાણી આપો પછી કહું કે તમારાં પતિ સાથે શું થયું છે.."જિયાન તરસ્યો હોય એવી અદાકારી સાથે બોલ્યો.
જિયાનને અને એનાં સાથીઓ માટે જેવું નતાલી પાણી લઈને આવી એ સાથે જ જિયાને પોતાની ખમીસમાં છુપાવી રાખેલ કટાર નતાલી નાં પેટમાં ઘુસેડી દીધી..પોતાનાં પર આમ અચાનક થયેલાં હુમલાથી હેરાન-પરેશાન નતાલી દર્દથી કરાહતી જમીન પર ફસડાઈ પડી.
પોતાની ભાભી પર અચાનક થયેલાં હુમલાથી ડરી ગયેલી રેહાના નતાલીનું માથું પોતાનાં ખોળામાં રાખી જિયાનની તરફ ચિલ્લાતા બોલી.
"કોણ છે તું..? અને તે ભાભી ઉપર હુમલો કેમ કર્યો..? "
રેહાના નાં આ સવાલનાં જવાબમાં જિયાન લુચ્ચું હસ્યો અને ધીરેથી ચાલીને રેહાના ની નજીક ગયો..રેહાનાનાં માથાનાં વાળ પકડી એને બળપૂર્વક ઉભી કરી એની તરફ જોઈને બોલ્યો.
"હું કોણ છું એ જાણવું છે તારે..તો જાણી લે કે હું છું કિંગ નિકોલસ નો દીકરો અને આ રાજ્ય નો રાજકુમાર જિયાન.તારી આ નિર્દોષ ભાભી સાથે મારુ આમ કરવાનું કારણ હતો તારો ભાઈ નાથન.."
જિયાનની વાત સાંભળી મૃતપાય હાલતમાં પહોંચેલી નતાલી અને રેહાના સમજી ગયાં કે જિયાન પોતાનાં પિતાજીનાં અપમાનનો બદલો લેવાં માટે ત્યાં આવ્યો હતો.
"રાજકુમાર.. અમારી ભૂલ થઈ ગઈ..તમે નાથનની ભૂલની સજા રેહાના ને ના આપશો..હોઈ શકે તો અમને માફ કરી દો."પોતાનો અંત સમય નજીક આવી ગયો હોવાં છતાં પોતાની નણંદ ને બચાવવાની કોશિશ કરતાં નતાલી જિયાનનાં પગ પકડીને કરગરતાં બોલી.
"માફી જેવો કોઈ શબ્દ જ મારી જિંદગી ની પુસ્તકમાં નથી..અને રહી વાત નાથનની ભૂલની તો એ ભૂલ નહીં પણ અક્ષમ્ય અપરાધ હતો..મારે તો રેહાના ની સાથે લગ્ન કરી એની સાથે જિંદગી પસાર કરવી હતી પણ તમારાં પતિદેવ ને આ પસંદ ના આવ્યું અને એને મારાં પિતાને, આ રાજ્યનાં રાજા ને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી મૂક્યાં..આની સજા હવે નાથનને હું એ રીતે આપીશ કે મોત આવ્યાં પહેલાં એ સો વાર મરશે.."આટલું કહી જિયાને રેહાના ને જોરથી પોતાનાં બંને સાથીદારો ઉભાં હતાં એ તરફ ધક્કો મારી ધકેલી દીધી.
જિયાને ઈશારાથી એ બંને ને રેહાના ને બંદી બનાવી પોતાનાં મહેલમાં લઈ જવાનું સૂચન કર્યું..જિયાન નો ઈશારો સમજી એ બંને એ રેહાના નાં હાથ-પગ બાંધી દીધાં અને મોં પર કપડાંનો ડૂચો લગાવી દીધો..એ બંને રેહાના ને પકડી ને બહાર ઉભેલી ઘોડાગાડી તરફ ચાલી નીકળ્યાં એટલે જિયાન પાછો નતાલી જોડે આવ્યો અને પોતાનાં જોડે રહેલી કટારીને નતાલી ની ગરદન પર ફેરવી એનાં વધેલાં શ્વાસોનો પણ અંત આણી દીધો.
ટ્રીસા બાજુનાં રૂમમાં ભર ઊંઘમાં સૂતી હોવાથી જિયાનને એની હાજરીની ભણક ના આવી અને ટ્રીસાનો જીવ જિયાન નામનાં એ જલ્લાદથી બચી ગયો..બાકી નફરતની આગમાં સળગતો જિયાન નામનો એ હેવાન ટ્રીસા ને મારવામાં પણ ન અચકાત એમાં કોઈ મીનમેખ નહોતો.રેહાના ને બળજબરીપૂર્વક પોતાની સાથે લઈને જિયાન ત્યાંથી નીકળી ગયો.
નાથનનાં પડોશમાં રહેતાં એનાં એક મિત્ર યુસાનની પત્ની કેલી જિયાનને ત્યાંથી કોઈકને પોતાની સાથે બળજબરીથી લઈ જતાં જોઈ ગઈ..એને કંઈક અજુગતું બની ગયું હોવાનું લાગતાં એ દોડીને નાથનનાં ઘરમાં ગઈ..કેલી એ ત્યાંથી લોહી નીતરતી નતાલીની લાશ જોઈ..નતાલી ની લાશને જોતાં જ કેલી સમજી ગઈ કે જિયાન નતાલીની હત્યા કરી રેહાના ને પોતાની સાથે લઈ ગયો છે.
આ ખબરની જાણ નાથનને કરવી જરૂરી હતી પણ અત્યારે આજુબાજુ કોઈ ઉંમરલાયક પુરુષ હાજર ના હોવાથી કેલી એ પોતે જ કુમાગ જવાનું નક્કી કર્યું..આ દરમિયાન કેલી એ ઘરમાં કોઈ રડતું હોવાનો અવાજ સાંભળ્યો.. કેલીએ જઈને જોયું તો ટ્રીસા ત્યાં હાજર હતી..નતાલી ની હત્યા થઈ હોવાની વાત પડોશની અન્ય સ્ત્રીઓને કરી ટ્રીસા ને પોતાનાં અન્ય એક પડોશી ને સાચવવા સોંપી કેલી ઘોડા ઉપર સવાર થઈને એકલી જ ત્યાંથી કુમાગ જવાં નીકળી પડી.
મિયારા થી કુમાગ નો રસ્તો છ કલાકથી વધુ હતો એટલે પોતાને ત્યાં પહોંચતાં સવાર પડશે એ જાણતી હોવાં છતાં કેલી એ માનવતા ખાતર એક સ્ત્રી હોવાં છતાં આ સાહસ ખેડવાનું નક્કી કર્યું..લગભગ સવારે સૂર્યોદય થતાં કેલી કુમાગ પહોંચી ગઈ..કુમાગ માં અત્યારે આજુબાજુનાં રાજ્યનાં ખેડૂતો અને વેપારીઓનું કીડીયારું ઉભરાયું હોવાથી નાથનને શોધવું કેલી માટે બિલકુલ સરળ નહોતું.
આમ છતાં મનથી ધારી લો તો કોઈ કામ મુશ્કેલ નથી હોતું..કેલી એ પણ બે કલાકની મથામણ બાદ નાથનને આખરે શોધી જ લીધો..નાથનની જોડે એનાં છ બાળકો પણ હતાં..કેલી ને ત્યાં આવેલી જોઈ નાથનને વિસ્મય થયું.
કેલી નો ચહેરો જોઈ નાથનની છઠ્ઠી ઇન્દ્રિય એને કંઈક ખરાબ ખરાબ ઘટના બની હોવાનો ગર્ભિત ઈશારો કરી રહી હતી.
"કેલી, શું થયું કેમ આમ અચાનક અહીં આવી..? યુસાને બોલાવી કે શું..? "કેલી ને જોતાં જ એની નજીક જઈને નાથન બોલ્યો.
"હું યુસાનને નહીં પણ તમને મળવા આવી છું..અને સાચું કહું તો અહીં આવવાની નોબત આવી ગઈ એમ કહેવું ખોટું નહીં કહેવાય.."કેલી રડમસ સ્વરે બોલી.
કેલીનો ગમગીન અવાજ સાંભળી નાથને ચિંતિત સ્વરે એને સવાલ કર્યો.
"શું થયું એવું..બોલ ને..? "
"નતાલી..રેહાના.."આટલું બોલતાં બોલતાં તો કેલી રડી પડી.
"શું થયું નતાલી ને અને રેહાના ને..? "સવાલસુચક નજરે કેલી તરફ જોઈ નાથન બોલ્યો.
નાથન નાં આ સવાલનાં જવાબમાં કેલી એ નાથનને મિયારા માં નાથનનાં ઘરે જે કંઈપણ દ્રશ્ય જોયું હતું એની માહિતી આપી દીધી..જિયાન દ્વારા પોતાની પત્નીની હત્યા અને બહેનનું અપહરણ કરાયું હોવાની વાત સાંભળી નાથન રીતસરનો ભાંગી પડ્યો..પણ આ સમય રડવામાં કે વ્યથિત થવામાં ખર્ચ કરવો યોગ્ય નહોતો એટલે નાથન તાત્કાલિક પોતાનાં સંતાનો સાથે મિયારા જવાં નીકળી પડ્યો.
નાથન મનમાં અગનજ્વાળા લઈને કુમાગ જવાં નીકળી તો પડ્યો હતો પણ એનાં મનમાં એ બાબતે શંકા હતી કે પોતે એ દુષ્ટ રાજકુમાર જિયાનથી પોતાની બહેન ને સહી-સલામત બચાવી શકશે કે કેમ..?
આખરે નાથન પોતાનાં ઘરે આવી પહોંચ્યો..જ્યાં હોલમાં નતાલી નો મૃતદેહ પડ્યો હતો..પોતાની જીવથી વધારે વ્હાલી પત્નીને આવી હાલતમાં જોઈ નાથન મનોમન હચમચી ગયો..નાથનને રડવું હતું પણ પોતાનાં બાળકોનાં લીધે નાથન રડી પણ ના શક્યો..આડોશ-પાડોશમાં રહેતી સ્ત્રીઓ પણ નાથનનાં ઘરે નાથનને સાંત્વનાં આપવાં આવી પહોંચી હતી.
એક સ્ત્રી ટ્રીસા ને નાથનનાં હાથમાં સોંપી ગઈ..સાત-સાત સંતાનો ને મૂકીને નતાલી પોતાને આમ નોંધારો મૂકીને હાલી ગઈ હતી એ વાતનું દુઃખ નાથનને જીરવી શકવા અસમર્થ હતો..આમ છતાં પોતાનાં સંતાનો ખાતર નાથન આ પારાવાર પીડાની પળને પણ મનોમન જીરવી ગયો. કેમકે માં વિનાનાં રોકકળ કરતાં સંતાનોને પોતાની જરૂર હતી.
નતાલી નું તો જે થયું એ ખરું પણ હવે પોતાની બહેનને એ દુષ્ટ જિયાન ની ચુંગાલમાંથી છોડાવવી જરૂરી હતી એવું લાગતાં આડોશ-પાડોશ માં રહેતી સ્ત્રીઓ અને પોતાનાં બે મોટાં દિકરા ક્રિસ અને ડેવિડ ની મદદથી નાથને વધુ સમય બગાડયાં વીનાં પોતાની પત્ની નતાલીની ની દફનવિધિ પૂર્ણ કરી.
નતાલીની અંતિમ વિધિ પૂર્ણ કરી નાથન હાથમાં તલવાર લઈને પોતાની બહેન રેહાના ને બચાવવા માટે રાજા નિકોલસનાં મહેલની તરફ નીકળી પડ્યો.
★★★
વધુ આવતાં અંકમાં.
નાથન પોતાની બહેન ને બચાવવામાં સફળ રહેશે? જિયાન નાં કારણે જ વેમ્પાયર પરિવાર નું સર્જન થયું હતું..? અર્જુન શહેરનાં લોકોને આ રક્તપિશાચ લોકોથી કઈ રીતે બચાવશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન.આર.પટેલ (શિવાય)