Devil Return-1.0 - 10 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-1.0 - 10

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-1.0 - 10

ડેવિલ રિટર્ન-1.0

(10)

અમરત ની લાશ બાદ રાધાનગરમાં અન્ય આઠ લોકોની લાશ મળી આવે છે..અશોકનાં કરેલાં કોલ નાં લીધે અર્જુન પોતાની ટુર ને ટૂંકાવી રાધાનગર પાછો આવે છે..કોનફરન્સ હોલમાં અર્જુન પોલીસકર્મીઓઓને પોતાનાં ત્યાં આવવાનું કારણ અને અમરત પછી જેમની હત્યા થઈ એમનો ફોરેન્સિક રિપોર્ટ વાંચી સંભળાવે છે..ફરીવાર કોઈ અન્ય વ્યક્તિનો ભોગ ના લેવાયાં અને આ બધી કરપીણ હત્યાઓને અંજામ આપનારો વહેલી તકે પકડાઈ જાય એ માટે અર્જુન આખાં શહેરમાં સખત પોલીસ બંદોબસ્ત ગોઠવે છે.

એક તરફ જ્યાં અર્જુન અને રાધાનગર પોલીસનો સમગ્ર સ્ટાફ શહેરીજનો ની સુરક્ષા હેતુ ખડેપગે ઉભો હોય છે ત્યાં રાધાનગરનાં દરિયામાંથી ચાર માનવાકૃતિઓ શહેરની તરફ અગ્રેસર થાય છે.

સાંઈબાબા મંદિર, સરદાર પટેલ ગાર્ડન, મસ્જિદ, જુના બજાર, કન્યાશાળા અને રાધાનગર કોલેજ એમ કુલ છ જગ્યાઓએ પોલીસની અલગ-અલગ છ ટુકડીઓ ખડે પગે હાજર હતી.રાતનાં લગભગ બાર વાગવાં આવ્યાં હતાં..અર્જુને કરેલી વ્યવસ્થા મુજબ અબ્દુલ જે જીપમાં હતો એમાં રાત્રે સુરક્ષામાં હાજર પોલીસ કર્મીઓ માટે ચા-નાસ્તાની સગવડ હતી..અબ્દુલે અડધાં કલાક પહેલાં જ બધાં પોલીસકર્મીઓને એ લોકો જ્યાં હાજર હતાં ત્યાં જઈને ચા-નાસ્તો આપવાનું કામ પૂરું કરી લીધું હતું.

અર્જુન પોતે પણ બુલેટ પર સવાર થઈને એકવાર આખા શહેરનું ચક્કર લગાવી આવ્યો હતો.નાયક પણ પુરી સજાગતા સાથે જીપમાં બેસી જ્યાં જ્યાં પોલીસ કર્મીઓ હાજર નહોતાં એવી જગ્યાઓની મુલાકાત લેતો આવ્યો હતો.લોકલ ન્યુઝ ચેનલ માં પ્રસારીત થયેલી સુચના મુજબ રાધાનગર શહેરનો કોઈપણ રહેવાસી રાત પડતાં ઘરની બહાર નીકળ્યો નહીં અને આમ કરી એ લોકોએ પોલીસતંત્રની મદદ કરવાનું કામ કર્યું હતું.

શહેરનું ચક્કર લગાવી અર્જુન પોતાની બુલેટ લઈને પોલીસ સ્ટેશનમાં પાછો આવ્યો..ગઈકાલ રાતે મહાપરાણે બે-ત્રણ કલાક ઉંઘવાનાં લીધે અર્જુનને અત્યારે ઝોકાં આવી રહ્યાં હતાં..અર્જુનનાં ચહેરા પરથી એની હાલત સમજતાં નાયક અને અબ્દુલે અર્જુનને પોલીસ સ્ટેશનમાં જઈને બે-ત્રણ કલાક આરામ કરવાની સલાહ આપી એટલે અર્જુન થોડો સમય આરામ કરવાનાં ઉદ્દેશથી પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો.નાયક અને અન્ય સિનિયર પોલીસકર્મીઓને કોલ કરી જરૂરી સુચનો આપ્યાં બાદ અર્જુન પોતાની કેબિનમાં આવીને ટેબલ પર પગ લાંબા કરીને સુઈ ગયો.

રાધાનગર પોલીસ નો બધો જ સ્ટાફ શહેરનાં ખૂણે ખૂણે પોતાની હાજરી સાથે સુરક્ષા પ્રબંધન માં લાગેલો હતો ત્યાં દરિયામાં પુરાતન સમયનાં જહાજમાંથી ઉતરેલી ચાર માનવાકૃતિઓ શહેરની હદમાં પ્રવેશ કરી ચુકી હતી..શહેરની હદમાં પગ મુકતાં જ એ ચારેય લોકો કઈ તરફ આગળ વધવું એની ચર્ચા કરવાં લાગ્યાં.

"ભાઈ તું કાલે ક્યાંથી પાછો આવ્યો હતો...? "ઊંચાઈમાં લગભગ છ ફૂટ જેટલી પચ્ચીસેક વર્ષની સુંદર યુવતીએ માથામાં સોનેરી વાળ ધરાવતાં યુવકને પૂછ્યું.

"બેન..હું આ તરફ ગયો હતો..હું મારાં શિકાર પર હુમલો કરવાં જતો હતો ત્યાં ભાઈ કહેતો હતો એ અર્જુન આવી ગયો..અને ભાઈએ કીધું હતું કે એ અર્જુન નામનાં વ્યક્તિ સામે વગર કારણે સીધાં મુકાબલામાં ના ઉતરવું એટલે હું પાછો આવ્યો.."એ યુવક બોલ્યો..આ એજ વ્યક્તિ હતો જો ગતરાતે અબ્દુલ પર હુમલો કરવાની ફિરાકમાં હતો ત્યારે અર્જુનનાં ત્યાં ઓચિંતા આગમનનાં લીધે એને પાછું વળવું પડ્યું હતું.

"ચાલ તો આજે હું તારી સાથે આવું..આજે તો એક શિકાર કરીને જ પાછું ફરવું છે..આજે બહુ મન થયું છે કોઈનું ગરમ ગરમ લોહી પીવાનું.."બિલાડી જેવી આખો ધરાવતી એ યુવતી બોલી.

"તો પછી અમે બે ક્યાં જઈએ.? ..અમને પણ લોહી પીવાનું મન થયું છે.."એ લોકોમાંથી ફ્રેન્ચ કટ દાઢી ધરાવતો એક પચ્ચીસેક વર્ષનો યુવક સવાલ કરતાં બોલ્યો.

"જ્હોન, તું ટ્રીસા ને લઈને બીજી તરફ જા..હું અને બ્રાન્ડન આ તરફ જઈએ છીએ.."પ્રથમ વખત એ લોકોનાં નામ આ સાથે સામે આવ્યાં હતાં..નામ પરથી તો એ લોકો કૅથલીક લાગતાં હતાં.

"સારું ડેઈઝી..પણ સાચવીને જજો.."જ્હોન કરીને જે યુવક હતો એ પેલી છ ફૂટ ઊંચાઈ ધરાવતી યુવતી તરફ જોઈને બોલ્યો.

"તું અને ટ્રીસા પણ સાચવજો.."વીસેક વર્ષની ઉંમર ધરાવતી યુવતી નાં ગાલ ઉપર હાથ ફેરવતાં ડેઈઝી બોલી..એ ઉંમરમાં સૌથી નાની યુવતીનું નામ ટ્રીસા હતું.

આ સાથે જ એ ચારેય ભાઈ-બહેન બે ટુકડીઓમાં વિભાજીત થઈને અલગ-અલગ રસ્તે આગળ વધ્યાં.. એ લોકોની વાતો એ દર્શાવવાં કાફી હતી કે આ એજ હત્યારાઓ હતાં જે શહેરમાં થયેલાં હત્યાકાંડ માટે જવાબદાર હતાં.. જે પ્રકારે એ લોકો લોહી પીવાની વાત કરી રહ્યાં હતાં એ પરથી એ વાત સ્પષ્ટ હતી કે અર્જુનનું એ અનુમાન ખોટું છે કે આ બધી હત્યાઓ કોઈ ધાર્મિક વિધિ માટે કરવામાં આવી હતી.

****

અશોકની આજે અબ્દુલ ની અનુપસ્થિતિમાં મસ્જિદની જોડે ડ્યુટી હતી..અશોકની જોડે હરિ અને મોહનકાકા હાજર હતાં.અશોક એક જવાબદાર પોલીસ ઓફિસર તરીકેની પોતાની ડ્યુટી પુરી લગનથી નિભાવી રહ્યો હતો.બ્રાન્ડન પોતાની બહેન ડેઈઝી ની સાથે અશોક જે જગ્યાએ પોતાનાં સાથીદારો સાથે ડ્યુટી કરી રહ્યો હતો એ તરફ અંધારાનો ફાયદો ઉઠાવી ચોરી છુપે અગ્રેસર થયો.

એકતરફ બ્રાન્ડન અને ડેઈઝી મસ્જિદ તરફ આગળ વધી રહ્યાં હતાં તો બીજી તરફ ટ્રીસા અને જ્હોન કન્યાશાળાની તરફ અગ્રેસર થઈ રહ્યાં હતાં..કન્યાશાળા જોડે ડ્યુટી નિભાવી રહ્યો હતો વાઘેલા.તાપણાં ની સાથે-સાથે વાઘેલા ની વર્ષો જૂની વાતોની પોથી પોતાનાં જુનિયર ઓફિસરો સામે ખોલવાની પ્રક્રિયા ચાલુ જ હતી.

આમ તો વાઘેલા ની કામ વગરની વાતો અને જે હકીકતમાં થયું જ ના હોય એવી શોર્યકથાઓ સાંભળવાનો એની જોડે મોજુદ પોલીસકર્મીઓ ને કંટાળો આવતો હતો..પણ વાઘેલા એમનો સિનિયર હતો એટલે એવું તો કહેવાય નહીં..અને આમ પણ સમય પસાર કરવા કંઈક તો કરવું એમ વિચારી એ લોકો મજા ખાતર વાઘેલાની વાતો ને સહન કરી રહ્યાં હતાં.

આમ તો ઠંડી એટલી હતી કે હાંજા ગગડી જાય..પણ જ્યારે સુસવાટા વાતો ઠંડો પવન શરીરને સ્પર્શ કરતો ત્યારે તો ત્વચાને જાણે બરફનો સ્પર્શ થતો હોય એવું લાગતું..અને અંદર સુધી એક હાડ થીજવતી કંપારી છૂટી જતી..જો આવું ને આવું બે-ત્રણ દિવસ રહ્યું તો ઘરડાં અને બીમાર લોકો તો રાધાનગર છોડીને જતાં જ રહેશે એ નક્કી હતું.

"સાહેબ, ત્યાં પેલાં વડ જોડે કોઈક ઉભું છે.."સરતાજ નામનાં શીખ કોન્સ્ટેબલે વાઘેલા ને ઉદ્દેશીને ધીરેથી કહ્યું.

સરતાજ ની વાત સાંભળી વાઘેલા એ ગરદન ઘુમાવી પચાસેક મીટર દૂર રહેલાં વડની તરફ નજર કરી..પણ કંઈ નજરે ના ચડતાં પોતાનાં સ્વભાવ મુજબ અકળાઈને વાઘેલા બોલ્યો.

"ક્યાં છે..? મને તો કોઈ નથી દેખાતું.."

"અરે ત્યાં હમણાં જ મેં બે ચમકતી આંખો જોઈ..જે એકધારું આપણી તરફ જોઈ રહી હતી..પણ જેવી તમે નજર ઘુમાવી એ ત્યાંથી ગાયબ થઈ ગઈ.."સરતાજ પોતાની વાત પર કાયમ હતો.

જે રીતે વિશ્વાસથી સરતાજ બોલી રહ્યો હતો એ સાંભળી વાઘેલાને એની વાતમાં સચ્ચાઈ લાગી..એટલે એને સરતાજને કહ્યું.

"ચાલ..મારી જોડે આપણે બંને ત્યાં જઈને જોતાં આવીએ કે કોણ છે ત્યાં.."

"પણ એસીપી સાહેબે કહ્યું છે કે જ્યાં પણ જઈએ તો આખી ટુકડીએ જવાનું..તો આપણે બે નહીં પણ આ બાકીનાં ચારેય આપણી જોડે આવશે.."વાઘેલાની ટુકડીમાં સામેલ અન્ય ચાર કોન્સ્ટેબલ તરફ આંગળી કરતાં સરતાજ બોલ્યો.

સરતાજ ની વાત સાંભળી વાઘેલા એ બીજાં ચાર કોન્સ્ટેબલોને પણ પોતાની પાછળ-પાછળ આવવાં કહ્યું..આ સાથે જ હાથમાં દંડો લઈને વાઘેલા અને એની પાછળ-પાછળ સરતાજ સમેત પાંચેય કોન્સ્ટેબલ વડની તરફ અગ્રેસર થયાં..રસ્તા પર પડતાં એ લોકોનાં પગલાં નો અવાજ પણ વાતાવરણમાં પ્રસરેલી નીરવ શાંતિને લીધે સાફ-સાફ સંભળાઈ રહ્યો હતો.

"ભાઈ આ તો સામે ચાલીને શિકાર આપણી તરફ આવે છે.."વાઘેલા અને બાકીનાં લોકોને વડ તરફ આગળ વધતાં જોઈ વડ ની ઉપર છુપાઈને બેસેલી ટ્રીસા એ પોતાનાં ભાઈ જ્હોનને કહ્યું.

"આવવાં દે..આજે તો નક્કી ધરાઈને લોહી પીવા મળશે.."પોતાનાં ચહેરા પર ક્રૂર સ્મિત સાથે જ્હોન નાં બંને હોઠ પહોળા થયાં..આ સાથે જ જ્હોનનાં દાંત ની હરોળનાં છેવાડે બે અણીદાર દાંત નજરે પડ્યાં.

****

એક તરફ વાઘેલા અને એનાં સાથે મોજુદ પાંચેય કોન્સ્ટેબલ ધીરે-ધીરે જાણે અજાણે પોતાની મોત તરફ આગળ વધી રહ્યાં હતાં તો મસ્જિદ ની જોડે હાજર અશોક પુરી ચોક્સાઈ સાથે આજુબાજુ થતી નાનામાં નાની હિલચાલ પર નજર રાખીને બેઠો હતો..અર્જુને કરેલી વ્યવસ્થા મુજબ એ લોકો જ્યા હાજર હતાં ત્યાં બેટરીથી ચાલતી એક હેવી પાવરની લાઈટ હતી..જેનાં લીધે આટલાં ગાઢ અંધકારમાં પણ દિવસ જેવું અજવાળું એમની આસપાસ લાગતું હતું.

વધારામાં ભડભડ સળગતાં તાપણાં નો પ્રકાશ પણ ત્યાં રહેલાં અંધકાર ને ખુલ્લો પડકાર ફેંકી રહ્યો હતો..અર્જુને આપેલી સલાહ મુજબ અશોક કે એની સાથે હાજર હરિ, મોહનકાકા અને બીજાં કોન્સ્ટેબલો ક્યાંય પણ એકલાં નહોતાં જતાં..સાથે-સાથે વોકી ટોકી દ્વારા એ લોકો પોતાની અન્ય ટુકડીઓ અને જીપમાં ફરતાં નાયક તથા અબ્દુલ સાથે સતત સંપર્કમાં હતાં.

"અશોક, લગ્ન પછી આમ રાતે ડ્યુટી કરવી પડે ત્યારે તો ઝેર જેવું લાગતું હશે ને..? "અશોક ની ખેંચતા મોહનકાકા બોલ્યાં.

"અરે ના કાકા..એવું કંઈ ના હોય..જે કારણે તમારું ઘર ચાલતું હોય એ નોકરી ને પુરી લગનથી ફરજ સમજી નિભાવવી એ આપણું પહેલું કર્તવ્ય છે..માટે પહેલાં ડ્યુટી પછી બૈરી.."અશોક બોલ્યો.

"વાહ ભાઈ..અર્જુનનાં નીચે કામ કરતાં દરેક કોન્સ્ટેબલ અને સાથી ઓફિસરની અંદર આવી જ ધગશ જોવાં મળે એમાં કોઈ મીનમેખ નથી.."અશોકની વાત સાંભળી મોહનકાકા એ કહ્યું.

આમ જ એ લોકો ચારે તરફ ધ્યાન રાખી અંદરોઅંદર વાર્તાલાપ કરતાં સમય પસાર કરી રહ્યાં હતાં..એ લોકો ની નજરોથી દૂર અંધકારની ચાદર ઓઢીને બે માનવાકૃતિઓ ઉભી હતી..જે બ્રાન્ડન અને ડેઈઝી હતાં.

"બ્રાન્ડન..તું અહીં જ આવ્યો હતો..? "ડેઈઝી એ થોડે દૂરથી અશોક અને એની ટીમ તરફ ઈશારો કરતાં કહ્યું.

"હા..હું ગઈકાલે તમારાંમાંથી કોઈએ મારી જોડે આવવાની ના કહી તો હું એકલો જ અહીં આવ્યો હતો..પણ એ વખતે અહીં કુલ ચાર લોકો જ હતાં.. અને આજે છ લોકો છે.."બ્રાન્ડન ડેઈઝી નાં સવાલનો જવાબ આપતાં બોલ્યો.

"અરે ભાઈલા..પરમદિવસ જે મિજબાની કરી હતી એ પછી અમારે નવું લોહી પીવાની કોઈ ઈચ્છા નહોતી એટલે અમે ના આવ્યાં.. પણ હવે ચિંતા ના કર આજે તો તને પાકું લોહીનો સ્વાદ ચખાડીશ.."પોતાનાં શૈતાની સ્મિત ની સાથે મોંઢામાં રહેલાં બે તીક્ષ્ણ દાંત બતાવતાં ડેઈઝી બોલી.

આ સાથે જ ડેઈઝી અને બ્રાન્ડન એકદમ ચૂપચાપ અને દબાતાં પગલે અશોક અને એની ટુકડી તૈનાત હતી એ તરફ આગળ વધ્યાં.. થોડે દુર પહોંચ્યાં બાદ ડેઈઝી એ બ્રાન્ડન નાં કાનમાં કંઈક ધીરેથી કહ્યું..જે સાંભળ્યાં બાદ સીધી દિશામાં જવાનાં બદલે બ્રાન્ડન વીજળીની ગતિએ દોડીને મદરેસા તરફ આગળ વધ્યો.

બ્રાન્ડન નાં આમ કરવાથી અશોક સમેત એની સાથે હાજર બધાં જ પોલીસ અધિકારીઓનું ધ્યાન એ તરફ દોરવાયું.

"ત્યાં કોઈ છે..? "અશોકે મોં પર આંગળી મૂકી પોતાનાં સાથીદારો ને ચેતવ્યાં અને અવાજની દિશામાં પોતાની પાછળ-પાછળ આવવાં કહ્યું.

સૌથી આગળ અશોક હાથમાં રિવોલ્વર લઈને ચાલતો હતો અને સૌથી પાછળ મોહનકાકા હાથમાં એક દંડો લઈને..અર્જુને દરેક કોન્સ્ટેબલ ને એક-એક રિવોલ્વર આપી રાખી હતી પણ રિવોલ્વરનો ઉપયોગ કરવાની આદત ન હોવાથી હાથમાં દંડો લઈને જ મોહનકાકા અશોકની પાછળ-પાછળ મદરેસા તરફ ચાલી નીકળ્યાં.

અશોકે આંખો ઝીણી કરીને જોયું તો એને એવું લાગ્યું કે નક્કી મદરેસાનાં મેદાનની અંદર કોઈ વ્યક્તિ હાજર છે..પણ એ એક સેકન્ડમાં અહીં તો બીજી સેકન્ડમાં તહીં નજરે પડતો જે જોઈ અશોકને અચરજ ની સાથે અજાણ્યો ડર લાગી રહ્યો હતો.

"કોણ છે ત્યાં..? હું કહું છું કોણ છે ત્યાં..? જે કોઈપણ હોય પોતાની જાતને મારી સામે લાવે..નહીં તો હું ગોળી ચલાવવામાં વાર નહીં કરું.."અશોક ધમકી ઉચ્ચારતાં બોલ્યો.

અશોકે બીજી બે વખત પુનઃ પોતાની વાત નું પુનરાવર્તન કર્યું છતાં કોઈ સામે ના આવ્યું..આમ ને આમ એ લોકો ચાલતાં-ચાલતાં મદરેસા નાં મેદાન નો દરવાજો ખોલી મેદાનમાં પ્રવેશી ચુક્યાં હતાં..હવે એ લોકો આ સાથે અજવાળાથી પણ દૂર હતાં.

અશોકે મેદાનમાં પ્રવેશતાં જ પોતાનાં જોડે રહેલી ટોર્ચ ને આમ-તેમ ફેરવી એનો પ્રકાશ મેદાનમાં ફેંક્યો તો એની નજરે એક માનવાકૃતિ ચડી..જે બ્રાન્ડન હતો.બ્રાન્ડન ની બે ચમકતી આંખો અને ચહેરા પર મોજુદ ક્રૂર સ્મિત નાં લીધે દેખાતાં બે અણીદાર દાંત જોઈ અશોક ને અંદાજો આવી ગયો કે નક્કી રાધાનગરમાં બનતી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક આ વ્યક્તિ નો હાથ હોવો જોઈએ.

અર્જુને આપેલી છૂટ મુજબ અશોકે પોતાની રિવોલ્વર હાથમાં મજબૂતાઈથી પકડી અને ટોર્ચ નો ઉપયોગ કરી બ્રાન્ડન ઉપર ગોળી ચલાવી દીધી..પણ વીજળીની ગતિએ બ્રાન્ડન ત્યાંથી ખસી ગયો અને ગોળી નું નિશાન નકામું ગયું..અશોક બીજી ગોળી ચલાવવા જતો હતો ત્યાં એનાં કાને મોહનકાકા ની કારમી ચીસ સંભળાઈ..!!

★★★

વધુ આવતાં અંકમાં.

આ ચાર ભાઈ બહેન હકીકતમાં કોણ હતાં..? પોલીસકર્મીઓ એ લોકોનાં હુમલાથી બચી શકશે..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)