bhare vajan ghatadvana halva nuskha - 2 in Gujarati Magazine by Mital Thakkar books and stories PDF | ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 2

Featured Books
Categories
Share

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા - 2

ભારે વજન ઘટાડવા હળવા નુસ્ખા

ભાગ-૨

- મીતલ ઠક્કર

વજન ઘટાડવું એ "ખાવાનો ખેલ" નથી એ સમજી લેવું જોઇએ. રાતોરાત વજન ઉતરી જતું નથી. શરીરનું વજન વધી જાય ત્યારે એકદમ ગભરાઈ જવું નહીં. અને એકદમ ખોરાક ઘટાડી દેવો નહીં. આ રીતે વજન ઘટાડવા જતાં શરીર અશક્ત બની જાય છે. એ માટે વ્યવસ્થિત સારવાર અને ખોરાકનું આયોજન કરવાથી સ્થુળતા જરૂર ઘટે છે. વજન ઉતારવા જાતજાતની ભ્રામક જાહેરખબરો આવે છે અને દાવાઓ પણ થાય છે. તેમાં પૂરી સચ્ચાઇ હોતી નથી. વજન ઘટાડવા માટે તમે તમારા ભોજન અને વ્યાયામની આદતો બદલશો તો વધારે ફાયદો થશે. ઉંઘવા અને ખાવાની આદતો પણ વજન વધારે છે. જો તેમાં થોડા ફેરફારો કરવામાં આવે તો તમને ફાયદો થશે. બદલાતી લાઈફ સ્ટાઈલ અને દોડભાગ છતાં બેઠાડું જીવનને લીઘે વજન વધવાની સમસ્યા લગભગ બધાને સતાવી રહી છે. ત્યારે આ સાથેના કેટલાક નુસ્ખા અજમાવી જુઓ.

* આજે મોટાપાનું મુખ્ય કારણ ખરાબ જીવનશૈલી છે. વધારે પડતું તળેલું અને બજારનું ખાવાનું બંધ કરવું જોઇએ. વધારે પડતું ખાવાનું પણ ટાળવું જોઇએ.

* વજન ઘટાડવા શારિરીક રીતે થોડા વધુ સક્રિય બનવું પડશે. તમારી દૈનિક દિનચર્યામાં થોડી વધુ શારિરીક ગતિવિધિ ઉમેરો. જેનાથી તમારી વધારાની કેલેરી બળશે. રોજ ચાલવાનું વધારી દો. પેડોમીટર ખરીદીને તમારા ચાલવાની ગતિવિધિનું અવલોકન કરી શકો છે. એક ગણતરી મુજબ દરરોજ ૧૦૦૦ પગલાં ચાલીને ૧૦૦ કેલેરી ઘટાડે શકો છો.

* જમતા પહેલાં એક ગ્લાસ પાણી અથવા શાકભાજીનો જ્યુસ પીવાથી પેટ ભરેલું લાગશે. અને ભૂખ શાંત રહેશે. જેથી વધારે જમી નહીં શકો અને વજન ઝડપથી ઉતરશે.

* વજન ઘટાડવા માટે સૂર્ય નમસ્કાર સૌથી પ્રભાવી આસન છે. ૧ સૂર્ય નમસ્કારમાં અલગ અલગ ૧૨ આસન હોય છે. આ ૧૨ આસનનો પ્રભાવ શરીરના દરેક ભાગ પર પડે છે. તેનાથી ગરદન, ફેંફસા, પાંસળા, સ્નાયુ પણ મજબૂત થાય છે. નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી શરીરની વધારાની ચરબી ઓગળી જાય છે.

* વધારે સમય બેસી રહેવાથી શરીરમાં ચરબી જમા થાય છે. મિસોરી વિશ્વવિદ્યાલયના સંશોધન મુજબ નીચે બેસી રહેવું અને ૪ કલાક સુધી નિષ્ક્રીય રહેવું તમારી ચયાપચયની ક્રિયાને ધીમી કરી દે છે. એ કારણે સરળતાથી ચરબી જમા થાય છે.

* વજન વધારે હોય તો રાત્રે ભારે ભોજન કરશો નહીં. ઘણા લોકો ભોજન કરીને તરત જ સૂઇ જાય છે. તેથી ખાધેલું પચતું નથી અને ચરબીરૂપે જમા થાય છે. રાત્રે સૂઇ જવાના ૨ કલાક પહેલાં હલકું ભોજન લો અને ભોજન પછી થોડું ચાલવાનું રાખવું.

* એલોવીરા જ્યૂસથી પેટની ચરબી ઘટે છે. શરીરમાં ફ્રી રેડિકલની માત્રા ઘટવા લાગે છે. મેટાબોલિઝમ ઝડપી બને છે. તેમાં સમાયેલું ફાઈબર પાચનક્રિયાને સુધારે છે.

* રોજ રાત્રે એક કપ પાણીમાં એક ટીસ્પૂન અજમો નાખીને ઉકાળો. પાણીને ગાળીને પીવો. શરીરમાં રહેલી વધુ પડતી ચરબીને ઘટાડવામાં તે ફાયદાકારક ગણાય છે

* ગળ્યું ખાવાથી કેલેરી વધે છે. એટલે બને એટલું ગળ્યું ઓછું ખાવું.

* પેટની ચરબી દૂર કરવા તરબૂચનું સેવન સરળ અને કારગર ઉપાય છે. તેમાં ૯૧ ટકા જેટલું પાણી હોય છે. તેને જમતાં પહેલાં ખાવાથી પેટ ભરાયેલું લાગશે. એક અભ્યાસ મુજબ દરરોજ બે ગ્લાસ તરબૂચનો રસ પીવાથી આઠ સપ્તાહમાં પેટ આસપાસની ચરબી ઓછી થાય છે.

* પેટ પર ચરબી જમા થવાના કારણોમાં વારસાગત, નબળું પાચનતંત્ર, હોર્મોનમાં પરિવર્તન, તણાવ, બેસીને કામ કરવાની આદત, જરૂરથી વધુ ખાવું જેવા એકથી વધુ કારણ હોય શકે છે.

* પેટ અને કમરની ચરબી ઘટાડવા માટે ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી, તરવું, યોગાસન જેવા કસરતના ઉપાય અજમાવવા જોઇએ.

* વજન ઘટાડવાના પ્રયત્નો દરમ્યાન ડબ્બાબંધ ખોરાક, ખાંડયુક્ત વસ્તુઓ, તમાકુ, સિગરેટ અને શરાબ જેવાથી દૂર રહેવું. સ્ટાર્ચયુક્ત ખોરાક જેમકે, ચોખા, નૂડલ્સ, પાસ્તા અને બ્રેડનો ઉપયોગ ટાળવો.

* નિયમિત રીતે એક ચમચી આદુનો રસ લેવાથી પેટની ચરબી ઓછી થાય છે.

* નારિયળ પાણીમાં અન્ય ફળોની સરખામણીએ વધુ ઈલેક્ટ્રોલાઈટસ હોય છે. તેમાં ના વધુ શુગર હોય છે ન કોઈ કૃત્રિમ ફ્લેવર. તેમાં જરા પણ કેલેરી હોતી નથી. જેથી ચરબી વધતી નથી તેમજ શરીરમાં સ્ફૂર્તિ રાખે છે.

* જમવામાં કોથમીરનું પ્રમાણ વધારવાથી પાચનશક્તિ વધશે અને કેલેરી બળશે.

* આયુર્વેદ મુજબ ગૂગળના ઉપયોગથી આંતરડામાં જામેલ કોલેસ્ટ્રોલ અને ચરબી ઓછી થાય છે.

* કાળા મરીમાં ચરબી ઘટાડવાના ગુણો જોવા મળે છે. શરીરમાં રહેલી એકસ્ટ્રા કૅલરીઝને બાળવામાં મદદરૂપ થાય છે. શરીરમા હાઈડ્રોક્લોરિક ઍસિડની માત્રા વધારે છે. રાત્રિના ભોજનમાં કાળા મરીનો ઉપયોગ કરવાથી રાત્રિના સમયે પણ વજન ઉતરવાની પ્રક્રિયા ચાલુ રહે છે.

* બીટના જ્યૂસમાં મોટેભાગે ગાજર, સફરજન અને લીંબુ વગેરેનું મિશ્રણ હોય છે. પરંતુ વજનઘટાડવા માટે બીટ અને લીંબુનો રસ અક્સીર છે. એ માટે સામગ્રીમાં ૧ કપ સમારેલું બીટ, ૪ ચમચી લીંબુનો રસ, ૧ ચતુર્થાંશ કપ પાણી અને ૧ ચપટી સંચળ લો. પ્રથમ એક ચતુર્થાંશ કપ પાણી સાથે બીટને બ્લેન્ડરમાં ક્રશ કરીને રસ બનાવો. દરેક ગ્લાસમાં ૨ ચમચી લીંબુનો રસ અને સંચળ મિક્સ કરીને બરાબર હલાવો. જ્યૂસ પીવા માટે તૈયાર છે.

* રોજ રાત્રે સૂતી વખતે હૂંફાળું દૂધ જરૂર પીવું જોઈએ. દૂધમાં રહેલા કેલ્શિયમ અને પ્રોટીનથી પાચન ક્રિયામાં સુધારો થાય છે. રાત્રે ગાઢ નિંદર આવે છે. વજન નિયંત્રણમાં રહે છે. હાડકાં મજબૂત બને છે.

* આયુર્વેદના એક ઉપાય પ્રમાણે માત્ર પેટમાં ચરબી વધારે હોય તો 'નમૂળી' નામની વનસ્પતિ લાવીને વાટી નાખવી અને પેટ ઉપર બાંધવી. તેના બાંધવાથી ધીરે ધીરે ચરબીનો ભાગ ગળાવા લાગે છે. તેની સાથે-સાથે દરરોજ ૨૦ થી ૨૫ મિનિટ કપાલભાતિ કરવાથી પેટ પરની ચરબી ઝડપથી ઓગળવામાં સહાય થાય છે.

* વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે અને સાથે જ શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.

* મહિલાઓ પોતાનું વજન નિયંત્રણમાં રાખવા માંગતી હોય તો તેમણે સવારે ભરપેટ નાસ્તો કરવો જોઈએ. આને ખાવાથી લાંબા સમય સુધી તમારા પેટમાં અનાજ ભરેલું હોય તેવું લાગશે અને તમને વારંવાર ભૂખ નહી લાગે. ફાઈબરને વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાથી શરીરનું વજન ખૂબ જ જલ્દીથી ઘટવા લાગશે.