જી હા! આમ તો આ આર્ટીકલ શ્રેણીનું નામ બોલિસોફી છે પરંતુ આજે આપણે એક ગુજરાતી ફિલ્મમાં રહેલા છૂપા સંદેશને ડિકોડ કરવાનો છે. આ ગુજરાતી ફિલ્મ છે, હજી ગયા શુક્રવારે જ રિલીઝ થયેલી, મોન્ટુ ની બિટ્ટુ!
આમ તો આ એક પ્રણય ત્રિકોણ દર્શાવતી ફિલ્મ છે પરંતુ અહીં વાર્તાનો એક ટ્રેક મોન્ટુના બિટ્ટુ પ્રત્યેના એકપક્ષીય પ્રેમનો પણ છે. આજે આપણે બોલિસોફીમાં એ જ એકપક્ષીય પ્રેમ વિષે થોડી ચર્ચા કરીશું. જો તમે હજી સુધી મોન્ટુ ની બિટ્ટુ ફિલ્મ ન જોઈ હોય તો પ્લીઝ આ આર્ટીકલને અવોઇડ કરજો કારણકે એમાં ભરપૂર સ્પોઈલર્સ છે!
આ ફિલ્મના મારા રિવ્યુમાં મેં લખ્યું હતું કે એકપક્ષીય પ્રેમ મારા મનગમતા વિષયોમાંથી એક છે. મારી પ્રથમ નવલકથા, શાંતનું જે માતૃભારતી પર ઉપલબ્ધ છે તે પણ એકપક્ષીય પ્રેમ પર જ આધારિત હતી. મોન્ટુ ની બિટ્ટુના મોન્ટુમાં મને ઘણી જગ્યાએ અથવાતો લગભગ આખી ફિલ્મમાં શાંતનુ દેખાયો, કારણકે શાંતનુ પણ પોતાના પ્રેમ માટે ગમે તે હદ સુધી જવા તૈયાર હતો. એકતરફી પ્રેમમાં પણ કેટલાક અલગ અલગ ફાંટા પડતા હોય છે. એક તો પેલા ‘ડર’ ફિલ્મના શાહરૂખ ખાન જેવો એકતરફી પ્રેમ હોય છે જેમાં પ્રેમીને તેની પ્રેમિકા કોઇપણ સંજોગોમાં જોઈતી જ હોય છે અને જો ન મળે તો તે કોઇપણ પ્રકારનું હિંસક પગલું ઉઠાવવાથી પણ ડરતો નથી હોતો.
તો બીજી તરફ બિટ્ટુ અથવા શાંતનુનો એકપક્ષીય પ્રેમ હોય છે જે એની પ્રેમિકા એને મળે એની ઈચ્છા તો એને ભરપૂર હોય છે પરંતુ જો ન મળે તો પણ ભગવાનના એ નિર્ણયનો તે સ્વીકાર કરે છે. એવા સંજોગો ઉભા થાય કે એની પ્રેમિકા એને મળે જ નહીં તો પણ એના માટે એ કશું પણ કરવા માટે તૈયાર હોય છે, એવી જ રીતે જે રીતે તે પહેલેથી જ એને પ્રેમ કરતી વખતે માનતો હતો.
મોન્ટુ ની બિટ્ટુનો મોન્ટુ એની બિટ્ટુનું એટલું તો ધ્યાન રાખે છે કે તેને ખબર છે કે પોતે બનાવેલી ચા વગર બિટ્ટુની સવાર પડવાની નથી એટલે એ કોઇપણ ભોગે એના માટે ચા બનાવીને લાવે છે અને વળી આ પાછો રોજીંદો ક્રમ થઇ જતો હોય છે. મોન્ટુ દુનિયાથી અલગ પિંક કલરનું સ્કૂટર પણ એટલા માટે ખરીદે છે કારણકે બિટ્ટુને ગુલાબી રંગ ગમે છે. વળી પોતાનું સ્કૂટર એ જાતે નથી ચલાવતો, પણ બિટ્ટુને ચલાવવા આપે છે. ટૂંકમાં કહીએ તો મોન્ટુ માટે બિટ્ટુ જ એનું સર્વસ્વ છે.
મોન્ટુને ખબર છે કે બિટ્ટુને એ ખબર છે કે તે એને પ્રેમ કરે છે પરંતુ તેના પર એ કોઇપણ પ્રકારનું દબાણ લાવતો નથી કે બિટ્ટુ પોતાનો પ્રેમ સ્વીકાર કરે. અરે! જ્યારે મોન્ટુને ખબર પડે છે કે બિટ્ટુ એક પેઈન્ટરને પ્રેમ કરે છે ત્યારે અડધી રાત્રે એ ખુદ બિટ્ટુને પેલા પેઈન્ટર મહાશયને પ્રપોઝ કરવા માટે એને ઘેર લઇ જાય છે. તો બિટ્ટુના ઘરવાળાઓને તેના આ સંબંધ વિષે ખબર ન પડે એટલે એ બિટ્ટુને એના પ્રેમી સાથે ફિલ્મ જોવા લઇ જાય છે અને પોતે થિયેટરની બહાર બેસે છે અને બિટ્ટુની ભાળ ન મળતા આખી રાત એને ગાંડાની જેમ શોધે છે.
ખરેખર જોઈએ તો પ્રેમ આને જ કહેવાય એવું કહેવું જરાય વધુ પડતું નથી. જો તમે કોઈને પ્રેમ કરતા હોવ તો પછી એ વ્યક્તિ તમને મળે કે ન મળે એનાથી શું તમારો પ્રેમ ઘટી જવાનો છે? ભદ્રકાળીના મંદિર સામે મોન્ટુ પણ એમ જ બોલે છે કે બિટ્ટુ મારી બને તો જ મારો પ્રેમ સાચો એવું નથી. ખરેખર તો તમે જેને પ્રેમ કરો છો એના સુખમાં તમે સુખી અને એના દુઃખમાં તમે દુઃખી એ સ્તરે જ્યારે તમે પહોંચી જાવ છો ત્યારે તમે પ્રેમનો સાગર તરી જતા હોવ છો.
એવું નથી કે માત્ર એકપક્ષીય પ્રેમમાં જ આવું શક્ય છે, જો પ્રેમ બંને પક્ષે હોય તો પણ એકબીજા માટે જીવવું એ તમારા પ્રેમનું એવું પ્રમાણ છે જેનું પ્રમાણ માંગવાની બિલકુલ જરૂર નથી હોતી. બિટ્ટુનો મોન્ટુ પ્રત્યેના વ્યવહારને જોઇને એવું પણ લાગે કે બિટ્ટુએ તેને taken for granted લઇ લીધો છે. એને ખબર છે કે હું ગમે તેટલું આનું અપમાન પણ કરીશ એ ક્યાંય જવાનો નથી. પણ એમાં બિટ્ટુનો વાંક નથી કારણકે એના માટે તો મોન્ટુ એ મિત્ર માત્ર છે અને મિત્ર પાસે તો ગમેતે મંગાય, કામ પડે તો એને તો અડધી રાત્રે પણ ઉઠાડાય અને હેરાન કરાય બરોબરને!
જ્યારે મોન્ટુ માટે બિટ્ટુનો પ્રેમ જ સર્વસ્વ છે અને એની કોઇપણ વાત એને પોતાનું અપમાન કરી રહી છે એવું એને નથી લાગતું. જ્યારે બિટ્ટુ સાથે લગ્ન કરવાની એનો પ્રેમી લગ્નની આગલી રાત્રે જ ના પાડે છે ત્યારે પોતાનો સ્વાર્થ સાધવાને બદલે મોન્ટુ એ પેઈન્ટરના ઘેર જાય છે અને એને બિટ્ટુને દુઃખ આપવા બદલ એનો ઉધડો લઇ લે છે. બિટ્ટુના લગ્ન તૂટી ગયા પછી પણ મોન્ટુ એ પરિસ્થિતિનો લાભ નથી લેતો, લઇ શકતો પણ નથી કારણકે એ બિટ્ટુને પ્રેમ કરે છે, અને જ્યારે બિટ્ટુ સામેથી એને પ્રપોઝ કરે છે છેક ત્યારે એ પરિસ્થિતિનો સ્વીકાર કરે છે.
ઘણીવાર આપણી ફિલ્મો આપણને ઘણી મોટી શિખામણો આપી જતી હોય છે અને પ્રેમની ખૂબ ઉંચી શિખામણ આ નવી ગુજરાતી ફિલ્મ મોન્ટુ ની બિટ્ટુ સમજાવી જાય છે. પ્રેમ એ પામવાની લાગણી નથી પરંતુ પ્રેમ એ ગુમાવીને પણ રાજી થવાની લાગણી છે એ મોન્ટુ અને શાંતનુ બંને સમજાવી જાય છે. જરૂર છે તો આપણે પ્રેમને અલગ દ્રષ્ટિએથી જોવાની અને તો જ બે પ્રેમી પાત્રો વચ્ચેનો પ્રેમ શુદ્ધ અને જીવંત રહેશે અને એ પણ કાયમ માટે.
૨૭ ઓગસ્ટ ૨૦૧૯, મંગળવાર
અમદાવાદ