Article 370 - 1 in Gujarati Detective stories by Arjun Dhruve books and stories PDF | કલમ ૩૭૦ - 1

Featured Books
Categories
Share

કલમ ૩૭૦ - 1


“સર, આજે‌ સાંજની આપની શ્રીનગરની ફ્લાઈટ છે. માટે આજે મીટીંગ શક્ય નથી.” અનંત કૌલનો સેક્રેટરી ઉપાધ્યાય તેને જણાવી રહ્યો હતો. “હા, એ વળી કેમ‌ ભુલાય! બાળપણમાં કાશ્મીરથી હિજરત કર્યા પછી પ્રથમ વખત કાશ્મીર જવાનો લહાવો મળ્યો છે.” અનંતે કહ્યું. આ પછી ‌ઉપાધ્યાય પાસેથી જરૂરી વિગતો ‌મેળવી અનંતે તેને રવાના કર્યો. કાશ્મીરના ઉલ્લેખ માત્રથી અનંતનું મન ચિનારના ઘટાદાર વૃક્ષોની જેમ ‌ઝુમી ઉઠ્યું હતું.

અનંત અને તેના વડવાઓ મૂળમાં ‌કાશ્મીરી પંડિતો હતા. ૧૯૮૯ માં કાશ્મીરી પંડિતો પર થયેલ શોષણને કારણે લાખો ‌કાશ્મીરી પંડિતો પોતાનું સર્વસ્વ કાશ્મીરમાં છોડી અન્ય સ્થળોએ હિજરત કરવા મજબુર બન્યા હતા. અનંતના પિતા રાકેશ ‌કૌલ પણ પોતાના પરિવાર સાથે કાશ્મીરથી નીકળી દિલ્હી સ્થાયી થયા હતા. પોતાનું સર્વસ્વ કાશ્મીરમાં છોડવાનું દુઃખ ભૂલી તેઓએ પોતાની મહેનતથી “અનંત ઈન્ડસ્ટ્રીઝ” સ્થાપી હતી જે હાલમાં ઈન્ડિયાની ટોચની કંપનીઓમાં સ્થાન ધરાવતી હતી. તેઓનો પરિવાર ઈન્ડિયાના ધનાઢ્યોની સૂચીમાં હંમેશા ટોપ-ટેન માં સ્થાન પામતો હતો પરંતું આજે પણ‌ કાશ્મીરની સ્થિતિથી તેઓ વિચલિત થઈ ઉઠતા અને કાશ્મીર માટે કંઈ કરી છૂટવાની તેમની અદમ્ય ખેવના હતી. અને એ ખેવના તેમને ત્યારે પુરી થતી જણાઈ જ્યારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ ના રોજ ગૃહમંત્રીએ કાશ્મીરી નાગરિકોને વિશેષાધિકાર આપતી કલમ ૩૭૦ નાબૂદ ‌કરી. હવે ‌કાશ્મીર સાચા અર્થમાં ઈન્ડિયાનું અવિભાજ્ય અંગ બન્યું હતું. કાશ્મીરી પંડિતોએ જ્યારે હિજરત કરી ત્યારે અનંતની ઉમર ૧૫ વર્ષની હતી. દિલ્હી આવી તેણે અભ્યાસ સાથે જ તેના પિતાનાં બિઝનેસમાં ધ્યાન આપવા માંડ્યું હતું અને પિતા-પુત્રની સહિયારી મહેનતથી “અનંત ઈન્ડસ્ટ્રીઝ” ને એક અલગ જ મુકામે પહોંચાડી હતી. અનંત અને તેના પિતાની ઈચ્છા કાશ્મીરમાં આઈ.ટી. કંપની ખોલવાની હતી જે કાશ્મીરના હજારો શિક્ષીત યુવાનોને રોજગારી આપે. ગૃહમંત્રીએ અને વડાપ્રધાને ધનાઢ્ય લોકોને કાશ્મીરમાં રોકાણ કરવા આહવાન કર્યું એટલે અનંત અને તેના પિતાએ વડાપ્રધાન સમક્ષ તેમની આઈ.ટી. કંપની ખોલવાની ઈચ્છા વ્યક્ત કરી. તેના જ સંદર્ભે અનંત કાશ્મીર જવા માંગતો હતો. આમતો હજુ મહીના અગાઉ જ કલમ ૩૭૦ નાબૂદ થઈ એટલે સામાન્ય નાગરિકો માટે કાશ્મીર જવું જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી પ્રતિબંધિત હતું પરંતું વડાપ્રધાને અનંતને કાશ્મીર જવા માટે પુરતી સુરક્ષા સાથે સ્પેશિયલ પરમિશન આપી હતી.

દિલ્હીથી શ્રીનગરની ફ્લાઈટ ટેક ઓફ થતાં જ અનંતના અંતરમાં પોતાનું બાળપણ તરવરવા લાગ્યું. ચિનાર,‌ સફરજન અને અખરોટના ઘટાદાર વૃક્ષો, દલ લેકની શિકારા બોટ, કેશરના જાંબલી ફુલોની લહેરાતી મોલાત, પોતાના વડવાઓનું વિશાળ ફળીયા વાળું મકાન, હિમાચ્છાદિત પર્વતો, પોતાની શાળા, શાળાની મસ્તી અને આ મસ્તીમાં હરહંમેશ તેની સાથે રહેનાર તેનો પરમ મિત્ર ઈબ્રાહિમ. આંખના એક પલકારામાં અનંતને એવો અહેસાસ થયો કે આ બધું તેના પુર્વજન્મની ઘટનાઓ છે કેમકે સમયના વહેણમાં આ બધી યાદો ૩૦ વર્ષ પાછળની હતી.

“આકા, આજ એક બડી મછલી આ રહી હે યહાં શ્રીનગર. આપ બોલો તો જાલ બીછા દેતે હે. ઇતની બડી મછલી હે કી હિન્દુસ્તાની સરકાર કો હમારી કોઈ ભી શર્ત માનની પડેગી. વૈસે ભી હમ કશ્મીરિયોં કા હક છીનકે વહ બહુત ફુદક રહે‌ હે. ઉન્હેં અબ પતા લગેગા કી હમસે ઉલઝને કી કિંમત ક્યા હોતી હે.”‌ કોઈ ત્રાસવાદી પોતાના આકાને ફોન પર કહી રહ્યો હતો. “જબ તક મેં ના બોલું, કુછ એક્શન મત લેના. અભી મૌસમ ખરાબ હે. મછલી ભી હાથ સે જાયેગી ઔર હમારી જાન ભી.” આકાએ કહ્યું. "ઠીક હે, જૈસા આપ બોલો.” ત્રાસવાદીએ આટલું કહ્યું અને ફોન કાપ્યો.


******************

મિત્રો, હું માતૃભારતી પર મારી આ બીજી વાર્તા લાવી રહ્યો છું. મને આશા છે કે આપ સૌને આ જરૂર પસંદ આવશે. મારી પ્રથમ વાર્તા “કન્ફેશન ઓફ માય હાર્ટ બીટ્સ” નો પ્રથમ‌ ભાગ પણ તમે અહીં માતૃભારતી પર વાંચી શકો છો. વાર્તા વિશે જરૂરથી અભિપ્રાય આપો એવી નમ્ર વિનંતી જેથી હું આગળના ભાગો આપની સમક્ષ રજુ કરી શકું.

ધન્યવાદ.

- Arjun Dhruve

Ph. No. :- 9429432730