Devil Return-1.0 - 8 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | ડેવિલ રિટર્ન-1.0 - 8

Featured Books
Categories
Share

ડેવિલ રિટર્ન-1.0 - 8

ડેવિલ રિટર્ન-1.0

(8)

રાધાનગરનાં વાતાવરણમાં તીવ્ર પલટો આવે છે જેનાં લીધે ફાધર વિલિયમ ને કોઈ અજાણી ચિંતા સતાવી રહી હોય છે..રાધાનગર પોલીસસ્ટેશનમાં એક કોલ આવે છે જેનાં અનુસંધાનમાં તળાવ કિનારે પહોંચેલાં નાયક ને કુલ સાત લાશો મળી આવે છે.બગીચા જોડેથી મળેલી લાશ કોઈ રવિ નામનાં વ્યક્તિની હોય છે જેની ગરદન પર બનેલાં નિશાન જોઈ અશોક અંદર સુધી ફફડી જાય છે.રાતે ચોકી પહેરા પર હાજર અબ્દુલ પર મોત નો ભય તોળાઈ રહ્યો હોય છે.

તાપણી માટેનાં સૂકાં લાકડાં પતિ ગયાં હોવાથી અબ્દુલ લાકડાં લેવાં મદરેસા નાં મેદાન તરફ જતાં રસ્તે આગળ વધે છે..એક માનવાકૃતિ દબાતાં ડગલે ચૂપચાપ અબ્દુલની પાછળ આવી રહી હોય છે..ગ્રે કલરનો કોટ પહેરેલો એ વ્યક્તિ પોતાની હાજરીની થોડી પણ ગંધ આવવાં દીધાં વગર અબ્દુલથી દસેક ડગલાં જેટલાં અંતરે આવી ગયો હતો.

અબ્દુલ રોડ વટાવી જેવો મદરેસાનાં મેદાનમાં પ્રવેશે એ પળ ની રાહ જોઈ ખૂબ ધીરજ સાથે એ વ્યક્તિ અબ્દુલની પાછળ એનો પડછાયો બની મોજુદ હતો..અબ્દુલ મદરેસા નાં લોખંડનો ગેટ ખોલવા જતો હતો ત્યાં બાઈકનાં એન્જીન નો અવાજ સાંભળી એનાં ચહેરા પર અચરજ છવાઈ ગઈ..આ બાઈકનાં એન્જીનનો અવાજ અબ્દુલ ઓળખતો હોવાનું એનાં ચહેરા પરથી સમજાઈ જતું હતું..દૂરથી પોતાની તરફ નજીક આવતો બાઈકની હેડલાઈટ નો પ્રકાશ જોઈ સ્મિત સાથે અબ્દુલ મનોમન બબડયો.

"એસીપી અર્જુન.."

બાઈકનાં એન્જીનનાં અવાજ સાંભળી અને હેડલાઈટ નો પ્રકાશ જોઈ અબ્દુલ નો પીછો કરી રહેલો ગ્રે શૂટ પહેરેલો એ વ્યક્તિ વીજળી ની ગતિએ ત્યાંથી નાસી છૂટ્યો..શાયદ અબ્દુલનાં મોંઢેથી અર્જુન નું નામ એ સાંભળી ગયો હતો..અને એસીપી અર્જુન કઈ આફતનું નામ છે એ અબ્દુલનો પીછો કરનાર એ વ્યક્તિ જાણતો હતો.

જેવી બાઇક પોતાની નજીક આવીને ઉભી રહી અને બાઈકસવાર નો ચહેરો અબ્દુલે જોયો એ સાથે જ એને આશ્ચર્યનાં ભાવ સાથે કહ્યું.

"એસીપી સાહેબ તમે આમ અચાનક..તમે તો હજુ પરમદિવસ આવવાનાં હતાં..? "અર્જુન પોતે જ બાઇક પર મોજુદ હતો એ જોઈ અબ્દુલ ને જોરદાર ઝાટકો લાગ્યો હતો..પણ અબ્દુલ અને અર્જુન એ વાતથી બેખબર હતાં કે અર્જુનની આ ઓચિંતી હાજરીએ અબ્દુલની જીંદગી બચાવી લીધી છે.

"એ બધું પછી કહીશ કે હું અહીં મારો પ્રવાસ પડતો મૂકીને કેમ આવ્યો છું..પહેલાં તું એ બોલ કે અહીં એકલો શું કરે છે..? "અબ્દુલની તરફ જોઈ રોષ અને ચિંતાનાં ભાવ સાથે અર્જુન બોલ્યો.

"એ તો સાહેબ..ત્યાં અમે તાપણું કરતાં હતાં અને લાકડાં પૂરાં થઈ ગયાં તો અહીં લાકડાં વીણવા આવ્યો છું.."અબ્દુલ પોતે ત્યાં શું કરતો હતો એનું કારણ આપતાં બોલ્યો.

"તું જલ્દી થોડાં લાકડાં લઈ લે..પછી બાઇક પાછળ બેસી જા..હું બાઈકની હેડલાઈટ ચાલુ રાખું છું જેથી તને લાકડાં વિણવામાં સરળતા રહે.."આમ કહી અર્જુને પોતાની બુલેટનું સ્ટેયરિંગ મદરેસાનાં મેદાન ની તરફ કરી દીધું..ત્રણ-ચાર મિનિટમાં તો અબ્દુલ હાથમાં આવે એટલાં લાકડાં લઈને આવ્યો અને બુલેટની પાછળની સીટ પર સવાર થઈ ગયો.

અબ્દુલને લઈને અર્જુન એ જગ્યાએ પહોંચ્યો જ્યાં હરિ અને બીજાં બે કોન્સ્ટેબલ મોજુદ હતાં..અર્જુન ને ત્યાં જોઈ એ લોકોનાં ચહેરા પણ આશ્ચર્યથી ખુલ્લાં રહી ગયાં.

અબ્દુલને બુલેટ ઉપરથી ઉતારી એ બધાંને સાફ શબ્દોમાં સલાહ આપતાં અર્જુને કડક શબ્દોમાં કહ્યું.

"તમે લોકો રાધાનગરમાં જે કંઈપણ બની રહ્યું છે એની ગંભીરતા ને ઓછી આંકવાની ભૂલ ના કરશો..જ્યારે પણ રાતે ડ્યુટી પર હોય ત્યારે કોઈપણ કામ માટે એકલું નહીં જવાનું..તમે ચાર છો તો પેશાબ કરવાં જાઓ ત્યારે પણ ચારેયે જોડે જ જવાનું..ડોકટર આર્યા વખતે જે થયું એ પછી હું નથી ઈચ્છતો કે મારાં સ્ટાફનાં એક પણ કર્મચારીને કંઈપણ થાય.."

અર્જુનનાં આ શબ્દોમાં એની પોતાનાં સહકર્મચારીઓ તરફની ચિંતા અને પ્રેમ ભારોભાર અનુભવાય રહ્યાં હતાં..અર્જુને જે કંઈપણ કહ્યું એનું હવે એ લોકો ધ્યાન આપશે એવું અબ્દુલ, હરિ અને બાકીનાં બંને જુનિયર કોન્સ્ટેબલો એ અર્જુનને વચન આપ્યું.

"તમે લોકો સવારે છેક આઠ વાગ્યાં સુધી અહીં ડ્યુટી કરો..કેમકે મને ખબર છે કે હમણાં થી છેક આઠ-સાડા આઠ સુધી અજવાળું નથી હોતું..જેવું અજવાળું થાય એ સાથે જ તમે ચારેય જણા પોલીસ સ્ટેશનમાં હાજર થઈ જજો..હું બાકીનાં પોલીસ અધિકારીઓની પણ મુલાકાત લેતો આવું."આટલું કહી અર્જુને પોતાનાં બુલેટને શરૂ કર્યું અને ત્યાંથી સાંઈબાબા મંદિર તરફ જતાં રસ્તે ભગાવી મુક્યું.

શહેરનાં કુલ આઠ સ્થળોએ ચાર-ચાર ની ટુકડીમાં પોલીસકર્મીઓ પોતાની ડ્યુટી પુરી લગનથી નિભાવી રહયાં હતાં.અર્જુને એકપછી એક બધાંની મુલાકાત લીધી અને એ બધાંને એ જ સલાહ આપી જે અબ્દુલ અને એની સાથે હાજર પોલીસકર્મીઓને આપી હતી..બધાં અધિકારીઓને અજવાળું થતાં જ પોલીસ સ્ટેશન આવવાનો આદેશ આપી અર્જુન છેક સવારે પાંચ વાગે પોતાનાં ઘરે પહોંચ્યો.

અર્જુને પોતાનાં જોડે રહેલી ચાવી વડે ઘરનું લોક ખોલ્યું અને ધીરે રહીને ઘરમાં પ્રવેશ્યો..અર્જુને જોયું તો બેડરૂમમાં પીનલ અને અભિમન્યુ ઘસઘસાટ સુઈ રહ્યાં હતાં..અર્જુને એ લોકોની નીંદરમાં વિક્ષેપ ના પડે એ હેતુથી એ બંને ની તરફ જોઈ મનોમન sorry કહ્યું અને સોફામાં આવીને લંબાવ્યું..અર્જુને એ બંને ને જોઈ કેમ sorry કહ્યું એનું કારણ તો ફક્ત અર્જુન જ જાણતો હતો.

****

સવારનાં સવા આઠ વાગે રાધાનગરમાંથી અંધારાની ચાદર હતી અને થોડાં ઘણાં અંશે અજવાળું પથરાયું એ સાથે જ રાતભર ડ્યુટી પર તૈનાત બધાં જ પોલીસ કર્મચારીઓ રાધાનગર પોલીસ સ્ટેશન તરફ રવાનાં થઈ ગયાં..પોણા નવ વાગે તો બધાં જ અધિકારીઓ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યાં હતાં..એ બધાં નાં મનમાં એસીપી અર્જુન કેમ અચાનક પોતાની ફેમિલી ટુર ટૂંકાવી પાછો આવ્યો એ સવાલ મોજુદ હતો.

બધાં પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનમાં અંદરોઅંદર વાતો કરતાં અર્જુનનાં આમ અચાનક ઉટીથી પાછાં આવવાં નાં કારણની અને અહીં એ લોકોને કેમ અર્જુને આવવાં કહ્યું એની અટકળો લગાવી રહ્યાં હતાં..જેનાં લીધે ઘણો ઘોંઘાટ પેદા થઈ રહ્યો હતો..આ ઘોંઘાટ ને પડકારતું એક એનાઉન્સમેન્ટ અશોકે ઊંચા અવાજે કર્યું.

"Keep silence.. એક મિનિટ મારી વાત સાંભળો..એસીપી સાહેબ ઘરેથી નીકળી ગયાં છે..એ હમણાં આવતાં જ હશે તો એ પહેલાં બધાં જ પોલીસકર્મીઓ કોનફરન્સ હોલમાં ગોઠવાઈ જાય એવો એમનો આદેશ છે..તમારાં બધાં માટે ચા-કોફી પણ સાહેબનાં કહેવાથી મંગાવી દીધી છે તો તમે લોકો હોલમાં બેસી ચા-કોફી ની મજા લો ત્યાં સુધી સાહેબ આવી જશે.."

અશોક નું એનાઉન્સમેન્ટ પૂર્ણ થતાં જ બધાં પોલીસકર્મીઓ એક પછી એક કોનફરન્સ હોલમાં જઈને ગોઠવાઈ ગયાં.એમનાં અંદર જતાં જ ચા અને કોફી પણ બધાં ને અપાઈ ગઈ..બીજાં પોલીસ અધિકારીઓ તો ઠીક પણ નાયક ને પણ અર્જુનનાં ત્યાં ઓચિંતા આગમન ની અને આ કોનફરન્સ હોલમાં બધાં ને કેમ બોલાવવામાં આવ્યાં હતાં એની કોઈ જાતની માહિતી નહોતી.

તાલબદ્ધ મુકાતાં દરેક ડગલાં સાથે બુટનો અવાજ સાંભળી બધાં પોલીસકર્મીઓનું ધ્યાન એ તરફ ગયું..પોલીસ યુનિફોર્મમાં સજ્જ એસીપી અર્જુનને કોનફરન્સ હોલમાં પ્રવેશતો જોઈ બધાં જ પોલીસકર્મીઓ આપમેળે અર્જુનનાં માનમાં પોતાની જગ્યાએથી ઉભાં થઈ ગયાં.

"હેલ્લો ઓફિસર...પ્લીઝ સીટડાઉન.."અંદર પ્રવેશતાં જ માઈક આગળ ઉભાં રહી બધાં પોલીસકર્મીઓઓને હાથનાં ઈશારાથી નીચે બેસવાનું સૂચન કરતાં અર્જુન બોલ્યો.અર્જુનનો આદેશ માની બધાં પોલીસકર્મીઓ પોતપોતાની જગ્યાએ બેસી ગયાં એટલે અર્જુને પુનઃ બોલવાનું શરૂ કર્યું.

"તમારાં બધાં નાં ચહેરા જોઈ એ તો સમજી શકાય છે કે હું અહીં મારી ફેમિલી ટુર પડતી મૂકીને ઓચિંતો કેમ રાધાનગર પાછો આવ્યો એ તમારાં માટે એક સળગતો સવાલ છે..તો એ વિશે પહેલાં તમને જણાવી દઉં અને પછી તમને એ પણ કહીશ કે આ કોનફરન્સ હોલમાં તમને એકઠાં કેમ કર્યાં છે."

"કાલે સવારે રાધાનગર પોલીસ સ્ટાફનાં એક જવાબદાર ઓફિસર જેને રાધાનગરનાં નિર્દોષ લોકોની ચિંતા સતાવતી હતી એનો કોલ મારી ઉપર આવ્યો હતો..એને મને રાધાનગરમાં ગઈકાલે મળેલી આઠ લોકોની લાશ અને એ પહેલાં ગાર્ડનમાંથી મળેલી સિક્યુરિટી ગાર્ડની લાશ મળવાની વાત કરી..આ સાથે એને એ પણ જણાવ્યું કે કોઈ એ નિષ્કર્ષ પર નથી આવી શકતું કે આ હત્યાઓ માટે જવાબદાર કોણ છે..અને એટલે જ પહેલાં વરુ અને પછી લૂંટારું ગેંગ પર શક કરવામાં આવ્યો.."છેલ્લે અર્જુન જે બોલ્યો એ વખતે અર્જુનની નજર નાયક તરફ હતી.

"આ ઉપરાંત રાધાનગરનાં વાતાવરણમાં જે ઓચિંતો પલટો આવ્યો છે એ પણ ખરેખર નવાઈની વાત હતી..આ બધું સાંભળ્યાં બાદ મને રાધાનગરનાં લોકોની ચિંતા સતાવી રહી હતી..મને મનનાં ઊંડા ખૂણે એવો ભય હતો કે જો આ બધાં પાછળ કોણ છે એ જલ્દી શોધવામાં નહીં આવે તો હજુપણ આવી સેંકડો લાશો આ શહેરનાં ખૂણે ખૂણે રઝળતી જોવાં મળશે..આ ચિંતામાં મેં મારી પત્ની અને બાળકની ખુશીઓની પરવાહ કર્યાં વગર એક નિર્ણય લીધો કે હું ઉટી નો મારો પારિવારિક પ્રવાસ અધુરો મૂકી સત્વરે રાધાનગર આવી જઈશ.."

"મેં આ વિશે મારી પત્ની ને જણાવ્યું તો એ પણ મારાં આ નિર્ણય સાથે સહમત થઈ ગઈ..અમારી મોજ-મજા માટે આ શહેરનાં લોકોની સુરક્ષાની જવાબદારીથી પીછેહઠ કરવી ના મને પોષાય એમ હતી ના મારી પત્ની પીનલ ને..મેં તત્કાળ પ્લેન ની ટીકીટ બુક કરાવી અને ફ્લાઈટમાં અમદાવાદ આવી ગયો..ત્યાંથી ટેક્સી મારફતે સીધો મારાં ઘરે અને ઘરેથી બુલેટ લઈને તમારાં લોકોને જરૂરી સલાહ આપવાં.."

"હવે એ જવાબદાર પોલીસકર્મીનું નામ તમને જણાવું જેને મને કોલ કર્યો હતો..એ હતો અશોક જેને એવું લાગ્યું કે આ બધી રહસ્યમય મોતનો જે કોયડો છે એને ઉકેલવા મારી જરૂર પડશે.. એટલે એને મને અહીં જે કંઈપણ ઘટિત થયું એનાંથી વાકેફ કર્યો..i proud of you officer.."અશોક તરફ જોઈ અર્જુન બોલ્યો..બીજો કોઈ ઓફિસર હોત તો પોતાની મજા બગાડી ના છૂટકે ડ્યુટી પર પાછાં ફરવાની વાતથી ગુસ્સે હોત.. પણ અર્જુન જુદી જ માટીનો બનેલો હતો..જેનાં માટે એનું કર્તવ્ય સૌથી પ્રથમ હતું બીજી બધી વસ્તુઓ કરતાં અને એ હતું રાધાનગરમાં વસતાં દરેક નાગરિકની રક્ષા.

અર્જુન ત્યાં અચાનક કેમ આવી પહોંચ્યો હતો એનો કોયડો તો ઉકેલાઈ ગયો હતો..પણ હવે બધાં પોલીસકર્મીઓને તાકીદે કોન્ફરન્સ હોલમાં કેમ બોલાવ્યાં એ વિશે જણાવવા અર્જુને પોતાનાં હાથમાં રહેલાં કાગળને પોડિયમ પર મુક્યો અને એમાં રહેલું લખાણ વાંચતાં કહ્યું.

"સૌપ્રથમ ગાર્ડનમાંથી એક અમરત નામમાં સિક્યુરિટી ગાર્ડની લાશ મળી..જે ગાર્ડનમાં જ આગલી રાતે નાઈટ ડ્યુટી પર હતો.પછી ગાર્ડનની જોડેથી ઝાડીઓની અંદરથી રવિ દરજી નામનાં એક યુવકની..જે એક દિવસ પહેલાં ફેક્ટરીથી છૂટીને ઘરે જવાં નીકળ્યો હતો પણ એ ઘરે પહોંચ્યો જ નહીં..રવિ નાં વૃદ્ધ પિતાજીને હતું કે એમનો દીકરો ઓવર ટાઈમ કરવાં રોકાયો હશે એટલે એમને રવિનાં ઘરે નહીં આવવાની વાત પર ધ્યાન ના આપ્યું.."

"હવે સૌથી મોટી ઘટના જે શહેરનાં ઉત્તર દિશામાં આવેલાં તળાવ જોડે બની..રાતે સુરત થી પોતાનાં મિત્ર હાર્દિક રામીનું રિસેપ્સન પતાવી ત્રણ યુગલ..ક્ષમા પટેલ-વિજય પટેલ, જાનકી આચાર્ય-વંદન આચાર્ય, જેનિશ દુધાત-માલવિકા દુધાત જ્યારે લલિત પંડ્યાની માલિકીની ઈનોવા જેનો વેહિકલ રજીસ્ટર નંબર GJ-05-2292 હતો એમાં ઈનોવા નાં ડ્રાઈવર પ્રહલાદ ભરથરી સાથે રાધાનગર આવી રહ્યાં હતાં ત્યારે એમની ગાડી પર કોઈએ ઓચિંતો હુમલો કર્યો..ડરથી માર્યાં એ લોકો તળાવ ની તરફ જીવ બચાવવા ભાગ્યાં પણ કમનસીબે એ લોકો બચી ના શક્યાં અને એ સાતેય લોકોની લાશ તળાવમાંથી મળી આવી.."

અર્જુન હજુ તો ગઈકાલ રાતે અઢી વાગે રાધાનગર આવ્યો હોવાં છતાં જે રીતે એની જોડે અત્યાર સુધી મળેલ દરેક મૃતક વ્યક્તિની માહિતી હતી એ જોઈ નાયક સમેત બધાં જ પોલીસકર્મીઓ અચંબામાં પડી ગયાં..ફરજ માટે પોતાની ખુશીઓની પરવાહ ના કરનાર એક જવાબદાર પોલીસકર્મી તરીકે અર્જુન માટે એનાં દરેક સાથી ઓફિસર ગર્વ અનુભવી રહ્યાં હતાં.

"નવ લોકોનાં મૃતદેહો ત્રણ દિવસનાં ટૂંકા ગાળામાં મળવાં એ કોઈ નાની સુની વાત નથી..એમાં પણ જે રીતે આ નવ હત્યાઓ થઈ છે એ જોયાં બાદ તો આ ઘટનાઓને જરા અમથી પણ ઓછાંમાં આંકવાની ભૂલ કરી શકાય એમ નથી..અમરત નું મોત તો શરીરમાં લોહીની ઉણપથી થયું હતું પણ ગઈકાલે મળેલાં આઠેય લોકોનાં મોત નું કારણ શું હતું એ થોડીવારમાં જ સ્પષ્ટ થઈ જશે.."

અર્જુનની વાત હજુ પૂર્ણ જ થઈ હતી ત્યાં કોનફરન્સ હોલનો દરવાજો ખોલી ફોરેન્સિક ડિપાર્ટમેન્ટમાં કામ કરતો દિપક હાથમાં એક કવર લઈને હોલમાં પ્રવેશ્યો..અર્જુનની પાસે આવી એને એ કવર અર્જુનને આપતાં કહ્યું.

"સાહેબ..આ કવરમાં દરેક મૃતકની ફોરેન્સિક રિપોર્ટ મોજુદ છે.ઘટના સ્થળની નજીકથી મળેલી ગાડીની તપાસ પણ હવે ચાલુ કરવામાં આવશે..એમાં શું નીકળે છે એ શેખ સાહેબ તમને જણાવી દેશે."

"Thanks ઓફિસર.."દિપક જોડેથી કવર લેતાં અર્જુન બોલ્યો.

"સારું તો હવે હું નીકળું."ત્યાંથી જવાની રજા લેતાં દિપક બોલ્યો.

"ચોક્કસ.. તમે જઈ શકો છો..અને શેખ ને જણાવજો કે હું સમય મળતાં જ એને રૂબરૂ મળવાં આવું છું.."અર્જુનનાં આમ બોલતાં જ દિપક અર્જુનને સલામ કરી ત્યાંથી રવાના થઈ ગયો.

હોલમાં હાજર પોલીસકર્મીઓની ફોરેન્સિક રિપોર્ટમાં શું હશે..? એ જાણવાની બેતાબીનો અંત કરતાં અર્જુને કવર ખોલ્યું અને એક પછી એક દરેક મૃતક વ્યક્તિનાં ફોરેન્સિક રિપોર્ટ ને વાંચવાનું શરૂ કર્યું.

★★★

વધુ આવતાં અંકમાં.

ફોરેન્સિક રિપોર્ટમાં શું હતું..? અર્જુન કઈ રીતે આ બધી ઘટનાઓ પાછળનું કારણ શોધી શકશે..? રાધાનગરમાં થયેલાં સામુહિક હત્યાકાંડ નું કારણ શું હતું..? ફોરેન્સિક રિપોર્ટમાં શું આવશે..? રાધાનગરનાં બદલાયેલાં વાતાવરણનું કારણ શું હતું..? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિઓ કોની હતી..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.

તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન

બેકફૂટ પંચ

ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.

સર્પ પ્રેમ:-the mystry

અધૂરી મુલાકાત

આક્રંદ:એક અભિશાપ..

હવસ:IT CAUSE DEATH

હતી એક પાગલ

પ્રેમ-અગન

મર્ડર એટ રિવરફ્રન્ટ

The ring

~જતીન.આર.પટેલ (શિવાય)