Swastik - 10 in Gujarati Fiction Stories by Vicky Trivedi books and stories PDF | સ્વસ્તિક (પ્રકરણ 10)

Featured Books
Categories
Share

સ્વસ્તિક (પ્રકરણ 10)

વિવેક કથાનક.

મારી પાસે વિશ્વાસ મૂકી શકાય એવો અરુણ અને આયુષ સિવાય કોઈ મિત્ર બચ્યો ન હતો. કપિલ અને બાકીના નાગ-નાગિન વિશ્વાસ પાત્ર હતા પણ જ્યાં સુધી સામે દુશ્મન કોણ છે એ ખબર ન પડે ત્યાં સુધી કપિલને કે કોઈ પણ નાગને એમાં ઇન્વોલ્વ કરવો બહુ જોખમી હતું.

જોકે જોખમ તો આયુષને એમાં ઇન્વોલ્વ કરવામાંય હતું જ પણ એટલું નહિ કેમકે એ સામાન્ય માણસ હતો કોઈ નાગ નહિ દુશ્મન માટે એ કોઈ કામનો ન હતો, અને બીજું એ કે મને ઊંડે ઊંડે લાગતું હતું કે ભલે અત્યારે કોઈ ખુલાશા થયા ન હતા પણ વૈશાલીના ગાયબ થવાને કપિલ અને નયના સાથે કોઈ સબંધ તો હતો જ.

કોઈક એવું હતું જે ખુલીને સામે આવ્યા વગર કપિલ અને નયનાને નુકસાન કરવા માંગતું હતું અને એ પહેલા મને એમનાથી દુર કરવા માટે એમણે વૈશાલીને ગાયબ કરવાની ટ્રીક અજમાવી હતી.

હું હકીકતથી હવે બહુ દુર ન હતો. હું એ કરવા જઈ રહ્યો હતો જે કદાચ આજ પહેલા કોઈએ કર્યું ન હતું. જાદુગરોના ઇતિહાસમાં એ કામ પહેલીવાર થવાનું હતું. હું નિયમોને તોડીને ચેમબર ઓફ સીક્રેટમાં દાખલ થવા જઈ રહ્યો હતો. એ માટે મારે કોઈ એક વ્યક્તિની જરૂર હતી અને મને એ કામ માટે આયુષ કરતા વધુ વિશ્વાસુ મિત્ર બીજો કોઈ દેખાયો નહિ.

પોલીસ મારી તલાસ કરી રહી હતી માટે દિવસે કોઈ પણ સ્થળે જવું મુશ્કેલ હતું. નયના, કપિલ અને પપ્પા પણ મને નાગપુરમાં શોધી રહ્યા હશે પણ હું એમને કોઈને મળવા માંગતો ન હતો. હું જાણતો હતો ભલે મને ન દેખાતી હોય પણ કોઈ બે આંખો મારી પીઠ પાછળથી મને જોઈ રહી હતી. મારી દરેક હિલચાલ પર દુશ્મનની ચાંપતી નજર હતી. એવા સમયે એ લોકોને મળવું એમને મુશ્કેલીમાં મુકવા જેવું હતું.

લગભગ રાતના અગિયારે હું ટેક્ષી સ્ટેન્ડ પહોચ્યો.

ત્યાંથી થોડેક દુર જ ઉભા રહી મેં સ્ટેન્ડ પર નજર રાખી. કદાચ પપ્પા કે કપિલ ત્યાં મારી ખબર કાઢવા આવ્યા હોય તો. હું એમના કોઈનો સામનો કરવા તૈયાર ન હતો. એમના સવાલોના જવાબ મારી પાસે ન હતા. કદાચ એ વૈશાલીના ગાયબ થવા પાછળ મને જવાબદાર સમજતા હોય?

જો એવું હોય તો પણ હું એમને હકીકત જણાવવા માંગતો ન હતો કેમકે હકીકત જાણ્યા પછી તેઓ ચુપચાપ બેસી ન રહે અને આજે જે પડછાયા સામે હું લડી આવ્યો હતો એ જોતા એ બધાથી દુર રહેવામાં એમની ભલાઈ હતી.

ખાસ મને કપિલ અને નયનાની ફિકર હતી. જો એ બધાને હકીકતની ખબર પડે તો એ મારા ઉપકારનો બદલો વાળવા માટે લડી મરવા તૈયાર થઇ જાય. અને જો એવું થાય તો અનેક કુરબાનીઓ વ્યર્થ જાય. એમને એક કરવા માટે કરેલી દરેક મહેનત પર પાણી ફરી જાય. કમબખ્ત મને એ પણ યાદ ન આવ્યું કે પપ્પા મુબઈ ગયા હતા તો એકાએક અરુણની ગેરેજ પર ક્યાંથી આવ્યા? પણ ઘણા સમયથી અમારા કોઈના જીવનમાં કશુય ખરાબ થયું ન હતું એટલે મેં એ પાસું વિચારવાનું જ બંધ કરી દીધું હતું. મને એમ કે પપ્પા સવારે આવી ગયા હશે.

ગમે તેમ હું છેતરાયો હતો અને એ વિષે વિચારવાથી કશુય બદલે નહી.

અરુણ એક ભરોષા પાત્ર મિત્ર હતો પણ એ શો દરમિયાન મારી સાથે હતો માટે કદાચ એ જેલમાં હશે અથવા એ બહાર હશે તો પણ પોલીસ એના પર નજર રાખતી હશે. એવા સમયે એની પાસે જઈ હું એને વધુ ઉલજનમાં નાખવા માંગતો ન હતો.

લગભગ અડધો એક કલાક મેં રોડની બીજી તરફ ઉભા રહી આયુષની રાહ જોઈ. એ ટેક્ષી સ્ટેન્ડ પર જ હતો પણ હું એના ત્યાંથી નીકળવાની રાહ જોઈ રહ્યો હતો. હું બીજા ટેક્ષી ડ્રાયવરોની હાજરીમાં એની સામે જઈ એને મુશ્કેલીમાં મુકવા માંગતો ન હતો.

કદાચ કોઈ ડ્રાઈવર પોલીસને બાતમી આપે કે હું એને રાત્રીના સમયે મળ્યો હતો તો નકામી પોલીસ એને હરાસ કરે. મને એ પસંદ ન હતું.

આયુષ અગિયાર પછી ટેક્ષી સ્ટાર્ટ કરી અને ઘર તરફ જવા લાગ્યો. હું એને ઘરે જવાના રસ્તા તરફ જ ઉભો હતો. હું સ્ટ્રીટ પોલની આડશ છોડી બહાર આવ્યો. મને જોતા જ એનો પગ આપમેળે બ્રેક પર ગયો અને ટેક્ષી મારાથી જરાક આગળ જઈને પુલ ઓફ થઇ. રાતના સન્નાટામાં બ્રેકનો અવાજ ગુંજ્યો.

હું આસપાસ એક નજર કરી ટેક્ષીમાં ડ્રાયવરની બાજુની સીટ પર જઈ ગોઠવાયો. આયુષ મને કઈ પૂછે એ પહેલા મેં એને ટેક્ષી હોટલ ઓલ્ડ ફોર્ટ લેવા કહ્યું.

“આ બધું શું ચાલી રહ્યું છે?” આયુષે ટેક્ષી સેકંડ ગિયરમાં લેતા પૂછ્યું.

“બહુ લાંબી કહાની છે, બસ હમણા તું એટલું જ સમજ કે તે જે સાંભળ્યું છે એ બધું ખોટું છે.”

“એ ખોટું છે એની મને ખાતરી છે. તું વૈશાલીને ક્યારેય...” એણે વાક્ય અધૂરું મુક્યું, જરાક અટકયો, “હું જે સાચું છે એ જાણવા માંગું છું.”

“એ જાણવા જ આપણે ઓલ્ડ ફોર્ટ જઈ રહ્યા છીએ.”

“ઓલ્ડ ફોર્ટ?”

“હા, બસ તારે બહાર મારી રાહ જોવાની છે. હું પાછો આવું ત્યારે ગમે તે હાલતમાં હોઈ શકું. તારે મને કોઈ એવા સ્થળે પહોચાડવાનો છે જ્યાં પોલીસ મને શોધી ન શકે. કમ-સે-કમ હું ભાનમાં આવું ત્યાં સુધી તો નહિ જ.” મેં એને વિગત આપી.

“પણ તું બહાર આવે ત્યારે બેહોશ શું કામ હોય?” એના અવાજમાં પ્રશ્ન કરતા ચિંતા વધુ હતી.

“એ માત્ર એક શકયતા છે જે માટે હું તને સાથે લેવાનું જોખમ લઇ રહ્યો છું.”

આયુશે માત્ર હકારમાં માથું હલાવ્યું. કદાચ એની પાસે બોલવા માટે કોઈ શબ્દો ન હતા.

ટેક્ષી લાઈટોથી ઝાકમઝોળ શહેરી ઈમારતો વચ્ચેના મારગ પર દોડતી રહી. મારા મનમાં અનેક સવાલો હતા જેમના જવાબ ફોર્ટમાં હતા જે મેળવવા હું જઈ રહ્યો હતો. આયુષના મનમાં પણ ઘણા બધા સવાલો હતા પણ એને એ સમય સવાલો કરવા માટે વાજબી લાગ્યો નહિ હોય માટે એ ચુપચાપ ટેક્ષીને ફોર્ટ તરફ હંકારતો રહ્યો.

ટેક્ષી ઓલ્ડ ફોર્ટ સામે પુલ ઓફ થઇ.

“હું પાછો ન આવું તો અડધા કલાક પછી અહીંથી નીકળી જજે.” મેં ટેક્ષીનો દરવાજો ખોલતા કહ્યું, “અંદર આવવની ભૂલ ન કરતો.”

આયુષે કઈ જવાબ ન આપ્યો. હું જાણતો હતો એ મારી સાથે આવવા માંગતો હતો કેમકે એને ખબર નહોતી કે ઓલ્ડ ફોર્ટ નામે ઓળખાતી એ સામાન્ય હોટલના બેઝમેન્ટમાં જ ચેમ્બર ઓફ સિક્રેટ હતી. એ ટેક્ષીમાં જ બેસી રહ્યો એ જોઈ મને શાંતિ થઇ. થેંક ગોડ મારી સાથે નયના ન હતી નહીતર એને બહાર રોકાવા માટે મનાવવાનું અશક્ય બની ગયું હોત. રામ જાણે કપિલ એને કોઈ વાત કેમ કરી મનાવતો હશે.

હું એન્ટ્રેન્સમાં દાખલ થયો. ત્યાં ખાસ ભીડ ન હતી પણ કેટલાક માણસો હાજર હતા. એ એકલ-દોકલ માણસો હોટેલમાં આવેલા સામાન્ય પ્રવાસીઓ નહિ પણ ચેમ્બર ઓફ સિક્રેટના મુલાકાતીઓ હતા એ એમનો પહેરવેશ કહી દેતો હતો.

લગભગ મોટા ભાગના કોટ અને હેટ સાથેના પ્રોફેશનલ જાદુગરો હતા.

હું મુખ્ય પેસેજ પાર કરી અંદર દાખલ થયો.

ખરાખરીનો ખેલ હવે હતો. કદાચ મારા પર જે આરોપ લાગ્યા હતા એ પછી મારા એ સિક્રેટ ચેમ્બરમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હશે તો? તો મારે ચેમ્બરના દરવાજા પાસે બાઉન્સરના વેશમાં પહેરો ભરતા રક્ષક જાદુગરો સાથે લડવાનો વારો આવે એમ હતો. એ કામ સહેલું ન હતું. રક્ષક જાદુગર સામાન્ય જાદુગર જેમ શો કરવાને બદલે લડવા માટે તાલીમ પામેલા હોય છે. પણ હું ગમે તેની સામે લડી લેવા તૈયાર હતો. વૈશાલી માટે હું ખુદ મોત સામે બાથ ભીડવા તૈયાર હતો.

હું રક્ષક સામે જઈ ઉભો રહ્યો. એ બાઉન્સર તરીકે ડીસગાઈઝ હતો. તેનું જેકેટ તેની વિશાળ છાતીને સમાવવા માટે તરફડીયા મારી રહ્યું હોય એમ એની ચાલીસેક ઈંચની છાતી એની વી નેક બ્લેક ટી શર્ટને પ્રેસર આપતી દેખાઈ. જાકેટ આર્મ પાસે સજ્જડ ન હતું છતાં એના બાંધાને જોતા એ જાકેટની સ્લીવની નીચે સતર ઇંચના બાઈશેપ છુપાયેલા હતા એ ચીજ કોઈ પણ નાસમજનેય સમજાઈ જાય તેમ હતી.

એનો દેખાવ ભલે બાઉન્સર જેવો હતો પણ એ એક જાદુગર હતો - એક એવો જાદુગર જે બીજા જાદુગરો કરતા લડાઈના ઘણા વધારે સ્ટેપ શીખેલો હતો.

“નો એન્ટ્રી ફોર એનીવન.” બાઉન્સર એક મિનીટ માટે મારી તરફ જોઈ રહ્યો.

મને હાશકારો થયો. મારા ચેમ્બરમાં દાખલ થવા પર પ્રતિબંધ લાગ્યો ન હતો. કેમકે જો એમ થયું હોત તો બાઉન્સરે તેની મદદ માટે બીજા બે ત્રણને બોલાવી લીધા હોત અને હું ઓલ્ડ ફોર્ટ બહારના રસ્તા પર પડ્યો હોત.

“આઈ એમ રીડર.” મેં કહ્યું. એ ચેમ્બરમાં દાખલ થવા માટેનો કોડ હતો.

“હાઉ કેન આઈ બીલીવ?” એ કન્ફર્મિંગ કોડ હતો.

“ચેક ઈટ યોરસેલ્ફ.”

“ઓકે.” બાઉન્સર પોતાના ખિસ્સામાંથી એક તાસનું પાનું નીકાળ્યું. એણે કાર્ડને એ રીતે પકડ્યું હતું જેથી મને માત્ર એનો પાછળનો ભાગ જ દેખાય, આગળનો ભાગ એની તરફ હતો.

મેં કાર્ડ તરફ જોયું. મારી આંખો બંધ કરી, અને એક પળ પછી જવાબ આપ્યો, “બે સાપ અને એક ગરુડ.”

“યુ આર રાઈટ.” એણે કાર્ડ મારી તરફ ફેરવ્યું અને અંદર જવાનો ઈશારો કર્યો.

કાર્ડ પર મેં કહ્યા મુજબની જ વિગતો હતી. કદાચ બાઉન્સરને લડવાની જ ટેકનીકો શીખવવામાં આવી હતી કેમકે મેં એના મનને વાંચી લીધું એનો એને અંદાજ પણ આવ્યો ન હતો. ખરેખર જેને એન્ટ્રી આપવાની હોય તે લોકોને બે સાપ અને એક ગરુડનું પાનું ખબર હોય પણ મને એ ખબર નહોતી છતાં મેં તો બાઉન્સરનું જ મન વાંચીને એને કાર્ડમાં શું છે તે કહી દીધું. જો એ ચાલક હોત તો મારી ટ્રીક પકડી લોત. ગમેતેમ મને રસ્તો મળી ગયો.

બાઉન્સરનો હકારાત્મક ઈશારો મળતા જ હું મેટલ ડોરમાંથી સરકીને ચેમ્બરમાં દાખલ થયો. એ અંધારિયો રૂમ હતો - અ રૂમ ફાર - ફાર બીગર ધેન ધ ઓલ્ડ ફોર્ટ કુડ હેવ. એ બેઝમેન્ટમાં કેટલી ગહેરાઈ પર હતો એનો અંદાજ લગાવવો પણ અશક્ય હતો. એ અનેક રંગી લાઈટોથી ચમકતી એક ચેમ્બર જેવો રૂમ હતો. છતાં જાણે એક અજાણ્યો અંધકાર ત્યાં ફેલાયેલો હતો. ઈટ વોઝ ચેમ્બર ઓફ સિક્રેટ.

અંદર ક્યાય કોઈ દીવાલ દેખાઈ નહી, બસ ચેમ્બરના કેટલાક ભાગમાં હાલ્ફ વિઝીબલ લાઈટ હતી અને બાકીના ભાગ પર અંધકારનું સામ્રાજ્ય. એ ચેમ્બર કેટલા સુધી વિસ્તરેલી હતી એ અંદાજ પણ આવી શકે એમ ન હતું. માત્ર લાઈટો ડાર્કનેસને ડેન્ટ કરી રહી હતી.

હું પથ્થરના પગથીયા ઉતરી નીચેની તરફ જવા લાગ્યો. મારે ચક્ર સુધી પહોચવું હતું. એ ચક્ર જેને વિલ ઓફ વિશના નામે ઓળખવામાં આવતું હતું.

હું પગથીયા ઉતરીને પહેલા ભોયરામાં પહોચ્યો. ત્યાં એક જુના લાકડાના ટેબલ પર ત્રણ માણસો બેઠા હતા. એ સામાન્ય દ્રશ્ય દેખાયુ પણ હું જાણતો હતો એ કોઈ સામાન્ય માણસો ન હોય. એ ત્રણમાંનો એક વ્યક્તિ ખાલી બોટલમાંથી લીકવર ગ્લાસમાં રેડી રહ્યો હતો. અને એ ખાલી બોટલે ત્રણ ગ્લાસને વાઈનથી છલોછલ ભરી નાખ્યા. મેં એ વાઈનની વાસ મારા નાક સુધી આવતી અનુભવી. ૧૭૭૦ આસપાસ નાગપુરમાં બનતા મોસંબી કે સંતારામાંથી બનેલા દારૂની એ વાસ હતી. અંગ્રેજ ગવર્નરો અને સરોને પીરસાતી એ સુગંધી શરાબ હતી. ટેબલ પર બેઠેલા એ માણસો મને જ જોઈ રહ્યા હતા.

કોણ જાણે કેમ?

એ ખલી બોટલમાંથી બહાર આવતો દારૂ ૧૭૭૦માં બનેલ મોસંબીનો હતો એ મને કઈ રીતે ખબર પડી? મને એ કઈ સમજાયું નહિ, પણ એક વાત નક્કી હતી કે વિલ ઓફ વિશ ક્યાંક આસપાસ જ હોવું જોઈએ.

તેનાથી નીચેના બેઝમેન્ટમાં મને એક ટેબલ પર વિસેકની ઉમરની બે જુડવા દેખાતી છોકરીઓ દેખાઈ. તેઓ મને જોઈ રહી અને જયારે મેં એમની આંખોમાં જોયું મને એમની આંખો ગ્લો થતી દેખાઈ. એમની આંખોમાં કોઈ અજબ સંમોહન શક્તિ હતી. હું વિલ ઓફ વિશ તરફ જવાને બદલે એ તરફ જવા લાગ્યો. મને પોતાને ખબર ન રહી હું એમના તરફ કેમ જઈ રહ્યો હતો. એકાએક મારી આંખો સામે એક અજબ દ્રશ્ય દેખાવા લાગ્યું.

જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. એટલો જોરદાર કે મને એમ લાગ્યું કે એ પવન મારા શરીરના ચીથરે-ચીથરા કરી નાખશે.

મારાથી થોડેક દુર વૈશાલી ઉભી હતી. અમે ભેડાઘાટ પર હતા. વૈશાલી પણ એ પવનથી બચવા સ્ટ્રગલ કરી રહી હતી. પવન એને પોતાની સાથે તાણી ન જાય એ માટે એ એક વૃક્ષના થડને પોતાના બંને હાથથી સજ્જડ પકડીને ઉભી હતી. પણ એ પવન સામે જાણે વૃક્ષોનું પણ કોઈ જોર ન હતું. એક બાદ એક વૃક્ષો એ પવનમાં ઉખડીને તણાવા લાગ્યા. વૈશાલી જે ઝાડને સહારે હતી એ થડ ઉખડ્યું એ પહેલા મેં એની નજીક જઈ વૈશાલીનો હાથ પકડી લીધો. પણ પવનના વેગને લીધે એ જમીન કરતા જરાક અધ્ધર ઊંચકાઈ ગઈ. મેં મારા હાથની મજબુત પકડ એના કાંડા પર જમાવેલી હતી પણ મારા હાથ એ પવનની શક્તિ સામે નકામાં થવા લાગ્યા. મારા ખભામાં જલન ઉપડી અને ગમે તે પળે મારો હાથ નકામો થઇ જશે એમ મને લાગ્યું છતાં મેં એને રોકી રાખવાનો પ્રયાસ કર્યો.

“વિવેક, મને જવા ન દઈશ..” વૈશાલીની આંખોમાં આંસુ દેખાયા, “હું જીવવા માંગું છું.. તારી સાથે રહેવા માંગું છું..”

હું એને સાંત્વના આપવા માટે એક શબ્દ પણ બોલી ન શક્યો કેમકે એના કાંડા પરની મારી પકડ ધીમે ધીમે લુઝ થવા લાગી અને એ બાબતથી અમે બંને અજાણ ન હતા. ધીમે ધીમે એનો હાથ મારા હાથમાંથી સરકવા લાગ્યો.

“હોલ્ડ ઓન..” મારા શબ્દો મારા ગાળામાં જ રોકાઈ ગયા કેમકે એ હાથ મારી પકડમાંથી છૂટો પડી ગયો હતો.

“વૈશાલી..” હું ચીસ પાડી ઉઠ્યો, એ પવન સાથે તણાઈ ગઈ. ધૂળની ડમરીઓ એને ઢાંકી દે એ પહેલા મારી આસપાસનું દ્રશ્ય બદલાઈ ગયું.

***

ક્રમશ:

લેખકને અહી ફોલો કરો

ફેસબુક : Vicky Trivedi

ઇન્સ્ટાગ્રામ : author_vicky