Dr. Sarvepalli Radhakrishnan in Gujarati Biography by Dr.Mayur Bhammar Ahir_Krushnarpan books and stories PDF | ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન

-ડૉ.મયુર વી.ભમ્મર-આહીર

· જન્મ: ૦૫ સપ્ટેમ્બર, ૧૮૮૮, તિરૂત્તાની, તામિલનાડુ.

· અવસાન: ૧૭ એપ્રિલ, ૧૯૭૫, ચેન્નઈ, તામિલનાડુ.

· માતા: સીતાઅમ્મા.

· પિતા: સર્વપલ્લી વીરસ્વામી.

· જીવનસાથી: શિવકામ્મા .

· સંતાનો: ૦૫ પુત્રી, ૦૧ પુત્ર (સર્વપલ્લી ગોપાલ).

· અભ્યાસ: એમ.એ.(ફિલોસોફી) મદ્રાસ કોલેજ (૧૯૦૬).

· રાજકીય પ્રદાન:

૧) પ્રથમ ઉપરાષ્ટ્રપતિ: ૧૯૫૨ થી ૧૯૬૨.

૨) રાષ્ટ્રપતિ: ૧૩ મે, ૧૯૬૨ થી ૧૩ મે, ૧૯૬૭.

· ખિતાબ:

૧) નાઈટ બેચલર/ સરની ઉપાધી (૧૯૩૧).

૨) ફેલો ઓફ ધ બ્રિટિશ એકેડમી (૧૯૩૮).

૩) ભારત રત્ન (૧૯૫૪).

૪) જર્મન પૌર લે મેરિટ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ (૧૯૫૪).

૫) પીસ પ્રાઈઝ ઓફ ધ જર્મન બુક ટ્રેડ (૧૯૬૧).

૬) તેમનો જન્મદિવસ ૫ સપ્ટેમ્બર 'શિક્ષકદિવસ' તરીકે ઊજવવાની શરુઆત (૧૯૬૨).

૭) બ્રિટિશ ઓર્ડર ઓફ મેરિટ (૧૯૬૩).

૮) સાહિત્ય એકેડમી ફેલોશિપ (૧૯૬૮).

૯) ટેમ્પલટન એવોર્ડ-ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા (મરણોપરાંત) (૧૯૭૫).

૧૦) ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા તેમના નામની સ્કોલરશીપની શરૂઆત (૧૯૮૯).

· જીવનકવન:

મહાન શિક્ષણવિદ, દાર્શનિક, વક્તા, વિચારક તેમજ ભારતીય સંસ્કૃતિના જ્ઞાતા એવા ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ ૦૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તામિલનાડુમાં ચેન્નઈથી ઉતર-પશ્ચિમમાં ૬૪ કિ.મી. દૂર આવેલ તિરૂત્તાની ગામમાં એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. દક્ષિણ ભારતની પરંપરા પ્રમાણે તેમના નામમાં લાગતો 'સર્વપલ્લી' શબ્દ હકીકતમાં તેમના ગામનું નામ છે. વર્ષો પહેલાં તેમના પૂર્વજો સર્વપલ્લી ગામમાં રહેતાં હતાં. તેઓની માતૃભાષા તેલુગુ હતી. તેમનું બાળપણ તિરૂત્તાની, તિરૂવેલુર અને તિરૂપતિમાં વિત્યું હતું. તેઓ છ ભાઇ બહેનોમાં બીજા ક્રમે હતાં. તેમના પિતાની આવક ઓછી હોવાથી એમના પિતા જાતે જ તેઓને ભણાવતા હતાં. માતા સીતમ્મા ખૂબ જ ધાર્મિક પ્રવૃત્તિના હતાં. આમ કુટુંબના ધર્મ અને શિક્ષણના વાતાવરણનો પ્રભાવ રાધાકૃષ્ણનના જીવન પર પડ્યો હતો.

બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં ખૂબ જ હોશિયાર તથા પુસ્તક વાંચવાના ગજબના શોખીન હતા. તેઓએ પ્રારંભિક શિક્ષણ ક્રિશ્ચયન મિશનરી સંસ્થા લુંથર્ન મિશન સ્કુલમાં મેળવ્યું હતું અને આગળનું શિક્ષણ મદ્રાસ ક્રિશ્ચયન કોલેજમાં મેળવ્યું હતું. શાળાના દિવસો દરમિયાન જ રાધાકૃષ્ણને બાઈબલના મહત્ત્વપૂર્ણ અંશ કંઠસ્થ કરી લીધા હતા. જેના માટે તેમને વિશિષ્ઠ યોગતા સન્માન પ્રાપ્ત થયું હતું. ખૂબ નાની ઉમરમાં જ તેમણે સ્વામી વિવેકાનંદ તેમજ વીર સાવરકર જેવા મહાન વ્યક્તિઓના વિચાર તેમજ તેમનું જીવનકવન વાંચી લીધું હતું.

બી.એ. તથા એમ.એ. તર્કશાસ્ત્ર તથા દર્શનશાસ્ત્ર વિષયનું શિક્ષણ તેમને મદ્રાસની ક્રિશ્ચિયન કોલેજમાંથી લીધું હતું. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે વીસ વર્ષની ઉંમરે જ માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત કર્યા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને આમ તો પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને વાંચવા આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો હતો.

૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા હતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખો પણ લખતા હતા. તેમનું સૌપ્રથમ પુસ્તક ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ પ્રકાશિત થયું હતું. ૧૯૨૩માં એમણે ‘ભારતીય દર્શનનો ઈતિહાસ’ની રચના કરીને એનો સૌ પ્રથમ ભાગ ૧૯૨૩માં અને બીજો ભાગ ૧૯૨૭માં પ્રકાશિત કર્યો હતો. એમણે બીજી બે પ્રસિધ્ધ રચનાઓ ‘ધેન ઓફ રિલીજન ઈન કાંટેંપરેરી ફિલોસોફી’ અને ‘ધ ફિલોસોફી ઓફ રવિન્દ્રનાથ ટાગોર’ પ્રકાશિત કરી, જે તે સમયે સમાજમાં ખૂબ જ પ્રસિધ્ધ થઈ હતી. લોકમાન્ય તિલકે પોતાના પ્રસિધ્ધ ગ્રંથ ‘ગીતા રહસ્ય’માં એમના લેખો પ્રકાશિત કર્યા હતાં. તેમના લેખો તેમજ ભાષણના માધ્યમથી ભારતીય દર્શનશાસ્ત્રને વિશ્વની સમક્ષ રજૂ કરવા માટે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું મહત્ત્વનું યોગદાન છે. સમગ્ર વિશ્વમાં તેમના લેખોની પ્રશંસા થઇ હતી. કોઈ પણ વાતને સરળ ભાષામાં કઈ રીતે કહેવી એમાં તેઓ મહારથી હતા. એટલે જ ફિલોસોફી જેવા અઘરા વિષયને પણ તેમણે એક આનંદિત વિષય બનાવી દીધો હતો. તેઓ નૈતિકતા અને આધ્યાત્મિક વિષય પર વધારે ભાર મુક્ત હતા. તેઓનું માનવું હતું કે આધ્યાત્મિક જીવન ભારતની પ્રતિભા છે.

તેએા ઉમદા અને પ્રખર વકતા હતાં. વિદ્યાર્થીઓ એમના પ્રવચનને સાંભળવા માટે હંમેશા બેચેન રહેતા હતાં. એમણે પોતાની વિદ્વતા અને શિક્ષણ પ્રતિભાનો સારો એવો પરિચય આ જગતને આપ્યો હતો.

મિશનરી સંસ્થામાં શિક્ષણ મેળવવાથી એમનું અંગ્રેજી પરનું પ્રભુત્વ ઘણું સારું હતું. તેઓએ હિન્દુ ધર્મનું તુલનાત્મક અધ્યયન કર્યું હતું. ઉપરાંત દર્શનશાસ્ત્ર અને તર્કશાસ્ત્રમાં સવિશેષ અભ્યાસ કર્યો હતો. એમણે ‘ઉપનિષદ્’, ‘ગીતા’, ‘બ્રહ્મસૂત્ર’, ‘જૈન અને બૌદ્ધ ધર્મોના મૂળ ગ્રંથો વગેરેનું પણ ઊંડાણપૂર્વક અધ્યયન કર્યું હતું.

તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા કે જેમણે પૂર્વ અને પશ્ચિમના વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કામ કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમની વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમના જગતને, અંગ્રેજી ભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ બહુ સારી રીતે કરાવ્યો હતો.

ડૉ.એમ.વિશ્વેશ્વરૈયા જેવા વિદ્વાનો પણ રાધાકૃષ્ણનના લેખો વાંચતા હતાં. ડૉ.એમ. વિશ્વેશ્વરૈયા અમેનાથી ખૂબ જ પ્રભાવિત થયા. ૧૯૧૬માં મૈસૂર યુનિવર્સિટીની સ્થાપના કર્યા બાદ ૧૯૧૭માં રાધાકૃષ્ણનને આમંત્રિત કરીને ત્યાંની મહારાજા કોલેજના દર્શનશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિયુકત કરી દીધા હતા.

૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું. ૧૯૩૮માં ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની મુલાકાત મહાત્મા ગાંધી સાથે થઇ હતી. મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઇને રાધાકૃષ્ણને રાષ્ટ્રીય આદોલનના સમર્થનમાં અનેક લેખો લખ્યા હતા. ૧૯૪૭માં તેઓની યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે નિયુક્તિ થઈ હતી. ૧૯૪૮માં તેઓ યુનેસ્કોના ચેરમેન બન્યા હતા. ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. સરમુખત્યાર જોસેફ સ્તાલિન કોઈને મળવા માટે તૈયાર ન થતો. પરંતુ તે ડૉ.રાધાકૃષ્ણનને બે વખત મળ્યો હતો. આક્રમકતા અને બળપ્રયોગ કરી સત્તા પર આવેલા સ્તાલિનને ઈશારો કરતાં કરતાં રાધાકૃષ્ણને કહેલું કે અમારે ત્યાં પણ એક અશોક નામના રાજાએ ધરાર સત્તા હાંસલ કરી હતી, એ પછી તેમને કલિંગમાં પશ્ચાત્તાપ કરવાનો વારો આવેલો. સ્તાલિન અને રાધાકૃષ્ણનની બે મુલાકાતથી આખા જગતને એ સમયે આશ્ચર્ય થયેલું.

ભારત સ્વતંત્ર થતા મૌલાના અબ્દુલ કલામ આઝાદ સ્વતંત્ર ભારતના સૌ પ્રથમ શિક્ષણ મંત્રી બન્યા હતાં. દેશમાં ઉચ્ચ શિક્ષણની નવી વ્યવસ્થા માટે એક આયોગની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં રાધાકૃષ્ણનને અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. આ ઉપરાતં તેઓ આંધ્રપ્રદેશ યુનિવર્સિટીના ઉપકુલપતિ (૧૯૩૧-૧૯૩૬) તથા બનારસની હિંદુ યુનિવર્સિટી (૧૯૩૯-૧૯૪૮), દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ (૧૯૫૩-૧૯૬૨) અને સાહિત્ય અકાદમીના ઉપાધ્યક્ષ પણ રહ્યા હતાં.

તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં ૬ વર્ષ સુધી વિઝિટિંગ પ્રોફેસર પણ રહ્યા હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં તેમણે હિન્દુ ધર્મ વિશે ઊંડાણપૂર્વક તથા તલસ્પર્શી રીતે વિદ્યાર્થીઓને શીખવ્યું હતું. એ દરમિયાન ઇન્દિરા ગાંધી, સાંસદ ભૂપેશ ગુપ્તા અને ઇઝરાયેલના ઉપવડાપ્રધાન રહી ચૂકેલા યિગેલા આલોં જેવાં તેમના વિદ્યાર્થીઓ હતાં.

૧૯૫૨માં દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકે રાધાકૃષ્ણનની વરણી કરવામાં આવી હતી. ૧૩ મે,૧૯૬૨ના રોજ ૩૧ તોપોની સલામી સાથે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનની રાષ્ટ્રપતિ પદ પર તજપોસી થઇ હતી. ભારતના રાષ્ટ્રપતિ બન્યાં બાદ તેમણે પોતાનો પગાર ઘટાડી ૨ હજાર રૂપિયા કરી નાખ્યો હતો.

રાજકારણમાં આવ્યા તે પહેલા તેમણે તેમના જીવનના મહત્ત્વપૂર્ણ ૪૦ વર્ષ સુધી શિક્ષક તરીકે યોગદાન આપ્યું હતું. તેમનામાં એક શિક્ષક હોવાના તમામ આદર્શ ગુણ હતા. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો, ત્યારે તેમણે પોતાનો જન્મદિવસ વ્યક્તિગત નામથી નહીં, પરંતુ સંપૂર્ણ શિક્ષક સમુદાયને સન્માનિત કરવાના હેતુથી 'શિક્ષક દિવસ'ના રૂપમાં ઊજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારથી તેમનો જન્મદિવસ સમગ્ર ભારતમાં 'શિક્ષકદિન' તરીકે ઊજવવામાં આવે છે.

ડો.રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટીશ અને ભારતીય ખિતાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને 'ભારતરત્ન'થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીએ તેમને 'ટેમ્પલટન એવોર્ડ'થી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિવર્સિટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯થી ઓક્સફર્ડ યુનિવર્સિટીએ ડો.રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.

રાધાકૃષ્ણને પીએચ.ડી. કર્યું નહોતું, તેમ છતાં દેશ-વિદેશની કેટલીય યુનિવર્સિટીઓએ એમને ડોકટરેટની પદવી આપીને સન્માનિત કર્યા હતાં. રાધાકૃષ્ણનની સમગ્ર વિશ્વભરમાં ખૂબ જ ખ્યાતિ હતી. પરિણામે તેઓ અમેરિકા પહોંચ્યા ત્યારે તેમને હેલિકોપ્ટર દ્વારા સીધા જ વ્હાઈટ હાઉસમાં ઊતરવાનું સન્માન મળ્યું. આ રીતે વ્હાઈટ હાઉસમાં પહોંચનારા એ વખતે તેઓ સર્વપ્રથમ પરદેશી વ્યક્તિ હતા.

અંતિમ દિવસોમાં તેઓ ઘણું ભૂલી જતાં હતા. તેમને તબિયતને લઈને પણ ગંભીર સમસ્યાઓ હતી. આવી સ્થિતિ વચ્ચે જ તેઓએ ૧૭મી એપ્રિલ, ૧૯૭૫ના રોજ વહેલી સવારે હંમેશાંને માટે વિદાય લીધી.

સફેદ ધોતી, લાંબો કુરતો અને સફેદ કોટ અથવા શેરવાની એમનો પહેરવેશ હતો. તેઓ માથા પર પાઘડી ધારણ કરતા હતા. એમનું વ્યકિત્વ ઘણું આગવું અને તેજસ્વી હતું. સાદુ જીવન અને ઉચ્ચ વિચાર એ તેમની વિશિષ્ટતા હતી. ડો. રાધાકૃષ્ણન દેશ દુનિયામાં 'ફિલોસોફર પ્રેસિડેન્ટ' તરીકે જાણીતા હતા, છે અને રહેશે.

*******************************************

ડૉ.મયુર વી.ભમ્મર-આહીર

(આસિસ્ટન્ટ પ્રોફેસર-સાયકોલોજી)

ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, રાણાવાવ, જિ:પોરબંદર-360550.

મો:7359484920 અને 8866048102.

Email: mayurbhammar21@gmail.com