હાસ્ય રતન ધન પાયો
(પ્રકરણ-૧)
કળા કોઈપણ હોય, માણસના જીવનનો આધારસ્તંભ, એટલે કળા. જેની પાસે હાસ્ય છે, એ જીવનમાં ક્યારેય ઘરડો થતો નથી. આદિત્યનું પણ આવું જ છે. હાસ્યની ચોગઠમાં આદિત્ય, પોતે ગયેલો કે, કોઈએ ધક્કો મારેલો એની ખબર ખુદને જ નથી. છતાં છેલ્લાં પચાસ વર્ષથી હાસ્યના હવાતિયાં મારે છે દાદૂ..! જન્મ્યા પછી માત્ર માણસ બનવાની મજુરી કરનારો માણસ, કેવી રીતે હાસ્ય કલાકાર તરીકે વિખ્યાત થયો એના છેડા હજી એ શોધે છે. જેનું થોબડું જોઇને રડું આવે, એ હસાવવાના રવાડે ચઢે, એટલે આશ્ચર્ય તો થાય જ ને..?
કહેવાય છે ને, કે આખર તો ધાર્યું ધણીનું થાય. અહી એક વાતે ચોખવટ કરી લઉં કે, ધણી એટલે વાઈફનો નહિ, ઉપરવાળાની વાત છે. પ્રત્યેકની વાઈફ પોતાના ધણીના, ‘કોન્ફીડેન્શીયલ’ રીપોર્ટ ગમે એવાં પાવરફુલ લખતી હોય, પણ ફાઈનલ રીપોર્ટ તો વિધાતાનો જ ધ્યાને લેવાય. વાઈફનો પણ ધણી ખરો, પણ ‘મેઈડ-ઇન-ચાઈના’ જેવો. ચાલ્યો તો ચાંદ જેવો, નહિ તો, ચપટી સિંદુરની ઈજ્જત સાચવવા માટે ધાણીની માફક કૂદાકૂદ કરે એટલું જ..! કેસરિયા કરવાની હિમત કરવા ગયો તો ખલ્લાસ..! પાડોશી પણ પૂછવા નહિ આવે કે, ‘ ભાઈ ચા-પાણી કર્યા કે..?’
આમ તો સુરજનું બીજું નામ એટલે આદિત્ય..! દેવતા સ્વરૂપ કહેવાય. સૂરજનું કામ સવારે ઉગીને પ્રકાશ પાથરવાનું, ને સાંજે આથમીને અંધારું પાડવાનું. જાણે વીજ કંપની સાથે ધંધાકીય સોદા થયાં હોય એમ, અસ્તાચલ થયાં પછી ધરતીને ઝાકમઝોળ રાખવાનો હવાલો, સૂરજથી છૂટીને વીજ કંપની પાસે આવે. આદિત્ય પાછો હાસ્ય કલાકાર. જેવું અંધારું પડે, એટલે વીજ કંપનીના ઉજાસમાં લોકોને હાસ્યના ઉજાગરા કરાવે. ક્યારેક તો હાસ્યના કાર્યક્રમ બપોરે કરીને લોકોને બપોરિયાં પણ કરાવે. ઊંઘ કરતાં પણ હાસ્ય કેટલું મહાન છે, એની અનુભૂતિ કરાવે એનું નામ આદિત્ય..!
જનમ લીધાં પછી, માણસ બનવું પણ જ્યાં અઘરું હોય ત્યાં, એક કદમ આગળ વધીને આદિત્ય, હાસ્ય કલાકાર પણ થયો. માણસ મટીને હાસ્ય કલાકાર થવું એ ભાગ્યની વાત છે. એક જ બેશનમાંથી જાતજાતના ફરસાણ થવા બરાબર...! બેશન મટી એ ભજીયાથી ઓળખાય, ગાંઠીયાથી ઓળખાય, પાપડીથી ઓળખાય, ફાફડાથી ઓળખાય અને ક્યાંક લોચાથી પણ ઓળખાય, પણ બેશનની મૂળ ઓળખ ગુમાવવી પડે. આદિત્ય હાસ્ય કલાકાર તરીકે પ્રસિદ્ધ થયો, એટલો પ્રખ્યાત થયો કે, પેલી માણસની ઓળખ હાંસિયામાં ચાલી ગઈ. લોકો એને માણસ કરતાં કલાકાર તરીકે વધારે ઓળખતા થયાં. કલાકાર થવું એ સાધનાની ફળશ્રુતિ છે. જાણે ડબલ ગ્રેજ્યુએટની પદવી મળ્યા બરાબર.
એનો જીવ જ એવો હઠીલો કે, જંપીને બેસે તો આદિત્ય નહિ. એનું મગજ તો પ્રાણવાયુ કરતાં, વિચારના વાયુથી વધારે કુદકા મારે. એકવાર મગજમાંથી કોઈપણ વિચારોનો ધોધ છૂટવો જ જોઈએ.પછી સુરજ ડૂબ્યો કે અટકી ગયો, એનો પણ ખ્યાલ નહિ રહે. સુરજ ડૂબ્યા પછી એની સવાર શરુ થાય ને, સુરજ ઉગ્યા પછી એની રાત શરુ થાય. વિચારોને આકાર આપવા, એ કોઈનો પણ ગુલામ બની શકે, પણ સમયના ગુલામ બનવાનું નહિ ફાવે. પ્રકૃતિનો પૂરો નશાખોર. પ્રકૃતિની લપેટમાં ચઢ્યો તો, કલાક તો ઠીક, દિવસો પણ ભૂલી જાય. પ્રકૃતિનો એવો બંધાણી કે, એની લપેટમાં આવ્યાં પછી પરિવાર પણ કોરાણે મુકાય જાય. પ્રકૃતિ એટલે જીવનના ઘડતરનો આધારસ્તંભ. જેવી જેને પ્રકૃતિ મળે, એવી એની વૃતિ બને, જેવી એની વૃતિ બને, એવી એની કૃતિ ઘડાય, અને જેવી એની કૃતિ ઘડાય, એવી એની આકૃતિ બને. પછી તો નિવૃત્તિ સુધી એની આવૃત્તિ બનતી જ રહે. વિચારોના ધોધ એકવાર છૂટવા માંડે તો, વહેતા થઇ જાય. પછી અટકે નહિ. કોયલને ટહુકતી સાંભળતા જ એની સંવેદનાઓ જાગૃત થવા માંડે. ‘ કેવો સરસ અવાજ છે? એને કાળો રંગ આપીને ભગવાને કયા ગુન્હાની સજા કરી હશે ? ડોકટર દર્દીને, દુધમાં ગોળી લેવાનું કહે એમ, અવાજ કર્ણપ્રિય આપ્યો ને વાન કાળો આપ્યો. મોરને મઝાનું રૂપ આપ્યું, પણ એની પાસેથી ઈચ્છાઓ ઝુંટવી લીધી. ઈચ્છા માનવીને આપી, તો માણસ પાસેથી સંતોષ લઇ લીધો. સંતોષ સાધુને આપ્યો તો, સાધુ પાસેથી સંસાર લઇ લીધો. સંસાર દેવોને ચલાવવા આપ્યો, તો દેવો પાસેથી મોક્ષ લઇ લીધો. ને મોક્ષ નિરાકારને આપ્યો તો, નિરાકાર પાસેથી આકાર લઇ લીધો. કુદરતની કેવી વ્યવસ્થા છે..?
મુક્ત મને માણસ જ હસી શકે છે, પણ અનેક જવાબદારીઓ માંથી એ મુકત થાય છે ક્યાં..? પૈસાની પાછળ હરણફાડ ભરતો માનવી, ક્યાં જાણે છે કે, પૈસો એ ધોરીમાર્ગ નથી, માત્ર જીવતર કાઢવાનું ડાયવર્ઝન છે. એટલે તો માંસ હાસ્યની ફીક્ષ ડીપોઝીટ બનાવે છે, ને ટેન્શનને કરંટ ખાતામાં રાખે છે. આ રીતે જિંદગીની ભયાનકતા દુર નહિ થાય. હાસ્ય તો જીવન જીવવાની જડીબુટ્ટી છે.
ગંગા સતી પાનબાઈએ એટલે જ તો વર્ષો પહેલાં કહેલું કે, “વીજળીના ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા આવશે..!” આ ભજનમાં ભારોભાર સત્વ છે. સુખના દિવસોમાં મ્હાલનાર દુખ આવે ત્યારે વિવશ નહિ બને, એ માટે ગંગાસતી પાનબાઈએ કહ્યું કે, વીજળીના ચમકારા જેટલું પણ સુખ આવે ત્યારે, હરિસ્મરણ કરી લેવું. આદિત્ય એવું કહે કે, એક ક્ષણ પણ હાસ્ય વગર ટાળવી નહિ. જેથી દુખના સમયે પીડા ભારેખમ લાગવાને બદલે હળવી લાગે. જાણે આદિત્યના જન્મ ટાણે સ્વયં ગંગાસતી પાનબાઈએ જ ઘોડિયે આવીને હાલરડું ગાયને ઊંઘાડિયો હોય એમ, આ ભજનની ધૂન અને તેના શબ્દોએ એના મગજમાં હજી માળો બાંધેલો છે. આદિત્યના બ્લડમાં હેમોગ્લોબિન કરતાં, આ ભજના ધૂનની માત્રા વધારે નીકળે તો નવાઈ નહિ. આદિત્યનું તો ત્યાં સુધી માનવું છે કે, હું જન્મ્યો ત્યારે લોકો હસતાં જ હશે, એમને હસતાં જોઈને જ હું હસવાની ચેષ્ટા સાથે જ આ દુનિયામાં પ્રવેશ પામ્યો હોઈશ. એ વિના હું હાસ્ય કલાકાર બનું શી રીતે..?
આદિત્યનો જનમ જ ભારતની આઝાદી પછી થયો હોય, પછી રડવાની તો વાત આવે જ ક્યાંથી..? એ દિવસોમાં રડવા કરતાં તો હસ્યો વધારે હોઈશ. દુનિયામાં આદિત્યની ‘એન્ટ્રી’ એટલે કે જનમવાનું, ને દુનિયામાંથી ગાંધીજીની ‘એક્ઝીટ’ આ બંને વચ્ચે ઝાઝું અંતર પણ નહિ. ગાંધીજી તા, ૩૦-૧-૧૯૪૮ ના વિદાય થયેલા ને આદિત્ય ૨૫-૧૨-૪૮ ની નાતાલની વહેલી સવારે દુનિયામાં દાખલ થયેલો. કહેવાય છે કે, આદિત્યને સુવાડવા માટે ત્યારે હાલરડાંને બદલે, દેશભક્તિના ગીત જ ગવાતાં. અને એટલે જ તો કોઈ ભૂલથી પણ રાષ્ટ્રગીત ગાઈ નાંખતું તો આદિત્ય ઝોળીમાં પણ ઉભો થઇ જતો. આજે પણ એ પૂરો ભારતપ્રેમી. શિવાજીની માફક સંસ્કાર એને સમયકાળ સાથે ઘોડીયામાંથી જ મળેલા...! જેના શબ્દોમાં તાકાત હોય, ને ધુણાવી નાંખે એવી જેની ધૂન હોય, પછી હાલરડું કોણ હલાવે એ મહત્વનું નથી. આપોઆપ નિંદર આવી જાય. જાણે એના શબ્દો જ એની તાકાત ને જોમ હોય એમ, એના શ્વાસ ધબકતા જ રહે. આજની પ્રતિષ્ઠા પાછળનું રહસ્ય આવી ધૂન પણ હોય શકે. સમય તો એને આજે પણ ટૂંકો પડે, છતાં એકાંતની પળોમાં એવો ચકરાવે ચઢી જાય કે, બચપણ એના ખોળામાં માથું ઢાળીને જાણે વાતો કરવા લાગે. કવિ કૈલાસ પંડિત કહે છે એમ,
ક્યા ખોવાણું બચપણ મારું, મુજને પાછું આપો.
મીઠાં મીઠા સ્વપ્નાઓની દુનિયા પાછી આપો.
મોટર બંગલા લઇ લો મારા લીલો વૈભવ પાછો.
પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો..!’
( ક્રમશ: )