સંબંધ નામે અજવાળું
(9)
અગર તુમ સાથ હો....!
રામ મોરી
એક છોકરી જે બોલીવુડમાં પોતાની કરિયરની શરૂઆત કરી રહી છે. કરિયરની પહેલી ફિલ્મમાં એને ધમાકેદાર એન્ટ્રી મળે અને ફિલ્મ સુપરહીટ થઈ જાય. પછી એ પ્રેમમાં પડે, ગળાડૂબ પ્રેમમાં પડે. પ્રેમમાં એટલી તો પાગલ થાય કે પોતાના શરીર પર પ્રેમીના નામનું ટેટુ ચીતરાવે. ખુલ્લા મને જીવવા ટેવાયેલી એણે ક્યારેય પોતાનો સંબંધ ઢાકી ન રાખ્યો. છોકરાની મમ્મીને આ સંબંધ મંજૂર નહોતો. ઝઘડા, વિવાદ અને અંતે બ્રેકઅપ. સંબંધો બાબતે વધુ પડતી સંવેદનશીલ બનેલી એ છોકરી માટે આ પ્રેમભંગનો સમય પચાવવો અઘરો થઈ પડ્યો. કરિયર મઘ્યાહ્ને પહોંચી અને એ ડિપ્રેશનની ઉંડી ખાઈમાં ધકેલાઈ ગઈ. પોતાની જાતને બાથરૂમમાં પૂરી રાખતી, નાના બાળકોની જેમ કલાકો ચીસો પાડીને રડતી, રડી લીધા પછી મેકઅપ કરી, ગોગલ્સ ચડાવીને શૂટીંગ્સમાં, ઈવેન્ટમાં પહોંચી જવું અને જીંદગી કેટલી સુંદર છે એ વિશેના લાંબા લાંબા ડાયલોગ્સ બોલવાના, મોટા મોટા ગાઉનમાં ડ્રીમબ્યુટી બની પાઉટ પોઝ આપવાના, ફ્લાઈંગ કીસ આપવાની, આઈટમ ડાન્સ કરવાના, કલાકો હસવાનું, સૌથી વધુ ખુશ છું એ દેખાડતા રહેવાનું અને કામ પતાવી ઘેર આવીને ફરી પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી દેવી, કલાકો રડવું, દવાઓ લેવી, સાયકાઈટ્રીસ્ટની સારવાર લેવી અને પાછું શૂટીંગ તો એક દિવસ પણ અટકે નહીં. પોતે ડિપ્રેશનમાંથી હેમખેમ બહાર આવે એટલે તરત મિડિયા સામે કબૂલવું કે પોતે ડિપ્રેશનનો શિકાર હતી, જીવનમાં ફરીથી પ્રેમ પાંગરવો, દરેક ઝીણી ઝીણી વાતોનું ચીવટથી ધ્યાન લેતા છોકરાનો પ્રવેશ, લગાતાર પાંચ સુપરહીટ આપવી, જીવનમાં આવેલા નવા પ્રેમી સાથે જ જોડી બનાવીને ઉપરા ઉપરી ત્રણ સુપરહીટ ફિલ્મ આપવી. બ્રેકઅપને માંડ ભૂલાવ્યું હોય અને એ જ જૂના પ્રેમી સાથે ફરી ફિલ્મની ઓફર આવે તો ? જે માણસના લીધે કલાકો રડી છે એ માણસના ગળામાં હાથ પરોવીને આંખોમાં આંખો નાખીને રોમેન્ટીક ડાયલોગ્સ બોલવાના છે. આ બધું જેટલું વાંચવું સરળ લાગે છે એટલું જીરવવું કદાચ સહેલું નથી જ !
ફેમીલી, ફ્રેન્ડ્સ અને મિડિયાને આઘાત લાગે છે જ્યારે એ છોકરી પોતાના જૂના પ્રેમી સાથે ફિલ્મ કરવાની હા પાડે છે. રીતસરનો ઉહાપોહ કે આ તે કેવી વાત. પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચેનું બેલેન્સ શીખવાની નવી થીયરી જાણે આ છોકરીએ સાબિત કરી. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ વચ્ચે સ્વીચ ઓન અને સ્વીચ ઓફ થવાની ઘટના એ જીવી ગઈ. ફિલ્મમાં પાછા સંવાદો પણ એવા જ હોય જે જાણે જાણી જોઈને લખાયા હશે કે શું એમ પ્રશ્ન થાય. છોકરી છોકરાના હાથ છોડાવીને બોલતી હોય,
‘’તુમ સમજતે ક્યોં નહીં, અગર મેં દો મિનિટ ઓર રૂકી તો....તો મુજે તુમસે પ્યાર હો જાયેગા, ફિરસે...ઔર તુમ્હે નહીં હોગા, ફિરસે !’’
‘’ સચ કહું તો ઉસને કભી મૂડ કે પીછે નહીં દેખા, ઔર મૈં ને ઈંતઝાર ભી નહીં કિયા !’’
આ લેખ લખવાનું કારણ. હમણા હમણા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના એક નવા કલેક્શનની ઈવેન્ટમાં શો સ્ટોપર તરીકે રણીબીર કપૂર અને દિપીકા પદૂકોણ હતો. હાથમાં હાથ નાખીને જે કોન્ફીડેન્સથી સ્મિત અને થોડી ગુલાબી ગુલાબી શરમ સાથે બંને ચાલી રહ્યા હતા એ જોઈને થયું કે આ કઈ શક્તિ હશે એકબીજાને માફ કરી દેવાની ? આ કઈ અવસ્થા હશે જેમાં આપણી સાથે કોઈ એક વ્યક્તિએ ભૂતકાળમાં કરેલા બધા અન્યાય અને કડવાશને આપણે પચાવી જઈએ અને હૂંફાળા બની એને ગળે વળગાડીએ. આ ક્યા પ્રકારની હકારાત્મકતા હશે કે માણસ ક્ષણમાં બધી યાતનાઓ ભૂલી શકતો હશે ! રણબીર કપૂરે એના એક ઈન્ટરવ્યુમાં એવું કબૂલ્યું હતું કે ‘’મારા માટે સરળ નથી પણ દિપીકાને હું જેટલી કૂલ જોઉં છું, એ દરેક વાતને જે રીતે હવે ઈઝી લેતી થઈ છે એ જોઉં છું તો મને પણ નોર્મલ રહેવાની હિંમત વધી જાય છે. મોમેન્ટ ટુ મોમેન્ટ જીવવાની ફીલોસોફી દિપીકામાં છે એવી મેં ક્યાંય નથી જોઈ.’’ તો શું બધું ભૂલાવીને ઝડપથી આગળ વધી જવાની શક્તિ સ્ત્રીઓમાં ભગવાને વધારે એટલે જ આપી હશે કેમકે એના વર્તનને જોઈ પુરુષે પોતાનું વર્તન નક્કી કરવાનું છે.
તમાશા ફિલ્મ જે લોકોએ જોઈ હશે એ ફિલ્મનું ખૂબ લોકપ્રિય થયેલું ગીત ‘અગર તુમ સાથ હો...’ બધાએ જોયું જ હશે. એ ગીત પહેલાં વેદ ( રણબીર કપૂર) અને તારા ( દિપીકા પદૂકોણ)નો એક બહુ જ સુંદર સીન છે. તારા વેદને પકડીને એની માફી માંગે છે. વેદ એને ધક્કો મારે છે અને પોતે સ્ટૂલ પર માથું મૂકીને યલો લાઈટના અજવાસમાં બેઠો બેઠો સૂઈ જાય છે. તારા હળવેકથી એની બાજુમાં બેસે છે અને વેદની જેમ જ ટેબલ પર માથુ ટેકવી સૂઈ જાય છે. હળવેકથી પોતાનો હાથ વેદના માથા પર મૂકે છે અને વાળ પંપાળે છે. થોડીવાર સુધી વેદની આંખો વરસતી રહે છે અને એ ઝટકા સાથે ઉભો થઈ કાફે છોડીને જતો રહે છે. તારા ત્યાં રડતી રહે છે અને પછી પાછળ દોડે છે. અંધારામાં એક અવાવરું ગલીમાં એકબીજાથી દૂર ઉભા છે. વેદ દૂર ઉભો છે અને તારા રડતી રડતી રસ્તા વચ્ચે ઘૂંટણીયે પડી છે. ત્યાં સુધીમાં અલકા યાજ્ઞિકના જાદૂભર્યા અવાજવાળું આ ગીત ચાલી રહ્યું છે. ફિલ્મ તમાશાનો આ આઈકોનીક સીન છે. ફિલ્મના રાઈટર ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી કહી રહ્યા છે કે આ સીન ફિલ્મની પટકથામાં હતો જ નહીં. રણબીર અને દિપીકાએ જાતે આ સીન ગ્લીસરીન વગર, કોઈ ઈન્સ્ટ્રક્શન વગર જાતે ભજવ્યો છે. શું વીતેલા દિવસનું પેઈન, એકબીજા માટેનો અપરાધભાવ, માફી, આંસુ બધું એકસાથે આ સીનમાં નીચોવાયું હશે ? થોડી મિનિટો પૂરતી પણ શું પર્સનલ લાઈફ આ રીતે પ્રોફેશનલ લાઈફમાં ખપની લાગી હશે ! જે હોય તે પણ આ દ્રશ્ય ભારતીય સિનેમાના સો શ્રેષ્ઠ દ્રશ્યોમાંનું એક દ્રશ્ય બની રહે એવી ગુણવત્તાસભર બન્યું છે.
કોઈને માફ કરી દેવાની ઘટના ખરેખર કેટલી અદભૂત હશે. માફ કરી દેવું કદાચ અઘરું નથી પણ માફ કર્યા પછી સામાવાળાને એ વાતનો અહેસાસ કે ભાર ન વર્તાય એ રીતે ખુલ્લા દિલે જીવવું, હળવાશથી હસવું એ સૌથી અઘરું છે કદાચ. સ્ટારપ્લસના મહાભારત ટીવી સિરિયલમાં મિહિર ભૂતાએ સંવાદો લખ્યા હતા એ ભારતિય ટેલિવિઝનના શ્રેષ્ઠ સંવાદો છે. દ્રૌપદી વસ્ત્રાહરણ પછી દ્રૌપદી પોતાને એક ઓરડામાં બંધ કરી દે છે. કોઈનાથી એ દરવાજો ખુલતો નથી. આખરે શ્રીક્રિષ્ન પોતે આવે છે અને દરવાજો આપોઆપ ખુલી જાય છે. પોતાના પરમ સખાને જોઈ દ્રૌપદી ખૂબ રડે છે અને કૃષ્ણના પગમાં પડીને કૌરવો પ્રત્યનો પોતાનો આક્રોશ ઠાલવે છે. મિહિર ભૂતાએ લખેલા એ સંવાદોમાં દ્રૌપદી ક્રિષ્નને પોતાના પ્રતિશોધની વાત કરે છે. એમાં ક્રિષ્નનો એક અદભૂત સંવાદ છે કે, ‘’હે દ્રૌપદી, તું જો કૌરવો સાથે ખરેખર બદલો લેવા માંગતી હો તો સૌથી પહેલા તો એને માફ કરી દે. જો તું એને માફ કરી દઈશ તો પ્રકૃતિ અને પરમેશ્વરનું કામ આપોઆપ વધી જશે. તું કૌરવોને ક્ષમા કરી દઈશ તો પછી પ્રકૃતિ બદલો લેશે. તું જો કૌરવોનો વિનાશ ઈચ્છતી હોય તો સૌથી પહેલાં તો એને માફ કરી દે.’’ પડી ભાંગેલી દ્રૌપદી ટકી ગઈ કેમકે એણે ક્રિષ્નના કહેવાથી કૌરવોને સૌથી પહેલા માફ કરી દીધા હતા. એ પછી મહાભારતનું યુદ્ધ અને કૌરવોનો વિનાશ સ્વયં પરમેશ્વર અને પ્રકૃતિએ કરવો પડ્યો.
ખરેખર તો આપણી સાથે થયેલા અન્યાયને યાદ રાખી રાખીને આપણે સૌથી વધુ સજા તો આપણને ખુદને જ આપીએ છીએ. જો જીવવું છે, ભરપૂર જીવવું છે તો કડવાશ ભૂલી જાઓ કેમકે જીંદગીના કંઈકેટલાય સુંદર પડાવો તમારી રાહ જોઈને બેઠા છે. અહીં કડવાશ ઘોળવા અને બદલો લેવા બેસી રહેશો તો પીડાના અવિરત ચાલતા વિષચક્રમાંથી ક્યારેય નહીં છૂટી શકો !
***