Sap Sidi - 12 in Gujarati Fiction Stories by Kamlesh K Joshi books and stories PDF | સાપ સીડી - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સાપ સીડી - 12

પ્રકરણ ૧૨
તૂને કાહે કો દુનિયા બનાઈ...


પીઢ રાજકારણી હોવા છતાં શંભુકાકા આજ ભારે મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા. ગઈ કાલનો પોતાનો રતનપરનો અનુભવ તેમને ચૂંથી રહ્યો હતો.
સંજીવ સુબોધભાઈ જોશીનું રતનપરમાં આગમન થયું છે એવા સમાચાર રતનપરના સરપંચ વનરાજસિંહ બાપુએ આપ્યા ત્યારથી શંભુકાકા વિચારોના મહાસાગરમાં ગરકાવ થઇ ગયા હતા. પોતાની વહાલી ભત્રીજી માલતી, અત્યારે રાજસ્થાનમાં જેની શોધમાં ફાંફાં મારી રહી છે એ સંજીવ, અહીં રતનપરમાં હતો. પહેલા તો એમને થયું કે માલતીને તુરંત જાણ કરી દઉં. પછી એમનું શાણું દિમાગ ઝબક્યું. શું સાત વર્ષ બાદ, સંજીવ એ જ સંજીવ હશે જેને માલતી શોધી રહી છે? પહેલા એ તપાસવું જરૂરી હતું. બીજી બાજુ, સુબોધભાઈ એમની પાર્ટીના પૂર્વ અધ્યક્ષ હતા. છેલ્લા પાંચ વર્ષથી વિપક્ષમાં બેઠેલી પોતાની પાર્ટીને ફરીથી એ જ ઈમાનદારી સાથે સજીવ કરવી હોય તો સંજીવ એક ઉમદા તક હતો.
“કાકા.... આપ વડીલ છો...” ગઈકાલે સાંજે રતનપરના પાર્ટી કાર્યાલયમાં સંજીવ સાથે પોતે અને વનરાજસિંહબાપુ.. બેએક જુના કાર્યકરો સાથે બેઠા ત્યારે સંજીવે કહેલા શબ્દો, હજુયે શંભુકાકાના દિમાગને ચૂંથી રહ્યા હતા. એની આંખ, એનો હાવભાવ, એનો અવાજ, એકદમ અલગ હતા. “રાજકારણના ક્ષેત્રમાં હું કંઈ જ નથી. આમ છતાં... હું કહીશ કે મને રાજકારણમાં આવવામાં કશો વાંધો નથી.” બે ઘડી સૌ ઉત્તેજીત થઇ ગયા હતા. આજેય સુબોધભાઈ જોશી કે જેમણે સરસ્વતી ડેમ બનાવી આખા પંથકની પાણી સમસ્યા હલ કરી નાખી હતી, તેમના માટે આખા પંથકને બહુ માન હતું. સંજીવ રાજકારણમાં આવી, સુબોધભાઈની જગ્યા લઇ લે તો સત્તા પક્ષ વાળા ગાંધીસાહેબનું સિંહાસન ડોલી જાય, છેક ગાંધીનગર બેઠેલા એમના આકા નાનાસાહેબ પણ ભીંસમાં આવી જાય. પણ ત્યાં સંજીવના આગળના શબ્દો કાને પડ્યા. “પણ તમે લોકો જે કરી રહ્યા છો, શું એ રાજકારણ છે? વિપક્ષમાં રહી, આપણે આપણા ગામ-તાલુકા-જીલ્લા કે રાજ્યની સુખાકારી માટે કાર્યરત રહેવાનું છે, લડવાનું નથી. સત્તાપક્ષ દ્વારા અપાતા બધા જ કાર્યક્રમનો વિરોધ શા માટે? સિંહાસન માટે? સત્તા માટે? જો એ માટે જ હોય તો, જનતાની સેવાના મૂળ હેતુ ક્યાં ગયા? રાજકારણના નામે આપણે હિમ્મતવાળા, બોલકા, તર્ક-કુતર્ક કરવામાં માહેર લોકો ભયંકર ગુમરાહીના કાદવમાં ખૂંપી ગયા છીએ.” કહી સહેજ અટકી એણે કહ્યું. “માફ કરજો.. મારી દૃષ્ટિએ આપણી હોંશિયારી, ચાલાકી કે વાકચાતુર્ય શાસક પક્ષને હેરાન-પરેશાન કરવા માટે, પછાડી દેવા માટે નથી, પણ લોકોને સુખ, શાંતિ, સમાધાન આપવા માટે છે. લોકોને ઉશ્કેરવા, લડાવવા, ડરાવવા માટે નથી, સમજાવવા, વિકસાવવા અને સમૃદ્ધ કરવા માટે છે. શું આપણી આખી પાર્ટી રાજકારણનો આવો અર્થ કરવા સહમત થશે?”
અને કાર્યાલયમાં કેટલીયે ક્ષણો સુધી શાંતિ છવાઈ ગઈ હતી.
કશુંક વિચારી સંજીવ જ આગળ બોલ્યો “મારી વાત કડવી લાગી હોય તો માફ કરજો કાકા..! પણ રાજકારણીનો સફેદ લિબાસ પહેરી અત્યારે આપણે જે કરી રહ્યા છીએ, એ જૂના સમયમાં લૂંટારા, ડાકુઓ અને ચોર કરતા. હું તમને પૂછું છું, દિલ પર હાથ રાખી જવાબ આપજો, ખરેખર.. કેટલા રાજકારણીઓ જનતાની સેવા કરવા, જનતાના ખરા પ્રશ્નોના ઉકેલ લાવવા ખરા મનથી પ્રયત્ન કરી રહ્યા છે? અરે.. આખી વિધાનસભાઓ, સાંસદો તો જવા દો, હું વિવેક સાથે પૂછું છું.. અહીં બેઠેલા આપણા ચાર જણામાંથી કેટલા છે એવા? આપણી પાર્ટીમાં રતનપર, જામનગરમાં એવા કેટલા છે?”
“સંજીવભાઈ...” વચ્ચે જ વનરાજસિંહબાપુનો કડક અવાજ સાંભળી, સૌએ તેમની સામે જોયું. “હવે થોડું વધુ પડતું બોલી રહ્યા છો તમે.” એમના અવાજમાં ગુસ્સો પણ હતો. “તમારે રાજકારણમાં ન આવવું હોય તો ન આવો, આ શંભુકાકાની રાહબરી નીચે અમે આજ નહિ તો આવતીકાલે, ગુજરાતની ગાદી મેળવી જ લઈશું.” કડવાશ હતી વનરાજસિંહના અવાજ અને શબ્દોમાં. પણ સંજીવના કડવા વેણથી તેઓ ઘવાયા હતા. એમણે આગળ કહ્યું. “તમે શું છો રાજકારણ ની દુનિયામાં? કંઈ જ નહિ. આ તો તમારા પિતા સુબોધભાઈની શાખ, પાર્ટીને કામ આવે એ હેતુથી અમે તમને પાર્ટી જોઈન કરવાનો આગ્રહ કર્યો અને બહુ મોટું પદ તમને ઓફર કર્યું. બાકી પાર્ટીમાં કાર્યકરોનો તોટો નથી.”
કાર્યાલયમાં એ.સી. ચાલુ હોવા છતાં ગરમી વર્તાવા લાગી. શંભુકાકાએ સંજીવ સામે જોયું. કાકાને હતું કે સંજીવના ચહેરા પર અણગમો હશે, પરંતુ એના ચહેરા પર શાંતિ હતી. થોડી મુસ્કુરાહટ પણ હતી. વનરાજસિંહને પણ થયું કે થોડું વધુ કહેવાઈ ગયું. અત્યારના સંજોગોમાં સંજીવ બહુ મોટું શસ્ત્ર પાર્ટી માટે બની શકે તેમ હતો એટલે શંભુકાકાએ થોડા નરમ અવાજે કહ્યું. “સંજીવ..! અમે પરાણે તને રાજકારણમાં ઘસડવા નથી માંગતા. નિર્ણય તારે કરવાનો છે.”
“બાપુની વાત સાચી છે.” વનરાજસિંહની બાજુમાં બેઠેલા શેઠ ધનરાજ બોલ્યા. “સંજીવભાઈ..! આજકાલના રાજકારણમાં આવું જ ચાલે છે. પ્રજાનું ભલુંય કરવાનું અને પોતાનું ખીસ્સુંય ભરવાનું. તમને ખબર નથી, સામેવાળી પાર્ટી બેફામ લૂંટ ચલાવે છે. તમારા પિતાએ સરસ્વતી ડેમમાંથી એક રૂપિયો પણ ન ખાધો એ વાત સાચી, પણ ઘરના પૈસા ખર્ચીને ક્યાં સુધી લડાય? માફ કરજો.. આપણે જે કાર્યાલયમાં બેઠા છીએ, એ વનરાજસિંહ બાપુએ પાર્ટીને દાન આપેલી એમની જૂની ઓફીસ છે. જામનગરમાં અમારા શેઠિયાઓ પાસેથી ભંડોળ ઊભું કરીને સભામંડપ, ખુરશીઓના પૈસા કાઢીએ છીએ. હવે આ પૈસાનું કૈંક વળતર તો મળવું જોઈએ કે નહીં? સેવાની સેવા અને વળતરનું વળતર. તો જ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરે.” કહી ઘનરાજ શેઠે શંભુકાકા સામે જોઈ પૂછ્યું. “બરોબર ને કાકા?”
“જો સંજીવ...” શંભુકાકાએ શેઠને જવાબ આપવાનું ટાળી સંજીવને સમજાવતા કહ્યું. “તું તારી રીતે વિચાર કરી લે. પાર્ટીના દ્વાર તારા માટે હંમેશા ખુલ્લા છે અને રહેશે.”
“કાકા... મને વનરાજકાકા કે ધનરાજકાકાનું જરાય કડવું નથી લાગ્યું. ઊલટું મને ગમ્યું કે તેઓ માને છે કે રાજકારણ એટલે એક પ્રકારનો બિઝનેસ. બેસ્ટ રીટર્ન આપતું ઇન્વેસ્ટમેન્ટ. અને એ જ તો કારણ છે કે દેશની આમ જનતા રાજકારણને ગંદુ, કીચડ, ગટર જેવા શબ્દોથી ઓળખે છે. કેમ કે લૂંટ, ધંધો અને છેતરપીંડીથી ખદબદતી આ પ્રવૃત્તિ રાજકારણ નથી. માત્ર રાજકારણના નામે ઓળખાય છે. સામાન્ય માણસ, નોકરિયાત, ફેરિયો કે નાનો દુકાનદાર, સાચું અને સેવાનું રાજકારણ તો ખુશીથી કરવા તૈયાર છે. ગામ, જીલ્લા, રાજ્યની સુખાકારી માટે સામાન્ય સમાજ તૈયાર છે, તત્પર છે, બેચેન છે, પણ આપણે.. ગુંડાઓ, લૂંટારાઓ, દાદાગીરી કરનારાઓ, એ કરોડો લોકોના સાચા રાજકારણને હાઇજેક કરી, આપણી ગંદકીઓ ફેલાવી રહ્યા છીએ અને અફસોસ એ વાતનો છે કે કોઈ આપણા ગંદા રાજકારણને ખોટું કહેવાની હિમ્મત, સાહસ ન કરી શકે એટલી તાકાત, બુદ્ધિ અને જડબેસલાક વ્યવસ્થા પણ આપણે કરી રાખી છે. મારે અને મારા જેવા કરોડો ભારતીયોને રાજકારણ કરવું છે. પણ તમે લોકો, અત્યારના નેતાઓ રાજકારણના નામે જે ગંદકી કરી રહ્યા છો એ નહીં, અસ્સલ રાજકારણ, સાચી સેવા, શુદ્ધ નેતૃત્વ કરવું છે. પૈસા કમાવા અમે મજૂરી કરી લઈશું, ધંધો-રોજગાર કરી લઈશું પણ રાજકારણમાં તો અમારે સેવા કરવી છે. માત્ર અને માત્ર સેવા. જે ગાંધીજીએ કરી, જે અબ્દુલ કલામે કરી. અને માફ કરજો તમારા રાજકારણીઓ કરતા આ સેવાકારણીઓની દેશને વધુ જરૂર છે. અને એટલે જ મેં રાજકારણમાં આવવાની ના નથી પાડી. મારું રાજકારણ “સેવા-કારણ” છે. અને હું અને મારા જેવા કરોડો ભારતીય યુવાનો, આવા રાજકારણને ઝંખે છે. માટે કાકા..! નિર્ણય તમારે લેવાનો છે. હું તૈયાર જ છું. પણ સેવા-કારણ માટે. ગંદકી કે લૂંટ માટે નહીં. હિમ્મત હોય તો તમે લોકો પણ જે વાત આ ચાર દીવાલ વચ્ચે કરી, એ વાત જાહેર જનતા સામે કરી જોજો, કે તમે ઇન્વેસ્ટમેન્ટનું વળતર મેળવવા રાજકારણ કરો છો. તમારો હિમ્મતવાન અને શક્તિશાળી હોવાનો ભ્રમ ભાંગી જશે. બોલી પણ નહીં શકો. તમારે સેવા કરવી છે એવું જુઠ્ઠાણું જ જનતા સમક્ષ જિંદગીભર કહેવાનું છે.”
કયાંય સુધી કાર્યાલયમાં ચુપકીદી વ્યાપી ગઈ. વનરાજસિંહ અને ધનરાજભાઈએ વિદાય લીધી પછીયે, શંભુકાકા અને સંજીવ બેસી રહ્યા. શંભુકાકાએ કદી એક પૈસાનોય ભ્રષ્ટાચાર કર્યો ન હતો, એ વાત સાચી, પણ એમણે વનરાજસિંહ અને ધનરાજભાઈની કેટલીક પ્રવૃતિઓથી આંખ આડા કાન કર્યા હતા, એ વાતનો રંજ એમના ચહેરા પર સાફ દેખાતો હતો. પણ એમણે સંજીવને જુદો જ પ્રશ્ન પૂછ્યો.
“સંજીવ.. બેટા.. તું ઘણો બદલાઈ ગયો છે. છોડ રાજકારણ અને ક્યાં હતો તું આટલા દિવસ?”
“કાકા...! તમે સાચું કહ્યું હું બદલાઈ ગયો છું. એક બહુ મોટો બદલાવ મારામાં આવ્યો છે અને એ છે નિર્ભયતા. બાકી... હું પહેલા પણ આજ વિચારનો હતો. મારા પિતાએ પણ આ જ વિચારો મને વારસામાં આપ્યા છે. રહી વાત હું ક્યાં હતો? એ વિષે મારે કાકા ઘણી વાતો આપની સાથે કરવી છે પણ એ યોગ્ય સમયે કરીશ. અત્યારે મને રજા આપશો? અને મારા વિચારોથી જો કોઈનું મન દુભાયું હોય તો માફ કરશો.”
અચાનક થયેલા અવાજથી શંભુકાકાની તંદ્રા તૂટી. સામે મનુ ચાનો કપ લઇ ઉભો હતો. એના ચહેરા પરથી સાફ દેખાતું હતું કે એ કૈંક કહેવા માંગતો હતો. કપ લેતા શંભુકાકાએ પૂછ્યું. “બોલ જાસુસ, શું સમાચાર છે?”
તરત જ દબાતા આવજે મનુએ બ્રેકીંગ ન્યુઝ આપ્યા. “રતનપરના કાર્યાલયમાંથી બહાર નીકળ્યા બાદ ધનરાજશેઠ અને વનરાજસિંહ બંને શેઠના બંગલે ગયા. ત્યાંથી એકાદ કલાક બાદ છુટા પડ્યા. ગઈ કાલે ગાંધીસાહેબ પણ રતનપરમાં હતા. એમને મળવા એક તો પેલા જ્યોતિષ બહેન શારદાબહેન ગયા હતા. આજે સવારે એમનો ડાબો હાથ ગૌતમ, આપણા વનરાજસિંહના સરસ્વતી ડેમ પાસેના ફાર્મ હાઉસે પહોંચ્યો હતો. જ્યાં ધનરાજશેઠ પણ પહોંચ્યા હતા.”
શંભુકાકા ચાના એક-એક ઘૂંટડે બેઈમાની, સ્વાર્થ અને દગાબાજીના આ ખેલને બળતા હૃદયે સાંભળી રહ્યા. સંજીવના શબ્દો હજુ એમના કાનમાં ગૂંજતા હતા. આજનું રાજકારણ એ સેવાકારણ નથી જ. કેવળ લૂંટ , જૂઠ અને ગંદકી જ છે.
=========