રેવાનાં કાને અથડાયેલાં આ શબ્દો તેને એક નવી ઉર્જા આપી રહ્યાં અને ફટાફટ તેણે પાછળ જોયું. વિનયની આંખોમાં આંસુ હતાં અને આંખો કાગળ પર...
કૌશલને પણ આ સાંભળી આશ્ચર્ય થયો. રેવા જલદીથી વિનયની નજીક આવી અને કાન માંડીને સાંભળવા લાગી. કૌશલની આંખોમાં શક ચોખ્ખો દેખાતો હતો. તેને વિનય પર એક ટકાનો પણ વિશ્વાસ નહતો. બીજી તરફ વિનયની આંખોમાં પાણી હતું અને મોં પર નિરાશાના ભાવ. રેવાએ કહ્યું " બોલ.. હું સાંભળું છું... પણ જે બોલે તે સાચું બોલજે.."
વિનયે પોતાની વાત રજૂ કરતાં કહ્યું " આ એ જ દિવસની વાત છે જ્યારે અમે પરીક્ષા પુરી કરી ઘર તરફ આવી રહ્યા હતાં. હું અને રચના બંને બહું ખુશ હતાં કે ઘેર જઈએ છીએ. અને એથી પણ વધારે ખુશી હતી કે છેવટે અમારાં સંબંધ ને નામ આપવાની પહેલી કોશિશ કરીશું. આપણા ગામ નજીક નજીક જ છે એટલે અમે બસમાં સાથે આવતાં હતાં. એ દિવસે રચના ઘડી ઘડી મને કહીં રહી હતી કે આજે તેનું મન ગભરાય છે. ખબર નહીં કેમ પણ તેને કશુંક ખરાબ થવાનો અનુભવ થાય છે. પણ હું બહું ખુશ હતો એટલે મેં તેની વાત સાંભળી- નાસાંભળી કરી નાખી. અને જ્યાંથી અમાંરાં ગામનાં રસ્તા છુટાં પડતાં હતાં ત્યારે જતાં પહેલાં મેં જ રચનાને કહ્યું હતું કે તારાં માટે મારાં ઘેરથો માંગો આવશે તૈયાર રહેજે. હું ઘેર પહોચ્યો, મારાં પપ્પા મારું સ્વાગત કરવાં ઉભાં જ હતાં. મને જોઈને ખુશ હતાં. એટલે મેં તેમની ખુશીનો લાભ લઈ રચના વિશે બધી વાત જણાવી. પણ..."
" પણ શું?.." રેવા તરત બોલી.
" પણ તેમણે ચોખ્ખી ના પાડી દીધી. મને થયું હું તેમને મનાવી લઈશ. પણ તેમનું મન માત્ર મને સરપંચ બનાવવા પાછળ જ હતું. અને તે દિવસ સુધી તેમણે દરેઈ વાત જે મને સરપંચ બનતાં રોકે તેને જડમૂળમાંથી કાઢી નાખી હતી. અને લગ્ન જેવી મોટી વાત માટે ના માનવું સ્વભાવિક હતું. મેં તેમને ઘણું સમજાવ્યું અને તેમણે પણ મને સમજાવ્યું કે હું આ જીદ છોડી દઉં પણ ના હું માન્યો કે ના પપ્પા. પોતાનું સપનું મુશ્કેલીમાં મુકાતાં જોઈ તેમણે આ વાતને પણ જડમાંથી જ ઉખાડવાની યોજના બનાવી. જેને સાંભળી મારી આંખો પહોળી થઈ ગઈ. " વિનય બોલતાં બોલતાં રડી પડ્યો.
" શું યોજના?.. અને એવું તો શું સાંભળ્યું? " રેવાએ ભીની આંખે પુછ્યું. વિનયની જીભ અટકવા લાગી. પણ છતાં તેણે બોલ્યું " મારાં પપ્પા કોઈ સાથે વાત કરતા હતાં કે પેલી છોકરી રચનાને એવી બનાવી દો કે તેનું લગન મારાં વિનય સાથે તો છોડો કોઈ પણ સાથે ના થાય... તેનું માન સન્માન અને ઈજ્જત ઉતારી દો.... બસ એક જીવતી લાશ જેમ પોતાનું જીવન વિતાવવી જોઈએ અને બતાવી દો લોકોને કે મારાં દિકરાંનાં સપનાં જોવાનું પરિણામ શું આવશે.... આ સાંભળી મને ધ્રાસ્કો પડ્યો અને મેં તરત પપ્પાની સાથે વાત કરી. પણ તેમનાં નીચ વિચારો ખુટતા જ નહતાં. તેમણે શર્ત મુકી કે કાં તો હું રચનાને ભૂલી જાવ અથવા તો રચનાને તેની ખુશીઓ ભૂલવા દઉં. તું જ કહે રેવા હું શું કરતો?...મારી જોડે કોઈ રસ્તો નહતો " વિનય બોલતાં સાથે જ જમીન પર ઢળી પડ્યો.
જોર જોરથી મજબુરીની પોકારો રેવાનાં કાનમાં ગૂંજી રહી હતી. માથામાં જાણે હથોડા પડી રહ્યાં હોય તેમ માથું દુખાવા લાગ્યું. ભાન ગુમાવતી રેવાની આંખોમાં અંધારું છવાઈ ગયું. આજુબાજુનો કોઇ અવાજ કાનમાં પડી નહતો રહ્યો. અવાજ હતો તો માત્ર દુઃખનો અને મજબુરીનો. પોતાને એ દુઃખથી પસાર થવાનો અહેસાસ અને મગજનાં કોઈક ખૂણે ઝીણો અસ્પષ્ટ અવાજ...દીદીને બચવો.. ના દીદી ના.. ના કરશો લગન.. બચાવો.. દીદીને....અને એટલામાં જોરથી ઝાટકો વાગ્યો અને રેવા તેનાં વિચારોમાંથી બહાર આવી.
વિનય તેને બોલાવી રહ્યો હતો. " શું થયું રેવા?.. શું વિચારે છે?.." પણ પોતે જ ના સમજી શકતી રેવા બીજાને શું સમજાવે એટલે તેણે વાત ટાળી અને વિનયને આગળ કહેવાં કહ્યું. વિનયે વાત પુરી કરતાં કહ્યું " બસ પછી શું! મેં તેમની વાત માની અને રચનાને ભૂલવાની કોશિશ કરી. પણ વાત શાંત થાય તે પહેલાં રચનાનાં પપ્પા મારાં ઘેર આવી ગયાં. અને તેમની સામે મારે કહેવું પડ્યું જે હું નહતો કહેવાં માંગતો. અને રોષે ભરાયેલા રચનાનાં પપ્પા સાથે મારાં પપ્પાનો ઝઘડો થઈ ગયો. "
" હાં અને જ્યારે તે માન્યા નહીં એટલે તેમને મારી નાખ્યા! " કૌશલે વાત કાપતા કહ્યું. " ના ના કૌશલ એ તદ્દન ખોટી વાત છે . રચનાનાં પિતાનાં માથે ગુસ્સો ગાંડાતુર બની ચડ્યો હતો. તે ઝઘડતાં ઝઘડતાં બહાર નિકળ્યા. થોડી મારાંમારી જરુર થઈ હતી પણ મારાં ગામનાં કોઈ વ્યક્તિએ એટલો ખરાબ ઘા નહતો કર્યો કે તેમની મોત થાય. ઝઘડામાં રચનાનાં પિતાનો પગ લપસી ગયો અને તેમનું માથું નીચે પડેલી ઈંટ પર પટકાયું અને લોહીલુહાણ....આ જોઈ બધાં ગભરાઈ ગયાં અને કોઈ કશુ કરે તે પહેલાં તો....." કૌશલનું મન ઉભરાઈ રહ્યું હતું પણ ધીરજ ધરી તે ઉભો રહ્યો. રેવાએ આ સાંભળી વિશ્વાસ જ નહતો થતો કે કોઈ આટલાં વર્ષો સુધી ના કર્યાની સજા ભોગવે છે.
કૌશલે પુછ્યું " તો પછી અમારાં ગામમાં એવી વાતો કેવી રીતે ઉપડી કે તમે તેમને માર્યાં હતાં?!" વિનયે ધીરજથી જવાબ આપ્યો " એ તો ખબર નથી. પણ હોઈ શકે આપણાં અને ગામનાં દુશ્મનો હોય જે શાંતિ જાળવવામાં માનતાં જ ના હોય. તેમણે અફવા ફેલાવી હશે. બાકી હું ત્યાં જ હતો જ્યારે આ બધું થયું એટલે કહું છું કે કોઈ ભૂલ નહતી અમારી. " કૌશલને પોતાની વાત પર પછતાવો થવાં લાગ્યો. ધીમે ધીમે બધી વાતો ખુલતાં વિનય કરતાં પોતાની ભૂલનો અહેસાસ થવાં લાગ્યો. શું બોલે સમજાતું નહતું. થોડીવાર માટે મૌન બંધાયું અને છેવટે રેવાએ પુછ્યું " તો શું તું દીદીને ભુલી ગયો?.." વિનયે પોતાની જાત પર જ હસતાં કહ્યું " હ્રદય ધબકવાનું ભુલી શકે?, પેટ ભૂખને ભુલી શકે?... પંખીડા ઉડવાનું ભુલી શકે?.. જો ના.. તો હું રચનાને કેવી રીતે?.....પણ હું બંધાયેલો છું મારાં વચનથી અને ખાસ તો રચનાનાં પ્રેમથી..." રેવાને હવે ભરોસો હતો કે વિનયથી વધું પ્રેમ રચનાને કોઈ નહીં કરે અને તરત તેના મનમાં વિચાર આવ્યો કે વિનયને જ અહીથી બહાર કાઢી લઈએ તો વાત જ પુરી.. એટલે તેણે કહ્યું " મારી જોડે એક રસ્તો છે જેથી તને રચના જોડે જવાનો અવસર મળી શકે છે. "
વિનય આ સાંભળી ખુશ થઈ ગયો પણ કૌશલ ચિંતામાં પડી ગયો વિચારવા લાગ્યો " હેં ભગવાન.. આ છોકરી કોઈ વાતથી ધરાતી જ નથી. એક તો આટલી મુશ્કેલીથી અહીંયા આવ્યા અને હવે જ્યારે બધું સુધરવા લાગ્યું છે તો ફરી તેની કોઈ મગજ વગરની યોજનાથી બધાને મુશ્કેલીમાં પાડી દેશે..."
વિનયે પુછ્યું " જલદી બોલ રેવા.. શું છે તારી જોડે યુક્તિ? હું રચનાને મળવા બધું કરીશ..." રેવાએ ધીમાં અવાજે કહ્યું " તું અમારી સાથે ઘેરથી ભાગી જા.. અને દીદી જોડે લગ્ન કરીને જ આવજે. પછી શું કોઈ બોલવાના હતાં! "
કૌશલે આ સાંભળી વિચાર્યું " થઈ ગયું કલ્યાણ. ખબર જ હતી આવું જ કંઈક કહેશે જે શક્ય જ ના હોય " વિનયને આ સાંભળી આશ્ચર્ય થયો અને પોતાનાં પિતાનો સ્વભાવ જાણતો હોવાથી તેણે આમ કરવાની ના પાડી દીધી. કૌશલે પણ વિનયની વાતથી સહમત થતાં ના પાડી. પણ રેવા ચુપ બેસે તેમ હતી નહીં.
પણ પ્રશ્ન એ હતો કે શું રસ્તો અપનાવશે રેવા?!.....
ક્રમશઃ