સદીઓથી ખોવાયેલા સત્યનું સરનામું
64 સમરહિલ
લેખકઃ ધૈવત ત્રિવેદી
પ્રકરણ - 73
રાઘવે કઈ રીતે પીછો કરાવ્યો એ સમજવા માટે કેટલોક ફ્લેશબેક:
જબલપુર પહોંચતા સુધીમાં આખા રસ્તે તેણે જાતભાતની વાતો કરીને હિરનને પલોટવાની, તેનો વિશ્વાસ જીતવાની કોશિષ કરી હતી પણ એ સાલી સ્હેજે ય મચક આપતી ન હતી.
'અહીં હવે તારે મને એકલો છોડવો પડશે...' જબલપુર કેન્ટ રોડ તરફ એનફિલ્ડ વાળવાનું કહીને તેણે ઉમેર્યું એ સાથે હિરને ડોકું ધૂણાવી દીધું હતું.
'નો વે...' તેણે જરાય દાદ આપ્યા વિના ચોખ્ખું જ સંભળાવી દીધું હતું, 'આઈ કાન્ટ ટ્રસ્ટ યુ. બાથરુમ-સંડાસ જવા સિવાય ક્યાંય તું એકલો જવાનો નથી...'
અને સાચે જ દરેક જગ્યાએ એ રાઘવનો પડછાયો બની રહી. હેડ ક્વાર્ટરમાં જઈને તેણે બિકાનેર સુધીના ઈન્વેસ્ટિગેશનનો રિપોર્ટ લખ્યો એ પણ તેણે જોયો. અનફીટ હોવાના મેડિકલ સર્ટિફિકેટ માટે ડોક્ટરને ત્યાં ય એ સાથે જ આવી. પોલિસ સુપ્રિન્ટેન્ડેન્ટ સાથેની મુલાકાતમાં ય તમામ મેનર્સની ઐસીતૈસી કરીને તે સાથે જ અંદર આવી ગઈ હતી.
સુપ્રિન્ટેન્ડેન્ટે જ્યારે સહજ સવાલભરી નજરે તેની સામે જોયું ત્યારે રાઘવ જરાક થોથવાયો હતો. એ વખતે હિરને ઘડીક શરમાવાનો ડોળ કરીને નજાકતભર્યા અવાજે કહી દીધું હતું, 'આઈ એમ હિઝ ફિયાન્સી...'!!
એ વખતે સુપ્રિન્ટેન્ડેન્ટની સાથે રાઘવ પણ ચોંકી ગયો હતો.
'ઓહ કમ ઓન માહિયા, તમે મને કહ્યું પણ નહિ??' એવો એસપીએ ઠપકો આપ્યો ત્યારે ય રાઘવને બદલે એ જ બોલતી રહી હતી. હું અમેરિકામાં બાયોટેક્નોલોજી ભણી છે. મારું ફેમિલી જયપુરમાં છે. દેશમાં છોકરા જોવા આવી અને રાઘવ પહેલી જ નજરે ગમી ગયો એવી આબાદ સ્ટોરી કહીને તેણે એસપી સાહેબને બરાબર ભરમાવ્યા હતા.
રાઘવને જરાક સરખી ય તક મળતી ન હતી. સાલી, સાચે જ એક કાચી સેકન્ડ માટે ય તેનો કેડો છોડતી ન હતી... મનોમન તેં ધૂંધવાતો જતો હતો.
લિવ રિપોર્ટ અપ્રુવ કરાવ્યા પછી વેપન જમા કરાવતી વખતે તેણે ટોઈલેટ બ્લોક્સ તરફ ઈશારો કરીને હળવેથી હિરનના કાનમાં કહ્યું હતું, 'આઈ નીડ ટુ આન્સર નેચર કોલ...'
પ્રેમાતુર ફિયાન્સીની માફક રાઘવના કોલર સરખા કરવાની ચેષ્ટા કરતાં તેણે એવી જ મીઠી નજરે આંખમાં આંખ પરોવીને ધીમા અવાજે કહી દીધું હતું, 'નો સ્માર્ટનેસ. એક કલાક રાહ જોઈશ તો કંઈ મરી નહિ જાય...'
ક્યાંય શી વાતે ય મેળ આવ્યો જ નહિ ત્યારે છેવટે તેણે જોખમ ઊઠાવ્યું.
રેકોર્ડ ઓફિસર શહાણેની સાથે તેણે જ હિરનની ઓળખાણ પોતાની ફિયાન્સી તરીકે કરાવી દીધી. હિરનના ઠાઠમાઠથી અંજાયેલા શહાણેએ સરભરા માટે સોફ્ટ ડ્રિન્ક ઓર્ડર કર્યું ત્યારે ફરીથી તેણે હિરનની સામે ટચલી આંગળી ધરીને મોં કટાણું કર્યું. એ કહેવા માંગતો હતો કે તું બાથરૃમ જવા દેતી નથી અને આ સાલો સોફ્ટ ડ્રિન્ક પીવડાવે છે.
પોતાના ચાર્જના વેપન રૃમ તેમજ એમ્યુનિશનની વિગતો ટાઈપ કરવા માટે તે ઊભો થયો પણ શહાણે સાલો આજે એટલો બધો ઉત્સાહી અને મદદગાર સાબિત થતો હતો કે તેણે પોતાનું જ લેપટોપ રાઘવ બેઠો હતો એ તરફ ખસેડી નાંખ્યું.
રાઘવના મનમાંથી ગાળોની બૌછાર નીકળી ગઈ. આ છેલ્લી તક હતી.
લેપટોપમાં વર્ડ ફાઈલ ખોલીને તે પોતાના ચાર્જની વિગતો ટાઈપ કરવા માંડયો. હિરને ઉત્સાહી શહાણેની વાતોમાં રસ લેવાનો ડોળ કરીને રાઘવ શું ટાઈપ કરે છે એ જોઈ લીધું હતું.
શરૃઆતમાં તેણે ટિપિકલ સરકારી ભાષામાં ખરેખર રિપોર્ટ જ લખ્યો પણ હિરન જરાક બેધ્યાન બની એટલી વારમાં ધડકતા હૈયે ઓફિશિયલ રિપોર્ટના સત્તાવાર ભાષાના વાક્યો વચ્ચે જ લખવા માંડયું,
'હું એક બહુ મોટા સ્કેન્ડલનો પીછો કરી રહ્યો છું. સેઈડ વેપન્સ આર વેલ ઈક્વિપ્ડ એન્ડ.. અત્યારે બૂરી રીતે ફસાયેલો છું. અહીંથી હું ક્યાં જઈશ મને કશી જ ખબર નથી. ઓલ ધ પિરિયોડિક મેઈન્ટેનન્સ હેઝ બીન ડન એઝ પર માય નોલેજ. શક્ય હશે ત્યાં સુધી હું કમ્યુનિકેશન રાખીશ. મારૃં કમ્યુનિકેશન બંધ થાય તેના ૪૮ કલાક પછી જ તમે મારી તલાશ શરૃ કરશો. એમ્યુનિશન સ્ટોક યેટ ટુ બી ચેક્ડ બટ ઈટ ઈઝ અન્ડર કેરફૂલ ઓબ્ઝર્વેશન. હું મારૃં યુરિન સેમ્પલ ટોઈલેટ બ્લોકની છાજલી પર બોટલમાં મૂકતો જાઉં છું. સ્નિફર ડોગ્ઝને દોરવણી આપવાનો એ એકમાત્ર રસ્તો છે. બી કેરફૂલ, મારો જીવ જોખમમાં હશે એ ન ભૂલશો.'
બાજુમાં બેઠેલી હિરન પોતાના દિમાગને વાંચી શકે છે. જરાક આંખ ફેરવીને ટાઈપ થઈ રહેલા વાક્યો જો ધ્યાનથી જોશે તોય પોતાની ચાલાકી પકડાઈ શકે છે તેના ભયથી ટાઈપ કરી રહેલી તેની આંગળીઓ રીતસર થથરતી હતી.
વારંગલમાં દુબળીએ છેલ્લી મૂર્તિનો ભેદ ખોલ્યો એ રાતે જ તેણે નોંધ્યું હતું કે બાપ-દીકરી બંને સામેની વ્યક્તિની આંખમાં આંખ પરોવીને ધ્યાનથી નિહાળે ત્યારે વિચારો વાંચવાનું તેમનાં માટે આસાન બનતું હતું. મતલબ કે, નજર ઝુકાવી દઈએ કે મોં ફેરવી નાંખીએ તો કદાચ બચી શકાય તેમ હતું.
વળી, જાતભાતના અસંબધ્ધ વિચારો પરાણે મગજમાં લાવીને મૂળ વિચારને જો દબાવી દેવાય તો પણ કદાચ એ બંને ગોટે ચડી જતા હતા એવું તેણે ત્યારે જ નોંધી લીધું હતું. ખુદ દુબળીએ કહ્યું હતું કે મન વાંચવાની વિદ્યાના આરંભિક તબક્કા જેટલી જ તેમને જાણકારી હતી.
શહાણે સતત હિરનને અમેરિકા વિશે, હોલિવૂડ વિશે પૂછી રહ્યો હતો. પોલિસ અફસરને પરણીને પછી તે કેટલી ત્રાસી જશે તેની આગાહી ય પોતાની પત્નીની ફરિયાદો ટાંકીને કહેતો જતો હતો. કંટાળેલી હિરન ટૂંકમાં જવાબ આપી રહી હતી.
ટેબલની નીચે શહાણેને ન દેખાય તેમ ફરીથી તેણે હિરનનો ઢીંચણ દબાવીને ટચલી આંગળી દબાવી. જવાબમાં હિરને સમૂળી આંગળી જ મરડી નાંખી ત્યારે માંડ તેણે ચહેરાના ભાવ પર કાબૂ રાખ્યો.
પછી શહાણેની સામે સ્મિત વેરી બિન્ધાસ્ત દેખાવાનો ડોળ કરીને બે કોપીમાં રિપોર્ટના પ્રિન્ટ આઉટ કાઢ્યા. સહજતાથી ફેરવતો હોય તેમ પહેલા કાગળ પર નજર નાંખીને એ કાગળ ફેરવી નાંખ્યો અને પછી બીજો કાગળ હિરનની બાજુમાં જ ધરીને આંગળી વડે મુદ્દાઓ પર 'ટક્..ટક્' કર્યું પછી નીચે સહી કરી નાંખી.
એક કોપી તેણે શહાણેને આપી અને શહાણે પાસેથીથી કવર લઈને બીજી કોપી તેમાં નાંખીને ઉપર એડ્રેસ લખતાં હળવેથી કહી દીધું, 'ઈટ્સ ફોર કમિશનરેટ ઓફિસ...'
શહાણેના ટેબલ પરથી બોટલ ઊઠાવીને તેણે થેંક્સ કહ્યું અને ત્વરાથી ઊભો થયો.
હિરનથી અંજાયેલો શહાણે છેક દરવાજા સુધી મૂકવા ય આવ્યો અને 'રોકાયા હોત તો સાંજે તમને ટ્રીટ આપવી મને ગમી હોત...' એવું ઈજન પણ આપતો રહ્યો.
બહાર નીકળીને લાઉન્જમાં સલામી આપી રહેલા કોન્સ્ટેબલને તેણે રોક્યો. આ ખરાખરીની ક્ષણ હતી. હાથમાંનું ખાખી કવર તેણે કોન્સ્ટેબલને થમાવ્યું અને કડક અવાજે સુચના આપી, 'ચાર્જ હેન્ડઓવર કરવાનો મારો રિપોર્ટ છે. એડિશનલ કમિશનરને પહોંચાડવાનો છે. રૃબરૃ જ આપી આવજે અને કહેજે કે મારી મંગેતર જોડે હતી એટલે મળવા આવી શક્યો નથી.'
એ વખતે હિરને ફરીથી ઝીણવટપૂર્વક કવર પર લખાયેલું નામ જોયું પણ ખરું.
એડિશનલ કમિશનર કચેરી, ઝંડા ચોક, જબલપુર.
રિપોર્ટ પર તેણે અછડતી નજર ફેરવી હતી. કવર પરનું સરનામું જોઈને ય તેને લાગ્યું કે પોલિસ કમિશનરની જ આ બીજી કોઈક ઓફિસ હોવી જોઈએ.
એડિશનલ કમિશનર એ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ય હોદ્દો હોય અને એ હોદ્દા પર બેઠેલી બિરવા અસનાની રાઘવની ક્લોઝ ફ્રેન્ડ હોય તેનો અંદાજ તો કેવી રીતે આવે?
હવે ખરાખરીની બીજી ક્ષણનો સામનો કરવાનો હતો. બહાર નીકળતી વખતે તેણે ફરીથી હિરનને કહ્યું, 'યાર, મને સિવિયર પ્રેશર છે. મારે બાથરૃમ જવું જ પડશે. હજુ સાઈન કરવામાં, ફોરવર્ડિંગ લેટર અને એપ્રુવલ લેવામાં બીજી અડધી કલાક થશે'
'નોટ એટ ઓલ...' તેમને જોઈ રહેલા પોલિસ કોન્સ્ટેબલ્સ તરફ ત્રાંસી આંખે જોઈને હિરને મારકણું સ્મિત વેરીને જવાબ વાળી દીધો.
રાઘવ સતત જીદ કરતો રહ્યો. બંને લાઉન્જ વટયા તેની સામે પગથિયાની પાસે જ કોન્સ્ટેબલ્સ તેમજ બીજા મુલાકાતીઓ માટેના ટોઈલેટ્સ હતા. રાઘવે એ તરફ જોયું. એ છેલ્લી તક હતી, જો એ ચૂકી ગયા તો ગયા કામ થી.
તેણે ફટાફટ ખિસ્સામાંથી પર્સ કાઢ્યું. ઓફિસમાંથી, ડોક્ટર પાસેથી મેળવેલા કાગળિયા ય કાઢ્યા. બેય ખિસ્સા બહાર કાઢીને હિરનને બતાવ્યા અને બધું તેનાં હાથમાં થમાવીને ટોઈલેટ્સ બ્લોક તરફ જતાં જતાં કહી દીધું, 'મારાથી હવે નહિ જ રહેવાય. આટલી બધી શંકા હોય તો બરાબર નજર રાખજે. તારી સામે જ કામ પતાવી દઉં છું. ભલે આ લોકો મારા પર હસતા...'
કોન્સ્ટેબલ્સ, ત્યાં આવ-જા કરી રહેલા ફરિયાદીઓ, આરોપીઓ સૌ કોઈ પારાવાર તાજુબીથી આ ટોચના પોલિસ અમલદારને પબ્લિક ટોઈલેટમાં બારણું ખુલ્લું રાખીને પેશાબ કરતો જોઈ રહ્યા હતા. પણ હિરન એ કોઈની નજરની પરવા કર્યા વગર તેનાંથી પાંચ-સાત ફૂટ દૂર ઊભી રહીને નજર રાખી રહી. હિરનને બરાબર દેખાય તેમ પીઠ ફેરવીને ઊભા રહીને હાથમાંની બોટલમાં હતું એટલું પાણી તે ગટગટાવી ગયો અને પછી સ્હેજ આડા ફરીને તેણે બોટલમાં જ પેશાબ કરી દીધો.
વચ્ચે વચ્ચે પોતાની આવી હાલત કરવાની નારાજગી સૂચવવા હિરન તરફ અછડતું જોઈને ગરદન પણ ધૂણાવ્યા કરી. કામ પતાવીને બોટલ ફેંકવા આમતેમ ડાફોળિયા મારતો હોય તેમ ડસ્ટબિન શોધી પછી ઉપર માળિયામાં બોટલ ફગાવીને એ હિરન તરફ ફર્યો ત્યારે તેનું હૈયુ પૂરપાટ ભાગતા એનફિલ્ડ બુલેટની માફક ધડબડાટી કરી રહ્યું હતું...
ધક્..ધક્..ધક્..ધક્..ધક્..
*** ***
રાઘવનો પ્લાન આબાદ હતો.
તેનો મોબાઈલ તો ક્યારનો ય જપ્ત થઈ ગયો હતો પણ રાંચી પહોંચીને તેણે ત્વરિતનો મોબાઈલ લીધો અને સુપ્રિન્ટેન્ડેન્ટને પહેલો મેસેજ કર્યો. કોલકાતા પહોંચ્યા ત્યારે બીજો મેસેજ પણ એ રીતે કર્યો. ગૌહાતીથી, જોરહટ સુધી એ આ રીતે મેસેજ કરી શક્યો પણ પછી સૌ કોઈના મોબાઈલની બેટરી ઉતરી રહી હતી. વળી, હિરન પણ સતત માથે જ હતી.
તિબેટ જવા માટે હિરન શું તરકીબ અજમાવે છે એ જાણ્યા પછી જ બધા પકડાય એવો તેનો વ્યુહ હતો. પોતે બોમ્ડિ-લા તરફ જાય છે એવો છેલ્લો મેસેજ કર્યા પછી હવે સ્નિફર ડોગને સાઈન આપતી રહેવી એ એકમાત્ર વિકલ્પ હતો.
તેને શોધવા અને આખી ય ગેંગને એકસાથે રંગે હાથ ઝડપવા માટે કાફલો આવે ત્યારે સ્નિફર ડોગ પોતાના સુધી પહોંચે કોઈપણ રીતે પહોંચવા જોઈએ. તેણે પ્લાન વિચારી રાખ્યો હતો.
બોમ્ડિલાનો કાદવ ખૂંદવાનો શરૃ થયો એ પહેલાંથી તેણે ખાવાનું બંધ કરી દીધું હતું અને સતત પાણી પીવાનું રાખ્યું હતું.
આઈપીએસ અફસર તરીકેની તાલીમ દરમિયાન એ ફોરેન્સિક સાયન્સમાં ભણ્યો હતો કે, ભુખ્યા પેટે કરેલા પેશાબમાં એસિટોનની માત્રા વધારે હોય એથી ગંધની તીવ્રતા વધી જાય. જમીન પર કરેલા પેશાબની ગંધ સ્નિફર ડોગ ત્રણ કે ચાર દિવસ સુધી પારખી શકે પરંતુ ઝાડના થડ પર થોડીક છાલ ખોતરીને કરાયેલા પેશાબની ગંધ તાલીમબધ્ધ કૂતરાંઓ મહિના પછી ય પારખી કાઢે. વળી, પોતે પેશાબ કરતો હોય એમાં કોઈને કશી શંકા પણ ન જાય.
ત્રણ રસ્તા ભેગા થતા હોય ત્યારે પોતે જે રસ્તે વળ્યો હોય એ વળાંક પર ઝાડના થડની છાલ થોડીક ખોતરીને તેના પર એ પેશાબ કરતો જતો હતો. નદીના કાંઠે હોડી પર સવાર થતા પહેલાં જ એ પેશાબની નિશાની છોડી આવ્યો હતો પણ નદી પાર કરીને તે ક્યાં ગયો એ શોધવું બેહદ મુશ્કેલ બનવાનું હતું.
આમ છતાં હોડી જ્યાં લાગરી એ દરેક પડાવ પર તેણે નિશાનીઓ મૂકવાનું જારી રાખ્યું. કેસીની ગેંગ જે રીતે તેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઘૂમાવી રહી હતી અને એ જગ્યાઓ પણ એવી ભેંકાર, નિર્જન અને અવાવરુ હતી એ જોયા પછી રાઘવને પોતાનો પ્લાન સરિયામ નિષ્ફળ જશે એવું લાગવા માંડયું હતું.
પણ એમ છતાં ય ખબર નહિ શી રીતે, કાફલો તેમના સુધી પહોંચી જ ગયો હતો...
*** ***
રાઘવ અને ત્વરિત ખાઈ શરૃ થતી હતી ત્યાં પહોંચ્યા હતા એ જ વખતે બખોલમાં છેલ્લો ગ્રેનેડ ઝિંકીને કેસી, તાન્શી અને હિરને જંગલ ભણી દોટ મૂકી હતી.
પ્રોફેસરને ઊંચકીને સડસડાટ આગળ ભાગી રહેલો ઉજમ કાંઠા સુધી પહોંચવા આવ્યો હતો. તેણે કાંઠા તરફ આગળ વધી રહેલા છપ્પનને અટકતો જોયો. છપ્પને તેની આગળના આદમીઓને અટકતા જોયા હતા. એ જ ઘડીએ કશોક ભેદી અવાજ પણ કાજળઘેરી હવામાં ઘૂમરાઈ વળ્યો.
- પણ એ અવાજનો સંકેત પારખીને સૌ સલામત આડશ શોધે એ પહેલાં તો મશીનગન ધણધણવા લાગી અને કશોક ચિત્કાર પણ હવામાં ફંગોળાયો હતો.
બખોલમાંથી સલામત નીકળ્યા પછી કાંઠે આવીને તેઓ ફરી ફસાયા હતા.
નિર્જન જંગલ વચ્ચે ગનનો ફાયર સાંભળીને ચોંકેલો કેસી ઘડીક ચોંક્યો. થંભ્યો. અવાજની દિશાનો ક્યાસ કાઢ્યો અને પછી સરુના ધારદાર પાનની પરવા કર્યા વગર તેણે કાંઠા તરફ દોટ મૂકી.
એ વખતે કાળાડિબાંગ, ભેંકાર આકાશમાંથી નિયતિ અટ્ટહાસ્ય કરી રહી હતી.
તાન્શી, હિરન અને કેસી...
લોહીના બુંદબુંદમાં લડાયક ખમીર ધરાવતા આ ત્રણેય જુવાનિયાના પગ તો કાંઠા તરફ દોડતા હતા પણ તેમની નિયતિ તેમને જિંદગીના સૌથી વધુ મુશ્કેલ સમય તરફ ખેંચી રહી હતી.
(ક્રમશ:)