કૃપાલસિંહ આજે ખુબ ખુશ હતો તેનો દાવ બરાબર પડ્યો હતો. પાર્ટીની મીટીંગમાં તે છવાઇ ગયો હતો. આવતા મહિને જાહેર થતા વિધાનસભાના ઇલેક્શનની રણનીતી નક્કી કરવાની મીટીંગ હતી. જેમા બધાએ પોતાના મત રજુ કર્યા હતા અને બઘાનાજ મત મુજબ આ વખતે સતા ટકાવી રાખવી અઘરી છે. ત્યારબાદ કોઇ પણ રીતે સતા ટકાવી રાખવા માટે શું કરવું જોઇએ તેની ચર્ચા થઇ. આ મિટીંગમાં દીલ્લીથી પક્ષના પ્રમુખ અને હાઇકમાંડના મોટા માથા હાજર હતા. આ ઉપરાંત ગુજરાત રાજ્યના પાર્ટી પ્રમુખ, મુખ્યમંત્રી, બધાજ ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો પણ હાજર હતા. બધાજ પોતપોતાનો મત રજુ કરતા હતા. બધાના મંતવ્ય પછી કૃપાલસિંહે ઊભા થઇ બોલવાની શરુઆત કરતા કહ્યું “બધા જ મહાનુભાવોને મારા જય માતાજી, એક વાત આપણે સમજી લીવી જોઇએ કે આ વખતે આપણી પાર્ટીના ઘણા નેતાઓ હારી શકે એમ છે. આપણે બધા ઉપરછલ્લી ચર્ચા કરીએ છીએ પણ બધાને મનમાં એમ છે કે પાર્ટીના મેન્ડેટ પર આપણે જીતી જઇશું. આ વખતે પણ એ શક્ય નથી. આપણા ઘણા ધારા સભ્યો તેની સીટ ગુમાવી દેશે. તમને બધાને જાણીને કદાચ દુઃખ થશે પણ આપણે આ વખતે સતા ગુમાવી રહ્યા છીએ. આ વાત હું એમજ નથી કહેતો મારી પાસે એક ચોક્કસ માહિતી છે જેમા કઇ બેઠક આપણે જીતીશું અને કઇ હારવાની સંભાવના છે તેનું આખુ લીસ્ટ મે તૈયાર કર્યુ છે. આ લીસ્ટ મુજબ જોઇએ તો આ વખતે આપણી પાર્ટીએ સતા ગુમાવવી પડે તેવી દશા છે. જો આપણે અત્યારથીજ મહેનત કરીએ તો પણ થોડી સીટ માટે આપણે સતાથી દુર રહીશું, પણ સતાતો સીધી રીતે હાથમાં આવે એમજ નથી. સતા હાથમાં લેવા માટેના થોડા રસ્તા અને રણનિતી મે વિચારી રાખ્યા છે. જો હાઇકમાંડ ઇચ્છસે તો હું એકાંતમાં તેની સાથે થોડી ચર્ચા કરવા ઇચ્છીસ. આપણે જે કંઇ પણ છીએ તે સતાના કારણે છીએ. સતા પર રહેવા માટે સામ દામ દંડ અને ભેદની નીતીનો ઉપયોગ કરવોજ પડશે.” આટલું કહીને કૃપાલસિંહ બેસી ગયો. કૃપાલસિંહની વાત સાંભળીને આખા હોલમાં સન્નાટો છવાઇ ગયો. બધાને ઉંડે ઉંડે આશા હતી કે સરકાર આપણી જ બનશે પણ કૃપાલસિંહે એક જાટકે બધાની આશા પર પાણી ફેરવી દીધુ હતું. કૃપાલસિંહ પાસે પુરતી માહિતી હતી એટલે કોઇ તેનો સીધો વિરોધ પણ કરી શકે એમ નહોતું. સતા જવાના ડરથીજ અડધા નેતાતો થથરી ગયાં હતાં. અને આમ પણ ઘણા નેતાની તો તેના વિસ્તારમાં કોઇ વેલ્યુજ નહોતી, માત્ર પાર્ટીને હિસાબેજ તે જીતી રહ્યા હતા. કૃપાલસિંહે બનાવેલા લીસ્ટમાં પોતાનું નામ હશે તે ડરથીજ અડધા તો બોલતા બંધ થઇ ગયાં હતાં. હોલમાં છવાયેલ સનાટો જોઇને જ હાઇ કમાંડને પણ પરિસ્થિતિની ગંભીરતા સમજાઇ ગઇ. હાઇકમાન્ડના નેતાને સમજાઇ ગયું હતુ કે કૃપાલસિંહ જે કહે છે તે વાત સત્ય છે. ત્યારબાદ થોડી ઔપચારીક વાતચિત બાદ મિટીંગને પુર્ણ જાહેર કરવામાં આવી. બધાજ ધીમે ધીમે હોલમાંથી નીકળી રહ્યા હતા. કૃપાલસિંહ પણ હોલની બહાર નીકળી તેની કાર પાસે પહોંચ્યા ત્યાં પાછળથી એક કાર્યકરે દોડતા આવીને તેને કહ્યું “સાહેબ, તમને મુખ્યમંત્રી સાહેબ બોલાવે છે.” આ સાંભળી કૃપાલસિંહના ચહેરા પર હાસ્ય આવી ગયું અને મનમાંજ બોલ્યો “બધાની ચડી ઉતરી ગઇ છે એટલે બોલાવશે જ ને.” તે ધીમે ધીમે ચાલીને હોલની પાછળ રહેલી ઓફિસમાં ગયો તો ત્યાં દીલ્લીથી આવેલા હાઇકમાંડનાં બે નેતા કેશવ શર્મા અને નારાયણદાસ ગોડબોલે હાજર હતા. નારાયણદાસ ગોડબોલે પાર્ટીના ખુબજ પીઢ નેતા હતા જેને પાર્ટીમાં બધા પ્રેમથી મોટાભાઇ કહેતા હતા. મોટાભાઇનું માન પાર્ટીમાં બધાજ રાખતા. પાર્ટીમાં બે હરોળ હતી એક હરોળ ધારાસભ્યોની અને સંસદ સભ્યોની હતી જે સતા સંભાળતી અને બીજી હરોળ હતી સંગઠનની અને પક્ષ પ્રમુખોની જે આ ધારા સભ્યોને પસંદ કરતી અને ઇલેક્શન જીત અપાવતી. પહેલી હરોળના સભ્યો બદલાતા રહેતા પણ બીજી હરોળના સભ્યોની પોસ્ટ ફીક્સ રહેતી. આ બીજી હરોળના સભ્યોને પાર્ટીના હાઇકમાંડ કહેવાતા. મોટાભાઇ આ હાઇકમાંડ પણ વડા હતા. ઘણા તેને પાર્ટીના ચાણક્ય કહેતા. મોટાભાઇનો નિર્ણય પાર્ટીમાં શિરોમાન્ય જ રહેતો. આવા મોટાભાઇ ત્યાં કેબીનમાં બેઠા હતા અને તેની બાજુમાં મુખ્યમંત્રી સુમનભાઇ પટેલ બેઠાં હતાં. કૃપાલસિંહ ત્યાં પહોંચ્યો એટલે મુખ્ય મંત્રીએ તેને બેસવાનું કહ્યું. કૃપાલસિંહ ત્યાં પાસે પડેલી ખુરશીમાં બેઠા એટલે મુખ્યમંત્રીએ કહ્યું “બાપુ, આ રીતે બધા કાર્યકરોની વચ્ચે આવી વાત કરી દેવી યોગ્ય હતી. તમારી વાતથી કાર્યકરોનું મનોબળ તુટી શકે છે અને આ વાત મિડીયામાં જતી રહે તો આપણી નામોશી પણ થાય. તમારે આ વાત અમને પર્શનલ કરવી જોઇએ આમ જાહેર મિટીંગમાં આવી વાત ન કરવી જોઇએ.”
“કાર્યકરનું મનોબળ તુટે કે મિડીયામાં નામોશી થાય એ બંને વાત આપણે ઇલેકશન હારી જાય તેના કરતા તો લાખ ગણી સારી કહેવાય.” કૃપાલસિંહે સીધોજ પ્રહાર કર્યો. આ સાંભળી પેલા ત્રણેય હચમચી ગયાં. કૃપાલસિંહ આમપણ ભલે બહુ ભણેલો નહોતો પણ રાજ રમત તેની નસોમાં હતી. તેને ખબર હતી કે ક્યારે હુંમલો કરવો અને ક્યારે રક્ષણાત્મક થવું. તેને અહીં બોલાવ્યો એ પરથીજ તેને સમજાઇ ગયું હતું કે આ લોકો તેની વાતમાં આવી ગયા છે અને તે લોકો પણ ઇલેક્શનમાં હાર સહન કરી શકે એમ નથી, એટલેજ કૃપાલસિંહે સીઘીજ આક્રમકતા અપનાવી હતી. અને આમપણ તે જાણતો હતો કે કાચી પોચી રજુઆત હાઇકમાંડ સાંભળશે નહીં. એટલે જ તેણે સીધુજ નિશાના પર તીર માર્યુ હતું. તેના આક્રમણથી પેલા ત્રણેય ડઘાઇ ગયાં હતા આ મોકાનો ફાયદો ઉઠાવી કૃપાલસિંહે કહ્યું “તમેજ કહો સાહેબ કે આપણા કેટલા નેતા પાર્ટીનું મેન્ડેન્ટ ન મળે તો જીતી શકે? આપણી પાર્ટીને લીધે તે લોકો ચાલે છે. આપણે તો એવા નેતાની જરુર છે કે જેને લીધે પાર્ટી જીતે. જો આવુજ ચાલ્યુ તો આપણે ચોક્કસ હારીશું. અને આ માટેજ તે લોકોને ચેતવવા માટે જ મે આ વાત જાહેર મિટીંગમાં કરી હતી.”
કૃપાલસિંહ જે વાત કરી રહ્યો હતો તે કડવી હતી પણ એકદમ સત્ય હતી. મુખ્યમંત્રીને હાઇકમાન્ડની સામે કૃપાલસિંહનું આ રીતે બોલવું ગમ્યું તો નહીં પણ તે કંઇ કરી શકે એમ નહોતા. વાતને વાળવા માટે મુખ્યમંત્રીએ કહ્યું “પણ આપણા જુના માણસોને આપણે મુકી પણ ના શકીએ ને?”
“હા પણ જુના માણસોને ચેતવીતો શકીએ ને કે તમારી ખુરશી દાવ પર છે. હું તેજ કરી રહ્યો હતો.” કૃપાલસિંહે કહ્યું.
અત્યાર સુધી શાંતીથી સાંભળતા મોટાભાઇએ વચ્ચે પડતા કહ્યું “તમે એવું કહ્યું હતું કે તમારી પાસે એક લીસ્ટ છે, જેમાં પાર્ટી કંઇ કંઇ સીટ ગુમાવશે તેનો અંદાજ કાઢેલો છે. તે લીસ્ટ અમારે જોવું છે.” આ સાંભળી કૃપાલસિંહ મનોમન બોલ્યો હવે આવ્યો ઉંટ પહાડની નીચે. અને પછી તેણે મોટાભાઇ સામે જોઇ કહ્યું “તે લીસ્ટ મારા કોમ્પ્યુટરમાં છે, તમે રોકાવાના હોય તો મારા બંગલા પર આવો સાથે ડીનર પણ લેશું અને ચર્ચા પણ કરીશું.”
આ સાંભળી મોટાભાઇએ તેના સાથી કેશવ તરફ જોયું અને પછી બોલ્યાં “ઓકે તમે જાવ અને પેલું લીસ્ટ તૈયાર રાખજો આગળ શું કરવું તેનો અમે તમને મેસેજ મોકલાવીશું.”
આ સાંભળી કૃપાલસિંહ ઊભો થયો અને ચાલવા લાગ્યો. તે દરવાજા પાસે પહોંચ્યો ત્યાં પાછળથી મોટાભાઇએ કહ્યું “આ વાત આપણા ચાર સિવાય કોઇને ખબર ન પડવી જોઇએ. અને તમારી જે યોજના હોય તે પણ વિચારી રાખજો.”
આ સાંભળી કૃપાલસિંહ ત્યાંથી નીકળી ગયો. અત્યારે તે એટલેજ ખુશ લાગતો હતો. કૃપાલસિંહે હાઇકમાન્ડ પાસે જે રણનીતીની રજુઆત કરવી હતી તેની તૈયારી તો તેણે કેટલા દિવસ પહેલા ચાલુ કરી દીધી હતી. અત્યારે તે કામ માટે તો વિલી ભાવનગર ગયો હતો. કૃપાલસિંહે તેના પી.એ ને કહી લીસ્ટની છ કોપી કરાવી. ત્યારબાદ તેના પી.એ ને કહ્યું હું જે બોલુ છું તે માહિતી મને ઝડપથી પ્રીંટઆઉટમાં જોઇએ છે. ત્યારબાદ કૃપાલસિંહ કહેતો ગયો અને તેનો પી.એ કામ કરતો ગયો. કલાકમાંતો કૃપાલસિંહ પાસે પચાસેક પાનાની માહિતી તૈયાર હતી. આ માહિતી જોઇ કૃપાલસિંહ મનોમન બોલ્યો “ તમારે લોકોએ મારી વાત માન્યા વિના છુટકો જ નથી.” તે હજુ આગળ બોલવા જાય ત્યાં તેનો પી.એ મોબાઇલ લઇને આવ્યો. સામે છેડે મુખ્યમંત્રી હતા. ફોન લેતાજ મુખ્યમંત્રીએ કહ્યું “બાપુ, આ બધા બહારના માણસો છે. અહીંની સતા આપણેજ ચલાવવાની છે. તમે આપણી અંગત વાત બહારના લોકોને શું કામ કરો છો?”
“કારણકે તમે મારી વાત માનતા નથી. અને હું તમારે લીધે હારવા માંગતો નથી.” કૃપાલસિંહે ચોખ્ખુજ કહી દીધું.
“બાપુ તે વાતનો ઉકેલ આપણે વાત કરીને કરી શકીએ તે માટે બહારના લોકોને દખલગીરી કરવા દેવી તે યોગ્ય નથી.” મુખ્યમંત્રીએ વાત સમજાવતાં કહ્યું.
“જો તમે આખા ઇલેક્શનની સતા મને આપતા હોય તોજ હું ચુપ રહીશ. બાકી મારી પાસે જે માહિતી છે તે જોયા પછી કોઇની ખુરશી સલામત નહીં હોઇ.” કૃપાલસિંહે હવે ચોખ્ખીજ ધમકી આપી દીધી.
“આ સાંભળી મુખ્યમંત્રી સમસમી ગયાં પણ અત્યારે બધાજ હુકમના પાના કૃપાલસિંહ પાસે હતા. કૃપાલસિંહે મોટાભાઇની સામે રાજ્યની પોલ ખોલી નાખી હતી. જો મોટાભાઇને એવું લાગે કે ગુજરાતમાં પાર્ટી બરાબર ચાલતી નથી તો તેનું મુખ્યમંત્રી પદ પણ જતુ રહે. એટલે તેની વાત સ્વીકરવાં સિવાય છુટકો નહોતો. તેણે કમને જ કહ્યું “તમારી બધીજ શરત માન્ય પણ હાઇકમાન્ડ સુધી આપણી કોઇ વાત લીક ન થવી જોઇએ.”
“ઓકે પણ, તમે તમારો વાયદો યાદ રાખજો.” એટલું કહી કૃપાલસિંહે ફોન મુકી દીધો.
આ ઘટનાએ કૃપાલસિંહને ગુજરાતના ઇલેક્શનમાં ખુબજ ઉચ્ચે પહોંચાડી દીધો. બીજાજ દિવસે કૃપાલસિંહે મુખ્યમંત્રીને મળીને એક જોરદાર યોજના બનાવી. આ યોજનામાં કૃપાલસિંહે ગુજરાતના તેની વિરોધી પાર્ટીના એવા નેતાઓનું લીસ્ટ બનાવ્યું કે જે અત્યાર સુધીમાં કોઇ ઇલેકશન હારેલા નહોતા. આ નેતાઓ જો તેની પાર્ટીમાં હોય તો ઇલેક્શન તે ચોક્કસ જીતી જાય પણ આ બધા નેતાને પાર્ટીમાં લાવવા કઇ રીતે? આ માટે તો કૃપાલસિંહે ક્યારની તૈયારી શરુ કરી દીધી હતી. પણ હવે તો બહું મોટા પાયા પર આ કરવાનું હતું, અને તે માટે તેણે હવે પેલા નેતાઓને કોઇ પણ હિસાબે બે દિવસમાં મળવું પડશે. જો યોજના કામયાબ થાય તો તેનું ડેપ્યુટી સી.એમનું પદ પાકુજ હતું પણ જ્યારે કૃપાલસિંહ આ ખયાલી પુલાવો પકાવી રહ્યો હતો ત્યારે તેને નહોતી ખબર કે ગુજરાતના બીજા ખુણે તેના ગામની આસપાસ એક એવી ઘટના આકાર લેવા જઇ રહી હતી, જે તેના બધાજ સપના પર પાણી ફેરવી દેવાના હતા.
--------------#####--------------####--------------####--------------####---------------####--------
“બોલો, હવે શું કરવું છે?” રોમેશે બેડ પર બેસતાજ પુછ્યું.
“જો મે કહ્યું તે ફાઇનલ છે. તેમાં હવે કોઇ ફેરફાર નથી થવાનો. તમે લોકો મને સમજવાની કોશિશ કરો.” નિશીથે બધા સામે જોતા કહ્યું.
“એ પછી વિચારીએ પહેલા એ તો કહે પેલો ફોન કોનો હતો? તેણે શું કહ્યું?” કશિશે નિશીથને પુછ્યું.
નિશીથને એ લોકો ડૂંગર પર હતા ત્યારે એક ફોન આવ્યો ફોન પર કોઇ વ્યક્તિ હતો જેણે નિશીથને કહ્યું “તમે ડરો નહીં તે રસ્તા પર એવુ કંઇ નથી. પણ તમે જે શોધો છો તે ખજાનો ત્યાં નથી. તમે પહેલા ત્યાં તપાસ કરી લો પછી જો જાણવા માંગતા હોય કે ખજાનો ક્યાં છે? અને પેલા છોકરાના મૃત્યું કેવી રીતે થયા છે? તો હું તમારી મદદ કરી શકીશ.” આ સાંભળી નિશીથ ચોંકી ગયો. “આ કોણ છે જે બધુજ જાણે છે? ક્યાંક કોઇ તેના પર નજર તો નથી રાખી રહ્યું ને? આ વિચાર આવતાજ નિશીથે આખા મંદીરમાં એક ચક્કર માર્યુ પણ કોઇ ક્યાંય દેખાયું નહીં. નિશીથને નવાઇ લાગી એટલે તેણે સીધુજ પુછ્યું “તમે કોણ છો અને આ બધુ કંઇ રીતે જાણો છો?”
“એ બધુજ તમને ખબર પડશે પહેલા તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી જાવ પછી હું તમને મળીશ. આમ જોઇએ તો આપણા બંનેનું લક્ષ્ય એક જ છે. તમે જ્યા જવા માટે પ્રયત્ન કરો છો ત્યાં કોઇ ખતરો નથી. પેલા છોકરાના મોતનું કારણ તો જુદુજ છે. ગભરાયા વિના તમે ત્યાં જાવ પણ ત્યાં તમને કશું મળવાનું નથી માત્ર મારી વાતની સચ્ચાઇ ચકાશવા પણ તમે ત્યાં જઇ આવો. જેથી તમારા મનનું સમાધાન થઇ જાય.” સામેની વ્યક્તિએ કહ્યું.
નિશીથને હવે આ ભેદી માણસમાં રસ પડ્યો હતો. આમ પણ જો તે કહે છે તે વાત સાચી હોય તો આમપણ તે માણસની જરૂર પડવાનીજ છે એટલે તેનો મકસદ શું છે તે જાણી લેવા માટે નિશીથે પુછ્યું “તમે મને આ બધુ શું કામ જણાવો છો? તમને કેમ ખબર કે મારુ લક્ષ્ય શું છે?”
“આ બધુ જણાવવા માટે હું તમને રૂબરૂ મળીશ. પણ અત્યારે તમે એક વાત શોધો કે આ ખજાનો શેનો છે? અને ખજાનો કંઇ રીતે ત્યાં પહોંચ્યો? ખજાનો તો તમને મળવાનો નથી પણ કદાચ તમે જે શોધ માટે આવ્યા છો તેનો જવાબ તમને તેમાંથી મળી જાય. બાકી ખજાનો ક્યાં છે તે હું જાણું છું.” આટલું કહી સામેથી ફોન કટ થઇ ગયો. ફોન ખીસ્સામાં મુકી નિશીથ ક્યાંય સુધી હવામાં તાકતો ઊભો રહ્યો. અને પછી બધા બેઠા હતા ત્યાં જઇને બેઠો.
“કોનો ફોન હતો?” કશિશે નિશીથ બેઠો એટલે તરતજ પુછ્યું.
એ હું તમને પછી કહું છું પહેલા હવે આપણે અહીંથી નિકળીએ. હવે આમ પણ અહીં કંઇ કરી શકાય એમ નથી એટલે ફરીથી હોટલ પર જઇએ ત્યાં જઇને આગળનું વિચારીશું.” આમ કહી નિશીથ ઊભો થયો અને તેની વાત યોગ્ય લાગતા બધાજ ઊભા થઇ નીચે ઉતરવા લાગ્યાં. હોટલ પહોંચ્યા ત્યાં સુધી કોઇ કંઇ બોલ્યું નહીં. બધાજ હવે આગળ શું કરવું તેના વિચારમાં ખોવાયેલા રહ્યા. હોટલ પર જઇ બધાજ ફ્રેસ થયા અને પછી નિશીથના રુમમાં મળ્યા એટલે કશિશે સીધોજ તેને ફોન વિશે પ્રશ્ન કર્યો. નિશીથે બધાને ફોન પર થયેલી વાત કરી એ સાંભળી બધાજ સ્તબ્ધ થઇ ગયાં. થોડીવાર તો કોઇ બોલ્યું નહીં. ત્યારબાદ કશિશે શાંતી તોડતા કહ્યું “જો તે જે પણ હોય તેની વાતની ચકાશણી કરવા માટે આપણે તે સ્થળે પહોંચવુ જોઇએ. મને તો લાગે છે તે જે વ્યક્તિ છે તે સાચો હશે. બાકી તેને આપણામાં શું કામ રસ હોય?”
“ના પણ હવે કોઇ પર આંધળો વિશ્વાસ ના કરાય. હ્વે આપણે સમજી વિચારીને આગળ વધવું જોઇએ. પણ તેની એક વાત મને સાચી લાગે છે કે આપણે ખજાનાની જગ્યા સુધી પહોંચતા પહેલા આ ખજાનો શેનો છે? તે જાણવું પડશે.” નિશીથે પોતાનો વિચાર રજુ કરતાં કહ્યું.
“ હા, મને પણ એજ વિચાર આવ્યો હતો કે આ ખજાનો શેનો હશે? પણ પછી વિચાર્યુ કે પહેલાના રાજા પાસે તો આવા ખજાના હતા એટલે કદાચ સુર્યગઢ રાજ્યના રાજાનોજ આ ખજાનો હોય.” રોમેશે પોતાનો વિચાર રજુ કર્યો.
“ના પણ, આ સુર્યગઢ તો એકદમ નાનું રાજ્ય છે. તેના રાજા પાસે એટલો મોટો ખજાનો હોય કે જેથી તેને આ રીતે સંતાડીને રાખવો પડે તે શકય લાગતું નથી.” અત્યાર સુધી ચુપ બેઠેલા સમીરે એકદમ તર્કબધ વાત કરી.
“ હા મને તો લાગે છે કે આ ખજાનાની જેમજ ખજાનો કોનો છે અને ક્યાંથી આવ્યો છે તે પણ રહસ્ય છે. કેમકે સુરસિંહ કે જે એક સમયનો રાજ્યનો કર્મચારી હતો તે પણ તેના વિશે કશું જાણતો નથી, તો પછી સામાન્ય માણસ તો આ ખજાના વિશે ક્યાંથી જાણતો હોય. અને જો રાજ્યની જ સંપતી હોય તો આટલી બધી ગુપ્તતા જાળવવાની જરુર ન હોય કેમકે રાજ્ય વહિવટમાં તે સંપતીનો ઉપયોગ થતો હોય છે. જે પણ હોય હવે પહેલા આ ખજાનાનું રહસ્ય ઉકેલવું પડશે પછી તેના સુધી પહોંચવાની મહેનત કરીશું.” નિશીથે કહ્યું.
“પણ આ ખજાનાની માહિતી મેળવશું કોની પાસેથી? જો આવો કોઇ ખજાનો છે તેજ કોઇને ખબર નહોતી તો તે કોનો છે તે તો ક્યાંથી ખબર હોય?” નૈનાએ બધાની મુંઝવણ રજુ કરતા કહ્યું.
“હા, એ વાત પણ સાચી છે. પણ મને લાગે છે કે આપણે વિરમ અથવા સુરસિંહને મળીશું તો કોઇક રસ્તો જરુર મળશે.” નિશીથે કહ્યું.
નિશીથને એ લોકો વાતો કરી રહ્યા હતા ત્યારે તેનાથી થોડે દુરની એક રૂમમાં પ્રશાંત કામત તેના માણસો પાસેથી નિશીથની માહિતી મેળવી રહ્યો હતો ત્યાં તેના મોબાઇલમાં રીંગ વાગી અને સામેથી જે કહેવાયું તે સાંભળી તેના ચહેરાની રેખાઓ બદલાઇ થોડીવાર વાત સાંભળી ઓ.કે કહી તેણે ફોન મુકી દીધો. ફોન મુકી તેણે થોડો વિચાર કર્યો અને પછી તરતજ એક નંબર ડાયલ કર્યો. જેવો સામેથી ફોન ઉંચાકાયો કે તરતજ પ્રશાંતે કહ્યું “જો નિશીથ, જમીને એકઝેટ નવવાગે હું તમને ફોન કરીશ. ત્યારે જે જગ્યાએ તમને આવવાનું કહું ત્યાં તમે પહોંચી જજો તમને તમારા બધાજ પ્રશ્નનો જવાબ મળશે. હવે તમારી અને મારી પાસે ખુબ ઓછો સમય છે.” નિશીથ હ્જુ કંઇ કહેવા જાય તે પહેલા ફોન કટ કરી નાખ્યો. ફોન મુકીને પ્રશાંતે તેની સામેના બે માણસને કહ્યું “કાલે કદાચ મારે પણ તમારી સાથે ડુંગર પર આવવાનું થશે. તમે અત્યારે જાવ પછી હું તમને ફોન કરીશ.”
પ્રશાંત કામતે જમીને નિશીથને ફોન કરી કહ્યું “તું રુમનંબર-409 માં આવી જા અને હા એકલોજ આવજે.” આટલું કહી ફોન મુકી દીધો. આ સાંભળી નિશીથને એક્દમ નવાઇ લાગી અને થોડી નિરાશા પણ થઇ કે આ માણસ તેનો પીછો કરતો હતો અને તે આજ હોટલમાં રહેતો હતો છતા મને ખબર ન પડી. પણ પછી તેણે નિરાશા ખંખેરી રુમ નંબર-409 તરફ આગળ વધ્યો.
-------------#######--------------------##########---------------#######-----------------
મિત્રો આ મારી બીજી નોવેલ છે. મારી પહેલી નોવેલ છે “21મી સદીનું વેર” જે એક સસ્પેન્સ થ્રીલર લવસ્ટોરી છે. જે માતૃભારતી અને પ્રતિલીપી પર ઉપલબ્ધ છે તો જરૂરથી વાંચજો. મારી નોવેલ તમને કેવી લાગી તેનો પ્રતિભાવ નીચે આપેલા Whattsappnumber પર જરૂરથી આપજો.
-----------------********--------------------**********------------------*********----
HIREN K BHATT:- 9426429160
EMAIL ID:- HIRENAMI.JND@GMAIL.COM