પ્રકરણ ૧૭
અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ કહાં ખતમ..
ગાંધીનગરના ગુજરાત ઈન્ટેલીજન્સ બ્યુરોના બિલ્ડીંગમાં ચહલ-પહલ વધી ગઈ. બ્યુરો હેડ શશીધરનની ચેમ્બર બહાર ઉભેલા અધિકારીઓ ઉચક જીવે રાહ જોઈ રહ્યા હતા. સુખદેવસિંહને અંદર ગયે દસ મિનીટ વીતી હતી.
“ઈમ્પોસીબલ...” સુખદેવસિંહની વાત માની શકાય તેમ ન હતી. શશીધરન એક બાહોશ આદમી હતો. અને ચાર્જ સંભાળ્યા પછી એણે પોતાની કોર ટીમ માટે જે પાંચ નામ માગેલા તેમાં પહેલું સુખદેવસિંહનું હતું. પણ ગઈકાલ રાત્રે દસેક વાગ્યે એમના પર્સનલ નંબર પર ફોન આવ્યો અને સામા છેડે યાકુબખાનનો અવાજ સાંભળી શશીધરન સાહેબના મગજમાં ગરમી છવાઈ ગઈ હતી.
“સલામ સાબ..” યાકુબખાનનું અન્ડરવર્ડમાં બહુ મોટું નામ હતું. એણે ઘણી વખત પોલીસને પોતાના દુશ્મનોની બાતમી આપી હતી, જેના પર શશીસાહેબે ખુદ પર્સનલ તપાસ કરતા બેએક મોટા બ્લાસ્ટ થતા અટક્યા હતા.
“બોલ યાકુબ.. ક્યા ટીપ હૈ?”
“બહુત ખતરનાક હૈ સાબ.. પર આપ માનોગે નહી.”
“અચ્છા? ક્યા હૈ ખતરનાક?” શશીસાહેબને સહેજ ભય તો લાગ્યો, પણ મજાક કરતા હોય તેમ પૂછ્યું.
“આપકા ભગવાન ખતરે મેં હૈ.”
“હેં? શું કહ્યું? ભગવાન?”
“હા સાબ.. આપ મેરે કો મિલો. મેં સબ બતાતા હૈ. અભી મેં એમ્બુલન્સ કે પીછે અમદાવાદ પહુચા હૈ. મામલા ગરબડ હૈ. આપ મેરે કુ મિલો.”
અને શશીસાહેબે સુખદેવસિંહને મોકલ્યો હતો, યાકુબને મળવા.
સવારે દસેક વાગ્યા હતા. સુખદેવસિંહે યાકુબે કહેલી વાત શશીસાહેબ સામે મૂકી હતી.
“સર.. યાકુબખાન કહે છે કે એનો આદમી સાત દિવસથી જામનગરના જે શખ્સનો પીછો કરી રહ્યો હતો, એ શખ્શ ખુદાઈ રહેમત વાળો છે અને કોઈ ખતરનાક કાવતરા હેઠળ એ શખ્સને જામનગરથી ઉઠાવી અમદાવાદ લાવવામાં આવ્યો છે.”
આ વાત જયારે યાકુબે કહી ત્યારે સુખદેવસિંહ પોતે સહેજ મરક્યો હતો. પણ એણે યાકુબની આંખમાં જે ગંભીરતા જોઈ એ જોતા પોતાનું મરકવું, એને ભૂલ ભરેલું લાગ્યું.
યાકુબખાન જેવા એક ડોન પાસેથી બાતમી મળે અને પોલીસ વિભાગ એ બાતમીના આધારે કામ કરે એ વાત પહેલા તો સુખદેવસિંહ જેવા જવામર્દ, હિન્દુસ્તાની, રાષ્ટ્રપ્રેમી માટે માન્યામાં ન આવે તેવી હતી. પણ જયારે એણે યાકુબખાનની હિસ્ટ્રી તપાસી તો એ ચોંકી ઉઠ્યો હતો. પાકિસ્તાન, ચીન જેવા અનેક દેશોના નાકે દમ લાવી દેનાર યાકુબખાન ભારત માટે અને ખાસ તો ગુજરાત માટે હમદર્દી ધરાવતો હતો.
યાકુબખાનની બેગમ નરગીસને પણ તાજુબ થયેલું જયારે નરગીસ પહેલી વાર પ્રેગ્નન્ટ હતી. યાકુબે જયારે એ ન્યુઝ સાંભળ્યા ત્યારે તરત જ અફઘાનિસ્તાનની એ કિલ્લેબંધ હવેલીના પોતાના બેડરૂમમાં એણે નરગીસને એક લાલ રંગની કિતાબ થમાવેલી. જૂની-પુરાણી છતાં અકબંધ સચવાયેલી એ કિતાબની બાંધણી અતિ પ્રાચીન હતી, બેનમુન હતી. એણે કિતાબ સામે જોયા પછી યાકુબની ખુશખુશાલ આંખ સામે તાકી પૂછ્યું હતું. “ક્યાં હૈ ઇસમેં?”
નરગીસ પાકિસ્તાનની ફિલ્મી દુનિયાની નવી-સવી અભિનેત્રી હતી ત્યારે યાકુબના સંપર્કમાં આવી હતી. પાકિસ્તાનના મોટા માથા ગણાતા લશ્કરી આગેવાનોથી માંડી જુલ્મની દુનિયાના આકાઓ સુધી યાકુબની પહોંચ હતી, એની આણ હતી. પણ નરગીસને યાકુબ ખૂંખાર નહિ, પ્રેમાળ લાગ્યો હતો. પરાક્રમ અને પ્રેમથી છલકતો એનો વિશાળ સીનો, ખુમારી અને નિર્ભયતાથી ઉભરાતી એની માંજરી આંખોમાં નરગીસને જન્નત દેખાઈ હતી. અને એટલે જ બે-ચાર ફિલ્મોમાં કામ કરી ટોપ પર પહોંચ્યા પછી એણે યાકુબ સાથે નિકાહ કરી લીધા હતા.
“ઇસમેં વો હૈ જિસે, આનેવાલે જુનીયર યાકુબ કો જાનના જરૂરી હૈ નરગીસ..”
નરગીસને આશ્ચર્ય થયું. કિતાબમાં એવું શું હતું, જે પોતાના હજુ ન જન્મેલા બાળકને જાણવું જરૂરી હતું. એની આંખમાં ઉભરતા પ્રશ્નને પામી જતા યાકુબે એના પેટ સામે જોઈ કહ્યું હતું. “હમારા બેટા ઇસ દુનિયા મેં આકે ઔર કુછ જાને યા ના જાને, ઔર કુછ કરે યા ના કરે. ઉસે ઇસ કિતાબ મેં લિખા હુઆ ફર્ઝ હર હાલ મેં નિભાના હૈ.”
તો શું આ કિતાબમાં મક્કા-મદીના જવાની કોઈ વાત હશે? કે પછી કોઈ મોટી ખૈરાતનો આદેશ હશે? કે પછી કોઈ એવી પરંપરા, જે યાકુબના ખાનદાનમાં વર્ષોથી નિભાવવામાં આવતી હશે? નરગીસને થોડું રહસ્યમય લાગી રહ્યું હતું. પણ એણે જેમ જેમ પેલી કિતાબના એક પછી એક પાના વાંચવા માંડ્યા તેમ-તેમ એને યાકુબ અને એના ખાનદાનનું એક અનોખું ચરિત્ર જોવા મળ્યું.
કિતાબ સાતસો-આઠસો વર્ષ પહેલા લગભગ હજારની સાલની આસપાસ લખવાની શરુ થઇ હતી. કિતાબ પ્રાચીન ભાષામાં લખાયેલી હતી. પણ એ પછી એનો તરજુમો ઉર્દુમાં અને હિન્દીમાં લખાયેલો હતો. નરગીસે વાંચવાનું શરુ કર્યું.
“આ કિતાબ અફઘાનિસ્તાનના નાનકડા કસ્બા ગઝનીના ફકીર મુબારકખાન અને એના વંશજોએ વાંચવી અને દરેક વંશજે તેમાં ઉમેરો કરવો.” કિતાબનું પહેલું વાક્ય વાંચતા જ નરગીસને તેમાં રસ પડ્યો. “ફકીર મુબારક ખાન મારા અબ્બુ છે અને હું વસીમ. મારા અબ્બુ અત્યારે એસી વર્ષ ના છે. એ લખાવે છે એમ હું લખી રહ્યો છું. દુનિયા ચોરસ છે કે ગોળ? કે પછી કોઈ બીજા જ આકાર ની એ અમારા ગઝની નામના નાનકડા ગામમાં કોઈને ખબર ન હતી. મારા અબ્બુ ગામમાં સૌથી વધુ સમજદાર ગણાતા. મારા અબ્બુએ જ આ લખાણ લખવાની લિપિ શોધી છે. ગઝની જ નહિ આજુ-બાજુના અમારા કેટલાય ગામની દશા એકસરખી જ હતી.
મારા-મારી, માથાકૂટ, બળાત્કાર, લૂંટફાટ અને ખૂનખરાબાથી અમારો દિવસ શરુ થતો અને શેકેલી માછલી, સસલું કે જંગલી ફળો ખાઈને અમે ઊંઘી જતા. એક દિવસ એક અજાણ્યો આદમી અમારા ગામમાં આવ્યો. એ મુસાફર હતો. એ વરસોથી મુસાફરી કરતો હતો. એણે વાત-વાતમાં હિન્દુસ્તાનની વાત કરી. અમને સાંભળવાની મજા પડી. એ કહેતો હતો. એ હિન્દુસ્તાનમાં ગીત-સંગીતના જલસા હોય છે. ત્યાં લોકો સસલા માછલી ઓછા ખાય છે. ત્યાં જમીનમાંથી અનાજ ઉગાડી ખાવામાં આવે છે. ત્યાં રાજા હોય છે. તેની બેગમ હોય છે. લોકો ભગવાનની પૂજા કરે છે. અને એક મંદિર તો સોનાનું છે.
સોનાનું મંદિર? અમારા ગઝની ગામમાં મારા અબ્બુ એક લાકડાની અને સૂકા ઘાસની મસ્જીદમાં નમાઝ પઢતા. અમારી મસ્જીદ જેવું હિન્દુસ્તાનમાં મંદિર હોય છે. અમારા ગામનો સૌથી મોટો મારફાડ કરવાવાળો જો કોઈ હોય તો એ મારા ચાચા ગુલામખાન સાહેબ. અને બીજો મારા ચાચાનો ચોર લૂંટારો ભાઈબંધ મહમ્મદ. એક દિવસ ગુલામચાચાએ બહુ મોટી વાત કરી. પેલો મહમ્મદ લૂંટારો ગઝનીના ભૂખમરાથી ત્રાસી, ગઝની છોડી ભાગી ગયો.
દિવસો બાદ એ પાછો આવ્યો ત્યારે સુંડલા ભરીને ખાવા-પીવાનું લાવ્યો હતો. એ ખાવાનું ગુલામ ચાચાએ ખૂબ વખાણ્યું હતું. અને એક દિવસ ગુલામ ચાચા પણ ઘર છોડી એ મહમ્મદની એકાદ ટોળકી સાથે ભાગી ગયા.
મહિનાઓ બાદ જયારે એ પાછા આવ્યા ત્યારે ચાચા માલદાર બની ગયા હતા. પણ ગઝનીમાં આવ્યા ને બીજા જ મહિને ચાચા ગુજરી ગયા. મારા અબ્બુ કહેતા હતા કે અલ્લાહની ઈબાદત અને મહેનતથી જ અલ્લાહની રહેમત મળે, લૂંટફાટથી નહીં. પણ કોણ જાણે કેમ પેલો મહમ્મદ ફરી ગાયબ થઇ ગયો. સાથે મારા અબ્બુને પણ લઇ ગયો. દિવસો બાદ અબ્બુ પાછા ફર્યા ત્યારે અબ્બુ સાવ બદલાઈ ગયા હતા.
એકાદ મહિનામાં તેમનો ઇન્તેકાલ થઇ ગયો. પણ જતા-જતા એક રહસ્યની વાત કરતા ગયા હતા. હિન્દુસ્તાનમાં સોનાનું મંદિર છે. ત્યાંના લોકો જનાવર જેવું નથી જીવતા. અમુક-અમુક ખુદાના બંદાઓ પર તો ખુદાની ચમત્કારિક રહેમત હોય છે. મોટી જટાવાળા, ધોળા કપડાવાળા અને કપાળે લાલ-પીળા મોટા ટપકા કરેલા એ લોકોને મળી મને જિંદગીની સચ્ચાઈ ખબર પડી છે અને મારા તમામ વંશજોને હું ત્યાં જવા અને તેઓની મદદ કરવા, ખિદમત કરવા, સેવા કરવા અને રક્ષા કરવાનો આદેશ ફરમાવું છું.
હવે... મારા અબ્બુનો આદેશ માની મારેય હિન્દુસ્તાન જવું પડશે. મહમ્મદની ખેપ બહુ થોડા દિવસોમાં જવાની છે. મારી બેગમ નુરીના પેટમાં મારો બેટો ઉછરી રહ્યો છે. હું પણ મારા વંશજોને મારા અબ્બુનો આદેશ માનવા આજ્ઞા કરું છું.
દિવસો વીતી ગયા. હિન્દુસ્તાનમાં મારી ટાંગ તૂટી ગઈ. ગઝનીની અમારી ટોળકીએ ત્યાં ભારે લૂંટફાટ મચાવી. ત્યાં ખૂબ જાહો-જલાલી છે. ત્યાંની ઔરતોને અમારી ગઝની ટોળી ઉઠાવી જંગલમાં લઇ ત્યાં બળાત્કાર કરે છે, એ મને નથી ગમતું. પણ એ બધા જાનવર થઇ ગયા છે. હિંદુસ્તાનના એક ગામનો કિલ્લો અમે જીતવા ગયા. ત્યાં ત્યાંનો રાજા સામેથી હાથ જોડી અમારા પગમાં પડી ગયો, એ જોઈ અમારી ટોળીની તો ખુશીનો પાર ન રહ્યો. રાજાએ અમને ખૂબ ખાવાનું આપ્યું, ઝવેરાત આપ્યું અને દસેક રૂપાળી હસીનાઓ પણ અમને ભેટ ધરી. મને તો સમજાતું નથી કે અમારાથી વધુ મોટી ટોળીનો સરદાર રાજા કેમ અમારા પગમાં પડી ગયો? અમારું સરઘસ ગામમાં કાઢવામાં આવ્યું. સૌ કોઈ અમારાથી ડરતું હતું. અમારી ટોળીને ખાવા-પીવા અને કોઈને પજવવામાં ખૂબ મજા પડતી હતી. એક જગ્યાએ કેટલાક પહેલવાનો ઉભા હતા. અમારી ટોળીએ એમને લલકાર્યા અને એક પહેલવાન સાથે અમારી ટોળીનો મુસ્તુફા નામનો બદમાશ કુસ્તી કરવા ઉતર્યો. પેલા પહેલવાને મુસ્તુફાને પટકી-પટકીને લોહી-લુહાણ કરી નાખ્યો. ત્યારે જ મુસ્તુફાના નાના ભાઈ અમઝદે પેલા પહેલવાનના ખુલ્લા વાંસામાં પાછળથી છુરો ઘોંચી દીધો અને લોહીનો ફુવારો અમઝદના મોં પર ઉડ્યો. લોકોમાં નાસભાગ મચી. પેલા પહેલવાનો પણ વિફર્યા અને એમને એક-એકને પટકી-પટકીને અધમૂઆ કરી મુક્યા. અમે ભાગી છૂટ્યા.
જંગલમાં એક સાધુએ અમારી સારવાર કરી. મારા પગના હાડકા ભાંગી ગયા હતા. એ સાધુએ પાંદડા વાટીને એનો લેપ મારા આખા બદન પર લગાડ્યો. મારો પગ એણે માટીની લુગદીથી એવો તો લેપ્યો કે મને અંદર રાહત મહેસુસ થઇ. મારી ટોળી સાથે દિવસો સુધી હું ત્યાં રહ્યો. પેલા પહેલવાનનો માર ખાધેલો મુસ્તુફા લાંબુ જીવી ન શક્યો. અમઝદ ખુન્નસે ભરાયો હતો. એણે આ ગામને બીજીવાર લૂંટવા ફેંસલો કર્યો હતો.
હું માંડ ગઝની પહોંચ્યો ત્યારે મારી બેગમ નુરીએ શાહજાદા યુસુફને જન્મ આપી દીધો હતો. દિવસો, મહિનાઓ વીતી ગયા. હવે યુસુફ જવાન થયો. એ ગઝનીની બાજુના ગામમાંથી એક જુવાન છોકરી ઉઠાવી લાવ્યો છે અને પરાણે એની સાથે એના નિકાહ પઢવામાં આવ્યા છે. ખેર.. ખુદાને જે મંજૂર હોય એ જ થાય.
મને હજુ પેલા જંગલના સાધુ અને એની સેવા યાદ આવે છે. અમારા દેશના લોકોમાં એવી મદદ કે સેવાનો સ્વભાવ ક્યારે આવશે? લૂંટફાટમાં જિંદગી જીવનારા અમે ખુદાના ગુનેગાર છીએ. હું મારા વંશજોને આદેશ આપું છું કે હિન્દુસ્તાનની સેવા કરજો. સોનાના પેલા મંદિરની રક્ષા કરજો. તો જ આપણો વંશ, આપણી કોમનું ભલું થશે. હું હવે ગઝની છોડી નુરી, યુસુફ અને એની બેગમ સાથે હિન્દુસ્તાન જ રહેવા જવાનો છું. જિંદગીનો આખરી દમ મારે હિન્દુસ્તાનની સર જમીન પર જ ભરવો છે. યા.. અલ્લાહ.. મદદ...”
નરગીસ કોઈ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ જોઈ રહી હોય તેમ તેને એ પ્રાચીન દ્રશ્યો દેખાઈ રહ્યા હતા. યુસુફ, ઇમરાન, પછી શબ્બીર એમ કરતા-કરતા યાકુબખાનના દાદા રહેમત ખાનની દાસ્તાન-એ-કિતાબમાં હતી. નરગીસે રહેમત ખાનના જમાનાની વાત આગળ વાંચવી શરુ કરી.
કોણ સાચું અને કોણ ખોટું? એક તરફ અંગ્રેજો જે જતા-જતા હિન્દુસ્તાનને એક મોટો ફટકો મારવા માગે છે. એક તરફ કેટલાક મુસલમાનો જુદું રાષ્ટ્ર માંગી રહ્યા છે. મોટા ભાગના હિંદુઓ અને મુસલમાનોને કશી ખબર જ નથી. બહુ થોડા લોકો પોત-પોતાની મનસુફી મુજબ દેશ વિભાજનની રમત રમી રહ્યા છે.
મારો દીકરો શબ્બીર લાહોરમાં, લશ્કરમાં છે. મને ગુજરાત ગમે છે. શબ્બીરના નિકાહ લાહોરના એના જ અફસર સરફરાઝ ખાનની દીકરી ફિરોઝા સાથે થયા છે. આ કિતાબ વાંચું છું ત્યારે મનેય એકવાર અફઘાનિસ્તાન જઈને ગઝની ગામ જોવાની ઈચ્છા થાય છે. પણ શું કરું? સદીઓ વીતી ગઈ. અમે ગઝની છોડ્યું એને.
એ દિવસ બેહદ મનહુસ હતો. જે દિવસે હિન્દુસ્તાનના ભાગલા પડ્યા. અને દેશ આઝાદ થયો. શરૂઆતના કત્લેઆમના દિવસો નહેરુથી કે સરદારથી, કોઈથી અટકાવી શકાયા નહીં. હવે હુંય એસી વર્ષનો થયો. શબ્બીરનો દીકરો યાકુબ ખૂબ જ નાનકડો અને સુંદર છે. હું મારા વંશને આદેશ આપું છું, ગુજરાતની હિફાઝત કરજો. હિન્દુસ્તાનની હિફાઝત કરજો. અહીંના હિમાલયમાં તપ કરતા હિંદુ ફકીરોની રહેમત મળે તો આપણો વંશ આબાદ રહેશે. મેં શબ્બીરને જુનાગઢના ગીરનારમાં એક નાથુદાદા નામના ઓલિયા હિંદુ ફકીરનો ચમત્કાર દેખાડ્યો હતો. ફૌજી શબ્બીર માની ગયો કે અબ્બુ અને એની ઉપરની બધી પેઢીઓ જે આદેશ આપી ગઈ, એ અલ્લાહના આદેશ સમાન છે. હે મારા વંશજો.. આપણા વંશની પરંપરા જાળવજો. દરેક વંશજને આપણી આ વંશકથા માના પેટમાં જ પઢાવી દેજો.”
નરગીસને રહસ્ય સમજાવા માંડ્યું હતું. કેમ યાકુબ મુસલમાન હોવા છતાં પોતાને વારંવાર સોમનાથના શિવમંદિરે લઇ જતો? અને દુર બેઠા-બેઠા તે મંદિરના દીદાર કર્યા કરતો. વેશપલટો કરી એ પોતાને પણ હિંદુ ઔરતની જેમ સાડી પહેરાવી શિવમંદિરમાં દાખલ કરાવતો.
નરગીસે લાલ કિતાબમાં આગળ વાંચ્યું, તો પોતાના સસરાનું બયાન હતું.
“હિંદુ અને હિન્દુસ્તાન ફરી પાછા ઊભા થઇ ગયા છે. આઝાદ ભારત અંગ્રેજોએ સર્જેલી પાયમાલીમાંથી બહાર નીકળી રહ્યું છે. હવે આખું ભારત બે ભાગમાં વહેચાઈ ગયું છે. એક ભારત અને એક પાકિસ્તાન. જો કે હજુ હમણાં જ ભારત-પાકિસ્તાનનું યુદ્ધ પત્યું છે. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના બે ભાગ કરી એક નવા રાષ્ટ્ર બાંગ્લાદેશને જન્મ આપ્યો છે.
આઝાદી વખતે જ હું લાહોર છોડી ભારત આવી ગયો હતો. મને હિન્દુસ્તાનની ફોજમાં ભરતી કરી લેવામાં આવ્યો હતો. એકોતેરના યુદ્ધ વખતે અમારી છાવણી પર લાહોર રેજીમેન્ટ દ્વારા હુમલો થયો ત્યારે મેં લાહોરના મારા જ સાથી મિત્રોને કેદ કર્યા હતા. છાવણીમાં હું તેમને મળવા ગયો ત્યારે થોડું ગમગીનીભર્યું વાતાવરણ સર્જાયું હતું. અમે ખૂબ વાતો કરી. મેં તેમને યુદ્ધ કેદી તરીકે નહીં, મિત્રની જેમ સાચવ્યા. એ લોકોને પણ પાકિસ્તાનની વર્તમાન હાલતનો અફસોસ થતો હતો. પાકિસ્તાનનો દોરી સંચાર ગલત લોકોના હાથોમાં આવી ગયો છે. કોણ જાણે એસી, નેવું અને બે હજારની સાલમાં પાકિસ્તાનનું શું થશે?
ખેર.. મેં પેલા ગીરનારવાળા ફકીરની ખૂબ તપાસ કરી પણ એ જીવે છે કે નહિ એની પણ કોઈ ને ખબર નથી. હું મારા સંતાનોને અને ખાસ યાકુબમિયાંને કહું છું, હિન્દુસ્તાનની રક્ષા અને ખાસ ગુજરાતની, સોમનાથ મંદિરની રક્ષા એ આપણી ફરજ છે. એ કોઈ પણ ભોગે કરજો.
આજ-કાલ યાકુબમિયાં એના મામાને મળવા લાહોર બહુ જાય છે. અલ્લાહ રહેમત કરશે.”
અને નરગીસને પાકિસ્તાનની પોતે યાકુબ સાથે લીધેલી છેલ્લી મુલાકાત યાદ આવી ગઈ.
પાકિસ્તાનની હાલત દારુણ છે. ગરીબી ભરડો લઇ ગઈ છે. ખાવા ધાન નથી અને સરકારથી શરુ કરી લશ્કર સુધી બધે જ સ્વાર્થી લોકો બેફામ લૂંટ ચલાવી રહ્યા છે. નરગીસને યાદ આવ્યું. યાકુબ કહેતો હતો. “હિન્દુસ્તાનમાં પણ એવા લોકો વધતા જાય છે. બે પૈસા માટે પોતાનું ઝમીર વેચી નાખતા તેઓનો જીવ કંપતો નહીં હોય?” યાકુબે કહ્યું ત્યારે નરગીસને થોડું વિચિત્ર લાગ્યું હતું. પણ તરત જ યાકુબે ખુલાસો કર્યો હતો. “ના.. નરગીસ.. હું એમ નથી કહેતો કે હું સાચો અને સારો છું. હુંય અન્ડરવર્ડનો માણસ છું. પણ મેં હિન્દુસ્તાન અને ગુજરાતની રક્ષા ખૂબ ઈમાનદારીથી કરી છે. મારું નેટવર્ક ચીન, પાકિસ્તાનને હેરાન કરે છે. પણ ખરું કહું? હિન્દુસ્તાનના પૈસા ખાતા અફસરો અને નેતાઓની વધતી જતી સંખ્યા જોઈ મને લાગે છે કે હું ક્યાં સુધી અન્ડરવર્ડને રોકી શકીશ? તું જોને.. મુંબઈ બ્લાસ્ટ કે અક્ષરધામની મારી બાતમી કેટલી બધી બેઅસર રહી. આતો ભલું થાજો શશીધરન સાહેબનું કે એમણે જામનગરની ઇન્ડસ્ટ્રીઝ પરના હુમલાની મારી ટીપને ગંભીરતાથી લીધી અને દરિયામાં જ પેલી પાકિસ્તાની બોટ પકડી પાડી. નહિંતર...”
છેલ્લા દશેક દિવસથી યાકુબ થોડો ખુશ દેખાવા માંડ્યો હતો. એણે હજુ પાંચેક દિવસ પહેલા જ નરગીસને કહ્યું હતું. “મારા દાદાએ જે હિન્દુસ્તાની સાધુના દીદાર મારા પિતાને કરાવ્યા હતા, એવા જ એક સાધુના દીદાર હું તને કરાવીશ.”
“પણ તમે તો કહેતા હતા કે એ ગિરનારી સાધુના દીદાર ચાલીસ વર્ષ પહેલા દાદાજીએ અબ્બુજાનને કરાવ્યા હતા. ત્યારે સાધુ સો વર્ષથી વધુ ઉંમરના હતા, તો શું અત્યારે એ સાધુ જીવે છે? જો એમ હોય તો એકસો ચાલીસ વર્ષ..”
“અરે ના ના.. નરગીસ. હું એ સાધુની વાત નથી કરતો. હું એના જેવા બીજા સાધુની વાત કરું છું. એ સાધુ તો અબ્બુએ જોયા પછી મેં પણ નથી જોયા. કોણ જાણે ક્યાં ગાયબ થઇ ગયા? જીવે છે કે નહિ એ પણ કોઈને ખબર નથી. બધા એક જ વાત કરે છે, એમણે હિમાલયમાં સમાધિ લઇ લીધી. મારી પાસે તો એક બીજી પણ અફવા આવી છે એ નાથુદાદા વિષે. એટલે જ મેં મારા નેટવર્કને કામે લગાડયું છે.”
અને બે દિવસમાં જ યાકુબની દોડાદોડી વધી ગઈ. એણે ફોન પર જ નરગીસને કહ્યું. “લાગે છે અમારા વંશની પરમ્પરા નિભાવવાનો સમય આવી ગયો. નરગીસ.. કદાચ હવે દિવસો સુધી આપણો સંપર્ક નહીં થાય. તું ચિંતા ન કરતી. એટલું યાદ રાખજે કે હું વંશ પરમ્પરા મુજબ જ હિન્દુસ્તાનની રક્ષામાં લાગ્યો છું, હિન્દુસ્તાની સાધુની હિફાઝતમાં લાગ્યો છું. અને એ જ કામ તારા પેટમાં ઉછરી રહેલા જુનીયરે કરવાનું છે.”
નરગીસને કૈંક અશુભ બનવાની ઘંટડીઓ સંભળાવા લાગી.
પણ એ પછી યાકુબનો કોન્ટેક્ટ ન થયો એ ન જ થયો.
રતનપરથી ગુરુવારની સાંજે રફીકનો ફોન આવ્યો કે સંજીવ કોઈ ડોક્ટરના બંગલામાં ગયો છે. ત્યારથી યાકુબખાનની જમણી આંખ ફરકવા માંડી હતી. કોઈ અજાણ્યા સંકેતથી દોરવાતા તેણે સોમનાથથી જામનગરનો માર્ગ પકડ્યો. પૂરપાટ વેગે એની કાર સોમનાથ-જુનાગઢ હાઈવે પર સો એક્સોદસની સ્પીડે દોડવા લાગી. ત્યારે જ રફીકનો ફોન આવ્યો. રતનપરમાં સંજીવના ઘર પાસે એક એમ્બ્યુલન્સ ઊભી હતી. થોડીવારે સંજીવના માતા-પિતા અને સંજીવ એ એમ્બ્યુલન્સમાં ગોઠવાયા ત્યારે એમ્બ્યુલન્સના ડ્રાઈવર તરીકે ગોઠવાયેલા ડોમનિક ડિસોઝાને રફીક ઓળખી ગયો. મેલી મથરાવટીનો એ ડિસોઝા ગોવાની જેલમાં રફીકને મળ્યો હતો. તેનું નામ સાંભળતા જ યાકુબના દિમાગમાં ખતરાની ઘંટડીઓ વાગવા માંડી. કોઈ ખતરનાક યોજના બની રહી હતી. બીજું કોઈ નહીં ને ડિસોઝા કેમ? બરાબર દસ જ મિનીટ પછી યાકુબનો ફોન ફરી રણક્યો હતો. “સબ ઇન્સ્પેકટર પ્રતાપ બોલું છું. તારો કુત્તો રફીક મારા કબજામાં છે. જામનગર આવી છોડાવી જા.”
અને યાકુબનું માથું ઘુમવા માંડ્યું. અચાનક દિમાગમાં એક વિચાર ઝબકતા એણે કાર ગીરના રસ્તે વાળી અને એની ગણતરી સાચી પડી. મોટા ગુરુબાબા સાથે પેલી બ્રીટીશર સાધ્વી પણ ત્યાં મૌજૂદ હતી.
યાકુબે અલ્લાહનો પાડ માન્યો. જો એ સાધ્વી વર્ષો પહેલા ખોટું ન બોલી હોય તો એ યાકુબને અત્યારે મદદ કરી શકે તેમ હતી. અને એ સાધ્વીએ મદદ કરી. ડિસોઝાનો નંબર એ સાધ્વી પાસે હતો. અને સાધ્વીએ ડિસોઝાને ફોન કર્યો. યાકુબખાન અત્યારે એક પછી એક સીડીના પગથિયા ઝડપથી ચઢી રહ્યો હતો. જો તે સાધુને મળે તો તે આ ગેમ જીતી રહ્યો હતો અને જો પ્રતાપનું ભાગ્ય જોર કરતુ હોય તો પોતે સાપના મોં તરફ આગળ વધી રહ્યો હતો.
“જી મેમ ડિસોઝા... ફાધર કા ઓર્ડર થા. પેશન્ટ કો અમદાવાદ લે કે જા રહે હૈ. ડો. સુબ્રમણ્યમ કો દિખાને.”
સાધ્વી બધું જ સમજી ગઈ. પ્લાન બી એપ્લાય થયો હતો.
યાકુબ બધું તો ન સમજ્યો પણ સાધ્વી કશુંક સમજી ગઈ એવું એને જરૂર લાગ્યું. ત્યાં સાધ્વીએ આદેશ આપ્યો. “આપણે અત્યારે જ અમદાવાદ જવું પડશે.”
“પણ પેલો સંજીવ?” યાકુબને સંજીવની ચિંતા થતી હતી.
“વો ઉસે ઉધર હી લે ગયે હૈ, એમ્બ્યુલન્સમેં...” અને થોડી જ ક્ષણોમાં યાકુબની કાર ધૂળ ઉડાડતી આશ્રમમાંથી બહાર નીકળી. તેની પાછળ જ આલોક, માલતી અને મંથનની કાર થોડું અંતર રાખી દોડી રહી હતી. યાકુબ વંશ પરંપરા માટે દોડી રહ્યો હતો.
આલોકને કોઈ સનસનીખેજ સ્ટોરી દેખાઈ રહી હતી.
મંથન લંબાઈ રહેલા ગોલ્ડન સમયમાં માલતીને ખુશ કરવા દોડી રહ્યો હતો.
માલતી સંજીવના જીવનની રક્ષા પ્રાર્થતી રડી રહી હતી.
એક સાધ્વીને જ કૈંક જુદું દેખાતું હતું.
=================