આવતા જતા તમામને લાગેલો થાક ઉતારવાનું સાધન. આમ આપણે કહીએ કે થાક ખાવાનું. પણ થાક થોડો ખવાય, એતો થાક ઉતારાય. બાંકડો મોટા ભાગે બગીચામાં કે સોસાયટીના નાકે કે ગામના પાદરે કે બસ સ્ટેન્ડ પર જોવા મળે. બાંકડો એવું સાધન છે જ્યાં લોકો બધાય પ્રકારની વાતો કરે. નાનેરા ભુલાકાઓના "ઘર-ઘત્તા" લઈ મોટા વૃદ્ધોના " અમારા જમાનામાં તો "સુધીના બધા પોતપોતાની રીતે ત્યાં વાતો કરે ને સમય ગાળે. બાંકડાનો જન્મ ક્યાંથી થયો તો એના માટે આ કારણ ગણું બંધ બેસતું છે. "ઓટલો" હા ગામમાં ગયા હોવ તો ખ્યાલ હોય દરેક ફળિયાના નાકે ઓટલો હોય. પાછો ગામના પાદરે વિશાળ વડ ની ફરતે પણ ઓટલો હોય. આ ઓટલો જ બાંકડાંનો જન્મદાતા.
અત્યારે શહેરમાં લગભગ ક્યાંય ઓટલો જોવા ન મળે. ને હવે ધીરે ધીરે ગામડામાંથી પણ ઓટલા ગાયબ થઈ રહ્યા છે. ઓટલા બે પ્રકારના હોતા. એક માટીના અને લીંપણ(લીંપણ એ છાણ અને માટીનું બનાવેલ એક પ્રકારનું પ્લાસ્ટર) કરેલા બીજા પાકા હોય પથ્થર ના. ગામમાં ફળિયામાં દાખલ થાઓ એટલે પહેલા ઓટલા આવે અને એ જગ્યાને "માઢ" કહેવાય. ફળિયામાં દાખલ થવા કે બહાર આવવા એકજ માર્ગ હોય. આ માઢ મોટા બે લાકડાના દરવાજા વાળો હોય. માઢ લાકડામાંથી બનાવેલ હોય અને ઉપર એક માળ હોય જેને આજના જમાના પ્રમાણે "હોલ" કહી શકીએ. અને માઢ ની નીચે બે બાજુ ઓટલા અને વચ્ચે આવવા જવા નો રસ્તો. આ ઓટલા બાંકડાની જેમ ન હોય વિશાળ હોય અને જમીનથી 3 ફૂટ ઊંચા હોય. ત્યાં તમને બારેમાસ માણસો બેસેલા જોવા મળે. અને અલક મલક ની વાતો થાય. એ ઓટલા સવારે નાહવા માટે પણ વપરાતા. ઓટલના એક ખૂણામાં સહેજ આડાસ કરીને બકનાવેલ જગ્યામાં ફળિયાના માણસો વારાફરથી નાહવા જતા. ખેતરેથી આવી બધા જમીને ત્યાંજ આરામ કરતા.
તહેવારો ઓટલે જ ઉજવાતા. હોળી હોય તોય ત્યાં બધા ભેગામળી રંગતા ગણેશ ચતુર્થી માં ગણેશજી ઓટલા પરજ બિરાજે તો નવલા નોરતામા માંનો ગબ્બડ પણ ત્યાંજ બનતો અને રાત્રે ગરબા ગવાતા. દિવાળી ના દિવાય કરતા. કુવાસીઓના વ્રતના જાગરણ પણ ત્યાંજ થાય. ઉનાળે તો ઓટલે જગ્યા મેળવવાની હોડ લાગતી. કેમકે બધાના મકાન નીચા હોય ને સાંકડા હોય અને વીજળી હતી નઇ તો ઠંડો પવન એક ઓટલે જ મળે અને ત્યાંજ જમાવટ થતી. જો જગ્યા ના હોય તો ઘરેથી ખાટલા લઈને પણ બધા ત્યાંજ બેસતા. માઢ ઊંચો ને પહોળો હોવાથી ત્યાં પવન સારો આવે એટલે કોઈને ઉઠવાનું મન ન થાય.
ચોમાસામાં ઘર સાંકડા હોઈ અમુક લોકો ત્યાંજ ખોરાક રાંધવા માટેનું બળતણ નાંખતા. ઉનાળામાં વિવિધ રમતો ત્યાં જ રમાતી. આજે જેમ બાંકડે વાતો થાય એમ ત્યારે ઓટલે થતી. પણ ત્યારની અને આજના સમયની વાતો ના ભાવમાં ખૂબ ફેર હતો. ખેતરના પાકની અને ધોર-ઢાંખર ની વાતો તો કોઈકના સગપણ ની વાતો એથી વિશેષ ન હોય. કારણકે ત્યારે ખેતી શિવાય કોઈ જાજુ વિચારતું નોહતું. બધાના મન સ્વચ્છ હતા.
જેમ જેમ સમય પસાર થતો ગયો એમ એમ શહેરો મોટા થતા ગયા અને લોકો ગામડામાંથી શહેરમાં જાવા લાગ્યા. ત્યાં ઓટલાનું સ્વરૂપ બાંકડાએ લીધું. સ્વરૂપ બદલાયું પણ ઉપયોગ એવોજ. બગીચામાં કે બસ્ટેન્ડ પર કે સોસાયટીના મધ્યે બાંકડા આવી ગયા. લાકડા કે લોખંડના કે સિમેન્ટના. બાંકડો એટલે કરોડપતિ અને એક ગરીબ- ભિક્ષુક બેય ત્યાં બેસે. આજે બાંકડો સૌથી મોટો સાક્ષી કહી શકાય. સ્કૂલના વિદ્યાર્થીની વાતો હોય કે ઓફીસ ની કે પડોસણની કે પ્રેમી યુગલની વાતો ત્યાંજ થાય. પરિક્ષમાં નાપાસ થયેલ વિદ્યાર્થી કબાંકડેજ મનનું દુઃખ ઠાલવે તથા ઓફિસની ઝાટકણી પણ ત્યાંજ શાંત થાય અને બીજી અનેક સમસ્યાઓ બાંકડેજ ઠલવાય પછી ભલેને કોઈ સાંભળનાર ન હોય. બાંકડો બધું સાંભળે અને કોઈને ના કહે. ગરીબ નું ઘર છે બાંકડો. રાત પડે ને ત્યાં સુવા આવે અને ભોજન પણ માળી જાય રાત્રે ગણા લોકો ત્યાંજ દાન પુણ્ય કરવા જાય. કોઈની વાટ જોવાની હોય તો બાંકડો જ સાથ આપે. આજે કદાચ જે વૃદ્ધો છે એ બાંકડે બેસી પોતાના ભુતકાળની ઓટલે બેસીને કરેલી વાતો અને વિતાવેલ સમય યાદ કરતા હશે.