સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 75
'નો વે, મિસ અસનાની... તમે યાર..' વાત-વાતમાં યાર બોલવાની ટેવ ધરાવતા એસપી મિશ્રા રિટાયરમેન્ટ પહેલાંનું છેલ્લું પોસ્ટિંગ માણી રહ્યા હતા. મિશ્રાને આ કામણગારી, યુવાન આઈએએસ ઓફિસર ગમતી હતી. ક્લબમાં ય તેને છાના ખૂણે જોઈ લેતા હતા. આજે એ ખુદ આવી ચડી એટલે મિશ્રાની મૂછ આપોઆપ તાવ દેવા લાગી હતી.
પણ બિરવાએ જ્યારે રાઘવનો રિપોર્ટ ધર્યો એ સાથે મિશ્રાના કાનમાં જાણે ધડાકો થઈ ગયો હોય તેમ તે ચોંકી ઊઠયા હતા. પોતાને જ ફાઈલ થયેલો આ સત્તાવાર રિપોર્ટ પોતે તો જોયો સુધ્ધાં ન હતો એ તેમની પહેલી ગફલત. બીજી ગફલત એ કે, રાઘવની સાથે આવેલી છોકરીએ તેને બાનમાં રાખ્યો હતો અને નજર સામેથી જ તે સરકી ગઈ. અને હવે પોતાના એસીપીને શોધવાની જવાબદારી માથા પર ઘૂમરાતી હતી.
બિરવા જેવી આઈએએસ અફસર જો રિપોર્ટ ન લાવી હોત તો તો તેમણે ઠાગાઠૈયા કરીને હોમ મિનિસ્ટ્રી પર માહિયાનો કેસ ધકેલી દીધો હોત.
'તમે યાર... સમજો મેડમ...' તેણે સલૂકાઈભેર બિરવાની સમજાવટ આદરી હતી, 'એ લોકો કોણ છે આપણને ખબર નથી યાર. માહિયાએ કોઈ ઉલ્લેખ પણ કર્યો નથી. હા, તેણે સંપર્કમાં રહેવાનું કહ્યું છે. તેનો મેસેજ આવે તોય આપણે વળતો સંપર્ક કરવાનો નથી. તેણે સ્પષ્ટ કહ્યું છે કે યાર, તેનો જીવ જોખમમાં છે.'
'પણ તેનો અર્થ એ નથી કે પહેલો મેસેજ ન આવે ત્યાં સુધી આપણે હાથ પર હાથ મૂકીને બેઠા રહીએ' બિરવાને એસપીના એટિટયુડથી ભારે અકળામણ થતી હતી.
'યસ મિસ અસનાની..' રોષે ભરાયેલી બિરવાના ચહેરા પર તરી આવતી લાલીને મન ભરીને પી રહેલા એસપીએ એવો જ ઊડાઉ જવાબ આપી દીધો, 'ડેફિનિટલી વી વિલ ફોલો હિમ. યાર, ડોન્ટ બોધર એટ ઓલ.. મિનવ્હાઈલ, ડોન્ટ ડિસ્ક્લોઝ ઈટ એનીવ્હેર પ્લિઝ...'
એસપી ઓફિસમાંથી એ બહાર નીકળી ત્યારે તેનો ધૂંધવાટ ફાટાફાટ થવા લાગ્યો હતો. રાઘવ ભયાનક મોટું જોખમ ઊઠાવી રહ્યો હતો યા તો કોઈકના પ્રેશરમાં હતો.
તેણે નાછૂટકો દિલ્હી ફોન લગાવ્યો. તેના પિતા જી.ડી.અસનાની ફાયનાન્સ મિનિસ્ટ્રીમાં ડેપ્યુટી સેક્રેટરી હતા. હવે તેમની વગ વાપર્યા વગર છૂટકો ન હતો.
બીજે જ દિવસે ખુદ એસપી સામેથી બિરવાની ઓફિસે આવી ચડયા.
'તમે યાર... પહેલેથી કહેવું જોઈને યાર...'
મધ્યપ્રદેશ હોમ ડિપાર્ટમેન્ટે તાકિદ કરી એટલે મિલિટરી ઈન્ટેલિજન્સે કેસ સંભાળી લીધો હતો.
પહેલો મેસેજ આવ્યો પછી તેમાં ઝડપ આવી પણ મોબાઈલ ક્યાંય એકધારો લોકેટ થતો ન હતો. ચાર દિવસના અંતરાલમાં મોબાઈલના લોકેશન અણધાર્યા બદલાઈ જતા હતા. છેવટે જોરહટથી બોમ્બડી-લા જતા છેલ્લો મેસેજ આવ્યો ત્યારે લોકેશન સ્પષ્ટ થયું. દેશના સૌથી વધુ માહેર સ્નિફર ડોગ્ઝ સાથે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ચુનંદા જવાનોની ટીમ તવાંગ જવા નીકળી ત્યારે અંગત ભલામણના જોરે ભારે જીદ કરીને બિરવા ય તેમાં ચડી બેઠી હતી.
***
ધૂમાડાથી ગંધાતી બખોલના બંધિયારપણામાં શ્વાસ લેવાની પારાવાર તકલીફ હતી. સામેથી ગોળીઓની ધડબડાટી હજુ હમણાં જ અટકી હતી. ફૂટેલા ગ્રેનેડે બખોલના મૂળમાં ત્રણ-ચાર ઠેકાણે ભડકા કરી નાંખ્યા હતા અને જ્યાં-ત્યાં ઊગેલા અગોચર ઝાડી-ઝાંખરા સળગી ઊઠયા હતા.
કમાન્ડો યુનિટનો પહેલો જવાન આગળ જઈને ઓલવેલની ખાતરી કરી આવ્યો એ પછી તરત બિરવાએ ઓવારા તરફથી દોટ મૂકી હતી. જવાન તેને રોકે એ પહેલાં તો ધૂમાડો ઓકતી બખોલમાં છેક સુધી ફરી વળીને તેણે બેબાકળા અવાજે બૂમો પાડી નાંખી હતી, 'રાઘવ... રાઘવ...'
તેને હજુ ય અકળામણ થતી હતી. હોડીઓમાં આવેલા લોકો પોતાની સહાય માટે આવ્યા છે એવી રાઘવને ખબર તો પડવી જોઈએ ને? તો જ એ પોતાની જે કંઈ હાલત હોય તેમાંથી છટકવાની પેરવી કરે. પણ કમાન્ડોનો ગેમ પ્લાન અલગ હતો. તેઓ રાઘવને છોડાવવા ઉપરાંત આખી ય ગેંગને ઝબ્બે કરવાના મિશન માટે આવ્યા હતા. લોકલ જ્યોગ્રાફીનો બરાબર સ્ટડી કરીને ત્રીજી હોડી તેમણે જંગલ તરફ ખુલતા કાંઠે રવાના કરી દીધી હતી પણ અહીં બખોલમાંથી એ લોકો જે સિફતપૂર્વક છટકી શક્યા એથી કમાન્ડો યુનિટનો કેપ્ટન રેડ્ડી બરાબર ગિન્નાયો હતો.
એ લોકો પાસે ગન, ગ્રેનેડ હતા અને આબાદ નિશાન વિંધવાની હથોટી ય હતી. બિરવાને ફરી હોડીમાં ધકેલીને તેણે જંગલ વોરફેરમાં કેળવાયેલા તેના જવાનોને સરુના અડાબીડ અંધકાર વચ્ચે પ્રવેશવાનો હુકમ કર્યો.
***
કેસીએ મનોમન સમયનો ક્યાસ કાઢ્યો. આટલી વારમાં કાંઠા પર તૈનાત થયેલા આદમીઓની ધીરજ ખૂટી હોવી જોઈએ. અથવા તો એવું ય બને કે પાછળથી આવતા લોકો તેમને ઈશારો કરે ત્યારે જ તેઓ હલ્લો કરવાની પેરવીમાં હોય. હજુ ય આકાશમાં કાળુડિબાંગ અંધારું હતું. વરસાદના ફોરા પડવા માંડયા હતા એથી કેસીના ચહેરા પર પારાવાર અકળામણ અને તણાવ વચ્ચે ય થોડોક હાશકારો તરી આવ્યો. આજે... બસ, અત્યારે જ મુશળધાર વરસાદ ચાલુ થઈ જાય એટલે...
તે મનમાં કશુંક બબડયો. તાન્શીની સામે જોયું એટલે તાન્શીએ ય હકારમાં ડોકું ધૂણાવ્યું. હિરન પણ કેસીના મનોભાવને પરખવા મથતી હતી. કેસીને હજુ ય હિરન પર ભરોસો પડતો ન હતો એટલે તેણે તેને કશું કહેવાનું ટાળ્યું અને પોતાના આદમીઓને ઈશારો કરી દીધો.
એક આદમીએ વજનદાર સિલિન્ડર ઊઠાવ્યું અને બીજા આદમીએ ત્રણેક ફૂટ લાંબો પાઈપ ઊઠાવ્યો. આ શું છે અને તેનાંથી આ લોકો શું કરવા ધારે છે એ હિરન ઉપરાંત ઝુઝાર અને દૂર લપાયેલા રાઘવ, ત્વરિત પણ તાજુબીપૂર્વક જોઈ રહ્યા હતા.
કેસીનો પ્લાન સ્પષ્ટ હતો. હવે ગમે તેમ કરીને કાંઠા પર ઊભેલા આદમીઓને નશ્યત કરવા જ પડે. તો જ બ્રહ્મપુત્રનો કાંઠો વટીને ડેવિલ્સ રોક સુધી પહોંચી શકાય અને ડેવિલ્સ રોક વટીને સીધા તિબેટની સરહદમાં... પછી આ પીછો કરનારા જખ મારે છે
કેસીએ કશું જ બોલ્યા વગર હાથના ઈશારાથી ઓર્ડર આપ્યો એટલે બંને આદમી ખાઈ ઉતરવા લાગ્યા. દબાયેલા પગલે છેક કાંઠાની સાવ નજીક જઈને તેમણે અંધારામાં ફક્ત અટકળના આધારે જ પાઈપ તાક્યો. ગેસના સિલિન્ડરનો નોબ ઘુમાવ્યો અને ટ્રિગર પર આંગળી દાબી. ઘડીક તો વાવાઝોડા જેવો ભીષણ સૂસવાટો હવામાં ગાજી રહ્યો અને પ્રચંડ ધડાકા સાથે ત્રણ-ચાર આદમી કારમી ચીસ નાંખીને ઉથલી પડયા. નદીના વહેણ વચ્ચે લાંગરેલી રબ્બરની મસમોટી ડિંગી ય હવામાં આઠ-દસ ફૂટ અધ્ધર ફંગોળાઈ ગઈ.
પહેલા ધડાકાની ગૂંજ શમે એ પહેલાં તો એવો જ બીજો કારમો ધડાકો ય થયો. કાંઠાની ભીની, લથબથ ભોંયના લોંદા ક્યાંય દૂર સુધી ઊડયા, વધુ કેટલીક કારમી ચીસો હવામાં ફંગોળાઈ.
બંને ધડાકા સાથે જ ખાઈ પરથી મુક્તિવાહિનીના ગેરિલાઓ એવી જ બિહામણી કિકિયારી કરતા નીચે ઉતરવા લાગ્યા અને દરેકે બંને હાથમાં ઝાલેલી પિસ્તોલ દિશાના કે ટાર્ગેટના કોઈ ભાનસાન વગર આંધળા ધડાકા કરવા લાગી હતી.
રાઘવ ભયાનક અસમંજસ સાથે કાંઠા પરની આ તબાહી જોઈ રહ્યો. ત્વરિતના કાનમાં ધડાકાના અવાજથી ધાક પડી ગઈ હતી. ઝુઝાર અને હિરન આ અનોખી પિસ્તોલનું કારસ્તાન ભારે તાજુબીથી અનુભવી રહ્યા.
આ તોપ પણ ન હતી, ગન પણ ન હતી. પિસ્તોલ ન હતી કે મોર્ટાર પણ ન હતો.
ઉત્તર-પૂર્વ તિબેટના લડાયક ખામ્પાઓનું એ હથિયાર હતું. માતેલા બનેલા જંગલી આખલા કે બરફના પહાડોમાંથી ગામમાં આવી ચડતા માણસખાઉં રિંછનો શિકાર કરવા માટેની આ કેપ્ટિવ ગન મુક્તિવાહિનીનું લેથલ વેપન હતું.
હિરને આઘાત અને અચરજથી તાન્શીની સામે જોયું. તેણે ફક્ત હળવું સ્મિત વેરીને ખાઈ ઉતરવા ઈશારો કર્યો.
સપાટાભેર નીચે ઉતરેલા ગેરિલાઓ તરાપો બાંધી રહ્યા હતા એ જ વખતે કેપ્ટન ઉલ્હાસ રેડ્ડીના આદમીઓએ ખાઈ ઉતરવા માંડી હતી.
કાંઠા પર થયેલી અણધારી તબાહી પછી કેપ્ટન ઉલ્હાસ રેડ્ડીના કમાન્ડો હવે આર યા પારના મિજાજમાં હતા.
(ક્રમશઃ)