કપિલ કથાનક
“એ જાણવા માટે ફરી આપણા બેમાંથી કોઈએ યજ્ઞને પૂછવું પડશે.” મેં કહ્યું.
“પણ આ તરફ વિવેક.....” નયના બોલી. તેને વિવેક અને વૈશાલીની ફિકર થતી હતી. કારણ ત્રણ દિવસથી અમે યજ્ઞ જોવામાં સમય વિતાવ્યો ત્યાં સુધી વિવેક સાથે શું થયું હશે વૈશાલી સાથે શું થયું હશે તેની કોઈ ખબર અમને નહોતી.
“વિવેક તેનો રસ્તો કરી લેશે નયના...” સોમર અંકલે અમને સાંત્વના આપી, “અત્યારે આપણે સ્વસ્તિક નક્ષત્રની શું અસર થશે એ જાણવા એ જન્મમાં શું થયું એ જાણવું જરૂરી છે.”
મેં હકારમાં માથું હલાવ્યું અને આંખો બંધ કરી...
*
જીદગાશા એના ઘોડાને ઈંગ્લીશ કેન્ટોનમેન્ટ તરફ દોડાવી રહ્યો હતો. એના પ્રભવાશાળી ચહેરા પર કોઈ ભાવ દેખાતા ન હતા. એને એક નજરે જોતા કોઈ કહી ન શકે કે એ રાજસેવક હતો. જોકે નાગપુર રાજવંશ એની સાથે ક્યારેય સેવક જેમ વર્ત્યો ન હતો. એને અને એના પિતા પરાસરને સિપાહી કરતા પણ વધુ મોભો આપવામાં આવતો હતો. એમના માટે રાજ રક્ષક જેવું માનવંતુ સંબોધન વપરાતું હતું.
એ રાજના એક એવા કામ માટે જઈ રહ્યો હતો જે કામ કદાચ કોઈ સેવકને કયારેય સોપવામાં ન આવે. સામાન્ય સેવક પર કેટલો વિશ્વાસ કરી શકાય? કોણ મૂકી શકે?
પણ એ પ્રશ્નો નાગપુરમાં ન હતા. જીદગાશા એ કામ માટે જઈ રહ્યો હતો જે નાયક કે સેનાનાયક કક્ષાના અધિકારી માટે પણ ગુપ્ત હતું. એ કામ જે સેનાપતિ કે રાજ ગુપ્તચરને જ સોપી શકાય. એ ઈંગ્લીશ કેન્ટોનમેન્ટમા ઘાયલ રાજકુમારના સમાચાર દેવા જઈ રહ્યો હતો. એક ભ્રામક સામચાર જે એક લોહિયાળ ખેલની શરૂઆત હતી.
સુનયનાએ અંગ્રેજ પ્રતિનિધિ મેકલનું માથું વાઢી નાખતા જ થ્રોન હોલમાં એક ગજબ સન્નાટો છવાઈ ગયો હતો. પરાસર જેવા રાજસેવકની છાતી સવા હાથ ફુલાઈ ગઈ હતી. પરાસરની ડાબે ઉભેલા બે રાજ સિપાહી જેમના ચહેરા પર સત્યજીત માટે લાગણીની રેખાઓ હતી એમના ચહેરા પર ખુશીનું મોજું ફરી વળ્યું હતું, પણ...
પણ વિશ્વાસઘાત અને દગો આ શબ્દ માનવ ઈતિહાસ સાથે જોડાયેલા છે. કદાચ માનવે સમજશક્તિ કેળવી એ સાથે જ એ બે લક્ષણો એનામાં કેળવાઈ ગયા હતા. જોકે પરાસર જેવા કેટલાય સ્વામીભક્ત સેવકો હતા જે રાજ પરિવાર માટે એક પળમાં માથું ઉતારી આપવા તૈયાર હતા. હિન્દની ભૂમિ પર બલિદાન તો ક્યા ઓછું પડ્યું જ છે?
કેટલાય લોકોએ પોતાના જીવ યા હોમ કરીને હોમી દીધા હતા. કેટલીય વીરાંગનાઓ ચંડી બની રણક્ષેત્રમાં દુર્ગા સ્વરૂપ બતાવી ચુકી હતી. અરે જે ચંડી ન બની શકે એમ હોય એ જરૂર પડતા રાજવંશ બચાવવા પોતાના બાળકોનો ભોગ આપતા પણ ક્યા ખચકાઈ હતી? તો પછી કેમ?
કેમ એ હિન્દ મુઠ્ઠીભર ગોરાઓની ગુલામીની ઝંઝીરમાં કેદ હતું? મેક્લના ધડ પાસે ઉભેલા ગોરા સિપાહીઓ એ માટે જવાબદાર ન હતા, એ માટે જવાબદાર હતા હિન્દી સિપાહીઓ જે ચાર સિક્કાની લાલચમાં નમક હરામી કરવા તૈયાર હતા. એ માટે જવાબદાર હતા એ સામંતો જે ક્યારેય સાચા રાજવી હતા જ નહિ. અંગ્રેજોએ ટુકડા જમીનના જાગીરદારને પણ લોકોના માથા વિના કારણે ઉતારી દેવાની સત્તા સોપી દીધી હતી.
એ માટે જવાબદાર હતા એ બની બેઠેલા શુરવીરો જેમના હાથમાં એક તલવાર અને રાંગ નીચે ઘોડી આવી જતા પોતાની જાતને શુરા સમજવા લાગતા હતા. એ માટે જવાબદાર હતા એ નપુંસક જાગીરદારો જે ગરીબ ખેડૂતોની બહેન દીકરીઓ પર પોતાની હવસની ભૂખ મીટાવતા હતા અને અંગ્રેજ શાશન એમના દરેક પાપ પર પડદો પાડી દેતું.
એ માટે જવાબદાર હતા એ લોકો જેમને માનવ કહી શકાય એમ ન હતા - અને દુખની વાત એ હતી કે આપણા દેશમાં એવા લોકોની કમી ન હતી - આજે પણ નથી.
એવા કમજાત લોકો ખેતરમાં ઉગી નીકળતા વધારાના નિંદણ જેમ ચારેકોર ઉગી નીકળ્યા હતા. ન એમનામાં સ્વામી ભક્તિ હતી ન સ્વમાન હતું. ગોરાઓના તળવા ચાટી હું પદ મેળવવા તેઓ હમેશા આતુર રહેતા હતા. પણ એ દિવસે થ્રોનમાં ઉભેલા એ દગેબાજ હિંદીઓ ન ફાવ્યા, કે ન ત્યાં ઉભેલા ગોરાઓ ફાવ્યા.
“પરાસર..” સુનયના માત્ર એટલું જ બોલી.
બાકીનું બધું એની આંખો કહી ગઈ હોય એમ પરાસર ઉછળીને દ્વાર તરફ પહોચી ગયો જ્યાંથી છટકી એ ગદ્દારો મેકલના મોતનું મેકાણ કેન્ટોનમેન્ટ સુધી લઇ જવા માંગતા હતા. ગદ્દાર સિપાહીઓ તલવાર મ્યાન બહાર નીકાળે એ પહેલા પરાસરની તલવાર એમના અણહકનું ખાઈ માંતેલી બનેલી ગરદન વાઢી પાછી મ્યાનમાં પરોવાઈ ગઈ હતી.
ગોરા સિપાહીઓ હજુ હાથમાં રહેલી બંદુકમાં દારૂગોળો ઠોસવામા વ્યસ્ત હતા એમને અંદાજ પણ ન હતો કે પરાસર જેવા વૃદ્ધ સામે એ ત્રણ ત્રણ યુવાન સિપાહીઓ ઘડીના છઠ્ઠા ભાગ જેટલો સમય પણ નહી ટકી શકે. જો એમને પરાસરની શક્તિનો અંદાજ હોત તો એમણે દારૂગોળો ઠાંસવામાં સમય બરબાદ કરવાને બદલે તલવારો નીકાળી લીધી હોત.
પણ કદાચ તલવાર ન નીકાળી એ પણ એમના માટે સારું હતું. પરાસર હથિયાર વિનાના યોધ્ધા પર ક્યારેય તલવાર ન ચલાવતો. એણે હિન્દી સિપાહીઓના માથા પણ એમના હાથ તલવારના મ્યાનને અડક્યા એ પછી જ કાપ્યા હતા.
અને ગોરા ફોજીઓ પણ જે સમયે દારુગોળો ઠાંસી બંદૂકને અધ્ધર કરી ચુક્યા એ જ સમયે પરાસરની તલવાર ગોળ ફરી અને લાકડાના બટવાળી એ ત્રણેય બંદુકો કાપી એમના ગાળા પર લબરકો કરતી ગઈ. એ બધું ઘડીના છઠ્ઠા ભાગમાં બની ગયું.
પરાસર જેવો વૃદ્ધ પણ છ છ નવ લોહિયા સિપાહીઓને એકલા હાથે હણી શક્યો એનું કારણ હતું. નાગપુરનો અલગ ઈતિહાસ.
નાગપુર અર્વાચીન સમયમાં પણ પ્રાચીનતા ભૂલ્યું ન હતું. રાજસેવક વંશ યુદ્ધની એ કળામાં માહિર હતો જે પ્રાચીન ભારતીય દ્રંદ કળા હતી. હસતી વિદ્યા, અશ્વ વિદ્યાથી લઈને રાજ વિદ્યા અને આયુર્વિધા દરેક ચીજમાં નાગપુર પ્રાચીન વારસો જાળવતું આવ્યું હતું.
કદાચ નાગપુર પ્રાચીનતાને વરેલું હતું એટલે જ હજુ સુબાહુ જેવા વેદિક નામ રાજકુમારને અપાતા હતા. રાજ સેવકમા પણ પરાસર જેવા નામ એમની પ્રાચીનતા પ્રત્યેની અપાર લાગણી દર્શાવતો હતો. જોકે એ જ પ્રાચીનતા એમને નવીનતા બક્ષતી હતી. જે સમયે મોટા ભાગના રાજ અંગ્રેજ તાજ તળે આવી ગયા હતા એ જ સમયે પણ પ્રાચીન રાજનીતિ અને ચાણક્ય નીતિના અભ્યાસુ દિવાન અને દંડનાયક નાગપુરને ગોરાઓના લોખંડી સકંજામાંથી આબાદ રાખી શક્યા હતા.
અંગ્રેજોની કૂટનીતિ પણ નાગપુરને પોતાની નાગચૂડમાં લઇ શકી ન હતી એનું શ્રેય દિવાન ચિતરંજનને ફાળે જતું હતું. ચિતરંજન ચાણક્યનીતિનો પૂજક હતો. એણે સંકૃત શ્લોકો સાથે અંગ્રેજોની વિદેશી જબાન પણ શીખી લીધી હતી અને એક યા બીજા બહાને જયારે અંગ્રેજ તાજ નાગપુરને નાગ બની ડશવાનો પ્રયાસ કરતુ ચિતરંજન પોતાની વાકપટુતાથી એમના બેરીસ્ટરોને પણ માત આપી દેતો. નાગપુરને અખંડ રાખવું એકમાત્ર એના જીવનનું ધ્યેય હતું.
જીદગાશા જયારે કેન્ટોનમેન્ટના દરવાજે પહોચ્યો ત્યારે બંધ દરવાજાની પેલે પાર થતો શોર સંભળાઈ રહ્યો હતો. સંત્રીઓ પહેરા પર લાગેલા હતા પણ એમની આંખમાં ઊંઘ દેખાઈ રહી હતી.
“જીદગાશા...” સંત્રીઓ હિન્દી હતા, એ નાગપુરમાં જન્મ્યા અને ઉછર્યા હતા. તેઓ જીદગાશાને ઓળખાતા હતા, “આપ આ સમયે...?”
“રાજકુમાર સુબાહુ જંગલમાં રાત્રી શિકાર માટે નીકળ્યા હતા, એમના મિત્રો અને બે ચાર સિપાહીઓ સાથે નીકળેલ રાજકુમારને એક વાઘે ઘાયલ કરી દીધા છે. એ હુમલો કેન્ટોનમેન્ટ નજીક થયો છે માટે એમને તાતકાલીક સારવાર માટે અહી લાવવામાં આવી રહ્યા છે.” જીદગાશાએ ગભરાયેલા અવાજે કહ્યું.
“રાત્રે દરવાજા...”
“રાજ કુમારનું જીવન જોખમમાં છે..” જીદગાશાએ એને વચ્ચે જ રોકી નાખ્યો.
સંત્રી નક્કી ન કરી શક્યો કે શું કરવું. એણે એની બાજુમાં ઉભેલા બીજા વ્યક્તિ તરફ જોયું, “યુગસિહ, જનરલની પરવાનગી લઇ આવ..”
યુગ માથું હકારમાં ધુણાવી અંદર દોડ્યો. થોડાક સમયમાં એ પાછો આવ્યો, જીદગાશા ત્યા જ પથ્થરની મૂર્તિ જેમ ઉભો રહ્યો.
“દરવાજા ખોલી નાખો...”
“જનરલની પરવાનગી છે?”
“જનરલ હાજર નથી પણ એમના ખાસ જોહન કેનીગ સાહેબની મંજુરી મળી ગઈ છે.”
સંત્રી માટે એટલું બસ હતું. આમ પણ એ નાગપુર રાજ પરિવાર માટે વફાદારી તો ધરાવતા જ હતા બસ અંગ્રેજોની ધાક જરાક વધુ બેસી ગઈ હતી.
બંને સંત્રીઓએ બે બાજુના હેન્ડલ ફેરવી એ લોખંડી દરવાજા ખોલ્યા. જીદગાશા અંદર દાખલ થયો. એ મારતે ઘોડે કોન્ટોનમેન્ટની દાકતરી વિભાગ તરફની બિલ્ડીંગ તરફ ધસ્યો.
એ દાકતરી વિભાગની બિલ્ડીંગ પહોચી ઘોડા પરથી છલાંગ લગાવીને ઉતર્યો. દરવાજે ઉભેલા ગોરા સિપાહિઓએ એને આવકાર્યો, “જીદગાશા...”
અંગેજ સિપાહીઓ જીદાગાશાના વ્યક્તિત્વથી અંજાયેલા હતા. તેઓ એ બાપ બેટાને મહાન યોદ્ધા સમજી એમને માન આપતા અને જયારે તેઓ બીજા સિપાહીની બરોબરીમાં ન બેસતા એ જોઈ એ ગોરાઓને નવાઈ લાગતી. એક બે ગોરાઓએ તો એને પૂછેલું પણ ખરું કે આટલા યુદ્ધ કુશળ તમે સેવક જેવા સામાન્ય પદ પર કેમ? ત્યારે જીદગાશા હસીને ગર્વથી કહેતો એ તમને ન સમજાય, એ સમજવા રાજસેવક વંશમાં જન્મ લેવો પડે.
જીદગાશાએ એમને જંગલમાં જે બન્યું હતું એ બનાવટી વાત કહી અને એ લોકો દાકતરને ખબર આપવા દોડી ગયા. જીદગાશા બિલ્ડીંગના પાછળને ભાગેથી આવતા શોર તરફ ઘોડો દોડાવી ગયો. ત્યાનું દ્રશ્ય એના માટે કોઈ નવાઈ ઉપજાવનાર ન હતું.
એ જાણતો હતો ગોરાઓએ આગળની રાતે જ મદારી કબીલાનો ખેતાળો કાઢી નાખ્યો હતો એનો જ આજ રાત્રે જલસો ચાલી રહ્યો હતો. હિન્દી સિપાહીઓ માથા જુકાવી ઉભા હતા. સેવકોએ અંગ્રેજી ઘોડાઓ માટે બેલ્સ ઓફ હેની વ્યવસ્થા કરેલી હતી અને મોટા વાસણોમાં ઘોડા માટે ગરમ પાણીની પણ સગવડ કરેલી હતી.
વિદેશી નશ્લના એ ગોરાઓના ઘોડા પણ હિન્દમાં એમના માલિકો જેટલી જ મહતા મેળવી રહ્યા હતા. થોડેક દુર એક મદમસ્ત હાથી બાંધેલો હતો. એ ગોરાઓનું વલણ ન હતું. મોટા ભાગના ગોરા હાથીને જોઈને જ ભડકી ઉઠતા પણ કેનિંગ જરાક ગજબ માણસ હતો. એ પોતાની જાતને ઇસ્ટ ઇન્ડિયા કંપની તરફથી ધ જેક્લનો ખિતાબ મળ્યા પછી અજીત ચક્રવર્તી સમજવા લાગ્યો હોય એમ પાલતું હાથી રાખતો અને એની સવારી કરતો પણ એ દિવસે હાથી પાલતું જેવો દેખાયો નહી. એના પગ સાંકળોથી બાંધેલા હતા અને એ ગાંડોતુર થઇ એ સાંકળોમાથી છૂટવા મથી રહ્યો હતો. ભયાનક દર્દથી એ ચીંધાડતો હતો.
પણ એ સહેલું ન હતું. કેટલાય રાજાઓ, અરે હિન્દુસ્તાનની કરોડોનું સંખ્યાબળ ધરાવતી આમ જાનતા જે અંગ્રેજોની સાંકળથી છૂટી શકી ન હતી તો એ મદ-સભર હાથીનું શું ગજું હતું?
એ પાગલ બની જેમ વધુ ચીંધાડતો હતો એમ મહાવત એને અંકુશથી ઓર પીડા આપતો હતો. દુર લાકડાની રેસ્ટ ચેર પર આરામ ફરમાવતો કેનિંગ એ હાથીની પીડા જોઈ આનંદ અનુભવી રહ્યો હતો. એ ગોરાઓનો નિયમ હતો. એમને કોઈ પણ પ્રાણીને દયનીય હાલતમાં જોવાની મજા આવતી. એમનામાં ભયાનક શેડીસ્ટ પર્સનાલીટી હતી.
તેઓ એમના વિરોધીઓને પણ એ જ રીતે તડપાવતા. કદાચ એ એમને આત્મ સંતોષ પ્રદાન કરતુ હતું. ગોરા કેનિંગની આસપાસ ડેવિડ મેસી, મેથ્યુ બાર્લો, હિન્દી અને અંગ્રેજી સિપાહીઓની નાનકડી ટુકડી ખડી હતી. લગભગ ત્રીસેક જેટલા ગોરા અને દસ પંદર હિન્દી સિપાહીઓ એમની સામે ચાલતો જલસો જોઈ આનંદ ઉઠાવી રહ્યા હતા.
જીદગાશા જાણતો હતો કે એમનો એ જલશો હવે ઘડી બે ઘડીનો જ હતો, એક વાર રાજકુમાર ઘાયલ થયાને બહાને દરવાજા ખોલી જો રાજકુમારે પસંદ કરેલી એ દસ બાર ચુનંદા લડવૈયાઓની ટુકડીને અંદર ઘુસાડી શકાય તો એ ગોરાઓનો આ જલસો એમના જીવનનો છેલો જલસો બની જવાનો હતો.
તેણે દાંત ભીંસ્યા અને માથું ઝાટકી નાખ્યું.
અત્યારે એ જલસો જોઈ જીદગાશાની આંખોમાં લાય લાગી, એ ગોરા વિદેશીઓ એની માતૃભુમી પર પાપનો ખેલ ખેલી રહ્યા હતા. એની વીપ સ્વોર્ડ હજારો સિપાહીઓ વચ્ચે પણ કેનિંગનું માથું લઈ આવવા અધીરી બની પણ એને રાજ આદેશ ન મળે ત્યાં સુધી એ કોઈની તરફ આંખ ઉઠવી જોઈ પણ શકે એમ ન હતો.
જે ગરદનો એ કાપી નાખવા માંગતો હતો એની સામે જ એને ગરદન જુકાવી ઉભા રહેવું પડતું. એ પળે એના હૈયામાં લાવા સળગાવ્યો હતો, પણ આજે ત્યાં એક ઠંડક હતી એ જેની રાહ જન્મથી જોઈ રહ્યો હતો એ દિવસ આજે હતો. આજે એને એ ગરદનોને પોતાની તલવારનો પરચો બતાવવા મળવાનો હતો જેની રાહ એનું હૃદય બેચેન બની જોઈ રહ્યું હતું.
એણે ગોરાઓના એ જલશા પર એક આછકલી નજર ફેકી. સિપાહીઓ સુવાની તૈયારીમાં હતા અને એ બધાની વચ્ચે એક મોટું લાકડા ગોઠવી બનાવેલ કેમ્પ ફાયર જેવું તાપણું સળગતું હતું. મીજબાનીના ભૂખા ગોરા સિપાહીઓ ગાંડા બની દેશી તવાયફો અને વિદેશી વેશ્યાઓ સાથે અર્ધા નગ્ન નાચ નાચવામાં મશગુલ હતા. ગોરોમાંના કેટલાક સિગારના કશ લઇ રહ્યા હતા તો હિન્દી સિપાહીઓ ચિલમ એકબીજાને પાસ કરી રહ્યા હતા. ગાયકો મસ્ત બની ગાઈ રહ્યા હતા અને નાચનારી યુવતીઓ શરીર થાકીને જમીનદોસ્ત ન થાય ત્યાં સુધી નાચતા રહી કોઈક ગોરની આંખોમાં વશી એની મહેરબાની મેળવી લેવા મથતી હતી.
કેટલીક ગાયકીઓ અને તવાયફો કોઈ ગોરા અંગ્રેજની મહેરબાની મેળવી ચુકી હતી એ થોડેક દુર બનાવેલ તાડપત્રીના તંબુઓમાં એમને રીજાવવામાં વ્યસ્ત હતી. સત્તાના નશાથી છકેલા ગોરાઓમાં હાસ્યની છોળો ઉડી રહી હતી.
જીદગાશા જલસોમાં પ્રવેશ્યો એ જોઈ ખુશ થતા એક હિન્દી સિપાહીએ તાપણામાં ગઈ રાતનું વધેલ કેરોશીન હોમી દીધું અને તાપણામાં ભડકો વધ્યો. આગ પણ જાણે એ આસપાસ નાચ કરતા અર્ધ નગ્ન સ્ત્રી પુરુષોની ઈર્ષા થઇ આવી હોય એમ પવન સાથે આમ તેમ જુમતી ફલાર્ડ અપ થઇ. તાપણાના મોમાંથી શ્વાશને બદલે સળગતી રાખ બહાર ઓકાઈ.
એક ગોરા સિપાહીએ મોડી સાંજે જંગલમાંથી શિકાર કરીને લાવેલ સસલાને બાર્બેક્યુટ કરવાનું શરુ કર્યું અને એ સાથે જ હવામાં ભળેલી કેરોશીનની વાસ ગાયબ થઇ ગઈ અને એને બદલે હવામાં ચેટરડ મીટની વાસ ફેલાઈ.
જીદાગાશાની આંખો સામે એક પળ માટે મદારી કબીલા પર શું વીત્યું હશે એ દ્રશ્ય ઉપસી આવ્યું. ત્યાં પણ ઝુંપડા પહેલા કેરોશીનની વાસ સાથે સળગ્યાં હશે અને પછી એ વાશમાં નિર્દોષ મદારી સ્ત્રીઓ, મહિલાઓ અને વૃદ્ધો હોમાયા હશે અને આમ જ જાણે એ બધા કોઈ પીગલેટ હોય એમ ગોરાઓએ એમને પણ બાર્બેક્યુટ કરી નાખ્યા હશે.
એમને અત્યારની જેમ જલસો માનતા હોય એમ આનંદ ઉઠાવવા માટે રહેશી નાખ્યા હશે. જીદગાશાની આંખોમાં ખૂન તરી આવ્યું પણ એ વખત ગુસ્સાથી નહિ અકલથી કામ લેવાનો હતો. લેખા અને એનો પરિવાર કેન્ટોનમેન્ટની જેલમાં કેદ હતો એને છોડાવવા રાજકુમારના ઘાયલ થયાના સમાચાર ઉપજાવી કાઢી મધરાતે છટકું ગોઠવ્યું હતું અને એમાં જો પોતે લાગણીઓ કે ગુસ્સાને નિયંત્રણમા ન રાખી શકે તો બધું ચોપાટ થઇ જાય એમ હતું.
જીદાગાશા એ ગુસ્સાના ઘૂંટને ગળી ગયો - એક સેવક તરીકે એને એ ગળી જવાની પચાવી જવાની, હજમ કરી જવાની આવડત અને આદત બંને હતા.
તેણે આડોળે પડેલા એક બે સિપાહીઓને જગ્યા કરવા કહ્યું. તેઓ એક તરફ થઇ ગયા. બધા એક તરફ ભેગા થઇ એકબીજાના કાનમાં કુસર ફુસર કરવા લાગ્યા. જીદગાશા એ જલશોમા ભાગ લેવા આવ્યો હોય એ કોઈને વિશ્વાસ થયો નહી.
“સર જોહન...” જીદગાશા ઘોડા પરથી ડીસમાઉન્ટ થઇ કેનિંગની રેસ્ટ ચેર સામે જઈ માથું નમાવી ઉભો રહ્યો, “રાજકુમાર સુબાહુને તાતકાલીક મેડીકલ સહાયની જરૂર છે. એમના પર નજીકના જંગલ વિસ્તારમાં વાઘે હુમલો કર્યો છે. તેઓ રાત્રી શિકાર માટે નીકળ્યા હતા.”
“રાકુમાર માટે રેસ્ટરૂમ અને તેમના સ્વાગતની તૈયારીઓ કરો..” કેનીંગે જીદગાસાને જવાબ આપવાને બદલે પોતાની આસપાસ ઉભેલા એના ખાસ સેવકોને આદેશ આપ્યો.
“આભાર..” જીદગાશા માથું નમાવી એમ જ ઉભો રહ્યો.
“નાગપુર કંપનીનું મિત્ર છે એમના રાજકુમારની સેવાનો મોકો એ અમારું સદભાગ્ય છે..” ખંધા જેકલના શબ્દોને જીદગાશા ઓળખી શકતો હતો. એ જાણતો હતો કે નાગપુર રાજ પરિવાર હજુ અંગ્રેજોના એ મેલા ઈરાદા અને નગ્ન નાચમાં બીજા રાજાઓ જેમ ડહોળાયો ન હતો અને એ ગોરા લોકો નાગપુરના રાજ ઘરાનાને ગમે તેમ કરી મેલો કરવા માંગતા હતા. એકવાર રાજકુમારો ગોરી લલનાઓ સાથે ઝાળમાં ફસાઈ જાય - વ્યભિચારની આદતે ચડી જાય પછી એમના ગળામાં ગુલામીની ઝંઝીર પહેરાવતા વાર લાગતી નહી. એમણે એ અનેક નાના મોટા રાજવડા સાથે કર્યું હતું પણ નાગપુરના રાજવંશે એમના સાથે વેપારી અને રાજકીય સિવાય અન્ય કોઈ સબંધો બાંધ્યા ન હતા. ન તો નાગપુર રાજ વંશ અન્ય રાજાઓ જેમ વિદેશી બોટલોનો શોખીન હતો કે ન કેટલાક કહેવાતા પ્રિન્સ અને પ્રીન્સેસ જેમ વિદેશી શિક્ષણ લેવા બ્રિટન જવાનો ઈચ્છુક હતો.
રાજકુમાર એમના કેમ્પમાં આવી રહ્યો છે અને એ પણ જલશાની રાતે જ એ જોહન કેનિંગ માટે ખુશીના સમાચાર હતા.
સેવકો અને સિપાહીઓ એના આદેશ સાથે જ કામે લાગ્યા. તેઓ જમીન પર દુર દેખાતી બિલ્ડીંગ સુધી લાલ કાર્પેટનો ડટ્ટો ખોલી એને પાથરવા લાગ્યા. સેવકો રાજકુમાર અને એમના સાથીઓના ઘોડા માટે બેલ્સ ઓફ હે અને મોટા વાસણોમાં ઘોડા માટે પાણીની વ્યવસ્થા કરવા માંડ્યા.
લાકડાની પેટીઓમાંથી કાબુલી ચણાની ગેડીઓ ભરી બહાર લેવાઈ અને સેક ક્લોથમા વીંટેલા ગોળના રવા તુટવા માંડ્યા. આ અંગ્રેજોની એક ખાસિયત હતી એ રાજાઓને પહેલા એટલી સગવડ આપતા કે તેઓ એસ આરામી બની જાય અને જ્યારે વર્ષોના આરામ પછી ગોરા સાથે વેપાર બાબતે કોઈ ખટપટ થઈ કે ગોરો રાજનીતિમાં માથું મારે એ ન ગમતા માથું ઊંચકવા જાય ત્યારે સમજાતું કે ગુલામીનો ગાળિયો તો ક્યારનોય ગાળામાં અટકાવી દેવાયો હતો. બસ એક નાનકડી લડાઈ, રાજાની કારમી હાર અને એ ગાળિયા જેવો જ એક થપ્પો રજવાડા પર લાગી જતો.
રાજકુમાર અને હન્ટીગ પાર્ટી કન્ટોનમેન્ટના દરવાજે આવતા જ સંત્રીએ અગાઉથી મળેલા આદેશ મુજબ દરવાજા ખોલી નાખ્યા.
દરવાજામાં રાજકુમારની બગી અને એની સાથે આઠ દશ ઘોડે સવારો દાખલ થયા. પ્લેન્કીન પર લાલટેન સળગી રહી હતી જેના આજવાળામાં મખમલી પડદાવાળી એ બગી ભવ્ય લાગતી હતી.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky