Khoufnak Game - 2 - 3 in Gujarati Horror Stories by Vrajlal Joshi books and stories PDF | ખોફનાક ગેમ - 2 - 3

Featured Books
Categories
Share

ખોફનાક ગેમ - 2 - 3

ખોફનાક ગેમ

વ્રજલાલ હિરજી જોષી

ભયાનક રાત

ભાગ - 3

લગભગ સાત ફૂટની ઊંચાઇ, પાડા જેવુ શરીર અને શરીર પર રીંછ જેવી ઘટ અને કાળા બાલની રૂવાંટી, હાથના પંજા માણસ જેવા પણ રાક્ષસી તીક્ષ્ણ નહોરવાળા અને મોં કોઇ પ્રેતાત્મા જેવું લાગતું હતુ. ચહેરા પર ઘટાદાર રૂવાંટી હતી અને વરુ જેવા તીક્ષ્ણ દાંત બહાર દેખાતા હતા.

મેજર સોમદત્તે કે કદમે પોતાની જિંદગીમાં આટલું ભયાનક પ્રાણી કે કોઇ પ્રેતાત્મા ક્યારેય જોયો ન હતો.

મેજર સોમદત્તનો રિર્વોલ્વર પકડેલો હાથ ઊંચો થયો અને પછી

‘‘ધડામ...’’ ભયાનક શોર મચાવતી એક ગોળી છૂટી.

તે ક્ષણ બાદ તરત મેજર સોમદત્તે હાથમાં રહેલી માઇક્રો ટોર્ચને ચાલુ કરી અને તે જ હાથે કદમનો હાથ પકડી તેને ખેંચી ઊભો કરતા પોતે ઊભા થયા.

‘‘હી...ઇઇઇઇ...’’ ખૂંખાર જાનવની ચીલચીલાટીનો શોર વાતાવરણમાં ગુંજી ઊઠ્યો.

અને પછી તે ભયાનક જાનવર, પ્રેત કે રાક્ષસ જે હતું તે જંગલી ગીચ ઝાડીમાં નાસવા લાગ્યું.

માઇક્રોટોર્ટના આછા પ્રકાશમાં મેજર સોમદત્તે તેને નાસતું જોયુ અને તરત તેમની પાછળ ઝાળી-ઝાંખરામાં પોતાને લાગવાની પરવાહ કર્યા વગર દોડવા લાગ્યા.

ધડુડુમ...તડ...તડ...તતતતડાક...એક ભયાનક ગર્જણ સાથે શોર મચાવતી વીજળીનો પ્રકાશ ધરતી પર રેલાયો.

ગર્જણના ભયાનક ધમાકા સાથે ધરતી ધ્રુજી ઊઠી અને પર્વતો પર જાણે ભૂંકપ આવ્યો હોય તેમ ધણ-ધમી ઊઠ્યા.

વીજળીના પ્રકાશમાં દોડતા મેજરે સોમદત્તે તે રાક્ષસીકાય જાનવરને દોડતું-ભાગતું જોયું અને તેનો રિર્વોલ્વરવાળો હાથ ઊંચો થયો.

ધાંય...ધાંય...ધડામ...મેજર સોમદત્તે તેના ખંભાનું નિશાન લઇને ગોળીઓ છોડી.

ગોળી આબાદ રીતે તે રાક્ષસીકાય જાનવરની પીઠમાં ચોંટી.

એક ભયાનક ચિચિયારી પાડતું તે અટકી ગયું અને ખૂબ જ ઝનૂનથી તે પાછળની તરફ ફર્યુ અને ખૂબ ગુસ્સા ભરી ખૂંખારા આંખોથી મેજર સોમદત્તે તાકી રહ્યું.

તેનું વિકરાળ જડબુ ખૂલ્યું અને ખૂલેલા જડબામાંથી તેના રાક્ષસી દાંત બહાર દેખાવા લાગ્યા. તેનો ચહેરો એકદમ વિકરાળ બની ગયો. તેના ચહેરાના ક્રોધિત ભાવ પરથી એવું લાગતું હતું કે તે એકદમ મેજર સોમદત્ત પર હુમલો કરશે.

મેજર સોમદત્તનું હ્રદય થડકી ઊઠ્યું.

તે જ ક્ષણે પાછળ દોડતો આવતો કદમ ત્યાં પહોંચી આવ્યો.

પળભરનો પણ વિલંભ કર્યા વગર કદમે ભયાનક જોશ સાથે રિર્વોલ્વરનો ગોળો દબાવી દીધો.

‘‘ધડામ...’’ આગ વેરતી અને ભયાનક શોર મચાવતી ગોળી તે શેતાનના ખુલ્લા મોં તરફ ધૂસી ગઇ.

પણ તે શૈતાન પણ ચાલાક હતો.

તે એકા-એક નીચો નમી ગયો અને કદમે છોડેલી ગોળી તેના જડબાને બદલે તેના ખંભામાં ઘૂસી ગઇ.

‘‘ઇ ઇ ઇ હી હી હી...’’ ફરી એક વખત તેણે જોરથી કિલકિલાટી ભરી ચીસ નાખી અને પાછળની તરફ બે પગલાં ખસ્યો.

અને પછી ઊલટા ફરીને જઇને જમ્પ લગાવી.

એક જમ્પ...બીજી જમ્પ અને ત્યારબાદ તે કેટલીયે ઊંચાઇ પરથી ગંગાનદીના વહેતા પાણીમાં કૂદી ગયો.

‘‘સર...સર...શું હતું તે...?’’ ચહેરા પર નીતરતું વરસાદનું પાણી હાથ વડે લૂછતાં કદમે પૂછ્યું.

‘‘ચાલ કદમ...તે તને પછી જણાવીશ...’’ કહેતાં સોમદત્તે કદમનો હાથ પકડ્યો અને ટેકરી પરથી ઢોળાવ પર નીચે ઊતરવા લાગ્યો.

ચારે તરફ ફેલાયેલા ધોર અંધકારમાં માઇક્રોટર્ચના આછા પ્રકાશમાં મેજર સોમદત્ત કદમનો હાથ પકડીને ખૂબ જ ઝનૂનથી દોડતા-દોડતા પહાડી પરથી ઢોળાવ ઊતરી રહ્યા હતા.

વરસાદ પડવાથી માટી એકદમ ચીકણી બની ગઇ હતી. તેથી ભયાનક વેગ સાથે દોડતા મેજર સોમદત્ત અને કદમ વારંવાર લપસી પડતા હતા. તેઓનાં કપડાં પૂરા કાદવથી ખરડાઇ ગયાં હતાં.

ગીચ ઝાડીઓમાં અથડાતાં કુટાતા તેઓ લગભગ દસ મિનિટમા જ ગંગાનદીના કિનારે પહોંચી ગયા.

મેજર સોમદત્તે ટોર્ચના પ્રકાશમાં નીચેની ભીની માટીમાં ચારે તરફ નજર ફેરવી. તેઓ જ્યાં ઊભા હતાં. તેનાથી થોડે જ દૂર માટીમાં બે મોટા પગના પંજાની છાપ ઉપસેલી દેખાઇ.

મેજર સોમદત્ત તરત ત્યાં પહોંચ્યા અને તે પંજાની છાપના નિશાન પર ટોર્ચનો પ્રકાશ નાખી તેના પર એક નજર ફેરવી.

તે દૈત્યે એટલા ઉપરથી જમ્પ લગાવી હતી કે તેના પગના પંજાના આકારના બે મોટા ખાડા બની ગયા હતા. પંજાની છાપ માણસના પગના પંજાની છાપ જેવી જ હતી પણ માણસના પંજાની છાપ કરતાં તે મોટી હતી.

‘‘કદમ...તું અહીં જ ઊભો રહેજે, હું હમણાં જ આવું છું.’’ કહી કદમના જવાબની રાહ જોયા વગર તે નદીના કિનારે-કિનારે દોડતા-દોડતા આગળ જવા લાગ્યા.

તેને હતું કે દૈત્ય કદાચ નદી કિનારે અથવા નદીના પાણીમાં જ આજુ-બાજુમાં કયાંય મળી આવશે.

આગળ વધી તેઓ નદી કિનારે પડેલા મોટા મોટા પથ્થરો પર ચડી ગયા અને ચારે તરફ નિરીક્ષણ કરવા લાગ્યા.

પણ ગાઢ અંધકારમાં ક્યાંય તે દૈત્ય જોવા ન મળ્યો.

પાણીના ઘુઘવાટનો અવાજ વાતાવરણને બિહામણું અને ભયાનક બનાવી રહ્યો હતો.

મેજર સોમદત્ત એક પથ્થર પર ઊભા રહ્યા.

ગુડડડુડુ...ધડુમ..ભયાનક ગર્જણના અવાજ સાથે વીજળી થઇ. વીજળીનો લખલૂટ પ્રકાશ વાતાવરણમાં જોરદાર ઉજાસ ફેલાવતો ગયો.

તે ક્ષણભરના પ્રકાશમાં મેજર સોમદત્તે દૂર દૂર ગંગા નદીના કિનારે એક કાળી છાયાને જતી જોઇ.

એક ક્ષણે માટે તો મેજર સોમદત્તને થયું કે તે દોડે અને તે કાળી છાયા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે, પણ પછી તેણે વિચાર ફેરવી નાખ્યો.

વરસતા વરસાદમાં આટલે દૂર પથ્થરો પર દોડતા જવામાં ખતરો હતો. પથ્થરો ખૂબ જ લીસા અને ભીના હતા. તેથી તેમણે વિચાર માંડી વાળ્યો અને ધીરે ધીરે સંભાળપૂર્વક કદમ જ્યાં ઊભો હતો તે તરફ ચાલવા લાગ્યા.

‘‘કાંઇક જાણવા મળ્યું સર...?’’ કદમે મેજર સોમદત્તને પોતાની તરફ આવતા જોઇને પૂછ્યું.

‘‘કદમ...એક કાળી છાયાને મોં વીજળીના પ્રકાશમાં નદી કિનારે જતાં જોઇ પણ તે ખૂબ જ દૂર હતી. એટલે તેની પાસે જવું વ્યર્થ હતું.’’ કહી તેઓ કદમ પાસે આવ્યા.

‘ પગલાંની છાપ જોઇને શું લાગે છે, તને...?’ કહેતા ઘૂંટણિયે બેસીને મેજર સોમદત્ત તે પગલાની છાપને ટોર્ચના પ્રકાશમાં નીરખી રહ્યા પછી ખિસ્સામાંથી રૂમાલ બહાર કાઢ્યો અને તે પગલાની છાપમાં ભરાયેલા વરસાદના પાણીમાં બોળ્યો અને પછી બહાર કાઢી બાજુમાં નિચોવી નાખ્યો. બે-ત્રણ વખત તેમ કરી તે પગલાની છાપમાંથી વરસાદનું પાણી બહાર કાઢ્યું. હવે તે છાપ સ્પષ્ટ દેખાતી હતી.

થોડીવાર છાપનું તેઓ નિરિક્ષણ કરતા રહ્યા. ત્યારબાદ તેમણે કદમને પગલાની છાપના મોબાઇલ કેમેરાથી જુદી જુદી એંગલથી ફોટા લેવાનું કહ્યું.

મેજર સોમદત્તના કાર્યને ધ્યાનપૂર્વક નીરખતા ઊભેલા કદમને તરત ખિસ્સામાંથી મોબાઇલ બહાર કાઢીને ફટાફટ તે પગલાની છાપના ફોટા લેવાનું શરૂ કર્યું.

ત્યારબાદ બંને ઊભા થયા અને વાતો કરતા કરતા આશ્રમ તરફ જવા લાગ્યા. ગંગાઘાટના રસ્તે થઇ તેઓ આશ્રમમાં આવ્યા.

રાત ભયાનક હતી. વરસાદ ખૂબ જ જોશથી પડી રહ્યો હતો. ગંગામાં પૂર આવ્યાં હતાં. આશ્રમમાં ઘોર સન્નાટો છવાયેલો હતો.

આશ્રમમાં આવી તેઓ પોતાના કમરામાં ઘૂસી ગયા. કાદવ-કીચડથી ભરાયેલ કપડાં ઉતારી ફટાફટ બંનેએ સ્નાન કર્યુ. નાઇટ ડ્રેસ પહેરી નિરાંતે તેઓ પલંગ પર જઇને બેઠા.

મેજર સોમદત્ત પોતાના રેડિયમ યુક્ત ઘડિયાળ પર નજર ફેરવી. રાત્રીના એક વાગ્યાનો સમય થયો હતો.

તેઓને કોફી પીવાની ઇચ્છા હતી. પણ આટલી મોડી રાત્રે રાજેન્દ્રને જગાડી કોફી બનાવવા માટે કહેવું યોગ્ય ન લાગે, તેથી તેઓએ કદમને રસોડામાં જઇ કોફી બનાવી આવવા માટે કહ્યું. કદમ તરત કોફી બનાવવા માટે રવાનો થયો.

થોડી જ વારમાં કદમ કોફી બનાવી લાગ્યો. એક કપે તેણે મેજર સોમદત્તને આપ્યો અને બીજો કપ હાથમાં લઇ પલંગની બાજુમાં પડેલી ખુરશી પર બેઠો.

‘હા તો સર...તે બીહામણી વસ્તુ શું હતી...?’ કોફી પીતાં-પીતાં કદમે પૂછ્યુ.

’ કોફી પીતાં-પીતાં કદમે પૂછ્યુ.

‘કદમ...તું યતિ કે આદિમાનવમાં માને છે...?’ મેજરે સોમદત્તે સામો સવાલ કર્યો.

‘સર...યતિ, આદિમાનવ, હિમમાનવ બધી સાંભળેવી વાતો છે. પણ તેના પરફેક્ટ કોઇ જ પુરાવા નથી સર...એલિયન્સ જોયાના બનાવો ભલે બન્યા હોય પણ તેના પ્રુફ મોજુદ નતી. જુઓને. મહેસાણામાં બનેલી ઘટના, ફક્ત પગલાંની છાપ જ મળી આવી. બાકી સાચી હકીકતની ક્યાં ખબર પડી.તમે પોતે મહેસાણા જઇ તપાસ કરી આવ્યા હતા.’

‘સર...બે-ત્રણ માણસોએ તે બનાવ જોયો હતો. પણ તે નરી આંખનો ધોખો પણ હોઇ શકે અને પગલાની છાપ બનાવવી તે કોઇ મુશ્કેલ કામ નથી, પણ સર આજે આપણે જે જોયું તે હકીકત હતી. જો આપણે તેને જીવતો કે મરેલો પણ પકડી પાડ્યો હોત તો જરૂર આ કેસમાં કોઇ પ્રકાશ પાડી શકાત.’

‘તારી વાત સાચી છે. કદમ...અફસોસ તે આપણા હાથમાંથી છટકી ગયો. ખેર...તેને જોયા પછી તે જાનવર કે માનવ પછી પરગ્રહવાસી ખપે તે પણ કાંઇક તો હતો જ આપણે આની શોધ તો જરૂર કરવી પડશે...’’ કોફીનો ખાલી કપ ટિપોય પર મૂકતાં મેજર સોમદત્ત બોલ્યા.

વરસાદ પૂર જોશથી પડી રહ્યો હતો. મેજર સોમદત્ત અને કદમ વાતો કરી રહ્યા હતા. ત્યારે તેઓના રૂમની બહાર એક ભયાનક વરુ જેવા મોં વાળો, ભીમના ભાઇ જેવો દેખાતો એક માનવ તેઓના કમરાની બારી પાસે ઊભો હતો. તેની આંખો અંધકારમાં ખતરનાક રીતે ચમકી રહી હતી.

ભૌ...ભૌ...ભૌ...અચાનક આશ્રમનો કૂતરો કાળુ જે ઉપરના કમરામાં હતો તે પગથિયાં ઊતરીને નીચે આવ્યો, તે ધરતી તરફ મોં રાખીને કાંઇક સૂંઘી રહ્યો હતો. પછી અચાનક મેજર સોમદત્તના કમરાની બહાર ઊભેલાં તે માનવી પર નજર પડતાં જ તે ભયાનક રીતે જોર-જોરથી ભસવા લાગ્યો.

ભસતા સામેથી આવતા કૂતરાને જોઇને તે દૈત્ય માનવની નજર તે તરફ ફરી અને તેનાં મોંમાંથી એક ઘુરારાટી નીકળી અને તે ખુન્નસભરી આંખે કાળુ તરફ જોવા લાગ્યો.

તે દૈત્ય માનવની ખુન્નસભરી આંખો જોઇ કાળુનું શરીર એક વખત બીકથી ધ્રુજી ઊઠ્યું પણ પછી તે પણ તે દૈત્યમાનવની સામે ઘુરઘુરાટી કરતો હુમલો કરવાની તૈયારી કરવા લાગ્યો. ગમે તેમ તોય કાળુ એક એલેશિયન જાતની ખતરનાક નશલનો કૂતરો હતો અને તેને ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. ભલભલાના છક્કા છોડાવી દે તેવો તે ખતરનાક કૂતરો હતો.

‘કદમ...જરા બહાર જઇને જોઇ આવ...કાળુ કેમ અચાનક આટલો જોર-જોરથી ભસી રહ્યો છે...’ કાળુના ભસવાનો અવાજ સાંભળી મેજર સોમદત્ત બોલ્યા.

‘‘કાળુ...કાળુ...કાળુ’’ ના નામની રાડો નાખતો કદમ રૂમનો દરવાજો ખોલવા લાગ્યો.

કદમના અવાજ અને રૂમ ખોલવાના અવાજ સાથે તે દૈત્યમાનવ એકદમ ચમકી ઉઠ્યો અને પછી તેણે જમ્પ લગાવી એક જમ્પ...બીજી જમ્પ અને ત્રીજી જમ્પે તે આશ્રમના દરવાજે પહોંચી ગયો. કાળુ તેની પાછળ દોડ્યો.

‘‘કાળુ...કાળુ...’’કરતો કદમ બહાર આવ્યો. ગેટ પર બળતા બલ્બના આછા પીળા પ્રકાશમાં તેમણે કાળુને આશ્રમના ગેટ તરફ દોડતો જોયો.

કાંઇક બની રહ્યું છે, તેવો ભાસ થતાં પોતાના પેન્ટના ખિસ્સામાં પડેલી રિર્વોલ્વર ઝડપથી બહાર કાઢીને કદમ પણ ગેટ તરફ દોડ્યો.

ભૌ...ભૌ...ભૌ...ભયાનક રીતે ભસતા વિકરાળ કૂતરાને તે દૈત્ય માનવીએ પોતાની તરફ ધસી આવતો જોયો.

તે દૈત્યમાનવીના મોંમાંથી ભયંકર ઘુરઘુરાટીનો અવાજ નીકળ્યો અને પછી તેમણે ધસી આવતા કૂતરાની પરવાહ કર્યા વગર આશ્રમના ગેટને ટપી જવા માટે જમ્પ લગાવવા શરીરને સંકોચ્યું.

પણ તે દૈત્યમાનવી જમ્પ લગાવીને આશ્રમના દરવાજાને કૂદી જાય તે પહેલાં જ કાળુએ ભયાનક જોશ સાથે તેના પર જમ્પ લગાવી.

જમ્પ લગાવીને કાળુ તેના પર કૂદ્યો અને તેના ભયાનક રાક્ષસી દાંત તે દૈત્ય માનવીની જાંઘમાં ખુપાવી દીધા.

તે દૈત્ય-માનવના મોંમાંથી પીડાભરી આછી ઘુરઘુરાટી નીકળી, પણ પછી તેની આંખોમાં ક્રોધનો લાવા ભભૂક્યો.

‘‘હા, આ આ આ...’’ ભયાનક ત્રાડ નાખતો તે નીચો નમ્યો અને તેના વિશાળ પંજા વડે કાળુને વચ્ચેથી પકડયો અને અસીમ તાકાત સાથે ઝાટકો આપીને ઉપર ખેંચ્યો.

એક ઝાટકા સાથે કાળુ ઉપરની તરફ ખેંચાયો અને તે દૈત્યમાનવની જાંઘમાં ભરાવેલ રાક્ષસી દાંતો તેની જાંઘના માંસના લોચા સાથે બહાર ખેંચાઇ આવ્યા. માંસનો લોચો નીકળી જતા, તેની જાંઘમાંથી દળ દળ કરીને લોહી નીકળવા લાગ્યું.

જાંઘમાંથી નીકળતા લોહીને જોઇને તે ક્રોધથી પાગલ થઇ ગયો.

દોડતા દોડતા ગેટ પાસે પહોંચેલા કદમે તે ર્દશ્ય જોયું

તે દૈત્ય-માનવે કાળુને પોતાના બંને હાથેથી ઉપર ઉડાડ્યો હતો અને તેની પકડમાંથી છૂટવા માટે કાળુ છટપટી રહ્યો હતો.

તે ર્દશ્ય જોઇને કદમ હેબતાઇ ગયો પણ બીજી જ ક્ષણે તેણે પોતાની રિર્વોલ્વરને તે દૈત્યમાનવ સામે તાકી.

‘‘ઊભો રહી જા...નહિતર ગોળીથી તારું ભેજુ ઉડાવી દઇશ...’’ કદમ જોરથી ચિલ્લાયો.

તે દૈત્ય માનવીની ત્રાડ અને પછી કદમના ચિલ્લાવવાનો અવાજ સાંભળી મેજર સોમદત્ત ચોંકી ઊઠ્યા અને પાસે પડેલી પોતાની રિર્વોલ્વરને ઉઠાવતા ઝડપથી પલંગ પરથી ઊભા થયા અને રૂમના દરવાજા તરફ દોડ્યા.

પૂરજોશ સાથે વરસાદ વરસી રહ્યો હતો.

કદમના ચિલ્લાવાના અવાજથી તે દૈત્ય-માનવે ચોંકીને કદમ તરફ નજર ફેરવી અને પોતાની સામે રિર્વોલ્વર તાકી ઊભેલાં કદમને જોઇને તે વધુ ગુસ્સે ભરાયો અને પોતાનું જડબું ખોલીને ત્રાડ નાખી. તેના વરુ જેવા રાક્ષસી દાંત બહાર ધસી આવ્યા.

અને પછી ગુસ્સાભેર બંને હાથે ઉપર ઉડાવેલ કાળુને કોઇ બોલ ફેંકતો હોય તેમ તેમ પૂર જોશ સાથે કદમ તરફ જોરથી ઘા કર્યો.

‘‘ધડામ...’’ કરતો કાળુ ભયાનક જોશ સાથે કદમ પર પટકાયો.

કાળુની પછડાટથી કાળુ સાથે કદમ પણ ચત્તા મોંએ જમીન પર પછડાયો. છપ્પાક...અવાજ સાથે તેઓ વરસાદના પાણીથી ભરેલા એક ખાડામાં પટકાયો.

એક વખત ગુસ્સાભરી નજરે તે દૈત્યે કદમ અને કાળુ તરફ જોયું. પછી અવળા ફરીને દોટ મૂકી અને જમ્પ લગાવીને તે આશ્રમનો ગેટ ટપી ગયો અને જંગલમાં ક્યાંક અર્દશ્ય થઇ ગયો.

‘‘કદમ...કદમ...’’ ચિલ્લાતા મેજર સોમદત્ત કદમ તરફ ધસી આવ્યા.

કદમ ઝડપથી ઊભો થયો. તે કાદવથી પૂરો ખરડાઇ ગયો હતો. પાણી ભરેલ તે ખાડામાંથી બહાર આવી નીચે થોડે દૂર જમીન પર પડેલી રિર્વોલ્વરને તેણે ઉપાડી અને ગેટ તરફ દોડ્યો પણ તેટલા સમયમાં તો તે દૈત્ય આશ્રમનો ગેટ ટપીને અર્દશ્ય થઇ ગયો હતો.

‘શું થયું કદમ...?’ તેની પાસે ધસી આવેલા મેજર સોમદત્તે પૂછ્યું.

‘‘સર...મામો આવ્યો હતો મામો...’’ પાસે ઊભેલા કાળુના શરીર પર પ્રેમથી હાથ ફેરવતા હસતાં હસતાં કદમ બોલ્યો.

પછી કાળીને આશ્રમમાં છૂટો મૂકીને બંને રૂમ પર આવ્યા. કદમને ફરીથી નાહવું પડ્યું. ઝડપથી સ્નાન કરી કદમ સોમદત્ત પાસે આવ્યો અને મેજર સોમદત્તને તેણે પૂરી ઘટના કહી સંભળાવી.

ઘટના સાંભળી મેજર સોમદત્ત ચમકી ઊઠ્યા.

‘‘અરે...! ત્યારે મને તરત જ રાડ નાખીને બોલાવવો જોઇતો હતો. ખેર...જે થયું તે હવે ઊંઘી જઇએ. કાલ ફરીથી રાત્રીના તારા મામાની મુલાકાત લેશું.’’ સોમદત્ત બોલ્યા.

તે ઘટના પછી કદમ અને મેજર સોમદત્ત ચાર દિવસ ત્યાં રોકાઇ ગયા અને હર એક રાત્રીના તેઓ જંગલ અને પહાડો ખૂંદી વળ્યા, પણ તે રાત્રીની ઘટના પછી ક્યારેય કોઇ દૈત્ય માનવ કે ભયાનક જંગલી જાનવરે જેવો કોઇ જ તેઓની નજરે ચડ્યો નહીં અને કોઇ અનિચ્છનીય ઘટના પણ બની નહીં, તેઓ આજુ-બાજુના બોર્ડર એરિયામાં પણ ટક્કર લગાવી આવ્યા, પણ કોઇ જ સંગૃહીત વસ્તુ તેઓની નજરે ચડી નહીં.

***