Pratiksha - 36 in Gujarati Fiction Stories by Darshita Jani books and stories PDF | પ્રતિક્ષા - ૩૬

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

પ્રતિક્ષા - ૩૬

રઘુ ઉર્વાને મળીને આવ્યો તેને ૮ કલાક ઉપર વીતી ચુક્યા હતા પણ આ ૮ કલાકમાં ૮ મિનીટ પણ રઘુનો ઉચાટ શમ્યો નહોતો. તેને વારંવાર આજની મુલાકાત માં કંઇક ખૂટતું હોવાનો આભાસ થતો હતો. કંઇક તો હતું જે વિચિત્ર હતું પણ તેને સમજાઈ નહોતું રહ્યું. રઘુએ ઉર્વા સાથે થયેલી વાતચીતને ફરીવાર પોતાના મગજમાં જ રીપીટ કરી જોઈ પણ છતાં કંઇ ચિત્ર ક્લીયર નહોતું થતું. પોતાની હોટલના રૂમના બાથરૂમમાં જઈ તેણે પાણીની છાલક પોતાના ચેહરા પર મારી અને સામે લગાવેલા લંબચોરસ અરીસામાં પોતાના પ્રતિબિંબમાં પોતાના ચેહરાથી નીતરી રહેલા પાણીની બુંદોને કંઇક સમજવાનો પ્રયાસ કરતા એકીટશે જોઈ રહ્યો.
“ઉર્વા શું કરવા માંગતી હતી? શું કહ્યા વિના તે જતી રહી? શાના માટે ફોન કરશે એ? કંઈ રેવા અને તેના સંબંધથી જોડાયેલ તો નહિ હોય ને?” રઘુના મનમાં એક પછી એક પ્રશ્નો આવતા રહ્યા.
“સંબંધ! એ તો ક્યાં હતો જ કોઈ દિવસ રેવા સાથે? ફક્ત પ્રેમ હતો એ પણ તેના તરફ થી....” રઘુ આછા સ્મિત સાથે પોતાની સાથે જ વાતો કરી રહ્યો હતો.
“તો આ કયું તાળું છે જેની ચાવી નથી?? શું શોધવાનું છે??” રઘુ ત્યાં પાસે લટકાવેલો ટુવાલ હાથમાં લઇ મો લૂછતાં બાથરૂમની બહાર આવતા વિચારી રહ્યો.
તેણે બેડની પાસે લગાવેલા ઇન્ટરકોમમાંથી નંબર ડાયલ કરી કોફીનો ઓર્ડર કરી દીધો. ફોન મુકતા જ તેને યાદ આવ્યું કે રેવા પણ જયારે મૂંઝાઈ જતી ત્યારે કોફી પર કોફી પીધા રાખતી. તેને નહોતું યાદ કરવું એ બધું પણ તે જાણતો હતો કે વર્તમાનના આ તાળાની ચાવી ભૂતકાળની યાદોમાંથી જ મળશે.

રઘુના માનસપટ પર ફરી ૨૦ વર્ષ પહેલાનું દ્રશ્ય છવાઈ ગયું જયારે તેણે રેવા સામે પહેલી વખત પોતાની લાગણીઓ કબુલવાની કોશિશ કરી હતી.

***

એ રવિવારની સાંજ હતી. રેવાને પુરા દિવસો જતા હતા. તે ડાઈનીંગ ટેબલ પર બેઠી બેઠી ફ્રુટ્સ ખાઈ રહી હતી ને રઘુએ વાત કરવાની શરૂઆત કરી.
“રેવા... હું મારા બધા જ કામ ધંધા છોડવા માંગું છું.”
રઘુનું આટલું કહેતા જ રેવાની આંખો ચમકી. મુંબઈમાં સારી એવી નામના ધરાવતો ગેંગસ્ટર પોતાના બધા જ ધંધા છોડવાનું કહી રહ્યો હતો અને તે પણ તેને!!
“શું થયું? કેમ અચાનક?” રેવા એમજ પૂછી રહી અને ત્યાંજ તેને પેટમાં થોડું દુખાવા જેવું લાગ્યું પણ તેને તરત અવગણતા તેણે હસીને ઉમેર્યું, “બિલ્લીકે હજ કા ટાઈમ હો ગયા ક્યાં?”
રઘુ પણ તેની આ ટીપ્પણીથી હસી પડ્યો અને પછી ધીમેથી અટકીને બોલ્યો,
“હા, ખરેખર તો હજનો જ સમય આવી ગયો છે. જે તમારા માટે બહુ મહત્વનું હોય એની આંખોની ચમકની હોઠોનું સ્મિત કાયમ રાખવાની જવાબદારી લો એટલે હજ ઘરે બેઠા જ થઇ જાય નહિ?” રઘુ તેની સામે અછળતી નજર નાખી બોલ્યો.
રેવા તેના કહેવાનો ભાવાર્થ સમજતી હતી પણ તે આ વાત ટાળી દેવા માંગતી હતી. તેનો હાથ ધીમે રહીને પેટ પર ચાલ્યો ગયો. તે ધીમે ધીમે પોતાની અંદર ભીનાશ જેવું પણ અનુભવી રહી હતી પણ સ્વાતી કે દેવ અત્યારે હાજર નહોતા એટલે તે દુખાવાને અવગણી જ રહી હતી.
“સારું સારું તો બધા ધંધા મૂકી એ કરો.” રેવાએ ઉડાઉ જવાબ આપ્યો.
“રેવા...” રઘુ ખુરશી ખેંચી રેવાની તદ્દન નજીક બેસી ગયો અને ત્યાંજ તેણે રેવાના હાવભાવમાં પલટો જોયો. તે જોઈ શક્યો કે રેવા કંઇક મૂંઝાઈ રહી છે. તેણે પોતાની વાત પડતી મૂકી રેવાના હાવભાવ સમજવાની કોશિશ શરુ કરી દીધી.

“રેવા... તું ઠીક છે?” રઘુ તેના હાવભાવમાં સદંતર આવતા ફેરફાર જોઈ ગભરાઈ રહ્યો હતો.
“હું ઠીક છું. ડોન્ટ વરી. જ...સ્ટ કોલ દેવ....” રેવાના અવાજમાં હજુ પણ સ્વસ્થતા અકબંધ હતી.
રઘુએ તરત જ લેન્ડલાઈનથી દેવના દવાખાને ફોન જોડ્યો પણ સતત રીંગ જવા છતાં પણ કોઈ ફોન ઉપાડી નહોતું રહ્યું.
“રેવા... કોઈ ફોન નથી ઉપાડી રહ્યું.” રઘુના અવાજમાં ભારોભાર મૂંઝવણ હતી. તેને નહોતું સમજાઈ રહ્યું કે રેવાને હોસ્પિટલ લઇ જવાનો તેને હક છે પણ કે નહિ! તે જોઈ શકતો હતો કે રેવા અનકમ્ફર્ટેબલ છે. તેને દુખાવો થઇ રહ્યો હતો. તેની આંખો મીંચાઈ રહી હતી.
“હું તને હોસ્પિટલ...!” રઘુ હજુ અસમંજસમાં હતો
“યસ પ્લીઝ...” રેવાએ પણ વધુ વિચાર્યા વિના તેને હા કહી દીધી.
રઘુ પાસે હવે બિલકુલ સમય નહોતો સમય વેડફવાનો. તેણે એક હાથેથી રેવાનો હાથ પકડ્યો અને બીજા હાથે તેના ખભાને ટેકો આપી કાર સુધી લઇ આવ્યો.

રઘુનું પૂરું ધ્યાન હવે રેવાને જલ્દીથી જલ્દી હોસ્પિટલ પહોંચાડવામાં જ હતું. રેવા કારમાં બેઠી ત્યાં સુધી તે ઠીક હતી પણ ધીમે ધીમે તેની હાલત બહુ જ ખરાબ થઇ રહી હતી. તે જોઈ શકતો હતો કે રેવા પોતાના હોશ ધીમે ધીમે ખોઈ રહી છે. તે તેના ગાલ પર થપકીઓ મારી તેને જાગેલી રાખવાની કોશિશ કરી રહ્યો હતો. કોઈનાથી ના ડરવાવાળો આ માણસ અત્યારે રેવા માટે પળેપળ ગભરાઈ રહ્યો હતો. વર્ષો પછી મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહ્યો હતો.

***

રેવાને હોસ્પિટલ પહોંચાડીને તરત જ ઈમરજન્સી વોર્ડમાં એડમિટ કરવી પડી. મુંબઈના પ્રખ્યાત ગેંગસ્ટરોની યાદીમાંથી રઘુ એક હતો એટલે કોઈ જ ફોર્માલીટી વિના રેવાની તાત્કાલિક સારવાર શરુ થઇ. ડોક્ટરના કહ્યા અનુસાર તેનું બ્લડ પ્રેશર સતત ઘટી રહ્યું હતું અને નોર્મલ ડીલીવરી થવી શક્ય નહોતી. રેવા ઘડીકમાં હોશમાં આવતી અને ઘડીકમાં ફરી બેસુદ્ધ થઇ જતી.
રઘુ ફરી ફરીને દેવને ફોન કરી રહ્યો હતો. આખરે ૪ રીંગ પછી દેવના કમ્પાઉન્ડરે ફોન ઉપાડ્યો અને રઘુએ કોઇપણ જાતની પૂર્વધારણા બાંધ્યા વિના દેવને ટાટા હોસ્પિટલ આવી જવા કહી ફોન મૂકી દીધો. તે હજુ સ્વાતિને કઈ રીતે જણાવવું તે વિચારતો જ હતો કે પાછળથી નર્સનો અવાજ આવ્યો.
“સર, પેશન્ટ તમને અંદર બોલાવે છે.”
રઘુ આટલું સાંભળતા જ કાચનું બારણું ખોલી લેબર રૂમમાં દાખલ થઇ ગયો. તે જોઈ શકતો હતો કે રેવાને એનેસ્થેસિયા આપી ઓપરેશન કરવાની તૈયારીઓ ચાલી રહી હતી.

“હા, રેવા...” રઘુ રેવાના બેડની લગોલગ જઈ લાગણીભર્યા અવાજે તેને પૂછી રહ્યો
“ઉર્વિલ....” રેવા તૂટક અવાજે બોલી રહી.
“શું?!” રઘુ આ નામ દરેક વખતે સાંભળતો હતો પણ આજે તેનું નામ સાંભળવું તેને જરાય નહોતું ગમી રહ્યું.
“ઉર્વિલને ફોન કરો... મા...રે એની સાથે વાત કરવી છે.” રેવાની રાહત ફક્ત ઉર્વિલ જ થઇ શકતો હતો અત્યારે.
રઘુ કંઈપણ બોલ્યા વિના કોડલેસની વ્યવસ્થા કરી આવ્યો. રેવા તૂટક અવાજે એનો નંબર બોલી અને રઘુએ નંબર ડાયલ કરી ફોન કાને ધર્યો.
“હેલ્લો, ઉર્વિલ છે?” રઘુને પોતાને પણ નહોતુ સમજાતું કે આગળ શું કહેવું.
“કોણ બોલે છે?” સામેથી જવાબ આવ્યો.
“હું મુંબઈથી બોલું છું. રેવા...”
“સોરી રોંગ નંબર.” સામે છેડેથી રઘુ વાત ખતમ કરે તે પહેલા જ આટલું બોલી ફોન કપાઈ ગયો.
રઘુ જોઈ રહ્યો રેવાને આશા ભરી નજરે પોતાની સામે જોતા. તેણે ફરીથી એ જ નંબર ડાયલ કર્યો પણ કોઈએ ઉપાડ્યો નહી. રઘુને હવે ગુસ્સો આવી રહ્યો હતો તેણે ફરીથી નંબર ડાયલ કર્યો.
“ફોન કાપતો નહિ. તને ખબર નથી હજી અહિયાં કોણ ફોન કરે છે એ!” રઘુ હવે સ્થળ કાળનું ભાન ભૂલી પોતાના અસલ રંગમાં આવી રહ્યો હતો.
“તમે જે બોલતા હોય એ પણ મેં કીધુંને આ રોંગ નંબર છે.” રઘુ આગળ જવાબ આપવા જતો હતો પણ ત્યાંજ રેવાએ તેને સ્પીકર ઓન કરવાનો ઈશારો કર્યો અને રઘુએ તે કરી આપ્યું.
“ઉર્વિલ...” રેવા એટલું જ બોલી શકી.
“જુઓ, હું કોઈ રેવાને નથી ઓળખતો. અને રેવાનું જે કંઈપણ થાય મને ફરક નથી પડતો. મને બીજી વખત એના નામથી ફોન કરવો નહિ!” સામે છેડેથી આટલું જ બોલીને ફોન મુકાઈ ગયો પણ રેવાની આંખો સાવ સ્થિર થઇ ગઈ. રઘુને લાગ્યું કે આ સાંભળીને તે રડી પડશે પણ રેવાના ચેહરા પર કોઈ ભાવ જ નહોતા. જાણે તેની અંદરથી પ્રાણ જ ચાલ્યા ગયા હોય તેમ તે પડી રહી.
“રેવા!” રઘુએ તેનો હાથ પકડ્યો.
“હું ઠીક છું રઘુ!” રેવાનો અવાજ તરડાઇ ગયેલો હતો છતાં એમાં સ્વસ્થતા હતી. રઘુ હજુ આગળ કંઈ બોલે તે પહેલા જ કાચનું બારણું ખોલી દેવ અને સ્વાતી અંદર આવ્યા.
“તું ઠીક છે?” દેવે સીધું રેવા પાસે જઈ પૂછ્યું અને જવાબની રાહ જોયા વિના જ રઘુ સામે ફરી ઉમેર્યું “ડીલીવરી! ડોક્ટર ક્યાં છે?” રઘુએ ફક્ત હાથથી ઈશારો કર્યો અને દેવ ડોક્ટર પાસે ચાલ્યો ગયો.

દેવ પાંચ જ મિનીટમાં ડોક્ટર સાથે પરત આવ્યો અને રેવાને બીજા સ્ટ્રેચર પર સુવાડી ઓપરેશન થીયેટર તરફ લઇ જવાની તૈયારી શરુ થઇ.
“રઘુ!” રેવાએ નર્સને ઈશારો કરી રઘુ પાસે સ્ટ્રેચર રોકાવ્યું અને તેનો હાથ પકડી તેનો કાન નજીક લાવવા કહ્યું.
“મને ખબર છે તમારા મનમાં વિચાર ચાલી રહ્યો છે પણ એક વાયદો કરશો?”
રઘુ ફક્ત હકારમાં માથું ધુણાવી રહ્યો.
“જ્યાં સુધી રેવા આ પૃથ્વી પર છે, એના ઉર્વિલને તકલીફ થાય એવું તમે કંઇજ નહિ કરો!”

***

(ક્રમશઃ)