Sap Sidi - 18 in Gujarati Fiction Stories by Kamlesh K Joshi books and stories PDF | સાપ સીડી - 18

Featured Books
Categories
Share

સાપ સીડી - 18

પ્રકરણ ૧૮
જીવન કે સફર મેં રાહી મિલતે હૈ બિછડ જાને કો...


એક તરફ લોહી લુહાણ રફીક કણસતો પડ્યો હતો. સબ-ઇન્સ્પેકટર પ્રતાપ અને રતનપરનો પેલો કોન્સ્ટેબલ પરમાર મસાલેદાર કાજુ સાથે શરાબના એક પછી એક ઘૂંટ ગળા હેઠળ ઠાલવી રહ્યા હતા. બાજુના કમરામાં રૂપાળી ચંદનને પૂરી રાખી હતી.
“આજ કુત્તો બરોબર લાગમાં આવ્યો.” લાલ આંખે પેલા સામે જોઈ પ્રતાપે ગાળ બોલી અને પરમારે પણ પ્રતાપના સૂરમાં સૂર પુરાવ્યો. “સાલ્લો હલકટ... તમારી સામે ખુન્નસ બતાવતો હતો.”
અને ગુરુ-ચેલો બંને મુસ્કુરાયા.
“છેલ્લા બે પેગ મારી પેલી ચંદનને બાથ ભરી ઊંઘી જાવું છે. સવારે અહીંથી ભાગી છૂટીશું.” પ્રતાપે કહ્યું એટલે તરત જ પરમારે તેમાં સૂર પુરાવ્યો. “હોવે બોસ... મેં એટલે જ બહુ પીધો નથી. તમ-તમારે ટેસથી ઊંઘી જજો. જ્યાં સુધી હું બેઠો છું ત્યાં સુધી અહીંથી કોઈને ચસકવા દેવાનો નથી.”
પરમાર ખરા મનથી પ્રતાપને ગુરુ માનતો હતો. એણે જયારે પેલા સંજીવને ગાડીમાંથી ઉતરતો જોયો ત્યારે તરત જ અમદાવાદ બેઠેલા પોતાના બોસ પ્રતાપને બાતમી આપેલી.
“કોણ.. સંજીવ..?” પ્રતાપ માની તો ન શક્યો. પણ એણે કન્ફર્મ કર્યું. “પેલો કોલેજનો પ્રોફેસર હતો એ?”
“હા બોસ...એ જ. મેં હમણાં જ એને ગાડીમાંથી ઉતરતો જોયો. ભજીયાનો ટુકડો અડધો મૂકી હું એની પાછળ બહાર નીકળ્યો. મને અણસાર તો એના જેવો જ આવ્યો પણ હવે જયારે એ પેલા મંદિરની પાછળની ડંકીવાળી શેરીમાં પેલા જૂના રાજકારણીની ડેલીમાં ઘુસ્યો એટલે મને ખાતરી થઇ ગઈ. એટલે મેં તમને ફોન કર્યો.”
“એનો પીછો કરજે. મને લાગે છે કે એ કુત્તો મારા હાથે જ મરવાનો છે.” પ્રતાપના દિમાગમાં ગરમી ભરાઈ ગઈ. જો એ કુત્તો સામે હોત તો આજ ફરી એણે બે મુક્કા એના જડબા પર લગાવી દીધા હોત. કોઈ જૂના ઘાવ પર કોઈ અણીદાર હથિયાર ખૂંચે અને જે દર્દની પીડા જાગે તેવી પીડા પરમારના ફોન પછી પ્રતાપના દિલમાં ઉઠી હતી. જો તે દિવસે પેલો ઇન્સ્પેકટર સુખદેવસિંહ આવી ન ગયો હોત તો સંજીવને રેલ્વે સ્ટેશન પાસેના ખેતરમાં જ દાટી દીધો હોત. પ્રતાપને સાત વર્ષ પહેલાનું એ દ્રશ્ય યાદ આવ્યું.
એક તરફ કણસતો સંજીવ પડ્યો હતો. જીપના ટેકે પોતે તમાકુ છોડી રહ્યો હતો. સંજીવની દયામણી સ્થિતિથી પ્રતાપને પોરસ ચઢતો હતો. ત્યારે પરમાર નવો-સવો કોન્સ્ટેબલ હતો.
“જો પરમાર.. આ કુત્તો ઇન્સ્પેકટરની પરીક્ષામાં મારા ક્લાસમાં સુપરવાઈઝર ન હોત તો મારા માથે આ સબ-ઇન્સ્પેકટરની નહીં ઇન્સ્પેકટરની કેપ હોત.” પ્રતાપ ખુન્નસભેર બોલતો હતો. “આજ બરોબરનો લાગમાં આવ્યો છે.” બીજા બે કોન્સ્ટેબલ પણ પ્રતાપની વાત સાંભળી સહેજ હસ્યા. જો કે અત્યારે તેઓ પોતાની રેંજથી ઘણા દૂર હતા અને કાયદાની મર્યાદાથી પણ ખૂબ ઉપરવટ જઈ રહ્યા હતા, તેની બીક પણ તેમને લાગતી હતી. પણ ગરમ મિજાજના અને માથાભારે સબ-ઇન્સ્પેકટર પ્રતાપને ન ગમતું એક પણ કદમ ભરવાની હિમ્મત તેઓમાં ન હતી.
થોડી વાર પહેલા જ ચારેય જણા સ્ટેશને પહોંચ્યા અને તપાસ કરતા પેલા સંજીવને પ્લેટફોર્મ પર ટ્રેનની રાહ જોતો જોઈ પરમારે તરત બહારની તરફ દોટ મૂકી હતી. પ્રતાપે એ સાંભળ્યું કે તરત જ ચારેય જણા ફરી જીપમાં ગોઠવાઈ ગયા હતા. અને અહીં વગડામાં જીપ ઉભી રાખી પ્રતાપ તેમાંથી બહાર કુદ્યો અને ઝડપથી હુકમ છોડ્યો. “ભગાવી મૂકો જીપ. ટ્રેન આવે એ પહેલા એ કુત્તાને અહીં ખેંચી લાવો.”
અને દસમી મિનીટે જીપમાં સંજીવને અહીં લાવવામાં આવ્યો હતો. જેમ ભૂખાળવો સિંહ હરણાં પર ત્રાટકે તેમ સંજીવને બોચીમાંથી પકડી, જીપની બહાર ખેંચી પ્રતાપ તેના પર ત્રાટક્યો હતો. પેટમાં, વાંસા પર, માથા પર, જ્યાં આવે ત્યાં પ્રતાપના પોલાદી મુક્કા સંજીવ પર પડવા લાગ્યા હતા. સંજીવ ઉંહકારા કરતો, રડતો, કરગરતો જમીન પર રગદોળાતો હતો. એક ક્ષણે તો સંજીવના ડોળા અદ્ધર ચઢી ગયેલા જોઈ ત્રણેય કોન્સ્ટેબલ પણ ગભરાઈ ગયા હતા.
“સા’બ.. ક્યાંક મરી ન જાય.” કોન્સ્ટેબલ દયાળના મોંમાંથી શબ્દો નીકળ્યા. તો પ્રતાપે એવી તો ક્રૂરતાથી તેની સામે મુક્કો ઉગામ્યો કે દયાળ બે ડગલા પાછળ લથડિયું ખાઈ ગયો. “નહીં દયાળ.. આજ આ કુત્તાને મારી ને અહીં જ દાટી દેવો છે, આ જ ખેતરમાં..”
બધું પ્લાનિંગ પ્રતાપે પહેલા પણ વિચારી જ રાખ્યું હતું.
અડધી રાત્રે સંજીવને એના ઘરેથી પોતે જ ઉઠાવી લેવાનો હતો. અને આવા જ કોઈ જામનગરની આસપાસના ખેતરમાં દાટી દેવાનો હતો. પણ કોણ જાણે કેમ? સંજીવ રાત્રે જ ભાગી છૂટ્યો. પ્રતાપના ગુસ્સાનો પાર ન હતો. ત્યાં એને ફોન પર સૂચના મળી. તમારો શિકાર પડધરી રેલ્વે સ્ટેશને એકાદ કલાકમાં પહોંચશે.
અને પ્રતાપે જીપ ભગાવી મૂકી હતી.
પ્રતાપ જામનગરની સરહદ વટાવી રાજકોટની સરહદમાં પ્રવેશ્યો ત્યારે બાકીના ત્રણેય કોન્સ્ટેબલના મનમાં થોડો ભય પેઠો, પણ પડશે એવા દેવાશે વિચારતા સૌ ખામોશ રહ્યા.
ફરી એક લાત સંજીવના પેટ પર પડી. અને એ ફરી ઘૂળમાં રગદોળાયો. “શું કહેતો હતો કુત્તા તું ત્યારે ક્લાસ રૂમમાં?” પ્રતાપ ગુસ્સાભેર બોલતો હતો. “હું કોઈનું સોરી કે થેંક્યું સાંભળીશ નહીં. સાલા.. આજ તું સોરી બોલ અને હું નહીં સાંભળું.”
તે દિવસે.. પ્રતાપ ઇન્સ્પેકટરની પરીક્ષા આપી રહ્યો હતો. બધી ગોઠવણ થઇ ચૂકી હતી. એમ તો પ્રતાપે અમુક પ્રશ્નો વાંચ્યા પણ હતા. પણ બહુ યાદ ના રહ્યું એટલે ગુનાની કલમો, એફ.આઈ.આર. લખવાનું ફોરમેટ, વોરંટની બજવણી વગેરે જેવા દશેક અગત્યના પ્રશ્નોની એણે વ્યવસ્થિત કાપલીઓ બનાવી લીધી હતી. પણ પરીક્ષાની પહેલી પંદર મિનીટમાં જ સુપરવાઈઝર સંજીવ જોશીની કડકાઈથી પ્રતાપ ત્રાસી ગયો. છેલ્લી બેંચવાળા ખાનની કાપલીઓ સંજીવે પકડી પાડી એટલે ખાન પગ પછાડતો, કૈક બબડતો પેપર છોડી ક્લાસ બહાર નીકળી ગયો. થોડી વારમાં સબ ઇન્સ્પેકટર ગઢવી પણ ક્લાસ બહાર નીકળી ગયો અને એની પાંચમી જ મિનીટે સંજીવે પ્રતાપની કાપલી પકડી. પ્રતાપના ગુસ્સાનો પાર ન રહ્યો. એણે ક્રોધભરી નજર સંજીવની આંખમાં પરોવી. પણ સંજીવ ટસનો મસ ન થયો.
ક્લાસ છોડી જવું એટલે ઇન્સ્પેકટર બનવાની છેલ્લી તક છોડી જવી. પ્રતાપે સંજીવને સોરી કહ્યું. અને સંજીવે તેની તમામ કાપલીઓ લઇ લીધી. પેપર પણ દસેક મિનીટ માટે લઇ લીધું. આ દસ મિનીટ પ્રતાપ માટે બહુ આકરી હતી. પેપર પાછું તો સંજીવે આપ્યું પણ પ્રતાપ હવે કંઈ લખી શકે તેમ ન હતો. એટલે ખુન્નસ ખાતો એ ક્લાસ બહાર નીકળ્યો ત્યારે સંજીવને કહેતો પણ ગયો. “જોઈ લઈશ. મને બીજું કંઈ યાદ રહે કે નહીં પણ તને જરૂર યાદ રાખીશ.”
અને ફરી એક લાત સંજીવના વાંસા પર પડી.
ફરી એક ઉંહકારો થયો.
અચાનક એક પોલીસ સાયરન ગૂંજી અને ત્રીજી જ મિનીટે પોલીસ પેટ્રોલિંગ જીપ નજીક આવી થંભી. ઇન્સ્પેકટર સુખદેવસિંહે નજીક આવી જોયું. “અરે પ્રતાપ.. અહીં? કોઈ તપાસમાં આવ્યો છે કે?” કહી એણે પરમાર, દયાળ પર નજર ફેરવી. ત્યાં તેનું ધ્યાન. પ્રતાપની જીપમાં પાછળ બેઠેલા કોન્સ્ટેબલને ટેકે આંખ બંધ કરી થોડી ખરડાયેલી હાલતમાં બેઠેલા શખ્સ પર પડી.
“હા દોસ્ત.. એક શાતીર બદમાશ જામનગરથી રાજકોટમાં પ્રવેશવાની કોશિશ કરતો હતો. દબોચી લીધો.” તરત જ પ્રતાપે વાત ઉપજાવી કાઢી. “તું બોલ.. તારા તો ઇન્સ્પેકટર તરીકેના કારનામા આખા પોલીસ બેડામાં પ્રખ્યાત થઇ રહ્યા છે.”
“ના રે ના.. ભાઈ.. આપણે તો આપણી ડ્યુટી કરી રહ્યા છીએ.” સુખદેવસિંહને પ્રતાપના ચહેરા પરથી દેખાઈ આવ્યું હતું કે એ નશામાં હતો અને કૈંક ગંભીર બાબત એ છુપાવી રહ્યો હતો. એટલે સુખદેવસિંહ પ્રતાપની જીપ બાજુ બે ડગલા ગયો. સૌના જીવ ઉચક થઇ ગયા. “અરે.. આ તો સંજીવ જોશી છે.”
સુખદેવસિંહના શબ્દે પ્રતાપને પણ ભડકાવ્યો.
સુખદેવસિંહ સંજીવનો પરિચિત નીકળ્યો એટલે ફરી બાજી પલટાઈ હતી. પ્રતાપે ઘણા પ્રયત્નો કર્યા. પણ એ સુખદેવસિંહને કોઈ હિસાબે કન્વીન્સ કરી શક્યો નહીં અને ફરી સંજીવ એના હાથમાંથી છટકી ગયો.
“મારું મૂળ વતન જેતલસર ગામ. જેતપુર પાસે.” એક રાત્રે પ્રતાપ અને પરમાર વાતે ચઢ્યા હતા. “હા.. ત્યાંના રેલ્વે સ્ટેશનના ભજીયા બહુ વખણાય છે.” પરમારે તરત જ ટાપસી પૂરી એટલે પ્રતાપને મજા આવી. “હા.. ત્યાંના ભજીયા બહુ વખણાય. મારા બાપા રેલ્વેમાં હતા, ડ્રાઈવર. એટલે આ શરાબ અને હું નાનપણથી સાથે ઉછર્યા છીએ.” બોલતી વખતે પ્રતાપ સહેજ ગળગળો થયો. એટલે પરમારને લાગ્યું કે આજ ઉસ્તાદ કૈંક જુદા મૂડમાં છે. નહિંતર વતનની, બાપાની, અંગત વાતો તરફ કદી તેઓ ગયા ન હતા. “બા મરી ગઈ ત્યારે તો હું ખૂબ નાનો હતો. ત્યારથી મેં મારા બાપાને દારૂ પી, જ્યાં-ત્યાં લથડીયા ખાતા જોયા છે. ગામમાં તો કોથળી મળે. હુંય ક્યારેક બાપા માટે કોથળી લેવા જતો. ગામની નિશાળમાં અમે ભણવા જતા. ત્યારે બહુ મજા આવતી. અમારી સામે રહેતા નટુશંકર મહારાજ. કર્મકાંડી બ્રાહ્મણ હતા. અમને નિશાળીયાઓને મફતમાં ટ્યુશન આપતા. એક દિવસ મારા મોંમાંથી ગાળ સાંભળી નટુસાહેબ ખૂબ ગુસ્સે થયા હતા. એમનો એ ગુસ્સો જોઈ હું થથરી ગયો હતો. એમણે મને ધમારી નાખ્યો હતો. મારા બાપાથી આ સહન ન થયું. અને એક દિવસ દારૂ પી, બાપાએ નટુ માસ્તરને બબ્બે કટકા ચોપડાવેલી. જોકે.. બીજા દિવસે દારૂ ઉતર્યો એટલે બાપા નટુકાકાને પગે પડી ગયા હતા. પણ બસ.. એ દિવસથી નટુકાકાએ મને ભણાવવાનું બંધ કરી દીધું. ત્યારે તો મને મજા પડી ગઈ હતી. પણ જો નટુકાકા પાસે હું વધુ ભણ્યો હોત તો સારું હતું.” બોલતી વખતે પહેલી વખત પ્રતાપને ગળગળો જોઈ પરમાર પણ આભો બની ગયો. “એ પછી તો જુવાની આવી. જેતપુરની ટોકીઝમાં પહેલા દિવસના પહેલા શોમાં પિક્ચર જોવાની આપણી કાયમી જીદ રહેતી. બાપા આપણી બધી જીદ પૂરી કરતા. એક દિવસ તો બાપાને ખૂબ તાવ હતો. અને નવું ફિલ્મ ચડ્યું હતું. મારી જીદ આગળ લાચાર બિચારા ધગધગતા શર્રીરે ટોકીઝમાં બેસી રહ્યા.” અને એક અશ્રુ બુંદ પ્રતાપની આંખમાં ઉપસ્યું. પરમાર પણ પહેલીવાર આવો અનુભવ કરી રહ્યો હતો.
“સંગીતા મારો પહેલો પ્રેમ હતી. જેતપુરની કોલેજમાં મારી સાથે ભણતી.” કોણ જાણે કેમ? સંગીતાનું નામ પડતા જ પ્રતાપના ચહેરાની રેખાઓ બદલાઈ. “હું કોલેજે લ્યુનામાં જતો અને સંગીતા સાયકલ પર આવતી. એક દિવસ.. એક દિવસ એની સાયકલનો ચેન ઉતરી ગયો હતો. અને બરોબર ત્યારે જ હું ત્યાં પહોંચ્યો. મેં લ્યુના બ્રેક કર્યું. મને જોઈ એણે સહેજ સ્માઈલ કર્યું. અને મારા રોમે-રોમમાં એક પ્રકારનો ગરમાવો ભરાઈ ગયો. મેં લ્યુનાની ઘોડી ચઢાવી અને એની સાયકલનો ચેન ચઢાવી આપ્યો. એ ખુશ થઇ ગઈ. મારી સામે પાછું સ્મિત કરી જતી રહી. બસ.. પછી દિવસો સુધી અમે સ્મિતની આપલે કરી. અને એક દિવસ એણે કોલેજના પાર્કિંગમાં મને પૂછ્યું. “તમે પોલીસનું ફોર્મ ભર્યું?” હું ચમક્યો. એણે માંડીને વાત કરી. પોલીસ ભરતી માટે ફોર્મ ભરાતા હતા. મારી હાઈટ ઊંચી હતી. બોડી પણ મજબુત. સંગીતાના મોંએ આ સાંભળી મારી ભીતરે રક્ત સંચાર વધ્યો અને પરમાર.. એ છોકરીએ બીજા દિવસે મારી સામે ફોર્મ ધર્યું. એટલું જ નહીં. કોલેજના એક ક્લાસમાં મારી સાથે બેસી એણે મારી પાસે ફોર્મ ભરાવ્યું. હું તો એને જોતો જ રહી ગયો અને મેં ફોર્મ સાથેના જરૂરી ડોક્યુમેન્ટ એના કહેવાથી તૈયાર કર્યા. “હું પોસ્ટ કરી આપીશ.” એણે ફોર્મ લઇ લીધું. એકાદ મહિના બાદ જુનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ભરતી હતી. આઈ વોઝ ફર્સ્ટ ઇન રનીંગ એન્ડ જમ્પિંગ. ચેસ્ટ પણ ફીટ આવી ગઈ અને હું સિલેક્ટ થઇ ગયો. મારા બાપા તો દંગ જ રહી ગયા. થોડા ગુસ્સે પણ ભરાયા. પણ મારી જીદ આગળ આખરે માની ગયા. એને ક્યાં ખબર હતી કે મને આવડી મોટી સફળતા અપાવનાર એક છોકરી હતી. મને ગઝલો અને શાયરીઓનું ઊંડાણ ત્યારે સમજાવા લાગ્યું હતું. શાંત ઝરુખે વાટ નીરખતી રૂપની રાણી એટલે શું? એ મને બરોબર સમજાતું હતું. આંખોની મસ્તી અને એનો નશો મને સંગીતાની આંખોમાં પીવા મળતો હતો.
અને મને સિલેકશનનો ઓફીશીયલ લેટર મળ્યો, જેમાં આઠ મહિનાની ટ્રેનીંગનો ઉલ્લેખ જોઈ હું પલભર ગભરાઈ ગયો હતો. પણ સંગીતાએ મને સમજાવ્યું હતું કે ઈટ વોઝ ગોલ્ડન ચાન્સ. લેટ અસ સેલીબ્રેટ.. અને એણે મને ફિલ્મની એક ટિકીટ પકડાવી હતી. જા મારા તરફ થી તને ગીફ્ટ. આજનો જ શો છે. ત્રણ વાગ્યે પહોંચી જજે. બોર્ડર ફિલ્મ છે. અને હું પાગલની જેમ મુશ્કુરાયો હતો પરમાર.. અઢી વાગ્યે હું પહોંચી ગયેલો ચેતના સિનેમાના ગેટ પાસે. મોટા પોસ્ટર પર સન્ની દેઓલ, જેકી શ્રોફના ફોટા જોઈ હું રોમાંચિત થઇ ગયો. એમની વર્દી મને પોલીસની વર્દીની યાદ અપાવી ગઈ. અને સરપ્રાઈઝનો આંચકો તો મને ત્યારે લાગ્યો જયારે ફિલ્મ શરુ થઇ ગયા ને વીસેક મિનીટ બાદ મેં સંગીતાને મારી હરોળ તરફ આવતી જોઈ. આઈ વોઝ શોકડ. એ લાલ ડ્રેસમાં બેહદ સેક્સી લાગતી હતી, બ્યુટીફૂલ લાગતી હતી. કેમ ખાઈ ગયો ને ચક્કર? મારી પડખેની ખાલી સીટ પર બેસતા એણે મને ટપાર્યો હતો અને બોલી હતી, હવે બાઘાની જેમ મને જોયા ન કર. સામે પરદા પર જો. હું શરમાઈ ગયો હતો. પરદા પર ચાલતા દ્રશ્યો તરફ નજર ચોંટાડી હતી. ત્યાં એનો કોમળ હાથ મારા હાથ સાથે ચંપાયો અને કાને અવાજ આવ્યો. સામે જ જોજે અને ધીમે-ધીમે અમે પરસ્પરનો હાથ અને સાથ માણતા ફિલ્મ જોવા લાગ્યા. અચાનક એણે હાથ છોડાવી લીધો. ચાલ.. હું હવે જાઉં. ફરી કોલેજે મળીશું. ફિલ્મ તો હજુ બાકી હતી. પણ એ જતી રહી. બીજા દિવસે એણે મને, મારી બેવકૂફીને બુદ્ધિ આપી હતી. એણે ત્રણ ટિકીટો ખરીદી હતી ફિલ્મ ની. બે કપલ માટેની અને એક નોખી. મને કપલવાળી એક પકડાવી હતી અને ફિલ્મ શરુ થઇ ત્યારે એ પેલી નોખી ટીકીટ પર છાની-માની ગોઠવાઈ ગઈ હતી. અને પછી અચાનક મારી સામે પ્રગટ થઇ મને સરપ્રાઈઝ આપી હતી.
“આઈ લવ યુ...” ટ્રેનીંગમાં વડોદરા જવાની એકાદ કલાક પહેલા મેં એને સરપ્રાઈઝ આપી હતી. પહેલી વખત આ શબ્દો મેં એની સમક્ષ કહ્યા અને એ મીઠું-મીઠું હસી હતી. બે-પાંચ ક્ષણો ખાલી પસાર થઇ એટલે મેં પૂછ્યું હતું. “ડુ યુ લવ મી?”
એણે મારી સામે ગુસ્સાભરી આંખે જોયું. હું પલભર તો ડરી ગયો. પણ ત્યાં જ એણે મારી ગરદનની પાછળ હાથ મૂકી, મારું મોં નીચું કરી, મારા હોઠ પર પોતાના હોઠ ચાંપી દીધા. લગભગ અઢી મિનીટ અમે એમ જ રહ્યા.
એ પછી એ જતી રહી..
અને હું ટ્રેનીંગમાં વડોદરા જતો રહ્યો. મારા બાપા મને ટ્રેનમાં મૂકવા આવેલા. ટ્રેનીંગ ખતરનાક હતી. પણ મારા માટે એ સંગીતાની ગીફ્ટ હતી. પણ સાત મહિના વીત્યા ત્યાં એક દુર્ઘટના બની. મારા પિતાનું અવસાન થઇ ગયું. એક મહિનાનો એ ગમગીન સમય ભારે હતો. મને સંગીતા યાદ આવી. કોલેજે તપાસ કરી તો એના લગ્ન મુંબઈ થઇ ગયા હતા. હું ભાંગી પડ્યો. અને મેં શરાબનો સહારો લીધો. જોકે.. બીજી તરફ મારી ટ્રેનીંગ દરમિયાનના જોરદાર પરફોર્મન્સ બદલ છેલ્લો એક મહિનો હું ન હોવા છતાં અને મારા સંજોગોને ધ્યાનમાં લઇ મને પોસ્ટીંગ આપી દેવામાં આવ્યું હતું.
મારા માટે બાપાને ભૂલવા કે સંગીતાને ભૂલવી અશક્ય હતું અને હું દારૂના રવાડે ચઢી ગયો. આખી દુનિયા મને દુશ્મન લાગવા માંડી હતી. અને એટલે જ મેં દુનિયાને પજવવા માંડી. મને આવું કરવામાં મજા આવે છે.”
પરમારની આંખમાં પણ પ્રતાપ સાહેબ માટે આંસુ હતા.
“નહીં રોવાનું નહીં. પરમાર.” પ્રતાપે કહેલું.
અચાનક જોર-જોરથી બારણું પછડાવાનો અવાજ સાંભળી બંને વર્તમાનમાં પટકાયા અને સામે અધમૂઆ પડેલા રફીક પર એમની નજર પડી. દારૂના નશામાં દ્રશ્યોની થઇ જતી ભેળસેળ બંનેને સમજાઈ નહીં. સંજીવ ખરેખર અહીં હતો કે બંને નશામાં એવું વિચારતા હતા એ નક્કી કરે એ પહેલા તો બારણું તૂટી ગયું અને કોઈ જુવાનીયો ખાખીધારી પોલીસ એમાં ડોકાયો. અને બંનેની આંખો બંધ થઇ ગઈ.
માત્ર કાને શબ્દો અથડાયા. “સર.. સબ-ઇન્સ્પેકટર પ્રતાપ અને કોન્સ્ટેબલ પરમારને અમે ઝડપી પાડ્યા છે. રફીક પણ અહીં જ છે.”
“જી સર.. હું બધાને અમદાવાદ લાવું છું.”
બસ.. પછી કાને પણ કશું અથડાયું નહીં.
=============