Limelight - 34 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૩૪

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૩૪

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૪

રસીલીએ પ્રકાશચંદ્રની પોતે કરેલી હત્યાને સામાન્ય બાબત તરીકે લીધી હતી એ વાતનો કામિનીને અંદાજ આવ્યો હતો. પણ રસીલી મને હત્યારી સાબિત કરીને પોતાનો કોઇ સ્વાર્થ સિધ્ધ કરવા માગતી નથી ને? એવો વિચાર કામિનીના મનમસ્તકમાં ટકોરા મારી રહ્યો હતો. રસીલીએ મારી પાછળ જાસૂસી કરાવીને ઘણી બધી માહિતી તો મેળવી જ લીધી છે. મેં પ્રકાશચંદ્રની હત્યા કરી એનો એકરાર કરી લીધા પછી તેના ચહેરા પર સામાન્ય ભાવ જ હતા. તે મારા મોંએ હત્યાની વાત ઓકાવવામાં સફળ થઇ છે. મેં એના પ્રત્યેની લાગણી અને એણે કરેલા અહેસાનને યાદ કરીને આટલું મોટું રહસ્ય તેની સામે છતું કરી દીધું છે. તેના પર અત્યાર સુધી કરેલા વિશ્વાસનો તેણે ઘાત કર્યો નથી. એટલે આ વખતે પણ તે મારો સાથ આપશે. તેણે એવો વિશ્વાસ અપાવ્યો જ છે. અને તેણે પ્રકાશચંદ્રએ તેના પર કરેલા અત્યાચારને કારણે આ હત્યાને વ્યાજબી ઠેરવી છે. આમ પણ એને કોઇને કોઇ રીતે પ્રકાશચંદ્રથી છૂટકારો જોઇતો જ હતો. તેણે ચાહ્યું હોત તો તે પ્રકાશચંદ્રને જાતીય શોષણ કરવા બદલ બદનામ કરી શકી હોત. તેણે પુરાવા પણ રાખ્યા હોય શકે. એના માટે તો પ્રકાશચંદ્રની વિદાય ટાઢા પાણીએ ખસ ગઇ જેવી જ વાત છે. તેણે વાત ટાઢકથી જ કરી છે. તેની વાતમાં મારા જેવી કોઇ ઉગ્રતા નથી. મેં એને બધી વાત કરીને ખોટું કર્યું નથી. યોગ્ય જગ્યાએ જ દિલની લાગણીઓ ઠાલવી છે.

કામિનીને વિચારોમાં ડૂબેલી જોઇ રસીલીએ તેના ખભા પર હાથ મૂકી ઢંઢોળી. "બહેન, વધારે વિચાર કરીને પોતાને અપરાધી ના માનો. દરેકને તેના પાપની સજા કોઇને કોઇ રીતે મળે છે. પ્રકાશચંદ્ર માટે તમે નિમિત્ત બન્યા છો. એમના ખરાબ કર્મોની સજા તમારા હાથે મળી છે. આપણે ન્યાય તોળવાવાળા કોઇ નથી. બધું સમય અને સંજોગો કરાવે છે. તમે એવી તે કેવી રીતે હત્યા કરી કે તેને આત્મહત્યામાં ખપાવવાનું સરળ થઇ ગયું અને તમારો ક્યાંય હાથ હોવાનું સાબિત ના થઇ શક્યું? મને ખરેખર નવાઇ લાગે છે...."

કામિનીને હવે રસીલી પર પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો હતો. રસીલી પોતાની સાથે જ છે અને પોતાને કોઇ હાનિ પહોંચાડી શકે એમ નથી એવું સાબિત થઇ રહ્યું છે. અંદરખાને તો કદાચ રસીલી પ્રકાશચંદ્રની હત્યાથી મારા જેટલી જ ખુશ હોય એમ લાગે છે. કામિનીને રસીલી હમદર્દ લાગી. કામિનીએ કોઇ ડર કે અવિશ્વાસ વગર આખી વાત કહેવા મન બનાવ્યું. તેણે ઊંડા શ્વાસ લીધા અને શરૂઆત કરી.

"પ્રકાશનો જન્મદિવસ નજીક હતો. મને ખબર હતી કે ફિલ્મની નિષ્ફળતાને કારણે તે જન્મદિવસ ધામધૂમથી તો નહીં સાદાઇથી પણ ઉજવી શકવાનો નથી. એટલે મેં ઘરમાં જ જન્મદિવસ ઉજવવાનું નક્કી કર્યું હતું. અને સાથે એ પણ નક્કી કર્યું હતું કે જે હાથથી તેના જન્મદિવસની કેક કાપવાની છે એ જ ચપ્પુથી તેની જીવનરેખા કપાઇ જાય. તેણે મને આટલાં વર્ષોમાં શારીરિક જ નહીં કોઇ પ્રકારનું સુખ આપ્યું ન હતું. હું માનસિક રીતે પણ ત્રાસ ભોગવી રહી હતી. પોલીસના ચોપડે જે ફરિયાદો ચઢતી ન હોય એવી આપણે ભોગવતા રહીએ છીએ. જે શારીરિક સુખ માટે મેં બલિદાન આપ્યું એ સુખ માટે મને ક્યારેય તેણે યોગ્ય ગણી નહીં તેનું ખૂન્નસ મારા લોહીમાં જ્વાળા બનીને ફરતું હતું. એ દુ:ખ, નિરાશા અને તડપમાં હું વગર અગ્નિએ શેકાતી હતી. એમને સારા કરવા, એમનું પુરુષત્વ પાછું મેળવવા મેં તારો ઉપયોગ કર્યો એનો મને બહુ વસવસો થયો હતો. તે એકલો સુખ માણે એ મારાથી સહન થતું ન હતું. મેં "લાઇમ લાઇટ" ના ફાઇનાન્સ માટે કેટલાય લોકો પાસે ભીખ માગી હતી. મારા ઘરેણાં જ નહીં ઘરને પણ ગિરવે મૂકી દીધું હતું. એ સિવાયના ઘણાં દુ:ખ વહોરી લીધા હતા. એની પ્રકાશને કોઇ કદર તો ઠીક ચિંતા સુધ્ધા ન હતી. ફિલ્મની નિષ્ફળતાથી તે હતાશ અને નિરાશ થયો હતો પણ દેવું ચુકવવાની એને એટલી ચિંતા ન હતી. તેને તારી સાથે મોજ કરવી હતી.

મેં નક્કી કરી લીધું કે પ્રકાશના દિવસો હવે ભરાઇ ગયા છે. અને આ એ જ સમય છે જ્યારે તેના મૃત્યુ બાબતે કોઇને શંકા જવાની નથી. બે દિવસ પહેલાં તે બીમાર પણ થઇ ગયો હતો. ફિલ્મની નિષ્ફળતાની આડમાં તેનું કાટલું કાઢી નાખવા મારા હાથ સળવળવા લાગ્યા હતા. મને ખબર હતી જ કે પ્રકાશચંદ્રને જન્મદિવસ ઉજવવાનો ઉત્સાહ ન હતો. તેમણે ના જ પાડી પણ હું માની નહીં. અને કહ્યું કે "તમે આ બહાને તો થોડા ખુશ રહેશો. આજના દિવસે તમારી બધી સમસ્યાઓ અને ચિંતાઓને ભૂલી જાવ. સાંજે આપણે બે જણા જ બર્થડે ઉજવીશું. આપણે કોઇને બોલાવવા નથી." આ વાતથી તે માની ગયા. અને મેં બધું ગોઠવી દીધું. મને ખબર હતી કે કોઇની હત્યા કરવી એ સરળ વાત ન હતી. એ મોટો ગુનો હતો. પણ એમણે એટલા ગુના કર્યા હતા કે અફસોસ થાય એમ ન હતું. મેં મનોબળ મક્કમ કર્યું.

બજારમાંથી બે દિવસ પહેલાં લાવીને ફ્રીઝમાં મૂકેલી કેક લાવીને અમારા રૂમમાં ટેબલ પર મૂકી. મેં જાણીબૂઝીને પ્લાસ્ટિકનું ચપ્પું મંગાવ્યું ન હતું. ઘરનું જ મોટું ચપ્પું કાઢ્યું હતું. મેં ટેબલ પર કેક મૂકી અને "તુમ જીયો હજારો સાલ..." ગીત સ્પીકર પર ચાલુ કર્યું. એનો અવાજ મોટો રાખ્યો હતો. જેથી આ રૂમમાં જે ઘટના બનવાની હતી એનો આસપાસમાં અણસાર ના આવે. ગીત ગુંજતું હતું ત્યારે પ્રકાશને સ્વપ્ને પણ ખબર ન હતી કે તેના જીવનમાં હવે હજાર સેકન્ડસ પણ બાકી ન હતી. તે જન્મ દિવસને કારણે થોડો ખુશ હતો. તેના અંતિમ સમય પર તે ખુશ હતો પણ એ હાસ્ય લાંબું ટકવાનું ન હતું. કેક કાપવાની ક્ષણ નજીક આવી ગઇ. તેના પર એક મીણબત્તી સળગાવી દીધી. મેં જાણીજોઇને રૂમની બધી જ લાઇટો બંધ કરી દીધી. અને તરત જ હાથના મોજા ચઢાવી દીધા. અંધારામાં આ વાતનો તેને ખ્યાલ આવવાનો ન હતો. મેં તેને કેક કાપવા કહ્યું. તે ટેબલ પાસેની ખુરસી પર બેઠો હતો. હું તેની પાછળ જ ઊભી રહી. અને તાળીઓ વગાડી "હેપ્પી બર્થ ડે ટુ યુ..." ગાવા લાગી. સ્પીકરના અવાજમાં મારા શબ્દો ખાસ સંભળાતા ન હતા. તેણે મીણબત્તીને ફૂંક મારીને ઓલવી નાખી ત્યારે તેને ખબર ન હતી કે તેની જીવનજ્યોત પણ બૂઝાવાની હતી. જેવું તેણે કેક કાપવા ચપ્પું હાથમાં લીધું કે મેં અડધી ક્ષણ પણ ગુમાવ્યા વગર તેના જમણા હાથને જબરદસ્તી પકડી બીજા હાથના કાંડાની નસ પર હતું એટલું જોર અજમાવી ચપ્પું ઘસી નાખ્યું. તેની નસ કપાઇ ગઇ. મેં જ્યારે તેનો હાથ પકડ્યો ત્યારે એક ક્ષણ તો તેને એમ જ લાગ્યું હશે કે હું કેક કાપવામાં તેને સાથ આપી રહી છું. પણ પછી તેને વિચારવાનો કે પ્રતિકારનો સમય જ ના મળ્યો. તેના કાંડામાંથી લોહી વહેવા લાગ્યું. તે તરફડવા લાગ્યો. ઘા એટલો ભારે હતો કે તેની હાલત ખરાબ હતી. તેણે જીવ પર આવીને બચવા માટે ભાગવાનો પ્રયત્ન કર્યો પણ મેં તેને ઊભો થવા દીધો નહીં. એમાં કેક આમતેમ પડી ગઇ. થોડી ઝપાઝપી થઇ. એ ઝપાઝપીને મેં પોલીસ બયાનમાં તેને બચાવવાના પ્રયત્ન તરીકે ઓળખાવી દીધી. તેની શક્તિ હણાઇ ગઇ હતી. તેણે નિ:સહાય રીતે મારી આંખોમાં જોયું. મારી આંખોમાં ખુશીની ચમક હતી. તે અવાક હતો. કંઇ બોલવા માગતો હતો. પણ તે બોલી શક્યો નહીં. તે ટેબલ પર ઢળી પડ્યો અને આંખો ખુલ્લી રહી ગઇ. મેં હાથના મોજા કાઢી તેની આંખો બંધ કરી. જાણે જીવનનું એક પ્રકરણ બંધ કર્યું.

પ્રકાશના જમણા હાથમાંથી ચપ્પું નીચે સરી પડ્યું હતું. મેં ઝટપટ હાથના મોજા વોશિંગ મશિનમાં અડધા ધોઇને રાખેલા કપડામાં નાખી દીધા અને મશીન ચાલુ કરી દીધું. મારા કપડાં પર લોહીના ડાઘ હતા એ રહેવા દીધા. પોલીસ તપાસ દરમ્યાન મેં એવું ચિત્ર રજૂ કર્યું કે હું આબાદ બચી ગઇ. મેં જણાવ્યું કે હું ટેબલ પર કેક અને ચપ્પું મૂકી બીજા રૂમમાં તૈયાર થવા ગઇ એ દરમ્યાન તેમણે ડાબા હાથ પર ચપ્પું ફેરવી દીધું. મેં આવીને તેમના હાથનું લોહી બંધ કરવાનો પ્રય્ત્ન કર્યો તો એમણે મને ધક્કો માર્યો અને તેમને ઊભા કરવાનો પ્રયત્ન કર્યો પણ તે ઢળી જ પડ્યા. પોલીસની એફએસએલની તપાસમાં પણ ચપ્પા પર સ્વાભાવિક રીતે તેમના જ હાથના નિશાન હોવાનું સાબિત થયું. અને ફિલ્મની નિષ્ફળતા તથા તેમની માનસિક સ્થિતિ સારી ન હોવાનું ચિત્ર તો મેં પોલીસ સામે બરાબર ઊભું કરી દીધું હતું. ફિલ્મ માટે ઉછીના લીધેલા રૂપિયાનું લીસ્ટ પણ બનાવીને જ રાખ્યું હતું. તેનાથી એ વાત સાબિત થઇ કે આર્થિક સંકટ મોટું હતું. ઇન્સ્પેકટરને એક વખત શંકા તો થઇ હતી. પણ સ્થળ પર કોઇ પુરાવા ન હતા. વળી તેં છેલ્લી વખત ફોન પર વાત થઇ ત્યારે પ્રકાશ નિરાશામાં હોવાની વાત કરીને મહોર મારી દીધી હતી. સારું થયું કે પોલીસે મારો ફોન ચેક ના કર્યો. મેં તેમના મોત પછી છેલ્લી તારી સાથે જ વાત કરી એ પોલીસ ઇન્સ્પેકટરે જાણ્યું હોત તો તેમની શંકાને બળ મળ્યું હોત. મેં તને મોઘમ એવો ઇશારો કરવા ફોન કર્યો હતો કે તેમની આત્મહત્યા સાચી સાબિત થાય એવું કરજે. ત્યારે તને શંકા થઇ જ હશે મારા ઉપર. પણ એ સિવાય મારા માટે કોઇ વિકલ્પ ન હતો. તેં સારો સહકાર આપ્યો અને કેસ આત્મહત્યાનો હોવાનું પુરવાર ન થતાં પોલીસ માટે તેને બંધ ન કરવાનું કોઇ કારણ ન હતું...."

કામિનીએ વાત પૂરી કરતી હોય એમ શ્વાસ લેવા ચૂપ રહી. ત્યાં જ તેના મોબાઇલની રીંગ રણકી. સ્ક્રીન પર પોલીસ ઇન્સ્પેકટર રાણાવતનો નંબર જોઇ તેની આંખોમાં ભય ડોકાયો. મોબાઇલ સાથે તેનો હાથ ધ્રૂજવા લાગ્યો. રસીલીએ હાથના ઇશારાથી પૂછ્યું કોનો ફોન છે? કામિનીની વાચા હરાઇ ગઇ હોય એમ બોલવા કરતાં તેણે મોબાઇલનો સ્ક્રીન રસીલીને બતાવ્યો. રસીલી પણ પોલીસ ઇન્સ્પેક્ટરનો ફોન જાણી ચમકી. પણ તેણે હિંમત બંધાવી ફોન ઉપાડવા કહ્યું.

શંકા-આશંકાથી ગ્રસ્ત કામિનીએ સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરી ફોન ઉપાડી મુશ્કેલીથી શબ્દો ઉચ્ચાર્યા:"હં...હેલો..."

"હા, કામિની મેડમ, નમસ્તે. હું પોલીસ ઇન્સ્પેક્ટર રાણાવત. તમને ડિસ્ટર્બ કર્યા છે પણ મારે તો ફરજ બજાવવાની છે. પ્રકાશચંદ્રના કેસમાં તમારે આજે પોલીસ મથકમાં હાજર થવું પડશે...."

કામિનીને બોલવાનું મન થયું કે તમે જ તો કહ્યું હતું કે કેસ બંધ થઇ ગયો છે. તો હવે શેની પૂછપરછ કરવાની છે? પણ તેણે આદેશનું પાલન કરવાનું હતું. તેણે "જી..." કહ્યું.

"તમે એક કલાક પછી આવો. હું તમારી રાહ જોતો હોઇશ...." કહી પોલીસ ઇંસ્પેક્ટરે ફોન મૂકી દીધો.

ત્યારે જ રસીલીના મોબાઇલમાં મેસેજનો ટોન વાગ્યો. તેણે જોયું તો સાકીર ખાનનો મેસેજ હતો.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં પોલીસ ઇન્સ્પેકટરે હવે કામિનીને કેમ હાજર થવા કહ્યું? શું પ્રકાશચંદ્રનો કેસ ફરી ખૂલશે? કામિનીનું રાજીવ સાથે દુબઇ જવાનું શું થશે? તે દુબઇ જઇ શકશે? રસીલીને સાકીર ખાનનો શું મેસેજ હશે? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. તેના ૩.૧ લાખથી વધુ વ્યુઝ લોકપ્રિયતાના પુરાવા છે. એક અતિ સ્વરૂપવાન અને માદક યુવાનીથી છલકાતી છોકરી અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે એક પછી એક ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તાનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણી "આંધળો પ્રેમ" પણ આપને વાંચવી ગમશે.

***