ડેવિલ રિટર્ન-1.0
પ્રસ્તાવના
નમસ્કાર દોસ્તો, ડિજિટલ પ્લેટફોર્મ અને ebook એપ પર સૌથી વધુ વંચાતા અને ઓછી ઉંમરમાં સૌથી વધુ કમાણી કરાવનાર લેખક તરીકેની સફરમાં જે નવલકથા એ મને સૌથી વધુ સહકાર આપ્યો અને જેનાં થકી હું ઘણાં વાંચકોનો પસંદગીનો લેખક બન્યો એ નોવેલ હતી ડેવિલ એક શૈતાન.
રાધાનગર, એસીપી અર્જુન, અર્જુનનો મિત્ર અને સાથી ઓફિસર નાયક, અર્જુનનાં અન્ય સાથી અધિકારીઓ વાઘેલા, જાની, અશોક, અર્જુનની પત્ની પીનલ, ફાધર થોમસ, સુપર વિલન ડોકટર આર્યા નાં પાત્રોથી મઢેલી એક સુપર સસ્પેન્સ, રોમાંચક અને હોરર નોવેલ "ડેવિલ એક શૈતાન" મારાં દિલની સૌથી વધુ નજીક રહી છે અને સાથે વાંચકોનાં દિલની પણ.
અર્જુન અને બાકીનાં પાત્રોને લઈને રચેલી નોવેલ હવસ:it cause death ને પણ જે પ્રકારનો પ્રેમ અને પ્રતિસાદ મળ્યો એને સાબિત કરી દીધું કે અર્જુન વાંચકો માટે રિયલ હીરો છે..આ જ અર્જુન અને એનાં નજીકનાં પાત્રો સાથે રાધાનગરની પૃષ્ઠભૂમિ પર એક નવી હોરર-સસ્પેન્સ નોવેલ રચવાની ઘણાં સમયથી ઈચ્છા હતી..પણ એ માટે કોઈ સારો પ્લોટ મળે એ જરૂરી હતો કેમકે હું નહોતો ઈચ્છતો કે ડેવિલ એક શૈતાન ની સિકવલ એનાંથી સહેજ પણ ઝાંખી પડે.
હોરર લખવાની કોશિશ મારાં ઘણાં લેખક મિત્રો કરી રહ્યાં છે..અને એ લોકો સારું પણ લખી રહ્યાં છે.પણ મારે ફક્ત સારું નહોતું લખવું કંઈક ઉત્તમ લખવું હતું..અને એ ઉત્તમ રચના ડેવિલ રિટર્ન સાબિત થશે એમાં કોઈ શંકા ને સ્થાન નથી.
સામાન્ય ભૂત-પ્રેતથી કંઈક અલગ વિષય વસ્તુ સાથે સતત કંઈક શોધન કર્યાં બાદ આ નોવેલ આપની માટે લખી શક્યો છું..જે રિતની મહેનત મેં આક્રંદ એક અભિશાપ માટે કરીને જીન્ન અને જીન્ન ની દુનિયાનાં અજાણ્યાં રહસ્યો ને વાંચકો માટે સજાવીને રજૂ કર્યાં હતાં કંઈક એવાં જ પ્રકારનાં રહસ્યો આ નોવેલમાં ઉજાગર થશે..જેમ જીન્ન વિશે જાણવાની આપ સૌ ને ઉત્સુકતા હતી એજ રીતે એક અન્ય રહસ્યમય જીવ છે જે વિશે પણ વાંચકોને ઘણું જાણવું હતું..એ જીવ કયા છે એ તમને નોવેલ આગળ જતાં ખબર પડી જશે.
દંતકથાઓમાં મોજુદ એવાં જ એક શૈતાની તાકાતો અને રહસ્યમયી શક્તિઓ ધરાવતાં પાત્રોની દુનિયાને આપ સૌ સમક્ષ લાવવાની એક સાર્થક કોશિશ એવી આ નોવેલ ડેવિલ રિટર્ન-1.0ને આપ સૌ સમક્ષ રજુ કરતાં ખુશીની લાગણી અનુભવું છું.1.0 લખવાનું કારણ નોવેલનાં અંતમાં ખબર પડશે.
આ નોવેલ માટે સમસ્ત વાંચકો ની સાથે મારી નાની બહેન દિશા નો ખુબ ખુબ આભાર.
-જતીન.આર.પટેલ (શિવાય)
ડેવિલ રિટર્ન-1.0
(1)
પ્રભાત પંચાલની હત્યાની પહેલી ને પોતાની બુદ્ધિક્ષમતા દ્વારા ઉકેલી અર્જુને ફરીવાર સાબિત કરી દીધું હતું કે ખરેખર એ એક ઉમદા અને ફરજનિષ્ઠ પોલીસ અધિકારી છે..આ વાત ને હવે ત્રણ વર્ષ વીતવા આવ્યાં હતાં..રાધાનગર હવે એક નાનાં પણ દરેક પ્રકારની ભૌતિક સુખ સગવડો ધરાવતાં શહેરમાં તબદીલ થઈ ગયું હતું..ગત વર્ષે જ મુખ્યમંત્રીશ્રીએ રાધાનગરમાં એક સિવિલ હોસ્પિટલને જાહેર જનતા માટે ખુલ્લી મુકી હતી.
અર્જુન હવે રાધાનગર નો મૂળ રહેવાસી હોય એમ ત્યાંનાં લોકો સાથે હળી-મળી ગયો હતો.અર્જુનની બદલી માટે ઘણીવાર ઉપરથી ઓર્ડર આવ્યાં પણ રાધાનગરમાં વસતાં પ્રતિષ્ઠિત લોકો પોતાની વગ વાપરીને અર્જુનની બદલીને રોકી દેતાં..એ લોકો કોઈ કાળે એવું નહોતાં ઇચ્છતાં કે અર્જુન જેવો બાહોશ ઓફિસર એમનું શહેર મુકીને જાય.. અને આ પાછળ નું યોગ્ય કારણ પણ હતું..પ્રભાત પંચાલની હત્યા બાદ રાધાનગરમાં બનતી ગુનાકીય પ્રવૃત્તિઓ માં ઘણો ઘટાડો આવ્યો હતો..અને જે કંઈપણ આવી ઘટનાઓ બની એનાં ગુનેગારોને અર્જુને પકડીને જેલ ભેગાં કરી દીધાં હતાં.
અર્જુનની સાથે નાયક પણ હજુ રાધાનગરમાં જ એનો પડછાયો બનીને મોજુદ હતો..હમણાં હમણાં જ નાયકને બઢતી મળી હતી અને એ કોન્સ્ટેબલમાંથી હવે સબ ઈન્સ્પેકટર બની ચુક્યો હતો.હજુપણ નાયક માટે અર્જુન એક સિનિયર ઓફિસર કરતાં કંઈક વધુ હતો..એક મિત્ર હતો, એક ભાઈ હતો, એક આદર્શ હતો..સામા પક્ષે અર્જુન પણ ઉંમરમાં પોતાનાંથી મોટાં પણ પાયરીમાં નીચાં એવાં નાયક માટે હૃદયમાં એક ખાસ જગ્યા રાખતો હતો.
વાઘેલા ધીરે-ધીરે અર્જુનની સલાહથી પોતાની મોટી ફાંદ ઉતારી ફિટ થવાની સખત કોશિશ કરી રહ્યાં હતાં..જે એમનો શારીરિક બાંધો જોઈ સરળતાથી સમજી પણ શકાતું હતું.જાની પહેલાંની જેમ હસમુખા સ્વભાવ નાં અને કામ પ્રત્યે વફાદાર એવાં પોલીસ અધિકારી તરીકે પોતાની છાપ છોડવામાં સફળ થયાં હતાં.
અર્જુનનાં પોલીસ સ્ટાફમાં ઉંમરમાં સૌથી નાનો અને કોન્સ્ટેબલ તરીકે ની જવાબદારી નિભાવતો અશોક હવે જયા નામની યુવતી સાથે લગ્ન કર્યાં બાદ ઠરીઠામ થઈ ચૂક્યો હતો..પોતાનાં સિનિયર અધિકારીઓ એની રોજ મજાક ઉડાવતાં રહેતાં પણ એ લોકો પોતાને કેટલો પ્રેમ કરે છે એ જાણતો અશોક એમની મજાકને ફક્ત મજાક ગણી હસવામાં ટાળી દેતો..અશોકનાં પિતાજી ને જ્યારે પક્ષાઘાત નો હુમલો આવ્યો ત્યારે એમની બધી ટ્રીટમેન્ટ ની ફી પોતાનાં સિનિયર અધિકારીઓએ ભરી હોવાનું જાણતો અશોક દિલથી એ લોકોનો ઋણી પણ હતો.
અર્જુનની પર્સનલ લાઈફ પણ અભિમન્યુનાં જન્મ પછી સંપૂર્ણ બની ગઈ હતી..એક બાળક નો જન્મ કોઈ પરિવાર ને કઈ રીતે સંપૂર્ણ બનાવી શકે છે એનું ઉદાહરણ હતો અર્જુન અને પીનલનો દીકરો અભિમન્યુ.શરીરમાં થોડો ગોલુ-મોલુ અને વાંકડિયા કેશ ધરાવતો અભિમન્યુ હવે પાંચ વર્ષનો થઈ ચૂક્યો હતો..અને ઘણીવાર એનાં બાળસહજ તોફાનો આગળ તો અર્જુન જેવો ઓફિસર પણ તોબા પોકારી જતો.
રવિવાર ની આવી જ એક સાંજે પીનલ અને અર્જુન રાધાનગરથી ત્રણેક કિલોમીટર દૂર આવેલાં દરિયાકિનારે બેઠાં-બેઠાં વાર્તાલાપ કરી રહ્યાં હતાં..એમની આંખો સામે અભિમન્યુ પણ દરિયા કિનારે ભીની માટીમાં મસ્તી કરી રહ્યો હતો..અભિમન્યુ અવાર-નવાર દરિયાકિનારે આવવાની જીદ કરતો..હમણાં જ દસેક દિવસ પહેલાં જ એ આવી જ એક જીદ કરતો હતો..પણ પીનલની તબિયત ઠીક નહોતી અને અર્જુનને પણ ઓફિસે થોડું કામ હતું તો અશોકની પત્ની જયા અભિમન્યુને લઈને દરિયાકિનારે આવી હતી.
"અર્જુન, સાચેમાં આપણો દીકરો આપણી જીંદગી ની એ અધૂરપ પુરી કરી ગયો જેની ઝંખના સતત તું કરતો હતો..."અર્જુનનાં ખભે માથું નાંખી એનાં હાથમાં હાથ પરોવીને પીનલ બોલી.
"હા, પીનુ.. મને યાદ નથી કે મારાં માતા-પિતા કોણ છે.મને ક્યારેય માતા-પિતા નો પ્રેમ મળ્યો જ નથી.હું સતત એક પરિવાર ને ઝંખતો હતો જેમાં મારી એક સુંદર પ્રેમાળ પત્ની હોય અને એક બાળક.મારી એ દરેક તમન્ના તારાં મારી જીંદગીમાં આગમન થવાં ની સાથે પુરી થવાની શરૂ થઈ ગઈ..અને આપણાં અભિનાં જન્મ પછી તો જાણે ઉપરવાળા એ મારી દરેક મનોકામના પૂર્ણ કરી હોય એવું લાગે છે.."પોતાની પત્ની પીનલ તરફ જોઈ અર્જુન બોલ્યો.
"અર્જુન હું નસીબદાર છું કે મને તારાં જેવો પ્રેમાળ અને કેરિંગ પતિ મળ્યો..હું ભલે કરોડપતિ બાપની દીકરી છું પણ મને તારી સાથે જીવન પસાર કરવામાં જે આનંદ મળી રહ્યો છે એ મારાં પિતાજીનાં મહેલ સમાન આલીશાન મકાનમાં ડઝનેક નોકર-ચાકરની હાજરીમાં પણ નહોતો મળતો.."પીનલ અર્જુનનાં હાથ પર હળવું ચુંબન આપતાં બોલી.
"મમ્મી, જો મારુ ઘર બની ગયું.."અર્જુન અને પીનલની વાતચીત ચાલુ હતી ત્યાં અભિમન્યુ પીનલ ને અવાજ આપતાં બોલ્યો.
અભિમન્યુ નો અવાજ સાંભળી પીનલ અને અર્જુન એની જોડે ગયાં અને અભિમન્યુ એ માટીમાં બનાવેલાં ઘર ને જોઈ હરખભેર બોલ્યાં.
"અભિ, તારું આ ઘર તો બહુ સુંદર છે..જ્યારે આ ઘર મોટું થઈ જશે પછી આપણે અહીં રહેવાં આવીશું.."
"સાચે..પછી તો મજા આવી જશે.."માસુમ અભિમન્યુ પોતાની મમ્મી ની વાત સાંભળી ખુશ થતાં બોલ્યો.
અભિમન્યુ ને આમ ખુશ જોઈ અર્જુન અને પીનલ બંનેનાં ચહેરા પર સ્મિત પથરાઈ ગયું..અર્જુને અભિમન્યુ ને પોતાનાં હાથ વડે ઊંચકી લીધો અને કહ્યું.
"ચલો અભિમન્યુ..હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે.."
"સારું..પણ એક શરત..તમારે મને આઇસ્ક્રીમ ખવડાવવો પડશે.."અભિમન્યુ બોલ્યો.
"સારું..એ પણ તારો ફેવરિટ ચોકલેટ ફ્લેવર આઈસ્ક્રીમ.."અભિમન્યુ નાં ગાલ ને ચુમતા પીનલ બોલી.
રાતે એ લોકો ઘરે પહોંચ્યાં એટલે પીનલે જમવાનું બનાવી દીધું..થોડો સમય ટીવી જોયાં બાદ અભિમન્યુ સુઈ ગયો એટલે અર્જુને પીનલને કહ્યું.
"પીનલ તને નથી લાગતું આપણે ક્યાંક ફરવા જવું જોઈએ.."
"સારો વિચાર છે..એ બહાને તું થોડો ફ્રેશ થઈ જઈશ..પણ જઈશું ક્યાં..? "અર્જુનની વાત સાંભળી ખુશ થતાં પીનલ બોલી.
"એ મેં નક્કી કરી રાખ્યું છે કે આપણે ક્યાં જવાનું છે..અને ત્યાં જવાની ટીકીટ પણ મેં બુક કરાવી દીધી છે.."અર્જુન પીનલને સુખદ આંચકો આપતાં બોલ્યો.
"શું તે ટીકીટ પણ બુક કરાવી દીધી અને મને કહ્યું પણ નહીં.. આ ખોટી વાત છે.."અર્જુન પર નકલી ગુસ્સો કરતાં પીનલ બોલી.
"મારે તને સપ્રાઈઝ આપવી હતી..એટલે મેં આ વિશે તને કંઈ ના કહ્યું.."અર્જુન બોલ્યો.
"હવે એ જણાવીશ કે આપણે ક્યાં જવાનું છે અને ક્યારે..? "પીનલે સવાલ કર્યો.
"આપણે ઉટી જવાનું છે અને પરમદિવસ સવારે અહીંથી લકઝરીમાં અમદાવાદ અને ત્યાંથી પ્લેનમાં ઉટી.."અર્જુન બોલ્યો.
"શું કહ્યું ઉટી..મારું ફેવરિટ પ્લેસ.. લવ યુ સો મચ અર્જુન.."ઉટી નો ઉલ્લેખ થતાં જ ખુશ થઈને પીનલ બોલી.પીનલ ને આમ ખુશ જોઈને અર્જુન પણ મનોમન પ્રસન્ન થઈ રહ્યો હતો.
****
એક તરફ અર્જુન પોતાનાં પરિવાર સાથે બે દિવસ પછી ઉટી જવાની યોજના બનાવી રહ્યો હતો તો બીજીતરફ રાધાનગર ઉપર એક મહાસંકટ દબાતાં પગલે આગળ વધી રહ્યું હતું..રાતનાં બાર વાગવા આવ્યાં હતાં અને રાધાનગર નજીક મોજુદ દરિયાકિનારે નીરવ શાંતિ હતી ત્યાં એક ઓછાયો દરિયાનાં પાણી ને ચીરતો ચીરતો કિનારા તરફ આગળ વધી રહ્યો હતો.
દરિયાકિનારે આવેલી દીવા દાંડીમાં રહેતો મુસ્તફા નામનો વ્યક્તિ રાધાનગરનાં દરિયાકિનારાની સરહદમાંથી પસાર થતાં જહાજો પર નજર રાખતો હતો..મુસ્તફા નાં પરિવારમાં કોઈ હતું નહીં એટલે એ છેલ્લાં દસ વર્ષથી જ્યારથી એ દીવાદાંડી બની હતી ત્યારનો દીવાદાંડી ની ઉપરનાં ભાગમાં આવેલાં રૂમમાં જ રહેતો હતો.
એ રાતે મુસ્તફા ભરઊંઘમાં હતો ત્યાં દીવાદાંડી પર મોજુદ રડારમાં અચાનક ધ્વનિ પેદા થયો..જેનાં લીધે મુસ્તફા ઝબકીને ઉંઘમાંથી જાગી ગયો..સતત બે મિનિટ સુધી રડારનાં સેન્સરમાંથી ચોક્કસ પ્રકારનો ધ્વનિ આવતો રહ્યો પણ મુસ્તફાને રડાર પર જહાજ ની મોજુદગી નું કોઈ સિગ્નલ નજરે ના પડ્યું..મુસ્તફાની દસ વર્ષની નોકરીમાં આવું પ્રથમ વખત બન્યું હતું જ્યારે સેન્સર માં અવાજ આવે પણ રડાર પર કોઈ જાતનું સિગ્નલ દેખાય જ નહીં.
થોડો સમય આ સેન્સર નો અવાજ આવતો રહ્યો અને પછી અચાનક એની મેળે બંધ પણ થઈ ગયો..આ વિચિત્ર ઘટના કોઈ ટેક્નિકલ ખામીનાં લીધે બની હોવી જોઈએ એમ વિચારી મુસ્તફાએ ફરીવાર સુવા માટે લંબાવ્યું.
મુસ્તફા તો સુઈ ગયો પણ દરિયાનાં પાણીમાંથી નીકળીને આગળ વધતો માનવ આકૃતિ જેવો લાગતો ઓછાયો અંધકારમાં કિનારા તરફ સતત આગળ વધી રહ્યો હતો..કિનારે પહોંચીને એ ઓછાયો એક જગ્યાએ ઉભો રહી ગયો અને એની ચમકતી આંખો વડે એને દીવાદાંડી તરફ અપલક દ્રષ્ટિએ જોયું.
અમુક ક્ષણો એમ જ પસાર કર્યાં બાદ એ માનવ આકૃતિ અભિમન્યુ એ બનાવેલાં માટીનાં ઘરની જોડે આવીને ઉભી રહી ગઈ..એક શૈતાની ક્રૂર સ્મિત સાથે એ માનવ આકૃતિએ અભિમન્યુ એ બનાવેલું ઘર પોતાનાં પગ વડે તોડી નાંખ્યું..આમ કરતાં એ માનવાકૃતિ બેહદ ખુશ થતી હોય એમ અટ્ટહાસ્ય કરવાં લાગી..આમ કર્યાં બાદ એ માનવાકૃતિ એ પાછું ફરી દરિયાની તરફ જોયું અને પછી એ માનવાકૃતિ રાધાનગર શહેર તરફ અગ્રેસર થઈ.
****
અર્જુનની ઉટી જવાની ફ્લાઈટની ટિકિટો આવી ચૂકી હતી..અને અર્જુન ઉટી જવાની બધી તૈયારીઓ પણ કરી ચુક્યો હતો.બીજાં દિવસે અર્જુન ને પાંચ દિવસો માટે રાધાનગર છોડીને જવાનું હોવાથી એ પોતાનાં સાથીદારો ને જરૂરી સૂચનો આપતાં બોલ્યો.
"હું પાંચ દિવસ રાધાનગર નથી એનો મતલબ એવો નહીં સમજવાનો કે ટાઈમે પોલીસ સ્ટેશન નહીં આવવું..હું ના હોઉં ત્યારે તમારાં લોકોની જવાબદારી ઉપરથી બમણી થઈ જાય છે માટે તમારે સૌ લોકોએ ટાઇમસર પોલીસ સ્ટેશન આવી જવાનું અને પોતાની ડ્યુટી વ્યવસ્થિત નિભાવવાની.."
"જી સર..એવું જ થશે.."અર્જુનની વાત સાંભળી બધાં એકસુરમાં બોલ્યાં.
"Good.. મારી ગેરહાજરીમાં નાયક આ પોલીસ સ્ટેશનનો જવાબદાર અધિકારી રહેશે..બાકીનાં બધાં નાયક નાં ઓર્ડર ફોલો કરશો.."નાયક તરફ જોઈ અર્જુન બોલ્યો.
"સાહેબ, તમતમારે પીનલ ભાભી અને અભિમન્યુ સાથે શાંતિથી ફરી આવો..અહીંનું બધું અમે સંભાળી લઈશું."નાયક બોલ્યો.
"હા સાહેબ..તમે રાધાનગરની ચિંતા અમારાં ઉપર છોડી દો..અહીંનું અમે બધાં જોઈ લઈશું..આમ પણ આપણાં શહેરમાં કોઈ એવી ઘટના બનતી જ નથી જેનાં લીધે આટલું પરેશાન થવું પડે.."અશોક બોલ્યો.
"તારી વાત સાચી છે અશોક..છતાં ખબર નહીં કોણ જાણે ક્યારે કોઈ અણધારી આફત આવી જાય.."અર્જુન બોલ્યો.
"એ સાચી વાત છે..તમે અમારાં ઉપર વિશ્વાસ રાખો..તમારી ગેરહાજરીમાં પણ આ શહેરનાં લોકોને ઉની આંચ નહીં આવે એની જવાબદારી અમારી.."વાઘેલા બોલ્યો.
"સારું તો હું નીકળું..હું લગભગ કાલે સવારે અમદાવાદ જવા નીકળવાનો હોવાથી કાલથી જ તમારે પોતાની ડ્યુટીને પૂર્ણ લગનથી નિભાવવાની જવાબદારી અદા કરવી પડશે.."અર્જુન બોલ્યો.
"જી સર.."એકસુરમાં અર્જુનનાં બધાં સાથી અધિકારીઓ બોલી પડ્યાં.
"સારું તો હું નીકળું.."આટલું કહી અર્જુને પોતાની પોલીસ હેટ સરખી કરી અને રુવાબદાર ચાલ સાથે પોતાની બહાર પાર્ક કરેલી બુલેટ તરફ આગળ વધ્યો..અર્જુનની બુલેટનો અવાજ જેવો જ આવતો બંધ થયો ત્યાં પોલીસ સ્ટેશનમાં મોજુદ લેન્ડલાઈન ટેલિફોન રણકવા લાગ્યો.
"હેલ્લો, રાધાનગર પોલીસ સ્ટેશનમાંથી કોન્સ્ટેબલ અશોક વાત કરું...આપ કોણ બોલો..? " લેન્ડલાઈનનું રીસીવર કાને ધરતાં જ અશોકે સવાલ કર્યો.
"સાહેબ..હું એન્જલ સ્ટાર સ્કૂલનો શિક્ષક અંકિત સુરાની વાત કરું..અહીં સરદાર પટેલ ગાર્ડનમાં એક લાશ પડી છે.."સામેથી થોડો ગભરાયેલો અવાજ આવ્યો.
"તમે ત્યાં જ ઉભાં રહો..હું હમણાં જ સાહેબ ને આ વાતની જાણ કરીને ત્યાં પહોંચું છું.."અશોકે આટલું કહી ફોનનું રીસીવર મૂકી દીધું.
"શું થયું અશોક..? કોનો ફોન હતો..? અને કેમ આમ બઘવાયેલો લાગે છે..? "અશોકનાં ફોન મુકતાં જ ઉપરાઉપરી સવાલોનો મારો ચલાવતાં નાયક બોલ્યો.
"સાહેબ..અંકિત સુરાની કરીને એક સ્કૂલ ટીચરનો કોલ હતો..એમને કહ્યું કે સરદાર પટેલ ગાર્ડનમાં એક લાશ મળી છે..તો હું અર્જુન સર ને કોલ કરું.."નાયકનાં સવાલનો જવાબ આપી અશોક પોતાનો મોબાઈલ નીકાળી અર્જુનને કોલ કરવાં જતો હતો.
"એસીપી સાહેબ ને કોલ કરવાની કોઈ જરૂર નથી..ચાલ આપણે બધાં જાતે જ જઈને એ વિષયમાં તપાસ કરીએ કે લાશ કોની છે અને એની હત્યા કોને કરી.."અર્જુનને કોલ કરતાં અશોકને રોકતાં નાયક બોલ્યો.
"હા ભાઈ..એસીપી સાહેબ કાલે પરિવાર સાથે ઘણાં દિવસે ફરવા જાય છે તો એમને નકામું કોઈ ટેંશન નથી આપવું.. આપણે જઈને જોતાં આવીએ કે કોની લાશ મળી છે.."જાની પણ નાયકનાં સુરમાં સુર પરોવતાં બોલ્યો.
"હા તમે સાચું કહી રહ્યાં છો..દરેક વસ્તુમાં એસીપી સાહેબને હેરાન કરવાં લખાયેલું નથી..તો પછી ચલો જઈએ સરદાર પટેલ ગાર્ડન તરફ.."મોબાઈલને ખિસ્સામાં સેરવતાં અશોક બોલ્યો.
આ સાથે જ અર્જુનની ટીમ એની ગેરહાજરીમાં નીકળી પડી રાધાનગરમાં ઘણાં સમય પછી બનેલાં ગુનાનાં જડ સુધી પહોંચવાની મુહીમ પર..આ વાત અર્જુનને નહીં જણાવવી કેટલાં હદે યોગ્ય હતી એ તો સમય જતાં જ ખબર પડવાની હતી..પણ હાલપુરતું તો અર્જુનનાં સાથી અધિકારીઓ મક્કમ ઈરાદા સાથે જીપમાં બેસી સરદાર પટેલ ગાર્ડન તરફ નીકળી પડ્યાં હતાં..!!
★★★
વધુ આવતાં અંકમાં.
કોની હતી એ લાશ..? કોને કરી હતી એ વ્યક્તિની હત્યા.? દરિયામાંથી આવેલી એ માનવાકૃતિ કોની હતી..? અર્જુન ને લાશ વિશે ન જણાવી એનાં સાથી અધિકારીએ સારું કર્યું હતું કે ખોટું..? આવાં જ સવાલો નાં જવાબ માટે વાંચતાં રહો આ રહસ્યમય હોરર સસ્પેન્સ નોવેલનો નવો ભાગ..આ નોવેલ મંગળવારે અને શુક્રવારે પ્રસારિત થાય છે એની નોંધ લેવી.
તમે આ નોવેલ અંગે તમારાં કિંમતી અભિપ્રાય મને મારાં whatsup નંબર 8733097096 પર પહોંચાડી શકો છો..આ સિવાય તમે ફેસબુક પર author jatin patel અને ઈન્સ્ટાગ્રામ પર jatiin_the_star સર્ચ કરી મને રિકવેસ્ટ મોકલાવી શકો છો.
માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન, મોત ની સફર અને સેલ્ફી પણ વાંચી શકો છો.
મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.
ડેવિલ:એક શૈતાન
બેકફૂટ પંચ
ચેક એન્ડ મેટ:ચાલ જીંદગી ની.
સર્પ પ્રેમ:-the mystry
અધૂરી મુલાકાત
આક્રંદ:એક અભિશાપ..
હવસ:IT CAUSE DEATH
હતી એક પાગલ
પ્રેમ-અગન
મર્ડર એટ રિવરફ્રન્ટ
The ring
~જતીન.આર.પટેલ (શિવાય)