વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 60
પોલીસ ઓફિસર મિત્રએ અમને સલાહના સૂરમાં કહ્યું કે અપ્પુ ટકલા પાસેથી હવે શક્ય એટલી વધુ માહિતી શક્ય એટલા ઓછા સમયમાં લઈ લેવાની કોશિશ કરજો!
પોલીસ ઓફિસર મિત્રનો ઈશારો અમારી સમજમાં આવ્યો હતો, પણ પપ્પુ ટકલા અંડરવર્લ્ડકથા પોતાની આગવી સ્ટાઈલથી કહેતો હતો. અને એના મૂડ પ્રમાણે એની વાત કહેવાની સ્ટાઈલ જુદી જુદી રહેતી હતી.
બે દિવસ પછી ફરીવાર એના ઘરે અમારી મુલાકાત થઇ ત્યારે પપ્પુ ટકલાએ બ્લેક લેબલ વ્હીસ્કીનો પેગ બનાવીને ફાઈવફાઈવ ફાઈવ સળગાવી હતી. સિગારેટનો ઊંડો કશ લઈને એણે અમને પૂછ્યું, ‘આપણે ક્યાં પહોચ્યા હતાં?’ અને એની આદત પ્રમાણે અમારો જવાબ સાંભળવાની રાહ જોયા વિના જ એણે વાત માંડી દીધી હતી, ‘૧૯૯૫ સુધી દુબઈમાં દાઉદ-છોટા રાજન વચ્ચેની ગેંગવોરમાં કે દાઉદ ગેંગની આંતરિક લડાઈમાં લોહી રેડાયું નહોતું. પણ ૧૯૯૫ના ઓગસ્ટ મહિનામાં છોટા રાજન અને દાઉદ ગેંગ વચ્ચેની વોરમાં દુબઈ પણ રક્તરંજિત બન્યું હતું. દુબઈમાં દાઉદની માલિકીની ગણાતી ફાઈવ સ્ટાર હોટેલ ‘રિજન્સી પૅલેસ’ દુબઈમાં ગેંગવોરનું પ્રથમ કેન્દ્ર બની.
દાઉદ ગેંગનો શાર્પશૂટર અને દાઉદનો અત્યંત વિશ્વાસુ સાથીદાર સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા બીજા એક ગુંડા સાથે ‘રીજન્સી પેલેસ’ હોટેલની બહાર નીકળી રહ્યો હતો ત્યારે અચાનક બે રિવોલ્વરધારી માણસ એમની સામે ઘસી આવ્યા હતા. એમણે સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા અને એના સાથીદાર પર ગોળીબાર શરૂ કર્યો. શાર્પશૂટર સાવત્યાએ જે.જે. માર્ગ શૂટ આઉટ સહિત અનેક ઘટનામાં ડઝનબંધ માણસોને ગોળીએ દીધા હતા. પણ પોતાનો બચાવ કરવા માટે પિસ્તોલ કાઢવાની પણ એને તક મળી નહીં. સાવત્યા અને એનો સાથીદાર ‘રિજન્સી પેલેસ’ હોટેલમાં ઢળી પડ્યા એ પછી પણ તેઓ બચી ન જાય એની પૂરી તકેદારીરૂપે હત્યારાઓએ તેમની ગરદન છરીથી ચીરી નાખી અને પછી તેઓ રફુચક્કર થઇ ગયા.’
આ ઘટનાથી દાઉદ ઇબ્રાહિમ ડઘાઈ ગયો, પણ કળ વળી એટલે તરત એણે વળતા હુમલાની તૈયારી શરુ કરી દીધી હતી. છોટા રાજને દાઉદ ગેંગ માટે સૌથી સલામત ગણાતા દુબઈમાં દાઉદ ગેંગના ટોપ ટ્વેન્ટી પાવરફુલ સભ્ય પૈકી એક ગણાતા શાર્પશૂટર સાવત્યાને ખતમ કરી નાખ્યો હતો. આનો જડબાતોડ જવાબ ન અપાય તો દાઉદ ગેંગના ગુંડાઓ છોટા રાજનથી ડરીને એના શરણે જવાનો વિચાર કરતા થઇ જાય એવી શક્યતા દાઉદે જોઈ હતી.
છોટા રાજનને એના જ વિસ્તારમાં ફટકો મારવા માટે દાઉદે આયોજન કર્યું હતું. અને ૧૯૯૫, ૧૯ મી સપ્ટેમ્બરે ભરબપોરે દાઉદ ગેંગના શૂટરો મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં ત્રાટક્યા.
ચેમ્બુરમાં છોટા રાજનની વિરુદ્ધ એક પાંદડું પણ હલી ન શકે એવું છોટા રાજનના સાથીદારો છાતી ઠોકીને કહેતા હતા. પણ દાઉદના શૂટરો છોટા રાજનના ગઢ સમાં ગણાતા ચેમ્બુર વિસ્તારમાં ઘસી ગયા હતા. એમનું નિશાન છોટા રાજન ગેંગના ફાઈનાન્સર ગણાતા ખમતીધર બિલ્ડર ઓમપ્રકાશ અને મોહન કૂકરેજા હતા.’
‘૧૯ સપ્ટેમ્બર, ૧૯૯૫ના દિવસે બપોરના અઢી વાગ્યે ચેમ્બુરની સિંધી સોસાયટીના આઠમા રોડ પર ત્રિશુલ એપાર્ટમેન્ટની સામે એક મારુતિ વેન આવીને આંચકા સાથે ઉભી રહી.’ પપ્પુ ટકલાએ કોઈ અઠંગ સ્ક્રિપ્ટ રાઈટરની અદાથી વાતને વળાંક આપતા કહ્યું, ‘સિંધી સોસાયટીના ત્રિશુલ એપાર્ટમેન્ટની ‘એ’ વિંગમાં કુકરેજા બિલ્ડર્સની ઓફીસ સામે ઉભી રહેલી મારુતિ વેનમાંથી ત્રણ યુવાન હાથમાં એક ફિફ્ટી સિક્સ ગન અને સ્ટેનગન સાથે ઉતર્યા. ડ્રાઈવિંગ સીટ ઉપર બેઠેલો યુવાન હાથમાં ગન લઈને ચાંપતી નજર રાખતો કારમાં જ બેસી રહ્યો.
એકે ફિફ્ટી સિક્સ સાથે કુકરેજા બિલ્ડર્સની ઓફિસ તરફ ઘસી રહેલા યુવાનો પૈકી એકે ઓફિસના દરવાજે ઉભેલા સિક્યુરીટી ગાર્ડની છાતી પર સ્ટેનગન ધરીને કહ્યું, ‘હિલના મત નહીં તો મારે જાઓગે’ સિક્યુરીટી ગાર્ડ લાલજી તિવારી પૂતળાની જેમ સ્થિર થઇ ગયો. આમ પણ એના હાથમાં બચાવ કે આક્રમણ કરવા માટે એની પોતાની માલિકીની ત્રણ ફૂટની લાકડી જ હતી. ! મોટી, માંજરી આંખો, ભરાવદાર મૂછો અને મજબૂત શારીરિક બાંધો ધરાવતા લાલજી તિવારીને અબજો રૂપિયામાં આળોટતા બિલ્ડર બંધુઓ ઓફિસની સલામતી જાળવવા માટે મહીને ૧૫૦૦ પગાર પેટે આપતા હતા.’
‘સિક્યુરીટી ગાર્ડને ધમકી આપીને શસ્ત્રધારી યુવાનો ઓફિસમાં પ્રવેશ્યા એ સાથે લાલજી તિવારી દોડીને ઓફિસના કંપાઉન્ડમાં પાર્ક થયેલી આરમાડા જીપ નીચે સૂઈ ગયો. પણ કુકરેજા બિલ્ડર્સની ઓફીસના કંપાઉંન્ડમાં ઊભેલા કારડ્રાઈવર રાજમોહન અન્નાથી રહેવાયું નહીં. એણે સશસ્ત્ર યુવાનોને ઓફિસમાં પ્રવેશતા જોયા એ સાથે એણે વફાદારી બતાવતાં બહાર આવીને ઉભી રહેલી મારુતિ વેનનો નંબર નોંધવાની કોશિશ પણ કરી. પણ એણે શર્ટના ખિસ્સામાંથી પેન બહાર કાઢી એ સાથે વેનમાં બેઠેલા યુવાને સ્ટેનગન ધણધણાવી હતી અને રાજમોહન અન્ના લોહીલુહાણ થઈને ઢળી પડ્યો.’
`બીજી બાજુ બિલ્ડર મોહન કુકરેજાએ પોતાની ચેમ્બરના ક્લોઝ સર્કીટ ટીવીના સ્ક્રીન પર શસ્ત્ર યુવાનોને ઓફિસમાં ઘસી આવતાં જોયાં એ સાથે જ એમણે પોતાની ચેમ્બરના ઓટોમેટીક લોક તરફ રીમોટ કંટ્રોલ ધરીને ચેમ્બર અંદરથી લોક કરી લીધી. એ પછીની ક્ષણો મોહન કુકરેજા માટે અસહ્ય હતી.
(ક્રમશ:)