Once Upon a Time - 59 in Gujarati Biography by Aashu Patel books and stories PDF | વન્સ અપોન અ ટાઈમ - 59

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વન્સ અપોન અ ટાઈમ - 59

વન્સ અપોન અ ટાઈમ

આશુ પટેલ

પ્રકરણ - 59

‘૧૯૯૫માં અનીસ ઈબ્રાહિમની ધરપકડ વખતે મુંબઈ પોલીસ અને સીબીઆઈના અધિકારીઓ અંધારામાં જ રહ્યા હતા. એમને એટલી ખબર હતી કે અનીસની ધરપકડ થઈ છે. અને એને ભારત લાવી શકાશે. એવી શક્યતા ઉભી થવાથી સીબીઆઈ અને પોલીસ અધિકારીઓ હરખાઈ ગયા હતા. પણ અનીસ ઈબ્રાહિમને બહેરીન પોલીસે છોડી મુક્યો એની ખબર એમને મોડે મોડે પડી હતી,’ પપ્પુ ટકલાએ ઈમ્પોર્ટેડ લાઈટર હાથમાં રમાડતાં પૂરક માહિતી આપતા કહ્યું, ‘બીજી બાજુ મુંબઈમાં છોટા શકીલના સાથીદારો અને અનીસ તથા અબુ સાલેમના સાથીદારો સામસામે આવી ગયા હતા. અબુ સાલેમ અને અનીસના સાથીદારોએ છોટા શકીલના લાગતા વળગતા બધા પર દાઝ કાઢી હતી. છોટા શકીલને મુંબઈમાં અને વિદેશમાં પણ દાઉદની તાકાતનો પરચો મળ્યો હતો. દાઉદે અનીસને છોડાવી લીધો હતો અને છોટા શકીલે સમય પારખીને નીચી મૂંડી કરી દીઘી હતી. અગાઉ અમદાવાદનો અબ્દુલ લતીફ અને લખનૌનો બબલુ શ્રીવાસ્તવ પહેલા દાઉદ સામે મેદાને પડ્યા પછી તેઓ દાઉદના શરણે જતા રહ્યા હતા એ જ રીતે છોટા શકીલે દાઉદની માફી માગી લેવી પડી હતી.’

તમારે એક વાત ખાસ લખવી જોઈએ કે મુંબઈમાં સિરિઅલ બોમ્બ બ્લાસ્ટ્સ પછી મુમ્બૈયા અંડરવર્લ્ડની ગેંગવોર વિદેશોમાં પણ શરુ થઈ હતી. છોટા રાજને ડ્રગ માફિયા અને દાઉદના મિત્ર પીલુ ખાનને બેંગકોકમાં ગોળીએ દીધો એ પછી દાઉદ અને છોટા રાજને એકબીજાને ખતમ કરવા માટે આકાશપાતાળ એક કર્યા હતા. તો વળી દાઉદ ઇબ્રાહિમ ગેંગ જે મુંબઈના બોમ્બ બ્લાસ્ટ્સ અગાઉ અકબંધ કહી શકાય એવી હતી એમાં એક મોટું ભંગાણ પડ્યું અને પછી અનીસ અને છોટા શકીલ વચ્ચે જામી પડી. ગેંગમાં અને ગેંગ બહારના પ્રતિસ્પર્ધીઓને હંફાવવા માટે છૂટથી સામ, દામ, દંડ, ભેદના શસ્ત્રોનો ઉપયોગ થવા માંડ્યો હતો.

મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ પછી બીજી પણ એક મહત્વની વાત એ બની કે દાઉદ ગેંગમાં ટોચના ગુંડાઓમાં મુસ્લિમોનો સમાવેશ થયો. છોટા રાજન અને ઠાકુર તથા સાધુ શેટ્ટી અને સુભાષસિંઘ ઠાકુર જેવા ખેપાની ગુંડા સરદારોએ દાઉદ ગેંગ સાથે છેડો ફાડી નાખ્યો. એમની જગ્યાએ છોટા શકીલ, લંબુ શકીલ,અબુ સાલેમ અને મોહમ્મદ ડોસા જેવા નમૂનાઓ ગોઠવાઈ ગયા. જોકે એમ છતાં દાઉદની ગેંગના સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા, અનીલ રામચંદ્ર પરબ અને શરદ અન્ના શેટ્ટી જેવા અપવાદરૂપ બિનમુસ્લિમ ગુંડા સરદારો મહત્વનું સ્થાન ભોગવતા હતા.

અનીલ પરબ મુંબઈના ટપોરીમાંથી દાઉદનો વિશ્વાસુ બન્યો હતો. અને દાઉદના હવાલાના કારોબારને એણે ખંતપૂર્વક વિકસાવ્યો હતો. તો દાઉદ ઇબ્રાહિમનું મુંબઈના પાકમોડિયા સ્ટ્રીટમાં મકાન હતું. ત્યાંથી થોડે દૂર કુલ ટ્રીટ નામનું આઈસ્ક્રીમ પાર્લર ચલાવતા ચલાવતા અંડરવર્લ્ડમાં પહોંચી ગયેલો લંબુ શકીલ પણ દુબઈમાં ઠરીઠામ થયો હતો. એ પણ મુંબઈમાં દાઉદના હવાલા નેટવર્કની દેખરેખ રાખવા ઉપરાંત કોન્ટ્રકટ કિલિંગના પૈસાની ચુકવણી અને ખંડણી ઉઘરાવવા જેવી પ્રવૃત્તિઓ દુબઈમાં બેઠા બેઠા સંભાળતો હતો. તો દુબઈના સ્મગલર અબ્દુલ વહાબ ગલધારીના બોડીગાર્ડ તરીકે કામ કરતા કરતા પોતે સ્મગલર બનીને પછી દાઉદ ગેંગમાં જોડાઈ ગયેલો મોહમ્મદ ડોસા મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટ્સ માટે આરડીએક્સ પહોંચાડયા પછી દાઉદ ગેંગમાં મહત્વનું સ્થાન ધરાવતો થઇ ગયો હતો. જયારે શરદ અન્ના શેટ્ટી ક્રિકેટ મેચ ફિક્સિંગના અને આલીશાન હોટેલના માલિકો પાસેથી પૈસા પડાવવાના કામમાં માહેર થઇ ગયો હતો. સુનીલ સાવંત ઉર્ફે સાવત્યા પણ દાઉદ ગેંગમાં અત્યંત મહત્વનું સ્થાન ધરાવતો શાર્પ શૂટર હતો. સાવત્યાના નામથી દાઉદ ગેગની હરીફ ગેંગના ગુંડાઓ ધુજતા હતા...’

જાણે રનિંગ કોમેન્ટ્રી આપતો હોય એમ પપ્પુ ટકલા ધડાધડ માહિતી આપી રહ્યો હતો. આ વખતે અમારી બેઠક લાંબી ચાલી હતી. રાતના પોણા ત્રણ વાગી ચુક્યા હતા. અને પપ્પુ ટકલા સવાર સુધી વાત કરવાના મૂડમાં હોય એવું લાગતું હતું. ચેઈન સ્મોકર પપ્પુ ટકલાએ ફાઈવફાઈવફાઈવના પેકેટમાંથી વધુ એક સિગારેટ કાઢીને મોંમાં ગોઠવી.

નવી ફાઈવફાઈવફાઈવ સળગાવીને ઊંડો કશ લીધા પછી એણે વાતનો દોર સાધ્યો. ‘૧૯૯૨માં બોમ્બ બ્લાસ્ટ્સ પછી ૧૯૯૫ સુધી દુબઈમાં દાઉદ-છોટા રાજનની ગેંગવોરમાં કે દાઉદની ગેંગની આંતરિક લડાઈમાં લોહી રેડાયું નહોતું. પણ ૧૯૯૫માં દુબઈના નૈફ રોડ પર ફાઈવસ્ટાર હોટેલ ‘રિજન્સી પેલેસ’ની બહાર દાઉદનો એક વિશ્વાસુ સાથીદાર અન્ય એક ગુંડા સાથે આવ્યો ત્યારે રિવોલ્વરધારી બે ગુંડા અચાનક ક્યાંકથી આવી ચડ્યા...’

અમે ઉત્સુકતાથી પપ્પુ ટકલાની વાત સાંભળી રહ્યા હતા ત્યાં પપ્પુ ટકલાનો મોબાઈલ ફોન રણકી ઉઠ્યો. પપ્પુ ટકલાએ બીજા રૂમમાં જઈને મોબાઈલ ફોન પર વાત પતાવીને અમારી સામે આવતા દિલગીરી વ્યક્ત કરતાં કહ્યું, ‘સોરી, પણ મારે હમણાં જ કયાંક જવું પડે એમ છે. આપણે પછી મળીશું.’ અમે એને કંઈ કહી શકીએ એમ નહોતા એટલે ઉતાવળથી એ બોલી રહ્યો હતો. અમે પોલીસ ઓફિસર મિત્ર સાથે પપ્પુ ટકલાની રજા લીધી. પપ્પુ ટકલાના ઘરમાંથી બહાર નીકળીને અમે પોલીસ ઓફિસર મિત્ર સાથે એમની પર્સનલ કારમાં ગોઠવાયા. પપ્પુ ટકલાએ પણ અમારી પાછળ પાછળ નીચે ઉતરીને હોન્ડા સિટી કારનું ઓટોમેટીક લોક ખોલ્યું. રાતના ત્રણ વાગ્યે આ માણસને શું કામ આવી પડ્યું હશે, અમે વિચાર્યું.

***

રાતના ત્રણ વાગ્યે મોબાઈલ ફોન પર વાત કર્યા પછી પપ્પુ ટકલા ભેદી રીતે કાર લઈને બહાર નીકળ્યો હતો. પોલીસ ઓફિસર મિત્ર અમને ઘરે મુકવા આવ્યા એ દરમિયાન એમણે પપ્પુ ટકલા વિશે વાત કરી હતી પપ્પુ ટકલા ફરીવાર અંડરવર્લ્ડના કળણમાં ખૂંપી રહ્યો હોવાની માહિતી એમને મળી હતી. અમે પપ્પુ ટકલાને પહેલી વાર મળ્યા ત્યારે એની પાસે મારુતિ વેન હતી હવે અચાનક એ હોન્ડા સિટી કારમાં ફરતો થઇ ગયો હતો. અંડરવર્લ્ડમાં પાછા જવાની ફરજ પડી હશે કે પોતાના શોખ પૂરા કરવા માટે એણે આ રસ્તો પકડ્યો હશે, એવા વિચારો અમારા મનમાં આવ્યા હતા. પપ્પુ ટકલાને અંડરવર્લ્ડના સભ્ય બનવાની કિંમતરૂપે અગાઉ જુવાનજોધ દીકરો ગુમાવવાનો વારો આવ્યો હતો. એ પછી એણે અંડરવર્લ્ડ સાથે છેડો ફાડી નાખ્યો હતો. પોલીસ ઓફિસર મિત્રએ અમને સલાહના સૂરમાં કહ્યું કે આ માણસ પાસેથી હવે શક્ય એટલી વધુ માહિતી શક્ય એટલા ઓછા સમયમાં લઈ લેવાની કોશિશ કરજો!

(ક્રમશ:)