invisible traveler - 2 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | અદ્રશ્ય મુસાફર.. - ૨ - શતરંજ..!

Featured Books
Categories
Share

અદ્રશ્ય મુસાફર.. - ૨ - શતરંજ..!

"અદ્રશ્ય મુસાફર.. "
પ્રકરણ ૨:"શતરંજ..! "

"સર પેલા 'જે' નામ વાળા વિશે માહિતી મળી છે..!"
ઇસ્પેક્ટર દીવાનના પન્ટરનો બીજા દિવસે કોલ આવ્યો.

"બોલ ,શું ઇન્ફોર્મેશન છે..?"
દીવાને પૂછયું.

"જીમી નામ છે સર,
હેમાંગીનો કોલેજનો ફ્રેન્ડ છે.
હેમાંગી અને જીમીની સાથે તેના બીજા પાંચેક ફ્રેન્ડ્સનું ગ્રુપ છે .
વિકેન્ડ્સમાં જોડે બધા એન્જોય કરવા માટે અલગ અલગ જગ્યા ઉપર જતા હોય છે.
ઈવન હેમાંગી નો હસબન્ડ રવીશ પણ તેમનો સારો ફ્રેન્ડ છે. "

"બંને વચ્ચે કોઈ આડા રિલેશન?"
દીવાને લીડિંગ સવાલ પૂછયો?

"સર, મારી પ્રાથમિક તપાસમાં તો એવું લાગતું નથી....!"
પન્ટર બોલ્યો.

"તો તારી પ્રાથમિક તપાસમાં વધારે ડિટેલિંગ કર .
મને સાંજ સુધીમાં કન્ફોર્મ આન્સર જોઈએ..!
દીવાને ઓર્ડર કર્યો..

દિવાનના મગજમાં એક વસ્તુ બેસી ગઈ હતી કે,
કંઈક ક્રોસ કનેક્શન છે આ જીમીનુ હેમાંગી જોડે. ડોક્ટરના મિસિંગમાં પણ આ જ વસ્તુ ભાગ ભજવતી હોય એવું એને લાગ્યું.

આવા વિચારો સાથે તેઓ ડોક્ટર રવીશના ક્લિનિક પહોંચ્યા.
ડોક્ટરના મિસિંગની ખબર અમદાવાદમાં ફેલાઈ ચૂકી હતી એટલે પેશન્ટની જગ્યાએ ક્લિનિક પર કાગડા ઊડતા હતા.

"તપાસ માટે આવ્યા છો સર? "
ડૉક્ટર રવીશના કમ્પાઉન્ડર મોહકે સવાલ કર્યો..

"ના લા,
આતો ખાલી ઓટો મારવા નેકળેલા,
એક તો તારો સાહેબ ગાયબ થઈ ગયો છ ન તને મસ્તી હૂજ છે...!"
નાથ્યો ખિજાઈ ગયો.

"એવું નહીં સર, પણ.....!"
મોહક જસ્ટિફિકેશન આપવા ગયો..

"ક્યારે મળેલા તમે છેલ્લી વાર ડૉ. રવીશને?"

જસ્ટિફિકેશન પર પૂર્ણવિરામ મૂકતાં દીવાને કહ્યું .

"સર 18 તારીખે સવારે આવેલા અને પછી તરત નીકળી ગયેલા. "
ટૂંકમાં મોહકે જવાબ આપ્યો.

"કેમ નીકળી ગયા હતા? "
દીવાને પ્રશ્ન કર્યો..

"સર એ દિવસે બહુ સ્ટ્રેસમાં લાગતા હતા.
પરસેવાથી રેબઝેબ ,
આખી રાત કદાચ સૂઈ નતા શક્યા એટલે ઉજાગરાથી એમની આંખો પણ ડરાવની એવી લાલઘૂમ થઈ ગઈ હતી.
છેલ્લા ૧ અઠવાડિયાથી તેઓ અપસેટ જ રહેતા. દિવસમાં દસ સિગરેટ ફૂંકી મારતા,
પણ છેલ્લા દસ દિવસમાં એ ફૂંકવાનું પ્રમાણ ડબલ થઈ ગયું હતું...!"
મોહકે ઘણા ઘટસ્ફોટ કર્યા.

"ઓહ,આઈ સી.....!!"
દિવાને વિજયી મુદ્રામાં સ્માઇલ આપતા કહ્યું ,
"એમની કોઈની સાથે દુશ્મની...??"

"ના ,
સર બહુ જ સારા ફિઝિશિયન હતા.
ક્યારે કોઈ મગજમારી નહીં.
શાંત સ્વભાવના બસ ખાલી સિગરેટ એમનાથી કદી નતી છૂટતી."
મોહકે જવાબ આપ્યો.

"કોઈની સાથે ઝઘડો થયો હોય? "
ઇન્સ્પેક્ટર દીવાનના સવાલોની વર્ષા ચાલુ હતી.

"હા સર...!!
હમણાં એક બબાલ થઈ હતી.
રાજસ્થાનની કોઇક વ્યાપારી ફેમીલી અહીં ટ્રીટમેન્ટ કરાવવા આવેલી.
૪૫ વર્ષના એ ભાઈને મેજર વેસલ બ્લોક હતો.
ડૉ. રવીશે તેમને કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફટ માટેની એડવાઇઝ કરી ,
અને તેમના કાર્ડિયોલોજીસ્ટ ફ્રેન્ડને પણ મળવાનું કહ્યું.
ઓપરેશન થઇ ગયું ..
પણ ઓપરેશન ના બીજા દિવસે કોઈ અગમ્ય કારણસર તેમનું મૃત્યુ થયેલું.
એના દીકરાનો ગુસ્સો બધો ડોક્ટર રવીશ પર ઉતર્યો.
એણે મારવા સુધીની ધમકી પણ ડોક્ટર રવીશને આપેલી....!"
વાતમાં ટ્વીસ્ટ મૂકતા મોહકે કહ્યું.

ઇન્સ્પેક્ટર વિચારમાં પડ્યા...
અચાનક એક ફોન કોલ આવ્યો,,
"સર એક સળગી ગયેલી કાર અને તેની અંદર સંપૂર્ણ રીતે સળગી ગયેલી એક ડેડબોડી મળી છે..!
લાશની તો ઓળખ થઈ શકે તેમ નથી પણ સર,
કારનો નંબર ડૉ.રવીશની કાર સાથે મેચ થાય છે......!!! "

પોલીસ કેસ ને ઝડપથી પતાવવામાં લાગેલી હતી પણ ઇન્સ્પેક્ટર દીવાનનું મન માનતું ન હતું.
કોઈ ઘટના તેમના મગજમાં બેસતી નહોતી.
કાર રવીશની હોવાના લીધે તે લાશ તેની જ છે એવું હિમાંશી અને બાકી દુનિયાએ માની લીધું હતું.

બધી જ સહાનુભૂતિ પણ હેમાંગી માટે હતી. ઇન્સ્પેક્ટર કદમ અને નાથુ, હેમાંગી પર ચાંપતી નજર રાખીને બેઠા હતા .
જીમીનો કોઈ જ અતોપત્તો નહોતો.
કેટલાય સમયથી ઇન્સ્પેક્ટર કદમ હેમાંગીનો ફોન ટ્રેસ કરી રહ્યા હતા,
અને બીજી બાજુ ધમકી આપવાવાળી રાજસ્થાનની ફેમિલીની તપાસ પણ ચાલુ હતી.
એક દિવસ અચાનક નાથુનો દીવાન પર ફોન આવ્યો,

"સાહેબ પેલી છોડીનો કોલ રેકોર્ડ થ્યો છ,
હોભળવા જેવુ છ, તમ જલ્દી આવો..!! "

દીવાન દોડતો પોલીસ સ્ટેશન પહોંચ્યો.
રેકોર્ડિંગ સાંભળવાનુ શરૂ થયું..

"why did you call me..?"
મેં ના પાડી હતી કે આજ પછી મને તારો કોઈ કોલ ના જોઈએ,
તારા લીધે મારે આ દુનિયાથી સંતાવું પડે છે,
કોઇ વાંકગુના વગર...!"
આ અવાજ હતો જીમીનો.

"પણ હું શું કરું..?
મારું મન અંદર અંદર ઘૂંટાય છે,
એ મારો હસબન્ડ હતો અને મે જે પણ વિચાર્યું હતું તે એના સારા માટે વિચારેલું..
પ્લીઝ હેલ્પ મી ,અને બહુ પસ્તાવો થાય છે.
રોજ રાતે રવીશ મારા સપનામાં આવે છે,
હું જીવી નહીં શકું ,
પ્લીઝ એકવાર મારે મળવું છે...!"
હેમાંગી એ જીમીને કરગરતા કિધું.

" એ શક્ય નથી ....!"
ટૂંકો અને સ્પષ્ટ જવાબ જીમીનો હતો.

"જો તું નહિ આવે તો હું સ્યુસાઇડ કરીશ અને મેમરી કાર્ડનો એ વિડિઓ સીધો પોલીસ સ્ટેશન જશે.
મને ભલે મોત મળે, પણ બચી તો તું પણ નહીં શકે.
ધમકી સમજવી હોય તો ધમકી અને રિક્વેસ્ટ સમજવી હોય તો રિક્વેસ્ટ...! "
હેમાંગી એ વધારે મજબૂત જવાબ આપ્યો.

હવે જીમી ઢીલો પડ્યો,
અને બોલ્યો,
" શું જોઈએ છે તારે...?"

"આઈ નીડ અ સાયકાયટ્રિસ્ટ....!,
પણ મને એકલા જતા બહુ ડર લાગે છે,
તારે મારી જોડે આવું જ પડશે,
નહીં તો આ ડિપ્રેશન મને કોરી ખાશે...! "
હેમાંગીએ કહ્યું.

"બે દિવસ પછી ડોક્ટર અંબાલીયાની એપોઈન્ટમેન્ટ લઈ લઉ છું..! "
જીમી એકદમ સ્ટ્રેટ આન્સર આપતો હતો.

હેમાંગીએ કિધું,
"હા તેઓ રવીશના પણ બેસ્ટફ્રેન્ડ છે,
મને વધારે સારી રીતે સમજી શક્શે...!"

ઇન્સ્પેક્ટર દીવાન માટે ખુશખબરી હતી,
જીમી અને મેમરી કાર્ડ નો રાઝ એમના હાથમાં લાગવાનો હતો,
સૌથી પહેલાં તેઓ ડોક્ટર અંબાલીયાને મળ્યા,
એમની હેલ્પથી જીમીને પકડવાનો તેમણે પ્લાન બનાવ્યો,
અને બીજી બાજુ ઇન્સ્પેક્ટર દિવાનના આદેશથી નાથિયો રાજસ્થાન ઉપડ્યો તે ધમકી આપવાવાળી ફેમિલીને શોધવા માટે....

'કોટા, રાજસ્થાન ......
સવારના દસ વાગ્યાનોસમય....!!'

"બર્યું ઓય તો હવારના પોરમો જ ગરમી લાગવા મંડી છ.
સાહેબ ખરું ખરું કરવા આલ છ..
હૌથી પેલ્લા તો પોણી પીવુ પડશે.

અલા ઓ ભઈ,
આ પોણીની બોટલ ચેટલાની છે? "
નાથિયાએ પૂછ્યું.

"૨૫ રૂપે કિ ભાયા?
તને કતણી ચાહિયે? "
દુકાનદારે પૂછ્યું.

"તુ લ્યા પેલા મન એક તો આલ..! "
નાથ્યો બગડ્યો.

પાણી પીતા પીતા નાથ્યાનું ધ્યાન રાજસ્થાનના એક લોકલ ન્યુઝ પેપર પડ્યું.
એમા એક ચહરો તેને ઓળખીતો દેખાયો.

"અલ્યા બાપા, આતો એ જ છે, જીણે પેલા ડૉક્ટરને ધમકાયેલો.
એ પોણીવાળા ભઈ, આ મોણસ કૂણ છે ને મન એ ચોં મળશે?
નાથિયો મોટેથી બોલ્યો.

દુકાનદાર બોલ્યો,
"યહા કા બોત બડા વ્યાપારી હે, ભાયા..
અગર ઉસસમિલનો હે તો,
ગરડીયા મહાદેવ જાણો પડેગો,
ભાયા સુણો હે કી બહોત બડી પૂજા હે વહા આજ.
બહોત બડો સંત આયો હે વટે..! "

"એવો તે વળી ચેવો બાવો આયો છ,
જોવુ પડશે માર...! "
નાથિયો બબડ્યો.

ચારે બાજુ હરિયાળી અને ચંબલ નદીની ઠંડક.
લાગે જ નહિ કે રણમાં આવ્યા છો ...!
આધ્યાત્મિકતા ચારેબાજુથી છલકાઈ રહી હતી, હવામાં જાણે ભક્તિનો એક નશો હતો.
અને બધા એ નશામાં ગળાડૂબ હતા.
દેશ-વિદેશથી આવેલા પચરંગી લોકોને જોતા જોતા નાથિયો ગરડિયા મહાદેવના દર્શનાર્થે પહોંચ્યો.

કેસરીયા વાગામાં સજ્જ,
રુદ્રાક્ષની માળાઓ ધારણ કરી,
આંખોમાંથી અગ્નિ ફેંકતી તીક્ષ્ણ નજર તમામ જનમેદની પર ફેંકી તે મહાપંડિતે હર હર મહાદેવ બોલીને શંખનાદ કર્યો ..

સમગ્ર જનમેદનીનો શોર તેમાં ભળ્યો.
ભક્તિનું પૂર એટલું વ્યાપક હતું કે નાથિયો પણ એમાં તણાઈ ગયો..
અચાનક નાથિયાનું ધ્યાન મહાપંડિત પર પડ્યું, અને તેનું મગજ છટક્યું,
"અલ્યા આ મોણસ ઓય ચોથી???"
નાથિયાએ જાણે મંદિરમાં ભૂત જોયું..

નાથિયો તરત ભાગ્યો અને તરત ઈન્સપેકટર દીવાનને ફોન લગાવ્યો,
"સાહેબ તમ જલ્દી આવો,
અહી કોક ગજબ થઈ રહ્યું છ.. "

To be continued..!

ડૉ.હેરત ઉદાવત.