Mathabhare Natho - 12 in Gujarati Classic Stories by bharat chaklashiya books and stories PDF | માથાભારે નાથો - 12

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

માથાભારે નાથો - 12

માથાભારે નાથો [12]
મગન અને નાથો જ્યારે રૂમમાં આવ્યા ત્યારે ત્યાં બેઠેલા વ્યક્તિને જોઈને નવાઈ પામ્યા હતા.રમેશ એકબાજુ ગુમસુમ બેઠો હતો.
"ઓળખાણ ન પડી મેં'માનની."
નાથાએ,મૂછોને વળ ચડાવી રહેલા અને વ્હાઈટ પેન્ટ-શર્ટ પહેરીને બેઠેલા વ્યક્તિને જોઈને કહ્યું.
"મારી ઓળખાણ આપવા હાટુ જ આંય આયો સુ..હમજ્યો ભઇબંન? આપણને રામાભાઈ કે સે બધા..રામાભાઈ ભરવાડ, હું પોતે,આ તમારો ભઈબન બે તયણ દી થા મારી વાંહે આંટા મારે સે, તે કીધું લાવ્યને પુસી લવ..ઇ હારુ આપડે આંય પધાર્યા સવી.."
"તો કામ પતી જયું હોય તો તમે જઇ શકો છો રામાભાઈ..તમને બધા રામાભાઈ કે'તા હોય તો આપડે'ય રામભાઈ જ કેશુ તમતમારે..બરોબર..? પોસા ભારે નીકળો અટલે અમે અમારું કામ કરીએ..." નાથાએ પેલાની સ્ટાઈલથી જરા પણ ગભરાયા વગર રામાભાઈને ત્યાંથી જવા માટે કહ્યું.
"કામ પતી ગયું હોય તો ને ! પણ હજી કામ સાલું જ નથી કર્યું હમજ્યો ભાઈબંન ? આ તારા દોસ્તારને પુછ , શુ કામ રામાભાઈ
ના ઘરની સોકી કરતો'તો બે તયણ દી'થી ?'' રામાભાઈએ થોડી કડકાઈથી કહ્યું.
"રાઘવ ક્યાં છે ?"રમેશે ખૂણામાંથી
ધીમા અવાજે કહ્યું.
"કોણ રાઘવ ? હું કોઈ રાઘવને ઓળખતો નથી. અને તું મારા ઘરની આસપાસ રોજ આંટા મારે
છ એટલે મારે આજ આંય આવવું
પડ્યું ,અમારા ભરવાડ ફળિયામાં
કોઈની કારણ વગરની આવ જા અમે સલાવી લેતા નથી,હમજ્યો ?
હવે પસી જો ઇ બાજુ દેખાણો,તો
ટાંટિયા ભાંગી જાહે."રામો ભરવાડ
ધમકી આપીને ઉભો થયો.
"તે રાત્યે દસ જણ આવેલા એમાં તું પણ હતો જ ને ! રાઘવને લઈને તમે લોકો આવ્યા'તા. એનો જો વાળ પણ વાંકો થયો હશે તો રામા
ભરવાડ તું જોઈ લેજે.આ શહેરમાં
પોલીસતંત્ર જેવું કંઇક હોય છે, અને તું એમ નો સમજતો કે અમે
એકલા છીએ, અમારે પણ વાંહા (પીઠ) છે, મારું નામ નાથાલાલ નાકરાણી..યાદ રાખજે, રામા તારું નામ તો રામો છે, પણ તારા કામો તો રાવણના લાગે છે, મારો ભાઈ ભાવનગરમાં પોલીસ ખાતામાં PSI છે, અહીંના પોલીસ સ્ટેશનમાં ચાવડા સાહેબ છે PI, ઓળખે છે તું એમને ? નો ઓળખતો હોય તો બહુ જલ્દી તારી ઓળખાણ થઈ જશે..રાઘવાને કંઈ થયું તો જોઈ લેજો.." નાથાએ લાંબી લાંબી છોડતા ઊંચા અવાજે કહ્યું.
રામો ભરવાડ એની વાત સાંભળીને વિચારમાં પડયો. થોડીવાર એ નાથાને, મગનને અને ખૂણામાં બેઠેલા રમેશને જોઈ રહ્યો
પછી કંઈક વિચારીને બોલ્યો,
"જો ભાઈ,તું જે હોય ઇ,હું કોઈથી
બીતો નથી,હું તો ખાલી નરશી ભાઈની હારે આવેલો..ઇ લોકો જેને પકડીને લાવ્યા'તા એનું નામ મને ખબર નથી, હું તો પછી મારા ઘરે વયો ગયો'તો..હમજ્યો ? તું ઇ ભાઈની માહિતી સાટું મારી વાંહે આંટા મારતો હોય તો તને કય દવ કે ઇ બાબતમાં હું કાંય જાણતો નથી.."
"નરશીભાઈ કોણ છે ? અને ક્યાં રહે છે ઇ અમને કઈ દે..રામાભાઈ
નકર અમે તારા નામ ઉપર પોલીસ ફરિયાદ કરવાના છીએ..તેં અમારા દોસ્તનું અપહરણ કરીને એની પાસેથી હીરા લૂંટી લીધા છે,અને જો એને કંઈ પણ થયું હશે તો એનો બધો જ આરોપ તારી ઉપર આવશે..હમજ્યો રામાભાઈ ?
ચાવડા સાહેબ, મારા મોટાભાઈના
ખાસ દોસ્તાર છે, અને આજ અમે ફરિયાદ લખાવવા જવાના છીએ..
એમણે કીધું'તું કે એક બે દિવસ તાપસ કરો અને કોઈની ઉપર શક જાય તો એની ઉપર ફરિયાદ કરી દેજો એટલે પછી એ છે અને અમે છીએ, એમ ચાવડા સાહેબે કીધું જ છે, પોલીસ ઇન્સ્પેકટર ચાવડા સાહેબ, બહુ કડક છે, મારી મારીને બધું જ ઓકાવી દેશે સમજ્યો ?"
ક્યારના ચૂપ ઉભેલા મગને પણ દાવ લગાવ્યો.
"ઓલ્યા,મથુરને કેવો ઠોકાર્યો'તો નહીં ? ખાલી કારખાનમાંથી એક બે અંગુર કટોરા (હીરા ઘસવા માટેના સાધનો) ચોરી ગયો 'તો, એમાં ચાવડા સાહેબને કિધેલું, પછી મથુરને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને કાંઇ માર્યો છે..કાંઈ માર્યો છે.."નાથાએ વાર્તા ઘડી કાઢી.
"હા, હા, ઓલ્યો મથુરને..! અલ્યા એના કુલા ઉપર જે લાકડીઓ ઠોકેલી.. બિચારો છ મહિના સુધી ગાડી કે સાયકલ ન્હોતો હાંકી હકયો." રમેશે પણ ચલાવ્યું.
રામો ભરવાડ ત્રણેય સામે વારા ફરતી જોઈ રહ્યો.ચાવડા સાહેબનો ડર એના ચહેરા ઉપર હવે દેખાવા લાગ્યો હતો. એ રમેશને છોકરડો સમજીને ધમકાવવા આવેલો.એના મિત્ર નરશીએ જ રાઘવનો "સીધો" કરવાનું કામ બે હજારમાં સોંપ્યું હતું.અને એટલે જ એ તે રાત્રે સાથે આવ્યો હતો. પણ અહીં નાથાની જાળમાં એ બરાબરનો ભેરવાયો હતો. કોઈ મથુરને ચાવડા સાહેબે મારેલો એ વાત સાંભળીને એને ચાવડા સાહેબનો ડર લાગવા માંડ્યો.
"જો ભાઈ, ઇ નરશી ક્યાં રેય છે ઇ મને ખબર નથી..હું તો ખાલી હારે(સાથે) આવ્યો'તો.." રામાએ લોચા વળવા માંડ્યા.
"મુકો ને લપ..હાલો આપડે કાપોદ્રા પોલીસ સ્ટેશન..આ રામા વિરુદ્ધ ફરિયાદ જ દાખલ કરી દેવી..અને નાથા ઓલ્યા દવે સાહેબ છે ને વકીલ..એમને કેસ સોંપી દેવી..જો ને તમારા ગામમાં ઓલ્યા ગોપાને જનમટીપની સજા કરાવી'તી.. આ બધા આપડને સરખા જવાબ નો આપે..ચાવડા સાહેબ બે ડંડા ઠોકશે,વાંકો રાખીને એટલે પોપટની જેમ બોલવા મંડશે.. અને રાઘવનો વાળ પણ વાંકો થયો હશેને તો, રામા ભરવાડ તું જોઈ લેજે, દવે સાહેબ તને ફાંસીની સજા કરાવશે, જોઈ લે જે..તું.."નાથાએ કહ્યું.
પહેલા પોલીસ ઇન્સ્પેકટર ચાવડા સાહેબ અને પછી વકીલ દવે સાહેબ રામાની નજર સમક્ષ ઉપસ્થિત થયા. રામાને દંડો લઈને મારવા આવતા કાલ્પનિક ચાવડા સાહેબ દેખાવા લાગ્યા. પિક્ચરમાં જોયેલો કોર્ટનો સીન નજર સમક્ષ તરવરી રહ્યો, જેમાં કઠેડામાં એ પોતે ઉભો હતો અને કાળો કોટ પહેરીને કોઈ દવે સાહેબ નામનો વકીલ એની સામે હાથ લાંબા ટૂંકા કરીને સવાલ ઉપર સવાલ કરતો હતો..રાઘવ ક્યાં છે... રાઘવ ક્યાં છે...
"અલ્યા, રમેશ સુરતની કોર્ટમાં જજ સાહેબ તો તારા ગામના જ છે ને ? શુ નામ એમનું..?" મગને એકાએક રમેશને પૂછ્યું.
"હા, અલ્યા એ તો મને યાદ જ ન્હોતું.. જોશીકાકા..મારા બાપુજી અને જોશીકાકા સાથે જ ભણતા હતા..અત્યારે ઇ સુરતમાં જ છે.. તો તો..હવે રાઘવની ચિંતા કરવાની જરૂર નથી. જોશીકાકા તો ગુનેગારોને ફાંસીની સજા જ ઠોકે છે. હાલો આપડે ફરિયાદ જ કરી દેવાની છે.."એમ કહીને રમેશ ખૂણામાંથી ઉભો થયો. નાથો અને મગન પણ બહાર નીકળવા લાગ્યા.
"અલ્યા ભાઈ, બેહો તો ખરા..આપડે વાત કરી લેવી..ભલા માણસ તમારે આટલી આટલી ઓળખાણ હશે ઇ મને થોડી ખબર હોય..મને જેટલી ખબર સે એટલી વાત હું તમને કવ સુ......
ભાઈસાબ..તમે ભલામાણસ ફરિયાદ નો કરતા.." રામો ઢીલો પડી ગયો. થોડીવાર પહેલા કામ ચાલુ કરવાની વાત કરતો રામો કામ બંધ કરવા માટે બારણાં માં આડો ઉભો રહી ગયો.
"નરશીભાઈની ઓફીસ મહિધરપુરાની મોટી હીરાબજારમાં છે,કાચા હીરાનું મોટુ કામ છે એમનું, ક્યા ગામના છે એ મને ખબર નથી પણ તમારો ભાઈબંધ એના હીરા ચોરી ગયો છે ઇ વાત સાવ પાકી છે, અને તે'દી રાતે અમે એને લઈને આયા હતા અને ઇવડા ઇને જ્યાં જ્યાં હીરા સંતાડયા હતા ઇ બધા જ ઠેકાણેથી માલ હાથ કરી લીધો'તો. પછી સવારે પાંચ વાગ્યે હું તો મારા ઘરે જઈને સુઈ ગ્યો'તો.બસ આનાથી વિશેષ હું કંઈ જાણતો નથી...."
" ઇ નરશીભાઈની ઓફિસનું સરનામું તો તમારે આપવું જ પડશે..."નાથાએ કહ્યું.
"મોટી હીરા બજારમાં ચંદુલાલ શેઠની શેરીમાં ગમે ઈને પૂછશો તોય તમને નરશી માધાની ઓફિસે મૂકે જાહે..તો હાલો હવે હું જાઉં ભલા થઈને મારી વાંહે હવે આંટા નો મારતા...આ ખબર હતી એટલુ તમને કીધું..." એમ કહીને રામો ત્યાંથી રવાના થયો. બહાર બુલેટ ચાલુ થવાનો અવાજ આવ્યો એટલે નાથો, મગન અને રમેશ ત્રણેય ખખડી પડ્યા..
"આ હાળો આટલીવારમાં,માટીના ઢેફા વરસાદમાં ઓગળી જાય એમ આપણી વાતું સાંભળીને ગારા જેવો થઈ જશે એવું નો'તું ધાર્યું... હાળો પોલીસથી બહુ બીવે છે..." મગને હસતા હસતા કહ્યું.
"ગોરખધંધા કરતા હોય એ બધાની ફાટે જ !" નાથાએ કહ્યું.
"અલ્યા, બિચારા ગોરખને શુ કામ
બદનામ કરો છો. એ તો ખૂબ સારો ચેલો હતો, એના ગુરુ મચ્છન્દરે કહ્યું એમ કર્યું બિચારીએ...એમાં એનું નામ આવા કાળા કરતૂતો સાથે જડાઈ ગયું."મગને ગોરખનાથને યાદ કર્યા.
"એ બધું તો ઠીક હવે, રાઘવનો પત્તો મેળવવાનું કંઇક કરો યાર.."
રમેશે કહ્યું.
"હવે મોટી બજારમાં જઈને નરશી માધાને મળીએ, એટલે રાઘવનો પત્તો મળશે." નાથાએ કહ્યું. અને ત્રણેય હીરા બજારમાં જવા ઉપડ્યા.
* * * * * * * * * * * * * * * * *
સુરતનું હીરાબજાર મહિધરપુરા
વિસ્તારની એક બે શેરીઓમાં એ
વખતે ધમધમતું હતું. લોકો શેરીમાં ઉભા ઉભા જ આઇ ગ્લાસ વડે હીરાના પડીકામાંથી હીરા જોઈ લેતા અને વેપાર કરી નાખતા. 1980 થઈ 1990 સુધીનો સમય હીરાના બિઝનેસ માટે સુવર્ણકાળ હતો.હજુ ટેકનોલોજી આવી નહોતી, પણ કોઈ પણ કારીગર થોડું દિમાગ લગાવીને સાહસ કરે તો બીજા ધંધા કરતા ખૂબ જ ઓછા સમયમાં સારા એવા પૈસા મળવા માંડતા. પરંતુ કિંમતી ઝવેરાતના આ બિઝનેસ ફરતે ફૂલ ફરતે જે કાંટા હોય છે એવા જ જોખમોના અણીદાર કાંટાઓ પણ હતા. કારખાનું ચલાવતા શેઠને, જે કારીગરો પોતાના કારખાને હીરા ઘસવા આવે એમને એડવાન્સમાં દસ હજારથી માંડીને લાખ રૂપિયા સુધીની રકમ "બાકી" તરીકે આપવી પડતી. જેવો કારીગર એ પ્રમાણે બાકી આપવાનું ખૂબ મોટું જોખમ લેવું પડતું. "બાકી'' તરીકે આપવામાં આવતી આ રકમ કોઈપણ જાતની સિક્યુરિટી વગર, કોઈપણ જાતના લખાણ વગર આપી દેવામાં આવતી.અને આ બાબતનો ઘણા કારીગરો ગેરલાભ ઉઠાવતા. કારખાનામાં એક બે મહિના ખૂબ સારું કામ કરીને ઉત્તમ કારીગરની છાપ પાડ્યા પછી અમુક કારીગરો મોટી રકમ "બાકી" તરીકે લઈને નાસી જતા.
આવા કારીગરોને શોધીને તેઓએ બુચ મારેલી "બાકી" કઢાવવાનો પણ એક ધંધો હીરાના ધંધાનો એક ભાગ હતો અને આ ધંધો રામા ભરવાડ જેવા માથાભારે માણસો કરતા.શેઠિયાઓનું ચિટીંગ
કરીને નાસી ગયેલા કારીગરો પકડાય ત્યારે એમને ઢોરમાર મારવામાં આવતો, ઘણીવાર કોઈ કારગરનું મૃત્યુ પણ થઈ જતું. એવા સમયે પોલીસ પાર્ટી આ શેઠિયાઓ પાસેથી સારો એવો માલ પડાવીને બધું ભીનું સંકેલી લેતી. કારીગરોમાં પણ બધા જ એવા લુચ્ચા હતા એવું નહોતું. ગરીબીને કારણે લાખો રૂપિયાના દેવામાં આવી ગયેલા હીરાના કારીગરોની લાચારી અને મજબૂરી તેમને આવી "બાકી"નું બુચ મારવા પ્રેરતી. અને હીરાના ધંધામાં રહેલી અઢળક કમાણી કરતાં શેઠિયાઓ કારીગરોનું શોષણ કરતા.એટલે એકબીજા પર આધારિત હોવા છતાં કારીગરો અને શેઠ વચ્ચે એક નફરત રહેતી.
રાઘવ જેવા અનેક લોકો પોતાના મનમાં ઉગેલા આ નફરતના લંગરો વડે શેઠિયાઓની ચગેલી પતંગને લૂંટવાની સતત કોશિશ કરતા.
રાઘવ જે દારુણ પરિસ્થિતિમાંથી
પસાર થઈને આવ્યો હતો, અથવા
ભણવાની અતિશય ઈચ્છા હોવા છતાં ઘરની ડૂબતી નૈયાને કિનારે લાવવા જીવનના અરમાનોનું ગળું ઘોંટીને ફરજીયાત હીરા ઘસવા આવવું પડ્યું હતું તે વાતનો રંજ એના કાળજે વાગેલા ઘાવની જેમ સતત પીડા આપી રહ્યો હતો.
રાઘવે પોતાની હોશીયારીથી હીરા ઘસવાનું,કે સીધા રસ્તે વેપાર કરવા
નું છોડીને પૈસા કમાવા શોર્ટકટ પકડ્યો હતો અને એ શોર્ટકટમાં આવતા ખાડાઓમાં એ ઉથલી પડ્યો હતો.
નરશી માધા જેવા અનેક લોકોએ
સૌરાષ્ટ્રના આંતરિયાળ ગામડાઓ
માંથી આવીને હીરા સાથે પોતાની જાત પણ ઘસી નાખી હતી. અનેક
મુશ્કેલીઓના વાવાઝોડા સામે ચટ્ટાનની જેમ કાઠિયાવાડી યુવાનો ટકી રહ્યા હતા. કારખાનાઓમાં
હીરાની ઘંટીઓ નીચે વરસો સુધી ટૂંટિયું વળીને પડ્યા રહેતા આવા અનેક કારીગરોને માંકડ,મચ્છર અને માણસોએ ચૂસવામાં કંઈ જ બાકી નહોતું રાખ્યું.
ગમે તેવો ખોરાક અને માથાભારે લોકોની ગાળો અને મારપીટ એ લોકોએ પચાવી જાણ્યો હતો.
સતત દુકાળિયા વરસોને કારણે
સુકાઈ ગયેલી સોરઠની ધીંગી ધરાને ધાવીને આવેલા આ નરબંકાઓ વિશ્વમાં પોતાના નામનો ડંકો વગાડવાના હતા.
નરશી પણ આ યુવાનોમાંથી જ એક હતો. વરસો સુધી હીરા ઘસીને એણે હીરાની એક એક કલાને પારખી હતી. કાચા હીરાના ગાંગડાના નંગને ઘાટ આપીને, મોટામાં મોટો અને વધુમાં વધુ વજનદાર રત્ન બનાવવાનો કસબ એ શીખ્યો હતો. અને એની મહેનતનું, પરસેવાનું અને કાળી મજૂરીનું ફળ કોઈ ચોરી જાય કે તફડાવી જાય અથવા એના નફામાં ગાળીયું કરી જાય એ વાત એને બીલકુલ રાસ આવે એમ નહોતી.
તૈયાર થઈને આવેલો હીરો મૂળ રફનો, પોતે જ આપેલો કાચો હીરો છે કે બદલાઈ ગયો છે એ પારખવું શક્ય હોતું નથી. પણ નરશી પોતાનું નંગ કેવું રત્ન બનશે એની કલ્પના કરી શકતો.
રાઘવે શરૂઆતમાં નરશીના હીરા વેચીને દલાલી કરવા માંડી હતી. પણ નરશી પોતાના માલની કિંમત જાણતો હતો એટલે ક્યારેય દલાલી સિવાય વધારાનું ગાળીયું કોઈ પણ દલાલ કરી શકતો નહીં. પણ રાઘવ ઉસ્તાદોનો ઉસ્તાદ હતો. નરશીના હીરામાં પોતાના હીરા મૂકીને એ માલની કિંમત વધારતો અને પોતાનો હલકો માલ પણ નરશીના ઉંચા માલની સાથે વેચી નાખતો.એને કારણે ધીરે ધીરે બજારમાં નરશીના માલની કિંમત ઘટવા લાગી.એની ઓફિસનો જે પ્રભાવ બજારમાં છવાયેલો હતો એમાં ઝાંખપ આવવા લાગી.
નરશીએ ખૂબ જ ઝડપથી આ મામલો પકડી પાડ્યો અને રાઘવને દલાલ તરીકે રિજેક્ટ કરી નાખ્યો. અને એને વેચવા આપેલો તમામ માલ પાછો માગ્યો.રાઘવે માલ પાછો તો આપી દીધો પણ ખૂબ જ મહત્વની એક ઉમદા રફનું પેકેટ ગુમ કરી દીધું.(આ પેકેટ એણે રમેશને સાચવવા આપેલું) ઘણા સમય સુધી ગલ્લા તલ્લા કરીને ચલાવ્યું, પણ આ વખતે એણે અજગરના મોમાં હાથ નાખ્યો હતો. નરશીએ પોતાના રામા ભરવાડ જેવા ખાસ માણસોને રાઘવની પાછળ લગાડ્યા અને એની તમામ પોલ પકડી પાડી.
તે દિવસે સાંજે ચાર વાગ્યે રાઘવને બજારમાંથી પોતાની ઓફિસે બોલાવીને નરશીએ રિમાન્ડ શરૂ કરી હતી.ઝરખના ટોળા વચ્ચે ઘેરાયેલા હરણની જેમ રાઘવ ગભરાઈ ગયો હતો. શરૂઆતમાં પોતાને કંઈ જ ખબર ન હોવાનું ગાણું ગાયું હતું પણ એની વાતનો કોઈએ વિશ્વાસ કર્યો નહોતો અને રામા ભરવાડે રાઘવને
ધોલ થપાટ કરી હતી. આખરે રાઘવે પોતે સંતાડેલા હીરા આપી દેવા પડ્યા હતા. રમેશ સહિત જેટલા પણ લોકોને રાઘવે હીરા આપ્યા હતા એ તમામને એ રાત્રે નરશી અને બીજાઓએ જગાડીને દરેક પાસેથી માલ કબજે કર્યો હતો.
નરશીના હાથમાં જે માલ આવ્યો હતો એની ચકાસણી કરવાની બાકી હતી. કદાચ એવું બન્યું હતું કે રાઘવે ઉત્તમ ક્વોલિટીના ડાયમંડ ક્યાંક સંતાડી દીધા હોવાની શંકા
નરશીની મંડળીને પડી હતી. એટલે રાઘવને કિડનેપ કરીને નરશીએ કોઈ ગુપ્ત સ્થળે રાઘવને રાખ્યો હતો. રાઘવની પત્ની સમજતી હતી કે રાઘવ મુંબઈ હીરા વેચવા ગયો હતો અને કામ પતે એટલે એ પરત આવી જવાનો હતો. ઘણીવાર એવું બન્યું હતું કે ત્રણ દિવસનું કહીને રાઘવ સાત આઠ દિવસે પાછો આવ્યો હતો.એટલે રાઘવની પત્ની એને શોધે તેમ નહોતી. એ એના બાળક સાથે સમય પસાર કરી લેતી.

-------/----------//------//------------
નાથો, મગન અને રમેશ હીરા બજારમાં ચંદુલાલ શેઠની શેરીમાં આવ્યા હતા. બરાબર એ જ વખતે નરશીશેઠ ચંદુલાલ શેઠની શેરીમાંથી એનું બાઇક લઈને રામા ભરવાડને મળવા જઇ રહ્યો હતો. રાઘવ પાસેથી મેળવેલા પડીકાઓમાં એની ધારણા કરતા ઘણો કિંમતી માલ નીકળ્યો હતો. કારણ કે રાઘવે ચોરેલા ઉમદા રત્નો આ પેકેટસમાં હતા. એક સાથે ઘણો બધો માલ ભેગો કરીને મુંબઈ આવતા વિદેશી બાયરોને આ માલ ખૂબ ઉંચી કિંમતે વેચીને એક સાથે લાખો રૂપિયા બનાવવાની રાઘવની યોજના ઉપર પાણી ફરી વળ્યું હતું.અને બધો જ માલ હીરા ઉધોગના મગર મચ્છ જેવા નરશીના હાથમાં આવ્યો હતો. એ માલ ઓફિસમાં લાવીને ટ્રેમાં ઠાલવીને નરશીએ ચિપીયો મારીને એક પછી એક નંગ આઈ ગ્લાસ વડે ટ્યુબલાઇટ્સના પ્રકાશમાં જોવા માંડ્યા હતા. જેમ જેમ એ હીરા જોતો ગયો તેમ તેમ તેના ચહેરા પણ આનંદની લકીરો ઉપસવા લાગી હતી. રાઘવ પાસેથી માત્ર પોતાનો જ નહીં પણ રાઘવે અન્ય જગ્યાઓએ મારેલા હાથને કારણે કરોડોની કિંમતના હીરા નરશી માધાના હાથમાં આવ્યા હતા. અને નરશી માધા હીરા ઉધોગનો અજગર હતો !!
ચંદુલાલ શેઠની શેરી વેપારીઓ અને દલાલોથી ઉભરાતી હતી. ચાલીને પણ માંડ માંડ નીકળી શકાય એવી ગિરદીમાં, જે લોકોની પોતાની ઓફીસ આ બજારમાં હતી તેવા લોકો જ બાઇક લઈને નીકળતા.હીરાબજારમાં હીરા સાથે સંકળાયેલ ન હોય તેવા લોકો ભાગ્યે જ આવતા. અથવા એ શેરીમાંથી ક્યારેક જ પસાર થતા. ખારીશીંગ અને ચણા મસાલાની ભેળ વેચવાવાળા ફેરીયાઓ અને ચા લઈ જતા છોકરાઓ આ ગિરદીમાં સામેલ રહેતાં. હીરા બજારમાં હીરાની ઓફિસો સિવાય ચા નાસ્તાની અને ફરસાણ ની પણ કેટલીક દુકાનો હતી. કેટલાક મકાનોમાં હજુ પણ સુરતી લોકોનું રહેઠાણ પણ હતું.
બાઇક લઈને નીકળેલા નરશીએ રાઘવ પાસેથી પડાવેલો માલ એક પર્સમાં નાખ્યો હતો અને એ પર્સ એણે બાઈકના હેન્ડલમાં ભરાવ્યું હતું.(આવી ભૂલ ભાગ્યે જ એ કરતો, પણ આજે જે વસ્તુ એના હાથમાં આવી હતી એના આનંદના અતિરેકને કારણે આમ બન્યું હતું ) પર્સમાં હીરા ઉપરાંત દસ હજાર રૂપિયા પણ હતા.
રમેશ, નાથો અને મગન ગિરદીમાં જગ્યા કરતા કરતા અને વારેઘડીએ અલગ અલગ લોકોને નરશી શેઠની ઓફીસ વિશે પૂછતાં પૂછતાં આગળ વધી રહ્યા હતા, એ જ વખતે નરશી બાઇક લઈને નીકળ્યો હતો. ધીરે ધીરે બાઇક ચલાવીને હોર્ન મારતા મારતા નરશી જઈ રહ્યો હતો.બરાબર એ જ વખતે ક્યાંકથી બે આખલાઓ લડતા લડતા આવી ચડ્યા હતા. અને તેમની ઝપટમાં ન આવી જવાય એ માટે હીરા બજારમાં ભાગદોડ મચી. નાથો, મગન અને રમેશ હજુ કંઈ સમજે તે પહેલાં જ લોકોએ "ભાગો, ભાગો" ની બુમાબુમ મચાવી હતી.
નરશી પોતાનું બાઇક લઈને આવી રહ્યો હતો, એની બરાબર સામેની દિશામાંથી આ બન્ને આખલાઓ આવી ચડ્યા હતા. યુદ્ધમાં હારેલો આખલો વધુ માર ન ખાવો પડે એ બીકે ઊંચું પૂછડું લઈને નાસ્યો હતો.પણ વિજેતા આખલો એનો પીછો છોડે એમ નહોતો.
ધસમસતા ઘોડા પુરની જેમ આવી રહેલા આખલાઓથી બચવા લોકો જગ્યા મળી તે દીશામાં દોડ્યા હતા. કેટલાય વેપારીઓ બજારમાં જ પેકેટ ખોલીને હીરા જોતા હતા. એ તરત જ મુઠીમાં હીરાના પડીકા લઈને ભાગ્યા હતા.કેટલાકના હીરા ઢોળાઈ પણ ગયા હતા, પણ કોઇ એ લેવા રોકાયું નહોતું.
એકાએક ઉઠેલી રિડિયા રમણથી નાથો,રમેશ અને મગન પણ દોડ્યા. સામેથી આવી રહેલો નરશી પણ બાઇક છોડીને કુદયો હતો. એ જ વખતે નાથો પણ દોડ્યો હતો.નરશી અને નાથાના માથા એકબીજા સાથે જોરથી અથડાયા હતા. નરશીની બાઇક આડી ફંટાઈ હતી અને એનું આગળનું પૈડું મગનના બે પગ વચ્ચે ભરાયું હતું.અને મગન પણ લથડયો હતો.લોકોની નાસભાગને કારણે બજારમાં જગ્યા થઈ હતી અને એ ખુલ્લા થયેલા રસ્તા પર બન્ને આખલાઓ દોડતાં આવી રહ્યા હતા. નાથા સાથે ભટકાયેલો નરશી ખુલ્લા થયેલા રસ્તા પર ફંગોળાયો હતો અને બરાબર એ જ વખતે આગળ દોડતો આખલો ત્યાં આવી પહોંચ્યો હતો. અને નરશી એ આખલાના પગમાં ચગદાયો હતો.નરશીના બન્ને પગના સાથળ આખલાના પગ નીચે કચરાયા હતા.નાથાને પણ ભંયકર ટક્કર વાગી હતી. પણ એ નરશીની વિરુદ્ધ દિશામાં ફંગોળાયો હતો અને નાસભાગ કરતા લોકોના પગમાં કચરાયો હતો. રમેશે નાથાને પડતો જોયો એટલે એ તરત જ એણે નાથાના હાથ પકડીને એને ખેંચ્યો હતો.
એ વખતે મગનના બન્ને પગ વચ્ચે નરશીનું બાઇક ફસાયું હતું. લોકોના ધક્કાને કારણે મગન પણ ગબડી પડ્યો અને પેલું બાઇક મગનની ઉપર પડ્યું. બાઇકને કારણે લોકો થોડા દૂર હટયા હતા.
મગન ઉપર બાઈકનો આગળનો ભાગ આવી જતા, તેના હેંડલમાં ભરાવેલું પર્સ મગનના મોં સાથે અથડાયું. મગને ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ ભાગતા લોકોના ધક્કાને કારણે એ ફરી પટકાયો હતો. પણ બીજી ખાસ કોઈ ઇજા મગનને થઈ નહોતી. મોં પર અથડાયેલુ પર્સ મગને જોયું હતું. અને તરત જ એને એ પર્સની કિંમત સમજાઈ હતી. ધીરેથી એને બાઈકના હેન્ડલમાંથી એ પર્સ લઈ લીધું હતું.
બીજો આખલો પણ પુરી તાકાતથી પેલાની પાછળ દોડતો આવી રહ્યો હતો.બન્ને સાથળ ચગદાઈ ગયા હોવા છતાં ઉભો થવા કોશિશ કરી રહેલા નરશીને બીજા ખૂંટિયાએ ગોથું મારીને ઉલાળ્યો હતો. નરશીના મોં માંથી જોરદાર રાડ નીકળી ગઈ હતી.
પળવારમાં આ બધું બન્યું હતું. અખલાઓ દોડી ગયા બાદ તાબડતોબ લોકોએ નરશી સહિત અનેક ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. નરશીની હાલત ખૂબ ગંભીર હતી, નાથો અને મગન પણ થોડા ઘણા ઘવાયા હતા પણ રમેશને કંઈ જ
થયું નહોતું.
માંડ માંડ એ લોકો હીરાબજાર માંથી બહાર આવ્યા હતા. અને રીક્ષા પકડીને રુમ પર આવવા રવાના થયા હતા.
(ક્રમશ:)