બિંદુ સત્યજીત અને સુરદુલને લઈને પાછળને બારણેથી અંધકારમાં વિલીન થઇ ગઈ. એ ગુપ્ત માર્ગ હતો. એક અંધારિયો કોરીડોર, બસ ક્યાય ક્યાંક માટીના દીવા સળગતા હતા. પણ એ રોશની બહુ ઝાંખી હતી. ત્યાના વાતાવરણને અનુકુળ ઉજાસ હતો. ગલીમાં અત્તર સાથે દીવામાં બળતા તેલની વાસ ભળેલી હતી.
એક રૂપક હતું. જેમ એ સ્વર્ગ જેવી ઝાકમઝોળવાળી જગ્યાએ નરકની પાશવીયતા ભળેલી હતી એમ જ મોગરાના અત્તરની સુવાશમાં તેલના બળવાની વાસ ભળેલી હતી. દીવાઓ પર ધુમાડો સર્પાકાર ઘૂમરી લઇ થોડેક સુધી ઉપર જઈ અદ્રશ્ય થઇ જતો હતો.
એ અંધારી ગલીના બંને તરફ હારબંધ ઓરડીઓ હતી જે ઝાંખા અજવાળામાં પણ ફૂલોથી સજાવેલી લાગતી હતી. દરેક ઓરડી એ જ નર્કના અલગ અલગ રૂપોનું પ્રતિનિધિત્વ કરતી હોય એવી દેખાઈ રહી હતી.
“પૃથ્વી પરનું નર્ક....” બિંદુએ હળવા સુરે સત્યજીતને કહ્યું.
“હવે લાંબો સમય નહિ ટકે..” સત્યજીતની આંખોમાં અને અવાજમાં કોઈ નિર્ણય લઇ લીધો હોય એવી મક્કમતા હતી.
પરસાળ પૂરી થતા એક દરવાજો આવ્યો, બિંદુએ તેની પાતળી કમર પર લટકતા ઝૂડામાંથી ચાવી નીકાળી એ ખોલ્યો. મધુએ સત્યજીત અને સુરદુલ ન જુવે એમ એ ઝૂડો એની કમર પર ખોસી નાખ્યો હતો. એ પાપી દુનિયાની એક રસમ હતી. ત્યાં માલિકો ગુલામ છે એવું બતાવવામાં આનંદ અનુભવતા.
તેઓ દરવાજો ખોલી અંદર દાખલ થયા. બિંદુએ દરવાજો બંધ કર્યો પણ લોક નહિ, દરવાજો અંદરથી લોક કર્યો હોય તો પણ બહારથી ખુલી શકે એમ હતો.
દરવાજામાં પ્રવેશતા જ જાણે દુનિયા બદલાઈ ગઈ. બહાર જે ઝાકમઝોળ હતી એ સામાન્ય માણસો માટે હતી. ગોરાઓ અને ખાસ વેપારીઓ માટે અંદર અલગ જ વ્યવસ્થા હતી. એમના પગ જાણે જમીન પર નહિ ફૂલો પર હોય એવી નરમ શેતરંજી જમીન પર બિછાવેલી હતી. ચારે તરફ મોગરા, કેવડા અને એવા કેટલાય એક્ઝોટીક ફૂલોની સુવાસ ફેલાયેલી હતી. અંદર ઉજાસ માટે પણ અલગ વ્યવસ્થા હતી, મોટી લાલટેનો પી શકે એટલું ઘાસતેલ પી પોતાનાથી શક્ય એટલો ઉજાસ ફેલાવી રહી હતી. એમના ઉજાસમાં દીવાલો અને પીલ્લરો પર કરેલા કોતરણી કામના નમુના દેખાતા હતા જે અનેક પાશવીય શિલ્પો રચી રહ્યા હતા.
કોણ જાણે કઈ રીતે માનવ એને કળા અને કારીગરીનો નમુનો કહી શકતો હશે? સત્યજીતે વિચાર્યું. જાણે આખો કામસૂત્ર ગ્રંથ ત્યાં લખી નહિ પણ કોતરી કાઢવામાં આવ્યો હોય એમ ઠેક ઠેકાણે કામાંસનો દર્શાવતી પ્રતિમાઓ અને મૂર્તિઓ ફાનસોના અજવાળામાં જીવંત લાગતી હતી.
માનવમાં જ શેતાન છુપાઈને બેઠો છે એ વાક્ય સત્ય હોય એવી લાગણી સત્યજીતને થઇ. પણ એ બાબતે એ કર્ણિકા અને મલિકા પર પોતાનો રોષ ઠાલવી શક્યો નહિ કેમકે એ ગંદકી તો આસપાસના દરેક સ્થળે ફેલાયેલી હતી. રાજાઓના ગંદા માનસપટ પરની ગંદકી તો એમણે શ્રેષ્ઠ કહી ગણાતા એવા મંદિરો અને ધાર્મિક ગુફાઓની ભીતો પર પણ કોતરાવી હતી.
કામસુત્ર ગ્રંથના શ્લોકો ઠેક ઠેકાણે લખેલા હતા.
એ પુસ્તકને કોઈ ગ્રંથ કઈ રીતે કહી શકે?
શું એ પુસ્તક બન્યા પહેલા લોકો એનાથી અજાણ હતા?
ના, એ ચીજ કુદરતે માનવમાં જન્મજાત મૂકી હતી પણ દુનિયાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે. પણ હવે એ માત્ર ક્ષણિક આનંદની ચીજ બની ગઈ હતી. જે જીવન ઉત્પન્ન કરનાર સંગીત હતું એ હવે માત્ર હાડકાના ખખડાટ અને પશુતા સિવાય કઈ અર્પી શકતું ન હતું. એ જીવનના અસ્તિત્વની ચીજ ન રહેતા આનંદની ચીજ બની ગયું હતું.
એ ઉપયોગનું સંગીત ભોગનું ગીત બની ગયું હતું અને એનું કારણ એવા પુસ્તકો હતા. સત્યજીતે એ વિચારોને ખંખેરી નાખ્યા. પોતે જે કામ પર આવ્યો હતો એ વિશે વિચારવા લાગ્યો - કેપ્ટન ઓબેરી.
પશુતાને પરમેશ્વર સાથે સ્થાન આપી દેનારા એ ઠગારા ચિત્રીને ભાંડતો સત્યજીત બિંદુની પાછળ એક મોટા ખંડમાં દાખલ થયો.
સુરદુલ સમય સાથે ધડાયેલ વ્યક્તિ હતો. એ પશુતા એના મનને ચલિત કરી શકી ન હતી. એનું મન એના અસલ લક્ષથી એક પળ માટે પણ ચલિત થયું નહી. કદાચ એટલે જ વૃદ્ધ હોવા છતાં એ સત્યજીત સાથે આવ્યો હતો.
“માતા, સોદાગર માલદેવ આપણી મહેમાન ગતિ માણવા આવ્યા છે..” બિંદુએ ખંડમાં પ્રવેશતા જ મધ્યે બનાવેલ આસન પર બેઠેલી ચાલીસેકની અર્ધ નગ્ન ઓરતને કહ્યું.
માતા..! એવી ઓરતો માટે આ સંબોધન વાપરવું એ મહાન શબ્દનું અપમાન ન હતું? ફરી સત્યજીત અલગ વિચારે ચડી ગયો. એણે વિચારોને ફંગોળી ખંડનું નિરક્ષણ કરવા માંડ્યું. ખંડમાં ઉજાસ માટે ફાનસને બદલે પીતળથી મઢેલી મશાલો દીવાલો ઉપર લગાવાયેલી હતી. એમના અજવાળામાં ખંડમાં નૃત્ય કરતી યુવતીઓના પડછાયા દીવાલ પર એમના પગની ગતિ કરતા પણ વધુ ઝડપે નાચી રહ્યા હતા.
સત્યજીતે એ યુવતીઓ તરફ એક નજર પણ ન કરી. એનું મન કઈક અલગ જ કરવાનું વિચારવા લાગ્યું. કેમ આજે કેપ્ટન હેનરી ઓબેરી સાથે આ નરકનો પણ નાશ કરીને ન નીકળું? તૈયાર મશાલો, બહાર ઘાસતેલથી ભરેલી ફાનસો, કમર પર છુપાવેલ પટ્ટા તલવાર, ફેકી શકાય એવા અસ્ત્રો, અને મનમાં એ બધું કરવાની તાલાવેલી – તીવ્ર ઈચ્છા.
શું ખૂટતું હતું?
હિમ્મત..!
એ મારામાં છે. સત્યજીતે નિર્ણય કરી લીધો હોય એમ ખંડના મધ્યમાં બેઠેલી ઓરત તરફ જોયું અને પછી એના પાછળના ભાગે પાસાની રમતમાં વ્યસ્ત ગોરાઓ અને હિન્દી વેપારીઓ તરફ નજર કરી. એ સ્થળે પણ ગોરાઓ સાથે એમના ગાર્ડસ હતા જ મતલબ ગોરાઓ પણ એવી ઊતરતી ઓરતોનો વિશ્વાસ કરતા ન હતા - ભલે ને એમની સાથે ભળેલી હોય.
મધ્યમાં આસન પર બેઠેલી ઓરતે ગજબ શૃગાર કરેલો હતો. એ પોતાની જાતને અપ્સરા સમજતી હોય એવા લાલિત્ય સાથેના ઘરેણા અને કપડામાં એ કોઈ મહારાણી હોય એમ શજીને બેઠી હતી પણ એની લોકોને પોતાનો દેહ બતાવવાની લાલશા એને કોઈ રાણીમાં ભળવા દે એમ ન હતી.
સુરદુલ એ ઓરતને જોઈ રહ્યો. એના દેહમાં કોઈ પણ પુરુષને વશ કરવા માટે પુરતું રૂપ હતું. એ કોઈ નોબેલમેનને જાળમાં ફસાવી શકે એમાં ખાસ કાઈ નવાઈ જેવું નહોતું પણ એની સામે સુરદુલ હતો. એ મદારી લડવૈયો જેનો માત્ર શરીર પર જ નહિ મન પર પણ પૂરો કાબુ હતો. કર્ણિકા અને મલિકા તો શું ખુદ મેનકા અને રંભા પણ એને તસુંભર ડગાવી શકે તેમ નહોતી. એનો ઇન્દ્રિયવશ અજબ હતો. કોઈ દેવતાની જેમ એનો દરેક ચીજ પર કાબુ હતો.
મલિકા પોતાનું સ્વર્ગની અપ્સરા જેવું રૂપ બતાવી ગમે તેને ભરમાવી શકે તેમ હતી. કોઈ પણ તેને અપ્સરા માની લેવા તૈયાર થઇ જાય પણ સુરદુલ સામે એના અધૂરા વસ્ત્રોએ એની અસલિયત છતી કરી દીધી.
એ ઓરત ઘડીભર સત્યજીત અને સુરદલને જોઈ રહી, સત્યજીતે પણ એની આંખમાં આંખ પરોવી. સત્યજીતની આંખોની જવાળા એનાથી સહન ન થઇ શકી હોય એમ એ નજર ફેરવી ગઈ પણ પોતાની અકળામણ છતી ન થઇ જાય એ માટે બીજી જ પળે શરણાઈ અને વીણા વગાડનારાઓ તરફ હાથનો ઈશારો કરી કઈક કહ્યું.
વિણા અને શરણાઈના એકઝોટીક શુર સમી ગયા.
“આપ વેપારી નહિ પણ રાજા છો..” મલિકા એના આસન પરથી ઉભી થઈ એમની નજીક સરકી. એ બંનેનું નખશીખ અવલોકન કરવા લાગી કે કદાચ એ લોકો પોતાનું નખશીખ અવલોકન કરી શકે એ માટે સમય આપવા લાગી પણ સત્યજીત કે સુરદલને બેમાંથી કોઈને તેની અર્ધી ઉઘાડી છાતી કે તેલ ઘસીને ચમકાવેલી કેડમાં રસ નહોતો. એ જાણતી ન હતી કે કઈક નામર્દ લોકો બિસ્તરને મર્દાનગી ગણે છે પણ તેનો પનારો આજે અસલ મર્દ પુરુષો સાથે પડ્યો હતો.
જો ત્યાં વાગતા કામ-રાગના સંગીત, એક્ઝોટીક શિલ્પો, વાંસળીથી છેડાયલા અશ્લીલ રાગો એમના મનને અસર ન કરી શક્યા હોય તો મલિકા શું ચીજ હતી? છતાં તેઓ મલિકાના રૂપને જોઈ અંજાઈ ગયા હોય એવો ડોળ કરવા લાગ્યા.
મલિકાને જયારે ખાતરી થઈ ગઈ કે બંને એના રૂપની જાળમાં ફસાઈ ચુક્યા છે એ બે કદમ પાછી હટી અને બંને હાથ ભેગા કરી તાળી પાડી. એના એ અવાજ સાથે જ પાછળનો પડદો હટ્યો અને એનાથી પણ વધુ સુંદર ઓરત બહાર આવી, એના વસ્ત્રો પણ મલિકા જેટલા જ નિર્લજ્જ હતા. એ આવી માથું નમાવી મલિકા સામે ઉભી રહી. તેના ગોળ ચહેરા ઉપર પાન ખાઈને લાલ કરેલા હોઠ ઉપર તે જાણે દુલ્હન હોય તેવી લજ્જા લાવવાની કોશિશ કરતી ઉભી રહી. ઓઢણી તેની અર્ધી ઉઘાડી છાતી ઉપર બે ત્રણ વાર ઢાંકી. સત્યજીતની એ પેતરાથી મનમાં હસવું આવી ગયું. કારણ તે એ રીતે ઓઢણી ઢાંકતી હતી કે વારંવાર પડી જાય અને એ ફરી ઢાંકે એટલે દેખનારનું તેના પર ધ્યાન જાય.
“સ્વામીનો પરિચય દેવ રમત સાથે કરાવ..”
સુરદુલ અને સત્યજીત એના શબ્દોનો ખરો અર્થ સમજી ગયા પણ મલિકા અજાણ હતી કે આજે એનો પનારો કોઈ કામાંધ વેપારી નહી પણ નાગપુર છેવાડે રહેતા બે જાદુગર મદારીઓ સાથે હતો.
“કર્ણિકા આપની સેવામાં હાજર છે..” કર્ણિકાએ વેપારી રૂપે આવેલા બંને તરફ જોઈ કહ્યું. ઘડીભર તે સત્યજીતની કાળી મૂછો, ભરાવદાર દાઢી, સામેવાળાને દજાડી નાખે તેવી આંખો, લાંબા અંબોડામાં બાંધેલા વાળ, ખુદ વેશ્યા પણ ખેંચાઈ જાય તેવું રૂપ જોતી રહી. પછી દેવ રમતના ટેબલ તરફ ચાલવા લાગી.
સત્યજીત, સુરદુલ અને બીદુ એની પાછળ ચાલ્યા. એ પોતાનું નામ બોલી ન હોત તો પણ તેઓ જાણતા હતાકે તે કોણ હતી.
“કર્ણિકા સ્વામી વતી પાસા ફેકી એમની સેવા કર..” મલીકાએ રમત ચાલુ થયા પહેલા જ એ જીતાઈ જાય એવું પાસું ફેક્યું. કર્ણિકા એ કામમાં માહિર હતી. એના રૂપજાળમાં ફસાયેલો વેપારી એના સોદર્યમાં વિલીન થઇ જાય એ સમયે કર્ણિકાના પાસા મામા શકુનીની રમત રમી લેતાં.
કંગાળ વેપારી જયારે કોઠા બહાર નીકળતો ત્યારે એની પાસે કર્ણિકાના રૂપની યાદો સિવાય કઈ ન હોતું. પણ આજે વાત અલગ હતી. એ એના જ ખેલમાં માત થવાની હતી. મૃદંગ, શરણાઈ, વાંસળી અને વિણાના આહલાદક શૂરો ફરી શરુ થઇ ગયા.
“સોદાગર માલદેવ અને ધનદેવ આજની રમતની શોભા વધારવા દુર દેશથી પધાર્યા છે..” કર્ણિકાએ ટેબલ પાસે જઈ કહ્યું, એમને ત્યાં સુધી દોરી જતી વખતે વિણાના શૂરો કરતા પણ ધીમા અવાજે પૂછ પરછ કરી એ એમના નામ જાણી ચુકી હતી જોકે એ બનાવટી હતા એની ગંધ એમને કોઈને આવી ન હતી.
બંને બાપ બેટો અભિનયમાં અવલ્લ નંબર હતા.
ત્યાં બેઠેલા અંગ્રેજ અને વેપારીઓએ દેશી ભાષામાં એમનું સ્વાગત અને નિરિક્ષણ કરી ટેબલ પર જગ્યા કરી આપી.
“સ્વામી કોના સાથે બાથ ભીડસો વેપારીઓ કે વિદેશીઓ...” કર્ણિકાએ પૂછ્યું.
સત્યજીત અને સુરદલ વિચારોમાં ડૂબી ગયા હોય એમ ઉભા રહ્યા, બિંદુ એમના ચહેરાને તાકી રહી. એ સમજી શકી નહી કે તેઓ ચાલાક હતા સામેથી કહેવા માંગતા ન હતા કે તેઓ ગોરાઓ એટલે કે ત્યાં બેઠેલા કેપ્ટન ઓબેરી સામે બેસવા માંગે છે.
“સ્વામી વેપારીઓ સામે તો વેપારમાં પણ બાથ ભીડો છો પણ આ...” કર્ણિકાએ શબ્દો અધર મુક્યા.
“કોઈ લાયક માણસ જોઈએ..” સુરદુલે ફાંટે ચડાવેલ સોનાના બિસ્કીટ જેવડા ટુકડા બહાર નીકળ્યા, એમનું વજન અડધો શેર જેટલું હશે.
કર્ણિકાની આંખો ચમકી ગઈ. એની લાલાશ સત્યજીત અને સુરદુલ છાની ન રહી. બીદુએ પણ એ નોધ્યું. કર્ણિકા સત્યજીતનો હાથ પકડી એને થોડેક દુર ખેચી ગઈ. તેમણે ટેબલ સુધી ન સંભળાય એમ કઈક ગુપસુપ કરી અને પાછા આવી સત્યજીત કેપ્ટન ઓબેરી સામે ગોઠવાયો, બિંદુ એની નજીક બેઠી અને બીજી તરફ કર્ણિકા ઉભી રહીં.
સુરદુલે એની પાછળના ભાગે જ ઉભા રહેવાનું પસંદ કર્યું. એ ખેલ એમની સામે રહેલો વ્યક્તિ ઓબેરી જ છે કે કેમ એ જાણવા જરૂરી હતો - આદિવાશીઓના કહ્યા મુજબ રેખાચિત્રો બન્યા હતા પણ ડરેલા આદિવાસીઓએ ઓબેરીનું બરાબર વર્ણન કરવામાં સફળતા મેળવી ન હતી - જોઈએ એટલી તો નહિ જ.
કર્ણિકા એ સત્યજીતને દુર લઇ જઈ હેનરીની અસલિયત આપી હતી. આમ તો ઓબેરીનો સ્કેચ સત્યજીત અને સુરદુલે જોયેલો હતો પણ એ સ્કેચ આદિવાશીઓ એ બનાવડાવ્યો હતો. એમણે જયારે ઓબેરીને જોયો ત્યારે ડરેલા અને ગભરાયેલા હતા. વળી રાતનો સમય હતો માટે એ સ્કેચ ઓબેરીના ચહેરાને બરાબર સમજાવી શક્યો ન હતો. ગફલતમાં ઓબેરીના બદલે કોઈ બીજાનું માથું ઉતારી લેવાય તો બધું નકામું જાય એમ હતું માટે જ સત્યજીતે અને સુરદુલે મલિકા અને કર્ણિકાને આબાદ ફસાવ્યા હતા. તેઓ જે રમતમાં પાવરધા હતા એ રમતમાં અડધી જીત તો સત્યજીતે ટેબલ પર બેઠા પહેલા જ મેળવી લીધી હતી.
કર્ણિકાએ ઇંગ્લેન્ડના રોઝવુડના લાકડામાંથી બનેલું બોક્ષ ટેબલ નીચેથી બહાર કાઢ્યું. બીદુની આંખો ચમકી, એ જાણતી હતી એમાં શું છે અને એનાથી કર્ણિકા શું કરી શકે છે.
કર્ણિકાએ બોક્ષ ખોલી એમાંથી પાસા નીકાળ્યા. પાસા પોતાના હાથમાં રોલ કર્યા, એમને એકબીજા સાથે ક્લીક કર્યા. સત્યજીતે સુરદુલ તરફ નજર કરી. સુરદુલે ત્રણ સોનાના બિસ્કીટ કાઢી એ સોનાના ટુકડા ટેબલ પર મુક્યા. ઓબેરીએ એની બાજુમાં ઉભેલા ગોરા તરફ નજર ફેરવી. એ ગોરાએ પોતાની કમરે બાંધેલી પોટલીમાંથી સાતેક જેટલા કીમતી મોતી ટેબલ પર મુક્યા.
“યોર વેગર ઇઝ નોટ ઈનફ..?” ગોરાએ સત્યજીત તરફ જોઈ કહ્યું, સત્યજીત એની એ જુબાન સમજ્યો નહી. બાપ બેટો અંગ્રેજી જાણતા હતા પણ ખપ પુરતું જ એમની રજીસ્ટ્રી માર્યાદિત હતી, યોર હાઈનેશ, લોર્ડ, કમ બેક, મુવ જેવા રોજીંદા શબ્દો જ તેઓ સમજી શકતા હતા.
“સ્વામી આપનો દાવ નીચો છે..” બિંદુએ નીચા નમી વિવેકના કાનમાં કહ્યું. બિંદુ ત્યાના શબ્દો સાથે ટેવાયેલી હતી.
સત્યજીતે ફરી સુરદુલ તરફ નજર કરી પણ એ પહેલા સુરદુલે ટેબલ પર બીજા તરફ સોનાના મીઠાઈ જેવડા ચોસલા મૂકી દીધા હતા. ગોરાની આંખો એ સોનાના ચોસલાનું કદ જોઈ ચમકી.
“શેલ વી સ્ટાર્ટ..?” એણે કર્ણિકા તરફ જોઈ કહ્યું.
કર્ણિકાએ પાસા હાથમાં થોડોક સમય રમાડ્યા, એની આંખો જાદુગરની માફક આમ તેમ ફેરવાઈ અને પાસા ફેકાયા.
“ટ્વેલ્વ...” ઓબેરી બરાડ્યો.
સત્યજીતે ટેબલ પરના પાસા પર નજર ફેરવી. એ પુરા બાર દર્શાવતા હતા. એણે ગુસ્સે થવાનું નાટક કરતા ટેબલ પર હાથ પછાડ્યો, જોકે એણે ચાલાકી પૂર્વક હળવેથી હાથ પછાડ્યો હતો જેથી ટેબલ તૂટી ન જાય કેમકે એ અહીં સોનું જીતવા આવ્યો ન હતો.
“સ્વામી પહેલો દાવ હારવાનું મહત્વ હોય છે...” કર્ણિકાએ પોતાના નિર્લજ્જ વસ્ત્રોને જરાક વધુ નિર્લજ્જ બનાવતા સત્યજીતના ગળે હાથ વીંટાળી એના કાનમાં કહ્યું જેથી આ વેપારી યુવાન છટકી ન જાય.
સત્યજીત જાણતો હતો કે એક બે નહિ પણ બધા દાવ એને હારવાના હતા પણ એ બાબત મલિકા કે કર્ણિકા જાણતા ન હતા.
કર્ણિકાને ચિંતા હતી કે ક્યાય એ રમતથી અળગો ન થઇ જાય.
સત્યજીતે બનાવટી સ્મિત ફરકાવ્યું અને સુરદુલે ફાંટે ચડાવેલા રાજ ખજાનામાંથી લાવેલા હીરાનો ઢગલો ટેબલ પર કર્યો. એ હીરાની ચમક કર્ણિકા નહી પણ છેક મલિકા સુધી ગઈ હોય એમ એની નજર ટેબલ પર સ્થિત થઇ ગઈ. એનો હાથ શરણાઈ વાદકો તરફ ફર્યો અને શરણાઈના સુરો બદલાયા. વિણાનું સંગીત અને વાંસળીનો નાદ અલગ થયો.
એ સંગીતના સુર કર્ણિકા માટે ખાસ ઈશારો હતો. પાસા કેટલા પાડવા એ ગોરાઓ અને મલીકાએ ગોઠવેલું હતું. કેટલા પાસા પાડવા એ સંગીતના સુરો દ્વારા નક્કી થતું.
કર્ણિકા સંગીત પરથી સમજી જતી કે કેટલા પાસા નાખવા અને ગોરો એ જ આંકડો બોલતો. ઓબેરીએ એ ચાલ રમીને અનેક વેપારીઓને કંગાળ કર્યા હતા. જોકે કર્ણિકા એને ખાસ કઈ લઈને ત્યાંથી ન જવા દેતી - સિવાય કે એના હુસ્નની કેટલીક યાદો.
કર્ણિકાએ ફરી પાસા ફેક્યા.
“સિક્સ...” સત્યજીતે કહ્યું, તે આંકડાઓ ગોરાઓની જુબાનમાં બોલી જાણતો હતો.
“યું લુઝ અગેન...” કેપ્ટન મલક્યો., “હાઉ સેડ!”
સત્યજીતે ગોરાની આંખમાં એની લાલચ નિહાળી.
ઓબેરીના માણસે હીરાના ઢગલાને પોતાની તરફ ખસેડ્યો અને ટેબલના ખૂણા પરની ગેપ પરથી પોતાની પોટલીમાં ઠલવ્યો.
“આર યું રેડી ટુ ગીવ અપ?” ગોરાએ સત્યજીતને ઉશ્કેરવા કહ્યું, એને ખબર ન હતી કે એની જબાન સત્યજીત પુરીં સમજતો નથી.
સત્યજીતે એને શું કહ્યું એ જાણે સાંભળ્યું જ ન હોય એમ સુરદુલ તરફ નજર કરી અને મૂછો ઉપર હાથ ફેરવ્યો.
***
ક્રમશ:
લેખકને અહી ફોલો કરો
ફેસબુક : Vicky Trivedi
ઇન્સ્ટાગ્રામ : author_vicky