Swastik - 29 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 29)

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 29)

રાજમાતાના વિશ્વાસુ જગદીપ અને અરજીતની આગેવાની હેઠળ ત્રીસેક જેટલા સિપાહીઓ રાજમહેલથી આયુધ લઇ ભેડાઘાટ પરના નાગમંદિરે પહોચ્યા ત્યારે મીરાંમાંની પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી. મીરામાંને દેવી માનનારા અનેક લોકો ત્યાં એકઠા થયેલા હતા.

“લોકો આયુધ પુજાના દિવસે રાજ મહેલમાં સ્વાદિષ્ઠ ભોજન અને સુંદર વાતાવરણ છોડી અહી આવતા હશે..” અરજીતની પાછળ ચાલતા એક સિપાહીએ કહ્યું, “મને એમની મૂર્ખાઈ પર હસવું આવે છે.”

“ચુપ કર મુર્ખ..” અરજીતે પાછળ ફર્યા વિના જ કહ્યું, “એનું ધતિંગ આપણા માટે ફાયદાકારક છે. એ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચી રાખે છે.”

સિપાહી કઈ બોલ્યા વિના ખામોશ થઇ ગયો. એ રાજના વફાદાર સિપાહીઓમાનો એક હતો માટે જ મહેલ પર ન આવનારા એ મીરામાંના ભક્તો પર એને ગુસ્સો હતો પણ સાથે સાથે મીરામાં કેટલી ઉપયોગી હતી એ પણ એને ખબર હતી.

મીરામાં બધાનું ધ્યાન પોતાના પર દોરી રાખતી હતી. એ પોતાનું નામ અને કમાણી બનાવવા માટે હતું પણ એને ખયાલ નહોતો કે એના ધતિંગની આડશમાં રાજ સિપાહીઓ કોઈ પણ ભપકા વિના સામાન્ય હથિયારો સાથે છુપાવેલ વજ્ર ખંજર નાગદેવતાના ચરણોમાં મૂકી એની પૂજા કરી જતા હતા. એ બાબત ત્યાં ઉભેલા અંધ ભક્તોના ધ્યાનમાં પણ ન આવતી. કેમકે એમની આંખો એ અલગ પડતા હથિયારની ચમકને બદલે મીરામાંના ધતિંગ પર વધુ રહેતી. એમને રાજ પરિવાર અને ભગવાન કરતા પણ મીરામાં પર વધુ ભરોષો રહેતો.

અરજીત અને જગદીપના સિપાહીઓ ભેડા ચડીને આવ્યા હતા. એ તાલીમ પામેલા લોકોમાંથી કોઈના ચહેરા પર થાક ન હતો છતાં અરજીતે બધા એકદમ થાકી ગયા હોય એવો ડોળ કરી બધાને મંદિરના બહારના ભાગમાં વિસામો લેવા રોક્યા.

“રાજના સિપાહીઓ આયુધ પૂજા માટે આવ્યા છે...” મીરામાંની એક ચેલી મીરામાં નજીક જઈ એમના કાનમાં કહી આવી.

“એમના માટે પાણીની વ્યવસ્થા કર..” મીરામાંએ એના કાનમાં ફૂંક મારી.

“જી માતેય..” એ પાછી ફરી બહારની તરફ જવા લાગી.

“જસી...” મીરામાંનો અવાજ સાંભળી એ ચેલી ઉભી રહી ગઈ.

“જી મા..”

“મૃણાને કહે પૂજાની તૈયારીઓ કરે અને રક્ષાને તારી સાથે સેવા કાર્યમાં જોડજે..”

જસી માથું નમાવી ફરી બહારની તરફ જવા લાગી. ત્યાં ઉભેલ લોકોના અડકી જવાથી પણ જાણે એ યુવાન ચેલી અપવિત્ર થઇ જવાની હોય એમ લોકો આઘાપાછા ખસી ગયા અને જસી એમના વચ્ચે બનેલા રસ્તાને પાર કરી બીજી તરફ જવા લાગી.

જે સામાન્ય લોકો મીરામાંને બહુ માનતા હતા એમના માટે તો મીરાંમાંની ચેલીઓ પણ દેવીઓ હતી. કેટલાક તો એની તરફ બે હાથ જોડીને ઉભા રહ્યા હતા. જસી પણ જાણે ભવિષ્યમાં મીરામાંની ગાદી સંભાળવાની તાલીમ લઇ રહી હોય એમ બધાને આશીર્વાદ આપતી એ પૂજા માટે સામાન તૈયાર કરતી યુવતીઓ પાસે પહોચી.

“મૃણા, રાજ સિપાહીઓ આયુધ પૂજા માટે આવ્યા છે.. એમની સેવામાં ચાલ..” જસીએ પોતે મીરામાં પછી મુખ્ય હોય એમ કહ્યું.

મૃણા માથું નમાવી ઉભી થઇ.

“અને રક્ષા...” જસીએ બીજું ફરમાન કર્યું, “તું પૂજાની તૈયારીઓ કર..”

“જી..” રક્ષાએ હાથમાંના વાસણને સફેદ સુતરાઉ કપડાથી લૂછતાં કહ્યું. એ પાત્ર ખાસ્સું એવું મોટું હતું.

“મહા પ્રસાદ તૈયાર કરો..” જસીએ ત્રીજું ફરમાન આપ્યું અને રક્ષાનો જવાબ સાંભળ્યા વિના જ હાથમાં પાણી માટેનું પાત્ર લઇ બહાર નીકળી ગઈ. મૃણા પણ એની પાછળ બીજું જળપાત્ર લઇ બહાર ગઈ.

રક્ષાએ ચાલુ કામ પૂરું કર્યું, ત્યાં બેઠેલી બીજી બે યુવતીઓને મહાપ્રસાદ લાવવા કહ્યું. એ યુવતીઓ મહાપ્રસાદ લઇ આવી ત્યાં સુધીમાં રક્ષાએ તાંબાની એક ચકચકતી થાળી ફૂલોથી ભરી રાખી હતી.

“આ થાળી મીરામાં સુધી પહોચાડો એટલે પૂજા શરુ થાય..” બંને યુવતીઓએ મહાપ્રસાદનું પાત્ર નીચે મુક્યું એ સાથે જ રક્ષાએ કહ્યું.

“જી..” બેમાની એક યુવતીએ થાળી હાથમાં લીધી અને મંદિરના ગર્ભ ગૃહ તરફ જવા લાગી. લોકોએ એને પણ મીરામાં સુધી પહોચવા માટે આદર પૂર્વક માર્ગ બનાવી આપ્યો.

“અને તું ત્યાં જઈ બધા દીવા પ્રગટાવી આવ...” રક્ષાએ બીજી યુવતીને કહ્યું, “મીરામા ક્યારે દેવતાને પોતાના શરીરમાં બોલાવી લે નક્કી ન કહેવાય... એ સમયે દીવા ઝળતા હોવા જરૂરી છે..”

“જી..” એ યુવતી પણ ગર્ભ ગૃહ તરફ રવાના થઇ.

રક્ષાએ એક નજર બહારની તરફ કરી જસી અને મૃણા બહાર સિપાહીઓને પાણી પાવામાં વ્યસ્ત હતી, મંદિરમાં રહેલી ભીડનું ધ્યાન મીરામાં પર જ હતું. બંને યુવતીઓ પોત પોતાને સોપાયેલા કામમાં વ્યસ્ત હતી.

રક્ષાના હોઠ પર એક સ્મિત ફરક્યું. પોતાના વસ્ત્રોમાં છુપાવેલ એક પોટલી નીકાળી એમાંની ભભૂત કોઈ ન જુવે એમ મહાપ્રસાદમાં ભેળવી દઈ એ ફરી પૂજાની તૈયારીઓમાં લાગી ગઈ. તૈયારીઓ પૂરી કરી એ મહાપ્રસાદ ઢાંકી રહી ત્યાં સુધીમાં પેલી બંને યુવતીઓ પછી ફરી.

“મીરામાંના શરીરમાં નાગદેવતાનો પ્રવેશ થઇ ચુક્યો છે..” ફૂલોની થાળી લઇ ગઈ હતી એ યુવતી ગભરાયેલા અવાજે બોલી એના પરથી લાગતું હતું કે કદાચ એ નવી જ જોડાયેલી ચેલી હતી, “દેવતાની સેવા માટે જસી, મૃણા અને આપને બોલાવાયા છે..”

“હા, તું જસી અને મૃણાને મોકલ અને મહાપ્રસાદનું ધ્યાન રાખ હું ત્યાં પહોચી..” કળશમાં પાણી ભરી એ ગર્ભગૃહ તરફ દોડી.

જરાક દુર જઈને એના ચહેરા પર આવેલી બનાવટી ચિંતાની રેખાઓ ભૂંસાઈ ગઈ. હવે ફરી ક્યારેય મીરામાં એમના શરીરમાં દેવતાના આગમનનો ઢોંગ નહિ કરી શકે. એ મનોમન બબડી.

રક્ષા જયારે ગર્ભગૃહમાં પહોચી એક યુવતી હજુ દીવા પ્રગટાવવા વ્યસ્ત હતી.

આ રક્ષાએ એવો દાવ રમ્યો છે કે મીરામાંની રક્ષા હવે આ દીવા નહિ કરી શકે. એના આસનની માલિક હું બનીશ બહુ જ જલ્દી. રક્ષાએ પોતાના ચહેરા પરની ખુશી પરથી એના વિચારો કોઈ જાણી ન જાય એ ડરે ચહેરા પર ચિતા અને ડરની લાગણી લાવી. ત્યાં ઉભેલા અન્ય લોકો જેમ મીરામા સામે બે હાથ જોડી ઉભી રહી.

મૃણા અને જસી પણ ગર્ભગૃહમાં દાખલ થઇ ચુક્યા હતા. એમની પાછળ અરજીત અને રાજના કેટલાક સિપાહીઓ પણ દરેક દશેરાની જેમ આ દશેરે પણ મીરામાના ધતિંગ જોવા હાજર થઇ ગયા. જોકે એમને ખબર ન હતી કે આજનું ધતિંગ કઈક અલગ પરિણામમાં ફેરવાઈ જવાનું હતું.

અરજીત ચેહેરા પરના ગુસ્સાના ભાવને છુપાવતો નાગદેવતાની મૂર્તિ સામે જમીન પર બેસી દીવો પ્રગટાવતી મીરામાને જોઈ રહ્યો. બસ ક્યારે હવે એના ધતિંગ ચાલુ થાય અને લોકોનું ધ્યાન એ તરફ ભટકે. અરજીતે મોનોમન વિચાર્યું.

એક બાદ એક મૃણા, જસી અને રક્ષા મીરામા પાસે ગોઠવાઈ ગયા અને દીવા પ્રગટાવવામાં એમની મદદ કરવા લાગ્યા. એમણે ભેગા મળી એકવીસ દીવડા પ્રગટાવ્યા. મદદનીશો આવતા જ મીરામાએ દીવાનું કામ એમને સોપ્યું અને પોતાના હાથમાં એક ત્રાંબાની ટકોરી લઇ એ વગાડવાનું શરુ કર્યું.

મૃણાએ મૂર્તિની સામે કપૂર સળગાવ્યું. મીરામાએ મૃણા અને જસીના કપાળ પર તિલક ખેચ્યું અને કંકુની નાનકડી વાટકી રક્ષાના હાથમાં આપી. રક્ષા એમના પછી બીજા ક્રમે હતી. રક્ષાએ જમણા હાથની ત્રીજી આંગળીના ટેરવાને કંકુમાં બોળી મીરામાના કપાળ પર એક રક્ષા તિલક ખેચ્યું.

સામાન્ય લોકોના મત મુજબ એ રક્ષા તિલક દેવતા શરીરમાં પ્રવેશે ત્યારે શરીરને દેવતાની પ્રચંડ શક્તિથી બચાવવા માટે હતું. તિલક ખેચતાની સાથે જ મીરામાએ એકદમ ચોકાવી નાખે એવી ચીસ પાડી અને બીજી જ પળે એનું આખું શરીર ધ્રુજવા લાગ્યું.

મૃણાએ મીરામાના હાથમાંથી પડી ગયેલી ટકોરી લઇ એ વગાડવા માંડી. રક્ષા અને જસી દેવતાના વખાણ કરતુ ગીત એક અજબ શુરમાં ગાવા લાગ્યા. એ ગજબ ગીતનો અવાજ આખા મંદિરમાં ગુંજવા લાગ્યો. ત્યાં ઉભેલા લોકોના મોમાંથી નાગદેવતાની જય.. મીરામાની જયના નાદ ગુંજી ઉઠ્યા. મીરામાંના મૃત પતિની પણ લોકો જય બોલાવવા લાગ્યા.

કદાચ એ દશ્ય કોઈ સામાન્ય વ્યક્તિ માટે ડરાવનારું હતું પણ ત્યાં ઉભેલા અંધ ભક્તોને એની આદત પડેલી હતી. શરીરને ધ્રુજાવતા ધ્રુજાવતા મીરમાએ એમની સામે પહેલેથી લાવીને ગોઠવેલી સાંકળ પોતાના બરડા પર ઝીકી અને એક ભારે ચીસ પાડી.

અરજીતે નફરતથી સ્મિત વેર્યું હવે સમય થઇ ગયો હતો. મીરામાંના ધતિંગ ટોપ પર પહોચવાની તૈયારીમાં હતા. અરજીત અને એના સિપાહીઓ મૂર્તિ તરફ જવા લાગ્યા. મીરામા સમયના પાબંધ હોય એમ એકાએક ચીસ પાડી ઉભા થઇ ગયા. અને તેમની સાથે મૃણા, જસિ અને રક્ષા પણ ઉભી થઇ ગઈ. રક્ષા એમની રક્ષા માટે ટોકરી વગાડતી જ રહી પણ એ જાણતી હતી કે મીરામાને આવનારી ઉપાધિથી એ ટોકરી બચાવી શકે એમ ન હતી.

અરજીત એ બધાથી હવે કંટાળી ગયો હોય એમ નાગદેવતાની મૂર્તિ તરફ જવા લાગ્યો. એની સાથે પાંચ સિપાહીઓ હથિયારોને લાલ રંગના મખમલી કપડામાં લઈને એની પાછળ મૂર્તિ સુધી પહોચ્યા. અરજીતે પુરા વિશ્વાસ સાથે નાગદેવની મૂર્તિને વંદન કર્યા. એ નાગદેવમાં અનંત વિશ્વાસ ધરાવતો હતો પણ મીરામા જેવા લોકોની હકીકત સમજી શકતો હતો. એ ત્યાં ઉભેલ સામાન્ય લોકો જેમ અંધ ન હતો.

જગદીપ અને બાકીના સિપાહીઓ મંદિર બહાર નજર રાખતા ઉભા રહ્યા.

“હે નાગદેવતા.... અમને કઈક આશીર્વાદ આપો..”

“જય મીરામા... કૃપા વરસાવો..”

લોકોનો શોર છેક બહાર જગદીપના કાન સુધી પહોચતો હતો. એણે ગુસ્સે થઇ અંદરની તરફ એક નજર કરી.

કેટલા મુર્ખ લોકો? પોતાની સામે ઉભેલી સ્ત્રીને તેઓ નાગદેવતા સમજી વરદાન માંગે છે. અને કેટલાક એને મીરામાં સમજી એની કૃપા ઈચ્છે છે. શું આવા લોકોની આંખો પર પટ્ટી બંધાયેલી હશે? જો એ લોકોની આડશમાં વજ્ર ખંજરની પૂજા ન થતી હોત તો હું આ ધતિંગ બંધ કરાવી નાખત. જગદીપે વિચાર્યું પણ એ જાણતો હતો એ વિચાર લૂલો હતો. રાજને કદાચ એ ઢોગી ઓરતની કોઈ જરૂર ન હતી. પૂજા માટે કોઈ બીજો સલામત રસ્તો શોધી શકાય એમ હતો પણ મીરામાના હજારો અંધ ભક્તોનો વિરોધ એ સમયે રાજ પરિવાર માટે જોખમી હતો કેમકે પ્રજાને સહારે જ ગોરાઓને તગેડી મુકવાના હતા.

જ્યાં સુધી પ્રજા આવા ઢોંગને સમજતી નહી થાય આઝાદીનો શો મતલબ? જગદીપે પોતાના મનમાં આવતા વિચારોને દુર ભગાવવાનો પ્રયાસ કર્યો પણ એ વિચારો એને ચેનથી ઉભો રહેવા દેતા ન હતા. અંદર મીરામા આવેશમાં આવી ધુણવા લાગ્યા હતા. જ્યાં સુધી લોકો એમના પગ સ્પર્શ કરવામાં અને એમનો જયનાદ કરવામાં વ્યસ્ત રહ્યા ત્યાં સુધીમાં અરજીત અને એના સિપહિઓએ સામાન્ય હથિયારની સાથે વજ્ર ખગડ નાગદેવતાના ચરણે ધરી ભવિષ્યની ગોરાઓ સામેની લડાઈમાં જીત મળે એવી પ્રાર્થના કરી લીધી હતી.

કેટલું અજીબ હતું? રાજ પરિવાર બંને તરફ ગુલામ હતો - ગોરાઓનો અને દેશી લોકોનો પણ. મીરામા જેવાને વેઠવા પડે અને પોતાના જ રાજ્યના એક મદિરમાં ચોરની જેમ વજ્ર ખડકની પૂજા કરવી પડે એનાથી વધુ કંગાળ દિવસો કયા હોઈ શકે?

જગદીપનું મન ગુસ્સાથી ધૂંધવાઈ ગયું. એણે રાણા પ્રતાપ જેવા વીરોને યાદ કર્યા. શું એમની હાલત પણ એવી જ ન હતી? એમને પોતાના રાજને છોડી જંગલોમાં ભટકવું પડતું હતું. કેટલાય હિંદુ રાજાઓ અકબર સાથે ભળી ગયા હતા. મા ભોમની રક્ષા માટે નીકળેલા વીરોનો સાથ આપવા કોણ તૈયાર થયું હતું?

મુઠ્ઠીભર વીર પુરુષો!

અહી નાગપુરની હાલત પણ એ જ હતી.

કંપની શાસન સામે કોઈ માથું ઊંચકવા તૈયાર ન હતું. કમ-સે-કમ વજ્ર ખડગ અને એવા હથિયારોનો પુરતો જથ્થો એકઠો ન થઇ જાય ત્યાં સુધી તો નહી જ અને એ માટે કેટલાય દશેરાની રાહ જોવી પડે એમ હતી.

“પ્રસાદ..” રક્ષાના અવાજે એને વિચારો બહાર લાવ્યો. જગદીપે પ્રસાદ હાથમાં લઈ માથું નમાવી પ્રસાદ મોમાં મુક્યો.

મીરામા હવે થાકી ગઈ હતી. એણે દેવતાને રજા આપી દીધી હતી અને મૂર્તિ સામે જમીન પર બેઠી હતી.

“મૃણા બહાર બધા સિપાહીઓને પ્રસાદ આપી આવો..”

“જી માતા..” મૃણા અને એક બીજી યુવતી પ્રસાદનો થાળ લઇ બહાર નીકળ્યા.

“પ્રસાદ..” બહાર ઉભેલા જગદીપે અવાજની દિશામાં જોયું. એક યુવતી હાથમાં થાળ લઈને ઉભી હતી અને બીજી યુવતી એને પ્રસાદ ધરી રહી હતી. જગદીપે પ્રસાદ હાથમાં લીધો અને મોમાં મુક્યો. એ ઢોંગનો વિરોધી હતો. ભક્તિનો નહિ. ભગવાનને પ્રસાદ કરી લોકોમાં વહેચવી, શ્રધ્ધા પૂર્વક દીવા આરતી કરવી એ બધું એ માનતો હતો પણ મીરામાં અને એવા બની બેઠેલા ભગવાન પ્રત્યે એને નફરત હતી.

એ બંને યુવતીઓએ બાકીના સિપાહીઓને પણ પ્રસાદ આપી બધાએ માથે લગાવી એ પ્રસાદ મોમાં મૂકી. અંદર બધા સિપાહીઓ પણ એ પ્રસાદ લઇ ચુક્યા હતા. એમાં ભેળવેલી ભભુતથી ખુદ મીરામા પણ અજાણ હતી. જોકે મીરામા એ દિવસે દેખાવ ખાતર પણ ઉપવાસ કરતી માટે પ્રસાદ લીધો ન હતો. એમની બધી ચેલીઓ પણ ઉપવાસ પર હતી. આમ પણ ઉપવાસ ન હોય તોય એક ચેલી તો એ પ્રસાદ ન જ લેત કેમકે એ રહસ્ય એ જાણતી હતી.

ત્યાં ઉભા લોકો ખુશ થાય એ માટે અરજીતે રાજમાતાએ મોકલાવેલ સો જેટલા ચાંદીના સિક્કા મીરામાના પગ પાસે ઢગલો કર્યા. મીરામાએ અરજિતને અને રાજ પરિવારને આશીર્વાદ આપ્યા. બધા લોકોએ પણ રાજમાતાની જય બોલાવી.

કેટલા મુર્ખ લોકો? અરજીતે વિચાર્યું.

મીરામા માટે ભેટ ન મોકલી હોત તો રાજ પરિવારની જય બોલવાની પરવા કોઈ ન કરત. રાજ પરિવાર ક્યારેય એવી પોકળ જયની ઈચ્છા રાખતો નહિ પણ એ સમય લોકોને સાથે લઈને ચાલવાનો હતો યેન કેન પ્રકારેણ.

અરજીત અને બીજા સિપહિઓએ કમને મીરામાના ચરણ સ્પર્શ કર્યા અને હથિયારો સાથે મંદિર બહાર નીકળી ગયા. બહાર બધું સલામત છે એની ખાતરી જગદીપે આપી અને એ સાથે જ એ ત્રીસેક સીપહીઓનું ટોળું એમના બે આગેવાનો સાથે ભેડા ઉતરવા લાગ્યું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky