સંબંધ નામે અજવાળું
(15)
ગરવો ગિરનાર !
રામ મોરી
ગિરનાર સાથે સીધો સંબંધ એ છે કે મારા જન્મનું કારણ ગિરનાર છે. બા કહેતી કે એ સાસરિયે આવી એ પછીના પાંચ વરસેય સંતાન નહોતું થતું ત્યારે પાણિયારે દીવો કરીને સાડીના પાલવનો ખોળો બનાવી એણે માનતા માનેલી,
‘ હે ગિરનાર, હે દત્તબાવા, મને સંતાન દે. સંતાન થશે તો એને હું તારી ટુંક સુધી તારા ધુણાએ પહોંચાડીશ.’ એ પછી મારો જન્મ. મારી બા જ્યારે બાર વર્ષની હતી ત્યારથી એને ગિરનારનો વિશિષ્ટ લગાવ. બાર વર્ષની ઉંમરે એ ગિરનારની ત્રણ દિવસની પ્રદક્ષિણા કરી આવેલી. જેને ‘લીલી પરકમ્મા’ કે ‘લીલી પરિક્રમા’ કહેવાય છે. બસ પછી તો દિવસો પર દિવસો પસાર થઈ ગયા અને મારું તેવીસમું વર્ષ પુરું થવા આવ્યું પણ ગિરનાર સુધી પહોંચાતું નહોતું. બા હંમેશા કહેતી કે ‘અંજળ હશે ત્યારે જવાશે.
ગિરનારી હુકમ કરશે ત્યારે ટુંક પર પહોંચાશે !’ ગિરનાર ચડવાના અંજળ તો નહોતા આવ્યા પણ બે વખત ગિરનાર પ્રદક્ષિણા કરી લીધેલી. બા હંમેશા પાણિયારે દીવો કરીને પાલવમાં હાથ જોડીને ગિરનારની માફી માગતી રહેતી.
અચાનક ગ્રહ નક્ષત્ર ફર્યા કે શું ! મિત્રો ગિરનાર જવા ઉપડ્યા અને મને સંગાથે લીધો. અત્યાર સુધી જે અંજળ નહોતા આવ્યા એ આ ‘કલાક’માં આવી ગયા. તાત્કાલિક ગામડે બાને ફોન કરી દીધો કે મને ગિરનાર બોલાવે છે. એનો રાજીપો મને ફોનમાંય છલકાતો અનુભવાયો. ત્યાં ઘરે બેઠા બેઠા એણે ગિરનારના ઓવારણા લઈ લીધા.વિજયગીરી બાવા, મયુરસિંહ સોલંકી, મેહુલ સોલંકી અને પાર્થ તારપરા સાથે સંઘ નીકળી પડ્યો.વહેલી સવારે સાડા ચાર આસપાસ બાબાપુજીને ફોન કરી ગિરનાર ચડવાનું શરું કર્યું. સાતસો પગથિયા ચડ્યા હોઈશું અને મિત્ર વિજયગીરીની તબિયત સહેજ લથડી. મનમાં એક થડકાર પેસી ગયો. અમને લોકોને આગળ વધતા રહેવાનું કહી એ બેસી પડ્યા પણ બધા બેસી રહ્યા. ‘જઈશું તો બધા સાથે નહીંતર પાછા વળી જઈશું સાથે જ’ પાર્થ જ્યારે આવું બોલતો હતો ત્યારે કોઈક જંગ પર હોઈએ કે સમંદર ખેડવા નીકળેલા મછવારાનું વહાણ ડૂબતું હોય એવો ભ્રમ થયો. અંધારામાં હું ગિરનારને અને એની ટુંકને ફંફોસતો રહ્યો. જંગલમાં નિરવ શાંતિ હતી. મારા મનમાં ફફડાટ હતો કે ખરેખર આજે છેક અહીંયા આવ્યા પછી પણ અંજળ નહીં આવ્યા હોય ? મારા દાદા હંમેશા એવું બોલે કે ‘તમારું આવવું નો આવવું એ કહેણ ગિરનાર મોકલે’ તો ખરેખર ગિરનારે આજે મને કહેણ નથી મોકલ્યું એવો વિચાર મનમાં ઘુમરાયા કરતો હતો. વિજયગીરી માટે પાણીની બોટલ લેવા અંધારું ઉલેચતો પગથિયા ઉતરતો હતો ત્યારે સ્હેજ મન ભરાઈ આવ્યું. આંખે થોડું પાણી બાઝી ગયું. થયું કે બાને ફોન કરીને કહી દઉં કે ગિરનાર નથી ચડવાનો. અત્યારે એ વહેલી સવારની ભેંસ દોહતી હશે. એના હાથમાં પકડેલા તાંબા પિત્તળના બોઘડામાં દૂધની શેડ ફૂટતી હશે પણ મનમાં તો હરખાતી હરખાતી એ ગિરનારના પગથિયા ગણતી હશે કે મારો રામ આટલા પગથિયા ચડી ગયો હશે. વિજયગીરીને પાણીની બોટલ આપી. એણે પાણી પીધું અને પંદર મિનિટ પછી બધાના આશ્ચર્ય વચ્ચે એ ઉભા થઈને બોલ્યા,
‘’ ચલો, બધા ગિરનાર ચડો !’’ હું આભો બનીને એની સ્વસ્થતા જોઈ રહ્યો અને એ મક્કમ પગલા ગિરનારના દેહ પર મુકી ચાલવા લાગ્યા. હવે તો ઝુંડમાંથી છૂટીને હરણનું બચ્ચું દોડે એમ હું ગિરનારની છાતી પર દોડવા લાગ્યો.
સવાર ઉઘડતી ગઈ અને ગિરનાર કોઈ જુગ જુના જોગી જેવો ધીમે ધીમે અમારી સામે આળસ મરડીને ઉભો થયો. લીલા ધોતી ખેસ ઓઢીને કોઈ અઘોરી સમાધિમાં લાગેલો હોય એવો ગિરનાર ધીમે ધીમે હોંકારા આપતો સંભળાયો. એક એક પગથિયે શરીરમાં જાણે નવી નવી ચેતના દેહમાં કુંપળની જેમ ફૂટવા લાગી. જેમ જેમ હું પગથિયા ચડતો હતો એમ એમ હું જાણે કે નાનો બનતો જતો હતો. સાવ પાંચેક વર્ષનો રામ. રાત્રે જમીને દાદાના ખાટલે સૂતો હોંઉ. દાદા મારી પીઠ પર એમનો ખરબચડા હાથ પસવારતા જાય અને ગિરનારની વાતો કરતા જાય.
‘’ પછી તો દેવતાઓ મુંઝાણા કે ભઈ આ ગિરનારને મોટી મોટી પાંખો સે અને ઈ તો મન ફાવે ન્યાં બેહી જાય છે...પશી ભરમા( બ્રહ્મા)એ સસતર (શસ્ત્ર) ફેક્યું અને ધરતી માથે મોટી ભ્રમખાઈ ( બ્રહ્મખાઈ) પડી ગઈ. સપતરશી (સપ્તર્ષી) મુંઝાણા કે યગન (યજ્ઞ) કરવા ભ્રમખાઈની ઓલી સાઈડ કેમ જાવું.
ગિરનારને હાથ જોડીને વિનંતી કરી કે એ ગિરનાર, ભ્રમખાઈ પૂરી દ્યો. ગિરનાર ઉડતો આયવો અને ભ્રમખાઈમાં બેહી ગ્યો. સપતરશી ગિરનાર ચડીને ઓલી પા વીયા ગ્યા તાં ઈન્દ્રદેવે આવીને ગિરનારની પાંખો કાપી નાખી. પારવતીને ચડી દાઝ કે મારા ભાઈની પાંખો કાપી. દેવતાઓએ શાંત પાડ્યા અને તેત્રી ( તેત્રીસ) કરોડ દેવીદેવતા ગિરનાર પર જઈને વશ્યા. પારવતી કે મને તમારા કોઈ પર ભરોસો નથ અટલે ઈ ખુદ અંબા બનીને ગિરનારની માથે બેઠા.’’ પાંચ હજાર પગથિયા ચડીને અંબાજી મંદિરે પહોંચ્યા ત્યાં સુધીમાં દાદાનો અવાજ મોટા મોટા વૃક્ષોમાંથી, ઉંડી ઉંડી ખીણોમાંથી, ધોળા વાદળાઓના ટોળામાંથી અને મોટા મોટા તોતીંગ પથ્થરોમાંથી પડઘાઈ પડઘાઈને સંભળાતો હતો.
‘’ અને પશી એ રીતે અંબાજીમાતા ગિરનાર પર બિરાજી ને ટુંક પર ત્રણ દેવ દત્તાત્રેય બનીને બેઠા.’’ અંબાજીએ દર્શન કરી આગળની ટુંક તરફ નજર કરી. પાંચ હજાર પગથિયા ચડ્યા ત્યાં સુધીમાં દિવસ સંપૂર્ણ રીતે ઉગી ચુક્યો હતો. વાદળાઓ ઉપર આવ્યા હતા. ધીમો ધીમો ઠંડો પવન વાઈ રહ્યો હતો. વાતાવરણમાં ભીની ભીની લીલી સુગંધ આવતી હતી. પાંચ હજાર પગથિયામાં બીજા અનેક જૈન મંદિરો અને બીજા મંદિરો હોવાથી લોકોની ચહલ પહલ રહેતી હતી પણ અંબાજી પછીના પાંચ હજાર પગથિયા પછી તો વાતવારણમાં માત્ર વાણિયા ( અહીં તીડ સમજવા) ભમરાઓ અને પીછોળિયા જેવા જીવડાઓ જ ઉડતા દેખાતા હતા. અંબાજી પછી ગોરખનાથની ટુંક સુધી એ લોકોનો સથવારો રહે છે. ગોરખનાથ એ ગિરનારની સૌથી ઉંચામાં ઉંચી ટુંક છે જ્યાં ગુરુ ગોરખનાથનો ધુણો છે. ત્યાંથી નીચે જગતને જોવું એ ખરેખર શબ્દમાં ન વર્ણવી શકાય એવો લ્હાવો છે. લાકડીથી વાદળને હટાવીને રસ્તો કરવો પડે એ રીતે વાદળાઓ રસ્તો રોકીને બેઠા હતા. એક ઉંડો શ્વાસ લઈને આ હવાને આ તાજગીને શ્વાસમાં ભરી શકાય એટલો ભરી લેવાનો પ્રયત્ન કર્યો. નાનો હતો ત્યારે અજવાળી બીજના રામદેવના પાટમાં આખી આખી રાત ચાલતા ભજનમાં ગોરખનાથના ભજનો સાંભળેલા એ બધા ભજનો, મંજીરા અને તબલાના નાદ સંભળાતા રહ્યા અને ગોરખનાથની ટુંક ઉતરી આગળ દત્તાત્રેયની ટુંકે જવા નીકળ્યા. પગ ધીમા પડી ગયા કેમકે ગિરનાર પોતાના અસ્સલ મિજાજમાં બેઠો હતો. જેમ જેમ દત્તાત્રેયની ટુંક નજીક આવે એમ એમ અનુભવાય કે ગિરનાર પોતાના બે લાંબા જુગજુના હાથને ફેલાવીને તમને છાતી વળગાડી રહ્યો છે. પથ્થરોની મોટી મોટી કોતરોની ધારમાંથી પાણી નીકળતું હતું. તડકાના અજવાસમાં સફેદ પોલા વાદળોની ચાદર ઉતારતો ગિરનાર આળસ મરડતો જાણે તમને કહી રહ્યો હોય ‘’ અલખ નિરંજન’’. દત્તાત્રેયની ટુંક નીચે પહોંચ્યા ત્યારે આજુબાજુ ખીણમાંથી સફેદ વાદળાઓના ઝુંડ બહાર નીકળતા હતા. એક ક્ષણ તો એવું લાગ્યું કે કોઈ ધુણામાંથી ભસ્મની સેર ઉડી રહી છે અને અને ગિરનારે આંખો ખોલી. હું અમારા ગ્રુપથી આગળ નીકળીને દત્તાત્રેયની ટુંક ચડવા લાગ્યો. જેમ જેમ દત્તાત્રેયની નાનકડી દેરી પાસે પહોંચી રહ્યો હતો એમ એમ ઝાકળથી શરીર ભીનું થઈ રહ્યું હતું. દસ હજારમાં એ પગથિયે પહોંચીને નીચે બેસી ગયો. આંખો બંધ કરીને કેસરી રંગે રંગાયેલી દીવાલને ટેકો આપી હાંફી રહ્યો હતો. એવું લાગતું હતું કે મારી સાથે બા, બાપુ ને આખું ઘર દત્તના દેરા સુધી પહોંચી ગયું છે. ભારે થઈ ગયેલા પગને ધીમે ધીમે ઉપાડીને દત્તાત્રેયના પગલા સુધી પહોંચ્યો અને મારાથી રોઈ પડાયું. ધુણાની ગ્રીલ પકડીને હું ફરી બેસી ગયો. ધુણાની ભસ્મને કપાળે લગાવી, આંસુ રોકાતા નહોતા. આરસપહાણમાંથી બનેલી દત્તાત્રેયની મૂર્તિની બાજુમાં મુકાયેલા અખંડ દીવા સામે જોયું. ખોળો પાથરીને સંતાન માગતી બા યાદ આવી. ખાસ્સીવાર સુધી હું ત્યાં બેસી રહ્યો અને બે હાથ જોડી ગિરનારી દત્ત બાવાને આ ખોળિયું આપવા માટે આભાર માનતો રહ્યો. એક પ્રદક્ષિણા કરીને મંદિરથી નીચે ઉતર્યો અને પગથિયા પર બેઠો. વાતાવરણ વધારે વરસાદી બન્યું. વિજયગીરી બાવા, મયુર, મેહુલ અને પાર્થ પહોંચી ગયા. એ લોકોએ મને પૂછ્યું કે એકલો દોડીને કેમ ઉપર ચડી ગયો. મેં એ લોકોને સાચું કારણ આપ્યું નહીં કેમકે મારે ત્યાં કોઈની હાજરીમાં નહોતું રડવું ! વાતાવરણમાં ગડગડાટ સંભળાયો અને દત્તાત્રેયની ટુંક પર વરસાદ વરસવા લાગ્યો. દસ હજારમાં પગથિયાએ બિરાજમાન એ સ્થળની પવિત્રતા, એની ચેતના અને લીલોતરી તાજગીની વચ્ચો વચ્ચ ખુલ્લા આકાશ નીચે વરસાદ ઝીલવાનો એ લ્હાવો છાતીમાં અકબંધ થઈ ગયો. જો સ્વર્ગ છે તો કદાચ આ જ છે બીજું કશું જ નહીં ! નીચે કમંડળ કુંડમાં ગરમા ગરમ ભોજન લઈ પલળતા પલળતા ફોટોગ્રાફી કરતા, વિડિયો બનાવતા અમે નીચે ઉતરવા લાગ્યા. કોઈના હાથની આંગળી ધીમે ધીમે છૂટી રહી હોય એવું લાગતું હતું. આખા શરીરમાં, આંખોમાં અને મનમાં એક પરમ સંતોષ હતો. એક લોકમાંથી બીજા લોકમાં આવ્યા હોય એવી અનુભૂતિ. દિવ્યતાના ખોળે લાંબા નિરાંત ભર્યા ઉંડા શ્વાસ લીધાનો અનુભવ. સાવ સાંજ ઢળી ચુકી હતી ત્યારે અમે ગિરનાર ઉતર્યા. ખરેખર ગિરનાર બધું જ સાંભળે છે, એ જાગૃત છે, શાશ્વત છે. આકાશમાં તારોડિયા દેખાતા હતા. આવા જ તારોડિયાના અજવાસમાં બા ગિરનાર અને રાણદેવડીની કથા કેતી એ કથા બાના અવાજમાં વોંકળામાંથી સંભળાતી હતી.
‘’સિદ્ધરાજે રા ખેંગારને મારી નાખ્યો, રાણકના બે દિકરાને કાળી શીપર પર પછાડી વધેરી નાખ્યા. રાણક દેવડીનો હાથ પકડી ઈ પાટણ લઈ જાતો હતો અને રાણક દેવડીએ એક નજર ગિરનાર હામે કરી ને ફટ રે મુઆ કહીને દોહરો ગાયો,
ગોઝારા ગિરનાર, વળામણ વેરીને કિયો ?
મરતા રા'ખેંગાર, ખડેડી ખાંગો ન થિયો ?
પશી તો ગિરનારના મોટા મોટા પાણા સિધ્ધરાજ જયસિંહની સેના પર પડવા માંડ્યા. રાણક દેવડીને પોતાની પ્રજા પર દયા આવી અને એણે કીધું કે, ‘પડમા પડમા મારા આધાર !’ અને ગિરનાર થોભી ગયો. ‘’ બાએ કીધેલી એ કથા અત્યારે મોટા મોટા સ્થિર થયેલા પથ્થરો જોઈને જાણે કે ધબકતી થઈ ગઈ.
ગિરનારથી દૂર જઈને ગાડીમાં બેઠા અને પાછળ ફરીને જોયું તો કોઈ અઘોરી આરામની મુદ્રામાં આડો પડીને આપણી સામે સ્મિત કરતો હોય એવું લાગે. લાંબી લાંબી જટાઓની લટોને છુટી કરી અંઘારાનો અંચળો ઓઢતા જાણે ગિરનાર કહી રહ્યો હોય,
‘’ જય ગિરનારી !!’’
***