Limelight - 33 in Gujarati Fiction Stories by Rakesh Thakkar books and stories PDF | લાઇમ લાઇટ - ૩૩

Featured Books
Categories
Share

લાઇમ લાઇટ - ૩૩

લાઇમ લાઇટ

-રાકેશ ઠક્કર

પ્રકરણ- ૩૩

રસીલીના શબ્દો આખા રૂમમાં કામિનીને પડઘાતા લાગ્યા. પ્રકાશચંદ્રની હત્યા થઇ છે એ કહેવા રસીલી ખાસ આવી હતી એ કામિનીને સમજાઇ ગયું. કામિનીને આશંકા હતી જ કે કોઇ મોટો ધડાકો કરવા રસીલી આવવાની છે. રસીલીએ કોઇ ઔપચારિક વાત કર્યા વગર સીધી જ પ્રકાશચંદ્રની હત્યાની વાત કરી એ જાણી કામિનીને ધોળે દિવસે તારા દેખાવા લાગ્યા. તેનું માથું ભમવા લાગ્યું. રસીલી નિર્લેપ થઇને પ્રકાશચંદ્રની હત્યા થઇ હોવાની વાત ઉચ્ચારી ગઇ હતી. કામિની એ નક્કી કરી ન શકી કે રસીલી હત્યાની શક્યતા વ્યક્ત કરી રહી છે કે ખરેખર તેની પાસે કોઇ પુરાવા છે? કામિનીએ તેના પર એકસાથે અનેક સવાલનો મારો કર્યો હતો: "કોણે કરી હત્યા? ક્યારે કરી? કેવી રીતે કરી?" પણ રસીલી એકીટશે પ્રકાશચંદ્રની તસવીર સામે જ જોઇ રહી હતી. કામિનીના સવાલો કે પ્રત્યાઘાતની જાણે તેને કોઇ અસર જ થઇ રહી ન હતી. કામિનીને થયું કે રસીલી હત્યાની વાત કરીને કોઇ ચાલ ચાલવા માગે છે કે શું? રસીલી એમનેમ તો આવો સવાલ ઊભો કરે એવી નથી. અને એ પણ પ્રકાશચંદ્ર વતી સવાલ પૂછી રહી છે. કામિનીએ પ્રકાશચંદ્રની હસતી તસવીર તરફ જોયું પણ તેમની નજર જીરવાતી ન હોય એમ બે ક્ષણ માટે આંખો બંધ કરી દીધી.

રસીલી પણ ચૂપ ઊભી હતી. તે કામિની તરફ વળી અને તેનો ખભો ફેરવી પોતાની આંખો તેની આંખોમાં નાખી બોલી:"બહેન, તમને નથી લાગતું કે પ્રકાશચંદ્રનો આ સવાલ સાચો છે? તેમણે આત્મહત્યા કરી નથી. તેમની હત્યા કરવામાં આવી છે....."

"રસીલી, તું આ શું કહી રહી છે. એમનું મોત થયું ત્યારે તું અહીં હતી જ નહીં. અને પોલીસ તપાસમાં પણ એવું કંઇ બહાર આવ્યું નથી. ખુદ પોલીસ ઇન્સ્પેક્ટરે આત્મહત્યા હોવાનું સાબિત થયા પછી તપાસ બંધ કરી દીધી હતી. તું કયા આધારે પ્રકાશચંદ્રની આત્મહત્યા ન હોવાનું માની રહી છે?" કામિની ગૂંચવાઇ ગઇ હતી. તેને લાગ્યું કે મગજ બહેર મારી જશે.

"બહેન, તમારું દિલ શું કહે છે? પ્રકાશચંદ્ર એટલા કાયર હતા કે જીવનનો આમ સસ્તામાં અંત લાવી દે. એમણે એક ફિલ્મ બનાવી હતી "સફેદ અંધેરા". એની વાર્તા તમને ખબર જ છે. એક વૃધ્ધ કેવા કપરા સંજોગોમાં હિંમત હાર્યા વગર આશાની એક નાનકડી જ્યોતના સહારે નિષ્ફળતારૂપી અંધારામાં પ્રકાશ પાથરે છે અને જીવનની દરેક આંટીઘૂટીમાંથી સાંગોપાંગ બહાર આવે છે. દરેક અંધારાનો રંગ કાળો જ હોતો નથી. જો આપણે જોઇએ તો એ અંધારું સફેદ પણ હોય છે. જેમાં આશાનો -શાંતિનો રંગ હોય છે. જે માનવીને નિરાશ થવા દેતો નથી. પ્રકાશચંદ્રએ રંગોના સરસ ઉપયોગથી પોતાની એ ફિલ્મ "સફેદ અંધેરા" નો અંત સવાર જેવો સોનેરી બતાવ્યો હતો. આવી વિચારધારા ધરાવનાર પુરુષ જીવનનો આમ અચાનક અંત લાવી દે એવું તમે માનો છો? તમારું દિલ માને છે? તમારા દિલને ઢંઢોળી જુઓ, એ શું કહે છે?"

રસીલીના સવાલ કામિનીને દિલમાં છેક ઊંડે સુધી વાગી ગયા. કામિની અંદરથી હચમચી ગઇ હતી. તે દિલથી તો ભાંગી જ પડી હતી. શરીરથી પણ ભાંગી પડી હોય એમ પોતાના પગ પરથી કાબૂ ગુમાવી બેઠી. કામિનીને રસીલીએ પકડી લીધી ના હોત તો તે જમીન પર પત્તાના મહેલની જેમ ફસડાઇ પડી હોત. રસીલીએ તેને સંભાળીને ખુરશી પર બેસાડી. કામિની કોઇ જવાબ આપવાની સ્થિતિમાં ન હતી. રસીલી તેને ખુરશી પર સરખી બેસાડીને રસોડામાં જઇ પાણી લઇ આવી.

કામિનીએ ચાર ઘૂંટડા પીધા અને સ્વસ્થ થઇ બોલી:"રસીલી, તું જ કહે ને કે હત્યા થઇ હોય તો કોણે કરી?"

રસીલીએ સહજ સ્વરે કહ્યું:"બહેન, તમે તમારી જાતને જ આ પ્રશ્ન પૂછો. તમને જવાબ મળી જશે..."

કામિનીના હ્રદય પર ભાર વધી ગયો. તે ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી. રસીલીએ તેને હળવી થવા દીધી. કદાચ કામિની સત્યનો સામનો કરી શકે એમ ન હતી. રસીલી એને ધીમેધીમે સત્યના રસ્તા તરફ લઇ જઇ રહી હતી. રસીલીએ કામિનીને ફરી પાણી પાયું.

"બહેન, કોઇ ડર કે ગભરાટ રાખ્યા વગર દિલ ખોલીને વાત કરો. તમારું કોઇ કશું બગાડી શકવાનું નથી. હું તમારી સાથે છું..." કહી ભરોસો વ્યક્ત કરતી હોય એમ રસીલીએ કામિનીના ખભા પર હાથ દબાવ્યો.

"પણ...પણ... તને કેવી રીતે લાગ્યું કે પ્રકાશચંદ્રએ આત્મહત્યા કરી નથી અને તેમની હત્યા થઇ છે?" કામિનીનું આશ્ચર્ય શમતું ન હતું પણ તે હવે ખૂલી રહી હતી.

"હું એ બધું જ પછી જણાવીશ. પહેલાં તમે કહો કે પ્રકાશચંદ્રએ ખરેખર આત્મહત્યા કરી હતી?" રસીલી હવે જાણે તેના મોંમાં આંગળા નાખીને બોલાવી રહી હતી.

કામિનીની જીભ તાળવે ચોંટી ગઇ હતી. તે કંઇક બોલવા માગતી હતી પણ બોલી શકતી ન હતી. આખરે રસીલીએ તેની પીઠ પર હાથ ફેરવ્યો અને બોલી:"પ્રકાશચંદ્રની હત્યા તમે જ કરી હતી ને બહેન?"

કામિની ફરી રડી પડી. અને ચિત્કારી ઊઠી:"હા, મેં જ પ્રકાશને મોતને ઘાટ ઉતાર્યો છે. એ મોતને લાયક જ હતો......." પછી જાતે જ આંસુ લૂછીને ડર સાથે બોલી: ...પણ તારા મનમાં કેવી રીતે આ વાત આવી. તું કોઇને કહી તો નહીં દેને?"

કામિનીથી બોલતાં તો બોલાઇ ગયું. પણ પછી ફડક પેઠી. પોતે પતિની હત્યાની કબૂલાત કરી હતી. પણ ન જાણે કેમ રસીલી પર તેને વિશ્વાસ હતો. છતાં ખાતરી કરતી હોય એમ તેનો હાથ પકડી વચન માગી રહી.

"બહેન, હું કોઇને કહેવાની નથી. આ રહસ્ય જે રીતે તમારા દિલમાં અકબંધ રહ્યું એમ મારા દિલમાં રહેશે. એ ક્યારેય બહાર આવશે નહીં..." કામિનીને ધરપત આપતી હોય એમ રસીલીએ તેનો હાથ દબાવ્યો.

"તું જાણે જ છે કે હું તેનાથી કેટલી દુ:ખી હતી. મને તો એમ જ હતું કે આ વાત કોઇ જાણતું નહીં હોય. કોઇ કલ્પના સુધ્ધાં કરશે નહીં. અને તું આટલા વિશ્વાસથી કેવી રીતે પૂછી રહી હતી?" કામિની કૂતુહલથી પૂછી રહી.

રસીલીએ હવે વાતની માંડણી શરૂ કરી:"બહેન, તમારી વાતો જ નહીં તમારું વર્તન મને ઘણા સમયથી કોઇ વિચિત્ર ઇશારો કરી રહ્યું હતું. અને પ્રકાશચંદ્રએ મૃત્યુ પહેલાં મને ફોન કર્યો ત્યારે એમની કોઇ વાત પરથી મને લાગતું ન હતું કે તે આત્મહત્યા કરી શકે. પોલીસ ઇન્સ્પેક્ટરને પણ મેં અડધી ખોટી વાત કરી હતી. તેમના પર દેવું વધી ગયું ગયું હતું. તે પરેશાન હતા. "લાઇમ લાઇટ"ની નિષ્ફળતાએ તેમને આંચકો આપ્યો હતો. એવું બધું કહ્યું હતું. પણ મને ખબર હતી કે તે ભાંગી પડ્યા ન હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તે મારી સાથે બીજી ફિલ્મ બનાવીને આ દેવું ચૂકતે કરી દેશે. તે કહેતા હતા કે તેઓ એટલા પણ નાસીપાસ થયા નથી કે ક્યાંક ભાગી જાય. તે પરિસ્થિતિથી ભાગવા માગતા ન હતા. તે સામનો કરવા માગતા હતા. મેં બધી જ મદદ કરવાનું આશ્વાસન આપ્યું હતું. હા, મેં તેમની સાથેના શારિરીક સંબંધ બાબતે બહુ દાદ આપી ન હતી. પણ એ આખી અલગ વાત હતી. પ્રકાશચંદ્ર મનથી મજબૂત હતા. તે બહારથી તૂટી ગયેલા દેખાતા હતા. તેમની જીજીવિષા મજબૂત હતી. તે કોઇપણ પરિસ્થિતિનો સામનો કરવા શક્તિમાન હતા. મેં ઇન્સ્પેકટરને એવી જ વાત કરી હતી કે તે ફિલ્મની નિષ્ફળતાથી આઘાતમાં હશે. પ્રકાશચંદ્ર આત્મહત્યા કરવા મજબૂર બન્યા હશે. પરંતુ મારું દિલ માનતું ન હતું. અને તમે જ્યારે મારા ઘરે આવી તેમના ત્રાસની અને બીજી બધી વાતો કરી એ પુરવાર કરવાનો પ્રયત્ન કર્યો કે પ્રકાશચંદ્ર મોતને લાયક જ હતા ત્યારે મારી શંકા વધારે મજબૂત બની. અને ફિલ્મ માટે ફાઇનાન્સ આપનાર રાજીવ ગોયલ મુખ્ય હતા. તેમણે ક્યારેય ઉઘરાણી કરી ન હતી. એટલે મેં મારા એક વિશ્વાસુ માણસ મારફત તમારા વિશે તપાસ કરાવી અને તેને તમારી પાછળ ફેરવ્યો ત્યારે પાકું થઇ ગયું કે તમારો રાજીવ સાથે કોઇ પ્રકારે સંબંધ છે. અને તમે લોઢું ગરમ જોઇ હથોડો મારીને પ્રકાશચંદ્રને તમારા માર્ગમાંથી હટાવી દીધા હોય એવી પૂરી શક્યતા હતી. આ કામમાં રાજીવનો તમને સાથ હતો કે નહીં એ હું કહી શકું એમ નથી. મેં તો તમારી વાતો, કેટલાક સંજોગો, પોલીસની શંકા અને પ્રકાશચંદ્રના સ્વભાવના અનુભવના અનુમાનથી જ કહ્યું હતું કે તેમની હત્યા થઇ હોય એવું લાગે છે. મારું અનુમાન સાચું પડશે એવી મને ખાતરી ન હતી. હું તમારા પર સીધો આક્ષેપ કરવા માગતી ન હતે. પણ તમે બોલતા ન હતા એટલે મારે જ તમારું નામ લેવું પડ્યું. તમે ઇન્કાર કરી શક્યા હોત. પણ તમે મારી સામે પ્રામાણિક્તા બતાવી છે. તમારી પરિસ્થિતિ ખરેખર વિકટ હતી. મારી વાત કરું તો હું તેમની હત્યા થાય અને તેમનાથી પીછો છૂટે એવું ઇચ્છતી ન હતી. પણ કોઇક રીતે તેમનાથી દૂર થઉં એવું સતત થયા કરતું હતું. મેં અલગ જગ્યાએ ફ્લેટ લઇ લીધો હતો અને તેમના અહેસાનમાંથી નીકળીને દૂર જવાની જ હતી. હું પણ તેમનાથી એક રીતે ત્રાસી ગઇ હતી. તેમણે ઘણી વખત ઇચ્છા વિરુધ્ધ મારું જાતીય શોષણ કરવાનું શરૂ કરી દીધું હતું. તે મને તેમના રમવાનું રમકડું જેવી સમજવા લાગ્યા હતા. એક વખત તો એવો વિચાર આવી ગયો હતો કે "મી-ટુ" અભિયાનમાં જોડાઇ જઉં અને હું પણ જાહેર કરું કે મારું જાતીય શોષણ મારા નિર્દેશકે કર્યું છે. બીજી હીરોઇનોએ તો વર્ષો પછી મોં ખોલ્યું. પણ હું તરત જ જાહેર કરવા માગતી હતી. પણ મને મારા ભૂતકાળે રોકી. બીજી અભિનેત્રીઓ વર્ષો સુધી ચૂપ રહી એની પાછળ તેમની મજબૂરી હોય શકે. મારી મજબૂરી મારો ભૂતકાળ હતો. હું એક વેશ્યા હતી. અને એ વાતની તેમને ખબર હતી. એ આ વાત જાહેર કરી દે તો મારો આક્ષેપ બૂઠ્ઠો બની જાય. મને ચરિત્રહિન ગણીને મારે "મી-ટુ" સાથે શું લેવાદેવા એમ કહી દે તો હું ફિલ્મોમાંથી ફંગોળાઇ જાઉં અને ફરી એ કોઠા પર જઇને બેસી જાઉં. હું મારા જ હાથે મારા સોનેરી ભવિષ્યને અંધકારમય બનાવવા માગતી ન હતી....મેં પણ મારા પતિને જીવનમાંથી છૂટો કરી દીધો હતો. એ તો પોતાની મોત જ મરવાનો છે."

રસીલી થોડીવાર શ્વાસ લેવા રોકાઇ. કામિનીએ રાજીવનો રસીલીના મુખે ઉલ્લેખ સાંભળ્યા પછી વિચારમાં પડી ગઇ હતી. તેણે આજે જ રાજીવ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. કદાચ રસીલીને એ વાતની ખબર પડી ગઇ હોય એમ પણ બને. તેણે એક માણસ મારો પીછો કરવા મૂક્યો હોવાની વાત કહી જ છે. રાજીવનો પ્રકાશચંદ્રની હત્યામાં હાથ અને સાથ છે કે નહીં? એ પણ તે જાણવા માગે છે. એની પાછળનો તેનો આશય શું હોય શકે? રસીલીને પ્રકાશચંદ્રની હત્યાનું કોઇ દુ:ખ નથી એમ કહેવા માગે છે. એમ કહીને મને વિશ્વાસમાં લઇ તે કોઇ ચાલ તો ચાલી રહી નથી ને? કામિનીને શું કરવું એ જ સમજાતું ન હતું. રસીલી સાથે કેટલી વાત કરવી અને કેટલી છુપાવવી? કે બધું જ સાચું કહી દેવું? એ નક્કી થતું ન હતું. પોતે કેવી રીતે પ્રકાશચંદ્રની હત્યા કરી એ કહેવું કે કેમ? એ વિચારવા લાગી.

વધુ આવતા સપ્તાહે...

*

મિત્રો, ૫૫૦૦૦ થી વધુ વ્યુઝ ધરાવતી "લાઇમ લાઇટ"ના આ પ્રકરણમાં પ્રકાશચંદ્રની હત્યાની આરોપી તરીકે કામિનીને તેના મોં પર જ જાહેર કરવા પાછળ ખરેખર રસીલીની કોઇ યોજના હતી? કામિનીએ પ્રકાશચંદ્રની હત્યા કેવી રીતે કરી કે એને આત્મહત્યામાં ખપાવી શકવામાં સફળ રહી? એ પ્રશ્નોના જવાબ તમને આગળના પ્રકરણોમાં ચોંકાવી દેશે. આપનું રેટીંગ જરૂરથી આપશો. એ માટે આભાર!

*

મિત્રો, માતૃભારતી પર સૌથી વધુ વંચાયેલી મારી પહેલી નવલકથા "રેડલાઇટ બંગલો" તમે હજુ સુધી નથી વાંચી? તો આજે જ વાંચો. તેના ૩ લાખથી વધુ વ્યુઝ લોકપ્રિયતાના પુરાવા છે. એક અતિ સ્વરૂપવાન અને માદક યુવાનીથી છલકાતી છોકરી અર્પિતા કેવી રીતે કોલેજના એક ટ્રસ્ટી રાજીબહેનની જાળમાં ફસાઇને વેશ્યા બને છે, અને પછી કેવી રીતે તેમની સામે એક પછી એક ચાલ પર ચાલ રમી બદલો લે છે તેની રહસ્ય, રોમાંચ, ઉત્તેજના સાથેની દિલચશ્પ વળાંકો લેતી અને દિલધડક પ્રસંગોથી ભરપૂર વાર્તાનું અંતિમ પ્રકરણ તો સૌથી વધુ પસંદ કરવામાં આવ્યું છે. તેમાં જે નવતર વિચાર છે એને વાચકોએ વધાવી લીધો છે.

આ ઉપરાંત માતૃભારતી પર મારી અન્ય શ્રેણી "આંધળો પ્રેમ" પણ આપને વાંચવી ગમશે.

***