ડેવિલ રિટર્ન-1.0
(13)
રાધાનગરમાં થયેલી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે. પોતાનો જીવ આપી મોહનકાકા અશોક તથા અન્ય કોન્સ્ટેબલો ને બ્રાન્ડન અને ડેઈઝીથી બચાવી લે છે. વાઘેલા અને એની સાથે મોજુદ સાથી અધિકારીઓને જ્હોન તથા ટ્રીસા ઘાયલ કરી મૂકે છે..ટ્રીસા વાઘેલા ને અર્જુન વિશે સવાલાત કરતી હોય છે ત્યાં દૂરથી આવતી બુલેટનો અવાજ સાંભળી વાઘેલાનાં ચહેરા પર સ્મિત ફરી વળે છે.
"જાણવું છે ને તારે કે અર્જુન કોણ છે..તો જોઈલે આ તરફ..."ટ્રીસા ને ઉદ્દેશીને બુલેટની દિશામાં આંગળી ચીંધતાં વાઘેલા બોલ્યો.
વાઘેલા ની વાત સાંભળી ટ્રીસાની વાઘેલાની ગરદન ઉપરની પકડ થોડી ઢીલી થઈ ગઈ..જ્હોન અને ટ્રીસા એ બુલેટનાં અવાજની દિશામાં આ સાથે જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું..બુલેટ ની હેડલાઈટની સાથે કોઈ અન્ય વાહનની પણ લાઈટ નજરે પડતાં જ્હોન બોલ્યો.
"ટ્રીસા..લાગે છે એકસાથે ઘણાં લોકો આવે છે.."
"તો એમાં શું થયું..? આપણે એ બધાં ને પણ અર્જુનની સાથે મોત ને ઘાટ ઉતારી દઈશું.."ટ્રીસા બોલી.
વાહનો ની હેડલાઈટ નો નજીક આવતો પ્રકાશ એ તરફ ઈશારો કરી રહ્યો હતો કે એ વાહનો ત્યાં જ આવી રહ્યાં હતાં..અર્જુન ની સાથે પોતાનાં અન્ય સાથી કર્મચારીઓ પણ પોતાની મદદે આવી રહ્યાં હતાં એ જોઈ વાઘેલા, સરતાજ અને બાકીનાં ચારેય કોન્સ્ટેબલોમાં ગજબનું જોમ આવ્યું..એ બધાં બેઠાં થઈને પુનઃ સંગઠિત થયાં અને વાઘેલાની જોડે જઈને ઉભાં રહી ગયાં
અચાનક જ્હોન ને મગજની અંદર કંઈક ઝાટકા આવવાં લાગ્યાં.. આ સાથે જ જ્હોને આંખો બંધ કરી પોતાનાં બંને હાથને કપાળની બંને તરફ રાખી દીધાં.. અડધી મિનિટ બાદ જ્હોને આંખો ખોલી અને ટ્રીસા નો હાથ પકડી બોલ્યો.
"ટ્રીસા..ચલ અહીંથી નીકળીએ.."
જ્હોને અચાનક કેમ આવું કહ્યું એ ના સમજાતાં ટ્રીસા બોલી.
"પણ કેમ..? "
"ડેઈઝી નો સંદેશ આવ્યો કે એ અને બ્રાન્ડન હવે નીકળે છે..અને આમ પણ આ છ લોકો તો અહીં હાજર છે અને નક્કી નહીં બીજાં કેટલાં લોકો આવી રહ્યાં છે..તો સમજ્યા વિચાર્યા વગર અહીં ઉભું રહેવું હાથે કરીને મોત ને આમંત્રણ આપવાં બરાબર છે.."ટ્રીસા ને સમજાવતાં જ્હોન બોલ્યો.
જ્હોનની વાત સાંભળી ટ્રીસા મને-કમને ડોકું હલાવતાં એની વાતમાં સહમતી બતાવી ત્યાંથી જવા માટે રાજી થઈ ગઈ..આ સાથે જ જ્હોન અને ટ્રીસા ત્યાંથી વાવાઝોડાંની માફક નીકળી ગયાં.. એમને આમ જતાં જોઈ વાઘેલા એક્શનમાં આવ્યો અને પોતાની નીચે પડેલી રિવોલ્વર શોધીને ઉપરાઉપરી ત્રણ-ચાર ગોળીઓ એ લોકો ભાગ્યાં હતાં એ તરફ છોડી દીધી..આ ગોળીઓ એમને નહીં જ વાગી હોય એવો ખ્યાલ તો વાઘેલાને પણ હતો જ.
એ લોકોનાં ત્યાંથી આમ નીકળી ગયાંની અડધી મિનિટ બાદ બુલેટ પર સવાર થઈને અર્જુન અને અર્જુનનાં બુલેટની પાછળ અબ્દુલ સમેત અન્ય કોન્સ્ટેબલો ભરેલી જીપ વાઘેલા અને એની સાથે મોજુદ કર્મચારીઓ જ્યાં ઉભાં હતાં ત્યાં આવીને થોભી ગઈ..બુલેટ ને બંધ કરી અર્જુન વાઘેલાની જોડે આવ્યો અને ચિંતિત સ્વરે બોલ્યો.
"વાઘેલા..તું અને બીજાં બધાં ઠીક તો છો ને..? "
"હા સાહેબ..બસ આ થોડું ઘણું ચહેરા પર વાગ્યું છે..બાકી અમે બધાં ઠીક છીએ.."વાઘેલા ચહેરા પર પડેલાં ટ્રીસા નાં નહોર નાં ઘા માંથી નીકળતાં રક્તને હાથરૂમાલ વડે સાફ કરતાં બોલ્યો.
"કોણ હતાં એ લોકો..અને ક્યાં ગયાં..? "અર્જુને વાઘેલાની તરફ જોઈ સવાલ કર્યો.હકીકતમાં અર્જુન શહેરમાં પોતાની બુલેટ લઈને બધું ઠીક છે કે નહીં એ જોવાં નીકળ્યો હતો ત્યાં એને વાઘેલા નાં વોકી ટોકી ઉપરથી કંઈક અસ્પષ્ટ અવાજ આવતો સાંભળ્યો..અર્જુને વાઘેલા સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો પણ એમાં સફળતા ના મળી..અર્જુન ને આ કારણોસર ચિંતા પેઠી અને એને બુલેટ ને કન્યાશાળા તરફ દોડાવી મૂકી.
રસ્તામાં અબ્દુલે અર્જુનને પુરપાટ વેગે કન્યાશાળા તરફ જતો જોયો..એટલે અબ્દુલને લાગ્યું કે નક્કી કંઈક ના બનવાનું બન્યું છે..આથી અબ્દુલે પણ પોતાની જીપને અર્જુનની બુલેટની પાછળ ને પાછળ ભગાવી મુકી.
"સાહેબ..એ બે વ્યક્તિ હતાં.. એક સ્ત્રી અને એક પુરુષ..એ લોકો ચહેરે-મ્હોરે અહીનાં રહેવાસી નહોતાં લાગતાં..અને એમનાં નામ પણ કેથેલીક લોકોનાં જેવાં હતાં..આ સિવાય એક બીજી વાત કે એ લોકો જોડે ગજબની રહસ્યમયી શક્તિ છે.."અર્જુનનાં સવાલનો જવાબ આપતાં વાઘેલા બોલ્યો.
"રહસ્યમય શક્તિ મતલબ..? "વાઘેલા ની જોડે સ્પષ્ટતા માંગતાં અર્જુન બોલ્યો.
"સાહેબ..એ બંને અંધકારમાં પણ જોઈ શકતાં હતાં..એમની ચાલમાં વીજળી ની ગતિ હતી..ગજબની સ્ફૂર્તિ હતી..આ સિવાય એ લોકો નાં દાંત કોઈ જંગલી પશુની માફક ધારદાર હતાં..એ બે લોકો હતાં છતાં અમે છ હથિયારધારી લોકોને પળમાં ધૂળ ચાટતાં કરી દીધાં..એ લોકો કોઈ સામાન્ય મનુષ્ય તો નથી જ.."વાઘેલા નાં ચહેરા પર હજુપણ ડર ની રેખાઓ સ્પષ્ટ દેખાઈ રહી હતી.
"આ સિવાય બીજું કાંઈ જે તમારાં ધ્યાને ચડ્યું હોય..? "અર્જુને પૂછ્યું.
અર્જુનનો આ સવાલ સાંભળી વાઘેલા મગજ ઉપર જોર આપી કંઈક યાદ કરતાં બોલ્યો.
"હા સાહેબ..એ લોકોની વાતો મેં થોડી ઘણી સાંભળી..જેમાં એ બંને તમારી ચર્ચા કરતાં હતાં..કોઈ કારણોસર એ લોકો તમારાંથી ડરે છે એવું મને લાગે છે.."
'આ કોણ રહસ્યમય લોકો છે જે પોતાને ઓળખતાં હતાં અને પોતાનાથી ડરે પણ છે..'આ વિશે અર્જુન હજુ વિચારતો હતો ત્યાં તો એનાં ફોનની રિંગ વાગી..જેવી વિકટ પરિસ્થિતિનું નિર્માણ ત્યાં અત્યારે થયું હતું એમાં તો ફોનની રિંગ પણ નાનો અમથો હૃદયરોગ નો હુમલો આપવાં સમાન સાબિત થઈ..ફોનની ડિસ્પ્લે ઉપર નાયકનું નામ ફ્લેશ થઈ રહ્યું હતું.
"હા બોલ નાયક.., કેમ કોલ કર્યો..? "ફોન રિસીવ કરતાં જ અર્જુને સવાલ કર્યો.
"સાહેબ..અશોક અને એમની ટુકડી મને ઘવાયેલી હાલતમાં હમણાં મળી..એ લોકોનું કહેવું છે કે એક પુરુષ અને સ્ત્રી ની રહસ્યમય જોડી એ એમની ઉપર હુમલો કરી દીધો..જેમાં મોહનકાકા શક્યવત મૃત્યુ પામ્યાં.. હું એ લોકોને લઈને મસ્જિદ તરફ જઈ રહ્યો છું..તમે પણ ત્યાં આવો તો સારું.."ડેઈઝી અને બ્રાન્ડનથી બચીને ભાગેલી અશોક અને એની જોડે હાજર ચાર કોન્સ્ટેબલો ની ટુકડી નાયક ને મળી હતી..જે વિષયમાં જાણકારી આપતાં નાયક બોલ્યો.
"શું કહ્યું ત્યાં પણ રહસ્યમય માણસો એ હુમલો કરી દીધો..અને એમાં મોહનકાકા.."નાયકની વાત સાંભળી અવાચક બની ગયેલો અર્જુન બોલ્યો.
"ત્યાં પણ..મતલબ..બીજે ક્યાં આવું બન્યું છે..? "નાયક અર્જુનનાં શબ્દોનાં અર્થ ને સમજતાં બોલ્યો.
"અહીં કન્યાશાળા જોડે વાઘેલા ની ટીમ પર પણ એવાં જ વિચિત્ર સ્ત્રી-પુરુષની જોડીએ હુમલો કર્યો છે..પણ હું અને અબ્દુલ સમયસર આવી જતાં એમનાંમાંથી બધાં સલામત છે..તું જલ્દી મસ્જિદ પહોંચ..હું પણ બધાં ને લઈને ત્યાં આવું છું.."અર્જુને આટલું કહી કોલ કટ કરી દીધો.
અર્જુન અને નાયક વચ્ચે થયેલી વાત ત્યાં હાજર બધાં લોકો સાંભળતાં હતા..પોલીસ ની બે અલગ-અલગ ટુકડીઓ પર થયેલાં આ જીવલેણ હુમલાની ખબર સાંભળતાં જ બધાં વિસ્મય માં પડી ગયાં.. અર્જુને બે કોન્સ્ટેબલો ને પોતાની બુલેટ પાછળ અને બાકીનાં ને જીપમાં બેસવાનું કહ્યું..અને પછી પોતાનું બુલેટ મસ્જિદ ની તરફ ભગાવી મુક્યું..જ્યાં અશોકની ટુકડી ચોકીપહેરો કરતી હતી.
દસ મિનિટમાં તો અર્જુન મસ્જિદ જોડે આવી પહોંચ્યો હતો..પાછળ-પાછળ અબ્દુલ પણ બાકીનાં કોન્સ્ટેબલોને લઈને ત્યાં જીપ લઈને આવી ગયો..અર્જુને જોયું કે દસેક કોન્સ્ટેબલો તાપણી જોડે ટોળું વળીને ઉભાં હતાં.. એ નાયક અને અશોકની સાથે મોજુદ કોન્સ્ટેબલો હશે એ વિચારી અર્જુન બુલેટ ને થોભાવી ફટાફટ એ તરફ લગભગ દોડીને પહોંચી ગયો.
અર્જુનને ત્યાં આવેલો જોઈ નાયક સમેત બધાં કોન્સ્ટેબલો એક તરફ હટી ગયાં.. અર્જુને ત્યાં પહોંચીને જોયું તો મોહનકાકા મૃતપાય હાલતમાં જમીન પર પડ્યાં હતાં..નાયક અને બીજાં પોલીસ કર્મચારીઓનો ચહેરો એ દર્શાવવા કાફી હતો કે મોહનકાકા હવે જીવિત નથી.
"સાહેબ..એ લોકો બહુ શક્તિશાળી હતાં.અમે છ લોકો મળીને પણ એ બે લોકોનો મુકાબલો કરવામાં અસમર્થ રહ્યાં.એ બે જણા અમને બધાંને મારી નાંખત..પણ મોહનકાકા એ દિલેરી સાથે એ બંને સ્ત્રી-પુરુષનો મુકાબલો કર્યો..એમને અમને બચાવવા પોતાનો જીવ આપી દીધો.."અર્જુનને ગળે લગાવતાં અશોક રડમસ સ્વરે બોલ્યો.
"અશોક..રડીશ નહીં.. જો રડીશ તો આ ભડવીર મોહનકાકા ની આત્મા ને ખોટું લાગશે..ચૂપ થઈ જા.."અશોકને સાંત્વનાં આપતાં અર્જુન બોલ્યો.
"પણ સાહેબ..એ લોકોએ ક્રુરતાની બધી હદ વટાવી મોહનકાકા ની હત્યા કરી છે..અને અમે એમને બચાવી પણ ના શક્યાં.."અશોકનાં અવાજમાં દર્દ અને લાગણી ઉભરાઈ રહી હતી.
"એ બધાં નો હિસાબ ચૂકતે કરવાનું હું તમને બધાં ને વચન આપું છું..એ લોકો ગમે તેવાં શક્તિશાળી હશે પણ મારાં હાથે એમને એમનાં કરેલાં કર્મોની સજા મળીને જ રહેશે.."મોહનકાકાનાં મૃતદેહ ની તરફ જોઈ અર્જુન મક્કમ સ્વરે બોલ્યો.
અર્જુનની વાત સાંભળી ત્યાં મોજુદ દરેક પોલીસ કર્મચારીનાં શરીરમાં નવું જોમ પ્રસરી ગયું..નાયક ધીરેથી અર્જુન જોડે આવ્યો અને અર્જુનનાં કાન જોડે પોતાનું મોં લાવીને બોલ્યો.
"સાહેબ..હવે આગળ શું કરવું છે..? "
નાયકનો સવાલ સાંભળી અર્જુન થોડું વિચારીને બોલ્યો.
"તું જલ્દી આપણી બધી જ ટુકડીઓ ને ફોન કરી સાવચેત કરી દે..ત્યારબાદ તું અને અબ્દુલ જીપ લઈને જાઓ અને ચાર ટુકડીઓ ની જગ્યાએ બે ટુકડીઓ કરી દો..હું અહીં રહીને મોહનકાકા નાં મૃતદેહ ને ફોરેન્સિક લેબમાં મોકલવાની વ્યવસ્થા કરું છું.."નાયક અને અબ્દુલને આદેશ આપતાં અર્જુન બોલ્યો.
અર્જુનનો આદેશ માથે ચડાવી નાયક અને અશોક પોતપોતાની જીપમાં બેસી નીકળી પડ્યાં.. એ બંને એ મળીને નક્કી કરી દીધું હતું કે કુલ ચાર ટુકડીઓ છે જેમાંથી નાયક એક ટુકડીને લઈ એક જગ્યાએ પહોંચશે..જ્યારે અબ્દુલ બીજી ટુકડીને લઈ બીજી જગ્યાએ.
એ લોકોનાં જતાં જ અર્જુન મોહનકાકા નાં મૃતદેહ જોડે બેસી ગયો અને ધ્યાનપૂર્વક મોહનકાકા નાં શરીર પર બનેલાં ઘા ને નિરખવાં લાગ્યો.અર્જુને મોહનકાકાનાં શરીર પર જે ઘા પડ્યાં હતાં એને જોતાં જ મનોમન ડેઈઝી અને બ્રાન્ડન કેટલાં ક્રૂર હશે એનો અંદાજો લગાવ્યો..સાથે-સાથે એ બાબતનું પણ ગર્વ અર્જુનને થયું કે પોતાનાં સ્ટાફનો એક ઉંમરલાયક કોન્સ્ટેબલ પોતાનાં સ્ટાફનાં યુવાન કોન્સ્ટેબલો ને બચાવવા મોત સામે અડગ ઉભો રહી ગયો.
મોહનકાકા ની અર્ધખુલ્લી આંખોમાં હજુ પણ મરતી વખતે જે તડપ મહેસુસ કરી હશે એની આછેરી ઝાંખી અર્જુનને દેખાઈ..અર્જુન મોહનકાકાની આંખોને હાથ વડે બંધ કરી ઉભો થતો હતો ત્યાં એની નજર લોહીથી ખરડાયેલી મોહનકાકાની ગરદન પર પડી..જ્યાં દાંત નાં કુલ ચાર નિશાન હતાં..જેમાં બે ઉપરની તરફ એકબીજાને સમાંતર હતાં જ્યારે બાકીનાં બે એનાંથી થોડે નીચેની તરફ એકબીજાને સમાંતર.
અર્જુન આ જોઈ એટલું તો સમજી ગયો હતો કે એ જે કોઈપણ હુમલાખોરો હતાં.એમને મનુષ્ય લોહી કોઈ વૈદિક વિધિ માટે નહોતું જોઈતું પણ પોતાની લોહીની તરસ છુપાવવા જોઈતું હતું..આ સાથે જ અર્જુનનાં મોંઢે અનાયાસે જ એક નામ નીકળી આવ્યું.
"રક્તપિશાચ.."
"અશોક..તું દિપક કે અશોકને કોલ કરી મોહનકાકાનાં મૃતદેહ ને વહેલી તકે ફોરેન્સિક લેબ મોકલવાની વ્યવસ્થા કર.."અશોકની તરફ જોઈ અર્જુને આદેશ આપ્યો..આ સાથે જ અશોકે અર્જુનનો હુકમ માથે જણાવી વિશાલને કોલ લગાવી ત્યાં આવી જવાં જણાવ્યું.
અશોકનો ફોન પોતાની ઉપર આવતાં જ વિશાલ પોતાની સાથે દિપક અને ત્રણ બીજાં ફોરેન્સિક ટીમનાં સભ્યોને લઈને ઘટનાસ્થળે પહોંચી ગયો..પોતાનું બધું જ કામ યોગ્ય રીતે પૂર્ણ કરી મોહનકાકા ની લાશને લઈને વિશાલ જ્યારે જતો હતો ત્યારે એને જતાં-જતાં અર્જુનને કહ્યું.
"એસીપી સાહેબ..તમે ઓફિસર શેખ ને મળ્યાં..? "
"ના કેમ..કોઈ કામ હતું..? "અર્જુને વિશાલનાં આમ અચાનક પુછાયેલાં સવાલનાં પ્રતિભાવમાં સામો સવાલ કરતાં કહ્યું.
"કામ તો કંઈ નહોતું..પણ તમારે એકવાર શેખ સાહેબને મળવું જોઈએ..નહીં તો આવી બીજી ઘણી લાશો જોવાનો વારો આવી શકે છે.."આટલું કહી વિશાલ તો ગાડીમાં ગોઠવાઈ ગયો પણ જતાં-જતાં અર્જુનનાં મનમાં સેંકડો સવાલો મુકતો ગયો.
આ બધી કાર્યવાહીમાં સાડા પાંચ થઈ ગયાં હતાં..હવે અર્જુન વધુ જોખમ લેવાં નહોતો ઈચ્છતો એટલે મસ્જિદ જોડે પોલીસદળ ની બે ટુકડીઓ સાથે એ પોતે જ રોકાઈ ગયો..સાડા આઠ વાગે સૂરજનું પહેલું કિરણ રાધાનગર ની જમીન પર પડતાં ની સાથે જ અર્જુન બાકીનાં બધાં કોન્સ્ટેબલો પોલીસ સ્ટેશનમાં જવાની સૂચના આપી ઓફિસર શેખ ને મળવાં ફોરેન્સિક લેબ તરફ બુલેટ પર સવાર થઈને નીકળી પડ્યો..!!
★★★
વધુ આવતાં અંકમાં.
શેખ જોડેથી અર્જુનને શું માહિતી મળશે..? શેખ જોડેથી માહિતી મેળવી અર્જુન એ શક્તિશાળી લોકોનો સામનો કરી શકશે..? એ લોકોનો મોટાભાઈ ક્રિસ કોણ હતો..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન.આર.પટેલ (શિવાય)