વન્સ અપોન અ ટાઈમ
આશુ પટેલ
પ્રકરણ - 58
‘તમને થતું હશે કે માત્ર માફિયા સરદારોના અહમને કારણે જ મુંબઈમાં અત્યાર સુધીમાં બે હજારથી વધુ હત્યાઓ થઇ હશે. પણ આ બધી ગેંગવોર માત્ર અને માત્ર પોતાનું વર્ચસ્વ સ્થાપીને વધુ કમાણી કરવાની લાહ્યમાં જ શરુ થઇ હતી. ૧૯૫૫ સુધીમાં સ્મગલિંગ, વેશ્યાલયો, હવાલા,ખંડણી ઉઘરાણી અને કોન્ટ્રેક્ટ કિલિંગ(સુપારી), ડ્રગ્સ તથા રિયલ એસ્ટેટ અને જુગારના અડ્ડાઓમાંથી રૂપિયા પાંચ હજાર કરોડની કમાણી અંડરવર્લ્ડને થવા માંડી હતી. અત્યારે આ આંકડો ૧૦ હજાર કરોડથી પણ ઉપર જતો રહ્યો છે.’ પપ્પુ ટકલાએ બ્લેક લેબલનો વધુ એક ઘૂંટ ગળા નીચે ઉતારતાં કહ્યું, ‘એંસીના દાયકાની શરૂઆતમાં કરીમલાલા ગેંગ અને દાઉદ ઇબ્રાહિમ ગેંગ વચ્ચે જે ગેંગવોર શરુ થઇ હતી એની પાછળ પણ એ જ હેતુ હતો.’
પૂરક માહિતી આપીને તેણે ફરી અંડરવર્લ્ડકથા આગળ ધપાવી: ‘મુંબઈમાં અરુણ ગવળી અને અમર નાઈક ગેંગ વચ્ચેની વોર દિનપ્રતિદિન ઉગ્ર બની રહી હતી ત્યારે વિદેશી ધરતી પર છોટા રાજન અને દાઉદ ઇબ્રાહિમ વચ્ચે જીવસટોસટની બાજી ખેલાઈ રહી હતી. પણ એ દરમિયાન કેટલીક અણધારી ઘટનાઓ બની હતી. દાઉદ ઈબ્રાહિમ ગેંગમાં અંદરોઅંદર વર્ચસ સ્થાપવાની હોડ તો હતી જ, પણ સાથે-સાથે દાઉદ ગૅન્ગના સિનિયર ગુંડાઓના અહમ ટકરાવાની પણ સમસ્યા હતી.
દાઉદના જમણા હાથ સમા છોટા શકીલ અને ડાબા હાથ સમા અબુ સાલેમ વચ્ચે ખટરાગ પેદા થયો હતો અને એમાં દાઉદના ભાઈ અનીસ ઈબ્રાહિમે અબુ સાલેમનું ઉપરાણું લેતા છોટા શકીલ અને અનીસ વચ્ચે જામી પડી. છોટા રાજને દાઉદ સાથે છેડો ફાડ્યા પછી દાઉદ ઇબ્રાહિમે મહામહેનતે ફરીવાર પોતાની ગેંગ વ્યવસ્થિત કરી હતી. એટલે એણે મામલો ઠંડો પાડવાની કોશિશ કરી હતી. પણ છોટા શકીલના દિમાગમાં ઝનૂન સવાર થયું હતું. એણે અનીસ ઈબ્રાહિમને જોઈ લેવાની ધમકી આપી. એ લુખ્ખી ધમકી નહોતી એની ખાતરી દાઉદને જાન્યુઆરી, ૧૯૯૫ માં થઇ ગઈ. દાઉદ છોટા શકીલ અને અનીસ ઇબ્રાહિમ વચ્ચે સમાધાન કરાવે એ પહેલા તો છોટા શકીલે ઘા કરી દીધો હતો અને દાઉદના હાંજા ગગડી ગયા હતા.
***
દાઉદ ઇબ્રાહીમનો ભાઈ અનીસ અને છોટા શકીલ બાખડી પડ્યા એટલે દાઉદ ગેંગમાં ફરી એકવાર ભંગાણ પડવાની સ્થિતિ સર્જાઈ હતી. દાઉદે અનીસ અને છોટા શકીલને સમજાવવાની કોશિશ કરી એમાં એ નિષ્ફળ સાબિત થયો. એ પછી દાઉદ ગેંગના બીજા એક સિનિયર લીડર લંબુ શકીલે વચ્ચે પડીને સમાધાન કરાવવાની કોશિશ કરી પણ છોટા શકીલે લંબુ શકીલનું અપમાન કરીને એને રસ્તો બતાવી દીધો. છોટા શકીલે લંબુ શકીલને ફોન પર ગાળો આપી. સામે છોટા શકીલ પણ ગાંજ્યો જાય એમ નહોતો. એણે અનીસને છઠ્ઠીનું દૂધ યાદ કરાવી દેવાની ધમકી આપીને ફોન કટ કરી નાખ્યો. અનીસ ઈબ્રાહીમ છોટા શકીલને મગતરું સમજતો હતો. પણ થોડા દિવસ પછી છોટા શકીલ સાથેની દુશ્મની અનીસને ભારે પડી ગઈ.
***
૧૯૯૫ના જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં અનીસ ઈબ્રાહિમ દુબઈથી બહેરીન ગયો. બહેરીનમાં એને કોઈ જ કામ નહોતું. પણ દુબઈમાં એના વિઝાની મુદત પૂરી થતી હતી એટલે એણે બીજા દેશમાં જઈને ફરી દુબઈ આવીને નવેસરથી વિઝા મેળવવાની ફોર્માલિટી પૂરી કરવાની હતી. અગાઉ પણ અનેક વાર અનીસ ઇબ્રાહિમ આ રીતે વિઝા મેળવવા માટે બહેરીન અથવા નજીકના અન્ય કોઈ દેશની મુલાકાત લઈને પાછો દુબઈ આવ્યો હતો. એના માટે આ માત્ર રૂટીન કામ હતું. પણ જાન્યુઆરી ૧૯૯૫માં એના રૂટીનમાં ગરબડ થઇ ગઈ હતી. અનીસ ઇબ્રાહિમ બહેરીનના એરપોર્ટ પર પહોંચ્યો એ સાથે જ એની ધરપકડ થઈ ગઈ!
અનીસની સાથે એનો એક સાથીદાર અઝીઝ દાઢી પણ હતો. અઝીઝ દાઢી કેફી દ્રવ્યોના વેપારમાં ઊંડો ખૂંપેલો હતો. અનીસ ઇબ્રાહિમ અને અઝીઝ દાઢી દુબઈથી બહેરીન જવાના હતા એની ખબર છોટા શકીલને હતી એટલે એણે દુબઈના એરપોર્ટ પર એ દિવસે બરાબર વોચ ગોઠવી હતી અને અનીસ બહેરીન જવા રવાના થયો એ સાથે છોટા શકીલ ફોન હાથમાં લઈને મંડી પડ્યો હતો. જો કે એ અગાઉ જ એણે અનીસની ધરપકડ માટે તખ્તો ગોઠવી દીધો હતો.
દાઉદ ઈબ્રાહિમની સાથે અનીસ પણ મુંબઈના સિરિઅલ બોમ્બ બ્લાસ્ટ્સ કેસનો આરોપી હતો. મુંબઈ પોલીસે બોમ્બ બ્લાસ્ટ્સ કેસના આરોપીઓને પકડવા માટે રેડ કોર્નર નોટિસ જારી કરાવી હતી. છોટા શકીલે મોકો જોઇને બરાબર ઘા માર્યો. એણે બહેરીન એરપોર્ટમાં અનીસ ઈબ્રાહિમની ધરપકડ કરાવી દીધી.
***
અનીસ ઈબ્રાહિમની ધરપકડથી હરખાઈ ગયેલા મુંબઈ પોલીસના અધિકારીઓ અનીસના પ્રત્યાપર્ણના સપના જોવા માંડ્યા હતા. ત્યારે દુબઈમાં બેઠા બેઠા દાઉદ પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને બહેરીનના ટોચના સત્તાધીશો સાથે ફોન પર વાતો કરી રહ્યો હતો. અનીસ ઈબ્રાહીમ બહેરીન પોલીસના કબજામાં હતો એ દરમિયાન જ એને છોડાવી લેવો જરૂરી હતો. દાઉદે પાકિસ્તાનના એક પ્રધાન અને આઇએસઆઇના બે ઉચ્ચ અધિકારીઓ સાથે ફોન પર વાત કરી. એ પછી એણે સાઉદી અરેબિયાના શેખને ફોન કર્યો. અખાતના મોટા ભાગના દેશોમાં એ શાહી પરિવારનો ભારે પ્રભાવ છે. સાઉદી અરેબિયાના શેખ સૈયદ હબીબે બહેરીનના શેખ જમરી સાથે વાત કરી. એ દરમિયાન દાઉદે બીજા સંપર્કો દ્વારા પણ શેખ જમરીને વિનંતી કરી હતી. પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને દુબઈથી શેખ જમરી પર એટલા ફોન આવી ગયા કે શેખ જમરીએ ઈન્ટરપોલની રેડ કોર્નર નોટિસની ઐસીતૈસી કરીને અનીસને છોડી મુકવાનો નિર્ણય લેવો પડ્યો. અનીસની સામે રોડ અકસ્માતનો મામુલી કેસ નોંધીને બહેરીન પોલીસે આખી વાતનો વીંટો વાળી દીધો. અનીસ અને અઝીઝ દાઢી હેમખેમ દુબઈ પહોંચી ગયા.
અનીસને છોડાવીને દાઉદ ખુશ થઈ રહ્યો હતો પણ એ વખતે એને અન્દાજ સુદ્ધાં નહોતો કે થોડા જ દિવસો પછી તેને કેવડો મોટો ફટકો પડવાનો હતો!
(ક્રમશ:)