ભેડાઘાટથી ઉત્તર તરફની પહાડીઓની અંડર ગ્રાઉન્ડ ટનલમાં હલચલ મચેલી હતી. એ પહાડીઓના બહારને ભાગે ત્રણ ઘોડાગાડીઓ ઉભી હતી. ત્રણેને જોડેલી વેગન જોતા એ માલવાહક ગાડીઓ લાગતી હતી. એક નજરે એ ગાડીઓ નાગ અને મદારી જાતિના કબીલાના માર્કાવાળી અને એમના વચ્ચે થયેલી સંધી મુજબ જંગલ પેદાશોને લઇ જનારી સામાન્ય ગાડીઓ લાગતી હતી પણ કોઈ ધ્યાનપૂર્વક ઘોડાઓ પર નજર કરે તો ચાલાક વ્યક્તિને એ સમજતા વાર ન લાગે કે એ ઘોડાઓ સામાન્ય જંગલી કબીલાના ન હોઈં શકે. એ ઘોડાઓ ગજબ તાકાતવર અને કાળજી લીધેલા દેખાતા હતા. ગમે તેટલું વજન ખેચીને પહાડી પણ ચડી શકે એવા કસાયેલા અને મજબુત ઘોડા ગાડીઓ ખેચવા ઉતાવળા બની જીણી હણહણાટી આપી રહ્યા હતા.
સત્યજીત અંડરગ્રાઉન્ડ ટનલમાં નીચે ઉતર્યો. ત્યાં એક ખાસ વર્કશોપ હતી. એ વર્કશોપ એક અલાયદી જગ્યાએ બનાવવામાં આવી હતી. એ સ્થળ ભૌગોલિક રીતે અનુકુળ હતું. એ પહાડી પર એક નાનકડું ઝરણું ઉદભવતું હતું અને એ ઝરણું પહાડીના કોતરમાં જ સમાઈ જતું હતું. લોકો એને પાતાળ પ્રવેશ ઝરણાના નામે ઓળખતા હતા.
પહાડીની રચના કુદરતી ટનલ જેવી હતી. એ ઝરણું એ કુદરતી ટનલમાં ઉતરી જતું હતું અને ત્યાં પહાડીના નીચે જ વહીને આગળ વધતું હતું. લગભગ એકાદ કિલોમીટર જેટલા વિસ્તારમાં એ ઝરણું સપાટી પરથી અદ્રશ્ય રહેતું હતું.
રાજ પરિવારે એ કુદરતી વરદાનનો લાભ મેળવી લેવા જયાં ઝરણું જમીનમાં વહેતું હતું ત્યાના ભાગે કુત્રિમ ટનલ બનાવી હતી. એ કામ મહારાજા જીવિત હતા એ સમયે થયું હતું.
સુરદુલ અને સત્યજીત ટનલમાં જેમ જેમ ઉતરતા ગયા તેમ તેમ વાતાવરણમાં અંધકાર વધતો ગયો. હવા એકદમ અલગ જ લાગતી હોય આવો આભાસ થવા લાગ્યો પણ એ બંને જાણતા હતા કે એ પાતળી અને ગરમ હવા માત્ર ટનલમાં જ હતી.
તેઓ ટનલ પાર કરી પહાડી નીચેના પોલાણ જેવા ભાગમાં પ્રવેશ્યા. એ કુદરતી બેઝમેન્ટ જેવું એક વિશાળ સ્થળ હતું. કુદરતની અજાયબી કહી શકાય તેવું... કદાચ કોઈને બલાઇન્ડ ફોલ્ડ કરીને ત્યાં લવાય અને એની આંખો પરથી પટ્ટી હટાવાય તો એને એમ લાગે કે એ પાતાળ લોકમાં છે કેમકે એ પોલાણ એકાદ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારમાં ફેલાયેલું હતું. ઉપર નજર કરતા પહાડીથી બનેલ પથ્થરની છત નજર આવતી હતીં અને એ છત નીચે પાતાળ પ્રવેશ ઝરણું કુદરતી રીતે વહેતું હતું.
ઝરણાના કિનારે બનાવેલ વર્કશોપ પર મદારીઓ જ આઈરન સ્મિથનું કામ કરતા હતા કેમકે જે ખાસ હથિયારો એ ટનલમાં બનાવવામાં આવતા હતા એ બનાવવાની કળા એમના પાસે જ હતી. એટલી ઊંડે જમીનની અંદર અંડર ગ્રાઉન્ડ ભઠ્ઠીઓ અને લોખંડ પીગાળી શકાય એવી વ્યવસ્થા હશે આવી કોઈ કલ્પના પણ ન કરી શકે કેમકે જો એટલી ઊંડી ભઠ્ઠીઓ સળગાવવામાં આવે તો ત્યાં કામ કરતા કારીગરો એની ગરમીમાં શેકાઈને ભડથું થઇ જાય પણ અહી કુદરતે જાણે એનું સમાધાન કરેલું હતું. જમીનમાં વહેતું એ પાતાળ પ્રવેશ ઝરણું એ આખા વિસ્તારમાં ઠંડક રાખતું હતું.
ત્યાં કામ કરતા મદારી કારીગરો માટે પીવાનું પાણી, નહાવા ધોવા, રસોઈ માટે અને કારીગરીના કામ માટે એ ઝરણું ખુબ જ ઉપયોગી સાબિત થતું હતું. એકાદ કિલોમીટર જેટલા વિશાળ વિસ્તારને ઉપરથી નાગ પહાડી ઢાંકી દેતી હતી. ઝરણું હથોડા ઝીંકવા અને લોખંડ ટીપવાના અવાજને પોતાના વહેણના અવાજમાં ભેળવી ગાયબ કરી દેતું. એ ઝરણાનું સૌથી મોટું વરદાન હતું.
સામાન્ય લોકો એને નાગ પહાડી કહેતા. એમાં ઉતરી જતા ઝરણાને લોકો પાતાળલોકમાં કે નાગલોકમાં જવાનો માર્ગ સમજતા અને એ તરફ જતા ડરતા કેમકે એમના મત મુજબ નાગ લોકો એ માર્ગે નાગલોક જાય-આવે છે એવી લોક વાયકા હતી.
“કેટલા હથિયારો તૈયાર છે?” સુરદુલે અંદર પ્રવેશતા જ એક યુવાન મદારીને પૂછ્યું. એના હાથ ધમણ પર તેજ ગતિથી કામ કરી રહ્યા હતા. ફર્નેશમાંથી ફાયર બ્લેઝ થતી હતી અને ત્યાં આસપાસ ગરમી ફેલાયેલી હતી પણ ઝરણાની ઠંડક એ ગરમીને પળવારમાં ફેલાઈ જાય એ પહેલા શોષી લેતી હતી.
“ગયા દશેરા કરતા બે ગણા હથિયારો તૈયાર થઇ ગયા છે..” એ યુવક જવાબ આપે એ પહેલા અશ્વાર્થે જવાબ આપ્યો. અશ્વાર્થ સુરદુલ અને સત્યજીત પહેલાનો ત્યાં પહોચી ગયો હતો.
અશ્વાર્થની પાછળ ઉભી લેખાની ચમકદાર આંખો સત્યજીત સાથે મળી અને લેખાએ બીજી તરફ જોઈ લીધું. જીત એનું કારણ જાણતો હતો લેખા ઇચ્છતી હતી કે જીત ગોરાઓ અને રાજ રમતથી દુર રહે પણ જીત એની વાત માની શકે એમ ન હતો. એમના વચ્ચે એ બાબતે થોડાક દિવસો પહેલા જ ઉગ્ર ચર્ચા થઇ હતી અને ત્યારના તેઓ એકબીજાથી એ રીતે નજર ફેરવી લેતાં હતા.
જીત તેને ઘડીભર જોઈ રહ્યો. શ્યામલ ચહેરા ઉપર ગજબની રતાશ હતી. તેના હોઠની બંને તરફ ખંજન પડતા જે જીતને આજે દેખાયા નહી. તેમ છતાં તે કાળા લીબાશમાં રૂપાળી લાગી. તે તેના પિતા અશ્વાર્થ જેમ જ ઊંચાઈમાં થોડીક નીચી હતી પણ મજબુત હતી. અશ્વાર્થની નજર જીત ઉપર પડતા તેણે શરમાઈને નજર ફેરવી લીધી.
સુરદુલે વોલ્ટમાં કુલ થતી તલવારો તરફ નજર કરી.
“બધા વજ્ર ખડક બની શકે એમાંના છે?” અશ્વાર્થે આઈરન સ્મિથના કામમાં હેડ તરીકે નીમાયેલા મદારી તરફ જોઈ સવાલ કર્યો.
“જી સરદાર...” મદારી કબીલો મુખિયાને સરદાર કહેતો.
“પહેલી સવારી ભરી નાખો એટલે અમે રવાના થઈએ...” સુરદુલે કહ્યું, “જ્ઞાન પર્વત કઈ નજીક નથી..”
“હા..” અશ્વાર્થે ટૂંકો જવાબ આપ્યો અને કામદારો તરફ ફર્યો, “ત્રણસો તલવારો સવારીમાં ગોઠવો..”
કામદારો ઝડપથી તલવારો બહાર સવારીમાં ગોઠવવા લાગ્યા.
“હા, તો સુરદુલ હવે આ તારા શેરને ક્યારે ખૂંટે બાંધવો છે?” અશ્વાર્થે જીત તરફ નજર નાખતા કહ્યું, “એને લગામ લગાવ.. મેં એના ઘણા વખાણ સાંભળ્યા છે.”
“પણ એની લગામ બની શકે એવું કોઈ મળવું તો જોઈએ ને..?” સુરદુલે જીતના ખભા પર થાપટ મારી, “રાજના ઈશારે ગમે ત્યારે નીકળી પડે એનો ખુટો કોણ બને..?”
“એવું જ કોઈ જે રાજને ઈશારે રોજ નીકળી પડતું હોય..” અશ્વાર્થે લેખા તરફ નજર નાખી. લેખાએ શરમથી નીચે જોઈ લીધું. આખરે જીતને તેના ખંજન જોવા મળ્યા અને તે માલ્ક્યો.
“આ દશેરા પછી એ લગામ માંગવા તારા ઘરે આવીશ..” સુરદુલે ઈશારામાં કહ્યું.
લેખા અને જીતે એકબીજા તરફ જોયું. એક પળ માટે એમની નજરો મળી. લેખાની આંખોમાં એક સ્મિત મલક્યું કેમકે માત્ર એ જ જાણતી હતી કે જીતને લગામ તો એ ક્યારેય પહેરાવી ચુકી હતી બસ એની જાહેરાત કરવાની બાકી હતી. એમણે નાગદેવતાની સાક્ષીએ એકબીજાને પતિ પત્ની માની લીધા હતા.
“સરદાર સવારી તૈયાર થઇ ગઈ છે.” હેડ આઈરન સ્મિથની ફરજ બજાવતા મદારીએ કહ્યું.
“ઠીક છે તો હવે અમે રજા લઈએ..” સુરદુલે કહ્યું અને બંને પિતા પુત્ર વર્કશોપ બહાર નીકળી, એ જ ટનલ પાર કરી સવારીમાં આવી ગોઠવાયા.
જીતે નાગમતીનું નામ લઇ સવારી આગળ વધારી.
“પિતાજી, આ સામાન્ય ખંજરો વજ્ર ખડક કઈ રીતે બને છે..?” જીતે પાતાળ ઝરણાંનો પ્રદેશ વટાવી આગળ નીકળતા પુછ્યું, “અહીંથી લીલા પહાડ સુધી લઇ ગયા પછી એ ગમે તે હથિયારને કાપી શકે એવા કઈ રીતે બની જાય છે?”
સત્યજીત રાજ પરિવાર માટે કામ કરતો થઇ ગયો હતો પણ એની નાની ઉમરને લીધે હજુ મદારી કબીલાના ઘણા રહસ્યો એના માટે રહસ્યો જ હતા.
“આજે તને એ કહેવાનો સમય પણ આવી ગયો છે...” સુરદુલે કહ્યું, “મદારી કબીલા પર ઇન્દ્રદેવ હમેશા આશીર્વાદ વરસાવતા રહ્યા છે. વરસાદના મોસમમાં આ ખડગને લીલા પહાડની ચોટી પર ખોસવામાં આવે છે. એમના પર તાંબા કે કાસાને સજાવી દેવામાં આવે છે અને ઈન્દ્રદેવ એમને વજ્રના બનાવી નાખે છે.”
“શું?” જીતને એ માન્યામાં ન આવ્યું.
“હા, આકાશી વીજળી એ પહાડ પર અનેક વાર પડે છે માટે જ લોકો એને શાપિત પહાડ કહે છે પણ ખરેખર એ શાપ નહિ ઇન્દ્ર દેવના આશીર્વાદ છે. એ વીજળી આ ખડગોમાંથી પસાર થઇ પાતાળમાં ઉતરી જાય છે અને એ વખતે ખડગ વજ્રનું બની જાય છે.” સુરદુલે કહ્યું, “જય ઇન્દ્રદેવા..”
સત્યજીતે પણ આકાશ તરફ જોઈ ઇન્દ્ર દેવની જય બોલાવી અને ફરી બગી તરફ ધ્યાન આપ્યું. સવારી હજુ લીલા પહાડથી ખાસ્સી એવી દુર હતી. તેઓ ઘના જંગલમાં દાખલ થવાની તૈયારીમાં હતા.
એ મદારીઓનો કબીલો વિજ્ઞાનનું એક એવું રહસ્ય જાણતો હતો જેણે આજે નેનો ટેકનોલોજીના નામે વિજ્ઞાનીઓ તરફથી ઓળખવામાં આવે છે. એમને એ ખબર ન હતી કે આકાશી વીજળીમાં કુદરતી રીતે નેનોકણની હાજરી હોય છે અને તેમના પૂર્વજોએ વિકસાવેલી એ ધાર્મિક વજ્ર ખડગ બનાવવાની રીત દરમિયાન એ તલાવરોની ધાર પર કરોડો નેનોકણ લાગી જતા હતા જેથી એ તલવાર વાદળી રંગ જેવી દેખાવા લાગતી. એની ચમક એકદમ વધી જતી કેમકે નેનોકણ ચમક વધારવાનો ગુણ ધરાવે છે. ગ્રીસમાં અને ઈજીપ્તમાં પણ જુના સમયમાં નેનોકણનો ઉપયોગ કોઈ પણ ચીજની સપાટી ચમકવા માટે થતો હતો.
પણ મદારીઓના પૂર્વજોએ વિકસાવેલી એ ધાર્મિક રીત ખડગને વજ્ર સમાન બનાવી નાખતી હતી કેમકે નેનોકણ પર ન્યુટનના કે ભૌતિક વિજ્ઞાનના સામાન્ય નિયમો લાગુ પડતા નથી અને એ તલવારો અલગ જ ગુણધર્મ ધરાવતી ધાતુની બની જતી જેને એ મદારીઓએ વજ્ર ખડગ નામ આપ્યું હતું.
મદારીઓ ધર્મ પાછળના એ વિજ્ઞાનથી અજાણ એમના પૂર્વજોએ ૨૦૦૦ વર્ષો પહેલા વિકસાવેલી એ ટેકનોલોજીને જાળવીને બેઠા હતા. એ તલવાર પણ તેઓ પાતાળ ઝરણા પાસેની ટનલની વર્કશોપમાં એક અલગ જ રીતથી બનાવતા હતા. તેઓ તલવાર બનાવતી વખતે એમાં કાર્બનને બહોળા પ્રમાણમાં ભેળવી દેતા હતા જેથી એ તલવારોની ધાતુ એકદમ અલગ અને મજબુત બની જતી હતી. એમને ખબર પણ નહોતી કે તેઓ દમાસ્કસ નામનું સ્ટીલ બનાવી જાણતા હતા.
*
હું બેભાન અવસ્થામાં મણીની શક્તિથી એ જોઈ શકતો હતો. હવે મારું મન એ બધી હકીકતો સમજી શકતું હતું હું જાણતો હતો કે નેનોટેકનોલોજી શું છે? એનો ઉપયોગ શું છે?
એ બાબત પાછળથી લોકોના ધ્યાનમાં આવી હતી. ૧૯૯૬માં નોબલ પ્રાઈઝ મેળવનાર રોબર્ટ ફ્લોય્ડ કાર્લે જાહેર કર્યું હતું કે ભારતીય લોકો તેમના હથિયાર બનાવવામાં અને ચિત્રોમાં નેનો ટેકનોલોજીનો ઉપયોગ અજાણ્યે જ કરી જાણતા હતા. ભારતીય ક્રાફ્ટમેન નેનો ટેકનોલોજીનો ઉપયોગ કરી વુત્ઝ અને દમાસ્કસ સ્ટીલ બનાવી જાણતા હતા.
મેં કોલેજ માટે પ્રોજેક્ટ તૈયાર કરવા આ બધી માહિતી વાંચી હતી. ૧૯૫૨માં રસિયન વિજ્ઞાનીકોએ ટીપું સુલતાનની તલવાર પર અને અજંતાની ગુફાના ચિત્રો પર કાર્બનના નેનોકણની હાજરીનો પુરાવો નોધ્યો હતો. ત્યાં એમણે કાર્બન નેનો ટ્યુબની હાજરી પણ નોધી હતી જે સીલીન્ડરલ ફૂલરીન્સ હોવાને લીધે એ તલવારમાં એક્સ્ટ્રા ઓર્ડીનરી સ્ટ્રેન્ગ્થ હતી. એ તલવારમાં ટેન્સિલ સ્ટ્રેન્ગ્થ અને ઈલાસ્ટીક મોડ્યુલ્સ હતા.
પરંતુ અફસોસ કે એ ૧૭૭૦નો સમય હતો એ સમયે દુનિયા એ ટેકનોલોજીથી અજાણ હતી. નાગપુર રાજ પરિવાર માટે એ મદારી કબીલો વજ્ર ખડગ અને વજ્ર કવચ બનાવી રહ્યા હતા, એ કવચનો પુરતો જથ્થો તૈયાર થઇ જાય પછી ગોરાઓનો કોઈ ભય રહે એમ ન હતો કેમકે એમની બંદુકની ગોળીઓ એ વજ્ર કવચને ભેદી શકે એમ ન હતી.
*
સત્યજીતની સવારી ઘેરા જંગલમાં દાખલ થઇ. લીલાછમ, ઊંચા અને તોતિંગ વ્રુક્ષો ચારેય તરફ ઘેરાયેલા હતા. એણે મનોમન ઇન્દ્રદેવને પ્રાર્થના કરી કે હથીયારો લીલા પહાડ સુધી પહોચાડવામાં કોઈ આફત ન નડે પણ કદાચ આજનો દશેરો કઈક અલગ જ હતો.
ઇન્દ્રદેવે એની પ્રાર્થના ન સાંભળી હોય એમ એકાએક એને બંદુક ફૂટવાનો ધમાકો સંભળાયો. જંગલમાં તેનો પડઘો પડ્યો. પક્ષીઓ ઉડ્યા અને પાંખોનો ફફડાટ કાન સુધી આવ્યો.
સત્યજીત અને સુરદુલની આંખો નવાઈથી પહોળી થઇ ગઈ. એ શકય ન હતું. એ દિવસે જંગલમાં સિપાહીઓ ન હોઈ શકે તો એ ધમાકો શેનો?
“પિતાજી...” સત્યજીતે સવારી રોકી અને બગીમાંથી છલાંગ લગાવી નીચે ઉતર્યો, “આપ સવારીને રસ્તાથી હટાવી ઝાડીઓમાં છુપાવો, હું અવાજની તપાસ કરી આવું..”
“હા, તું જા...” સુરદુલે પોતાની કમર પરથી નીકાળી વજ્ર ખંજર એની તરફ ઊછાળી તેની આંખોમાં જોઇને ઉમેર્યું, “જે કોઈ હોય જીવિત ન જવા જોઈએ.. આ રહસ્ય અનમોલ છે.”
“જી પિતાજી..” સત્યજીતે વજ્ર ખંજર કમરે ભરાવ્યું અને સવારી સાથે જોડેલા પોતાના ઘોડા વાયુને છૂટો કરી એના પર સવારી કરી.
“કોઈ આ રહસ્ય સુધી પહોચવું ન જોઈએ...” સુરદુલના અવાજમાં ગુસ્સો અને ગભરાહટ હતા, “નાગપુરની આઝાદી એના પર આધાર રાખે છે..”
“જી પિતાજી..” સત્યજીતે કહ્યું, તેની કાળી ધોતી સહેજ ખેંચીને બેઠક બરાબર લીધી અને ઘોડો અવાજની દિશામાં મારી મુક્યો. એ જાણતો હતો કે માત્ર નાગુપુર જ નહિ પણ આખા હિન્દની આઝાદી કદાચ એ રહસ્ય પર નિર્ભર કરતી હતી.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky