vartasrushti - 4 in Gujarati Book Reviews by નિમિષા દલાલ્ books and stories PDF | વાર્તાસૃષ્ટિ - ૪

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વાર્તાસૃષ્ટિ - ૪

વાર્તાસૃષ્ટિ અંક ચોથો


સત્ય નો આકાર : હિમાંશી શેલત :
વાર્તાનો એક અંશ :

બારીમાંથી ઉજાસ દાખલ થયો કે નંદા સફાળી જાગી. ખાસ્સું મોડું થઈ ગયું નિયમથી. વરંડામાં ચાની ટ્રે પડી હતી પણ શ્રીનિવાસન ત્યાં ન દેખાયા. ક્યાં હશે આટલા વહેલા ? નંદાની સુસ્તી આપોઆપ ખરી પડી. ઉતાવળે પગલે પહોંચી સ્ટડીરૂમમાં. પાટ પર પ્રગાઢ નિદ્રામાં સ્થિર શ્રીનિવાસન દેખાયા. એક હાથ છાતી પર, બીજો પાટ નીચે ઢળકતો. ઓઢેલી શાલનો છેડો ફર્શ પર, ચહેરો શાંત અને સ્વસ્થ. નંદાનો તરડાયેલો અવાજ ઘર આખામાં ફેલાયો અને થોડો ઘણો બારણાં વળોટી બહાર પણ પહોંચ્યો.
ભારે ધમાલ, દોડાદોડ, સંદેશાઓ, ઝડપભેર આવતાં વાહનો અને માણસો. શ્રીનિવાસન કોઈ સામાન્ય વ્યક્તિ નહીં. એ હતા ત્યારે પણ આવું થતું હતું ખાસ ખાસ પ્રસંગોએ, આજે જરા અલગ, એમની નજર અને જાણ બહાર.

વખત અને સમો : પરેશ નાયક :
વાર્તાનો એક અંશ :

વખતને અંતરથી જ બસ એવી કશીક પ્રતીતિ કે પોતે જે સમાની વાટ જોઈ રહી છે એ આજ નહીં તો કાલ પણ એને મળશે જ મળશે. એને એવી ખાતરી કે સમો પણ વખતની વાટ જોતો બેઠો હશે. વખત તો બહુ જ આતુર હતી સામેથી સમાને મળવા ચાલી નીકળવા, પણ ચાલીને જાય તો જાય ક્યાં? એને તો એટલી ખબર નહીં કે સમો સગવાડિયા ગામમાં જ છે અને એની જ સાંકડી શેરીનેે આથમણે છેડે રહે છે.
હવે એક દિવસ એવું બન્યું કે સમો સાંકડી શેરીમાં વહોરાચાર માટે નીકળ્યો. તે ચીજવસ્તુઓની લાંબીલચક યાદી બનાવીને નીકળ્યો. તેલ છે, મરચું છે, ટુવાલ છે, પગલૂછણીયાં છે, પાપડ છે, અથાણાં છે, ગંજી છે, જાંગીયા છે, કારની ડીકી માં બે મોટા થયેલા નાખીને સમયે તો કાર સ્ટાર્ટ કરી સૂરરરરરર..ને દોડાવી મૂકી ફૂરરરરરર...

હાઈપર લેકટેશન સિન્ડ્રોમ : મનોજ સોલંકી :
વાર્તાનો એક અંશ :

બાળકની માંદગીમાં સુધાર નહિ આવતા ડોક્ટરે ગાયનેક પાસે તપાસ કરાવવાનું કહ્યું. ઠાંસી ઠાંસીને ચેકઅપ થયા. કેટલાય રિપોર્ટ એક પછી એક ભેગા થઈને ફાઇલ બની ગયા. ગાયનેક શું ફોડ કરશે એની અવઢવમાં એનું કાળજું કંપતું હતું. હિઝાબમાં વધારે પડતો પરસેવો થઈ ગયો. એની ભીનાશ બળતરા જેવી લાગવા માંડી. ઓપીડીમાં જતી વખતે એના પગ જમીન સાથે ચોંટી ગયા હોય એમ ત્યાંથી ખસતા નહોતા. ઉસમાને આગળ જઈને ડોળામાંથી ગુસ્સાનો ઠેકડો માર્યો ત્યારે એ પાછળ ખેંચાઈ.
" આ હાઇપર લેકટેશન સિન્ડ્રોમ નામની બીમારી છે.જે બહુ એટલે બહુ જ ઓછી સ્ત્રીઓને થાય છે." ગાયનેકે મન તોડી નાખે એવો ખુલાસો કર્યો. એના હૃદયમાં જાણે તિરાડ પડી ગઈ.
"આમાં મહિલાની ક્ષીર ગ્રંથિઓમાંથી પ્રતિદિન સામાન્ય મહિલા કરતાં દસ ગણું વધુ ધાવણ નીકળે છે." ઉસ્માનના ભવાં ઊંચે ચડી ગયાં.

"જો કે આને વરદાન સમજવું કે અભિશાપ ડિપેન ઓન યુ." બંને ગૂંચવાયેલા મને ઊભા થવાનું કરતા હતા, ત્યાં જ ફાઇલનો છેલ્લો રીપોર્ટ જોઈને ગાયનેકે કહ્યું,

"અને હા, એમનું દૂધ બાળકને ભારે પડે છે એટલે થોડો ટાઈમ દૂધ બંધ રાખશો તો...."

પશુઓની સર્જીકલ સ્ટ્રાઈક યોસેફ મેકવાન

પોલીસો,કમિશનરો વાનમાં બેસીને લાચાર આંખે આ બધું જોઈ રહ્યા. કોઈ બોલ્યું,

"આ પ્રાણીઓ પર ફાયરિંગ કરો. માણસોને પીડે છે. તેમની પર લાઠીઓ વીંઝો..! કમિશનર જાગો... જાગો..."

"કોઈ જરૂર નથી. એમને એમનું કામ કરવા દો." પોલીસ કમિશનરે કહ્યું, "પ્રજા જંગલી થઈ છે તો પશુઓ એમની જ ભાષામાં એમને સમજાવે... એમાં ખોટું શું !"

"પણ સર, આખું શહેર કબ્રસ્તાનમાં ફેરવાઇ જશે."

"તો અહી કયું સ્વર્ગ છે...?" આ રાજકારણીઓએ જ દેશને જીવતું દોજખ બનાવી દીધો છે." કમિશનરે શાંત ચિત્તે કહ્યું, "અમને કાયદાથી કામ જ ક્યાં કરવા દે છે. એમની ઈચ્છા પ્રમાણે વર્તે છે અમારી સાથે !"
"પણ સર..."

ગાંડો, ગધેડો અને ગુરુજી : હસમુખ કે રાવળ :
વાર્તાનો એક અંશ :

ભાગોળે પહોંચ્યા ત્યાં ગધેડાને યાદ આવ્યું :
"ગાંડા, તું ચાલે છે કેમ ? બેસી જા ને મારી પીઠ પર. નરવું ચાલવું મને ફાવતું નથી." તમને થાય બિચારાને ગુણ ઉપાડવાની આદત પડી ગઈ છે. ગધેડો કહે,

"ઈંટ અને રોડાંની ગુણ તો રોજ ઉપાડવાની. આજે કુંભારની આંખમાં ધૂળ નાંખી ભાગી છૂટવાનું. તારી સાથે મજા કરવાની. આ મજા જ ઢસરડો કરવાની તાકાત આપે છે." ઢસરડો શબ્દ તમે વારંવાર સાંભળો છો પણ એનો અર્થ તમને સમજાતો નથી. તમને થાય, ગધેડો છે, પણ હોશિયાર છે. નિશાળે જતો નથી તોય રવિવારની ખબર પડી જાય છે. એટલે જ તો તમારે એને બને છે.

ગધેડો કહે, "ભૂલકણા, સવારી કર. પીઠ પર ખંજવાળ ઉપડી છે. સવારી નહીં કરે તો મારે જમીન પર આળોટવું પડશે." તમને થાય, ગધેડો તમારા જેવો ભૂલકણો નથી. તમે સવારી કરો છો. ગધેડો દોડે છે.

તમે કહો છો, "ધીરો પડ, ભઈલા. આ કોઈ હરીફાઈ કે પરીક્ષા નથી. પહેલા નંબરનું ઇનામ આપણે નથી લેવાનું, કે નથી કોઈ આપવાનું. આપણે તો બસ લટાર મારવાની."

અધખૂલી બારી : અઝીઝ ટંકારવી :
વાર્તાનો એક અંશ :

એ ફરી પાછો વિચારે ચડ્યો : સાલો ખડડૂસ પ્રિન્સિપાલ, નિવૃત્તિની પળે આવ્યો તોય વાળમાં કાળી ડાય લગાડીને.... યુવાન હોવાનો ઢોંગ કરે છે ! એને છરીની ધાર કાઢનાર યાદ આવ્યો. આવા લોકોને તો....!

ગઈકાલે જ એક દૈનિક પેપરમાં નોકરી કરતી એક યુવા મહિલાને તેના જ સ્ટાફના રોમિયોએ પાર્કિંગમાં જ છેડતી નો પ્રયત્ન કર્યો, પણ એટલામાં સ્ટાફના બે-ત્રણ આવી જતાં પેલી યુવતી બચી ગઈ. અમી સાથે તો આવું નહીં થતું હોય ને ! થાય તોય મારો જીવ બળે એટલે કહે એવી નથી. બાથરૂમમાં ભૂલેચૂકે વંદો ફરતો હોય તો ડરી જઈને એક સેકન્ડમાં બાથરૂમની બહાર નીકળી જતી અમી હું સારો નહીં થાઉં તો રસ્તે ચાલતાં સ્ત્રીઓને પરેશાન કરતાં લોકો સામે કઈ રીતે ઝીંક ઝીલશે ? એનું જીવવું ઝેર બની જશે. એ વિચાર આવતાં જમણા હાથની આંગળીઓમાં મુવમેન્ટ લાવવા એણે મુઠ્ઠી વાળવાનો પ્રયત્ન કર્યો પણ....! પછી ડાબા હાથની આંગળીઓની મદદ લઈ તેણે મુઠ્ઠી વાળવા કોશિશ કરી. સાંજે અમીની હાજરીમાં કસરત કરાવવા આવતા ફિઝિયોથેરાપિસ્ટને પણ એણે ઘણી વાર કહેલું, "અશ્વિનભાઈ, ગમે તેમ આ મારા જમણા હાથની આંગળીઓમાં સંચાર આવે એમ કરો."

અગ્નિશિખામાં કૂંપળ : સ્વાતિ નાયક :
વાર્તાનો એક અંશ :

ચબૂતરે ચણને પાણી ભરી અવનિ આસપાસનાં વૃક્ષો તરફ જોઈ રહી. ઝીણો કલરવ સંભળાતો હતો. બધા માળામાં બચ્ચાં હશે. ચાંચમાં ચાંચ દઈ ચકી એને દાણા ખવડાવતી હશે. હાથ અનાયાસ પેટ પર ગયો,

'મારી કૂખમાં આવવું નહીં ગમતું હોય કોઈ જીવને ?" ....હાથપગે ખાલી ચડી ગઈ. અવનિ ઓટલા પર બેસી પડી.. સ્કૂલેથી છૂટીને આવતાં બાળકો અવનિને બૂમ પાડતાં પાડતાં ઘરે ગયાં. અવનિ ચોકલેટ રાખતી એ બધાને આપવા. પણ વાંઝણીના હાથનું ન ખાવું એવી શીખામણ ખુદ અવનિના ઘરમાંથી જ બાળકોની માને અપાતી ને પછી તો અવનીએ પણ ખોટું લગાડવાનું છોડી દીધું હતું. અસ્તિત્વની આસપાસ રચાતું જતું હતું અભેદ કવચ. એની અંદર અવનિ એકલી હતી. સાવ એકલી.

ખાલી હાથ : સ્વાતિ મહેતા :

"ઈલી ને કઈ આપ્યું?"

"ના હજી પૂછતી જ હતી ને તું આવ્યો. આમ પણ ચાનું પાણી મૂક્યું જ છે." નલીની રસોડામાં ગઈ. થોડી વારમાં એક ટ્રેમાં ચાના બે કપ અને બિસ્કિટ લઈ પાછી આવી. વચમાંનું ટેબલ ઈલાની નજીક ખસેડયું. ટેબલ પરના છાપાં બાજુ પર મૂક્યાં. ત્યાં તો રોહન ઊભો થયો. નલીનીના હાથમાંથી ટ્રે લઇ લીધી. એક કપ ઇલીને આપ્યું. બીજું મિ.પરેરાને આપ્યું. ઈલાએ ચાનો કપ હાથમાં લીધો, એક બે ચૂસકી ભરી રોહન તરફ જોયું. એ મોબાઇલમાં વ્યસ્ત હતો. ઈલી રોહનને જોઈ થોડી ભાવુક થઈ ગઈ. એણે ધીમેથી પૂછ્યું, "રોહન બેટા, આપણે જવું છે ને ?" મોબાઈલમાંથી ડોકું ઊંચું કર્યા વગર જ એને જવાબ આપ્યો,

"હા જઈએ છીએ અહીં નજીકમાં જ જવાનું છે." ત્યાં નલીનીબહેન વચ્ચે બોલ્યાં.

માટી, વકવાળી વગરની : સુનીતા ઈજ્જતકુમાર :
વાર્તાનો એક અંશ :

મણીમાનો લાખો વિદેશે જઈ વસ્યા ને વર્ષો થયાં. મણીમાને વૃદ્ધત્વ આંબ્યુ ને વૈધવ્ય વીંટાળાયું ત્યારેય દીકરાની તો ભારોભાર ગેરહાજરી. હા, પણ ઓત્તાશેઠ ઉપર ગયા કે લાખો માને નિયમિત લાખ રૂપિયા મોકલી જ દેતો હોં ! મણીમા એકલતા છુપાવી શકતાં પણ વાતે વાતે વાંકું પાડવાની ટેવ નાથી શકતા નહીં. એટલે જ ક્યારેક જીવી મણિમાને નાના મોઢે મોટી વાત કહી બેસતી કે માડી.... "ઘરને મંદિર બનાવવું હોય તો સ્ત્રીએ ફરિયાદ નહીં, પણ બધા ને ફરી ફરી યાદ કરવાના હોય."

ગરીબ જીવીનો લાભુડો પાણીદાર હતો. એનો ઉછેર મોળો ન રહે માટે બેય મા'ણા પોતાની ઉપર જ ચાંપતી નજર રાખતા બોલો. લાભુમાં એવા ઉમદા સંસ્કાર ઉતરેલા કે બધા એના બાપા જીવલાનો વાંહો થાબડતા. દીકરો લાભુ પણ વાસીદા વાળીને વાંકી વળી જતી માનો થાક ચપટી વગાડતાં ઉતારી દેતો. આંગણે ખીલેલા છોડને ઉછેરવામાં માળીએ કશી મણા ન રાખી હોય તો એ સોળે કળાએ ન ખીલે તો જ શંકા ! અછતોથી ઉભરાતું જીવી-જીવલાનું ઝૂંપડું લાગણીથી છલકાતું.

સિક્સટિન - સિક્સટી : ગીતા શુક્લ :
વાર્તાનો એક અંશ :

"હા.... હા... હવે તારી ઉંમર થઈ અને તેની સાથે બુદ્ધિ પણ બહેર મારી ગઈ છે. ઘરડી થઈ ગઈ છે હવે તું." કહી પરાગભાઈએ મોટું લેક્ચર આપી દીધું. રાગિણી મનમાં બોલી, 'એ ઘરડો થયો હોય એટલે જ તો થાકી જાય છે. પ્રાઇવેટ જોબ છે એટલે, નહિતર ક્યારનો રીટા ક્યારનો ય રીટાયર્ડ....' પરાગ ના શબ્દો તેના દિલમાં વાગીને કાયમની જેમ કાનમાંથી સરી ગયા. એટલામાં મલય અને ઉર્વી વાવાઝોડાની જેમ દાખલ થયાં. ઉર્વી આવતાની સાથે જ બોલી ઊઠી,
"તમે નકામા ટેન્શન કરતાં હતાં. મમ્મીજી તો જુઓ ને બરાબર જ પહોંચી ગયાં છે. ને મલય અકળાઈને બોલ્યો,
"મમ્મી, તું ફોન કેમ નહોતી ઉપાડતી ? તને પર્સમાં રાખવા માટે લઈ આપયો છે ? 'સાઠે બુદ્ધિ નાઠી' તેવું છે. અમને કેટલું ટેન્શન થયું. પાછી સ્વીટુ તારી સાથે... બીજું તો કંઈ નહીં પણ પડી આખડી હોય તો.. આ ઉંમરે હવે ફ્રેક્ચર થાય તો સંધાતા વાર લાગે. મારા ફ્રેન્ડની મમ્મીને ત્રણ લાખ થયા તો પણ ચલાયું જ નહીં."

બ્લોક : ધર્મેશ ગાંધી :
વાર્તાનો એક અંશ:

કાચના કબાટમાં ખડકાયેલાં ઢગલાબંધ પુસ્તકો ઓથેથી સાઈકોએ જોયું કે પોતાની હાજરીથી નિહારિકા તદ્દન અજાણ છે. પોતાની તરફ એનું લગીરે ધ્યાન નથી. એ તો જાણે કે પોતાનામાં જ ડૂબેલી હતી. જોકે આ કંઈ આજની વાત તો હતી નહીં. લાંબા અરસાથી એ પોતે એક નવી તરફના કતલ માટેના મરણિયા પ્રયાસો કરતો આવ્યો હતો. પણ દરેક અવસર કતલ વગરનો પસાર થઈ જતો... નિરાશામાં પલટાઈ જતો.. એનું મનોબળ સાવ જ મરી પરવાર્યું હતું. સાઈકોએ મન મક્કમ કર્યું. આજે તો પોતાની સક્રિયતા પુરવાર કરવી જ છે ! ત્રણ - ત્રણ વર્ષની નિષ્ક્રિયતાએ એને અંદરથી તોડી નાખ્યો હતો. ઝીણી-ઝીણી બાબતોને નાહકની ઊંડાણમાં અનુસરવામાં, પોતાના કામમાં વધુ પડતા 'પરફેક્શન'ની બળવત્તર થતી જતી ઘેલછામાં એનું કામ બિલકુલ સ્થગિત થઈ ચૂક્યું હતું. હંમેશા કંઈક નવી રીતથી કતલ કરવાના અભરખાથી એના હાથમાં જાણે કે લકવો પેસી ગયો હતો.

બાંકડો : શ્રદ્ધા ભટ્ટ :
વાર્તાનો એક અંશ :

મંદિરની બરાબર સામે રહેલી બોરસલીને જોઈ આજે સુધાને કાયમનાં ભીનાં સ્મરણોને બદલે નાની એવી વીતી ગયેલી ઘટનાઓનો ખરબચડો અનુભવ યાદ આવી ગયો. સુધાએ પોતાના બેડરૂમમાં બોરસલીનાં ઢગલોએક ફૂલોનું એક મોટું ચિત્ર લગાવેલું, ડબલ બેડના પલંગની એકદમ ઉપર. મંથનની વ્યસ્તતામાં સહજીવનની સુગંધી રાતો તો ક્યાંક ખોવાઈ ગયેલી, પણ સુધા એ સફેદ પુષ્પોની ઝાંય આંખોમાં આંજીને રોજ મંથનની રાહ જોયા કરતી. રાતના અંધકારમાં એ ધવલ પુષ્પો સુધાને અજવાસની આશા બંધાવ્યા કરતા અને સુધા એ ચપટીક આશના સહારે આખી રાત વિતાવી દેતી. એટલે જ જ્યારે એક દિવસ એ ચિત્રને બદલે આડા ઉભા લીટી દોરેલ કોઈ ભડકીલા રંગોનું 'એબ્સટ્રેક્ટ' ચિત્ર લાગેલું જોયું ત્યારે ભાગ્યે જ ઊંચે અવાજે બોલનારી સુધા ગુસ્સે થઈ ગયેલી.

"આને કહેવાય ચિત્રકળાનો ઉત્તમ નમૂનો. ફૂલોનાં ચિત્ર તે ચિત્ર હોતા હશે ?" કાયમ આંકડા સાથે પનારો પાડનારા મંથનને ચિત્રકળામાં રસ લેતો જોઈને સુધાને નવાઈ લાગેલી. છતાંય મંથનની નારાજગી વહોરી લઈને સુધાએ એ ચિત્ર પાછું ઉતરાવેલું કોઈ પરિધિ નામની ચિત્રકારે દોરેલું એ ચિત્ર મંથને પછી પોતાની ઓફિસમાં લગાવી દીધું હતું.

વાપસી : ઉષા પ્રિયંવદા : અનુવાદ : પ્રા.ડો. મધુસુદન વ્યાસ
આનુવાદનો એક અંશ :

નાસ્તો કરીને ગજાધારબાબુ બેઠક ખંડમાં ચાલ્યા ગયા. ઘર નાનું હતું. તેમાં એવી વ્યવસ્થા કરી દેવામાં આવેલી કે એમાં ગજાધરબાબુને રહેવા માટે ક્યાંય જગ્યા ન રહી હતી. જેવી રીતે કોઈ મહેમાનને માટે હંગામી વ્યવસ્થા કરવામાં આવે છે તેવી રીતે. બેઠકખંડમાં ખુશીઓને દીવાલની લગોલગ ગોઠવી વચ્ચે ગજાધારબાબુ માટે એક નાનકડો ખાટલો ઢાળી દીધો હતો. ગજાધરબાબુને તે રૂમમાં સૂતા સૂતા ત્યારે સહજપણે હંગામીપણાનો અનુભવ થવા માંડતો, તેમને યાદ આવી જતી રેલગાડીઓ કે જે અાવતી અને થોડો સમય રોકાઈને જવાના સ્ટેશન તરફ ચાલી હતી. તેમની પત્નીનો એક નાનકડો હોય તો જરૂર. તેનો એક ખૂણો અનાજના કોઠાર, (અથાણાની બરણીઓ, દાળ ચોખાના ડબ્બાઓ, અને ઘીના ડબ્બા)થી રૂંધાયેલો રહેતો. બીજી બાજુ જૂની ચટ્ટાઈઓ અને દોરીથી બાંધેલી રજાઈઓ રાખેલી હતી. બસંતી અને તેની માતાના સામાન-બેગ વગેરે સિવાય એક મોટા બોક્સમાં ઘરનાં ગરમ કપડાં હતાં. વચ્ચેની જગ્યામાં કપડાં માટેની વળગણી હતી. જેના પર બસંતીનાં કપડાં જેમતેમ લટકતાં રહેતા. ગજાધારબાબુ બને ત્યાં સુધી એ ભરેલા ઓરડામાં જતા નહીં. ઘરનો બીજો ઓરડો અમર અને એની પત્ની પાસે હતો.
આસ્વાદ :
'વાતોડિયો' : વાર્તામાં નકશીકામનો આનંદ : જ્યોતીન્દ્ર પંચોલી : આસ્વાદ :યોગેન્દ્ર વ્યાસ
આસ્વાદનો એક અંશ :
'ડંકી' એ રીતે માનવ મનમાં દાળમાં મીઠું પાણી સીંચી લાવી છે એ રીતે એક સફળ વાર્તા છે. ખાસું પ્રતીકાત્મક છે. જ્યાંથી વાર્તાનો આરંભ થાય છે ત્યાં જ અંત આવે છે માણસનું મન અને પચીસ પચીસ વર્ષના વળગણ એક જ ક્ષણમાં કેવા બદલાઈ જાય છે તેનું ચમત્કૃતિપૂર્ણ નાવીન્ય રજૂ કરવામાં વાર્તાકાર સફળ રહ્યા છે. 'ડંકી' ની જેમ એમાં આવતી 'હાથલારી' પણ પ્રતીકાત્મક બની રહે છે.
'વાતોડિયો' વાર્તામાં પણ લેખક માનવ મનના ઊંડામાં ઊંડા તળિયા સુધી જવામાં સફળ થયા છે. "ભઈ, માણસ છે, ઘડી ઘડીમાં હસી પડે અને ઘડી ઘડીમાં રડી પડે, ભૈ માણસ છે." - અહીં રવિશંકર માસ્તરના દીકરાનું અપમૃત્યુ માસ્તરને પોતાના અપમૃત્યુ સુધી કેવી રીતે દોરી ગયું તેની ઠીક ઠીક ચોટદાર વાર્તા છે. ચોટદાર એટલા માટે થઈ છે કે એમાં થોડું મીઠું મરચું ઉમેર્યાનું સમજાય છે.

'ચોખેરબાલી' : સાહિત્યકૃતિ : રવીન્દ્રનાથ ટાગોર અનુવાદ : રમણલાલ સોની : આસ્વાદ : જીગ્નેશ સોલંકી
અનુવાદનો એક અંશ :

ટાગોરની શબ્દ શક્તિને સલામ છે. આમ જોવા જઈએ તો સાવ સામાન્ય લાગતી ઘટનાનો અર્થવિસ્તાર કરવા બેસું તો પાનાનાં પાના ભરાય તેટલું મનોવૈજ્ઞાનિક તથ્યસભર ભાતું તેમાંથી મળી રહે તેમ છે.

શરૂઆતમાં ટાગોર ઘટનાને પૂરજોશમાં દોડતા ઘોડાની માફક આલેખે છે કારણ કે શરૂઆતના દસ પ્રકરણ સુધી તો ટાગોર માત્ર ભૂમિકા રચે છે અને ત્યારબાદ મૂળ નવલકથા ની ઇમારત તે ભૂમિકા ના પાયા પર રચાય છે. કેટલીક બાબતો ભાવક પર છોડી દીધી છે. આ તેમની વિશિષ્ટ કલા છે કે કશું જ ન લખીને પણ ઘણું બધું લખી આપે છે. (તે લખી આપે છે તે વાત કે જાતે પોતે આત્મસાત કરી લેવું) વિનોદીની અને આશાની બંધાયેલી મૈત્રી જેનું નામ 'ચોખેરબાલી.'

વાતે-વાતે વાર્તા : રવીન્દ્ર પારેખ :
માર્ગદર્શનનો એક અંશ :

વાર્તા ખમી શકે એટલું વર્ણન ચાલે. અહીં પહેલી નજરમાં જ સવારનું વર્ણન વધારાનું લાગે છે. ટૂંકમાં જે ન હોય તો વાર્તા ખોટકાઈ જાય એટલું વર્ણન પૂરતું ગણાય. લેખકે લેખકે વિવેક બદલાઈ શકે અને એ પ્રમાણે વાર્તામાં જરૂરી કે બિનજરૂરી વર્ણન આવી શકે. વાર્તામાં વર્ણન,પાત્રો,સંવાદ જરૂરી છે, પણ બધા એકસાથે એકસરખાં જરૂરી ન હોય. વાર્તાનું વસ્તુ એ વાત નક્કી કરી શકે. જેમ કે અહીંની વિગતોમાં ચંદુલાલ, પત્ની, દીકરો-દીકરી કેટલા પાત્રો છે એમાં દાદાને ચા પીતા બતાવીએ તો ચાલે ? અહીં તો દાદી પણ લાવી શકાય. પણ એ જરૂરી છે? વિચારો. જે બને છે તે શું છે? દીકરાનો કપ દીકરીના ઉપાડવા બાબતે ઝઘડો થાય છે. એટલે ભાઈ-બહેન તો જોઈએ જ, ખરું? હવે ચંદુલાલ ને તેમની પત્નીની વાત કરીએ ચંદુલાલનો કપ ઉપાડતી મમ્મીને દીકરો જુએ છે એટલે જ તો એ બોલી શકે છે કે મમ્મી, પપ્પાનો કપ ઉપાડે છે તો બહેન કેમ એનો કપ ન ઉપાડે ? એટલે કપ ઉપાડતી મમ્મી પણ જરૂરી છે, તો ચંદુલાલ જરૂરી છે? હા, એ જ તો સટાક બોલાવે છે. એ બધામાં દાદા-દાદી હોય તો મૂળ ઘટના સાથે એ સંકળાતા નથી એટલે જરૂરી નથી. વાર્તાકારે આ રીતે દરેક બાબતોની અનિવાર્યતા સ્વ-વિવેકે કે નક્કી કરવાની રહે.

ભાષા સજ્જતા : મગન 'મંગલપંથી' :
માર્ગદર્શનનો એક અંશ ;

નિયમ : ૪
ઇ ઇ = ઈ
જેમ કે,
કવિ ઇન્દ્ર કવીન્દ્ર
રવિ ઇન્દ્ રવીન્દ્ર
આપણે 'રવિ' લખવા ટેવાયેલાં છીએ અને તેથી 'રવીન્દ્ર' ને બદલે 'રવિન્દ્ર' લખાઈ જતું હોય છે.

નિયમ : ૫
'ર'ના જોડાક્ષર પૂર્વે દીર્ઘ 'ઈ', 'ઊ' આવે છે. જેમ કે, શીર્ષક, પૂર્તિ, મૂર્તિ, આશીર્વાદ, સૂર્ય, ઈર્ષા, પૂર્વ, પૂર્ણ, જીર્ણ, મૂર્ધા, વગેરે...

નિયમ : ૬
'ય' પૂર્વેની 'ઇ' હ્રસ્વ હોય છે. જેમ કે, પ્રિયે, ફરિયાદ, દિયર, કડિયો, ધોતિયું, ચણિયો, સહિયર, તકિયો, કાબેલિયત, દુનિયા, ક્રિયા, નિયામક, વાણિયો, વગેરે..