Mathabhare Natho - 15 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 15

Featured Books
Categories
Share

માથાભારે નાથો - 15

માથાભારે નાથો [15]
તારીણી દેસાઈને મગને ડુબાડીણી
દેસાઈ કહીને કલાસમાંથી ચાલ્યા જવા માટે ફરજ પાડી હતી, તેથી મનોમન એ મગન અને ચમેલીને પાઠ ભણાવવા માંગતા હતા.
પ્રેમીઓ પ્રત્યે ભારોભાર નફરત એના દિલમાં ભરી પડી હતી.ભૂત
કાળમાં એ જ્યારે યુવાન હતા ત્યારે એને મળેલો દગો એ માટે કારણભૂત હતો.ચમેલી ભલે ગોળ મટોળ અને બેડોળ હતી, પણ એ બિલકુલ નિર્દોષ અને નાદાન હતી, એમ એ સમજતા.મગન જેવા મુફ
લિસ લોકો એને ફસાવીને એની જિંદગી તબાહ કરી નાખશે એમ એ માનતા. પોતાની સાથે થયું એવું કોઈ છોકરી સાથે ન થવા દેવું, અને એ માટે ગમે તે હદ સુધી જવું પડે તો પણ એ જવા તૈયાર હતા.
મગને તેના અપમાન બદલ ડિન સમક્ષ ફરિયાદ કરવાની ધમકી આપતા કહ્યું હતું કે આપણે હવે ડિનની કેબિનમાં મળીશું, પણ એણે એવું કશું કર્યું નહોતું. પણ આજે જે રીતે મગન અને ચમેલી કલાસમાં એકબીજા સામે જોઈ જોઈને નખરા કરતાં હતાં એ તારિણીબહેનથી કોઈ વાતે સહન થયું નહોતું. મગન વિરુદ્ધ હવે પગલાં લેવા જ પડશે એમ વિચારીને એમણે યુનિવર્સીટીના એડમીન વિભાગમાં જઈ ચમેલીના ફાધરનો ફોન નંબર મેળવ્યો હતો, અને મગનના ફોર્મમાં એવો કોઈ નંબર હતો નહીં.
ડિન સમક્ષ તારીણી દેસાઈએ આ મામલાની રજુઆત કરતા કહ્યું
"સર, એમ.કોમ.ના મારા લેક્ચરમાં એકદમ મવાલી જેવા,બે છોકરા છે
આ લોકો આપણી યુનિવર્સિટીમાં ભોળી અને નાદાન છોકરીઓને ભોળવીને, પ્રેમનું નાટક કરીને ફસાવવાની પેરવીમાં છે..મેં એને આ બાબતમાં ટોકયા તો કલાસમાં મારું ઇન્સલ્ટ કરવામાં આવ્યું હતું,
એ બન્ને લફંગાઓને કાઢી મુકવામાં નહીં આવે તો હું લેક્ચર નહીં લઉં, અને આ ફોન નંબર પેલી છોકરીના ફાધરનો છે, એ છોકરી પણ ઓછી નથી..એના ફાધરને બોલાવીને આ બાબતની જાણ કરવી જોઈએ.."
યુનિવર્સીટી ડિન,તારીણી દેસાઈને જોઈ રહ્યાં. એકદમ સ્લિમ અને ભરાવદાર, નાજુક અને નમણી દેહ લતા, અને ચહેરા પરથી નીતરતું લાવણ્ય કોઈને પણ મોહ પમાડી શકવા સક્ષમ હતું. આડત્રીસ વર્ષની વયે એકલી જીવતી તારીણી નો હાથ પકડવા મળે તો હર કોઈ તરવા તૈયાર હતું !!
"મિસ, તારીણી... જવા દો ને આ બધી માથાકૂટ..આ કંઈ હાઈસ્કૂલ નથી...અને બાવીસ ત્રેવીસની ઉંમર તો પ્રેમમાં પડવાની જ ઉંમર કહેવાય..યુવતીઓ ધસમસતી નદી બનીને વહેતી હોય છે,એ રસ્તામાં
તમે આવી ધૂળની ઢગલીઓ કરીને એને રોકી ન શકો...અને યુવાનો તેજ તોખાર બનીને હણહણતા હોય છે એને તમે લગામ નાખવા જશો તો પાટું મારીને પછાડી દેશે "
થોડીવાર અટકીને વ્રજલાલ દવે તારિણી દેસાઈને તાકી રહ્યા.પછી આગળ ચલાવ્યું, "તમે હજુ એકલાં જ છો ? બહુ અત્યાચાર કરી રહ્યા છો તમારી જાત ઉપર.. અરે પ્રેમની દુનિયા તો, મિસ દેસાઈ નિરાળી હોય છે..એકમેકમાં ખોવાઈ જઈને તમારામાં મને અને મારામાં તમને શોધવાની રમત એટલે પ્રેમ ! ઓ હો હો...શું મજા મૂકી છે ઉપરવાળાએ, બસ લૂંટયા જ કરો, લૂંટયા જ કરો..હે હે હે.."
"સર...પ્લીઝ..હું જાઉં ? " હોઠ ઉપર જીભ ફેરવીને હે હે હે કરતા વ્રજલાલ દવેને અટકાવતા તારિણી દેસાઈ ઉભા થઇ ગયા..
"જાઓ..આ દવે તો શું કરશે હવે ?
બાકી એક વાત તો હું કહીશ જ મિસ દેસાઈ, તમે હજુ કડે ઘડે છો હો..પુરાની તોય હવેલી કહેવાય..અને હજુ તમારે કેટલા પાંત્રીસ છત્રીસ માંડ થયા હશે...
સાંજે ફ્રી હોવ તો કેજોને..એકાદ રેસ્ટોરન્ટમાં સાથે ભોજન કરીશું...
શું છે કે તમારું ચિત્ર ખૂબ જ ઉત્તમ છે પણ રંગવિહીન છે, એમાં પ્રેમનો ગુલાબી રંગ પુરી જુઓ, પછી તમે જ કહેશો કે દવે શુ કરશો હવે..હે..હે...હે.."
"ઓહ માય ગોડ.. હું ક્યાં આ બિલાડાને માખણની રખેવાળી કરવાનું કહેવા આવી.."એમ બબડીને એ ડિન વ્રજલાલને હે હે હે કરતા છોડીને ભાગી આવ્યા. એની પીઠ પાછળ વ્રજલાલે શબ્દો ફેંક્યા, " મિસ દેસાઇ.. માખણ તો કાનુડાને'ય વ્હાલું હતું..આંગળી પર લોંદો લઈને ચાટયું છે ક્યારેય ? ક્યારેક આવો અમારે ઓરડે, કેમ જીવાય એનો મરમ અને ધરમ બેય શીખવાડી દઈશ.."
"લબાડ, સાલ્લો...'' એમ બબડીને તારીણી દેસાઇ રિસેપ્શન પર આવ્યા. અને પોતાની પાસેની કાપલીમાંથી ચમેલીના ઘેર ફોન જોડ્યો..
ખાઉધરા ગલીમાં ઘર નં 435/2/18 માં રહેતા ચંપક કાંટાવાળા બપોરનું ભોજન લઈને આરામથી ઊંઘી રહ્યા હતા.સુરત
માં મકાન ગાળા ટાઈપ હોય છે, આગળ બેઠકરૂમ અને વચ્ચે બેડ રૂમ અને છેલ્લે રસોડું અને ત્યાર બાદ સંડાસ બાથરૂમ અને છેક છેલ્લે વાડો...
આ મકાનમાં ભોંયતળિયે ફરસાણની મોટી દુકાન હતી, દુકાન ની પાછળ કોઠારરૂમ હતો. ઉપરના બે માળમાં આ કાંટાવાળા ફેમિલી પડ્યું પાથર્યુ રહેતું. ચંપકલાલને આ મકાન અને ફરસાણની દુકાન એના પરમ પૂજ્ય પિતાશ્રી ગનપટલાલ (નામ તો ગણપત હતું, પણ સુરતી ભાષામાં ગનપટ જ બોલાતું) કાંટાવાળા તરફથી વારસામાં મળેલ હતા..ખાઉધરા ગલીમાં આ ગનપટના ગોટા પ્રખ્યાત હતા. આખા ધાણાનો સ્વાદિષ્ટ મસાલો ભરીને બનાવેલા ગરમ ગરમ ગોટા પર લીંબુ નીચોવીને કાંદા અને ચટણી સાથે આ ગોટા ખાવાવાળા
ની લાંબી લાઈનો લાગતી. ગોટાનો એ મસાલો ગનપટકાકાની મોનો
પોલી હતી. માત્ર આ ગોટા ઉપર જ ગનપટકાકાએ ત્રણ માળનું આ મકાન ખડકીને એમાં ચંપક સહિત બીજા ચાર ભાંડરડાને ઉછેરીને
શહેરમાં બીજી ત્રણ ફરસાણની દુકાનો જમાવી હતી..
બપોરની ઊંઘ કોઈ બગાડે એ ચંપકલાલને બિલકુલ ગમતું નહીં. વિશાળ પલંગમાં એમનો વિશાળ દેહ શ્વાસ લેતો ત્યારે નાનું વાછરડું ગાંગરતું હોય એવો ધ્વનિ ઉતપન્ન થતો. એ ધ્વનિ નીચે દુકાનમાં કામ કરતા કારીગરોથી માંડીને ધાબે સુકાઈ ગયેલા કપડાં લઈ રહેલી નોકરાણી પણ સાંભળતી. અર્જુન જ્યારે ગાંડીવ ધનુષ્યનો ટંકાર કરે ત્યારે તેનો શબ્દ ત્રિલોકમાં જતો એમ મહાભારત કહે છે, એવી જ રીતે આ ચંપકલાલ જ્યારે ઘોરવા માંડતા ત્યારે એમના નસકોરાનો ગાજનરવ અથવા નસગાજધ્વનિ (આ શબ્દો તમને ગુજરાતી સાહિત્યમાં ક્યાંય નહીં મળે ! નસકોરા ગાજે ત્યારે જે અવાજ નીકળે એને હવે પછી ગાજનરવ કે નસગાજધ્વનિ કહેવાશે..!!) ત્રણે ત્રણ માળમાં સંભળાતો !
ચંપકલાલની જામેલી નિંદ્રા ફોન
ની લાંબી રીંગને કારણે તૂટી..
"કોન બેન@#$ બપ્પોર વચ્ચે નવડો થયો છે..ખાહે બે ચાર મારા મોઢાની..." એમ ગાળ દઈને પણ બીજી બે ચાર ચોપડાવવાના મૂડમાં બબડીને ચંપકલાલે આંખો ખોલ્યા વગર જ રીસીવર કાને મૂકીને ગાળ ઓચરવા મોં ખોલ્યું,ત્યાં એમનાં કાનમાં તારીણી દેસાઈનો મધુર અવાજ ચૂરમાંમાં ઘી રેડાય તેમ રેડાયો.."હેલો..આપ ચંપકલાલ કાંટાવાળા બોલો છો ? માફ કરશો આપને ડિસ્ટર્બ કર્યા હોય તો..હું દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રો. તારીણી દેસાઈ બોલું છું..મારે તમને મળવું છે,આપ ક્યારે મલશો ?"
"હેં..? હા..હા...હું..હું..ચંપક.....
ચંપક કાંટાવાલા જ બોલટો છું..
બોલોની..કેમ મલવું છે..? ટમે કેશો ટારે મેં આવી જવા..બોલો કાં આગડી આવું..?"ચંપકલાલની ઊંઘ ઊડી ગઈ.
સમજવા શીખ્યો ત્યારથી ચણા નો લોટ પલાળી પલાળીને ગોટા તળતા ચંપકલાલને એની ઘરવાળી
એ પણ "મારે તમને મળવું છે" એવો ફોન કર્યો નહોતો.તારિણી દેસાઈનો મધુર અવાજ સાંભળીને ચંપકલાલના સાતેય કોઠે દિવા ઝબકવા લાગ્યા..
"તમે હમણાં યુનિવર્સીટી આવી શકો..યુનિવર્સીટી ગાર્ડનમાં ? મારે તમારું અંગત કામ છે.."
"હા, હા..કેમ નહિ..અબીહાલ આવટો છું..પન હું ટમને ઓલખતો ની મલે.. મેં ટમને કેવી રીતે ઓલખવા..?" ચંપકલાલનો ઉત્સાહ ઉભરાવા લાગ્યો.
"ચમેલીની પ્રોફેસર ટને મલવા માગે છે, અંગટ કામ છે..ગાર્ડનમાં બોલાવ્યો છે...ચાલ ચંપકબેટા ટાડા જીવનના બાગમાં કોયલનો ટહુકો ઠયેલો સમજની..સાલી આ ચમેલીની માં તો હવે કંઈ બી કામની નઠ્ઠી..આવું કોઈ લીલું પીલું મલી જાય તો જડા જીવનનો આનંડ લેઇ લઈએ..."ગોટાવાળો ચંપક નવીન પ્રકારના ગોટે ચડ્યો.
"તમે આવો તો ખરા..અત્યારે ગાર્ડનમાં ખાસ કોઈ હોતું નથી, તમે મને ઓળખી જશો..મેં પીળો ડ્રેસ પહેર્યો છે.."
"હેં.. હા..હા..ટમારા માટે કંઈ લાવું કે ? કંઇ નાસ્ટો બાસ્ટો ? અમાડાં ગોટા બહુ ફેમસ છે હાં કે..
લાવું કે..? બીજું કંઈ ખાવું હોય ટો બી કહી ડેજો.." ચંપકની ખુશી હવે સમાતી નહોતી.ગાર્ડનમાં
અટારે કોઈ ની મલે.. હું અને ચમેલીની પ્રોફેસર..યુનિવર્સીટીના ગાર્ડનમાં બપ્પોરે...એકલા..અંગટ કામઠી બોલાવટી છે..
ચંપકલાલે નીચેથી કારીગરને બોલાવીને પાંચસો ગ્રામ સ્પેશિયલ ગોટા બનાવવાનો ઓર્ડર આપ્યો.
અને ન્હાવા ઉપડ્યો. દરરોજ છેક રાત્રે સૂતી વખતે એની ઘરવાળી સાથે સુવાની ઘસીને ના પાડે ત્યારે એને ગાળો ભાંડતો ભાંડતો નાવા જનાર આ ચંપક બપોરે નાહી ધોઈને નવા ઈસ્ત્રી ટાઈટ કપડાં પર સ્પ્રે છાંટીને તૈયાર થયો.દાઢી પણ કરી અને માથામાં સુગંધી તેલ નાખીને, વાળ પણ બરાબર બેસાડી દીધા.બુટ પહેરીને ફટાફટ દાદર ઉતર્યો અને દુકાનમાંથી ગોટાનું પાર્સલ લઈને સ્કુટરની ડીકીમાં નાખ્યું.
"શેઠજી..કઈ બાજુ..? કોઈને મલવા જટા છો કે..? કોને એ ટો કેવ.." કારીગરે હસતા હસતા પૂછ્યું.
"તું બેન@# ટારા કામઠી કામ રાખની..બોવ ચાપલુસી ની કર.."
કહીને સ્કુટરને કીક મારી.
તે દિવસે ચંપકલાલે જે સ્કૂટર ભગાવ્યું છે...જાણે કે ટ્રેન ના ચુકી જવાનો હોય. પુરુષને સ્ત્રીનું કેટલું આકર્ષણ હોય છે ! ખાલી મળવા માટેનો એક ફોન જ આવ્યો હતો ત્યાં આ મૂરખ ચંપક શું કામ મળવું છે એ પણ પૂછવા ન રોકાયો અને અંગત કામ બસ "એક" જ હોય એમ સમજીને ચાલી નીકળ્યો.
ચંપક, યુનિવર્સીટી પહોંચ્યો ત્યારે બપોરના ચાર વાગ્યા હતા.ગાર્ડનના
ગેટની બહાર સ્કૂટર ઉભું રાખીને એણે ડીકીમાંથી ગોટાનું પાર્સલ કાઢ્યું. ભૂખ્યું ઢોર ગમાણમાં નાખેલો ચારો ખાવા દોડે એમ ચંપક, તારિણીને મળવા દોડ્યો હતો.
યુનિવર્સીટી ગાર્ડનમાં સફાઈકામ કરનારી ઘેલી ખૂબ શોખીન જીવડો હતી.એ અને એનો ઘરવાળો બેઉ અહીં સારા પગારે નોકરી કરતાં હોવાથી ઘેલીના શોખ, ભીખો પુરા કરતો.ચહેરા પર પાવડર અને હોઠ પર લિપસ્ટિક લગાવીને સરસ મજાની સાડી પહેરીને ગાર્ડનમાં સફાઈકામ કરતી ઘેલીના હાથમાં જો ઝાડુ ન હોય તો ચંપક જેવા બાબુચકો એને તારિણી દેસાઈ જ સમજે ! અત્યારે ઘેલી સફાઈ કામ પતાવીને આરામથી બેઠી હતી અને ભીખો એના માટે આઈસ્ક્રીમ લેવા બહાર ગયો હતો.
ચંપક કાંટાવાળો એની મોટી ફાંદને ચોરીને પાતળો દેખાવાનો પ્રયત્ન કરતો કરતો ઘેલી પાસે આવીને ઉભો રહ્યો. ઘેલીએ, ઘેલા થયેલા ચંપકને જોઈને સ્મિત આપ્યું. એ સમજી કે કોઈ સાહેબ આ બાંકડા પર બેસવા આવ્યા છે.
"કેમ છો..મજ્જામાં ને..! લો ટમારા માટે માડી દુકાનના સ્પેશ્યલ ગોટા..આરામઠી ખાવ..પછી વાટ કડીએ.."
ઘેલીએ ગોટા લઈ લીધા. ઘણીવાર એના કામથી ખુશ થઈને સાહેબો એને અવનવી ભેટ આપતા. ઘેલી આમ તો દેખાવડી હતી,એટલે દવે જેવા કેટલાક ઘેલસાગરા પ્રોફેસરોને એનું ઘેલું લાગેલું.
"ગોટા મસ્ત સે...કાંથી લાયવા..."
ઘેલીએ ગોટા ખાતા ખાતા કહ્યું.
"આપડી દુકાન છે ને ! ગનપટ ના ગોટા..આખા સીટીમાં પ્રખ્યાટ.."
ચંપકે પેટને વધુ અંદર ખેંચતા કહ્યું.
"એમ..? તો તો તમારી દુકાને ગોટા ખાવા આવવું જોહે..હું ભીખા હારે આવીશ..કાં છે તમારી દુકાન ?"
ઘેલીએ હસીને કહ્યું.
"ખાઉધરા ગલી જોઈ ? તાં આગડી ગનપટ ફરસાન.." ઘેલીએ હજુ ગોટા ઉપર લીંબુ નીચવ્યું નહોતું. એ જોઈને ચંપક એની બાજુમાં બેસી ગયો.
"ટમે આ લીંબુ ટો ની નિચોવ્યું....
અમારા ગોટા ઉપડ લીંબુ નીચોવીને જ ખવાય..ઉભા રેવ મેં નીચોવી આપવા.." એમ કહી એણે લીંબુનું ફાડીયું લઈને ગોટા ઉપર નિચોવ્યું. અને ચટણી અને કાંદાના પડીકા ખોલી આપ્યા.
"આ કાંડા અને ચટની હો ની લીઢી તમે..લેવ આ ચટની સાઠે કાંડા પણ ખાવ..ટો જ સ્વાડ આવે..!"
ઘેલીને ઘણી નવાઈ લાગતી હતી.
આ સાહેબને કોઈ દિવસ જોયો નહોતો. "કદાચ નવો આવ્યો હોય.
પણ મને કેમ ગોટા ખવડાવે છે.." એમ વિચારતી વિચારતી એ ગોટા ખાવા લાગી. એને ભૂખ પણ લાગી હતી અને ગોટા ખૂબ જ સ્વાદિષ્ટ હતા એટલે ઘેલીએ વધુ વિચાર્યું નહિ. ચંપકને તો, અંગત 'કામ' માટે
આવ્યો હોવાથી વધુ વિચારવાની જરૂર નહોતી.
ઘેલી ગોટા ખાતી હતી અને ચંપક નજરથી એને ખાતો હતો. "સાલી પ્રોફેસડ ઠેઈને અહીંયા આગડી કેમ બેઠી ઓહે..? એકાડો સ્ક્રુ ઢીલો લાગટો છે, પન ચાલહે હવે..."
ઘેલી પણ નજરની પારખું હતી. આ "સાયેબ"નો ઈરાદો ન કળી શકે એટલી એ ગમાર નહોતી,પણ એનો ઘરવાળો ભીખો આઈસ્ક્રીમ લઈને આવવાનો જ હતો એટલે નિરાંતે આ "સાયેબ"ના ભજીયા ખાવામાં એને કોઈ ડર નહોતો.
એકાએક તીખા ગોટાને કારણે ઘેલીને હેડકી આવી, અને ઉતાવળમાં ગોટું ગળવા જતા કેટલોક રસ શ્વાસનળીમાં ગયો અને ઘેલીને જોરથી ઉધરસ ચડી..
સ્વાભાવિક રીતે જ ચંપકે એની પીઠ ઉપર હાથ પસવાર્યો..
"અડે... મેડમ ધીડે ધીડે ખાવની ઉતાવડ ની કડો..."
બરાબર એ વખતે ભીખો આવી પહોંચ્યો.ગેટમાં દાખલ થતાં જ એણે પોતાની ઘરવાળીની પીઠ પર હાથ ફેરવતા કોઈ સાહેબને જોયો.
ઘેલી ઘણા સાહેબો સાથે હસી મજાક કરતી.અને ભીખાના ભાઈબંધોએ એને ચેતવ્યો હતો કે જો જે હો ભીખલા..બયરાની જાતને બવ ફટવતો નહીં,તારી ઘેલી અમુક તમુક પ્રોફેસર હારે "હાલે" છે !!
બસ દોસ્તનું એ વાક્ય અને નજર સમક્ષ આ અમુક તમુક પ્રોફેસરને નજરોનજર ઘેલીને હાથ લગાવતો જોઈને ભીખો રૂ નો ઢગલો સળગે એમ સળગ્યો..
"તારી જાતનો પોફેસર મારું, ધોળે દા'ડે મારી ઘરવાળીના ડેબામાં હાથ ફેરવશ...ઉભો રે જે..તારી હા પાડું હમણે..."એમ રાડ પાડીને એ દોડ્યો. ઘેલીએ ભીખલાને ભસતું કૂતરું આવતું હોય એમ આવતા જોયો એટલે એ પણ તરત મૂળ રંગમાં આવી ગઈ
"મુવા...આઘો મર્ય..હું કાંય તારી ઘરવાળી નથી તે તું મારા બયડામાં હાથ ફેરવેશ...મારો ભાયડો આવે સે ઇ તને ઉભો ને ઉભો ચીરીને મીઠું ભરી દેહે..જો આયવો તારો ડોહો..." ઘેલીએ વધેલા ગોટાનો ઘા ચંપકના મોઢા ઉપર કર્યો. ગોટા સાથેની તીખી ચટણી અને કાંદા ચંપકની આંખમાં ઉડયા.. અત્યાર સુધી ચોરી રાખેલું પેટ ચંપકથી મુકાઈ ગયું..આંખમાં બળતરા ઉઠી અને બન્ને હાથે એ આંખ ચોળવા લાગ્યો. એ તક નો લાભ લઈને ભીખો મારે એ પહેલાં જ ઘેલીએ ચંપકને બે ત્રણ ગડદા તેની વિશાળ ફાંદમાં મારી લીધા
"મારો રોયો..ચયારનો આયાં ઉભો
તો..હારુ થિયું તમી ઝટ આયા નકર મારી તો આબરૂ આજ ધૂળ ધાણી થઈ જાત..જા હાળા કપાતર ટળ્ય આયથી...."
ભીખાએ આવીને આંખો ચોળતા ચંપકને બે તમાચા ચડાવી દીધા
"તારી માં#$^*& ##@&^* હાલ્ય મોટા સાયેબ પાંહે..સરમ જેવો સાંટો સે કે નઈ..@#$%ના તું સોકરાવને સુ ભણાવેસ..રાંડના.
તમારી જેવા ભણેલા કરતા તો અમારી જેવા અભણ અને મજૂર હારા..કુતરીના..@#$..."ભીખો બેફામ ગાળો દેતો હતો.
"અને તું'ય કાંય સતી સાવીતરી નથી, મને હંધિય ખબર સે..તું આની હારે તારા બાપનું સોલાવા બેઠી'તી..? તારી પાંહે બેહીને તને ભજીયા ખવાડવા આ આયો ચયાંથી આટલી વારમાં.. તું આની હારે ચેટલા ટેમથી હાલે સ ઇ ભસી મર્ય હવે.." કહીને એક તમાચો ઘેલીને પણ ચડાવી દીધો.
"અડે ઓ..બેન@#@ તાડી જાટ ને તું હું હમજે છે..બેન@#$ આ તાડી ઘડવાડીએ જ ટો મને ફોન કડીને બોલાયવો ઉટો.. ખાસ અંગટ કામ ઉતું એને..અને હવે તું મને ગાલ બાલ ની આલતો, કઈ દેવસુ..બેન@##.."ચંપકે પણ કંઈ સમજ્યા વગર ભરડી નાખ્યું..
ભીખો હવે વધુ વિફર્યો.
"રાજીયાએ મને કીધું'તું..પણ હું માનતો નો'તો..સાલી લટકા મટકા કઈ ઓસા નથી તારા..વાળવો બગીચો અને ધોવા સંડાસ બાથરૂમ અને પછી પાવડર લગાડે...હવે તું કરી જોજે લાલી..સાલી તારા હોઠ ઉપર કૂતરું નો કયડાવું ને તો મારું નામ ભીખલો નઈ.."
ચંપક હવે ચમક્યો. એના ગોટા તળી તળીને બુઠ્ઠા થઈ ગયેલા મગજમાં સળવળાટ થયો..સાલુંઉ કંઈક બફાયું લાગટું છે..બરાબર એ જ વખતે પીળો પંજાબી ડ્રેસ પહેરીને પ્રોફેસર તારિણી દેસાઈ ગાર્ડનમાં દાખલ થયા.દૂરથી આ ત્રણ જણની બોલાચાલી અને ગાળાગાળી એમણે સાંભળી હતી, આ મામલો વધુ આગળ વધે તે પહેલાં ઝડપથી આવી પહોંચ્યા.
એમને જોઈને ભીખો બોલતો બંધ થઈ ગયો.કારણ કે ભીખો તારિણી
દેસાઈને ઓળખતો હતો, અને ઘણીવાર એમની ગાડી એ સાફ કરી આપતો. ઘેલી માટે એ કપડાં પણ આપતા અને તહેવારો પર પૈસા પણ આપતા.
"શુ થયું છે..? કેમ ગાળો બોલતો હતો તું ભીખા ? આવું વર્તન કરીશ તો હું તારી ફરિયાદ કરીશ, કેમ ઘેલી શુ છે આ બધો તમાશો..?"
તારિણીબહેને ખિજાઇને કહ્યું.
"જુવોને બેન,હું અતાર આયાંકણે
બેઠી'તી.. તે આ સાયેબ આયા...
અન મને કેય સે કે લે ગોટા ખા..તે
મન થયું ક આવા મોટા સાયેબને ચીમ ના કેવી..પસ મન અહંતરે જયું તે આ સાયેબ મારા બયડામાં હાથ ફેરવતા'તા, ઇ આ ભીખલો ભાળી જ્યો તે મન કેયસે કે તું ઇની હારે હાલસ..બોલો બુન.. આ આદમી સાવ ઘડીકના થઈને ઉભા રેય સે..પરેમ કરે તારે ઇમ કેય કે તું કે'તી હોય તો આકાસમાંથી તારા તોડીન તારા ખોળામાં લાઈ દવ.
અન કોક હાચુ ખોટું કાનમાં ભરાવે તાં તો મારવા ઘોડે..બુન આ તમી હારુ થિયું લગન નો કયરા..આ
ભાયડા હાવ ઘડીકના જ હોય.."
કહીને ઘેલી રડવા લાગી.
ચંપકની ટ્યુબલાઈટ હવે પૂરેપૂરી ચાલુ થઈ હતી. તારિણીબહેને એનો પરિચય માગ્યો ત્યારે જ આખી વાત સ્પષ્ટ થઈ.અને તારિણીબહેનથી પણ હસવું રોકી ન શકાયું..
"ભીખા, હવે તું જા,અને ખબરદાર
જો ઘેલી ઉપર શંકા કરી છે તો.. આ ભાઈનું મારે કામ હતું એટલે મેં એમને અહીં બોલાવ્યા હતા,
ઘેલીએ આ પીળી સાડી પહેરી છે એને કારણે આ ભાઈ સમજ્યા કે હું અહી બેઠી છું.."
ભીખો પણ હસી પડ્યો."સોરી હો સા'બ, મને ઇમ કે તમે મારી બયરી હારે.."
"ભીખા...તું જા હવે.." તારિણી બહેને એને બોલતો અટકાવીને રવાના કર્યો. ઘેલી જતા જતા ચંપકને કહેતી ગઈ, "ઇ જે થયું ઇ પણ તમારા ગોટા બવ હારા હતા..
હો..હું ને ભીખલો બેય તમારી દુકાને સોક્ક્સ ને સોક્ક્સ ગનપટ
ના ગોટા ખાવા આવસુ હો સાયેબ"
"બેન.." ચંપક એની સ્પેશિયલ સુરતી ગાળ બોલવા જ જતો હતો પણ તારીણી દેસાઈના ડરથી ચૂપ રહ્યો.
"તો તમે ચંપક કાંટાવાળા,ચમેલીના
ફાધર...બેસોને..મારે તમારી સાથે એક ખાસ વાત કરવાની છે.."
"એ હારુ ટો મેં આવેલો છું.." એમ કહીને ચંપક બેઠો.હવે એને ગાડી પાટા ઉપર આવતી જણાઈ.
"હમણાં પેલી કહેટી ઉતી કે હાડું થયું ટમે લગન ની કયડા.. ટો આ હજુ બી કુંવાડી જ મલે, પણ આ માડામાં એવું તો શું જોઈ ગઈ કે.."
ચંપક આગળ વિચારે તે પહેલાં
તારિણીએ કહ્યું, "તમારી બેબી અહીં ભણવા આવે છે પણ એનું ધ્યાન ભણવામાં નથી..એ એક બે છોકરાઓ સાથે દોસ્તી કરે છે.."
"હેં..?.. જુઓ..શું નામ તમાડું..? ટમે શું કે'વા માંગતા છો ? માડી ચમેલી બડ ચલન છે એમ ? ઓ..મેડમ....મોં સંભાલીને વાટ કડજો.. મારી દિકડી વિસે જેમ તેમ વાટ કડનાડ ની તો મેં જીભ જ ખેંચી લેવા..." ચંપક એકાએક ઉગ્ર બની ગયો.
''પણ હું ક્યાં એને બદચલન કહું છું આતો ખાલી તમને ચેતવ્યા.."
"અડે એમ કેમ કેહેવાયુ તમાડાથી..
માડી પોયરી જવાન છે, એક બે ફ્રેન્ડ હોય તો કયું આકાસ ટુટી પડવાનું ઉતું..શુ યાડ તમે બી.... એકદમ હલકું જ વિચાડતા છો...
તમે અજજુ પન સિંગલ જ છો ને ? હમમમ એટલે જ ટમને આવા હલકા વિચાડો આવતા છે, તમે બી કોઈ ડોસ્ત બનાવી લેવ..મને ટો એમ જ હટું કે તમે આટલા હારુ જ મને ખાસ ગાર્ડનમાં બોલાવેલો મલે, એટલે તો મેં ઢંઢો છોડીને આવેલો છું..શુ છે કે ચમેલીની મમ્મી હવે બો કામ ની આપતી છે..તો મેંકુ ચાલો કંઇક ગોઠવાટુ હોય તો એમાં ખોટ્ટુ બી શુ છે..? આપરે એકાદ દુકાન વઢું ખોલી કાઢવા...તમારું બી ગોઠવાય જહે.."
તારિણી દેસાઈના ગુસ્સાનો પાર ન રહ્યો.શુ સમજતો હશે એ માણસ!
"ગેટ આઉટ ફ્રોમ હિયર..યુ રાષ્કલ
..વોટ ડું યુ મીન..? મેં તને બોયફ્રેન્ડ બનાવવા અહીં બોલાવ્યો છે એમ સમજીને તું દોડી આવ્યો એમ ? તારું ડાચું જોયું છે અરીસામાં ? આવડી મોટી ફાંદ લઈને ફરે છે પણ ભેજામાં તો એકલો ચણાનો લોટ જ ભર્યો છે કે શું,તારી જેવાંને તો હું ઘરમાં રસોઈ બનાવવા પણ ના રાખું..ચલ ભાગ અહીંથી..ભાડ માં જાવ તું અને તારી છોકરી...
સાલા હરામીઓ જ ભટકાય છે બધે જ..''તારિણી દેસાઈ ઉભા થઈને ચાલવા લાગ્યા. એની દીકરી માટે સાચી સલાહ આપવા આવા બાબુચકને બોલાવવા બદલ એમને પારાવાર પસ્તાવો થયો.દવે સાચું જ કહેતો હતો..આ હાઈસ્કૂલ નથી, યુનિવર્સીટી છે..અહીં બાવીસ વર્ષના પુખ્ત યુવાનો અને યુવતીઓ ભણવા આવે છે.. ધસમસતી નદીઓ અને હણ હણતા ઘોડાઓ..
ચંપકને પોતાની ઉપર આ બીજો હુમલો થયેલો લાગ્યો. પહેલા ભીખલાએ અને ધમાર્યો હતો અને હવે આ પ્રોફેસરે અહીં એકાંતમાં
બોલાવીને ઘસકાવી નાખ્યો..એના પાંચસો ગ્રામ ગોટા સાવ એળે ગયા
"ચમેલીનું નામ પન ની લેટા..માડી પોયરીના કેડેકટડ ઉપર તમે કાડવ ઉછાલેલો છે, મેં તમાડી કમ્પ્લેન કરા..જોઈ લેજો..તમને ભનાવવા
રાયખા છે..તો ભનાવવાનું કામ જ કરોની...બપોર વચ્ચે કોઈને અંગટ કામ માટે ગાર્ડનમાં બોલાવો ટો કોઈ બી, મેં હમજ્યો એ જ હમજે, પોયરી માટે કેવુ હોય ટો ઓફિસમાં કેમ ની બોલાયવો....
અમને બી હમજ પડટી છે..કાંઈ ગધેડો ની હમજતા..આવ્યાં મોટા..પ્રોફેસડ."
ઘેર આવીને ચંપક કાંટાવાળો તે દિવસે ગોટા તળવા પણ ન બેઠો..સીધો જ ઉપર જઈને પલંગમાં ઢગલો જ થઈ ગયો.એનો પત્નીએ દોડાદોડ આવીને પૂછ્યું,
"કેમ હું ઠીયું..કેમ આમ પોદરાની જેમ ફસકાઈ પડેલા છો.."
"તારા બાપનું કપાળ.હટને અહીંઠી
કોઈ મને બોલાવટા ની..'' ચંપક આજ સળગી ઉઠ્યો હતો...
"ટો જાવની ચુલામાં..માહડા બાપનું કપાળ તમાડી માટે ખાલી ની મલે, આ તો મેકું કેમ સીઢઢા જ જઈને સુઈ ગિયા તે..ટબિયટ પૂછવા હારુ આવી ઉતી.."કહીને ચંપક પત્ની ચંપકનો જવાબ સાંભળવા પણ ઉભી ન રહી...

(ક્રમશ :)