Niyati - 37 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૩૭

Featured Books
Categories
Share

નિયતિ - ૩૭


“ભગવાનની દયાથી બધું સારું છે. ચાલો, તમે લોકો ઘેર જઈ આવો. આખી રાતનો ઉજાગરો છે બધાને. વાસુદેવ તું પણ ચાલ મારી સાથે કલાકમાં પાછા આવી જઈશું. પછી જશોદાને મોકલીશું.” હિંમતભાઈ બોલ્યા.

“હું નીકળું અંકલ. મારે અમદાવાદ પહોંચવું પડશે. કંઈ જરૂર હોય તો બસ એક ફોન કરી દેજો.” પાર્થે વાસુદેવભાઇ પાસે જઈને કહ્યું.

“અરે બેટા! થાક્યો હોઈશ તું. હજી તે ક્રિષ્ના સાથે સરખી વાત પણ ક્યાં કરી છે. સાંજે જજે.” જશોદાબેન વચ્ચે બોલ્યા.

“ક્રિષ્નાની હાલત જોવા જ આટલે સુંધી લાંબો થયો હતો. હવે, રજા લઈશ. ઘરે મમ્મી રાહ જોતી હશે.” પાર્થે સહેજ હસીને જવાબ આપ્યો.

“બરોબર છે. સારું કર્યું તમે આવી ગયા. અત્યારે સવારે ટ્રાફિક ઓછો હોય અને તડકો પણ નહિ નડે તમતમારે નીકળી જાઓ વેળાસર. ઘરે પહોંચીને રિંગ કરી દેજો.” વાસુદેવભાઇ પાર્થને જવા માટે મંજૂરી આપી દીધી. એ નહતા ઇચ્છતા કે ક્રિષ્ના પાર્થને અહીં જોઈને સહેજેય મગજ ઉપર ભાર લે!

“બાય મુરલી! મને ખબર છે તું ક્રિષ્નાની કાળજી રાખીશ! કંઈ પણ જરૂર લાગે તો ફોન કરી દેજે અને ક્રિષ્નાની તબિયત વિષે મેસેજ કરતો રહેજે.” પાર્થ મુરલી સાથે હાથ મિલાવતા બોલ્યો.

“ચોક્કસ!” મુરલી પાર્થનો હાથ એની બંને હથેળીઓ વચ્ચે સહેજ દબાવતા બોલ્યો. એ પાર્થના દિલની હાલત સમજતો હતો, એને દુઃખ પણ થતું હતું. એના હાથમાં ક્યાં કશું હતું!

પાર્થ ગયો. જશોદાબેન વ્યથિત નજરે એને જતો જોઈ રહ્યા. એમના મતે ક્રિષ્ના માટે પાર્થથી સારો મુરતિયો બીજો એકેય ન હતો. જો બીજો કોઈ વખત હોત તો એમણે ચોક્કસ એમની વાત મનાવવાની કોશિશ કરી હોત પણ, હાલ એ લાચાર હતા...!

“અંકલ તમે અને આન્ટી બંને ઘરે જઈ ફ્રેશ થઈ આવો હું છું અહીં.” મુરલીએ કહ્યું.

“એ બધું પછી. પહેલા એ કહે હું પાપામાંથી તારો અંકલ ક્યારનો થઈ ગયો, હૈં?” વાસુદેવભાઈએ મુરલીને ખભે હાથ મૂકી કહ્યું. “એ વખતે હું બોલી નહતો શકતો પણ, સાંભળી બધું શકતો હતો! ઘણા લોકો એ વાત વિસરી ગયેલા,” એમણે આ વાક્ય જશોદાબેન સામે જોતા કહેલું, એમણે જાણે સાંભળ્યું જ ન હોય એમ નજર બીજે વાળી લીધેલી, “એક તું જ એવો હતો જેને એ યાદ હતું. તારી બધી વાતો મને યાદ છે અને ખરું કહું તો એ વખતે મને એનીજ જરૂર હતી. બીમાર માણસ એકલો પથારીમાં પડ્યો પડ્યો કેવો કંટાળી જાય એતો જેની પર વીતી હોય એજ જાણે! એ દિવસેય તેજ મારો જીવ બ ભચાવેલો. જશોદાની ભૂલને લીધે તારે ઘણું સહેવું પડ્યું. એ માટે હું માફી માંગુ,”

“અરે આ શું કહો છો પપ્પા?” મુરલી વચ્ચે જ વાસુદેવભાઇની વાત કાપતા બોલ્યો, “એ સમય, સંજોગ જ એવા હતા. કોઈ પણ ભૂલ કરી બેસે. મારાથી પણ ભૂલ થઈ જ ગઈ ને! છ મહિના સુધી ક્રિષ્નાને ફોન પણ ના કર્યો. એને કેટલી તકલીફ થઈ હશે એ વિચારીને જ મને મારી જાત પર નફરત થઈ આવે છે!”

“હશે, વખત વખતની વાત છે! હવે એ બધું ભૂલી જઈએ અને ક્રિષ્ના જલદી સાજી થઈ જાય એવા પ્રયત્ન કરીએ.”
વાસુદેવભાઇ એમની પત્ની અને મિત્ર સાથે ગયા. નટખટ એનો ફોન કટ કરી બોલ્યો, “એ ભરતા તને પાટો બાંધતા આવડે કે ની? બે દિવસનો મારા જંગલાંથી ગાયબ છું મારો બૉસ તપી ગયો હશે. મારા ઝાડવેથી પડી ગયોતો, હાથે ફેક્ચર હતું એવું કોઈક બહાનું કાઢવું પડશેને!”

“એલા તે આખો મહિનો પાટો બાંધીને ફરીશ? આવો આઈડિયા ના ચાલે! બીજું વિચાર. એમ કર કોઈને મારી નાખ, દૂરની ફોઈબા, માસીબા કે પછી સાસરામાથી કોઈને ટપકાવી દે!” ભરતભાઈએ એમનું જ્ઞાન આપ્યું.

“ઇ તમે મને શરમાવો નઈ, હજી હું કુંવારો છું!” નટખટ શરમાવાનું નાટક કરતા બોલ્યો.

“તો તો બેસ્ટ! કહી દેજે મારા માટે છોકરી મતલબ વાંદરી જોવા ગયો તો!” ભરતભાઈ ખડખડાટ હસી પડ્યા એમની સાથે મુરલી પણ હસી પડ્યો.

“દોસ્તોની હસી માટે વાંદરી જોડે પણ પરણી જવા બંદા તૈયાર છે!”

“મારેય ચેન્નઈ જવાનું હતું. જ્યારે તમે લોકોએ બેલ મારી ત્યારે હું બહાર જવા જ નીકળતો હતો પછી, પ્રોગ્રામ કેન્સલ કર્યો.” ભરતભાઈ બોલેલા.

“થેક્સ યારો! જો તમે બંને મારી સાથે ના હોત તો ખબર નહિ હું શું કરત?” મુરલી બંનેના હાથ પર પોતાનો હાથ મૂકી બોલ્યો.

“એ ચલ ચલ હવે, વધારે તારી હોંશિયારી ના માર!” ભરતભાઈએ ખોટો ગુસ્સો બતાવતા કહ્યું.

“તમે બંને પણ જાવ હવે. હું કામ હશે તો કોલ કરીશ.” મુરલીએ બંનેની સામે જોતા કહ્યું.

“નટખટ તું નીકળ બકા! તારે મુંબઈની બહાર જવાનું છે. હું ચેન્નઈ બે દિવસ પછી જઈ આવીશ. એવું કોઈ ખાસ કામ નથી. વાસુદેવભાઇને એ લોકો પાછા આવે એટલે આપણે પણ ઘરે જઈને ફ્રેશ થઈ આવીએ.”

“ભરતા ભાઉં એ વાત એકદમ સાચી. પેલી બિચારી ભાનમાં આવે અને આ પાસે જાય કે તરત પાછી બેભાન થઇ જાય!” નટખટ હસતા હસતા બોલ્યો.

“જોકે એક વાત મારા મગજમાં આવે છે કે, જો કદાચ ક્રિષ્ના બોબડી એટલેકે મૂંગી થઈ જાય તો આને કેટલી નિરાંત! બૈરાની કોઈ કિચ કિચ જ નઈ. હું તો કહું છું હજી મોકો છે, અમે બંને જઈએ એટલે ડોક્ટર પાસે જઈને સેટિંગ કરી આવ! એની બોલતી બંધ થઈ જાય એવું કંઈ કરી દે!”

મુરલી એની જગાએથી ઊભો થયો અને પગમાંથી જૂતું નીકાળતા, સહેજ ગુસ્સે થઈને બોલ્યો, “હવે તમે સીધી રીતે જશો કે મારે આનો પ્રયોગ કરવો પડશે. સાલા લુચ્ચાઓ, મગજમાં ગ્લુકોઝ ઘટી ગયો લાગે છે જટ જઈને કંઇક ચા નાસ્તો કરી લો નહિતર હું અહીં જ મેથીપાક ખવડાવીશ!”

“ચાલો ભરતા ભાઉ હવે સાયેપ ને આપણી જરૂર ની મલે. આપણે આપણા જંગલમાં ભલા. મળીએ પછી!” બંને જણા એકબીજાને તાલી આપીને, ખભે હાથ ભરાવીને નીકળ્યા.

મુરલી બંને દોસ્તોને જતા જોઈ રહ્યો. શું સંબંધ હતો આ લોકો જોડે? કમાલની ચીજ બનાવી છે ઉપરવાળાએ દુનિયામાં, દોસ્તી! જ્યારે બધા રંગ ફિકા પડી જાય ત્યારેજ રંગ લાવે છે, દોસ્તી!

કલાક થયો હશે. નર્સે આવીને કહ્યું, “દર્દી ભાનમાં આવી ગયું છે. તમે એમની સાથે થોડીવાર બેસી શકો છો. એમને બોલવા ના દેતા.”

મુરલીતો ક્યારનોય આજ પળની રાહ જોઈ રહ્યો હતો. એ ભાગ્યો એની ક્રિષ્ના પાસે. બંનેની નજર એકબીજા સાથે ભળતાજ બેઉ દિલ ખુશ થઈ ગયા. કેટકેટલી વાતો કરવાની હતી મુરલીને ક્રિષ્ના સાથે, છ મહિનાથી ભેગી કરી રાખેલી બધી વાતો મોકો મળતાજ એ ભૂલી ગયો ! બોલવા માટે હોઠ ખુલ્યા પણ એકે શબ્દ બહાર ના આવ્યો.

“તું અહીં,” ક્રિષ્નાએ બોલવાની કોશિશ કરી કે તરત મુરલીએ એની પાસે જઈ એને ચૂપ રહેવાનો ઈશારો કર્યો.

“તારે હમણાં બોલવાનું નથી. હું તને બધી વાત કરીશ. તું બસ, સાંભળ!”

ક્રિષ્નાએ આંખોથી જ “હા” કહી. મુરલીએ એ અહી સુધી કેવી રીતે પહોંચ્યો એની વાત વિગતવાર જણાવી. એના મેસેજ વિશે, નટખટ વાંદરા વિશે, ભારત ભારત વિશે અને ભરતભાઈ વિશે પણ જણાવ્યું. ભારત ભારતની ફેસબુક પોસ્ટ જોઇને ક્રિષ્નાને એ માણસ નહતો ગમ્યો. મુરલી એની સાથે દોસ્તી રાખે એમાં પણ એને વાંધો હતો પણ એજ ભરતભાઈ છે એમ જાણીને એને ખૂબ જ આશ્ચર્ય થયું.
દરવાજે આવીને ઊભા રહી ગયેલા વાસુદેવભાઇએ ધીરેથી જશોદાબેનને કહ્યું, “કેટલા દિવસે આપણી દીકરીને આમ હસતા જોઈ! બંને વચ્ચેનો આટલો બધો પ્રેમ તમારી નજરે નથી ચઢતો? ક્યાંથી ચઢે, તમે તો નરેન્દ્ર જેવાને પ્રેમ કરતાતા, હૈં?”

“આ શું કહો છો? કોણ નરેન્દ્ર?” જશોદાબેન ફફડી ગયા.

“આટલી ઉંમરે હવે તો સાચું બોલ ડોશી!” વાસુદેવભાઇ જશોદાબેન સાથે રૂમની બહાર જઈને કહી રહ્યા, “મારી દીકરી તારી આગળ એના મનની મૂંઝવણ કહી રહી હતી ત્યારે તમે જ આ વાત કરેલી ને...તમને એમ હું ક્યાં સાંભળું છું! હું તને “ના” કહી દઉં એટલે જ તે સીધીસાદી હોવાનું નાટક કરેલું. અને હું એમાજ ફસાઈ ગયો.”

“ફસાઈ ગયો એટલે? જવાન છોકરીના બાપ થઈને આ તમે કેવી વાતો કરો છો! શરમાઓ જરા....કોઈ સાંભળી જાય તો?”

“તો મને કંઈ ફરક નહિં પડે પણ, તું કાન ખોલીને સાંભળીલે ક્રિષ્ના અને મુરલી વચ્ચે હવે તું કોઈ વાંધો નહિ ઉઠાવે. એ જે છે, જેવો છે મારી દીકરી માટે યોગ્ય! કાલ શું થવાનું કોને ખબર? જો એની મરજી વિરુદ્ધ એના લગ્ન કરાવશું તો એ આખી જિંદગી દુઃખી જ થશે, જો એની મરજી મુજબ લગ્ન કરાવશું તો જ્યાં સુંધી બંને વચ્ચે પ્રેમ છે ત્યાં સુંધી તો બંને રાજી રહેશે ને!”

થોડા દિવસો બાદ ક્રિષ્નાની હાલતમાં ઘણો સુધારો આવી ગયો. મુરલી અને વાસુદેવભાઇ બંને એનો રીપોર્ટ લેવા ગયેલા. ક્રિષ્નાના મગજની ગાંઠનો....એ રિપોર્ટ કહેતો હતો કે એને કેન્સરની ગાંઠ હતી. મુરલીએ બધાને કહ્યું કે, એ ગાંઠ કેન્સરની ન હતી. ફક્ત વાસુદેવભાઇ જાણતા હતા કે મુરલી જુઠ્ઠું બોલ્યો પણ, એમનેય એ જ સારું લાગ્યું. ક્રિષ્ના ખૂબ જ ખુશ હતી એની આ ખુશી આગળ એનો બાપ સો જુઠ માફ કરવા તૈયાર હતા.

ક્રિષ્નાને રજા મળી પછી બધા અમદાવાદ પાછા ફર્યા. મુંબઈની ઘણી બધી યાદ સાથે લઈને. મુરલીના બધા મિત્રો હવે ક્રિષ્નાના પણ મિત્રો હતા. પાર્થ એના માટે છોકરી પસંદ કરી ક્રિષ્નાને મળાવવા લઈ આવેલો. છોકરી ખૂબ સુંદર અને એની મમ્મીની પસંદ પ્રમાણેની હતી. ક્રિષ્નાને એ જોઈ આનંદ થયો.

મુરલી સાથે એ બેંગલોર પણ જઈ આવી. ત્યાં બધું એવું ને એવું જ હતું. ક્રિષ્ના અને મુરલીના ફોટા પાર્થને શિવાનીએ મોકલેલા એ શિવાનીએ જ કબુલેલું મુરલી આગળ, એ જાણીને ક્રિષ્ના ખૂબ ગુસ્સે થયેલી પણ મુરલીએ એને સમજાવી કે એને જે કંઈ કર્યું એ એના પ્રેમે એની પાસે કરાવેલું.....શિવાની મુરલીને ચાહતી હતી એ, જાણીને ક્રિષ્નાને નવાઈ લાગેલી. ખાસ તો શિવાનીને બતાવવા જ ક્રિષ્ના મુરલીના હાથમાં હાથ નાખીને એની જૂની ઓફિસે ગયેલી. સ્ત્રીસહજ ઈર્ષ્યાથી ક્રિષ્ના શિવાનીને બાળવા માંગતી હતી. ઑફિસમાં એ મીરા, આસ્થા, સરિતા, માધુરી અને એના જૂના બૉસને પણ મળી હતી. મીરાંએ એને જણાવ્યું કે શિવાની અને આસ્થાને કંપનીમાં જ જોબ મળી જશે. ક્રિષ્નાને નવાઇ લાગી હતી. એણે વિચારેલું કે, શિવાનીતો જોબની હકદાર છે જ, એની હોંશિયારી એને આ જોબ અપાવે એમાં નવાઈ જેવું નથી પણ, એની સાથે કદાચ માધુરીને જોબ મળી જશે એવું એનું માનવું હતું....એને તે સાંજે માધુરીના રૂમમાં જોયેલું બિભિત્સ દૃશ્ય યાદ આવી ગયું. એ પછી તો પોતે અમદાવાદ આવી ગયેલી અને અહીંની ટ્રેનીંગ અધૂરી જ છોડવી પડેલી. માધુરી માટે આજે ખબર નહી કેમ પણ ક્રિષ્નાને ખોટું લાગ્યું. એ ખોટી હતી એ વાત સાચી પણ, એણે જે કંઈ કર્યું એ નોકરીની લાલચમાં કર્યું. એને ખૂબ જરૂર હશે એની પરંતુ પેલો હવસખોર બોસ! એનું શું? એ ફક્ત પોતાની વાસના સંતોષવા કેટ કેટલી છોકરીઓ જોડે આવી છેતરપિંડી કરશે? એને ક્યારેય સજા નહીં થાય?

ક્રિષ્ના અને મુરલી બંનેએ લગ્નતો સાદાઈથી કરેલા પણ એમનું રિસેપ્શન ભવ્ય હતું. એમના બધાજ મિત્રો હાજર રહેલા, ખૂબ મસ્તી કરેલી બધાએ, એનું વીડિયો રેકોર્ડિંગ જોઈ ક્રિષ્ના અને મુરલી કેટલીયે વાર હસેલા......નટખટ, ભારત, ભરત ઠાકોર, કેતુલ પ્રજાપતિ, નિમિષ, ભૂમી, મીરાં, જસ્સુ, પાર્થ બધાએ ભેગા મળીને આખી રાત નાચેલું. ભારત ઠાકોર તો રોઝીને જોઈને પાગલ થઈ ગયેલો... એણે મુરલી સાથે દોસ્તીનો હાથ મિલાવી એનું રોઝી સાથે પાકું કરવાની વાત પણ કરેલી ! જ્યારે મુરલીએ એને જણાવ્યું કે રોઝી પરણેલી છે ત્યારે ભરત ઠાકોરનું દિલ જ તૂટી ગયેલ. રહી રહીને એને આજે એના ગોરા રંગ પર પસ્તાવો થતો હતો. એના માટે બધી રૂપાળી છોકરીઓને કાળિયા જ ગમે છે....

ક્રિષ્ના માટે આ જિંદગી નવી હતી. કદી સપનામાં પણ વિચાર્યું ન હોય એટલું સુખ અચાનક એના જીવનમાં આવી ગયેલું. આખો દિવસ ક્યાં પસાર થઈ જતો ખબર જ ના પડતી! અને રાત આવતી રોજ એક નવી સોગાત લઈને! મુરલીના શરીર સાથે, એની આત્મા સાથે જોડાઈને પડી રહેવું એને ગમતું. હર ઘડી મુરલી એની સાથે જ રહેતો. જ્યાં પણ એને જવાનું થતું એ ક્રિષ્નાને સાથે લઈનેજ જતો. આખું બેંગલોર, એના એક એક બગીચા, એક એક તળાવ, એક એક ગલીમાં એ ફરી હતી, મુરલી સાથે! એના હાથમાં પોતાનો હાથ પરોવી! બે વખત ઊંટી પણ જઈ આવેલી અને ત્યાં જઈને હોટેલમાં નહિ પણ જંગલમાં આવેલા ઝુંપડામાં રાત રોકાયેલી. આટલું નજીકથી વન્ય જીવન જોવાની એને ખૂબ મજા પડેલી....એક વખત આખો દિવસ ગીતો ગાતી, હરણાં અને હાથીના ફોટા પાડતી એ થાકી ગઈ ત્યારે મુરલીએ એના માટે બે ઈંટોનો ચૂલો પેટાવી એની પર રસોઈ બનાવી જમાડી હતી. એ રાતે ખૂબ ઠંડી હતી, બંને જુવાન હૈયા એકબીજામાં ભળીને, પોતાના અસ્તિત્વને એકમેકમાં ઓગાળીને સૂતા હતા ત્યારે ક્રિષ્નાએ એની ગર્ભ ન રહી જાય એ માટે લેવાની ગોળી ફેંકી દીધેલ....

લગ્નને બે વર્ષ પુરા થઈ ગયા હતા. ક્રિષ્નાને માથામાં એક ભાગ થોડો ઉપસી આવ્યો હોય એવું લાગતું હતું. એક નાનું ઢીમચું માથામાં ઉપસી આવેલું. મુરલીના ધ્યાન એ વાત આવતાં જ એણે તરત ચેક કરાવેલું. ગાંઠ હતી. વાસુદેવભાઇ અને જશોદાબેન બંને આવી ગયેલા. ફરી ઓપરેશન થયું. ગાંઠ નીકળી ગઈ. લાંબા વધેલા વાળ પાછા કપાઈ ગયા. ક્રિષ્નાને હવે શક થવા માંડેલો કે, એને કેન્સર જ છે! મુરલીની છાના ખૂણાની ઉદાસી અને દિવસરાતની દેખભાળનું કારણ હવે એને બરોબર સમજાઈ ગયું હતું. એના પતિ અને પપ્પા, એની દુનિયાના બે આધારસ્તંભ જ એની આગળ જૂઠ બોલ્યા હતા...!!