Swastik - 35 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 35)

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 35)

નયના કથાનક

સત્યજીત કેદી બની ઉભો હતો. કેદી તરીકે એના હાથ બાંધેલા હતા. એ હાથ બાંધેલી અવસ્થામાં એમ જ ઉભો હતો. એ ધારે તો એક પળમાં દોરડાના ટુકડા કરી શકે તેમ હતો. એનામાં એ તાકાત હતી એનો અંદાજ એના ચહેરાની તેજસ્વીતા અને એના મજબુત બાંધા પરથી દેખાઈ આવતો હતો.

છ ફૂટ જેટલો ઉંચો અને લોખંડી સ્ન્યુઓથી બનેલા પડછંદ શરીરવાળો સત્યજીત લગભગ વીસ એકવીસ વર્ષની ઉમરનો હશે. તેના લાંબા સિલ્કી વાળ રોજની જેમ બનમાં બાંધેલા હતા અને બાકી રહી જતા છુટા વાળ એના ખભા પાસે ફરફરી રહ્યા હતા. એના ચહેરા પર કોઈ ઓજસ્વી તેજસ્વીતા હતી.

તેના અલૌકિક તેજ છતાં એના ચહેરા પર થાક, અને હતાશાની રેખાઓ ચોખ્ખી દેખાતી હતી. એ સત્યજીત હતો - એ વિવેક હતો. પણ એ આજના વિવેક જેવો ન હતો. એના શરીર પર માત્ર એક કાળી ધોતી વીંટાળેલી હતી. એનું ઉપવસ્ત્ર પણ તેના શરીર પર ન હતું. એની ખુલ્લી પથ્થર જેવી ચમકતી છાતી પર દેખાતા જૂની લડાઈ અને કેટલાક તાજા ઘા તેનો લડાક ઈતિહાસ વર્ણવી રહ્યા હતા. તે વિવેક જેટલો ઉજળો ન હતો. બાકી તેનો ચહેરો વિવેક જેવો આબેહુબ હતો. મને કલ્પના પણ ન હતી કે વિવેક સાથે અમારે આટલા વર્ષો જુનો સબંધ હશે.

એનો બંધો કોઈ પહેલવાન જેવો હતો છતાં ચહેરા પર હજુ યુવાનીની છાંટ હતી, એનામાં રોયલ ઇન્ડિયન હેરિટેજના દરેક લક્ષણો દેખાઈ રહ્યા હતા. તેને કેદ કરી લાવનાર સિપાહીઓ તેની આસપાસ ઉભા હતા. એમાંથી મોટા ભાગના હિન્દી હતા તો બે ત્રણ જેટલા ગોરા સિપાહીઓ હતા. તેના ચહેરા પર હારવા છતાં, થાક અને નિરાશા છતાં એક ગર્વ દેખાઈ રહ્યો હતો. એની આંખોમાં ડરને બદલે અભિમાન દેખાઈ રહ્યું હતું.

હું જે જોઈ શકતી હતી એ એને કેદ કરાવનાર રાજકુમારને લાગી રહ્યું ન હતું. એની સામે લેવીશ ક્રેવ્ડ ગીલડેડ થ્રોન પર બેઠેલા રાજકુમારની આંખોમાં એક અજબ સવાલ હતો.

હું એ ચહેરો જોઈ ડઘાઈ ગઈ. એ રાજકુમાર સુબાહુ બીજું કોઈ નહિ કપિલ હતો. સફેદ ઊંચા પીલ્લર પર ગોઠવાયેલ એ નાગની આકૃતિ રચતા આસન પર કપિલ જ હતો. પણ એના વાળ લાંબા હતા, મેં એક વાર સ્વપ્નમાં જોયા હતા એટલા જ લાંબા. એની આંખોમાં ગજબ પૌરુશ્ય હતું.

એણે વિવેકને કેદ કર્યો હતો પણ કેમ? કે પછી એ વ્યક્તિ કપિલ જેવા જ ચહેરો ધરાવતો કોઈ બીજો વ્યક્તિ હતો? એ કોણ હતો એ જાણવા મારે આગળ શું થાય એ જોવું જ રહ્યું.

*

જંગલ કિનારાના મહેલના થ્રોન હોલમાં પ્રવેશતી હવામાં મોગરા અને કેવડાની સુવાસ પ્રસરેલી હતી. મને ખાતરી હતી એ જંગલ નાગપુરના છેવાડે આવેલું એ જ જંગલ હતું જ્યાં હું જન્મી હતી.

રાજકુમારની બાજુના આસન પર બેઠેલી શાહી પોશાકમાં સજ્જ યુવતી રાજકુમારી નહિ પણ રાજકુમારની પ્રેયસી હતી. તેના શરીર પર અદભુત શાહી પોષક શોભતો હતો પણ એક રાજ ઘરાનાની યુવતી જેવા શણગાર ન હતા. એ મને રોયલ પરિવાર કરતા એક વરિયર વધુ લાગી.

હું એને જોઈ રહી, એ સુનયના હતી – એ હું હતી. એ કઈ રીતે શકય હતું? એ મારા કયા જન્મની યાદો હોઈ શકે? શું હું નાગલોકમા બગાવત કરી ત્યાં આવી વશી ગઈ હતી? શું ખરેખર અમે કોઈ જન્મે વિવેકને (સત્યજીતને) કેદી બનાવી ખોટી સજા આપી હતી?

હું રાજકુમારની બાજુમાં બેઠી સુનયનાને જોઈ રહી. એના પાતળા ભ્રમર તંગ થયેલા હતા. એની આંખોમાં રોષ હતો. એના શરીરમાં ગુસ્સાની ધ્રુજારી હતી. એ ત્યાં કેમ હતી?

“યોર હાઈનેશ... પ્રિન્સ સુબાહુ ઓફ નાગપુર...” ગોરા સિપાહીએ રાજકુમારને નમન કરી શરુ કર્યું, “આપનો વિશ્વાશું મિત્ર સત્યજીત નાગપુર વિરુદ્ધ કોન્સ્પાયરેસી રચી રહ્યો હતો. એના કબીલાના લોકો પણ એ સાજીશમા સામેલ હતા. નાગ મંદિર પર હુમલો કરી ત્યાંથી હથિયાર લૂટનાર એ અને એના કબીલાના માણસો હતા..”

રાજકુમાર કઈ બોલ્યા વિના એ સંભાળતો રહ્યો. એ જાણતો હતો એ સત્ય નથી. સત્યજીત ખુદ તો એ હથિયારોની હેરફેર કરતો હતો - એ દિવ્ય હથિયારો એનો કબીલો જ તો બનાવતો હતો પછી એને કેમ લુટે?

“યોર હાઈનેશ.. સત્યજીત નાગપુરનો ખજાનો લુટવાની યોજના બનાવી રહ્યો હતો..”

“શું આ સત્ય છે જીત..?”

રાજકુમારે કેદી સ્વરૂપે ઉભેલા વિવેક (સત્યજીત) તરફ દ્રષ્ટિ કરી.

“હા..” સત્યજીતે નજર ઉપર કરી, એ આંખોમાં જવાળાઓ હતી.

“શા માટે?” રાજકુમારના અવાજમાં તુચ્છ ભાવ વર્તાયો, “શા માટે મિત્ર બની પીઠ પર વાર?”

“અમારા કબીલાએ નાગપુરના જંગલમાંથી દુષ્ટ નાગોનો ત્રાસ દુર કર્યો. એ બદલ આપે શું આપ્યું?” કેદીનો અવાજ નફરતથી ભરેલો હતો, “માત્ર આખા કબીલાના નિભાવ માટે વાર્ષિક ત્રણ હજારનું વર્શાસન અને બિંદુ જેવા દેશ ભક્તોનું લોહી...”

“તો કબીલાના સરદાર અશ્વાર્થ વધુ વર્ષાસનની માગણી કરી શકતા હતા..” રાજકુમાર બોલ્યો, “રાજ ઘરાનાએ ક્યારેય મદારી કબીલાની કોઈ માંગ ઠુકરાવી નથી. શું તું એ બાબતથી અજાણ છે?”

“કહેવા સાંભળવાનો વખત નથી.. રાજકુમાર. આપ સજા ફરમાવો.”

“એની એક જ સજા છે - મોત.” ગોરા સિપાહીએ વચ્ચે દખલ કરી, “સજા નક્કી જ સમજી લે કેદી..”

“મિસ્ટર મેકલ આપ વચ્ચે દખલ ન કરો એ જ યોગ્ય રહેશે..” રાજકુમારને ગોરા પ્રતિનિધિનું વચ્ચે બોલવું પસંદ ન આવ્યું, “આ અમારા મિત્રો વચ્ચેનો મામલો છે.”

“મામલો આપના રાજ્ય અને મિત્રતા બહારનો બની ગયો છે..” ગોરાએ પોતાની ચાલાકી વાપરી, “મદારી કબીલાએ જંગલમાંથી પસાર થતા જનરલ વેલેરીયસની ટુકડી પર હુમલો કર્યો અને એમાં અનેક હિન્દી અને અંગ્રેજી સિપાહીઓ માર્યા ગયા છે. હારવાની અણી પર આવતા મદારી કબીલો પોતાના જ ઝુંપડાઓને આગ લગાવી ભાગી છૂટ્યો છે. આ સવાલ અંગ્રેજ તાજ સામે બગાવતનો છે.”

રાજકુમાર સત્બધ બની સાંભળી રહ્યો. સુબાહુ અર્ધનાગ હતો, એના પિતાને કોઈ સંતાન ન હતું અને નાગદેવની કૃપાથી મળેલ એ પુત્ર અર્ધનાગ હતો પણ એનામાં ઇચ્ચ્ધારી નાગ જેમ દુરદર્શન, દુર શ્રવણ કે એવી કોઈ અલૌકિક શક્તિઓ ન હતી.

ગોરાની વાત સાચી હતી કે કેમ એની એ મુઝવણમાં પડ્યો. શું એક બિંદુના મોતનો બદલો લેવા કબીલો અને સત્યજીત એ હદ સુધી જઈ શકે?

“એની સજા અંગ્રેજ સલ્તનત નક્કી નહિ કરે.. એ નાગપુરનો અપરાધી છે. એના પર ઇન્ડીપેન્ડન્ટ ડીસ્ટ્રીક્ટ ઓફ નાગપુરમા કાર્યવાહી થશે..” રાજકુમારની બાજુમાં બેઠેલ સુનયનાએ કહ્યું, એ સાંભળી થ્રોનથી થોડેક દુર ઉભેલા બે હિન્દી સિપાહીઓમા આનંદ દેખાયો, થ્રોનની જમણી તરફ ઉભેલા રાજ સેવક પરાસરના વૃદ્ધ ચહેરા અને થાકેલી આંખોમાં હર્ષ દેખાયો.

“એના પર ઈંગ્લીશ કન્ટોન્મેન્ટમા કેસ ચાલશે...” ગોરાએ કરડાકીથી કહ્યું, “આપ નાગપુર માટે નવા છો... કદાચ આપને નાગપુરે બ્રિટીશ તાજ સાથે કરેલા કરાર વિશે જાણ નહિ હોય... એ કરાર રાજકુમાર સુબાહુના પિતાએ કરેલો છે.”

“હા, મને ખબર નથી પણ એની સજા હું જ નક્કી કરીશ..” સુનયના આસન પરથી ઉભી થઇ નીચે ઉતરી આવી અને કેદી તરફ આગળ વધી, “એણે મારા પર દશેરાના આયુધ પુજાના સમયે જીવ લેવાના હેતુથી હુમલો કર્યો હતો અને મારા પર અનેક આરોપો લગાવ્યા છે માટે એની સજા હું નક્કી કરીશ..”

સુનયના રાજસેવક પાસે આવી ઉભી રહી ગઈ.

“પરાસર...”

સુનયનાના મોમાંથી શબ્દો નીકળતા જ રાજસેવક પરાસરે એના હાથમાં રહેલી ત્રાંબાની થાળી આગળ કરી અને નતમસ્તક ઉભો રહ્યો. ત્રાંબાની થાળી પર કેશરી કાપડ ઢાકેલ હતું જેના પર એક ચમકતા ગજવેલની બનેલી સ્ટીલ કરતાય દમદાર લાગતી તલવાર ચમકી રહી હતી.

સુનયનાએ તલવાર હાથમાં લીધી એ સાથે જ રંગીન કાચની બારીઓમાંથી આવતા સુરજના ઝાંખા કિરણો એને ઓર ચમકાવવા લાગ્યા.

રાજસેવકનો ધર્મ નતમસ્તક ઉભા રહેવાનો હતો પણ એ બાગી બની ગયો હોય એમ નજર ઉંચી કરી. કાયમ રાજ આજ્ઞા પાળનાર પરાસરના હોઠ તો રાજકુટુંબ સામે બગાવત ન કરી શક્યા પણ એની આંખો બળવો કરી ગઈ.

એ આંખો પચાસ વર્ષથી ક્યારેય રાજ કુટુંબ સામે ઊંચકાઈ ન હતી. પરાસરના પિતાના અવશાન પછી જયારે પરાસર તેર વર્ષનો હતો ત્યારે એના પિતાની જગ્યા પોતે લઇ લીધી હતી. પરાસરે ગણી ન શકાય એટલા વર્ષોથી રાજ ઘરાનાના દરેક હુકમને સર આંખો પર ઉઠાવ્યો હતો પણ એ આંખો જાણે બાગી બની ગઈ હતી.

એ આંખો ક્યારેય રાજઘરાનાના કોઈ વ્યક્તિની આંખો સાથે મળી ન હતી. રાજકુમાર સુબાહુ પરાસરના ખોળામાં રમીને મોટો થયો હતો છતાં એણે એ આંખોને પોતાની આંખોમાં પરોવાતી ક્યારેય જોઈ ન હતી. આજે પણ રાજકુમાર એ આંખોની બગાવત ન ઓળખી શક્યો પણ સુનયના પોતે એક બાગી હતી. નાગલોકમાં બગાવત કરનારી રાજકુમારીની આંખો પરાસરથી મળી. એ આંખોમાં એને બગાવતની આગ દેખાઈ, એ આંખોમાં એને કેદીને બક્ષી દેવાની વીનંતી દેખાઈ, એ આંખોમાં એને અંગ્રેજ સલ્તનત સામે લાવા દેખાયો.

સુનયના એક પળ સુધી એ આંખોમાં જોઈ રહી અને બીજી જ પળે કેદી સત્યજિત તરફ ફરી. પોતાના હાથમાં ખુલ્લી તલવાર સાથે એ કેદી તરફ આગળ વધી. રાજકુમાર એને ફાટી આંખે જોઈ રહ્યો. કેદી એનો ખાસ મિત્ર હતો પણ એ જાણતો હતો કે પોતાના પ્રેમ માટે નાગલોકનો ત્યાગ કરી નાશવંત માનવ સ્વરૂપે જીવન સ્વીકારનાર સુનયના કોઈ ખોટો નિર્ણય ન જ લઇ શકે. એનો નિર્ણય યોગ્ય જ હશે.

સુબાહુને એ દિવસ યાદ આવ્યો જયારે એની મુલાકાત પ્રથમ વાર સુનયના સાથે થઇ હતી. તેઓ પહેલીવાર ભેડાઘાટ પરના નાગ મંદિર પર મળ્યા હતા.

નાગદેવના આશીર્વાદ લેવા ગયેલા સુબાહુની રાહ ત્યાં સુનયના જોઈ રહી હતી - એનો પ્રેમ બની નહિ એનું મોત બની. સુનયનાએ સાંભળ્યું હતું કે રાજકુમાર સુબાહુના પિતાએ નાગપુરમાં જંગલમાં વસતા નાગનો શિકાર કરવા માટે જાદુના જાણકાર મદારી કબીલાને નાગપુર જંગલમાં આશ્રય આપ્યો હતો. રોષની અગ્નિ સાથે એ નાગ મંદિરે એની રાહ જોઈ રહી હતી.

રાજકુમાર સુબાહુએ જયારે નાગદેવતાની મૂર્તિ સામે માથું ઝુકાવી આંખો બંધ કરી નત મસ્તક ઉભા રહી પ્રાથના શરુ કરી એ જ સમયે એની ગરદન ઉપર તલવારની ધાર સ્પર્શ્યાનો અનુભવ થયો હતો.

“નિર્દોષ નાગનો શિકાર કરાવી નાગદેવના આશીર્વાદ માંગતા શરમ નથી આવતી..” પહાડોમાં વહેતા ઝરણાના નાદ જેવો અવાજ સંભાળી સુબાહુએ આંખો ખોલી હતી.

“તું માણસ ન હોઈ શકો... રાજકુમાર સુબાહુના ગળા પર તલવાર મુકવાની હિંમત કોઈ માનવ ન કરી શકે...” તેના હોઠ ભલે બોલી રહ્યા હતા પણ એની આંખો તો એની સામે ઉભેલી સુંદરતાની મૂર્તિને નિહાળવામાં વ્યસ્ત હતી.

“આ મારા પ્રશ્નનો જવાબ નથી..” સુનયનાના અવાજમાં કરડાકી ભળી છતાં એમાં પર્વર્તીય ઝરણાંનો રણકાર એ જ રહ્યો.

“આ મારા સવાલનો જવાબ પણ નથી..”

“હું અહી વિવાદમાં ઉતારવા નથી આવી..”

“તો જે કામે આવી છે એ પૂરું કર...” રાજકુમારની આંખોમાં કોઈ ડર ન હતો. તે હસ્યો.

“તારી આંખોમાં આ ચમક કઈ રીતે હોઈ શકે..?” સુનયનાએ પૂછ્યું, “તું માનવ નથી.. આ ચમક એક નાગમાં જ હોઈ શકે..” એ સુબાહુની ડીપ ગોલ્ડ આંખોમાં જોઈ રહી.

“અને હું નાગ છું એ વાત માત્ર એક નાગિન જ જાણી શકે..” સુબાહુના હોઠ આછા સ્મિતમાં મલક્યા.

“નાગિન એ પણ નાગલોકથી તારા દુષ્કર્મોનો હિસાબ કરવા આવેલી નાગિન..” સુનયનાએ તલવાર પર જરાક જોર વધાર્યું. સુબાહુની ગરદન પર એ જરાક ઉતરી, ત્યાંથી વહી લોહી એની રુદ્રાક્ષની માળા પર ટપકવા લાગ્યું.

“સુબાહુની ગરદન કપાઈ જતા જરાક શોક નથી પામવાની પણ એક ઇલ્જામ સાથે નહિ...” સુબહુએ એની આંખોમાં આંખો પરોવી, “હું એક કલંક સાથે મરવાનું પસંદ નહિ કરું.”

“એ વિચાર કલંકિત કામ કરતા પહેલા કરવો જોઈએ રાજવી...”

“નાગ જાતીને કલંકિત થતી અટકાવવા મેં એ પગલું ભર્યું છે. કેટલાક દુષ્ટ નાગ જંગલમાંથી પસાર થતા વટે માર્ગુઓને પોતાનો શિકાર બનાવી રહ્યા હતા, કેટલીક નાગિનો પોતાનું ઝેર નિર્દોષ માનવો પર ઉડેલી રહી હતી. માનવો નાગ જાતીને દેવતા માની પૂજે છે એને પોતાની દુશ્મન સમજી લે એ પહેલા મારે એ બધું અટકાવવાની જરૂર હતી. એ માટે જ મહારાજે મદારી કબીલાને દક્ષીણથી અહી લાવ્યો હતો.”

“તું જુઠ્ઠું બોલી રહ્યો છો રાજવી..” સુનયનાને વિશ્વાસ ન થયો, “મૃત્યુનો ખોફ ભલભલાને ઝૂકાવી દે છે.”

“તો આ નાગદેવની મૂર્તિ સમક્ષ મારું માથું ધડથી અલગ કરી દે અને જંગલમાં જઈ નાગ જાતિના લોકોને મળી સચ્ચાઈ જાણી આવ..”

“તારું માથું તો હું ધારું ત્યારે ઉતારી લઈશ પણ હવે પહેલા ખાતરી કરી, પાકા પુરાવા સાથે જ તારી ગરદન પર તલવાર મુકીશ..”

“જેવી તારી મરજી પણ જયારે મારી આંખો ખુલ્લી હોય ત્યારે મારી ગરદન પર તલવાર મુકવાની ભૂલ ન કરીશ નહીતર નાગલોકમા તારા માતા પિતા નકામો વિલાપ કરશે..” સુબાહુએ તેના વાળ સરખા કર્યા અને ઘા ઉપર ઉપવસ્ત્ર દબાવ્યું.

“એ આપણે જયારે ફરી મળીશું ત્યારે નક્કી થશે કે કયાં માતા પિતા વિલાપ કરે છે નાગલોકમાં કે નાગપુરમાં રાજમહેલમાં..” સુનયના પડકાર ફેકી અને ઝાડીઓમાં ગાયબ થઇ ગઈ.

એના ગયા પછી પણ રાજકુમારની આંખો સામે એ જ દેખાયા કરતી હતી.

શું રૂપ હતું? એક નાગની ચમકતી આંખોને આંજી શકે એવું રૂપ! પૃથ્વીલોકથી પર હોય એવી તેજસ્વીતા! રાજકુમાર સુબાહુને ખબર પણ ન રહી કે એ સુનયના સાથે પ્રેમને તાંતણે બંધાઈ ગયો હતો.

સુબાહુ સુનયનાના હાથમાં તલવાર જોઈ હતી એ પ્રથમ મુલાકાતના વિચારોમાંથી બહાર આવ્યો ત્યાં સુધીમાં સુનયના કેદી સુધી પહોચી ગઈ હતી. સુનયના જીતની આંખોમાં આંખો પરોવી ઉભી રહી. તેની આંખોની વેધકતા કેદીને દજાડી રહી હોય એમ એ આડું જોઈ ગયો.

“બાગીની આંખોમાં બગાવતને બદલે શરમ કેમ?” સુનયનાએ તેની આંખોની વેધકતા એના શબ્દોમાં ઉતારી.

સત્યજીતે ઉપર જોયું પણ એની અંગાર આંખોમાં હજુ શરમની લાગણી દેખાઈ રહી હતી. એણે કોઈ ઉત્તર ન આપ્યો.

“સત્યજીત આપ પર રાજમાતા અને રાજકુમારે વિશ્વાસ મુક્યો હતો અને વિશ્વાશઘાતની સજા શું છે?”

સુનયનાના પ્રશ્નનો કેદીએ કોઈ જવાબ ન આપ્યો એ જોઈ ગોરા મેકલે આગળ વધી કહ્યું, “ધ પેનલ્ટી ફોર ટ્રેચરી ઈઝ ડેથ..” એ ગોરો ઇન્ડિયન ભાષા સમજવા લાગ્યો હતો પણ એને છેક બોલવામાં જરાક આવડત ન હતી. એ જાણતો હતો રાજ ઘરાનાના લોકો એની ભાષા સમજી શકતા હતા. રાજ ઘરાના અંગ્રેજી શિક્ષણ લેતા થઇ ગયા હતા. એમનું શિક્ષણ જ ગુલામીની સૌથી મોટી જંજીર હતું જે રાજવીઓ સમજી શક્યા ન હતા.

“તો મિસ્ટર મેકલના મત મુજબ વિશ્વાશઘાતની સજા મોત છે.” સુનયનાએ મેકલ સાથે એ સત્યજીતને લઇ આવનારા બે ત્રણ હિન્દી અને એટલા જ ગોરા સિપાહીઓ તરફ જોઈ પ્રશ્ન કર્યો. શું વિશ્વાશઘાતીને હમણા જ સજા ન થવી જોઈએ..?”

“હા, અત્યારે જ...” બધાએ એક સામટો જવાબ આપ્યો.

રાજકુમાર સુબાહુના ધબકારા વધી ગયા, એ સુનયનાને રોકી એના સત્યજીતને બચાવી શકે એમ હતો પણ એ જાણતો હતો જીતનું મૃત્યુ અફર હતું. ઈંગ્લીશ કન્ટોન્મેન્ટ અદાલત પણ એને મોતની સજા જ ફરમાવવાનું હતું. એ પોતાના સત્યજીતની કોઈ મદદ કરી શકે એમ ન હતો.

એને થયું કાશ! કાશ! કે જીતે નાગપુર વિરુદ્ધ ષડ્યંત્ર ન રચ્યું હોય!

પોતે એને બચાવવા દુનિયા સામે લડી લોત. જેમ સુનયનાને સજાથી બચાવવા પોતે રાજમાતા સામે ઉભો થયો એમ ગોરાઓ સામે બાથ ભીડી લોત પણ વિશ્વાશઘાતની સજા મોત હતી. જે અફર હતી.

“વિશ્વાશ્ઘાતથી મોટો કોઈ ગુનો નથી..” સુનયનાની તલવાર ઊંચકાઈ અને વિજળી વેગે એ વિઝાઈ.

થડ એવા બોદા અવાજ સાથે વાતાવરણમાં ચીસ ગુંજી. એ કેદીનું માથું ધડથી અલગ થઇ જમીન પર પડવાનો અવાજ હતો...? હા, એ અવાજ માથુ ધડથી અલગ થઇ જમીન પર પડ્યાનો હતો પણ એ માથું કેદીનું ન હતું. એ માથું ઈંગ્લીશ પ્રતિનિધિ મેકલનું હતું.

નાગપુરમાં અંગ્રેજ પ્રતિનિધિનું માથું કપાયાનો એ અવાજ હતો. જેના જવાબમાં તોપોના અવાજ સંભળાવાના હતા પણ ન્યાય એ ન્યાય હતો. રાજકુમારે પણ આંખો બંધ કરી દીધી હતી. સત્યજીત અને સુબાહુ સાથે ફર્યા હતા - સાથે મોટા થયા હતા અને સુનયના પર હુમલો કર્યા પહેલા એને નાગપુર રાજ પરિવાર માટે જે તકલીફો અને જોખમ ઉઠાવ્યા એ સુબાહુને યાદ હતું. એ સત્યજીતનું માથું ધડથી અલગ થતા જોઈ શકે એમ ન હતો.

મેકલ સાથે ભેળેલા હિન્દી સિપાહીઓ અને એના અંગ્રેજ સિપાહીઓ જાણે પથ્થર બની ગયા હોય એમ એ માથા વિનાના ધડને જમીન પર પડતું જોઈ રહ્યા.

“હર હર મહાદેવ...” વૃદ્ધ રાજસેવક પરાસરના ગળામાંથી એટલો કર્ણભેદી અવાજ નીકળી શકતો હશે એમ કોઈ કલ્પી પણ શકે એમ ન હતું. એ અવાજ સાથે જ જાણે શુરાતન ચડ્યું હોય તેમ “હર હર મહાદેવ....” અને “જય નાગમતી...” ની ગુંજ આકાશ ફાડી નાખે એવો પોકાર નાદ ઉઠ્યો.

એ અવાજ સંભાળી રાજકુમારે આંખો ખોલી. એ જાણતો હતો એને દેખાતું દ્રશ્ય નાગપુરના ઈતિહાસને બદલી નાખવાનું હતું. નાગપુરને તહેસ નહેસ કરી નાખે એમ હતું એ છતાં એ દ્રશ્ય જોઈ એની આંખોમાં એક ચમક ઉમટી પડી. પ્રતિનીધી મેકલનું ધડ વિનાનું માથું હજુ ગબડી રહ્યું હતું એ થ્રોન નજીક પહોચ્યું.

રાજસેવક પરાસર દુશ્મને ફેકેલા તીરને પણ પકડી લે પણ સિહાસન સુધી પહોચવા ન દે એવી ગતિવાળો સેવક હતો એની હાજરીમાં એ માથું થ્રોનના પાયાને અડકે એ શકય ન હતું એ પહેલા રાજ સેવકે એ માથા પર પોતાનો પગ મુકી એને આગળ વધતું અટકાવી દીધુ.

જે અંગ્રેજ તાજ પ્રત્યે એને ભારોભાર રોષ હતો એ તાજના તાજ સમાન મેકલના માથા પર પગ મુકીને પરાસર પોતાની જાતને રોકી શક્યો નહિ. એના ગળામાંથી હર હર મહાદેવનો કર્ણભેદી અવાજ નીકળ્યો. જે નાગપુર માટે અંગ્રેજ તાજ સામે યુદ્ધનો શંખનાદ હતો.

હવે જે થવાનું હતું એ અકલ્પ્ય હતું.

હિન્દુસ્તાનના ઇતિહાસમાં એક અલગ જ બદલાવ લાવનાર ઘટના ઘટવા જઈ રહી હતી અને એ સાથે નાગપુરમાં એક લોહીયાળ ઈતિહાસ લખવાની શરૂઆત પ્રતિનિધિ મેકલના લોહીથી થઇ ચુકી હતી.

*

મેં આંખો ખોલી. કપિલ મારા સામે બેઠો હતો. કપિલે જે જોયું એ સોમર અંકલ, મમ્મી અને શ્લોકને એણે કહ્યું હતું.

“તે શું જોયું...” મારી આંખો ખુલી એ સાથે જ કપિલે પૂછ્યું, “શું એ નર સંહાર સુબહુના આદેશ પર થયો હતો?”

“ના...” મેં જે જોયું એ કપિલ, શ્લોક, સોમર અંકલ અને મમ્મીને જણાવ્યું.

“પણ સુનયનાએ સત્યજીતને બદલે પ્રતિનિધિ મેકલનું માથું કેમ અલગ કરી નાખ્યું?” શ્લોક મૂંઝવણમા હતો. એની મૂંઝવણ વાજબી હતી. મણીયજ્ઞએ જે બતાવ્યું તે જોઈ મને પણ એ જ થયું હતું પણ વિઝન પૂરી થયા પછી જાણે સુનયનાનું મન મારા શરીરમાં બેસાડી દીધું હોય એમ એ કારણ મારું મન જાણવા લાગ્યું હતું.

“સુનયના કયારેય અન્યાય જોઈ શકતી નહી. એ સુબાહુ જેમ અર્ધનાગ ન હતી, એની શક્તિઓ અત્યારે કપીલમાં જે શક્તિઓ છે એ કરતા પણ વધુ હતી.” મેં કહ્યું.

“એ તો નાગ જાતિનો દરેક માણસ જાણે છે કે પૃથ્વી પર નાગ રૂપે જન્મનાર કરતા નાગલોકમાં જન્મેલ નાગ સંપૂર્ણ હોય છે. તેનામાં એક ડેમીગોડ જેવી અલૌકિક સુપર નેચરલ શક્તિઓ હોય છે.” શ્લોકે કહ્યું.

“બસ એ જ શક્તિઓ... એ જ શક્તિઓ કેદીના બદલે મેકલનું માથું કાપવા માટે જવાબદાર હતી..” મેં કહ્યું, “રાજકુમાર સુબાહુ એના સત્યજીતની સહાય કરવા ઈચ્છતો હતો પણ જયારે સત્યજીતે જ સ્વીકારી લીધું કે એ રેબલ છે પછી એની પાસે દલીલ કરવા માટે કઈ બચ્યું ન હતું. એ જાણતો હતો કે સુનયનાને સમજાવી શકાય પણ અંગ્રેજ તાજ સત્યજીતને માફી આપવાની વાત નહિ સ્વીકારે. માટે એ ચુપ રહ્યો.. પણ સુનયના સત્યજીતે એ ખોટો આરોપ કેમ ઓઢી લીધો એ જાણી ચૂકી હતી...”

“કઈ રીતે?” શ્લોકે પૂછ્યું.

“સનાતન નિયમ.. એક સાચો નાગ સાચા હૃદયના મદારીનું મન એના ભાવ એની લાગણીઓ એનું સુખ દુ:ખ બધું જ સમજી શકે છે.”

“મતલબ એ નિર્દોષ હતો..!” એવા સમયે પણ કપિલ ખુશીથી ઉછળી પડ્યો. મણીએ કપિલને જે બતાવ્યું હતું એ જોઈને એ પણ જીત અને એની એ જન્મની મિત્રતાની લાગણી અનુભવી શકતો હતો. એનો મિત્ર વિશ્વાશઘાત કરનાર ન હતો એ વાત એવા ચિંતાના સમયે પણ એના ચહેરા પર આનંદનું મોઝું ફેરવવા સમર્થ હતી, “તો એણે એ કેમ સ્વીકાર્યું હતું? શા કારણે?”

“એ કારણ તે સત્યજીત અને લેખાને ઘોડા પર બેસી નીકળતા જોયા ત્યારે શરુ થયું હતું.” મેં કહેવાનું શરુ કર્યું, “સત્યજીત જાણતો હતો કે જયાં સુધી લેખાનો પરિવાર જનરલ વેલેરીયસના કબજામાં છે ત્યાં સુધી એની ટુકડી પર ચડાઈ કરવાનો કોઈ અર્થ નથી. જીત મેળવીને પણ હાર સ્વીકારવી પડે કેમકે કપટી અંગ્રેજ લેખાના પરિવારને છેલ્લી ઘડીએ ઢાલ તરીકે આગળ કરી શકે એમ હતા. એ ઉપરાંત એમણે કબીલાના કેટલાય સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને કેદ પકડ્યા હતા જેમને ઈંગ્લીશ કેન્ટોનમેન્ટ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં અંગ્રેજોએ કામ ચલાઉ જેલ બનાવી હતી જેમાં એમને રાખવામાં આવ્યા હતા.”

“લેખાનો પરિવાર પણ ત્યાં હતો?” મમ્મીને પણ એ જાણવામાં ઉતાવળ હોય એમ પૂછ્યું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky