Niyati - 35 in Gujarati Fiction Stories by Niyati Kapadia books and stories PDF | નિયતિ - ૩૫

Featured Books
Categories
Share

નિયતિ - ૩૫


ટાટા મેમોરિયલ હોસ્પિટલના દરવાજે ઉભેલા પાર્થ અને મુરલી એકબીજાને જોઈ રહ્યા હતા. બંનેની નજરમાં એક જ સવાલ હતો, તે ક્રિષ્નાનું જરીકે ધ્યાન ના રાખ્યું ? ટાટા મેમોરિયલ મુંબઈની જાણિતી કેન્સરની સારવાર માટેની હોસ્પિટલ છે. અહી ક્રિષ્નાનું ઑપરેશન ચાલે છે મતલબ ? મતલબ સાફ હતો અને એ બંને સમજી પણ ગયા હતા.

“ કેમ ઊભો રહી ગયો ? ચાલ અંદર જઈએ. ” ભરતભાઈએ પાર્થ સામે એક નજર નાખતા કહ્યું.

“ પાર્થ. ક્રિષ્નાનો દોસ્ત. ” મુરલીએ પાર્થની ઓળખ આપી, “ તને ખબર હતી ક્રિષ્ના અહીં ?” મુરલીએ પાર્થને પૂછ્યું.

“ ના. એ લોકોનો ફોન સ્વિચ ઑફ આવતો હતો એટલે મેં પપ્પાને પૂછેલું. મને હિંમત અંકલનો નંબર મળ્યો એમણે જ અહી આવવાનું કહેલું. ” પાર્થ શાંતિથી બોલ્યો. અમદાવાદથી મુંબઇ ડ્રાઈવ કરીને એ થાક્યો હતો. રસ્તામાં થોડીકવાર એક જગાએ રોકાઈને ચા સાથે એક સેન્ડવીચ લીધેલી એ સિવાય એણે આખો દિવસ ગાડીમાં જ પસાર કરેલો.

“ તું અહીં કેવી રીતે આવ્યો ?”

“ શું છેને પાર્થભાયા એ બઉ જ લાંબી વાત છે, પહેલા આપણે અંદર જઈએ પછી એ વાતો કરીશું.” નટખટ મુરલીનો હાથ પકડી એને આગળ ચાલવાનો ઈશારો કરતા બોલ્યો.

આગળ મુરલી અને એના દોસ્ત, એમની પાછળ પાર્થ ચાલી રહ્યો. રીસેપ્સન પર નટખટ અને ભરતભાઈ પૂછતાછ કરવા ગયા. મુરલી ત્યાં લોબીમાં પડેલી ખુરશીમાં બેસી પડ્યો. એના પગમાં જાણે ઊભા રહેવાની શક્તિ જ ન હતી. કોઈ અજાણ્યા ફફડાટથી એનું દિલ ફફડી રહ્યું હતું....

પાર્થ એની બાજુની ખાલી ખુરશીમાં બેઠો. “ મને સવારે એક મેસેજ મળેલો. ક્રિષ્નાનો. એમાં એ બોલતી હતી કે એ હવે આ દુનિયામાં, ” પાર્થે વાક્ય પૂરું ન કર્યું.

“ મને પણ એવો મેસેજ મળેલો. આજે સવારે. એટલે જ હું અહી આવ્યો.” મુરલી ખૂબ ધીરેથી એક એક શબ્દ છૂટો પાડીને બોલ્યો.

“ ચાલ વ્હાલા ! ઉપર જવું પડશે !” નટખટ મુરલીનો હાથ પકડતા બોલ્યો. મુરલી એનો હાથ પકડેલો રાખીને ઉપર ગયો. સીડીઓ ચઢતા ચઢતા એના પગ વારંવાર રોકાઈ જતા હતા. પાછળથી ભરતભાઈ એને ખભે હળવો ધક્કો મારી એને ઉપર ઠેલતા રહ્યા.

ઉપરના માળે જ્યાં સીડીઓ પૂરી થઈ ત્યાંજ એક પાટિયું મારેલું જ ઓપરેશન થીએટર તરફ જવાનો રસ્તો બતાવતું હતું. બધા એ તરફ આગળ વધ્યા. સફેદ દીવાલો પર અડધે સુંધી સફેદ ટાઈલસ જડેલી હતી. એવીજ સફેદ ટાઈલસ નીચેની ફર્શ પર પણ જડેલી હતી. ઉપર સિલિંગ પર થોડા થોડા અંતરે જડેલી ટ્યુબલાઈટ પણ સફેદ પ્રકાશ રેલાવતી હતી. આટલી બધી સફેદી વચ્ચેય આખું વાતાવરણ બોઝિલ લાગી રહ્યુ. થોડેક આગળ વધતા એક લાંબી લોબીમાં થોડા માણસો દેખાયા. એ લોકો એમની તરફ આગળ વધ્યા.
જે જગાએ ક્રિષ્નાની સારવાર ચાલી રહી હતી એ રૂમની બહાર લાકડાની એક બેંચ મુકેલી હતી. એની ઉપર જશોદાબેન માથું નીચું ઢાળીને બેઠા હતા. એમની બાજુમાં એક વૃધ્ધ હાથમાં માળા ફેરવતા બેઠા હતા. એ જ હિંમતભાઈ હશે એમ બધાને લાગ્યું. વાસુદેવભાઇ આમથી તેમ આંટા ફેરા કરતા હતા. એમના ચહેરા પરનો ઉચાટ સાફ દેખાઈ આવતો હતો. એક પગે હજી લકવાની અસર હતી એને ઢસડાતા એ ઘોડીને સહારે ફરી રહ્યા હતા. મુરલીએ નટખટનો હાથ જોરથી દબાવીને પકડી રાખ્યો.

“ મારો બજરંગી બધું સારું કરશે. તું હિંમત રાખ. " નટખટ ધીરેથી બોલેલો છતાં ત્યાં બેઠેલા દરેકની નજર આ નવા પધારેલા માનવીઓ તરફ ગઈ. એક પળ કોઈ કંઈ જ ના બોલી શક્યા.

જશોદાબેન મુરલીને જોઈ રહ્યા. એમની આંખમાંથી આંસુની ધાર વહી રહી. એમને રડતાં જોઈને મુરલીના દિલમાં ફડકો પડ્યો. એ ઝડપથી બે ડગલાં આગળ વધ્યો અને જશોદાબેનના પગ પાસે ઘૂંટણિયે બેસી પડ્યો.

“ ક્રિષ્ના..?” એના ગળે ડૂમો બાઝી ગયેલો એ માંડ આટલું જ બોલી શક્યો. એની આંખો જશોદાબેનની આંખોને તાકી રહી.

“ અંદર છે. ઓપરેશન ચાલુ છે. ” એમણે આંખમાંથી સરી જતાં આંસુ લૂછ્યા વિના જ જવાબ આપ્યો.

મુરલી બેઠા બેઠાજ થોડો પાછળ હટ્યો. એની પીઠ પાછળની દીવાલને અડી અને એ આંખો મીચી એમને એમ જ પલાઠી વાળીને બેસી રહ્યો. એની બંધ આંખોમાંથી આંસુ સરી પડ્યા જેને એણે હાથ વડે જ લૂંછી નાખ્યા.

વાસુદેવભાઇ અહીં સુધી આવીને અટક્યા હતા. મુરલી અને પાર્થ સામે એક નજર નાખી એમણે જશોદાબેન સામે જોયું હતું. એ નજર જાણે પૂછી રહી હતી, આ લોકો અહી કેવી રીતે આવી ગયા ? જશોદાબેને સહેજ માથું હલાવેલું અને એમના પતિદેવ સમજી ગયેલા કે એમના શ્રીમતીજી આ બાબતે અંજાન છે. એ એક નિશ્વાસ નાખી ફરી ચાલતા ચાલતા લોબીમાં દૂર સુંધી ગયા. એમણે વિચાર્યું કે આ ભગવાનની કેવી લીલા છે. એમની દીકરી માટે બે બે હીરા જેવા મુરતિયા આપ્યા અને પછી એમની દીકરી ને જ ! પાર્થને એ વરસોથી ઓળખતા હતા. એ હંમેશા એમની દીકરીને ખુશ રાખશે એમાં કોઈ બેમત ન હતા. એની મમ્મીનો સ્વભાવ જરાક ચિંતાજનક હતો પણ, કોના ઘરમાં આવું એકાદ સભ્ય નથી હોતું ? મુરલીને જોઈ એમની આંતરડી ઠરી હતી. એ પોતે કંઈ જવાબ નહતા આપી શકતા છતાં મુરલી એમની સાથે બેસી વાતો કરે જતો હતો. એકવાર બપોરના એમને બાથરૂમ જવું હતું. જશોદાબેન ક્યાંક બહાર હતા ત્યારે એમની તકલીફ તરત પામી જઈ એ છોકરાએ બેડ પેન મૂકી આપેલું. એવું કામ તો ઘણા સગા દીકરાઓ પણ નથી કરતા આજકાલ ! જ્યારે એમની તબિયત બગડી હતી ત્યારે મુરલીએજ દોડાદોડી કરીને ડોકટરને બોલાવેલા અને સમયસર સારવાર મળી જતા એ આજે જિંદા હતા. સૌથી વધારે તો ક્રિષ્ના એને દિલ દઈ બેઠી હતી એ અગત્યનું હતું ! ઓ મારી દીકરી એકવાર તું સાજી થઈ જા પછી તું કહીશ એની સાથેજ તારા લગ્ન કરાવીશ. કોઈ તને કંઈ નહિ પૂછે !

પાર્થ જશોદાબેન પાસેની ખાલી જગામાં બેઠેલો. એના મનમાંય ભગવાનને પ્રાર્થના ચાલતી હતી, ક્રિષ્નાનું ઓપરેશન હેમખેમ પાર પડી જાય....એ બસ, ક્રિષ્નાની માફી માંગવા આવ્યો હતો. એ દિવસે ક્રિષ્નાને એ પૂછી બેઠેલો કે એ પ્રેગ્નનટ છે, જે એની સૌથી મોટી મૂર્ખામી હતી ! ક્રિષ્ના મુરલી તરફ જે રીતે પ્યારભરી નજરોથી જોતી હતી એ નજરોથી પાર્થ આખેઆખો સળગી ગયો હતો. ક્રિષ્ના કોઈ બીજાને ચાહી શકે એવું એ વિચારી પણ નહતો શકતો. આ બળતરાએજ એની વિચારવાની ક્ષમતા કુંઠિત કરી મુકેલી.....

આબાજુ ભરતભાઈ એ ગજવામાંથી ફોન કાઢીને હિમતભાઈને આપતા કહેલું, “ વડીલ આ ફોન. આ લોકો મારા ઘરે રોકાયેલા. જે દિવસે મુંબઈ આવેલાને ત્યારે. આ એમનો ફોન ત્યાં ભૂલી ગયાતા.”

“ આભાર ભાઈ. ” હિંમતભાઈ ફોન લેતા બોલેલા.

“ શું થયું છે ક્રિષ્નાબેનને ?” એમણે હળવે રહીને પૂછ્યું.
ક્યારનાય ચૂપચાપ બેઠેલા હિંમતભાઈને બોલવાનો મોકો મળતાં એ કદાચ એમને સારું લાગ્યું. એમણે શરૂથી લઈને અંત સુધીની બધી વાત કરી....

ક્રિષ્નાને અચાનક કોઈ વખતે માથામાં અસહ્ય દુઃખાવો ઉપડતો હતો. થોડીવાર જીવલેણ દુખતુંને પછી એની જાતેજ મટી જતું. પહેલા તો ક્રિષ્નાએ એ બાબતે બહુ ધ્યાન ના આપ્યું. વાસુદેવ હોસ્પિટલથી ઘરે આવ્યો, સાજો થઈને, ત્યારે એની આગળ આવો દુખાવો ઉપડતા એને ચિંતા થઇ. એ એને હોસ્પિટલ લઈ ગયો અને તપાસ કરાવી. ડોક્ટરે સીટી સ્કેન કરાવ્યું પછી ખબર પડી કે, એના માથામાં એક ગાંઠ છે ! કદાચ વરસોથી હશે. એ ગાંઠ હવે મોટી થઈ રહી હતી. જો તાત્કાલિક ઓપરેશન ના કરાવે તો બની શકે કે ક્રિષ્ના હંમેશા માટે જોવાની શક્તિ ગુમાવી દે કે, કયારેય બોલી ના શકે, કોઈ કોઈ એવી નસ દબાઈ જાય તો એને લકવોય પડી શકે. ડોકટરે ચોખ્ખું કહ્યું પચાસ પચાસ ટકાનો ચાંસ છે, ઓપરેશન સફળ જવાના ! જો સારવાર ના કરાવે તો ગમેત્યારે જીવનું જોખમ પણ ખરું. ડોક્ટરે કહ્યુ કે ઓપરેશન કરાવી લેવું જ એક ઉપાય છે. હજી ખબર નથી એ ગાંઠ કેન્સરની છે કે સાદી. ઓપરશન પતિ જાય પછી એ ગાંઠની તપાસ કરીને જણાવશે. જો ગાંઠ કેન્સરની હોય તો ફરી થવાની શક્યતા રહે સાદી હોય તો ઓપરેશન પછી ફરી નઈ થાય.”

આ બધી વાતો ચાલતી હતી ત્યારેજ ઓપરેશન થિયેટરનું બારણું ખૂલ્યું અને ડૉક્ટર બહાર આવ્યા. બધા લોકોની નજર એમના પર આશાભરી મીટ માંડી રહી. વાસુદેવભાઇ તરત એમની પાસે ગયા, નટખટ અને ભરતભાઈ પણ એમની સાથે ડૉક્ટર પાસે ગયા. પાર્થ અને જશોદાબેન એમની જગાએ ઊભા રહી ડૉકટરના જવાબની રાહ જોઈ રહ્યા હતા. મુરલી હજી એમજ એની જગાએ બેસી રહેલો. બંધ આંખોમાંથી થોડી થોડી વારે આંસુ સરી જતાં હતા એ કદાચ જૂની યાદોમાં પહોંચી ગયો હતો. એની મમ્મીને એણે આમ જ હોસ્પિટલમાં જોઇ હતી, છેલ્લી વાર, એના પપ્પા અને દાદા પણ હોસ્પિટલના પલંગ પર આખરી શ્વાસ લઈને ગયેલા. હોસ્પિટલ આવતાજ એના ટાંટિયા ધ્રુજવા લાગતા ! આજે ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ છે પચાસ ટકા જીવવાના તો પચાસ ટકા મરવાના, ફિફ્ટી ફિફ્ટી ચાંન્સ છે ! જો એને કંઈ થઈ ગયું તો ? આ સવાલનો જવાબ વિચારવાની હિંમત એ ખોઈ બેઠો છે.....બંધ આંખે એ બસ, એની મમ્મીને વિનવી રહ્યો, એતો પોતે ભગવાન પાસે છે તો એમના દીકરા માટે આટલું એક કામ નહિ કરે ! એ ભગવાનને વિનવસે તો ભગવાન ચોક્કસ માની જશે......

“ સાહેબ ક્રિષ્નાને કેવું છે ?” વાસુદેવભાઇએ રડમસ, સહેજ ડરેલા અવાજે પૂછ્યું.

“ ક્રીતિકલ કંડીશન છે. ઓપરેશન થઇ ગયું છે. અડધા ઇંચની ગાંઠ હતી એ નીકાળી લીધી છે. હવે ભાનમાં આવે એની રાહ જોવાની રહી. નેવું ટકાતો ભાનમાં આવી જ જશે ! ભાનમાં આવે પછી આગળ તપાસ કરીશું.”

નેવું ટકા ભાનમાં આવી જશે અને દસ ટકા ભાનમાં નહિ આવે, એટલે શું ? એમની દીકરી હંમેશા બેભાન રહેશે.... કે મરી...ના. ના. એક બાપના દિલે આગળ વિચારવાની ના પાડી. હમણાં એ ભાનમાં આવી જ જશે એમ વિચારવાનું એમને મુનાસીબ લાગ્યું...

“કાકા તમે બેસો અહી.” નટખટે વાસુદેવભાઇને ખુરશી તરફ હાથ ધરતા કહ્યું, “ એનેસ્થેસિયાની અસર હોય એટલે ભાનમાં આવતા વાર લાગે. ભારે ઓપરેશન હોય એટલે વધારે સમય બેભાન રહે એવી શીશી સુંગાડી હશે. અડધી કલાકમાં ભાનમાં આવી જ સમજો.”

નટખટની વાતો એમને ગમી. ક્યારનાય આંટા મારી રહેલા એ લાકડાની બેંચ પર બેઠા. કોઈને અંદર જવાની હાલ મનાઈ હતી. જશોદાબેનને પાર્થ હાલની પરિસ્થિતિ સમજાવી રહ્યો હતો. ભરતભાઈ નીચે જઈને રોડ પરની એક લારીવાળાને ચાનો ઓર્ડર આપી આવ્યા હતા. એક પંદરેક વરસનો છોકરો બધા માટે નાના નાના પ્લાસ્ટિકના કપમાં ચા લઈને આવેલો. હિંમતભાઇએ એક કપ લીધો અને વાસુદેવભાઇ તેમજ જશોદાબેનને પણ આગ્રહ કરીને લેવડાવ્યો.

“ હમણાં દીકરી ભાનમાં આવે ત્યારે તમે ચક્કર ખાઈને ના પડતા ! ” એ વાકયે બધા સહમત થયેલા. ફક્ત મુરલી હજી એમને એમ બેસી રહેલો. ભરતભાઈ અને નટખટ બંને એની આજુબાજુ જમીન પર બેસી ગયા. ભરતભાઈ એના ખભા પર હાથ મૂકતા બોલ્યા,

“ હમણાં એ ભાનમાં આવી જશે.” પછી ડોક્ટરે જે કહેલું એ ફરી મુરલીને કહી સંભળાવ્યું. મુરલીએ આંખો ખોલી હતી. એની આંખોમાં જાણે લોહી ઉતરી આવ્યું હોય એટલી લાલ હતી.

“ ચાલ ઊભો થા. બહાર લોબીમાં જઈને બેસીએ. ” ભરતભાઈ એનો હાથ ખેંચીને એને પરાણે ઊભો થવા ફરજ પાડી.

એ લોકો બહાર ખુલ્લી અગાસીમાં આવ્યા. પાળી પાસે જઈને બધા અટક્યા. સવાર પડવાની શરૂઆત થઈ ગયેલી. કેટલા વાગ્યા એ જોવાની કોઈને જરૂરત નહતી જણાઈ. નીચે રોડ પર લોકોની અવરજવર ચાલુ થઈ ગઈ હતી. હોસ્પિટલ આગળથી પસાર થઈ જનારા કે એમના સગાને સાથે લઈને બહાર જનારા કેટલા સુખી હતા ! ભગવાન કોઈને હોસ્પિટલના પગથિયા ના ચઢાવે. મુરલી વિચારી રહ્યો હતો. એની હાલત જોઈને એક ત્યાં પહેલેથી ઉભેલા ભાઈએ પાસે આવીને શું થયું એમ પૂછેલું. હોસ્પિટલની આ અચરજભરી વાત છે, બધા અજાણ્યા લોકોય એકબીજાની ખબર પૂછે, ભલે થોડીવાર માટે જ પણ બધા એકબીજાના હમદર્દ બની જાય. અમારા અને તમારા સગામાથી કોણ જલદી ઘર ભેગુ થશે એ ચર્ચા કરવાની બધાને મજા પડે.

“ મારું નામ દેવ છે, દેવ દ્વારકાવાળો તરીકે આખું દ્વારકા ઓળખે મને.” ભરતભાઈ અને નટખટ બંને એકબીજા સામે જોઇને હસ્યા. આ ભાઈ પણ એમના મિત્ર હતા ફેસબુક પર. સાચુકલી દુનિયામાં એકબીજાને એ લોકો ઓળખતા ન હતા !

હોસ્પિટલની આ બીજી ખાસિયત જે નવું મળે એને એના, “શું થયું ?” ના જવાબમાં આખી કેસ હિસ્ટ્રી જણાવવી પડે, એ એના કોઈ સગાને આવી જ બીમારી થઈ હતી એની કેસ હિસ્ટ્રી આપે તે એકદમ ચિંતિત થઈને સાંભળવી પડે અને એની સલાહ પણ તમે ૧૦૦ ટકા અમલમાં મુકવાના જ છો એમ માની સુનવી પડે ! પછી હાલ એ અહી કેમ આવ્યા છે એ સાંભળવું પડે. એમના સગાની હાલત, બીમારી બધા વિશે ચર્ચા કરવી પડે, નહિતર તમે સાવ લાગણીવિહિન, પથ્થર દિલ માણસમાં ખાપી જાઓ !

દેવભાઈ અહી એમના એક સંબંધીની ખબર પૂછવા આવેલા એટલું કહીને અટકી ગયા. નટખટ અને ભરતભાઈને બચી ગયા જેવી ફિલીંગ આવી જ રહી હતી કે દેવભાઈએ મુરલી સામે જોતા કહ્યું,

“ હું તારી વ્યથા સારી પેરે સમજુ છું. દિલાશો નથી આપતો પણ, બે શબ્દ તને વાંચી સંભળાવિશ ! તું કોઈ કુટુંબીજન હોત તો ના કહેત પણ, એક અજાણ્યો દોસ્ત માનીને કહું છું. ઈશ્વર ખૂબ દયાળુ છે. દરેક દુઃખ આપણને આપતા પહેલા જ એણે એનો ઉકેલ શોધી લીધો હોય છે. આપણે ધીરજ રાખવાની એ ઉકેલ મળે ત્યાં સુંધી. આ ચોપડી છે મારી પાસે એમાંથી કોઈ પણ એક પેજ ખોલી, કોઈ એક ફકરો હું તને વાંચી સંભળાવું છું, એ તને કામ લાગસે જોજે, ક્યારેક ને ક્યારેક !

થોડીવાર અટકીને એમણે એમના હાથમાંનું પુસ્તક બંધ કર્યું અને વચ્ચેથી કોઈ એક પાનું ખોલી વાંચવાનું ચાલુ કર્યું. થોડું મોટેથી, મુરલી સાંભળી શકે એમ,
“તમને સ્પર્શવું એ જ પ્રેમ નથી મારા માટે.... તમારી સાથે જીવવું એ પણ પ્રેમનો પર્યાય નથી મારે માટે.... આપણે એક છત નીચે જીવીએ તો જ પ્રેમ.?.. મારે માટે પ્રેમ એ એક આકાશ નીચે ઊભા રહીને એ આકાશ તરફ જોઈને તમારા સ્મિતની કલ્પના કરવી, એ જ છે...સખી, મેં સતત અને સહજ ભાવે પ્રેમ કર્યો છે તમને.. આ ક્ષણે પણ કરું છું અને એટલે જ કદાચ આ અપૂર્ણ રહી ગયેલા સંવાદની અપૂર્ણતાએ મને અટકાવી રાખ્યો હતો.... પ્રેમ મારા દેહવિલય પછી પણ રહેશે... દેહ અને પ્રેમને જોડનારાઓ અપૂર્ણ છે... સાચા અર્થમાં દેહથી પ્રેમને જુદો પાડીને જુઓ સખી! તમે જે કૃષ્ણને પ્રેમ કરો છો અથવા જે કૃષ્ણને પ્રેમની અપૂર્ણતા અંગે ફરિયાદ કરો છો એ કૃષ્ણ કોઈ દેહ નથી, એ કૃષ્ણ તો તમારી કલ્પનામાં જીવતો એક પ્રેમ છે, સ્વયં..!! ”

દેવભાઈ ચાલી ગયા પછી પણ એમના શબ્દો મુરલીના કાનમાં ગૂંજતા રહ્યા. અત્યારે આ ઘડીએ એક સાવ અજાણ્યા માણસ પાસેથી આવું પ્રવચન સંભળાવી નિયતિ શું સાબિત કરવા માંગે છે ? સવાલ ઊભો થયો જેને જવાબ ફક્ત સમય પાસે હતો. એ આવનારા સમયની રાહ જ જોવી રહી....