મિતેશની આંખો આશાને જોવા માટે તરસી રહી હતી.
એ નટખટ ને બે-ત્રણ વર્ષ થી જોઈ પણ નથી,
કેવી દેખાતી હશે! શું હજુ પણ એવી જ ભોળી અને રમતિયાળ હશે!
ખબર નહી મને જોઈને કેવો પ્રતિભાવ આપશે!
અહીં બધાંની વચ્ચેજ મને વળગી ન પડે તો સારું.
મિતેશ ઓફીસ પાસે ઉભો રહી આશા વિશે જ વિચારી રહ્યો હતો.
એક જણાએ મોટેથી ચપટી વગાડી અને આખી ઓફીસમાં અચાનક જ ચહલપહલ થવા લાગી, થોડી ક્ષણો માં તો બધાં પોતપોતાના ટેબલ પર જઈને કામ પર લાગી ગયાં.
જ્યાં થોડીવાર પહેલાં બધાના વાતો કરવા ના અવાજ ને કારણે બાલમંદિર જેવું વાતાવરણ હતું ત્યાં એકદમજ નિરવ શાંતિ પ્રસરી રહી.
મિતેશને આશાના આવવાનો અણસાર આવી ગયો.
બધાં ને કામ પર વળગી જતાં જોઈ તે સમજી ગયો કે આશા થોડી સ્ટ્રીકટ તો હશે જ.
રહીમભાઈ મિતેશ પાસે આવી 'સાહેબ ધ્યાન રાખજો, બોસ આવે છે.' કહી હળવેકથી જતા રહ્યા.
મિતેશ હસતો હસતો મનમાં બોલ્યો, 'ધ્યાન રાખવા જ તો આવ્યો છું, પણ તેનું.' રહીમભાઈએ કે બીજાં કોઈએ સાંભળ્યું નહીં.
તે ઓફિસના મેઈન દરવાજેથી અંદર આવતી દેખાઈ રહી, બિઝનેશ વુમનને છાજે એવાં કપડાં માં સજ્જ, એકદમ કડક અંદાજ માં ચાલતી આવી રહી હતી, આંખો પર કાળાં ચશ્માં અને માથાં પર સ્કાર્ફ બાંધેલો હતો. એક હાથમાં મોટો બધો ફોન અને બીજામાં મોંઘુ ફેશનેબલ પર્સ તથા એક નાની ડાયરી હતી.
મિતેશ તો તેનું આ સ્વરૂપ જોઈ આભો જ બની ગયો.
ક્યાં એ પહેલાં વાળી રમતિયાળ અને બાળક જેવી માશૂમ આશા અને ક્યાં આજે જે પોતાની સામે દેખાઈ રહી છે તે!
જેમ જેમ આગળ વધતી એકપછી એક બધા ઉભા થઇ ને ''ગુડ મોર્નિંગ મેમ'' ''ગુડ મોર્નિંગ મેમ'' કહેતાં જતા.
સામે એ પણ બનાવટી સ્મિત કરી માત્ર "મોર્નિંગ" "મોર્નિંગ" કહેતી પોતાની ઓફીસ તરફ આવી રહી હતી.
તે નજીક આવી મિતેશ ની ધડકન તેજ થવા લાગી, એ બધા વચ્ચે કંઈ પાગલપન ન કરી બેસે તો સારું એમ વિચારતો હતો આશા નજીક આવી થોડી અટકી પણ, જાણેકે મિતેશ ને ઓળખતી જ ન હોઈ એમ દરવાજો ખોલી અંદર જતી રહી, તેની પાછળ રહીમભાઈ પણ એક ટ્રેમાં પાણી ની બોતલ, ચા, કોફી અને થોડાં બિસ્કુટ સાથે અંદર ગયા.
મિતેશ તેનું આ વર્તન જોઈ અચંબિત થયો અને વિચારવા લાગ્યો કે શું તે મને ભૂલી ગઈ હશે.!
થોડી વાર પછી રહીમભાઈ બહાર આવ્યા અને મિતેશ ને આંખો તથા હાથ વડે "મેડમ બોલાવે છે" એવો ઈશારો કરતા દરવાજા પર "Do Not Disturb" નું બોર્ડ લટકાવી દીધું.
મિતેશ ઓફિસમાં ગયો.
મોટી બધી ઓફીસ માં સામેની તરફ એક ખુરસી હતી જેમાં કદાચ આશા બેસતી હશે તેની સામેજ મોટું ટેબલ અને ત્રણ ચાર ખુરસીઓ રાખેલી હતી, ટેબલ પર પડેલી ફૂલદાની માં આજેજ રાખેલાં ગુલાબનાં તાજાં ફૂલ મહેકી રહ્યાં હતા. ઓફિસમાં એક મનમોહક સુગંધ પ્રસરી રહી હતી.
પણ આશા ક્યાંય દેખાતી નહોતી!
'તો આખરે તું મારી પાસે આવી ગયો એમને! હવે હું તને ક્યાંય નહીં જવા દઉં' કહેતી આશા અચાનક જ તેને પાછળ થી ચીપકી ગઈ, તેના ઝડપથી વહેતા ગરમ શ્વાસને મિતેશ પોતાના વાંસા પર અનુભવી રહ્યો હતો અને તેની આંખો માંથી નીકળતા આંસુઓ મિતેશનો શર્ટ પલાળી રહયા હતાં.
'તારા વગર આટલો સમય કેમ કાઢયો તને ખબર છે!' કહેતી તે રીતસર રડી પડી.
મિતેશ આશા તરફ ફર્યો, તેના આંસુ પોતાની આંગળીઓ વડે લૂછતાં બોલ્યો.
'જવા માટે કોણ આવ્યું જ છે!'
હવે હું અહીંજ રહેવાનો તારી આસપાસ હંમેશા.' કહી આશા ને પોતાની છાતીએ વળગાડી, તેની આંખ માં પણ આંસુઓ વહી રહ્યાં હતા જે ખુશીનાં જ હોઈ શકે.
બહારથી ગમે એટલી અક્કડ દેખાતી હોય પણ તે પહેલાં જેવી જ છે એ સમજવા માં જરા પણ વાર ના લાગી મિતેશને.
તે આશાના માથાં પર પ્રેમથી હાથ ફેરવી રહ્યો.
આશા પણ મિતેશને એ રીતે વળગી રહી જાણે દુનિયા ની બધી ખુશી અત્યારે તેની બાંહોમાં હોઇ.