Sambandh name Ajvalu - 14 in Gujarati Moral Stories by Raam Mori books and stories PDF | સંબંધ નામે અજવાળું - 14

Featured Books
Categories
Share

સંબંધ નામે અજવાળું - 14

સંબંધ નામે અજવાળું

(14)

ગર્મ હવા

રામ મોરી

હિંદુસ્તાન અને પાકિસ્તાન. ધરતી છાતી પર પડેલો લોહીયાળ ચીરો. એક માના ધાવણે વળગેલા બે બાળકો. એક મેળામાં ખોવાયું છે અને બીજું ભૂખે ટળવળે છે. આંગળીથી વિખુટા પડેલા બાળકને શોધતી માના ધાવણમાંથી નિરાંતના રસકસ ખૂટ્યા... હવે જે છાતીએ વળગ્યું છે એને નસીબ પણ કાંઈ નથી ને જે મેળામાં ટલ્લે ચડ્યું છે એને નસીબ પણ કંઈ નથી. વિભાજનનો સમય જે તો સમયે ભારતીય સાહિત્ય અને સિનેમામાં એવો તો ગોરંભાયો કે એની પીડાના ગડગડાટ આવનારા યુગો સુધી સંભળાતા રહે છે. વિભાજન સમયે જેમણે જેમણે સહન કર્યું છે એમની પીડાની કલ્પના કરવી શક્ય નથી. ભારત-પાકિસ્તાનના વિભાજન પર આજ સુધી કંઈકેટલીય ફિલ્મો બની ચુકી છે પરંતુ એમાંથી સૌથી સંવેદનશીલ ફિલ્મ તરીકે 'ગર્મ હવા' ( 1973) આજે પણ શ્રેષ્ઠ છે. આ ફિલ્મમાં કોઈપણ કોમ કે ધર્મ પર ચાબખા વિંઝવામાં આવ્યા નથી પણ વિભાજનની અસર એક સામાન્ય માણસ પર પર કેટ્લી પડી છે એ ગુંગળામણ, એ પીડા અને એ છાતીમાં અટવાયેલી ચીસ અહીં બખુબી દર્શાવવામાં આવી છે.

ભારત-પાકિસ્તાનના ભાગલા પડી ચુક્યા છે,હજારો લાખો લોકો હિજરત થયા છે. એ પરિસ્થિતીમાં એક મુસ્લીમ પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા કપરી પરિસ્થિતીમાં મુકાયું છે.આ પરિવાર પોતાની જુતાની ફેક્ટરી પર નભે છે, પરંતુ વિભાજન પછી આ ફેક્ટરીનું કામકાજ મંદ પડ્યું છે. ઘરનો મુખ્ય સદસ્ય સલીમ મીર્ઝા (બલરાજ સહાની) પોતાની ફેક્ટરીના કામકાજ અને મજદુરોના પગાર માટે નાણાની જોગવાઈ કરવા બજારમાં આમથીતેમ આંટા ફેરા મારે છે પણ વેપારીઓ એ ભયથી નાણા ધીરતા નથી કે મુસલમાનો તો ગમે ત્યારે પાકિસ્તાન ભાગીને જતાં રહે અને અહીં પોતાના નાણા ડુબે. આખરે કંટાળીને સલીમ મીર્ઝાનો મોટો દીકરો પોતાની પત્ની અને દીકરાને લઈ પાકિસ્તાન કમાવવા જતો રહે છે.સલીમ મીર્ઝાનો નાનો દીકરો સિકંદર (પહેલીવાર રુપેરી પડ્દે ચમકેલો ફારુખ શેખ) ગ્રેજ્યુએશન કંપ્લીટ તો કરી નાખે છે પણ બાપડાને નોકરીના ફાંફાં છે, જાતિપાતિના ભેદભાવના લીધે સિકંદર હંમેશા નોકરી મેળવતો મેળવતો રહી જાય છે.આખરે સલીમ મીર્ઝા પોતાની હવેલી હિન્દુ વેપારી (એ.કે.હંગલ)ને વેચીને ભાડાના મકાનમાં આવી જાય છે.પોતાની હવેલી ન છોડવા માટેના સલીમ મીર્ઝાની ઘરડી મા (ઝુબેદા)ના ઘમપછાડા એક દર્શક તરીકે આપણને ભીતરથી હચમચાવી નાખે છે. પોતાનું પુશ્તેની મકાન નહીં છોડવા બાબતે ઘરડી બાના વલોપાત આંખો ભીની કરી દે છે. નવા ઘરમાં બા ખુબ બિમાર પડે છે અને તેનો જીવ પોતાની હવેલી જોવા તડફડિયા મારે છે, આખરે પેલા હિન્દુ વેપારીની મંજુરી લઈ સલીમ મીર્ઝા અને સિકંદર બાને ઉંચકી જૂની હવેલી બતાવવા લાવે છે. જેવા એ લોકો પોતાની જૂની હવેલીએ પહોંચે કે વૃધ્ધાની આંખો પોતાની જૂની હવેલીને ચકળકળ નજરે નીરખે છે, એકસાથે કંઈકેટલાય અવાજો સ્મૃતિપટ પર ઝિલાય છે અને ખુશીના એક ચમકારા સાથે એની આંખો બંધ થઈ જાય છે. ભાગલાના પાપે સલીમ મિર્ઝાની દીકરી અમીના (ગીતા સિધ્ધાર્થ) પ્રણયભંગનો ભાર વેઠ્યા પછી પ્રેમીની રાહ જોઈ જોઈને કંટાળી આત્મહત્યા કરે છે.આ બધી ઘટનાની માનસિક અસર સલીમ મીર્ઝાની પત્ની ( શૌકત આઝ્મી) પર બહુ ઉંડી થાય છે. આખરે કંટાળીને હારીને થાકીને સલીમ મીર્ઝા પંણ પોતાના મોટા દીકરા અને ભાઈઓની જેમ પાકિસ્તાન જવાનું નક્કી તો કરે છે. સામાન સાથે તેઓ જ્યારે ઘરની બહાર નીકળે છે તો સ્ટેશને જતી વખતે એ એક રેલી જુએ છે.કોમ-ધર્મના ભેદભાવ વિનાની એકતા વ્યક્ત કરતી અને પોતાના હક માગતી એ રેલી જોઈને સલીમ મીર્ઝા પાકિસ્તાન જવાનું માંડી વાળે છે અને પોતાના દીકરા સિકંદર સાથે જુવાનીયાઓની જોશીલી રેલીમાં જોડાઈને એ સૌમ્ય વૃધ્ધ ધીમા ડગલે ચાલી નીકળે છે. ભારતમાં ભળી રહેવાની પોતાની મક્કમતાને કુમાશપુર્વક વ્યક્ત કરે છે.

ઈસ્મત ચુગતાઈની વાર્તા પરથી ડિરેક્ટર એમ.એસ.સથ્યુએ આ ફિલ્મ બનાવી છે. ૧૪૬ મિનીટની આ મેચ્યોર ફિલ્મમાં એક જ ગીત છે જેના શબ્દો છે, 'મૌલા સલીમ સિશ્તી.....'. ફિલ્મમાં બહાદુર ખાન અને અઝિઝ અહમદનુ સંગીત છે, પણ એ બાબત ખરેખર પ્રશંસનીય છે કે એમણે આ ફિલ્મમાં ગંભીર સંગીતનો ઓવરડોઝ કરવાને બદલે વીણાના કરુણ આલાપ કયાંક ક્યાંક જ મુક્યા છે અને ફિલ્મને સાયલન્ટ મ્યુઝિક્માં રહેવા દઈને કથાને ન્યાય આપવાનો સફળ પ્રયત્ન કરી શક્યા છે.અહીં સન્નાટો સૌથી મોટું મ્યુઝિક છે. વિભાજનની અસરથી ખાલી પડેલી ગલીઓ, ખંડેર લાગતા ઘરો જોઈને કંપારી છૂટી જશે. કલાત્મક શેડ્સ સિનેમેટૉગ્રાફર ઈશાન આર્યાની કમાલ છે.આ ફિલ્મના કેટલાય દ્ર્શ્યો એટલા કરુણ છે કે તમે એની અસરમાંથી નીકળી જ ન શકો. ઈસ્મત ચુગતાઈની વાર્તાને સ્ક્રિનપ્લેમાં ઢાળવાનું કામ કૈફી આઝમી અને શમા ઝૈદે (આ જ ફિલ્મના ડાયરેક્ટર એમ.એસ.સથ્યુના વાઈફ) કર્યુ હતું.ફિલ્મના ભાવુક સંવાદો કૈફી આઝમીએ જ લખ્યા હતા.આ ફિલ્મને ૧૯૭૪ નો બેસ્ટ ફોરેન લેંગ્વેઝ માટેનો એકેડમી એવોર્ડ અને ૧૯૭૪ નો શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો હતો. બેસ્ટ ડાયલોગ્સ માટે કૈફી આઝમીને, બેસ્ટ સ્ટોરી માટે ઈસ્મત ચુગતાઈને અને બેસ્ટ સ્ક્રિનપ્લે માટે શમા ઝૈદને ૧૯૭૫ નો ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયો હતો.

વિભાજનના સમયે ભારતિય મુસ્લિમની વેદના વ્યક્ત કરતી આ ફિલ્મમાં નથી કોઈ કડવાશ, નથી કોઈ વિદ્રોહ, નથી કોઈ નાટ્યત્મકતા કે નથી કોઈ ઊપદેશોના ટોપલા.આ એક પરફેક્ટ માસ્ટરપીસ છે. એક ફિલ્મ કેટ્લી વાસ્તવીક અને કેટ્લી પરિપક્વ ઉંડાણ ધરાવતી હોય તે જોવા જાણવા માટે આ ફિલ્મ અચુક જોવી. ફિલ્મમાં જ્યારે અંતમાં પોતાના હક માટે જતી એકતાની રેલીના દ્ર્શ્યમાં બેક્ગ્રાઉન્ડમાં કૈફી આઝમીના જ અવાજમાં એમનો એક શેર સંભળાય છે..…

" જો દુર સે તુફાન કા કરતે હૈ નઝારા, ઉનકે લીયે તુફાન

વહા ભી હૈ, યહા ભી.…

દારે મેં જો મીલ જાઓગે બન જાઓગે દારા,યે વખ્ત કા એલાન

વહા ભી હૈ, યહા ભી હૈ......."

***