Swastik - 13 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 13)

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 13)

મણીયજ્ઞ કથાનક

હું અને કપિલ મમ્મીએ કહ્યા મુજબ નાગમણી યજ્ઞમા જોડાયા. કપિલે બંને હાથની હથેળીઓ ભેગી કરી એકબીજી સાથે ઘસી અને જયારે એની હથેળીઓ એકબીજાથી દુર થઇ એના જમણા હાથની હથેળીમાં એક ચમકતો પદાર્થ દેખાયો. એ સોપારી જેવા કદ અને આકારનો પથ્થર મારા માટે અપરિચિત ન હતો. એમાંથી સૂર્યના તેજ જેવો ઉજાસ ફેલાવા લાગ્યો. એ કપિલનું નાગમણી હતું.

મેં એ પહેલા પણ જોયું હતું. એને અડકીને જ મેં મારી અનન્યા તરીકેની યાદો મેળવી હતી. મેં વરુણ માટેની અનન્યાની અનંત આશક્તિ અનભવી હતી, વરુણનો પ્રેમ અને બાલુની દોસ્તી નિહાળી હતી. અનન્યાના અધૂરા અરમાનો અને અનન્યાથી એકલા પડ્યા પછી વરુણના દર્દને અનુભવ્યું હતું એ જ મણી આજે અમે નાગમણી યજ્ઞમાં વાપરી અમારા અને વિવેક વચ્ચેનો સંબંધ જાણવા જઈ રહ્યા હતા.

ભલે એ સબંધ અનેક જન્મો પહેલાનો કેમ ન હોય નાગમણી યજ્ઞ એ સબંધ અમારી સામે રજુ કરી શકવા સમર્થ હતો.

હું અને કપિલ સપ્તપદીના ફેરા વખતે એકમેકના હાથમાં હાથ મુકીને બેઠા હોઈએ એમ જમીન પર સંપૂર્ણ પદ્માસનમા ગોઠવાયા. કપિલે પોતાના જમણા હાથની હથેળીમાં મણી રાખ્યું અને મેં મારો ડાબો હાથ એના પર ઢાંકી દીધો. અમે આંખો બંધ કરી મણીની શક્તિઓ પર અતુટ વિશ્વાસ રાખી મણીયજ્ઞમાં જોડાયા.

એક પળ માટે મારી બંધ આંખો સામે માત્ર અંધકાર દેખાવા લાગ્યો પણ પછી હું કોઈ તેજોમય ઉજાસમાં તણાવા લાગી. કેટલીક પળો સુધી હું એ તેજ ઉજાસમાં આમ-તેમ ફંગોળાતી ગઈ અને આખરે એ ઉજાસ ઝાંખો થવા લાગ્યો. મને મારી આંખો સામે એક અદભુત જંગલ દેખાવા લાગ્યું.

મેં પહેલા ક્યારેય ન જોયેલું હોય તેવું એ જંગલ ચંદન અને મોગરાની સુવાસથી મહેકી રહ્યું હતું. અનેક વિધ સુંદર અવાજોથી ગહેકી રહ્યું હતું.

હું વૃક્ષોથી ઘેરાયેલા એ જંગલમાં હતી. મને આસપાસના એક પણ ઝાડ ઓળખાતા ન હતા. એ બધા જ મારા માટે અજાણ્યા હતા. પણ બીજી જ પળે જાણે એમની સાથે મારો જન્મોનો સંબંધ હોય એમ હું એમને ઓળખવા લાગી, એ સર્પ-ચંદન હતા.

એમની ડાળો પર સર્પો વિટળાયેલા હતા. અનેક રંગી સાપો - અનેક કદના સાપો. જાણે હું સાપોના પ્રદેશમાં હતી. જેમ જેમ મને વધુ દેખાતું ગયું હું સમજી ગઈ એ માનવ-લોક ન હતો. એ નાગલોક હતો.

હું નાગલોકમાં હતી.

જોકે મને ખબર હતી કે હું વાસ્તવિક સ્વરૂપે ત્યાં ન હતી પણ મણીયજ્ઞની શક્તિઓ મને કઈક બતાવવા માંગતી હતી. મણી મને એવી કોઈ ચીજ કે ઘટના બતાવવા માંગતું હતું જે નાગલોક સાથે જોડાયેલી હતી.

હું ચાલી નહિ પણ મને ઘેરાયેલો સફેદ તેજોમય ઉજાસ મને આપમેળે આગળ લઇ જવા લાગ્યો. જાણે મારી આસપાસનું બધું પાછળ ખસવા લાગ્યું. તેજોમય ઉજાસ મને એક ચોક્કસ દિશામાં આગળ લઇ જવા લાગ્યો. એ ઉજાસ મણીની ઉર્જા હતી. એની અનંત શક્તિ હતી.

મારી આસપાસ વૃક્ષો પહાડો, નદીઓ અને કોતરો દોડવા લાગ્યા. હું સનાતન સ્થિર અવસ્થામાં હોઉં તેમ લાગ્યું.

મને એક પ્રાચીન નગર દેખાવા લાગ્યું. એ સ્થળ કે જે પ્રાચીનકાળના નાગલોકના એક રાજપરિવારનું નિવાસસ્થાન હતું. એ ઇયાવાસુનું રાજ્ય હતું. એક વિશાળ ખીણમાં આવેલું એ રાજ્ય નાગલોકમા પ્રતાપી નામ ધરાવતા મારા પિતા ઇયાવાસુનું હતું. પર્વતો દ્વારા દરેક બાજુથી ઘેરાયેલુ એ રાજય, હિમાલયની પહાડી જેવા સફેદ દુધના બનેલા પહાડો જેવા શિખરો નાગલોકના એ સામ્રાજ્યને મધ્યમ ભાગથી ઢાંકતા કરતા હતા.

ઇયાવાસુ સામ્રાજ્યમાં પ્રવેશવા માટે એકમાત્ર પેસેજ દેખાયો જેના દ્વારા રાજ્યમાં દાખલ થઇ શકાય તેમ હતું.

જે પ્રવેશદ્વાર એક ખીણ હતી જે એક ખડક હેઠળ પસાર થઈ એક અદભુત રાજમાર્ગની રચના કરતી હતી. નાગલોકના દેવી તત્વો માટે પણ એ ખીણ દ્વારા રચાતું ભવ્ય પ્રવેશદ્વાર લાંબા સમયથી વિવાદાસ્પદ હતું કેમ કે તે પ્રકૃતિ એ રચ્યું છે કે માનવનિર્મિત કાર્ય હતું એ કોઈ નક્કી કરી શક્યું ન હતું.

ભલે એ ખડકનું બનેલ પ્રવેશદ્વાર કુદરતી હતું કે માનવ કાર્ય એ નક્કી થઇ શકે એમ ન હતું પણ એટલું તો નક્કી જ હતું કે એ પ્રવેશદ્વારની શોભામાં ઓર વધારો કરતુ એક જાડા લાકડાનું ગુપ્તદ્વાર ત્યાં બનાવાયેલું હતું જે ઇયાવશું સામ્રાજ્યને સલામત રાખવા માટે બનાવવામાં આવ્યું હતું અને જેનું મુખ ખીણમાં ખુલતું હતું.

એ લાકડાના ભવ્ય દરવાજાને નાગલોકના કુશળ કારીગરોએ બનાવ્યો હતો એ નક્કી હતું છતાં કોઈ પણ વ્યક્તિ મુઝવણમાં મુકાઈ જાય એમ હતો. પ્રાચીન દિવસના બનાવનારાઓ દ્વારા રચાયેલો એ દરવાજો જાણે સ્વર્ગના સ્થપતિ વિશ્વકર્માના હાથે કોતારાયો હોય એવો ભવ્ય દેખાયો.

એ દ્વાર એટલું વિશાળ હતું કે કોઈ માણસ, એન્જિનની સહાય વિના, તેને ખોલી અથવા બંધ કરી શકવા અસમર્થ હશે એમ મને લાગ્યું પણ એ તેજોમય ઉજાસ મને લઈને એની નજીક ગયો એ સાથે જ એ ભવ્ય દ્વારના પડખા કોઈ દૈવી શક્તિથી ઉઘાડા થઇ ગયા. હું એ ગજદ્વારમાંથી પસાર થઇ અંદર ગઈ અને એ સાથે જ જાણે એ દરવાજાના પડખા કોઈ જીવતી જાગતી સમજદાર વસ્તુ હોય એમ બંધ થઇ ગયા.

દરવાજાના અંદરના ભાગે એક વિશાળ સમ્રાજ્ય દેખાયુ. દરેક બાજુના રિવલેટ્સ પર પર્વતોમાંથી ઉતરી આવેલા ઝરણા વહી રહ્યા હતા. તે ખીણ સમ્રાજ્ય ફળદ્રુપતા સાથે દરેક આશીર્વાદથી સંપન્ન દેખાતી હતી. ખીણ ધન ધાન્ય અને હરિયાળીથી ભરી હતી. ઇયાવશું સામ્રાજ્યના મધ્યમાં એના હાર્દ સમું એક તળાવ હતું. જેના નિર્મળ પાણીમાં મને દરેક પ્રજાતિના માછલા દેખાયા, અનેક એકવેન્ટીક પ્લાન્ટ્સ અને વિવિધ સજીવોના નિવાસ સ્થાન સમા એ તળાવમાં મને એક અલગ જ દુનિયા જેવો ભાસ થયો.

નાગલોકના દરેક પંખીને જેનું પાણી પસંદ હતું એ દિવ્ય તળાવની ઠંડક મારા મનને આહલાદક ઓજસ બક્ષવા લાગી. વારંવાર પાણી અંદર બહાર ડોકિયા કરતી માછલીઓ જાણે મને ઓળખતી હોય એમ મને જોવા બહાર ડોકિયા કરી પાછી પાણીમાં છુપાઈ જવા લાગી. ભલે એ મત્સ્ય સ્વરૂપે હતી પણ મને ખાતરી હતી કે એ દૈવી સ્થળે મત્સ્ય મરમેઇસ હશે.

જેમને ખુદ કુદરતે જ પાણીમાં પાંખ ન ડૂબે એ રીતે તરતા શીખવ્યું હતું એવા શ્વેત સ્વાન જળ સપાટી પર ચરણ કરી રહ્યા હતા. નવજાત પંખી તરતા શીખી રહ્યા હતા તો ક્યાંક બગલા જેવા કદના પક્ષીઓ પોતાની જરાક ભીંજાયેલી પાંખોને ખંખેરી કોરી કરવાની મથામણમાં હતા.

સુપર સ્પીડથી નોર્થમાંથી દોડી આવતું આશમાની રંગે રંગાયેલું ઝરણું કોઈ વર્ષોથી વિરહ સહેતી પ્રેયસી એના પ્રિયતમને દોડીને ભેટી પડે એમ તળાવમાં ભળી એમાં ઓતપ્રોત થઇ જતું હતું. તળાવની ઉત્તરને સહેજ કોરે રાખી પડતું બીજું ઝરણું જાણે શોક્ય ભાવ ધરાવતું હોય એમ ધસમસતું પર્વતની એક ઘેરી કરાડમાંથી દડીને તળાવને ઘોંઘાટથી ભરી દેતું હતું. એ દિવ્ય જળધોધ એના સફેદ નિર્મળ જળના ફુવારા છેક આસમાને પહોચાડવા માંગતો હોય કે તળાવના હૃદયને ચીરી એમાં સમાઈ જવા માંગતો હોય એમ ઇન્દ્રના વજ્ર જેમ પછડાતો હતો.

કદાચ સ્વર્ગલોક અને નાગલોકમા જાજો ફેર નહિ હોય એમ મને લાગ્યું કે પછી જનની જન્મ ભૂમિ સ્વર્ગદા અપી ગીરીયાસી એ મુજબ મને મારો આત્મા જે સ્થળે મળ્યો હતો એ સ્થળ પર્ત્યે કોઈ અલગ જ લાગણી જન્મવા લાગી.

લાગણી તો મને માનવલોકથી હતી પણ માનવલોકમાં માત્ર એક બાદ એક શરીર જ બદલ્યા હતા જયારે એક નાગિન તરીકે જીવનની શરૂઆત ત્યાં થઇ હતી- મારા આત્માનું ઘડતર નાગલોકમાં થયું હતું.

વિવિધ કદ અને વિવિધ જાતના વૃક્ષોથી ઘેરાયેલા પહાડો નિહાળતી હું એ ઓજોમય પ્રકાશ સાથે આગળ વધવા લાગી. મને સમજાયુ નહી કે મણી મને શું બતાવવા માંગતું હતું. લીલાછમ મેદાનો, નાના મોટા પહાડો, પાણીના નાનકડા વહોળા જેવા ઝરણા, ઝરણાના બંને કિનારે ખીલેલા ફૂલો વૈવિધ્યસભર હતા. વિશ્વની તમામ વિવિધતા એ એક જ સ્થળે કુદરતે ભેગી કરી હોય એમ લાગ્યું.

અંતે એ તળાવની સપાટીથી ત્રીસેક મીટર જેટલી ઉંચી ટેકરી પર મને એક ભવ્ય મહેલ દેખાવા લાગ્યો. જેમ જેમ હું એના નજીક ગઈ એ પોતાના અસલ સ્વરૂપમાં આવતો હોય એમ મોટો થતો ગયો. મને મહેલ એકદમ નજીક દેખાવા લાગ્યો. મહેલ ટેકરી પર ઊંચો હતો, જે નગરની નજીક હતી, તેના અનેક પોઇન્ટેડ ટાવર્સ ચંદ્રના ઝાંખા તેજમાં ચમકી રહ્યા હતા. જે તેને એક તરંગી તાજનું દ્રશ્ય આપતા હતા. એની સફેદ પથ્થરની બનેલી દીવાલો ચાંદનીને પ્રવર્તિત કરી જોનારની આંખો આંઝી દે એમ હતી. એની છત ભૂખરા રંગની અને કમાન આકારની હતી.

મહેલના દરવાજા પણ જાણે મારી જ રાહ જોઈ રહ્યા હોય એમ આપમેળે ખુલી ગયા. એ દરવાજા પરની ત્રણ નાગની આકૃતિ મને કપિલના શરીર પર રચાયેલા નાગ મંડળ જેવી જ લાગી.

હું મહેલના અંદરના ભાગે ગઈ. નવ માર્બલ કૉલમથી અધ્ધર ટકી રહેલા ભવ્ય થ્રોન હોલ મારી આંખો સામે દેખાયો. અદભુત બૅજિઅર્સ, સમગ્ર સિંહાસન હોલમાં પ્રકાશ પાડતા સફ્ટીક પ્રકાશ પૂંજો, કોઈ અલૌકિક ક્રાંતિ હોલને નારંગી ગ્લોમાં નવડાવી રહી હતી. ગૂંચવણભરી કોતરણીવાળો ગુંબજ, લાકડાને કોતરીને બનાવેલી ગોળ છત, અસ્થિર પ્રકાશમાં નૃત્ય કરતા સ્મારકો, આરસથી પણ સફેદ પોર્સેલિન ફ્લોર પર હું મને પોતાને જ જોઈ રહી.

હું એ હતી અને ન પણ હતી. એ ઇયાવશું સામ્રાજ્યની એકમાત્ર વારીશ રાજકુમારી સુનયના હતી અને એની સામે નાગની આકૃતિ રચતું આસન હતું.

સિંહાસનથી સુનયના જ્યાં ઉભી હતી ત્યાં સુધી જાણે કોઈ માર્ગ બનાવેલ હતો અને એ માર્ગ પર લીલા રંગની જાજમ પાથરેલી હતી. જ્યારે સોનેરી સુશોભનવાળા પડદા દિવાલ પર નરમાશથી ઝૂલતા હતા. દરેક પડદાઓ વચ્ચે જુદી જુદી કદના કેટલાક ટેપર લગાવેલા હતા. તેમાંના ઘણા ટેપર પ્રજવલિત થયેલા હતા અને તેમના અજવાળામાં રોયલ્ટીના કલાત્મક ચિત્રણ ઝળહળી રહ્યા હતા.

નાગલોકની પ્રાચીન દંતકથાઓ દર્શાવતી ભવ્ય ચિત્રકૃતિઓ દીવાલોને ઓર શોભાયમાન બનાવી રહી હતી. રંગીન કાચની વિંડોઝ પર ડૅરેપ્સ ગોઠવાયેલા. સુશોભિત સરહદો અને સુશોભિત ટીપ્સથી સજ્જ પડદાઓમાં ગળાઈને ઠંડી હવા થ્રોન હોલમાં પ્રવેશી રહી હતી.

“રાજકુમારી સુનયના..” રાજાની બાજુના આસન પર બેઠેલ રાણીના અવાજમાં ગુસ્સો હતો, “આપનો નાગલોક છોડી પૃથ્વીલોક પર કાયમી માટે વસી જવાનો નિર્ણય અફર છે?”

મહોગનીનું પ્રભાવશાળી સિંહાસન એક નાના સ્ટેજ જેવા ભાગ પર કેન્દ્રિત હતું. અને શાહી મહત્તા પરિવારના સભ્યો માટે છ બેઠકોની વ્યવસ્થા હતી.. એ બધી બેઠકો સિંહાસન જેમ જ સપ્રમાણ ગુણથી સંપન્ન હતી.

દરેક બેઠક પર નમ્ર ગાદલા અને શ્યામ લીલાક પાથરેલ હતા. તે પણ મુખ્ય સિહાસનની જેમ અલંકૃત માર્જિનથી શણગારવામાં આવેલા હતા. પણ અત્યારે એ દરેક આસન ખાલી હતા કેમકે રાજકુમારી સુનયના એના પિતા રાજા ઇયાવાસુ અને રાણી ઇધ્યીના સામે ઉભી હતી.

એ ચર્ચા એટલી ગુપ્ત હતી કે સિહાસન પાસેની બેઠકો જેમને ફાળવવામાં આવેલ હતી એ લોકોને બોલાવવામાં આવ્યા ન હતા. શાહી સંવાદ સાંભળવાની પરવાનગી ધરાવતા કબીલાના જે લોકો માટે પ્રમાણમાં સરળ એલ્ડર બેચેસની ગોઠવણ થ્રોન હોલમાં કરવામાં આવતી એમનાથી પણ એ ચર્ચા ગુપ્ત રાખવામાં આવી હતી.

હોલના કેન્દ્રની સામે આમ નાગપ્રજા માટે ગોઠવાયેલી બેઠકો પણ નિર્જન હતી. ઊંચા લોકો સિંહાસનની સામે ખાસ કરીને બિલ્ટ મિઝેનાઇન્સમાં બેઠક લઇ શકે છે. એ બેઠકો પર પણ કોઈની હાજરી વર્તાઈ નહીં.

“હા, રાણીમાં હું પૃથ્વીલોક પર રહેવા માંગું છું...” એ (સુનયના) મક્કમતાથી બોલી, “કાયમ માટે..”

“અને રાજકુમારીને ખબર નથી કે આ રાજ્ય સાંભળનાર એમના સિવાય કોઈ નથી..” રાજાના અવાજમાં ગુસ્સા કરતા નારાજગી વધુ હતી. એમના ચહેરા પર કરડાકીને બદલે નિરાશા હતી.

પ્રભાવશાળી વ્યક્તિત્વ, એક રાજાને શોભે તેવી કરડાકીવાળો ચહેરો અને અવાજ, શ્વેત ટૂંકા વાળ સંપૂર્ણ રીતે એ વાળ સાથે મેળ ખાય તેવા પુરા કદના દાઢી અને મુછ, ગુસ્સાના ભાવ દર્શાવે ત્યારે પણ જે ચહેરા પર મૈત્રીપૂર્ણ વ્યવહાર દેખાઈ રહ્યો હોય, મોટી, બદામ આકારની નીલી આંખો, એમાં રહેલી સોનેરી કીકીઓ, તેમના સોકેટ્સ અંદર સુંદર સુયોજિત રીતે ગોઠવાયેલી હતી. એ હૃદયસ્પર્શી આંખો રાજકુમારી સુનયનાને જોઈ રહી હતી. એ પ્રભવાશાળી વ્યક્તિત્વના માલિક મારા નાગલોકના પિતા ઇયાવાસુ હતા જે નાગલોકોમાં સાચા રાજવી હતા. તેમના વિશે કંઈક ગુઢ હતું જે નાગલોકમા કોઈ સમજી શકતું ન હતું. કદાચ તે તેમનું વલણ હતું અથવા કદાચ તે માત્ર એમના વ્યક્તિત્વને લીધે હતું પરંતુ નાગલોકના દરેક નાનામોટા રાજવીઓ તેમને તરફેણ માટે પૂછતા, તેમના વિશે અનેક ચર્ચાઓ નાગ પ્રદેશમાં વહેતી રહેતી.

ભલે આ જન્મે મારો એમના સાથે કોઈ સબંધ ન હતો છતાં એમને જોતા જ મારું હૃદય ગર્વથી ઉભરાઈ ગયું. મારી આંખોમાં હર્ષના આંસુ છલકાઈ ગયા. (હું ત્યાં માત્ર માનસિક રીતે હતી, મણીયજ્ઞ એ દ્રશ્યો બતાવતું હતું મારું શરીર અહી મારા ઘરમાં જ હતું.)

“હા, મને ખબર છે પણ નાગલોકના આપણા વિશાળ રાજ્યમાં અનેક શુરવીરો છે જે મારા બદલે રાજ્યભાર સંભાળી શકે તેવા છે..” સુનયનાએ જવાબ આપ્યો અને તેની સોનેરી કોરવાળી સફેદ ઓઢણી સરખી કરી.

“રાજકુમારી...” રાણી ગુસ્સા સાથે આસન પરથી ઉભા થઇ ગયા, આછા આસમાની રંગની ઓઢણીની ધાર હાથમાં કચકચાવીને પકડી, “તમને ભાન નથી તમે શું બોલી રહ્યા છો?”

“મને ભાન છે રાણીમાં..” સુનયના જરાય ખચકાટ વિના બોલી, “મેં આ નીર્ણય પુરા હોશમાં લીધો છે.”

“પુરા હોશમાં...” રાણીના શબ્દોમાં તુરછકાર હતો, “હોશ તો આપને ત્યારનો નથી જ્યારના પૃથ્વીલોકના એ અર્ધનાગને મળી આવ્યા છો..” અર્ધનાગ શબ્દ બોલતા જ તેમના ગોળ વૃદ્ધ ચહેરા ઉપર બે ચાર કરચલીઓ વધી ગઈ.

“હા, રાણીમાં તમે સાચા છો..” પોતાના પાપણ સહેજ ઢાળી દેતા સુનયનાએ સ્વીકાર્યું, “હું એમને ચાહું છું.”

“આપ એક સંપૂર્ણ નાગકન્યા છો અને એ માનવ છે જેમાં માત્ર નાગનો એક અંશ છે. એની શક્તિઓ માર્યાદિત છે.” રાણી હજુ પોતાની દીકરીનો નીર્ણય બદલવાનો પ્રયાસ કરવા માંગતા હોય તેમ બોલ્યા.

“પણ એમના ગુણો અમર્યાદિત છે..” સુનયના મક્કમતાથી બોલી, “એ પોતે આંશિક નાગ હોવા છતાં ક્યારેય ભેદભાવ નથી રાખતા... નાગપુરના જંગલમાં દુષ્ટ નાગના શિકાર માટે એમણે જાતે જ મદારીઓના કબીલાઓ ત્યાં રહેવા લાવ્યા છે.”

“નાગનો શિકાર કરાવનારને તમે ગુણવાન કહો છો?”

“હા, કેમકે એ દુષ્ટ નાગોનો શિકાર કરાવે છે. જયારે મેં પ્રથમ એ વાત સાંભળી હું પોતે પણ એમને મારવા માટે ગઈ હતી પણ જયારે મને સત્ય સમજાયું હું એમના ગુણગાન ગાતી થઇ ગઈ.” સુનયના થોડીક બે ડગલા આગળ વધી, તેની પગમાં બાંધેલી તોડીઓના ઘૂઘરા રણક્યા, ઉપર જોયું અને જાણે દ્રશ્ય દેખાતું હોય તેમ ઘડીભર જોઈ રહી પછી આગળ બોલી, “એમના માટે એમના રાજ્યમાં રહેતા લોકો જ મહત્વના છે. એમને સત્તાનો કોઈ મોહ નથી શક્તિનું કોઈ અભિમાન નથી..”

“મોહ નથી...” રાણીના અવાજમાં ફરી તુરછકાર ભળ્યો, “તો વિદેશીઓના હાથની કઠપૂતળી બની કેમ બેઠા છે?” રાણી ઇધ્યીના કપાળ ઉપર વ્યંગની રેખાઓ તરી આવી. તેમની પાપણો ભેગી થઇ અને તે સુનયના સામે તાકી રહ્યા.

“રાણીમાં તમે એમનું અપમાન કરી રહ્યા છો..” સુનાયાનાના અવાજમાં આક્રોશ ભળ્યો, “હું રાજકુમાર સુબાહુનું અપમાન સહન નહિ કરી શકું..”

“રાજકુમારી તમે તમારી મર્યાદા ઓળંગી રહ્યા છો..” ચુપ બેઠેલ રાજાના ભવા તંગ થયા.

“શરૂઆત રાણીમાંએ કરી છે..” સુનયનાએ તેની ડોક ફેરવીને હડપચી સહેજ ઉંચી કરીને એક બળવાખોર રાજકુમારીની માફક તરત જ સંભળાવી દીધું.

મને નવાઈ લાગી કે હું કોઈ જન્મમાં એટલી ઉદ્ધત પણ હોઈ શકું? સુનયના તરીકે મારું વ્યક્તિત્વ એકદમ અલગ હોય એમ તે જવાબ આપી રહી હતી.

“એ આપની માતા છે..” રાજા ઇયાવાસુએ સિહાસનના હાથ ઉપર હાથ પટક્યો. દીકરીને કઈ કહી ન શકતા હોય તેમ તેમણે રોષ સિહાસન ઉપર કાઢ્યો.

“મારી માતા વર્ષો પહેલા મૃત્યુ પામી છે. તેઓ બસ મારા માટે રાણીમાં છે.” સુનયના ભડકી ઉઠી, “એ આપના માટે પત્ની છે મારા માટે માતા નથી..”

“સુનયના..” રાણીનો આક્રોશ વધી ગયો, “આપ મર્યાદાઓ પાર કરી રહ્યા છો.”

“મર્યાદાઓ તો આપે ક્યારનીયે પાર કરી નાખી હતી જયારે મારી મૃત માતાના મહેલને તોડાવી ત્યાં હથિયારગૃહ બનાવ્યું..” સુનયના જરાક અટકી, એની આંખો સજળ બની, “કદાચ તમે એ ન કર્યું હોત તો તમે મારા માટે રાણીમાં નહિ પણ મા હોત..”

“એ મહેલ મહારાજને દુ:ખ અને ઉદાસી સિવાય કઈ આપી શકે એમ ન હતો..” રાણીએ દલીલ કરી.

“પણ એ મને માની યાદો આપતો હતો.. ત્યાની દરેક ચીજ મને માતાની મમતા પૂરી પાડતી હતી...” સુનયનાએ મહેલમાં નજર કરી અને જાણે તેને કઈક ડંખતું હોય તેમ ફરી નજર સિહાસન તરફ કરી. તેની આંખોમાં મોતી ઉપસી આવ્યા.

“એ મમતા મેં પણ આપને આપી છે..” બોલતા રાણીનો અવાજ સહેજ ગળગળો થઇ ગયો પણ આખરે એક રાણીએ રાણી જેમ વર્તવું પડે અને તેથી જ તે કહી ન શક્યા કે હું રાજા અને દીકરીને જીવ જેમ ચાહું છું.

“એ મમતા કેમ આપી એ હું જાણું છું.” સુનયનાના હોઠ કડવું હસ્યા.

કોણ જાણે એ અજાણ્યી વાત ચીતનો દરેક અંશ હજુ સુધી મારા સુક્ષ્મ મનમાં સચવાયેલો હોય એમ હું જાણતી હતી કે રાણી ઇધ્યી રાજા ઇયાવાસુને પુત્રપ્રાપ્તિ કરાવી શકી ન હતી એટલે જ સુનયનાએ એ શબ્દોનો સહારો લીધો હતો જે શબ્દોએ એમને વ્યાકુળ બનાવી નાખ્યા.

“સુનયના...” રાજા નાગાસન પરથી ઉભા થઇ ગયા, “આપના બદલે કોઈ અન્ય વ્યક્તિએ આ વાત ઉચ્ચારી હોત તો એ કારાગારમા હોત અથવા નાગલોક બહાર ફેકાઈ ગયો હોત..”

“તો ફેકી દો મને નાગલોક બહાર...” સુનયના બંને હાથ ઊંચા કરીને બરાડી ઉઠી, તેનો પડઘો મહેલમાં ગુંજવા લાગ્યો, “આમ પણ મને આ લોક કરતા બીજા લોકમાં વધુ સારું દેખાય છે..”

“હવે આપ મારું જ નહિ પુરા નાગલોકનું અપમાન કરી રહ્યા છો.” રાણી ગુસ્સાથી તપી ગયા. તેમણે રાજા તરફ જોયું. ઉપવસ્ત્રમાં ઢંકાયેલો રાજાનો જમણો હાથ ધ્રુજવા લાગ્યો તે રાણીના ધ્યાન બહાર ન રહ્યો.

“નાગલોક..” સુનયના જરાક મલકી, “નાગલોકના નિયમો આપણા રાજ્યમાં પાળે જ છે કોણ? ખાસ તો નવા રાણીમાં આવ્યા પછી આપનું રાજ્ય નાગલોક જેવું રહ્યું જ ક્યા છે?”

“આપ બાગી બનવા માંગો છો?”

“ના, હું નાગલોકનો સ્વેરછાએ ત્યાગ કરવા માંગું છું.”

“એકવાર નાગલોક ત્યાગ કરે તેના માટે નાગલોકના દરવાજા હમેશા માટે બંધ થઇ જશે..” રાજાના અવાજમાં ઉદાસી ઘેરાઈ રહી હતી, “આપ ચાહો તો પણ પાછા નહિ આવી શકો..”

“મને ખબર છે.” બંને હાથ પોતાની છાતી ઉપર ગોઠવી સુનયના અંતિમ ફેસલો સંભળાવતી હોય તેમ બોલી. તેની ભરાવદાર છાતીના થડકાર તેના હાથને અનુભવાયા છતાં તે પીગળી નહી.

“પણ આપને એ ખબર નથી કે મૃત્યુલોક માત્ર દેખાય છે ઝાકમઝોળથી સુંદર.. એના અસલ રંગથી તમે હજુ અપરિચિત છો..”

“મારા માટે તો હું જે મહેલમાં રહું છું એ પણ ખાલી ઝાકમઝોળ જ છે..” સુનયનાની આંખોમાં ઉદાસી ઘેરાઈ, “સુંદર મહેલ તો માનો હતો..”

“આપ હોશમાં નથી રાજકુમારી... આગળની ચર્ચા આપણે દિવસના ઉજાસમાં કરીશું..” રાણી પોતાના શાહી પોષાકને સંભાળતા ફરી ઉભા થયા, એમની આંખોમાં ગુસ્સા સાથે વ્યથા પણ તરી આવી.

હું ભલે સુનયના તરીકે એમની આંખોમાં રહેલા માતૃપ્રેમને સમજી શકી ન હતી પણ નયના તરીકે હું એ પ્રેમમાં ભીંજાવા લાગી.

રાણી ઇધ્યી રાજા ઇયાવાસુને માત્ર દુ:ખ અને શોકમાંથી બહાર લાવવા માંગતી હતી અને એ માટે જૂની રાણી પ્રત્યે કોઈ બદ ઈરાદા વિના એમણે એ મહેલ તોડી હથિયારગૃહ બનાવ્યું હતું જેથી રાજા એ મહેલમાં જઈ બેસી ન રહે.

રાજા ઇયાવાસુ શાંતિ પ્રિય રાજા હતા અને એમને તાલાવારોથી હંમેશા નફરત હતી માટે જ તેઓ ક્યારેય હથિયાર ગૃહમાં પગ પણ ન મુકતા. તેથી જ રાણી ઇધ્યીએ એ ડાસ્ટ્રીક ફેસલો લીધો હતો પણ માતૃપ્રેમમાં અંધ સુનયના એ અપરમાની મમતા સમજી શકી ન હતી.

“અંધકારમાં તો હું અહી રહી છું હવે નાગપુરનો એ નાનકડો મહેલ જ મારા માટે ઉજાસ છે..” સુનયના ફરી બોલી, “આ ચર્ચા ફરી કરવાનો કોઈ અર્થ નથી રાણીમાં, મારો નિર્ણય અફર છે.”

“રાજકુમારી આપને માતા પિતાના પ્રેમની જરૂર નથી લાગતી...”

“ના, એ હું બાળપણમાં મેળવી ચુકી છું.. મારી માતાએ જે પ્રેમ મને આપ્યો એ બસ છે. મારે હવે માતા પિતાના પ્રેમની વધુ જરૂર નથી..”

એ સાંભળી હું અકળાઈ ઉઠી. હું કહેવા માંગતી હતી સુનયના તું આ શું બોલી રહી છે? તારે આમ ન બોલું જોઈએ. ગુસ્સાએ તને મુર્ખ બનાવી નાખી છે. શું ખરીમાં માટે અપરમાના પ્રેમનો તિરસ્કાર કરવાનો?

હું સુનયનાને સમજાવવા માંગતી હતી પણ એ શકય ન હતું. હું નાગમણી યજ્ઞની શક્તિને લીધે એ બધું જોઈ શકતી હતી પણ એ બધું માત્ર પડદા પર ચાલતા ચલચિત્ર જેમ મારી સામે ભજવાઈ રહ્યું હતું. હું એમાં ભાગ ન લઇ શકું કેમકે એ વર્ષો પહેલા બનેલ ઘટના હતી. હું માત્ર એક દિવ્ય શક્તિ વડે એ જોઈ શકતી હતી. મારા આગળના જન્મના એ રૂપમાં એ સુનયના વર્તન કે શબ્દોમાં હું ફેરફાર કરી શકું તેમ નહોતી.

“ઠીક છે રાજકુમારી...” રાજા ઇયાવસુએ ગુસ્સાથી પોતાનું ઉપવસ્ત્ર ખભા પર નાખ્યું, “તમને હવે માતા પિતાના પ્રેમની જરૂર નથી તો પૃથ્વીલોક પર તમને એ ક્યારેય નહિ મળે... આ પળથી આપનો નાગલોક સાથેનો સબંધ પૂરો થાય છે. આપ જઈ શકો છો. નાગલોકના દરવાજા આપ કે આપના એ અર્ધનાગ માટે ક્યારેય નહિ ખુલે....”

“મહારાજ...” રાણી ઇધ્યી ચીસ પાડી ઉઠ્યા, “આપ શું બોલી ગયા?”

સુનયના ગુસ્સા સાથે થ્રોન હોલ છોડી જવા લાગી. કદાચ એણીએ એક નજર પાછળ કરી હોત તો એ રાણી ઇધ્યીની આંખોમાંથી વહેતા મમતાના આંસુ જોઈ શકી હોત.

સુનયના ત્યાં ન હતી પણ હું - નયના જાણે ત્યાં હતી - મેં કરેલી ભૂલ હું જોઈ શકી. સુનયના નીકળી ગઈ પછી શું વાત થઇ તે સુનયનાએ ન સાંભળી પણ મણીયજ્ઞને લીધે મને એ સંભળાયું, દેખાયું.

“મહારાજ, આપ જેવા શાંતિપ્રિય વ્યક્તિ આટલા ઉકળી જશે એવી કલ્પના ન હતી..” રાણી ઇધ્યીના આંસુ એના ગાલ પરથી વહી રહ્યા હતા, “આપે રાજકુમારીને શ્રાપ આપ્યો?”

“હું એ બદલ પોતાની જાતને ક્યારેય માફ નહિ કરી શકું..” રાજા ઇયાવાસુની આંખોમાં ઝળઝળિયાં આવ્યા, મહા પ્રતાપી રાજાની આંખો ભીની થાય એ એમના હૃદયમાં કેટલું દુખ હશે એ દર્શાવતી હતી.

રાજા ઇયાવાસુ નિરાશ થઇ નાગાસન પર ફસડાઈ પડ્યા. રાણી ઇધ્યી એમની પાસે બેસી એમને સાંત્વના આપતી રહી અને બીજી જ પળે મહેલ અને થ્રોન હોલ ઓગળી ગયા અને મારી આંખો સામે માત્ર અંધકાર દેખાવા લાગ્યો.

મેં આંખો ખોલી.

હું અમારા ઘરમાં જ હતી. મારો ડાબો હાથ કપિલના મણી પર ઢાંકેલો હતો. કપિલની આંખો હજુ બંધ હતી. એ મણીયજ્ઞમાં હતો.

હું ફરી આંખો બંધ કરી એના જમણા હાથ પર મારો હાથ એમ જ ઢાંકી રાખી બેઠી રહી. મણીયજ્ઞમાં બંનેએ રહેવું જરૂરી હતું.

“નયના..” મને કપિલનો અવાજ સંભળાયો. મેં આંખો ખોલી.

“શું થયું કપિલ...?”

“મને મણી કઈ બતાવી રહ્યું નથી...” કપિલે ઉદાસ સવારે કહ્યું, “મને માત્ર આંખો સામે અંધકાર સિવાય કઈ ન દેખાયું..”

“એવું કઈ રીતે બની શકે?” મમ્મી ડઘાઈ ગયા, “એક નાગને એની મણી મણીયજ્ઞમાં ન સ્વીકારે એવું કઈ રીતે બની શકે?”

“કઈ સમજાતું નથી..” શ્લોક બોલ્યો.

“પણ મને વિઝન થઇ હતી...” મેં કહ્યું, અને જે જોયું એ મમ્મીને કહી સંભળાવ્યું.

“મણીયજ્ઞ કપિલને કઈ નહિ બતાવી શકે...” મમ્મીના અવાજમાં ડર હતો, તેમના ચહેરાને ઉદાસી ઘેરી વળી.

“પણ કેમ, મમ્મી?”

“કેમકે નયના સંપૂર્ણ નાગિન છે, એ આપણા જેમ માનવલોકની નથી..” મમ્મીએ કહ્યું, “એની શક્તિઓ મણીની શક્તિઓને શોષી લે છે.. મણી એને લઈને નાગલોકમાં દાખલ થઇ જાય છે અને તું માનવલોકમાં જન્મેલ અર્ધનાગ છે માટે એ શક્તિઓને આકર્ષી શકતો નથી..”

“તો હવે શું કરીશું..?” શ્લોક મારા તરફ જોઈ રહ્યો હતો. હું સંપૂર્ણ નાગિન છું એ જાણી બધાને નવાઈ લાગી. મને પણ નવાઈ લાગી - મને સમજાયું કે કેમ હું દરેક જન્મે અનાથ જન્મતી હતી - રાજા ઇયાવસુના શાપ મુજબ હું નાગલોકમાં જન્મતી હતી અને જે ઉમરે મને મા સુનયના તરીકે છોડી ગઈ હતી એ જ નાની ઉમરમાં હું નાગલોક બહાર પૃથ્વીલોક પર પહોચી જતી હતી. હું દરેક જન્મે સંપૂર્ણ નાગિન હતી પણ મને મારી શક્તિઓ મળતી નહી, હું નાગિન છું એ પણ મને ખબર ન પડતી અને માતા પિતાનો પ્રેમ મને ક્યારેય ન મળતો કેમકે એ તો મેં જાતે જ ઠુકરાવી નાખ્યો હતો.

“જાદુગર સોમર આવે ત્યાં સુધી કઈ થઇ શકે એમ નથી..” હું કઈ જવાબ ન આપી શકી, અને વિચારોમાં ડૂબી ગઈ એ જોઈ મમ્મીએ કહ્યું.

ત્યારબાદ કોઈ કઈ બોલ્યું નહી, શ્લોક સેજલના વિચારોમાં ડૂબેલો કોચ પર બેસી રહ્યો. હું મમ્મી અને કપિલ પણ ઊંઘી શકીએ એમ નહોતા. વિવેક અને વૈશાલીની ફિકર અમને કોરી ખાતી હતી. અમે આખી રાત જાગતા વિતાવી અને બીજી બપોર સુધી સોમર અંકલની રાહ જોઈ.

બીજા દિવસે બપોર પછી તેઓ આવી શક્યા હતા.

સોમર અંકલને મે જે જોયું હતું એ સાંભળ્યા પછી તેઓ જરાક વિચલિત થયા પણ તરત જ સ્વસ્થ થઇ કહ્યું, “એ માટે કપિલે એકલાએ મણીયજ્ઞ કરવો પડશે તો જ એ મણીની ઉર્જાને પોતાના તરફ આકર્ષી શકશે..”

“હું એકલો જ મણીયજ્ઞમાં જોડાઇશ અને એ બધાની ખાતરી કરીશ..” કપિલ બધું જાણવા મક્કમ હતો.

“એ કામ સહેલું નથી...” સોમર અંકલે કહ્યું, “મણીયજ્ઞની શક્તિઓ એક નાગ નાગિનનું જોડું ભેગું મળીને જ સહન કરી શકે છે. તું આ રીતે એ સહન નહિ કરી શકે..”

“તો શું માર્ગ છે..?” કપિલે કહ્યું.

“તું મણીયજ્ઞ કરે એ સાથે જ હું તને બેહોશ કરી દઈશ...” સોમર અંકલે વિગત આપી, “બેહોશીની અવસ્થામાં તારા મનને શરીરને સંભાળવામાં ઓછી શક્તિઓ ખર્ચવી પડશે અને તું મણીયજ્ઞની શક્તિઓ સહન કરી શકીશ..”

“ઠીક છે અંકલ..”

કપિલને બેડરૂમમાં સુવાડવામાં આવ્યો અને એ જેવો મણીયજ્ઞમાં જોડાયો સોમર અંકલે એને ફેઈન્ટ સ્પેલથી (મૂર્છા મંત્રથી) બેહોશીની અવસ્થામાં મોકલી દીધો.

“મણીયજ્ઞ સંપૂર્ણ થયા પછી નયના આ સ્થળ છોડી બહાર જઈ શકશે...” સોમર અંકલે કહ્યું, “જ્યાં સુધી કપિલ યજ્ઞમાં જોડાયેલ છે ત્યાં સુધી નયનાનું એની નજીક રહેવું જરૂરી છે કેમકે એનાથી કપિલની મણીણી શક્તિઓ સહન કરવાની તાકતમાં વધારો થશે..”

“અંકલ હું આ રૂમ બહાર પણ નહિ નીકળું...” મેં કહ્યું, “પણ વિવેક અને વૈશાલી...”

“એમની તપાસ માટે હું અને શ્લોક જઈ રહ્યા છીએ...” સોમર અંકલે મને વચ્ચે જ અટકાવી.

સોમર અંકલ અને શ્લોક રૂમ બહાર ગયા.

મેં બેડરૂમની ખુલ્લી બારીમાંથી એમને કારમાં ગોઠવાતા પહેલા અમારા ઘરને બાઇન્ડીંગ સ્પેલથી સુરક્ષિત કરતા જોયા.

તેઓ વિવેકની આગળ તપાસ ચલાવવા માટે કારમાં અરુણની મુકાલાત લેવા એની ગેરેજ તરફ રવાના થયા અને હું બેડ પર બેહોશીની અવસ્થામાં સુતેલા કપિલના ચહેરાને તાકી રહી. એની ડીપ ગોલ્ડ આંખો બંધ હતી - એ શું જોઈ રહ્યો હશે એની હું કલ્પના કરવા લાગી.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky