Once Upon a Time - 68 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 68

Featured Books
Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 68

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 68

બોમ્બ બ્લાસ્ટ કેસનો આરોપી અને ડ્રગ સ્મગલર ઈકબાલ મિર્ચી ઇન્ટરપોલના હાથમાં ઝડપાઈ ગયો એનો આનંદ મુંબઈ પોલીસ અને છોટા રાજન વધુ સમય માણી ન શક્યા. ઈકબાલ મિર્ચી ઇંગ્લેન્ડના મોટા વકીલોની મદદથી કાનૂની આંટીઘૂંટી અજમાવીને છૂટી ગયો અને મુંબઈ પોલીસ હાથ ઘસતી રહી ગઈ. પણ એથી નિરાશ થવાને બદલે છોટા રાજને દાઉદના બીજા ડ્રગ સ્મગલર્સ મિત્રોને પરેશાન કરવાનું ચાલુ રાખ્યું. છોટા રાજને બબલુ શ્રીવાસ્તવની મદદથી દાઉદના ડ્રગ સ્મગલર મિત્રોના ઘણા માણસોને ફોડી નાખ્યા. અને એમના દ્વારા દાઉદના ડ્રગ સ્મગલર મિત્રોના ડ્રગ કન્સાઇન્મેન્ટ વિશે પોલીસને માહિતી પહોંચાડવાનું કામ એ કરતો રહ્યો. આ દરમિયાન મુંબઈમાં સિક્યુરિટી એજન્સી ચલાવતો રાજાસિંહ પણ છોટા રાજન સાથે હાથ મિલાવીને કામ કરવા માંડ્યો હતો. રાજાસિંહ ઠાકુર હપ્તા વસૂલીનું અને સુપારી લઈને માણસોને ખતમ કરવાનું કામ પણ કરતો હતો.

‘આ રાજાસિંહ ઠાકુરને કારણે જ ૧૯૮૭માં રોમેશ શર્મા જયારે અંડરવર્લ્ડમાં પોતાનો પગ જમાવવાની કોશિશ કરી રહ્યો હતો ત્યારે રાજાસિંહ ઠાકુર સાથે એને જામી પડી હતી. મુંબઈના વાંદરા વિસ્તારમાં રાજાસિંહ ઠાકુરનું સામ્રાજ્ય ચાલતું હતું. ૧૯૭૫થી ૧૯૮૩ સુધી રોમેશ શર્મા વરદરાજન ગેંગમાં ટપોરીની જેમ કામ કરતો હતો. પણ પછી વરદરાજનના વળતાં પાણી થયાં એટલે એણે પોતાની રીતે હપ્તાવસૂલીનો ગોરખધંધો ચાલુ કર્યો હતો. રોમેશ શર્મા પંદર વર્ષનો હતો ત્યારે અલ્હાબાદમાં રૂમાલ વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પણ એની મહત્વકાંક્ષા આભને આંબે એવી હતી. એટલે એ નસીબ અજમાવવા વારાણસી ગયો, પણ ત્યાં એને નસીબે યારી આપી નહીં. એટલે એ મુંબઈ આવ્યો. મુંબઈમાં એ એક વિદેશી મહિલા વેઈરા ક્રેસીના ઘરમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેવા લાગ્યો.

૧૯૭૫માં એ વરદરાજન ગેંગના કેટલાક ટપોરીઓના સંપર્કમાં આવ્યો. વરદરાજનની ગેંગમાં જોડાયા પછી હપ્તાવસુલીની સાથે સાથે એણે સીધાસાદા માણસોના જમીન અને મકાન પડાવી લેવાનો ખેલ શરુ કર્યો. આ ગોરખધંધામાં એનો હાથ બેસી ગયો. રોમેશ શર્માની જગ્યા પડાવવાની મોડસ ઓપરેન્ડી બહુ સરળ હતી. પહેલાં તો એ મોટી મોટી વાતો કરીને મુંબઈગરા મકાનમાલિકને આંજી નાંખતો અને પછી એ જગ્યા પોતાના પિતાશ્રીની મિલકત હોય એ રીતે પચાવી પાડતો. મકાનમાલિક પોતાની જગ્યા ખાલી કરાવવાની કોશિશ કરે ત્યારે રોમેશ શર્મા પોતાનું સાચું રૂપ બતાવતો અને જે તે જગ્યા પોતાના નામે કરી દેવા માટે મકાનમાલિકને ધમકાવતો, એણે મુંબઈના ખાર વિસ્તારમાં ‘સંત સદન’ બિલ્ડીંગ આ જ રીતે પચાવી પાડ્યું હતું. ‘સંત સદન’ બિલ્ડીંગમાં બીજા એક મકાનમાલિક સાથે રોમેશ શર્માને ઝઘડો થયો હતો. અને રોમેશ શર્માએ એને ગોળી મારી દીધી હતી. રોમેશ શર્માએ મુંબઈના ખર અને વાંદરા વિસ્તારમાં મકાન પડાવવાની અને હપ્તા ઉઘરાવવાની શરૂઆત કરી એટલે રાજાસિંહ ઠાકુર સાથે એને વેર બંધાયું. રાજાસિંહ ઠાકુરે આપેલી ધમકી રોમેશ શર્મા ઘોળીને પી ગયો એટલે રાજાસિંહ ઠાકુરે રોમેશ શર્માની હત્યાની કોશિશ પણ કરી. એક તબક્કે રાજાસિંહ ઠાકુરે રોમેશ શર્માની ઊંઘ હરામ કરી નાખી ત્યારે રોમેશ શર્માએ મુંબઈ છોડવાનો નિર્ણય લેવો પડ્યો.

૧૯૮૭માં રોમેશ શર્મા મુંબઈ છોડીને દિલ્હી ગયો. ત્યાં થોડા સમય પછી એની મુલાકાત કુખ્યાત દાઢીધારી તાંત્રિક બાબા સાથે થઇ. એમની મદદથી રોમેશ શર્માનો દાઉદ સાથે સંબંધ ગાઢ બન્યો. દિલ્હી ગયા પછી રોમેશ શર્મા વધુ મજબૂત બન્યો. એ દરમિયાન રાજાસિંહ ઠાકુરે મુંબઈમાં પોતાના કારસ્તાન ચાલુ રાખ્યાં હતાં. રાજાસિંહ ઠાકુરે મુંબઈના સીરીઅલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી દાઉદથી છૂટા પડેલા છોટા રાજન સાથે હાથ મિલાવ્યા એટલે એ દાઉદ ઈબ્રાહીમની નજરમાં આવી ગયો. આ દરમિયાન રાજાસિંહ ઠાકુર છોટા રાજન કેમ્પના ડ્રગ સ્મગલર્સ માટે પણ કામ કરવા માંડ્યો હતો. રાજાસિંહ ઠાકુર દાઉદ ગેંગને કનડવા માંડ્યો એટલે દાઉદે એનું કામ તમામ કરવાની જવાબદારી રોમેશ શર્માને આપી. રોમેશ શર્મા માટે તો ‘ભાવતું’તું ને વૈદે કીધું’ જેવો ઘાટ થયો. જેના કારણે મુંબઈ છોડવાનો વારો આવ્યો એને દુનિયા છોડાવી દેવા માટે રોમેશ શર્માએ ચક્રો ગતિમાન કર્યા.’

***

‘છોટા રાજન દાઉદ ઈબ્રાહીમના વફાદાર અને ઉપયોગી માણસોને પોતાની ગેંગમાં ખેંચી રહ્યો હતો ત્યારે બીજી બાજુ દાઉદના જમણા-ડાબા હાથ સમા છોટા શકીલ અને અબુ સાલેમ પણ છોટા રાજન ગેંગમાં ભંગાણ પડાવવાનું કારસ્તાન કરી રહ્યા હતા. બબલુ શ્રીવાસ્તવે છોટા રાજન સાથે હાથ મિલાવ્યા એ પછી અબુ સાલેમ બબલુ શ્રીવાસ્તવ ગેંગના ઘણા ગુંડાઓને દાઉદની ગેંગમાં ખેંચી લાવ્યો. પણ બબલુ શ્રીવાસ્તવ અને છોટા રાજનને મોટો આંચકો ત્યારે લાગ્યો કે અબુ સાલેમે બબલુ શ્રીવાસ્તવના સૌથી મહત્વના શૂટર વિક્રમ વાહીને દાઉદ ગેંગમાં ખેંચી ગયો. જે વિક્રમ વાહી દાઉદ ગેંગના શૂટરોને ધ્રુજવતો હતો એ છોટા રાજન અને બબલુ શ્રીવાસ્તવ ગેંગના શૂટરો માટે કાળ સમો બની ગયો. આ દરમિયાન મુંબઈમાં પણ છોટા રાજન ગેંગને એક વધુ ફટકો પડ્યો.’ ફાઈવફાઈવફાઈવનો કશ લઈને મોંમાંથી ધુમાડો છોડ્યા બાદ પપ્પુ ટકલાએ થોડી સેકન્ડનો પોરો લીધો. પછી જાણે એના માનસપટ પર કોઈ દ્રશ્ય ચાલી રહ્યું હોય એમ એણે વાત માંડી. ફરી એક વાર પપ્પુ ટકલા સ્ક્રિપ્ટ રાઈટર પાઠમાં આવી ગયો હતો.

***

મુંબઈના વાંદરા વિસ્તારના કાર્ટર રોડનાઅ કિનારે આવેલી પોશ સોસાયટીના એક ફ્લેટમાં એક સ્વરૂપવાન યુવતી ધીમા અવાજે હિન્દી ફિલ્મનું ગીત ગાતા-ગાતા બાથરૂમ ભણી જઈ રહી હતી. એ અત્યંત ખુશ હતી. હમણા-હમણા એની આવકમાં ધરખમ વધારો થઈ ગયો હતો. મુંબઈ જેવા શહેરમાં ટકી રહેવા માટે એકલી સ્ત્રીઓએ અનેક બાંધછોડ કરવી પડતી હોય છે. ઘણી રુપાળી યુવતીઓએ ડાન્સ બારમાં નાચીને શરાબીઓનું મનોરંજન કરવું પડતું હોય છે. તો કોઈ-કોઈ એકલી યુવતીઓ કોઈ શ્રીમંતની રખાત બનીને રહી જતી હોય છે. તો વળી ઘણી યુવતીઓ હિરોઈન બનવાનાં સમણાં લઈને મુંબઈ આવ્યા પછી રેડલાઈટ એરિયામાં ધકેલાઈ જઈને જીવનભર દોઝખમાં પીડાવાની અનુભૂતિ કરતી હોય છે. પણ આ યુવતી નસીબદાર હતી. માત્ર થોડા પેકેટ્સની હેરફેર કરીને એ મહિને પચીસ-ત્રીસ હજાર રુપિયા જેવી રકમ કમાઈ લેતી હતી. અને એ સિવાય ઘણી વાર તેને વધારાની બક્ષિસ મળી જતી હતી. પણ હમણાં-હમણાં એને એ રકમ પણ મામૂલી લાગવા માંડી હતી. તેને ફોન નંબર ડાયલ કરીને કેટલાક શબ્દો કહેવા માટે અકલ્પ્ય પૈસા મળવા લાગ્યા હતા. ડ્રગ્સના પેકેટ્સની હેરાફેરી કરતા પોલીસના હાથમાં ઝડપાઈ જવાનું જોખમ ઉઠાવવાને બદલે ડ્રગની હેરાફેરી વિશે પોતાનું નામ જણવ્યા વિના માહિતી પહોંચાડવાની તેને ઊંચી કિંમત મળવા લાગી હતી.

તે યુવતીએ બાથરૂમમાં પ્રવેશીને ગીત ગણગણતાં પોતાના શરીરના વસ્ત્રો ઉતારવાનું શરૂ કર્યું. તેના શરીર પર ઉપવસ્ત્રો જ રહ્યા હતા. એ વખતે અચાનક એના કાને કશો અવાજ પડ્યો. શરીર ઉપર ટોવેલ વીંટાળીને એ બહાર આવી. તેણે લિવિંગ રૂમમાં ચારેબાજુ નજર દોડાવી, પણ એને કશું નજરે પડ્યું નહીં. એને લાગ્યું કે પોતાને અવાજ સંભળાવાનો ભ્રમ થયો હશે. એ ફરી વાર બાથરૂમમાં જઈને સંપૂર્ણ અનાવ્રુત્ત થઈને શાવર નીચે ઊભી રહી. ઠંડા પાણીનો આહલાદક અનુભવ કરતા-કરતા એ ફરી વાર ગીત ગણગણવા માંડી. થોડી મિનિટ્સ સુધી શરીર પર પાણીનો સ્પર્શ અનુભવ્યા પછી તેણે શાવર બંધ કર્યો. ઈમ્પોર્ટેડ ટોવેલથી એણે શરીર લૂછ્યું. પછી બાથરોબ પહેરીને તે બહાર નીકળી.

બાથરોબ પહેરીને તે લિવિંગ રૂમમાં પહોંચી. બહાર નીકળતાં વેંત સોફા પર આરામથી બેઠેલા માણસને જોઈને તે થીજી ગઈ!

લિવિંગ રૂમના સોફા ઉપર એક યુવાન બેઠો હતો. એને જોઇને એનાં ગાત્રો શિથિલ થઇ ગયા. સોફા ઉપર બેઠેલા યુવાનની નજર યુવતીના શરીર પર પગથી માથા સુધી ફરી વળી. ગંદુ સ્મિત વેરીને એણે કહ્યું, ‘બહુત ખૂબસૂરત લગતી હો, લેકિન ઈસ ખૂબસૂરતી કા તુને બહુત ગલત ઈસ્તેમાલ કિયા હૈ.’

યુવતીની આંખમાં ભય ડોકાવા લાગ્યો. એણે ઊંચા અવાજે પૂછ્યું: ‘તુમ યહાં કયું આયે હો ?’ એના આ સવાલથી રોષે ભરાઈને યુવાન બોલ્યો, ‘ઈતની ઊંચી આવાઝ મેં મત બોલો, મુઝે ઊંચી આવાઝ સુનને કી આદત નહીં હૈ.’

યુવતીએ અકળાઈને કહ્યું, ‘ગેટ આઉટ’ અને બીજી ક્ષણે બાજ પક્ષી પોતાના શિકાર પર ત્રાટકે એ રીતે પેલો યુવાન એના પર ધસી ગયો. એણે એના હાથથી યુવતીના ગળા ઉપર ભીંસ દીધી અને બીજો હાથ એના હોઠ પર દબાવી દીધો. એણે પોતાના હોઠ યુવતીના કાન પાસે લઇ જઈને ધીમા છતાં ક્રૂર અવાજે કહ્યું, ‘મૈને તુમ્હે કહા ના, મુઝે ઊંચી આવાઝ પસંદ નહીં હૈ!’

(ક્રમશ:)