ડેવિલ રિટર્ન-1.0
(14)
રાધાનગરમાં થયેલી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે.પોતાનો જીવ આપી મોહનકાકા અશોક તથા અન્ય કોન્સ્ટેબલો ને બ્રાન્ડન અને ડેઈઝીથી બચાવી લે છે. વાઘેલા અને એની સાથે મોજુદ સાથી અધિકારીઓને જ્હોન તથા ટ્રીસા ઘાયલ કરી મૂકે છે..અર્જુનનાં આવ્યાં પહેલાં જ્હોન અને ટ્રીસા ત્યાંથી નીકળી જાય છે..ફોરેન્સિક ટીમ આવીને મોહનકાકા ની લાશ ને લેબમાં લઈ જાય છે.
અર્જુન જયારે ફોરેન્સિક લેબમાં પહોંચ્યો ત્યારે ફોરેન્સિક ટીમનો હેડ ઓફિસર યાસીર શેખ મોહનકાકા નાં મૃતદેહ ની જ તપાસ કરી રહ્યો હતો..અર્જુનને આવેલો જોઈ શેખ ચહેરા પર સ્મિત સાથે અર્જુનને આવકારતાં બોલ્યો.
"આવો.. એસીપી સાહેબ..અમારાં ગરીબખાનાં માં તમારું સ્વાગત છે.."
"આપનો આભાર શેખ.."અર્જુન શેખ સાથે હાથ મિલાવતાં બોલ્યો.
"અહીં આવવાનું કોઈ ખાસ કારણ..? "અર્જુન ને સવાલ કરતાં શેખ બોલ્યો.
"શેખ..તું તો જાણે જ છે કે મારી ગેરહાજરીમાં શહેરમાં શરૂ થયેલો હત્યાકાંડ અટકવાનું નામ જ નથી લેતો..એમાં ગઈકાલે રાતે તો જે કંઈપણ બન્યું એને તો પોલીસ સ્ટાફને પણ ડરાવી મુક્યો છે.. શહેરની રક્ષામાં તૈનાત પોલીસકર્મીઓ ઉપર જ જીવલેણ હુમલો અને એમાં મોહનકાકા નું પોતાનાં સાથીદારો માટે આપેલું બલિદાન..આ વધારે પડતું થઈ રહ્યું છે..આની પાછળ જવાબદાર જે કોઈપણ છે એનું કંઈક તો કરવું જ પડશે..અને મને વિશ્વાસ છે કે તું નક્કી એવું કંઈક જણાવીશ જે મને ઉપયોગી નીવડશે.."અર્જુન આશભરી નજરે શેખ ની તરફ તકતાં બોલ્યો.
"હા..ભાઈ, મારી જોડે એક એવી માહિતી છે જે નક્કી તારી માટે કારગર નીવડે..બાકી કાલે રાતે જેવાં શક્તિશાળી લોકો દ્વારા પોલીસ કર્મચારીઓ ઉપર હુમલો થયો એ માટે મોટી આશ્ચર્યજનક બાબત નહોતી.."શેખ પુનઃ મોહનકાકા નાં મૃતદેહ નાં તપાસ માટે ચીરફાડ કરેલાં ભાગનાં ટાંકા લેતાં બોલ્યો.
"એવી તે કઈ માહિતી તારી જોડે છે કે આટલી મોટી વાત બની ગઈ અને તને નવાઈ ના લાગી..? "શેખની વાત સાંભળી અર્જુને સવાલ કર્યો.
"ભાઈ..બે મિનિટ રાહ જોઈશ..ત્યાં સુધી હું મોહનકાકા ની ફોરેન્સિક રિપોર્ટમાં ખૂટતી વસ્તુઓ લખી દઉં.."અર્જુનની તરફ જોઈ શેખ બોલ્યો.
"ચોક્કસ.. તું પહેલાં તારું કામ પતાવી લે..હું ત્યાં સુધી અહીં બેસું છું.."આટલું કહી અર્જુન ત્યાં રાખેલાં એક સ્ટુલ ઉપર બેસી ગયો.
પોતાનું અધૂરું કામ પૂરું કરી, પોતાની જોડે કામ કરી રહેલાં દિપક ને જરૂરી સૂચન આપી શેખ અર્જુનની જોડે આવ્યો અને બોલ્યો.
"તો ઓફિસર..વાત એમ છે કે આ બધી જ હત્યાઓ ની પેટર્ન એક જ છે..ગરદન પર દાંત ગડાવી એમાંથી લોહી પીવું..વિકટીમનું લોહીની કમી નાં લીધે મોત..અને આ બધું અંજામ આપનાર લોકોની ચોંકાવી મુકનારી શક્તિ.."
"હા..એ તો મેં પણ સાંભળ્યું મારાં સ્ટાફનાં કર્મચારીઓ દ્વારા કે એમની ઉપર હુમલો કરનાર લોકો જોડે સામાન્ય મનુષ્ય કરતાં ઘણી શક્તિઓ હતી..અશોકે તો ત્યાં સુધી કહ્યું કે એમનાં શરીર પર પડેલાં ગોળીઓનાં ગંભીર ઘા પણ એની મેળે રૂઝાતા હતાં.."અર્જુન બોલ્યો.
"અશોક બિલકુલ સત્ય કહી રહ્યો હતો..અત્યાર સુધી જેટલી પણ લાશો મળી એ દરેકની ગરદન પર બનેલાં દાંત નાં નિશાનમાંથી મને લાળ મળી આવી..જેની અંદર અમુક સેલ મોજુદ હતાં..આ સેલ એની જાતે જ સામાન્ય સેલ ની માફક નાશ તો પામતાં પણ રહસ્યમયી રીતે એ સેલ એની જાતે જ પોતાને પુનઃ પહેલાની માફક કરી દેતાં..આ એક એવી વસ્તુ છે જેનો જવાબ આપવો વિજ્ઞાનનાં હાથમાં પણ નથી.."અર્જુન તરફ જોઈ શેખ ચિંતિત મુદ્રામાં બોલ્યો.
"તો આનો અર્થ એવો નીકળે કે એ લોકોને મારવાં શક્ય નથી..અને જે રીતે એ લોકો જોડે સ્ફૂર્તિ અને શક્તિ છે એનાં લીધે એમની જીવિત પકડાય એવી કોઈ સંભાવના નથી..તો પછી કરીશું શું..? "અર્જુનનાં અવાજમાં થોડાં અંશે હતાશા અને વ્યગ્રતા આવી ચૂકી હતી.
"દરેક સમસ્યા નું કંઈક તો સમાધાન હોય..અને એ સમાધાન છે.."શેખ પોતાની વાત પૂર્ણ કરે એ પહેલાં તો વિશાલ ઉતાવળાં ડગલે લેબમાં પ્રવેશતાં બોલ્યો.
"સાહેબ તમે સાંભળ્યું..અરે એસીપી સાહેબ તમે અહીં જ છો."
"હા..અર્જુન અહીં જ છે ક્યારનોય..પણ તું શું કહેતો હતો..? "વિશાલ તરફ જોઈ શેખે સવાલ કર્યો.
"અરે એ તો હું એમ કહેતો હતો કે ગઈકાલે રાતે પોલીસ તંત્ર પર જ કોઈકે હુમલો કરી દીધો હોવાની વાત વાયુવેગે આખા શહેરમાં પ્રસરી ચુકી છે..જેનાં પરિણામ સ્વરૂપ શહેરમાં વસતાં તવંગર લોકો અહીંથી બીજે જવા માંડયા છે..સતત રહેતું આવું અંધકાર અને ઠંડકભર્યું વાતાવરણ તથા ડર નાં લીધે આ બધું ઠીક નહીં થાય ત્યાં સુધી એ લોકો કોઈ બીજાં શહેરમાં રહેશે એવું જાણવા મળ્યું છે.."વિશાલ બોલ્યો.
"આજે નહીં તો કાલે આ બનવાનું જ હતું..જે લોકો જાય છે એમને રોકવાનો કોઈ અર્થ નથી..પણ હવે બાકી લોકોનાં માનસપટલ પર આ બધી બાબતોનાં લીધે કોઈ ખોટી છાપ ના પડે એનું ધ્યાન રાખવું પડશે..અને એ માટે આ બધી ઘટનાઓ પાછળ જવાબદાર શૈતાનો ને વહેલી તકે એમનાં અંજામ સુધી પહોંચાડવા જ પડશે.."ગુસ્સામાં અર્જુન બોલ્યો.
"અને એ કામ તમારાં સિવાય બીજું કોઈ કરી શકે એમ જ નથી."વિશાલ અર્જુનની વાત સાંભળી ઉત્સાહિત સ્વરે બોલ્યો.
"અરે શેખ..તું કંઈક કહેતો હતો.."અચાનક વિશાલનાં આવ્યાં પહેલાં પોતાની શેખ જોડે ચાલુ ચર્ચા વિશે યાદ આવતાં અર્જુન બોલ્યો.
"હા..એ માટે હું તને કંઈક બતાવવા માંગુ છું..તું આ તરફ આવ.."આટલું બોલી શેખ માઇક્રોસ્કોપ રાખ્યું હતું એ તરફ આગળ વધ્યો.
"અર્જુન અહીં માઇક્રોસ્કોપનાં લેન્સ નીચે મોહનકાકા ની ગરદન પરથી મળેલી લાળનાં સેલ છે..તું ધ્યાનથી એ સેલ નું વિઘટન અને પુનઃ સંયોજન જોઈ શકે છે.."અર્જુન તરફ જોઈ શેખ બોલ્યો.
શેખનાં કહેવાથી અર્જુન માઇક્રોસ્કોપ ની જોડે આવ્યો અને પોતાની આંખ ને માઇક્રોસ્કોપનાં લેન્સ પર રાખી દીધી..ત્રણ-ચાર મિનિટ સુધી અર્જુન લેન્સ નીચે મોજુદ સેલની ગતિવિધિ નિહાળતો રહ્યો..આ દરમિયાન અર્જુનનાં ચહેરા પરનાં ભાવ પણ ખુબજ ઝડપથી બદલવા લાગ્યાં.. પોતે જે કંઈપણ જોયું હતું એ ખરેખર અવિશ્વસનીય છે એવું શેખ ને જણાવતાં અર્જુન બોલ્યો.
"શેખ..આ બધું તો મારી સમજથી ઉપર છે..જો કોઈ વ્યક્તિનાં લાળની અંદર મોજુદ સેલ આટલાં શક્તિશાળી હોય તો પછી એ વ્યક્તિ જોડે ખરેખર અસીમ તાકાત નો ભંડાર હોવાનો જ..અને એ વ્યક્તિનો ખાત્મો કરવો ખરેખર ઘણી જહેમતનું કામ સાબિત થશે એ નક્કી છે."
"હા..અર્જુન, તું કહે છે એ વાત સાચી છે..પણ કહ્યું છે ને નામ એનો નાશ..આ સેલની એક નબળાઈ મારી સામે આવી છે એ તને બતાવું.. હું કહું ત્યારે તું પુનઃ માઇક્રોસ્કોપમાં જોજે.."આટલું કહી શેખે એક નાનકડી લાઈટ ઓન કરી એનો પ્રકાશ માઇક્રોસ્કોપ નાં લેન્સ પર મોજુદ સેલ પર પાડ્યો અને પછી અર્જુનને હાથનાં ઈશારાથી ફરીવાર માઇક્રોસ્કોપમાં જોવાં કહ્યું.
એકાદ મિનિટ સુધી એકધાર્યું માઇક્રોસ્કોપમાં જોઈ રહ્યાં બાદ અર્જુન ખુશ થતાં બોલ્યો.
"અરે..શેખ, આતો બધાં સેલ નષ્ટ થઈ ગયાં.. શું હતું એ લાઈટમાં..? "
"આ અલ્ટ્રાવાયોલેટ લાઈટ છે..જેમાંથી અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળે છે.."અર્જુનનાં સવાલનો જવાબ આપતાં શેખ બોલ્યો.
"એનો મતલબ કે આ કિરણો ધરાવતી લાઈટની મદદથી એ રહસ્યમય લોકો સામે ટક્કર લઈ શકાશે..? "અર્જુનનાં અવાજમાં એક ઉમ્મીદ હતી.
"હા..ભાઈ..જે રીતે આ લાઈટ માઇક્રોસ્કોપ ની નીચે રાખેલાં સેલ માટે ઘાતક નીવડી એમ જ આ સેલ ની રચના ધરાવતાં શરીર વાળાં એ હત્યારાઓ નો ખાત્મો પણ આ લાઈટ કરી શકશે.."અર્જુનનાં સવાલનો જવાબ આપતાં શેખ બોલ્યો.
"પણ આ વિશે તને ખબર ક્યારે પડી..? "અર્જુનનાં પ્રશ્નો અટકવાનું નામ નહોતાં લઈ રહ્યાં.
પોતાને અલ્ટ્રાવાયોલેટ કિરણો આ સેલ માટે જોખમી છે એની ખબર કઈ રીતે પડી એ વિશે સવિસ્તર શેખે અર્જુનને જણાવવાનું શરૂ કર્યું.
"બે દિવસ પહેલાં જ્યારે એકસાથે આઠ લાશો ને લેબમાં એક્ઝેમાઈન માટે લાવવામાં આવી ત્યારે એ દરેકની ગરદન પર પણ આવાં જ સેલ હતાં જેમનું હું માઇક્રોસ્કોપ વડે અધ્યયન કરે જતો હતો..ફોરેન્સિક રિપોર્ટ તૈયાર કરી વિશાલને પોલીસ સ્ટેશન મોકલ્યાં બાદ મેં જ્યારે માઇક્રોસ્કોપ માં જોયું તો લેન્સ નીચે રહેલાં બધાં સેલ નષ્ટ પામ્યાં હતાં..આ જોઈ મને ઘણી નવાઈ લાગી કે આવું કેમ થયું..? "
"ઘણો સમય વિચારવા છતાં મને આનો કોઈ ઉકેલ ના મળ્યો..પણ અચાનક મારી નજર બારીમાંથી લેન્સ પર આવતાં સૂર્યપ્રકાશ પર પડી..આ જોઈ મારાં મગજમાં એક ઝબકારો થયો..મેં પુનઃ ફ્રીઝમાં સ્ટોર કરી રાખેલાં બીજાં સેલ લેન્સ નીચે મૂક્યાં અને માઇક્રોસ્કોપની મદદથી સૂર્યપ્રકાશની એ સેલ પર થતી અસરનું અવલોકન કર્યું..આમ કરતાં હું એ તારણ ઉપર આવ્યો કે આ શક્તિશાળી સેલ માટે સૂર્યપ્રકાશ જોખમી છે.."
"સૂર્યપ્રકાશ પણ અલગ-અલગ કિરણો નો બનેલો હોય છે આથી મારે એ જોવું હતું કે કોઈ ચોક્કસ કિરણો આ સેલ માટે ઘાતક છે કે પછી સૂર્યપ્રકાશ..ક્ષ-કિરણો, ગામા કિરણો, માઇક્રોવેવ કિરણો ની અસર આ સેલ પર ના થઇ પણ જ્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો આ સેલ પર પાડવામાં આવ્યાં એની થોડી ક્ષણોમાં આ સેલ નષ્ટ થવાં લાગ્યાં.. જે પુરવાર કરતું હતું કે યુવી લાઈટ આ સેલ ધરાવતાં લોકો માટે પણ ઘાતક જ છે.."
"ખૂબ સરસ..મારાં ભાઈ...તો પછી આજની રાત એ હત્યારા રક્ત પીનારા શૈતાનો નો અંત નક્કી છે..પણ એ માટે તારે થોડી મદદ કરવી પડશે.."શેખ ની બધી વાત સાંભળ્યાં બાદ અર્જુને શેખ ભણી જોઈને કહ્યું.
"બોલને ભાઈ..હું શું મદદ કરી શકું..? "અર્જુનની તરફ જોઈ શેખે પૂછ્યું.
"મારે દસેક શક્તિશાળી યુવી લાઈટ જોઈએ છે..એ પણ આજ સાંજ સુધી.."અર્જુને કહ્યું.
"થઈ જશે..એ બધું કામ તું બેફિકર થઈને મારાં ઉપર મૂકી દે.."શેખ અર્જુનનાં ખભે હાથ મૂકીને બોલ્યો.
"ખૂબ ખૂબ આભાર દોસ્ત.."અર્જુન બોલ્યો.
"અરે આ તો મારી ફરજ છે..તમે લોકો જો જીવ ની પરવાહ કર્યાં વગર પોતાની ફરજ નિભાવો તો તમારી મદદ કરવી અમારી પણ નૈતિક ફરજ છે.."શેખ બોલ્યો..શેખ નાં અવાજમાં પણ પોતાની ફરજનિષ્ઠા સાફ-સાફ વર્તાતી હતી.
"સારું તો હું હવે નીકળું..મોહનકાકા નાં મૃતદેહ ને લેવાં હમણાં જાની ને મોકલું છું..એમની અંતિમવિધિ પૂર્ણ કરી લગભગ ચાર વાગે સ્ટાફમાંથી કોઈકને લાઈટ લેવાં મોકલી દઈશ.."ત્યાંથી જવાની રજા લેતાં અર્જુન બોલ્યો.
"વાંધો નહીં.. હું તારું કિધેલું કામ કરી દઈશ..અને આ મોહનકાકાની હત્યા નો ફોરેન્સિક રિપોર્ટ છે..જેને તું તારી સાથે લેતો જા"એક કવર અર્જુનની તરફ લંબાવતાં શેખ બોલ્યો.
શેખ નાં જોડેથી કવર લઈને અર્જુન પોતાની બુલેટ પર સવાર થઈને ઘર તરફ નીકળી પડ્યો..નીકળતાં પહેલાં અર્જુને કોલ કરી જાનીને મોહનકાકા નો મૃતદેહ એમનાં પરિવારને સોંપવાની કામગીરી સોંપી દીધી.
શેખ સાથેની મુલાકાત બાદ અર્જુનનાં મનમાં રહેલી હતાશા ગાયબ થઈ ચૂકી હતી..અને એનું સ્થાન એ આશા એ લઈ લીધું હતું કે શેખે સૂઝાવેલી યુક્તિ મુજબ પોતે નક્કી એ રક્તપિશાચ લોકોનો અંત આણશે..!!
★★★
વધુ આવતાં અંકમાં.
શેખ જોડેથી માહિતી મુજબ યુવી લાઈટનો ઉપયોગ કરી અર્જુન એ શક્તિશાળી લોકોનો સામનો કરી શકશે..? એ લોકોનો મોટાભાઈ ક્રિસ કોણ હતો..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન.આર.પટેલ (શિવાય)