દ્રૌપદી ધ્રુજતી ઉભી હતી. દુશાસનનો હાથ આગળ વધ્યો અને એની સાડીના છેડા તરફ લંબાયો. આખી સભામાં કોઈ એક એવો મરદ માણસ ન હતો જે કહે, દુશાસન રોકાઈ જા. ભાભી મા સમાન હોય એનું આવું અપમાન ના કરાય! દ્રૌપદીએ એના મહારથી એવા પાંચ પાંચ પતિઓ તરફ આગ ઝરતી નજરે જોયું હતું. એ બધાં એમનું માથું નીચે ઝુકાવી ગુલામ બની બેઠા હતા. એકવાર એને થયું કે એ પાંચેયને કંઈક કહી દે, એમની હારની સજા પોતાને શા માટે ભોગવવાની? પણ, એ કાંઈ ના બોલી. કોને કહેવું? જો એ લોકોને એટલી ચિંતા હોત તો પોતાની પત્નીને દાવ પર લગાડતા પહેલા જ ના વિચારત!
દુશાસનનો હાથ આગળ વધ્યો અને સાડીનો છેડો પકડી ખેંચવા લાગ્યો. દ્રૌપદી એક ચકરડું ફરી ગઈ અને સાથે સાથે નિયતિનું પણ એક ચક્ર ફરી રહ્યું... આજે સવારે જ્યારે પાંચાલીએ આ સાડી પહેરી હતી ત્યારે એણે જરીકે વિચાર કર્યો હશે કે આ સાડી આ રીતે ઉતારાશે, એ પણ ભરી સભામાં એના પાંચ પાંચ પતિઓ અને કુળના સમસ્ત મહાજ્ઞાની અને પરાક્રમી યોધ્ધાઓ આગળ! પોતાના કુળની સ્ત્રીની લાજ ના બચાવી શકે, પોતાની નજર આગળ જ એને અપમાનિત થતી જોઈ રહે એવા લોકો પાસે હવે કોઈ પણ આશા રાખવા સ્વમાની પાંચાલી તૈયાર ન હતી. તો હવે? કોણ એની મદદ કરશે? પેલો દુષ્ટ એની સાડી ખેંચી રહ્યો છે અને પોતે હવે વધારે વખત સામી બાજુએ છેડો પકડી રાખી શકે એમ નહતું. એ વધારે બળવાન હતો કે એના સંજોગ, કોણ જાણે? દ્રૌપદી લાચાર હતી! છેવટે એને યાદ આવ્યાં એના પરમ સખા...
એ જ વખતે દુશાસને જોર કરીને એના હાથમાનો પાલવનો છેડો ખેંચેલો અને દ્રૌપદીના હાથમાંથી એ છૂટી ગયેલો. દુશાસન સાડીનો છેડો પકડી ખેંચી રહ્યો હતો... શરીર પર લપટાયેલી એક સ્ત્રીના ગૌરવ સમી સાડી, એનું માન ઉતરી રહ્યું હતું અને આ ક્ષણે દ્રૌપદીને માટે હવે એક જ એનો તારણહાર હતો જો એ સાથ ના આપી શકે તો આ દુનિયામાં બીજું કોઈ સાથ આપવાને લાયક ન હતું. પાંચાલી બે હાથ જોડી, આંખો બંધ કરી કેશવ...કેશવ...જપવા લાગી.
“અલ્યા મેહુલીયો ક્યાં ગયો? કૃષ્ણ ભગવાનની એન્ટ્રી થવાનો સમય થઇ ગયો અને એ ક્યાં મરી ગયો?” સ્ટેજની પાછળના ભાગે બુમરાણ મચી ગઈ. બધાં પ્રેક્ષકો એ ઘડીની રાહ જોઈ રહ્યાં હતા જ્યારે કૃષ્ણ ભગવાન આવીને દ્રૌપદીના ચીર પૂરે. આગળ શું થવાનું એ વાત સૌ જાણતા જ હતા બસ, એ સીન અહી કેવી રીતે ભજવાય છે એ જોવાં દરેક જણ આતુર હતું. સ્વામી વિવેકાનંદ કોલેજનો વાર્ષિકોત્સવ એના આ નાટકોને લઈને જ આખા શહેરમાં ખુબ જાણીતો થયેલો.
દુશાસને ખાલી ખાલી અટહાસ્ય કર્યું, બે વાર કર્યું. એની ચકળ વકળ ફરતી આંખો પાંચાલી બનેલી ગુલાબ તરફ મંડાઈ હતી. એને ખબર પડી ગઈ હતી કે કંઈક ગરબડ થઇ છે અને હજી સુંધી મેહુલે કૃષ્ણ બનીને એન્ટ્રી નથી લીધી, હવે? એને એમ કે પોતે અને ગુલાબ ભેગા મળીને સીનને થોડોક ખેંચી રાખીએ ત્યાં સુંધી કૃષ્ણ ભગવાનની એન્ટ્રી થઇ જશે. એણે ધીરેથી, હોઠ હલાવ્યા વગર કહ્યું, “ગુલાબ થોડી આજીજી કર. થોડું રડ. બધાંની મદદ માટે પોકાર કર.”
આ બાજુ દ્રૌપદી બનેલી ગુલાબતો સાચે જ આંખો મીચીને એના કાન્હાને બોલાવવામાં મગ્ન થઇ ગયેલી. કોઈનો અવાજ એના કાને સંભળાતો ન હતો. એના કાન, એની આંખો બસ કૃષ્ણને માટે તડપી રહ્યાં હતાં. આંખો બંધ કરી, બે હાથ જોડી એ ભગવાનને સાચે જ બોલાવી રહી હતી, ગુલાબ આ ક્ષણે ગુલાબ હતી જ નહીં એ દ્રૌપદી હતી અને ત્યાં જ એણે એક અવાજ સાંભળ્યો હતો! એવો અવાજ જેને સાંભળ્યા પછી બીજું કંઈ સાંભળવાની ઈચ્છા જ ન રહે, સાક્ષાત ભગવાનનો અવાજ..!
“શું વિચારે છે પાંચાલી? ક્યાં સુંધી આ નાટક ભજવાતું રહેશે અને હું તને બચાવવા આવતો રહીશ? એક સાથે હું કેટલી પાંચાલીને બચાવવા જઈ શકું? ક્યારેક નથી પહોંચી વળાતું મારાથી અને ત્યારે થયેલી પાંચાલીની દુર્દશા જોઇને મારું હ્રદય કમકમી ઉઠે છે! મારી પ્રિય સખીની એ પીડા મારાથી સહન નથી થતી. શા માટે તું મદદ માટે પોકાર કરે છે? તારી સામે ઊભેલો દુષ્ટ પણ એક માનવ જ છે, બિલકુલ તારા જેવો જ, તો એનાથી શું ભયભીત થવાનું? તારી આબરૂ બચાવવા તું જાતે એને ના હણી શકે? ગીતામાં હું અર્જુનને કહું છું કે આ સામે ઉભેલા બધા લોકો એમના હીન કર્મોને લીધે પહેલાથી જ હણાયેલા છે તારે તો એમના મોતનું માત્ર નિમિત્ત બનવાનું છે આથી કોઈ પણ જાતનો મનમાં ક્ષોભ રાખ્યા વગર તું એ તારું શ્રેષ્ઠ કર્મ કર. એ જ વાત તારા માટે પણ એટલી જ સાચી છે સખી. આ દુષ્ટને એના આ ખરાબ કર્મની, આ શર્મનાક કૃત્યની સજા મળી જ ચુકી છે, નિયતિએ એનું મોત લખી જ નાખ્યું છે તું એનું નિમિત્ત માત્ર બન! અબળા નહિ સબળા બન અને દેખાડી આપ દુનિયાને કે આજની પાંચાલીને કોઈની મદદની જરૂર નથી. એ પોતાની રક્ષા જાતે જ કરી શકે છે. પ્રાર્થના માટે જોડાયેલા હાથ ખોલી નાખ પ્રિયે અને મુઠ્ઠીઓ વાળીને તૂટી પડ આ માણસ રૂપે જન્મેલા રાક્ષસ પર જેમને મન સ્ત્રીઓની આબરુની, એના સ્વાભિમાનની કોઈ કિંમત નથી!
અચાનક જ પાંચાલી બનેલી ગુલાબે આંખો ખોલી હતી. એના પ્રાર્થના માટે જોડાયેલા હાથની છુટ્ટા પડ્યાં અને એની મુઠ્ઠીઓ વળાઈ ગઈ, એના કાનમાં હજી ભગવાનનો અવાજ ગુંજતો હતો. સાડીનો એક નાનકડો છેડો હજી હિંમત ના હાર્યો હોય એમ એની માલકણને શરીરે લાજ બનીને વીંટળાઈ રહ્યો હતો એને પકડીને પાંચાલીએ, એટલે કે ગુલાબે પૂરી તાકાતથી પોતાની તરફ ખેંચ્યો. સામે દુશાસન બનેલો માધવ હજી દ્વિધામાં હતો કૃષ્ણની એન્ટ્રી કેમ હજી નથી થઈ? એ બિચારો ચિંતિત હતો અને ગુલાબની હરકતથી સાવ બેધ્યાન, એના હાથમાં પકડેલો છેડો બીજી બાજુએથી ગુલાબે જોર કરીને ખેંચ્યો હતો અને એ આગળ દ્રૌપદી તરફ ખેંચાઈને નીચે પડી ગયો.
“દુષ્ટ, પાપી, નરાધમ... તે મને સમજી શું રાખી છે હેં? હું જ દુર્ગા છું, હું જ શક્તિ, તારા જેવાને માટે મારે ભગવાનને બોલાવવાની જરૂર જ નથી તને તો હું સીધો કરું છું જપ! આટલું કહેતાં કહેતાં જ એણે માધવના પેટમાં અને બે પગ વચ્ચે એક એક લાત ઠોકી દીધી હતી અને થોડીક પળો બાદ તો એ નીચે પડેલા દુશાસનનાં મોઢાં પર મુક્કાથી પ્રહાર કરી રહી હતી...
માધવ ‘બચાઓ..બચાઓ..આ ગુલાબ પાગલ થઇ ગઈ છે,’ એવી બુમો પાડી બેક સ્ટેજ તરફ મદદ માટે વલખાં મારી જોઈ રહ્યો હતો અને બધા શ્રોતાઓ સ્તબ્ધ બનીને રંગભૂમિને જોઈ રહ્યાં હતા. આજ પહેલાં તો એમણે ક્યારેય આવું નહતું જોયું! નાટક મંડળી આખી ચિંતામાં આવી દોડાદોડી કરી રહી હતી અને અણીના સમયે ટોઇલેટમાં ઘુસી ગયેલા મેહુલને ઝડપથી થોડુંક હાલની પરિસ્થિતી વિષે સમજાવી સ્ટેજ ઉપર રીતસર ધકેલી મૂક્યો. ગભરાઈ ગયેલો મેહુલ ભગવાન કૃષ્ણના રોલમાં સ્ટેજ ઉપર પ્રગટ થયો અને દ્રૌપદી બનેલી ગુલાબને ઉગ્ર રૂપે દુશાસનને મારતી જોઈ એણે જેવું આવડ્યું એવું આજની સ્ત્રીઓની હિંમત પર અબળા સબળા બધું ભેગું કરીને થોડું ભાષણ આપી જેમ તેમ કરીને સીન પૂરો કર્યો. પડદો પડતા જ નીચે પડેલા માધવે ઉઠીને ગુલાબના બંને હાથ પકડી લીધા અને રાડો પાડીને એને હોશમાં આવવાનું કહ્યું. એ સાથે જ બાકીના બધા લોકો ત્યાં પડદા પાછળ ભેગા થયા અને ગુલાબને આખું નાટક ખરાબ કરવા બદલ બોલવા લાગ્યા...
ગુલાબ શું કહે? એ કોઈને કંઈ જવાબ ના આપી શકી. જવાબ એની પોતાની પાસેય ક્યાં હતો? કોણ છે એ જે આમ વારે ઘડીએ આવીને પોતાને સલાહ આપી જાય છે. શું કરવું અને શું ના કરવું એ વિષે ધરાર આદેશ આપતો હોય છે અને પોતે પણ એના અવાજના સંમોહનમાં બધું જ ભૂલી જાય છે! આજે એણે નાટકમાં ફક્ત કૃષ્ણ ભગવાનને યાદ કરવાના હતા. છેલ્લે ભગવાન આવીને એના ચીર પુરત અને પડદો પડી જાત. નાટક સમાપ્ત થાત. એને બદલે પોતે શું કર્યું? દુશાસન બનેલા માધવ તરફ એની નજર ગઈ એ હજી એનો ગાલ અને પેટ પંપાળી રહ્યો હતો, એને પેટમાં જોરદાર લાત વાગી હશે...
“સોરી માધવ! ખબર નહિ મને શું થઇ ગયેલું? હું જાણે સાચે જ દ્રૌપદી બની ગયેલી અને,” ગુલાબે માધવ પાસે જઈને કહેલું.
“ઇટ્સ ઓકે ગુલાબ! તું કેરેક્ટરમાં ઘુસી ગયેલી. આવું થાય એમાં નવાઈ જેવું નથી. અભિનેતા પોતાનો જાન રેડી દેતો હોય અભિનયમાં, પોતાને ભૂલીને એ ખરેખર જ્યારે પાત્ર બની જાય ત્યારે જ તો પબ્લિક સીટીઓ મારે!”
માધવે એના સ્વભાવ મુજબ જ એકદમ સાહજીકતાથી કહ્યું અને એક પળમાં ગુલાબનો બધો સંકોચ ખંખેરાઈ ગયો. માધવની આ સાહજીકતા જ ગુલાબને સ્પર્શતી હતી અને એટલે જ બંને ખુબ સારા દોસ્ત હતા.
બધા કલાકારો હવે એમના માટે રોકાયેલી ખાલી બેઠકોમાં આવીને ગોઠવાઈ ગયા હતા. સ્ટેજ પર ટેબલ ખુરશી ગોઠવાઈ ગયેલા અને જજ સાહેબો સાથે કોલેજના પ્રિન્સીપાલ મેડમ અને બીજાં એક પ્રોફેસર એ ખુરસી પર પોતાનું સ્થાન જમાવી ચુક્યા હતા. ચુલબુલી કાજલને આજે એન્કરીંગ કરવાનો મોકો મળ્યો હતો. એણે માઈક પાસે આવીને બધા આમંત્રિત જજોની ઓળખાણ આપી અને પછી મુખ્ય મહેમાન એવા લતાબેનને વિદ્યાર્થીઓ માટે બે શબ્દો કહેવા બોલાવ્યા.
લતાબેન શહેરના અને સમગ્ર ગુજરાતના જાણીતા સમાજ સુધારક હતા. ખાસ કરીને સ્ત્રીઓ માટે તો એ મસીહા હતા એમ કહીએ તોય ચાલે! એમણે એમની રસાળ શૈલીમાં ભાષણ આપ્યું અને છેલ્લે સ્ટેજ ઉપર ભજવાયેલા નાટક વિષે જણાવતાં કહ્યું કે, એમને આ નાટક ખુબ જ પસંદ આવ્યું. એમાય દ્રૌપદી બનેલી છોકરી ગુલાબનો છેલ્લા સીન વખતનો અભિનય જોરદાર રહ્યો. એમણે ગુલાબને સ્ટેજ ઉપર બોલાવી અને એને અભિનંદન આપ્યા અને પોતાની જિંદગીમાં પણ આજની પાંચાલી, જે પોતાની રક્ષા સ્વયંમ કરી શકે, એવી બનવાનું કહ્યું. ભગવાન પણ એને જ મદદ કરે છે જે પોતાને મદદ કરે છે. લતાબેનની વાત સાંભળી ગુલાબનો ચહેરો ગુલાબની માફક ખીલી ગયો અને આખી કોલેજની એ માનીતી થઇ ગઈ. એના સાથી કલાકારો પણ હસી પડ્યા એમને મન ગુલાબને બગાસું ખાતા પતાસું મળી ગયા જેવો ઘાટ થયેલો! જે પણ હોય નાટક સફળ રહ્યું અને એ એમની આખી ટીમની જીત હતી, ખુશીની વાત હતી.
માધવે પણ ગુલાબને અભિનંદન કહ્યું અને સ્ટેજ ઉપર જે કાંઈ બની ગયેલું એ વાત સૌ ભૂલી ગયા. ગુલાબે મનોમન એ અજાણ્યાં શક્સને ધન્યવાદ કહ્યું જેણે એને આમ કરવાનું કહ્યું હતું...
©Niyati kapadia
(મારી નવલકથાને ક્યાંય પણ મારી જાણ બહાર કોપી પેસ્ટ કરવી નહિ, એવું કરનાર વ્યક્તિ ગુનેહગાર છે અને હું એવી વ્યક્તિ ઉપર કેસ કરવાનું પસંદ કરીશ. આપ ઈચ્છો તો મારી પોસ્ટ શેર કરી શકો છો.)