Padvi in Gujarati Human Science by Prafull shah books and stories PDF | પદવી

Featured Books
Categories
Share

પદવી

પદવી

-----------------

અનુભવે સમજાયું છે કે જીવનમાં આપણે કોઇ પોસ્ટ એટલે કે પદવી પર પહોંચીએ ત્યારે કારણ વગર આપણે આપણા હિતેચ્છુઓનાં દુશ્મન બની જઈએ છીએ. આપણે જે પોસ્ટ પર છીએ તેને વફાદાર રહેવા માટે ન સમજાય તેવી યાતનાઓ સહેવી પડે છે.

આપણી સમક્ષ ભીષ્મનું ઉદાહરણ આપણી આંખો સામે છે. ભીષ્મપિતામહે આવેશમાં પ્રતિજ્ઞા લઈ લીધી કે તેઓ હસ્તિનાપુરને વફાદાર રહેશે. અર્થાત હસ્તિનાપુર જે રાજા હશે તેને વફાદાર રહેવું. પરિણામે તેઓને મનેકમને અસત્ય શાસકને મૃત્યુપર્યંત વફાદારી નિભાવવી પડી.

આપણે પણ જરૂર પડે ત્યારે આપણું કામ પાર પાડવા લાગવગશાહીનો ઉપયોગ કરીને સામેવાળા વ્યક્તિને મુસીબતમાં નાખીએ છીએ જેમકે શાળા કોલેજમાં પ્રવેશ મેળવવા માટે, યાત્રા માટે ધર્મશાળામાં પ્રવેશ માટે, આવું જ રમતગમત ક્ષેત્રે પણ થાય છે. આપણી ઈચ્છાઓ હંમેશા સર્વશ્રેષ્ઠ પ્રાપ્ત કરવાની હોય છે. પણ તે માટે આપણી લાયકાત ન હોય તો પણ.પરિણામે મનદુખ ઉત્પન્ન થાય છે જ્યારે સામીવાળી વ્યક્તિ આપણું કામ કરી શકતી નથી. આપણે એ સમજતાં નથી કે આપણી જેમ બીજાઓ પણ પોતાનું કામ કરાવવા સામેવાળી વ્યક્તિ પર સંબંધોનું દબાણ લાવતી હોય છે.

આવો દાખલો મારા મિત્રનો આપું. તે ડોક્ટર છે. દરેક ઓળખીતાં કે સંબંધીઓ તેની પાસે જાય ત્યારે એક જ ઈચ્છા રાખે કે તેને લાઈનમાં બેસી રહેવાને બદલે તાબડતોબ લે . પણ આ લોકો એ સમજવાં માંગતા નથી કે તેઓની પહેલાં બીજા પેશન્ટો આવીને બેઠાં છે!.

આવો રમુજી કિસ્સો મારા મિત્રે મને સંભળાવ્યો. તેનાં કાકા યુવાવસ્થાથી રાજકારણમાં હતાં.વખત જતાં તે મીનીસ્ટર બન્યાં.તેનાં કાકાનો મિત્ર નાનો સરખો વેપાર કરે. સેલ્સ ટેક્ષમાંથી નોટિસ આવી. જેનાં પર નોટિસ આવી હતી તેઓ ચુસ્ત ગાંધીવાદી. સેલ્સ ટેક્ષનો ઓફિસર ધક્કા ખવડાવે રાખે. આ માટે તેને મીનીસ્ટર સાહેબને ફોન પર ફોન કરી વિનંતી કર્યા કરે, “ અરે, તું મીનીસ્ટર થઈને નાનું અમથું કામ કરી ન શકે.” આખરે કંટાળીને મારા મિત્ર ને મોકલી કામ પતાવી દીધું. ગાંઠના પૈસા ખરચીને. સાહેબને ચાપાણી માટે કશુંક આપ્યું છે એમ પણ કહેવાય નહીં. ગાંધીવાદી વિચારધાર કઈ રીતે માણસને હેરાન કરે છે તે માટે હસવું કે રડવું એ સમજાતું નથી.

આવો જ અનુભવ મને એક મેગેઝિનમાં હું તંત્રી તરીકે કામ કરતો હતો ત્યારે થયો. જેઓને થોડુંધણું લખતા હતા તેઓ મને દબાણ કરતાં કે તેઓનું લખેલું હું છાપું. તંત્રી તરીકેની ફરજ, વાચકોની અભિરૂચિ, વગેરેનો ખ્યાલ રાખવાનો હોય છે.વાચકો સમજે તેવું છાપવાનું હોય છે, મેગેઝિન જેનાં તરફથી પ્રગટ થતું હોય છે તેઓની માર્ગદર્શિકા પ્રમાણે તંત્રીએ વર્તવાનું હોય છે. ત્યારે આપણાં મિત્રોની એટલે કે જેમની , રચના ના છપાય તેમની નારાજગીનાં શિકાર બનવું પડે છે. દરેક લખનાર એમ સમજીને આવતો હોય છે કે તેનું લખાણ શ્રેષ્ઠ હોય છે. નવા જમાનાને અનુરૂપ ન થતાં લેખકો છેવટે તંત્રી, સંપાદકને બદનામ કરે છે. નવા વાંચકો નવું માંગે છે અને નવા લેખકો નવું લખીને આપે ત્યારે ઘસાઈ ગયેલી કલમને વાંકુ પડે છે. લેખક મિત્રોને એ વાત સમજાતી નથી કે તંત્રી પર અસંખ્ય વાચકોનાં પત્રો આવતાં હોય છે. તે દ્રારા તંત્રીને ખ્યાલ આવી જાય છે કે માહોલ કઈ તરફનો જઈ રહ્યો છે .ધણીવાર સંપ્રદાયિક ટીકાઓ સાચી હોવા છતાં આંખ આડા કાન કરવાં પડે છે.કારણ કોઈ પણ તંત્રી પોતાનો વાચક વર્ગ ગુમાવવા તૈયાર હોયો નથી.આવું જ નવા વાર્તા લેખકોની શરૂઆતની વાર્તા પોતાની આપવીતીની આસપાસ ઘુંટાયેલી હોય છે.સમાજ તરફની ફરિયાદ,સમાજ પરનો આક્રોશ. અહીં વાર્તા નહીં પણ ફરિયાદી સૂર હોય છે તે તેઓ સમજવા માંગતાં નથી અને નિરાશામાં ડૂબી જાય છે.આમ તંત્રીઓને ના છૂટકે આક્ષેપો ને પચાવી પાડવા પડે છે.

આવો જ અનુભવ મારા મિત્રને થયો. હોંશમાં ને હોંશમાં ,સોસાયટીનો સેક્રેટરી બન્યો. ઘરનું કામકાજ ભૂલી સોસાયટીનાં કામકાજમાં ડૂબી ગયો. નાનીમોટી ફરિયાદો, ઉકેલવામાંથી ઊંચો ન આવ્યો. એકને ખુશ રાખવા જાય તો બીજો નાખુશ થાય. પરિણામે કારણ વગર દુશ્મનીનાં છટકામાં છપડાઈ ગયો. ફ્લેટમાં રહેનાર નાનીઅમથી ફરિયાદો લઈને સેક્રેટરીને ફરિયાદો કરે. લીફ્ટ બગડી ગઈ છે.તો નોટિસબોર્ડ પર ફોન નંબર છે. તમે ફોન કરીને તમારી તકલીફ જણાવી દો. હું બહારગામ છું. તો તમને સેક્રેટરી હારતોરા પહેરાવા માટે બનાવ્યાં છે.અરે સાહેબ હારતોરા તો બાજુમાં રહ્યાં કોઈ ફૂલની પાંખડી પણ કોઈ દેતું નથી સમજ્યાં કે? આવી બોલાચાલી થયા કરતી.કોઈ પણ જાતના સ્વાર્થ વગર કામકરનાર મારો મિત્ર આક્ષેપોનાં ઘેરામાં છપડાઈ ગયો. જાતજાતની સલાહ થેવા સૌ આવે પણ મીટીંગમાં હાજર ના રહે અને પછી આમ કેભ કર્યું ને તેમ કર્યું નો કકળાટ કરે .તમને તો બીલ પાસ કરવામાં કમિશન મળે. વોચમેન સલામ કરે, ઘરનું કામ પણ કરી જાય, અંતે તે કંટાળીને છૂટો થયો.

જ્યારે કોઈ વ્યક્તિ મોટી પોસ્ટ પર હોય ત્યારે તેને સમાજ તરફથી કે સંસ્થાઓ તરફથી નાનામોટા કાર્યક્રમોમાં હાજર રહેવાની વિનંતિ કરતાં પત્રો મળે છે.જેથી કરીને જે તે સંસ્થાઓનું માન વધે. આવી એક વ્યક્તિએ પોતાની આપવીતી આ પ્રમાણે વર્ણવી. તે નામી લેખક હતાં.તે ઉપરાંત ફિલ્મી વાર્તાઓ લખતા હતાં.તેમનાં સમાજનો એક કાર્યક્રમ હતો. સમાજનાં અગ્રણીઓ તેમની પાસે ગયાં અને વિનંતિ કરી કે ફિલ્મી હસ્તીને તેઓ લાવે. સમાજનાં કાર્યક્રમમાં તે ફિલ્મી હસ્તી હાજર રહે તે માટેનો વિનંતિ પત્ર પણ આપે. બધી વાત પૂરી થયાં પછી કહું કે કોઈ પણ ફિલ્મી હસ્તી સામાન્ય કાર્યક્રમમાં ફોગટ નથી આવતી. અને તે માટે મસમોટું પૈસાનું કવર આપવું પડે છે. આ સાંભળી સમાજનાં સભ્યોનું મોં પડી ગયું અને મ્હેણું સાંભળવું પડ્યું કે તે સમાજ માટે આવું નાનું સરખું કામ કરી નથી શકતા! આવો જ દાખલો એક લેખકે આ રીતે આપ્યો હતો. લેખકને આમંત્રણ આપ્યું કે તમારે કાર્યક્રમમાં આવવાનું છે. લેખકે પૂછયું કે તે આવે તો તેમને કેટલો પુરસ્કાર આપવામાં આવશે. આયોજકો મૂંઝાયા. સૌ પ્રથમ પુરસ્કાર એટલે શું તેની સમજ ના પડી. પુરસ્કાર એટલે લેખક તમારા કાર્યક્રમમાં આવે તો મફત થોડો આવે? આયોજકો સમજ્યાં અને કહ્યું કે કાર્યક્રમ પત્યાં પછી ભોજન ની વ્યવસ્થા છે. પેલા લેખક કહ્યું કે આ કાર્યક્રમમાં હોલ રાખ્યો હશે, જમણવાર છે, તો ખાસ્સો એવો ખર્ચ તમે કરશો. તો મારી ફી બે હજાર તમને આપતાં ભારે પડે છે? આ સાંભળી આયોજકોએ લેખક મહાશય પર કેવી ટીપ્પણી કરી હશે તે વિચારવા જેવું છે.આ લેખક સાહેબની વાત પણ સાચી છે. ગુજરાતી લેખકોની સ્થિતિ પણ સાધારણ હોય છે. પૈસેટકે માલદાર નથી હોતાં. મુંબઈ જેવા શહેરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાઆવવા સારો એવો ખર્ચ થઈ જતો હોય છે.

આ તો થઈ ઊંચી પોસ્ટ પર બેઠેલી વ્યકિતઓની હેરાનગતીની વાત. પણ આવી પોસ્ટ પર બેઠેલી વ્યકિતઓમાંથી કેટલીક વ્યક્તિઓ ગરજવાન લોકોને લૂંટી પણ લે છે.અમારી ચાલીનો એક વ્યક્તિ નગરસેવક તરીકે ચૂંટાઈ આવ્યો. સૌ એને મળવા જાય અને પોતાનું કામ કરાવવા આજીજી કરે. આમાં મારા મિત્રનો અનુભવ જાણવા જેવો છે. મારા મિત્રનું નામ કનુભાઈ. નગરસેવકને પોતાની જગ્યાની ઊંચાઈ વધારવાની વિનંતિ કરી. નગરસેવકે હસતાં મોંઢે કહ્યું કે કોશિશ કરતા હું. મારો મિત્ર તો ખુશ થઈ ગયો. મહિનાં પછી ફરીથી ગયો. પોતાની વાત યાદ દેવડાવી. એ જ જવાબ મળ્યો.હો જાયેગા. નગરસેવકની ઑફિસમાંથી બહાર નીકળ્યો ત્યારે તેના પી.એ. એ કહ્યું કે ભાઈ સાહેબ, આપકા કામ કરવાનેકા હો તો સાહેબ ચાપાણી કે લિયે કુછ તો દીજીએ.ફોગટ કામ થોડાં હોતા હૈ? આપતો વ્યાપારી હૈ. અને મારા મિત્રે ચેક આપ્યો. બેચાર વાર પોતાના કામ માટે પૂછ્યું. એક વાર નગરસેવકે કહ્યું કે ક્યાં તુમને હમકો ખરીદ લીયા હૈ? આમ પૈસા પણ ગયાં અને સંબંધ પણ ગયો. આવું તો આપણે ધણીવાર સાંભળીએ છીએ કે સરકાર નોકરી માં નોકરીલગાવવા માટે ઓળખાણનો ગેર ઉપયોગ કરી સામાન્ય નાગરિકનાં પૈસા ચાઉં કરવામાં આવે છે. માટે મોટી પોસ્ટ પર બેસી કામ કરવું સરવાળે નુકશાની નો ધંધો છે સીધી સાદી વ્યક્તિઓ માટે!

પ્રફુલ્લ આર શાહ.