પ્રકરણ ૮
જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપિ ગરીયસી
બુમ સાંભળી શારદાબહેન રસોડામાંથી બહાર આવ્યા. તો સામે સરપંચનો દીકરો કાનો ઉભો હતો. “બા ઝટ હાલો.. ગૌરીબા ન્યાં બાપુ બોલાવે છે.” હજુ શારદાબહેન કાંઈ સમજે એ પહેલા તો કાનો ભાગી ગયો. પણ એના અવાજ પરથી શારદાબહેન સમજી ગયા કે કૈંક ન બનવાનું બની ગયું છે. “હે મા અન્નપુર્ણા, સૌનું ભલું કરજો.” પોતાનો રોજનો મંત્ર બોલતા શારદાબહેને ઝડપથી લોટવાળા હાથ ધોયા પણ મનમાં ઉચાટ વ્યાપી ગયો હતો.
“પણ શારદાબહેન તમે તો કહ્યું હતું કે મારો સંજીવ નસીબદાર છે દૈવી આત્મા છે.” રતનપરના અન્નપુર્ણા મંદિરના પૂજારી રતિલાલ ગોરના પત્ની શારદાબહેનના કાનમાં હજુ આ શબ્દો ગૂંજતા હતા. હજુ ગઈ કાલે જ ખિન્ન અવાજે ગૌરીબહેને આંખમાં આંસુ સાથે આ શબ્દો ઉચ્ચાર્યા હતા. રાહુની નડતર દૂર થાય તે માટે પોતે જ એને રાહુ મંત્ર આપ્યો હતો. એકવીસ દિવસમાં દીકરાના કૈંક સમાચાર મળશે એવી ધરપત આપી હતી. એ વાતને ત્રણ-ત્રણ મહિના વીતી ગયા હતા. અઠવાડિયે એકવાર તો ગૌરીબહેન શારદાબા આગળ આવીને દીકરાની વાત ઉખેડતાં જ.
શારદાબહેન જ્યોતિષના પ્રખર જાણકાર. આખા પંથકમાં એમનું મોટું નામ. શારદાબહેન એક પણ પૈસો લીધા વિના જ્યોતિષ જોઈ આપતા. કોઈ બહુ આગ્રહ કરે તો ગાયને લીલું નાખવાની કે અન્ય જગ્યાએ દાન કરવાની સલાહ આપી પીછો છોડાવતા. ગૌરીબહેન એટલે એક સમયના મોટા ગજાના રાજકારણી સુબોધભાઈના ધર્મ પત્ની. અત્યારે તો સુબોધભાઈ પણ પથારીવશ હતા. પેરેલીસીસને લીધે તેઓ પરવશ હતા. ગૌરીબહેન પણ પુત્ર ગુમાવ્યાના આઘાતમાં અર્ધપાગલ બની ગયા હતા.
હા.. પોતે જ ગૌરીબહેનને કહ્યું હતું કે સંજીવની કુંડલી મુજબ એ દૈવી આત્મા છે.. ભાગ્યશાળી છે.... અને પોતે ખોટું ક્યાં કહ્યું હતું.. સાચું જ તો હતું. પણ ગૌરીબેહેનને અધૂરું જ યાદ હતું. પોતે ખાસ કહ્યું હતું કે સંજીવની જિંદગી સાપ-સીડી જેવી છે. ટોચ પર પહોંચશે પછી ગબડી ને સાવ નીચે, તળીયે અને ફરી પાછો ઉપર....બસ.. આમ ઉપર નીચે ચાલ્યા જ કરશે. જીવનના પાંત્રીસ વર્ષ બાદ કૈંક જુદું બનશે. કૈંક અનોખું. જો એના વર્તમાન કર્મો સારા રહ્યા તો એને ઈશ્વરીય શક્તિનો સ્પર્શ મળશે અને જો કર્મો ખરાબ રહ્યા તો એનું કમોત.
પણ ગૌરીબહેન, એક મા, દીકરાના કમોતની વાત થોડી યાદ રાખી શકે? ગઈકાલે ગૌરીબહેન આવ્યા ત્યારે પોતે ફરી વખત સંજીવની કુંડલી જોઈ હતી. સાત વર્ષથી એ લાપતા હતો. રહસ્યમય રીતે ગાયબ. રાજકારણી પિતાના દુશ્મનોનું કાવતરું હશે? કે એ પોતે જ ક્યાંક સંડોવાયો હશે? બિચારા ગૌરીબહેન તો કશું જ જાણતા નહોતા.
સાત વર્ષ પહેલા થોડી મગજમારી થઇ હતી. પતિ સાથે ગૌરીબહેન રતનપર આવ્યા હતા. પતિ અચાનક શહેર ગયા હતા. પછી ગૌરીબહેન પણ ગયા. પુત્ર સંજીવ એકાદ અઠવાડિયું ચિંતા માં રહ્યો અને ગાયબ.. બસ આટલી ખબર હતી ગૌરીબહેન ને.
“હેં શારદાબેન... મારી કુંડલી જુઓ ને.. એમાં મારા દીકરાનું કાંઈ લખ્યું છે?” ગૌરીબહેને કાલે પોતાની કુંડલી પણ બતાવી હતી. શારદાબહેનને ભોળી માની કરુણતા પર દયા આવી હતી, પણ ગૌરીબહેનની કુંડલી જોતા એમને આશ્ચર્ય થયું હતું. ગૌરીબહેનની આયુષ્યરેખા તો ક્યારની પૂરી થઇ ગઈ હતી. ફેરવી-ફેરવીને શારદાબહેને આંકડા લખ્યા.. પણ આ શું ? એક ન માની શકાય એવી ઘટના હતી. ગૌરીબહેનનું તો આયુષ્ય ત્રણ મહિના પહેલા જ...
અને શારદાબહેન લાકડીના ટેકે-ટેકે ડંકીવાળી શેરીમાં પ્રવેશ્યા તો ગૌરીબહેનની ડેલી બહાર માણસો ઊભા હતા. શારદાબહેનને ફાળ પડી. કયાંક ગૌરીબહેન...? ”આ આવ્યા શારદા માસી...” અવાજ કાને પડતા શારદાબહેન જાગૃત થયા. ગામમાં શારદાબહેનનું સારું માન. એમને ડેલીમાં જવાની જગા આપતા સૌ આઘા પાછા થયા. ડેલીમાંથી શારદાબહેને અંદર જોયું તો..
સામે ઢાળેલા ખાટલા પર સોહામણો, તેજસ્વી યુવાન બેઠો છે. બાજુમાં હરખાતા-રડતા ગૌરીબહેન. બીજા ખાટલે પથારીમાં મલકતાં સુબોધભાઈ અને તેમની સામેની ખુરશીઓમાં સરપંચ વનરાજસિંહ બાપુ અને બે ત્રણ અગ્રણીઓ.
“એ શારદા..બહેન.. આવો... આવો.. મારો સંજીવ આવી ગયો.” કહેતા ગૌરીબહેન ઊભા થઇ ગયા. અને શારદાબહેનને પગે લાગ્યા. શારદાબહેને તેને બાથમાં લીધા અને એમની આંખ પણ ભીની થઇ ગઈ. સંજીવ જયારે શારદાબહેનને પગે લાગ્યો ત્યારે તેના કપાળના મધ્યભાગની ચમક જોઈ શારદાબહેનથી પોતાના હાથ આપોઆપ જોડાઈ ગયા. એ દ્રશ્ય ત્યાં ઉપસ્થિત તમામને આશ્ચર્યજનક લાગ્યું.
શારદાબહેને મનોમન પોતાના ગુરુ નથ્થુરામ દાદા ને પ્રણામ કર્યા. પોતાની ભવિષ્યવાણી ફરી એકવાર સાચી ઠરી એનો એમને આનંદ થયો. પણ ત્યાં જ શારદાબહેનનો મોબાઈલ રણક્યો. તેમણે જોયું કે ગાંધીસાહેબના સેક્રેટરીનો નંબર હતો. એટલે જરા ખચકાટ સાથે તેઓએ મોબાઈલ કાને માંડ્યો. “જય શ્રી કૃષ્ણ... માસીબા... ગાંધીસાહેબનો પી.એ. ગૌતમ બોલું છું. આપ આજ બપોર પછી જામનગર આવી શકશો?”
ગાંધીસાહેબ એટલે નરોતમ ગાંધી, રાજકારણમાં બહુ મોટું માથું. રતનપરથી તેમના બાપ-દાદાએ રાજકારણમાં ઝંપલાવ્યું અને નરોતમ ગાંધી સાહેબે અત્યારે ગુજરાત સુધી પોતાનું નામ ગજવ્યું. એવા મોટા ગજાના માણસ ગાંધી સાહેબ. જ્યોતિષ વિષે ઘણી વાર શારદાબહેનની સલાહ લેતા. તેઓ રતનપર આવતા ત્યારે. દસ બાર ગાડી, પોલીસ પહેરા બધું આવતું, એટલે શારદાબહેને જ એમને કહ્યું હતું કે જ્યોતિષ અંગે પોતે જ જામનગર મળી જશે. એ પછી બે ચાર વખત શારદાબહેન અને રતિલાલ મા’રાજ જામનગર જઈ આવ્યા હતા.
“આજ તો.. થોડી વ્યસ્ત છું. જો આપ કહો તો કાલે સવારમાં ગોઠવીએ.”
“ચોક્ક્સ માસીબા... સાહેબ આજ ગાંધીનગરથી આવ્યા જ છે. એમને આજ અથવા કાલ સવારનું જ કહ્યું હતું. જોકે ... કાલ સાંજે તો સાહેબ પોતે જ રતનપર આવી રહ્યા છે એટલે એમ કરીએ.. આપણે કાલે રતનપર જ સાહેબના બંગલે મળીએ. ગાંધી પેલેસ. હું ગાડી મોકલાવીશ. સાહેબ પાંચેક વાગ્યે ગાંધીપેલેસમાં હાજર હશે. તમને લેવા ગાડી ક્યારે મોકલું?” મીઠડો.. પી.એ. બહુ ઝડપી આયોજન કરતો હતો.. આમ તો શારદા બહેનને કઈ ખાસ કામ ન હતું. મંદિરની આરતી અને આ સંજીવનાં આગમન વિષે થોડી ઘણી વાતો હતી..
“ભલે એમ કરીએ.. સાંજે સાહેબ આવી જાય એ પછી મોકલી દો.” ગાડી વિષે ના પાડવાનો સવાલ જ ન હતો. આ બાબતે ગાંધીસાહેબે, શારદાબહેનને ચોખ્ખું કહ્યું હતું કે એક તો તમે જ્યોતિષ જોવાના પૈસા ન લો અને ઉપરથી આવવા જવાના ખર્ચા પણ કરો, એ ક્યાંથી ચાલે...? એટલે ગાડી તેડવા મૂકવા ચોક્કસથી જ આવશે.
“ભલે બા.. તો હું સવા પાંચે જ ગાડી મોકલીશ.” કહી પી.એ. ગૌતમે ફોન કટ કર્યો.
=============